પ્રકૃતિ પર્યાવરણ અને લોકઇજનેરી કૌશલ્યની છડી પોકારતા- કચ્છી ભૂંગા

કોઈ નવોઢા નારીના નખના પરવાળા જેવી નાનકી એવી કહેવત લોકસમાજના માનવીની સમજણ અને વ્યવહારકુશળતાની કેવડી મોટી વાત કહી જાય છે ?

‘ઘર તોડી જો.
ને વિવાહ માંડી જો.’
ઘર માંડવું કે સમારવું અને વિવાહવાજન વખતે ‘વરો’ કરવો એ કામ એવાં છે કે એમાં ખરચામણીનો અંદાજ રહેતો નથી. ધાર્યા કરતાં બમણો તમણો ખર્ચો થઈ જાય છે. આવા ખરચાને પહોંચી વળવા માટે બારે મહિના આવક ખેતરમાંથી મળે છે. એટલે તો કહ્યું છે કે ઃ

‘ઘર દીકરી ને ખેતર દીકરો.’
અર્થાત્‌: ઘર બનાવવામાં, એની શોભા સજ્જા કરવામાં રાચરચિલું વસાવવામાં-દીકરીના લગ્ન, આણાપરિયાણાં ને કરિયાવરમાં ઘસાઈ ગયેલા ઘરનો મોભી ખરચીખૂટ થઈ જાય છે, જ્યારે વારસામાં મળેલું બાપવારીનું ખેતર કમાઉ દીકરાની જેમ બારે મહિના ઘરમાં આવક આપે છે. એના ઉપરથી કોઠાસૂઝવાળા લોકસમાજના અનુભવી માનવીએ ઘરને દીકરી અને ખેતરને દીકરાની ઉપમા દીધી હશે ને !

જ્યાં આપણે જીવનભર સુખશાંતિથી રહીએ છીએ એ ઘર વિશે બહુ ઓછું જાણીએ છીએ. સંસ્કૃત શબ્દ ‘ગૃહ’ ઉપરથી ઘર શબ્દ ઉતરી આવ્યો છે. એનો અર્થ એ થાય છે આવાસ. હવા, પાણી, ટાઢ, તડકો ને દુશ્મનથી બચાવ થાય તેવું રહેઠાણ. ઘર સાથે જોડાયેલા કેટલા બધા શબ્દો લોકજીભે રમે છે ! એમાંના થોડાક ઃ
૧. ઘરકુકડી ઃ દિ’આખો ઘરમાં ભરાઈ રહેનાર માણસ, ૨. ઘરખટલો ઃ ઘરને લગતો સામાન, ૩. ઘરખેડ ઃ ઘેર ખેડવા રાખેલ જમીન, ૪. ઘર ખોરડાં ઃ માલમિલકત, ૫. ઘરગતું ઃ આત્મીય, ૬. ઘરઘરણું ઃ નાતરું, પુનર્લગ્ન કરવા, ૭. ઘરચોળું ઃ ભાતીગળ રેશમી ચૂંદડી, ૮. ઘરજમાઈ ઃ માથે આવી પડેલું હોય તેવું.

ઘરની કહેવાતો ય કેવી મજાની ઃ
૧. કૂવો વંઠે કબૂતર પેઠે
ઘર વંઠે ભગતડું પેઠે

૨. ઘરના પીરને તેલનો મલીદો ૩. ઘરમાં એંઠાં ને બારણે બેઠાં. ૪. ઘરમાં બોલે ડોકરાં ને બહાર બોલે છોકરાં ૫. ઘરમાં અંધારું ને ડેલીએ દીવા.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં જુદી જુદી જાતનાં ઘરનાં નામ આવેલા છે. જય, નંદ, કાંત, વિજય, ભદ્ર, ચૂડામણિ, સુભદ્ર વગેરે ૧૦૪ એક શાળ વાળાં, ૧૮૧ બે શાળવાળાં અને ૯ ચાર શાળવાળાં મળીને બસો ચોરાણું જેટલા આપણા ઘરનાં પ્રકારો મળે છે. એમા ક્યાંય ન આવતાં હોય એવા અને આજના ઇજનેરોને માથું ખંજવાળતા કરી મૂકે તેવા કચ્છી ભૂંગાની આજ વાત માંડવી છે.

