કચ્છીઘોડી લોકનૃત્ય પરંપરાનો ઈતિહાસ

હરિયાળી ધરતી, ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયુંની વચ્ચે ગુજરાતની પ્રકૃતિપરાયણ લોકસંસ્કૃતિ ખીલી છે. લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ તે એનું લોકસંગીત. લોકસંગીતની સાથે ગીત અને નૃત્ય જોડાયેલાં છે. નિસર્ગના ખોળે વસતી લોકજાતિઓની સર્જનાત્મક શક્તિ રસ, રંગ અને રૂપનો અનુભવ લેતી સૌંદર્યની સંપ્રાપ્તિ મેળવે છે. એમાંથી નીપજ્યો છે આપણાં ભાતીગળ લોકનૃત્યનો મબલખ ફાલ. ભક્તિ, શક્તિ અને પ્રાકૃતિક સૌંદર્યનો સંસ્કાર પામેલા ગુજરાતના લોકજીવનમાં પ્રગટેલાં રાસ, રાસડા, ગરબો, હીંચ, હમચી, ટીટોડો, લુવર, ટિપ્પણી, રાંદલનો ઘોડો, જાગ, પઢારોનું મંજિરા નૃત્ય, ભરવાડોના હુડારાસ, રૂમાલ રાસ, રાજપૂતો અને મેરના ઢાલ તલવાર રાસ, સીદીઓની ધમાલ, ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગાનૃત્ય, ગોહિલવાડ પંથકનું ઢોલોરાણો. સૌરાષ્ટ્રના સોળંગા અને દાંડિયા રાસ, આદિવાસીઓના ઠાકર્યા, ભાસા, ઘેર, આગવા, માંડવા અને તુર નૃત્યોનું કલાસૌંદર્ય આપણને ઊડીને આંખે વળગે છે. આમાં ઉમેરો કરતું એક નૃત્ય છે ‘કચ્છીઘોડી‘.

‘કચ્છીઘોડી’ લોકનૃત્યનો મૂળ શબ્દ તો ‘કઠ્ઠી’ અર્થાત્ કાષ્ઠ, વાંસ અને ઘાસ વગેરેમાંથી બનાવેલી ઘોડી. જેમ કઠપૂતળી કાષ્ઠ-લાકડામાંથી બનાવેલી પૂતળી એમ ‘કઠ્ઠી’નું અપભ્રંશ લોકબોલીમાં કચ્છી થયું હોવાનું માનવામાં આવે છે. કચ્છી ઘોડી નચાવનાર લંઘા, તૂરી કે ભાટને પૂછો તો કહેશે કે ‘કચ્છનાં ઘોડા’ સારા વખણાય છે. અમે એ ઘોડાની જેમ અમારી ઘોડિયું નચાવીએ છીએ. ‘ભારત કે લોકનૃત્ય’માં શ્રી લક્ષ્મીનારાયણ ગર્ગે પણ આવો જ તર્ક કર્યો છે. તે સાચો નથી. કચ્છી ઘૂડખર (જંગલી ગધેડાં) વખણાય છે પણ ઘોડા તો સોળે બાબે સરખા કાઠિયાવાડના જ વખણાય છે.