ભૃંગ એટલે દર. ભગવદ્‌ગોમંડલમાં દર ના ખારવાળી જમીન, ખારોપાટ, ઘાટ, ખીણ, ગુફા, કંદરા એવા અઢાર અર્થો આપ્યા છે. એમાંનો એક અર્થ ઃ કોઈ પ્રાણીએ જમીનમાં રહેવા કરેલું કાણું કે છીદ્ર. સાપ, ઉંદર, કીડી વગેરે જીવજંતુને રહેવાનું ઘર. આ ભૃંગ શબ્દ ઉપરથી ભૂંગો શબ્દ ઊતરી આવ્યો હોવાનું શ્રી ખોડીદાસ પરમાર નોંધે છે. ભૂંગાના ત્રણ અર્થો આ પ્રમાણે છે ઃ ૧. વસંતૠતુના પ્રારંભે દેખાતું નાનું જીવડું. ૨. નબળું અશક્ત અને ૩. કચ્છી ઝૂંપડી. અમારા ભાલપ્રદેશમાં પ્રકાર ભેદે એને ‘કૂબો’ કહે છે.

હમણાં થોડાં વરસોથી રણઉત્સવને કારણે પ્રવાસન સ્થળ તરીકે સુવિખ્યાત બનેલા કામણગારા કચ્છને કુદરતે રણ, દરિયો ને ડુંગરની અપાર સમૃદ્ધિ અર્પી છે. અહીંની ખમીરવંતી અને ખંતીલી પ્રજાએ વિટંબણાઓના વન વચ્ચે અનેક આર્થિક કઠણાઈઓ વેઠીને પોતાની આગવી કલા, સંસ્કૃતિ અને સંસ્કારોને વિકસાવ્યા છે. લોકસમાજની અભણ બાઈઓએ પોતાની હૈયાંઉકલત અને સૌંદર્યદ્રષ્ટિથી ઘરખોરડાં, ઓરડાં અને રહેઠાણ માટેના ભૂંગાને રૂપસજ્જાથી શોભાવ્યાં છે. તમે માનો કે ન માનો પણ ગાર-માટીના ભૂંગામાં રહેનારા કચ્છી માડુંને આપણી નગરજીવનની મોટી મહેલાતો અને ગગનચુંબી ઇમારતો કરતાંયે અનેકગણો વઘુ આનંદ, સંતોષ. સુખસાહ્યબી અને સંતોષ આપે છે.

ધરતીના ખોળે વસનાર માનવીને એની માટી સાથે મહોબત બંધાય છે. ઓતરાદા વાયરાના ઝકોળાં એને વીંઝણો નાખી જાય છે. માનવીના બત્રીસે કોઠે આનંદના દિવડા પ્રગટાવી જાય છે. ભૂંગાનો ઠા અને ઠસ્સો જોયા વિના એની રચનાકલાનું કૌશલ્ય, એની શોભા, સજ્જા અને અંદરની સુવિધાઓની કલ્પના આવવી મુશ્કેલ છે. આવો ભૂંગો એકદંડિયા મહેલ જેવો એકલદોકલ ન હોય. ભૂંગાઓના સમૂહથી શોભતી આખી વસાહત હોય. કોઈવાર તમને કચ્છના પ્રવાસે જાવ તો બન્ની પ્રદેશમાં વસતા જન, હાલેપોત્રા, મુતવા, નોડે, હીંગોરની, બંભા, કુરાર, સુમરા, જુનેજા વગેરે માલધારી કૂળોના રૂપસૌંદર્યથી છલકાતાં ભૂંગા જોવા અવશ્ય જજો. બન્ની વિસ્તારના ભીરંડીયારા, ભોજરડો, ડુમાડા, ગોરેવારી, મીશરીઆડો, ધોરડો, સુમરાસર, જરારવાડી, સદઈ ઇત્યાદી ગામોના ભૂંગા નિહાળીને તમારા અંતરના આનંદમોરલા એકસામટા ટહૂકી ઉઠશે.

હવે ભૂંગા, એની રચના અને રૂપસૌંદર્ય પર પણ એક ઉડતી નજર કરી લઈએ. આદિકાળના માનવીને જીવજંતુઓના દર અને પક્ષીઓના માળા જોઈને રહેઠાણ બનાવવાની કલ્પના કદાચ આવી હશે ! એ પછી એણે ગુફા કે કંદરાને ઘર બનાવ્યું હશે. એપછી ભૂંગાની કલ્પના આવી હશે. ભૃંગ એટલે દર. જમીનમાં દર જેવું ઘર માટે ભૂંગો. જેમ માટીના કોટડા ચણવા માટે જૂના કાળે મારવાડમાંથી ઓડ લોકો આવતા એમ ભૂંગા બનાવનારા અભણ લોક ઇજનેરી કૌશલ્ય ધરાવતા લાલાભાઈ સંજોત જેવા કારીગરો ધોળાવીરા, માંડવી અને ભૂજમાં આજે ય જોવા મળે છે. ભૂંગો બનાવવા માટે પાંચ સાત કારીગરોની ટુકડી કામે લાગે છે. જમીન ઉપર વીસેક ફૂટના વર્તુળાકારે ચારેક ફૂટ ઊંડો ખાડો ગાળે છે. તેના ઉપર સાતેક ફૂટ ઊંચી દિવાલ ચણે છે. આ દિવાલ અંદર અને બહાર ગાર, માટી, ઘાસથી મજબૂત છાપરું બનાવે છે. ભરચોમાસે ગમે તેટલો વરસાદ પડે તો યે અંદર પાણીનું ટીપું ય પડતું નથી એ એની માળખાની ખૂબી છે. સામાન્ય સ્થિતિના માણસો, ઝાડના ડાળાં ને વાંસ ઘાસથી છાપરું બનાવે છે પણ સંપન્ન પરિવારના ભૂંગામાં સંઘાડિયા દ્વારા કલાત્મક રીતે ઉતરાવેલ અને રંગથી સુશોભીત કરાયેલ ગોળ સુંદર લાકડીઓનો અંદર ઉપયોગ થાય છે. એકાદ મહિનામાં ભૂંગો તૈયાર થઈ જાય છે.

કચ્છ ઃ કલાપ્રવાસ અને પ્રલેખનમાં શ્રી ઉષાકાન્તમહેતા નોંધે છે કે ‘બન્નીના ૮૨૮ ચો.માઈલના રણ જેવા વગડાઉ વિસ્તારમાં માલધારીઓના ૪૦ જેટલા નેસડા (કાઠિયાવાડી શબ્દ) છે. જેને અહીં ‘વાંઢ’ અથવા ઝીલ કહે છે. ઝીલ એટલે એક પ્રકારનું ગામડું જ ગણાય. આખા બન્નીમાં આશરે આવા ૬૭૧ ભેણી-ભૂંગા છે.’
ભૂંગાની દીવાલો અને દરવાજાની ઊંચાઈ સામાન્ય માનવીની ઊંચાઈ કરતાં ઓછી હોઈને અંદર નીચા નમીને દાખલ થવું પડે છે. માટી અને વાંસ-ઘાસથી બનેલા ભૂંગાનું લોક ઇજનેરી કૌશલ્ય એવું હોય છે કે મુઠ્ઠીક જુવાર હવામાં ઉછાળો ને હેઠે પડતાં મોર્ય ધાણી થઈને ફૂટી જાય એવા ભરઉનાળે નાનકડા ઝાળિયા સિવાય કોઈ બારીઓ ન હોવા છતાં તેમાં આહ્લાદક ઠંડકલાગે છે. કડકડતા શિયાળે તેમાં હુંફાળું વાતાવરણ જોવા મળે છે. શિયાળે, ઉનાળે, ચોમાસે વિષમ આબોહવામાં માનવીને રક્ષણ આપતા ભૂંગાને ભયંકર ભૂકંપ પણ નથી હલાવી શક્યો, એ એની ઉડીને આંખે વળગે એવી વિશિષ્ટતા છે. સને ૨૦૦૧માં આવેલા ભૂકંપે સિમેન્ટ કોંક્રીટની ઇમારતોને ધરાશાયી કરી હજારો માનવીને કાળનો કોળિયો બનાવી દીધા, પણ કુદરતી ઉપકરણોથી બનેલા ભૂંગાઓને એની કોઈ જ અસર થઈ નથી. ભૂંગામાં રહેતો એક પણ માનવી ભૂકંપમાં મર્યાનો દાખલો નોંધાયો નથી.