લોકસંસ્કૃતિના કીમતી કણ સરખું કચ્છી ઘોડીનું નૃત્ય પ્રમાણમાં ઝાઝું જાણીતું પણ નથી. કચ્છીઘોડીની વાત કરીએ ત્યારે મોટેભાગે લોકો એવું જ માને છે કે કચ્છદેશના ઘોડાની કશીક વાત હશે! અથવા ઘોડા નચાવવાનું નૃત્ય કચ્છમાં ક્યાંક થાતું હશે? હકીકત તો એવી છે કે કચ્છ સાથે આ નૃત્યને નાવાનીચોવવાનો ય નાતો નથી, એવું મારા સંશોધનું તારણ છે. વર્ષો પૂર્વે ૯૪ વર્ષના જૈફ કચ્છી લોકસાહિત્યકાર દુલેરાય કારાણી સાથે ‘કચ્છીઘોડી’ અંગે વાત નીકળતાં તેમણે કહેલું કે ‘અમે નાના હતા ત્યારે નાગપંચમીના દિવસે કચ્છના રાજ્ય તરફથી સવારી ચડતી. ત્યારે લંઘા લોકો વાંસની ઘોડી બનાવી, એને શણગારી, કેડયે બાંધીને ઢોલ, શરણાઇના તાલ સાથે નચાવતા નચાવતા સવારીમાં નીકળતા અને જોનાર શહેરીજનોનું મનોરંજન કરતા. હવે કચ્છમાં ‘કચ્છીઘોડી’ નૃત્યની પરિસ્થિતિ જાણવા લોકસંસ્કૃતિના અભ્યાસી અને મારા મુ.શ્રી રામસિંહજી રાઠોડને એ કાળે પૃચ્છા કરેલી.

એમણે મને પ્રત્યુત્તરમાં લખ્યું કે ‘તમે પૂછો છે, એવું કચ્છીઘોડીનું નૃત્ય કચ્છમાં થતું હોવાનું ધારવામાં આવતું નથી, પરંતુ નાગપાંચમના ભૂજિયાની અને એવી બીજી મોટી સવારી નીકળતી ત્યારે તેની મીસલમાં સોનાની, રૂપાની અને એવી શણગારેલી ‘કોંતલ’ નીકળતી. તેમાં ચાલતી ઘોડીઓ, પગે ઝાંઝર પહેરેલી નાચતી નાચતી ચાલતી. ભુજિયાનું યુદ્ધ નાગા બાવાઓએ જીતી આપેલું. તેમનો પણ માતાજીનો રથ વગેરે સવારીમાં ચાલતા. તેમાં પણ તેમની ભગવામાં શણગારેલી ઘોડી રહેતી. રજવાડાં ગયાં એની સાથે આ બધું પૂરું થયું.’ દોઢેક દાયકા પૂર્વે દુરદર્ર્શન માટે ‘કચ્છીઘોડી’ ઉપર એક કાર્યક્રમ તૈયાર કરવા હું એમાં જરા વધુ ઊંડો ઊતર્યો.

કચ્છીઘોડી નૃત્ય પરંપરા કયા કયા પંથકોમાં પ્રચલિત છે તેનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે ઉત્તર ગુજરાતના વડગામ પાસે મેતા અને ચાંગા ગામમાં, દ. ગુજરાતમાં દેડિયાપાડા તાલુકાના અલમાવાડી ગામમાં અને અમદાવાદના પડોશમાં આવેલા સરખેજમાં કચ્છીઘોડી નચાવનારા કલાકારો રહે છે, અને આજેય કાર્યક્રમો કરે છે. અલમાવાડીના આદિવાસીઓ પાસે ‘કચ્છીઘોડી’ નૃત્યની પરંપરા છે તે તેમની અસલ અને જુગજૂની પરંપરા છે. હોળી પ્રસંગે મનોરંજન કરીને ગોઠ (પૈસા) ઉઘરાવવા માટે આ ઘોડી નચાવે છે. આદિવાસીઓ કેડયે બાંધીને એક ઘોડી નચાવે છે જ્યારે તુરી બારોટો બબ્બે ઘોડીઓ જોડમાં નચાવે છે. ઉત્તર ગુજરાતના આ નૃત્ય પર અને કલાકારોની વેશભૂષા પર રાજસ્થાનની ‘કચ્છીઘોડી’ની અસરો સ્પષ્ટપણે જોવા મળે છે. મેતા ગામના કચ્છીઘોડીના બૂઝર્ગ કલાકાર શ્રી ડાહ્યાભાઇ ખુશાલભાઇ તુરી કહે છે કે ‘પહેલાં તો અમારા વડવાઓ ઢોલ શરણાઇ વગાડવાનું અને બહુરૂપીના વેશ ભજવવાનું કામ કરતા. એ વખતે લગ્ન પ્રસંગે જાનમાં રાજસ્થાનમાંથી કેટલાક લોકો આવતા ને લગ્નમાં ઘોડો નચાવતા. એ જોઇને અમારા દાદાએ હૈયાઉકલતથી કચ્છીઘોડી નચાવી. લગ્નવાળાએ સારું ઈનામ આપીને રાજી કર્યા. બસ ત્યારથી અમે વંશપરંપરાએ ‘કચ્છીઘોડા’ રમાડીએ છીએ.’