બન્નીના માલધારીઓમાંની એક મોટા ભાગની વસ્તી પાછળની સદીઓમાં ધર્માન્તર કરાયેલા મુસ્લીમ (મૂળ રાજપૂત)ની છે. આ મુસ્લિમ માલધારી કોમના લીંપણ શિલ્પની માટીથી શણગારેલ અને કમાંગર વાંઢાની કારીગરીથી શોભતી છતવાળા ભૂંગા અને બન્ની વિસ્તારનું બારીક રંગસભર ભરત ઉડીને આંખે વળગે છે. શ્રી ઉષાકાન્ત મહેતા લખે છે કે ભીરંડીયારા ગામના લાલમામદનો ભૂંગો એક જમાનામાં એની કલાકારીગરી માટે ખૂબ વખણાતો. એમાં વાંઢા અને સંઘેડિયા કારીગરોએ પોતાની સમગ્ર કલા જાણે કે ઠાલવી દીધી હતી. લીંપણ શિલ્પથી ભૂંગાની દિવાલોને શણગારવામાં આવી હતી. અહીં વસતી કોમ મુસ્લિમ હોઈ ને આ લીંપણ શિલ્પમાં આકૃતિઓનું આલેખન જોવા મળતું નહોતું. ભૌમિતિક આકારો અને તેના પરથી નીપજાવેલ ભાતપ્રતીકોથી આ દિવાલોને શોભીતી બનાવવામાં આવી હતી. ઉપરની છતમાં વાંઢા કારીગર દ્વારા કાચા અને પાકા રંગ કરેલ જુદા જુદા કદના લાકડાના ટૂકડાઓ, વાંઢાના પાકા સંઘેડીયા કામના નળાકાર ટૂકડાઓને ગોઠવીને છતને રંગીન ભાત આયોજનથી સુશોભિત કરવામાં આવી હતી.

આ ભૂંગો એમના પરિવારની આર્થિક સમૃદ્ધિ વ્યક્ત કરતો હતો. માટીના સાદા ભૂંગા પરિવારની ગરીબી વ્યક્ત કરે છે. વર્ષો પૂર્વે સ્વીડનના એક નૃવંશશાસ્ત્રી અહીં આવીને કેટલોક વખત રહી અભ્યાસ કરી ગયા હતા. તેમણે સ્વીડીશ ભાષામાં બન્ની અને ભૂંગા વિષયક લખેલું પુસ્તક લાલ મામદને મોકલી આપ્યું હતું. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પણ કેટલાક આર્કીટેક એન્જીનીયરો ભૂંગાની રચનાનો અભ્યાસ કરવા માટે આવે છે. ભૂંગાની રચના-કૌશલ્યની પ્રશંસા કરે છે. ત્યારે આપણને એનું મૂલ્ય સમજાય છે, આપણે નગરોના વૈભવી ટાવરો અને આલિશાન ફલેટોની વાહવાહ કરીએ છીએ. દૂરના ડુંગર આપણને રળિયામણા લાગે છે પણ ભૂંગા વસાહત જેવાં પાદરનાં પ્રાકૃતિક સૌંદર્ય તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે. આમે ય ‘ગામનાં ગોર અને પાદરનું તીર્થ’ એનું મૂલ્ય આપણને મન ઓછું હોય છે.