સરખેજમાં રહેતા ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના બાજંદા કલાકાર શ્રી રત્નાજી મારવાડી નખશીખ રાજસ્થાની છે. તેઓ રાજસ્થાનથી આવીને અહીં વસ્યા હોવાથી ગીત, સંગીત, નૃત્ય અને વેશભૂષામાં સંપૂર્ણપણે રાજસ્થાની છે, અને રાજસ્થાની પરંપરા પ્રમાણે અણીશુદ્ધ રીતે કચ્છીઘોડીનું કામણગારું નૃત્ય કરે છે. એમનો મૂળ ધંધો સુધારી કામનો હોવાથી નચાવવાની ઘોડી પણ એમણે જાતે જ તૈયાર કરી છે. ઘોડીને નચાવતાં નચાવતાં આગળપાછળ પગલાં ભરવાં, ઢોલ શરણાઇ સાથે પગે બાંધેલા ઘૂઘરાનો તાલ મિલાવતા જવું, ઘોડીને આગળ પાછળ નચાવવી, કુદાવવી અને સ્ટેજ ઉપર પાટી લેવરાવવી એ કળાના એ ખૂબ જ માહેર કલાકાર છે. તેઓ મારવાડની બોલીમાં આ નૃત્યને ‘ઘાંચાઘોડા’ તરીકે ઓળખાવે છે. છેલ્લી અવસ્થામાં ગરીબાઇમાં એમણે જીવન પૂરું કર્યું. અમે તેમના દીકરાને કચ્છીઘોડીનો વારસો જાળવવા માટે તૈયાર કર્યો છે. મોરના ઈંડાના ચીતરવા ન પડે, દીકરો પણ બાપની જેમ જ ખૂબ સુંદર રીતે કચ્છીઘોડીનો કાર્યક્રમ કરે છે પણ ટી.વી. અને પ્રચાર માધ્યમોની ભરમારમાં એના નૃત્યમાં આજે કોને રસ પડે? હા. વિદેશીઓ આવીને વિશાલામાં એનું મનોરંજન માણે છે.

દક્ષિણ ગુજરાતની ડુંગરમાળમાં વસતા વસાવા આદિવાસીઓ આ નૃત્યને ‘ઘોડો નચાવવા‘ના નામે ઓળખે છે. દેડિયાપાડા તાલુકાના આલમાવાડી ગામના અમરસંગભાઇ હેરિયાને પૂછતાં એમણે જણાવ્યું કે આ ઘોડા નચાવવાનું અમે લૂમકાપાડા ગામના વસાવા લોકો પાસેથી વર્ષો પૂર્વે શીખ્યા હતા. સામાન્ય રીતે માર્ચ મહિનામાં નવું ધનધાન્ય ઘરમાં આવી જાય પછી આદિવાસીઓ હોળીમાતાનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે. ભરૂચ વિસ્તારમાં વસતા વસાવાઓ હોળી અનોખી રીતે ઉજવે છે. વાંસમાંથી ટોપલા- ટોપલીઓ બનાવતા કોટવાળિયાઓ પાસે વાંસની ચીપોમાંથી ઘોડીના શરીરના આકારનું પીંજરું બનાવે છે. તેમાં એક માણસ ઊભો રહીને તેને કેડયે બાંધી શકે તેટલી જગા રાખે છે. લાકડામાંથી નાક, કાન, આંખો, કપાળ વગેરે કોતરીને ઘોડીનું મોં બનાવે છે. ઘોડીના વાંસના માળખાને કપડાની ઝાલરવાળી ઝૂલ્યથી મઢે છે. ઘોડીનું મોં રંગી નાખે છે. સૂતળીમાંથી ઘોડાની કેશવાળી અને પૂંછડું બનાવે છે. માથે રંગીન કલગી મૂકે છે. પછીથી ઘોડીને કપડું, રંગબેરંગી કાગળ, પિત્તળ પાન, ફૂમતાં, ફૂલો વગેરેથી શણગારીને તાલેભાલે કરી હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે પૂજન માટે લઇ જાય છે. ત્યાં દેવનો ભૂવો ઘોડીને કંકુના ચાંલ્લા કરી, મંત્ર ભણી દેવને દીવો અને નાળિયેર ધરાવી અગરબત્તી કરે છે. ઘોડીની આગળ અગ્નિ પ્રગટાવી હોળીમાતાને ચણા અને અન્ય કઠોળની આહૂતિ આપે છે. તે સમયે રંજાડ ન કરે તે માટે કાળિયા ભૂતને ઈંડા અને મહુડાના દારૂનો અર્ધ્ય આપે છે. દેવની કૃપાથી આ ઉત્સવ નિર્વિઘ્ને પૂર્ણ કરવા આ વિધિ કરાય છે. હાજર રહેલા સૌ પ્રસાદી લઇ, નવાં કપડાં પહેરી, માથે પીળા સાફા બાંધી ઘોડા નચાવવાની તૈયારી કરે છે. હોળી માતાના આ ઉત્સવમાં આખું ગામ જોડાય છે. તે દિવસ પૂરતું ખેતી અને મજૂરીના કામમાં અગતો (રજા) પાળવામાં આવે છે.

ઘોડા નચાવવાના પ્રસંગે એક કલાકાર પગે ઘૂઘરા અને માથે સાફો બાંધી આંખે કાળા ગોગલ્સ ચડાવીને આ શણગારેલી ઘોડીને કેડયે બાંધે છે. ઘોડી સાથે બાંધેલા પટ્ટા ખભે પહેરી લેવાથી ઘોડી સહેલાઇથી કમર પર રહી જાય છે. ઘોડી નચાવનાર કલાકાર એક હાથમાં ઘોડીની લગામ અને બીજા હાથમાં તલવાર રાખે છે. ઘોડેસ્વારની જોડે એક છત્રીવાળો એની આગળ કે પાછળ રહીને ઘોડીની સાથે નૃત્ય કરતો ચાલે છે. એ એક હાથમાં કરતાલ લઇને તાલ આપતો જાય છે.
કચ્છી ઘોડીની આગળ પીસવા (નાના પાવા), ઢોલકી, કુંડી (વાદ્ય), ઘૂઘરા અને કરતાલ જેવા લોકવાદ્યો વગાડનારાઓની મંડળી ચાલે છે. આ વાદકોમાં પાંચ વગાડનારા, એક ઘોડી નચાવનાર અને એક છત્રીધારક રહે છે. તેઓની વેશભૂષામાં પીળું પહેરણ, ઘેરા પીળા રંગનો સાફો અને ધોળી ધોતી જોવા મળે છે. લોકવાદ્યકારો અર્ધગોળાકારે ઊભા રહી વાદ્યો વગાડતા વગાડતા આગળ ચાલે છે. ઘોડી નચાવનાર વચ્ચેના ભાગે ઊભો રહીને વાદ્યોના તાલે તાલે ઘોડીને નચાવે છે. ઘોડી આગળ પાછળ તાલબધ્ધ રીતે ચાલે, ગોળ ગોળ ફૂદડી ફરે. કલાકાર સ્ટેપ લેતો લેતો ઘોડીને ‘કાવુ’ (વાળવું) ખવરાવે. આમ નાચતાં નાચતાં સૌ ઘેરૈયા બનીને હોળીના બીજા દિવસથી લઇને છેક પાંચમ સુધી ગામોગામ ફરે છે, અને જનમનરંજન કરે છે તથા ગોઠ (પૈસા) ઉઘરાવે છે. ‘ઘોડાનાચ’ના નૃત્યમાં જંગલમાંથી મળતી પ્રાકૃતિક ચીજવસ્તુઓનો ઉપયોગ, પરંપરિત લોકવાદ્યો, નિયત તાલોની સમજણ, નૃત્યની સરળતા અને સાદગીમઢ્યું કલાસૌંદર્ય ઊડીને આંખે વળગે છે. વસાવા આદિવાસીઓને ઘોડાની લાક્ષણિકતાઓનો પરિચય નહીંવત્ છે. આદિવાસી સંસ્કૃતિમાં ક્યાંય અશ્વનો ઉપયોગ જોવા મળતો જ નથી એટલે દેવદેવીઓને ચડાવવા માટીના કલાત્મક ઘોડા તથા નૃત્ય માટે કઠ્ઠીઘોડી વગેરે એમની સંસ્કૃતિના મહત્ત્વના  અંગો બની રહ્યા છે.