કચ્છી કલાસંસ્કૃતિની અનેક વિશેષતાઓ ધરાવતા ભૂંગામાં ખાટલા, પાણિયારું, ડામચિયો, રાંધણિયું, ચૂલો, ડામચિયો, વળગણી, બાથરૂમ, માતાજીનો ગોખ, બાજુમાં અરીસો અને સૌંદર્ય પ્રસાદનની સટર-પટર ચીજોનો ગોખ હોય છે. ઘરનારી માતાજીની પૂજા કરી અરીસામાં જોઈને ચાંલ્લો વગેરે કરી લે છે. ભૂંગામાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે. માલધારી કુબો મુસ્લીમ ધર્મ પાળતા હોવા છતાં તેમની સ્ત્રીઓ બુરખા કે ઓઝલ રાખતી નથી. પરિચિત મહેમાનો કે સગા આવે તો ભૂંગાથી થોડેક દૂરના અંતરે સૂવા બેસવાની સગવડવાળી ભૂંગાની વ્યવસ્થા હોય છે.

આપણે બૂમરાણ મચાવીએ છીએ કે જૂની સંસ્કૃતિ જાવા બેઠી છે, પણ એ પરિવર્તન પામીને નવા સ્વરૂપે પાછી તો આવે છે. આજે ફાઈવ સ્ટાર હોટલો અદ્યતન ભૂંગામાં બનવા માંડી છે. કચ્છમાં આવતા વિદેશીઓ રહેવા માટે આવી હોટલો પસંદ કરે છે. હડપ્પન સંસ્કૃતિના મૂલ્યવાન અવશેષો મળ્યા છે એ ધોળાવીરામાં ૧૧ ભૂંગાવાલી ફાઈવ સ્ટાર હોટલ બની છે. કચ્છમાં હોડકા ગામે અને રૂદ્રમાતાના તીર્થસ્થળે ભૂંગા-હોટલ બની છે.

તસવીર ઃ અમૂલ પરમાર, ભાવનગર

ભૂંગા બનાવવાની પદ્ધતિઓ વાંસ, ગારો અને અન્ય સામગ્રીથી બનતા મકાનો ભૂકંપપ્રૂફ બને છે એ વાત ટેક્સાસમાં જન્મેલી અને ભારતીય મૂળના પ્રસિદ્ધ વાસ્તુકાર ભવનના નિર્માતા રામજી નારાયણને પરણેલા ડેલિયા ડીડી (ઉં. ૮૦) આપણને સમજાવે છે. આજે તે હિમાચલ પ્રદેશમાં તે ધર્મશાલા ગામે રહે છે. એ માટી, ગારો અને લાકડીની મદદથી આઘુનિક ભવન શૈલીના ભૂકંપ વિરોધી મકાનો બનાવે છે. એણે આવા ૨૫ મકાનો, યોગકેન્દ્ર અને ૧૪ બેડરૂમની હોટલ ભૂંગા પદ્ધતિથી બનાવ્યા છે. પર્યાવરણવાદીઓ અને લોકસંસ્કૃતિના વૈજ્ઞાનિકો કહે છે કે આજે વિકાસની દોટમાં જમીનો અને બાંધકામની ચીજોના ભાવો ગગનગામી બની રહ્યા છે. નાનકુ એવું ઘર લેવાનું ય આકાશકુસુમવત્‌ બની રહ્યું છે ત્યારે મોંઘવારીની હડફેટે ચડેલા માનવીઓને આવતી કાલે ભૂંગા સંસ્કૃતિ તરફ વળ્યા વિના છૂટકો નથી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!