‘કચ્છીઘોડી’ના નૃત્યની અસલી નજાકત તો જોવા મળે છે રાજસ્થાનમાં. રાજસ્થાનના ઘણા પંથકોમાં કચ્છીઘોડીનું નૃત્ય જોવા મળે છે, પરંતુ રણની કાંધી પર એનું પ્રચલન વિશેષરૂપે જોવા મળે છે. સરગડા, કુંભાર, ઢોલી, ભાંભી, બાવરિયા, ઉપરાંત અન્ય અનેક જાતિઓના કલાકારો કચ્છીઘોડી નૃત્યમાં પ્રવીણ ગણાય છે. રાજસ્થાનમાં જુના કાળે ઘણાં યુદ્ધો થતાં. ઘોડેસવાર યોદ્ધાઓ હાથમાં હથિયારો હિલોળતા લડાઇઓમાં જતા. હાથમાં તલવારો લઇને યુદ્ધમાં ધમસાણ મચાવતા. આ યુદ્ધપરંપરા કચ્છીઘોડીના નૃત્યમાં હૂબહૂ ઉતરી આવી છે. સામાન્ય પ્રજા જૂનાકાળે યુદ્ધ જોવા મેદાનો કે યુદ્ધના સ્થળે જઇ શકતી નહીં ત્યારે કચ્છીઘોડી નચાવનારા કલાકારો આ યુદ્ધ-ધીંગાણાનું અનુકરણ કરી સામાન્ય પ્રજાનું મનોરંજન કરતા.

કચ્છી નૃત્યની સાથે જોડાયેલી રાજસ્થાનની એક કથા ‘ભારત કે લોકનૃત્ય’માં શ્રી લક્ષ્મીનારાયણ ગર્ગે નોંધી છે. જૂના કાળે કેટલાક મોગલ પઠાણો ઘોડા લઇને જઇ રહ્યા હતા ત્યારે મારગ માથે મરાઠાઓના ગામમાં રાતવાસો કરવા રોકાયા. રાતવેળાએ મરાઠાઓ આવીને આ ઘોડા ઉપાડી ગયા. સવારે પઠાણો જાગ્યા ને જોયું તો પોતાના ઘોડા ન મળે. તેઓ ઘોડા શોધવા નીકળ્યા. રસ્તામાં મરાઠાઓનો ભેટો થતાં તેમની સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં મરાઠાઓ ઘોડા પર છે. તેમના હાથમાં લગામ અને કટાર છે. પઠાણો પાસે ઢાલ અને તલવાર છે. છેવટે પઠાણો મરાઠાઓને હરાવીને પોતાના ઘોડા પાછા મેળવે છે. આ કિંવદંતી સાચી હોય કે ન હોય પણ એક વાત નક્કી છે કે કચ્છીઘોડીનું નૃત્ય મધ્યકાલીન યુદ્ધનું વાતાવરણ અવશ્ય ઊભું કરે છે. આ નૃત્યમાં કેટલીકવાર ત્રાંસાં અને ઝાંઝનો ઉપયોગ પણ જમાવટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રારંભમાં અને અંતમાં ઘોડી નચાવનારા કલાકારો તલવારની પટાબાજી રમીને કાંડાનું કૌવત (તાકાત-બળ) બતાવે છે.

કચ્છીઘોડીનું નૃત્ય સાતથી માંડીને ચૌદ જેટલા નૃત્યકારો સમૂહમાં રજૂ કરે છે. આ નૃત્ય ગોળાકારે ડાબેથી જમણી બાજુ ચાલે છે. યોદ્ધાઓ તલવારનો વાર કરે છે. બીજા એનાથી બચવા ઘોડાને કાવુ ખવરાવે છે. આ બાજુ ઘોડેસવારો કટારનો ઘા કરે છે. પગપાળા નાચનાર ઢાલ દ્વારા આ ઘાને ખાળે છે. આ નૃત્યની વેશભૂષા પણ મધ્યકાલીન રાજપૂતી અને મોગલશાહી જમાનાની જોવા મળે છે. આ વસ્ત્રો આકર્ષક, રંગીન, ભભકદાર અને શૂરવીરોને શોભે તેવાં શાનદાર હોય છે. તેઓ પાઘડી ઉપર બુકાની બાંધે છે. કચ્છી કલાકારો સાચે જ શૂરવીરો લાગે છે. એક અનુમાન એવું થઇ શકે કે યુદ્ધો તો અમુક સમયે જ થતાં. બાકીના સમયમાં યુદ્ધ લડવા માટે તલવારની પટાબાજીની તાલીમ – કસરત ચાલુ રહે તે માટે સૌરાષ્ટ્રમાં શૂરવીરોના ઢાલ-તલવારના રાસ પ્રચલિત બન્યા (આજે બાંટવાના રાજપૂતો, પોરબંદર વિસ્તારમાં મેર અને કચ્છના ઝુરા ગામના જાડેજાઓમાં રમાય છે.) એમ યુદ્ધ માટેની કસરત ચાલુ રાખવા જૂના કાળે યોદ્ધાઓ આવી તાલીમ માટે વાર-તહેવારે હય-હથિયારા ઘોડી નચાવતા હોય! તેમાંથી આ પરંપરા જનમનરંજન માટે લોકજીવનમાં ઉતરી આવી હોય!

કચ્છી ઘોડીની નૃત્યપરંપરા ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળે છે. ગોવામાં કચ્છી ઘોડીનો ખેલ ‘ઘોડમોદની’ના નામે જાણીતો છે. ઓરિસ્સામાં કચ્છીઘોડીનું પરંપરિત નૃત્ય ‘ચૈતીઘોડી’ના નાચના નામે લોકપ્રિય થયું છે. તાંજોરમાં સ્ત્રી-પુરુષ કલાકારો દ્વારા કલાપૂર્ણ ઘોડીઓ નચાવવાની પરંપરા ઘણી પ્રાચીન મનાય છે. દ.ભારતમાં મદુરામાં ચાર ઘોડેસવાર સ્ત્રીપુરુષો કચ્છીઘોડી નૃત્ય કરે છે. તે ‘પૂર્વીઅત્તમા’ નામે ઓળખાય છે. કચ્છીઘોડીને મળતી એક પરંપરા મહારાષ્ટ્રની કીર્તન પરંપરામાં આવે છે. તેમાં પાઘડીબંધા બે કલાકારો ઘોડીને બદલે શણગારેલો નંદી શરીર પર ધારણ કરીને ભારૃંડનો ખેલ-તમાશો રજૂ કરે છે. આજે અમદાવાદમાં લગ્ન અને જૈનોના વરઘોડામાં કઠપૂતળી નચાવનારા ભાટ લોકો પણ કચ્છીઘોડી નચાવતા જોવા મળે છે. આવો રસપ્રદ છે કચ્છીઘોડીનૃત્ય પરંપરાનો ઈતિહાસ..

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!