સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે,એની માથે પલાણ માંડયેય જીવતર રૂડું થઇ જાય.’
મહી સાબર વાત્રક વચ્ચે રૂડો ચરોતર દેશ,
વૃક્ષ જ્યાં વિધવિધના વળી ફુલેફળે હંમેશ.
આવા પાણીઆળા પંથકમાં આવેલ વડતાલ ગામના કુબેર પટેલના ખોરડે સહજાનંદ સ્વામીના ઉતારા છે. વેરાગની વાતુ કરીને વહેવારની શીખ દેનાર સહજાનંદ સ્વામી આંબાના શીળા છાંયે ઢોલીઆ ઢળાવીને બેઠા છે. સૂરવાળ ઉપર રાતા કિનખાબની ડગલી પહેરી છે. માથા માથે જરકસી છેડાની કસુંબલ પાઘ પહેરી છે, જરકસી છેડે શોભતું કસુંબલ શેલું ખંભે પડ્યું છે.
દેવના દૂત જેવા સ્વામીને મુખેથી ઝરતી મીઠાશ માણવા મનેખનો જાણે મેળો જામ્યો છે, વેરઝેરની વાતુને વિસારે પાડી વૈરાગની વાતમાં ઓળઘોળ થવા શ્રીમુખેથી વાણી નીતરે છે. સૌભક્તિના ભાવમાં ભીંજાય છે. પડખેના આંબાના થડે બાંધેલી સહજાનંદ સ્વામીની ઘોડી કાનસોરી દોઢયે ચઢાવીને સ્વામીની વાણીમાં તરબોળ થતી હોય એવા ભાવે કાનસોરીને સરવી કરીને પૂંછ ફંગોળી રહી છે. હરિભક્તિની હેલીમાં હૈયા હીલોળે ચઢયા છે હવાની લેરખિયુ આમ્રઘટામાં સંત્તાં કુકડી રમી રહી છે. લોક બઘું અલૌકિક અમૃત પાન કર્યાની અનુભૂતિ કરી રહ્યું છે. એવે ટાણે જોબન પગીની નજરે ઘોડી ચડી. જાણે ઈન્દ્રની શ્રાપિત અપ્સરા ઘોડીના રૂપે મરતલોકની મહેમાન બની હોય એવા અથોક રૂપ અંગ માથેથી નીતરે છે. જાયદી ખજુરની પેશી જેવો વાન, પીઠ માથે હાથ મૂકો તો લસરીને હેઠો પડે એવી સુંવાળપ.
આવી ઘોડી જોબન પગીની આંખમાંથી અંતરમાં ઉતરી ગઈ, વાહ ઘોડી વાહ ! આવી ઘોડી તો મારી રાંગમાં જ શોભે. સાઘુને વળી આવા જાતવાન જનાવર શા કામના ? આવા મનસુબા સેવનાર જોબન પગી એટલે જોરાવર માણસ, ધાડ લૂંટનો અવલ નંબરનો આદમી, આખા પગરણામાં જોબન પગીની ફેં ફાટે.
ભલભલા મરદમુછાળાને ભૂ પાનારા પગીએ ઘેરે જઈને ભાઈને કહ્યું ઃ
‘ઓલ્યા કુબેર પટેલને ફળીએ ઘોડી બાંધી છે ઈ આજ રાતમાં સરક છોડીને દોરી લાવજે.’
જોબન પગીનો ભાઈ બોલ્યો ઃ
‘ઈ તો સ્વામીની ઘોડી.’
‘સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે, એની માથે પલાણ માંડયેય જીવતર રૂડું થઇ જાય.’
જોબન પગીના મનમાં રમી રહેલી ઘોડીને છોડવાની એના માજણ્યાં ભાઇએ ઘસીને ના પાડી દીધી ત્યારે જોબન પગી પંડ્યે રાતમાં ઘોડીની સરક છોડી ચોરવાનો મનસુબો કરી ઘડીક આડે પડખે થયો.
વડતાલ માથે રાતની રીછડીયું રમતે ચડી ગઇ છે. આભની અટારીએથી ઘોર અંધારાં ઊતરી ધરતીને ઢબુરી રહ્યાં છે. વાળુ કરીને સૌ નિરાંતની નિદરૂમાં પોઢી ગયા છે.
કુબેર પટેલ સહજાનંદ સ્વામીને દૂધે વાળુ કરાવીને સૂતા છે. ઉંચી પથારીવાળી ઓસરીએ સહજાનંદ સ્વામી ઢોલીએ પોઢયા છે. ફળીઆમાં ઘોડી ઉભી ઉભી ગામતરાનો થાક ઉતારી રહી છે. ઝમઝમ કરતી રાત ભાગી રહી છે. ઘોર અંધારાને ભેદીને છેદીને જોરાવર જોબન પગી. કુબેર પટેલના ફળીમાં ઉતર્યો. ઘોડીની સરક કાપી, ઘોડીએ હાવળ્ય દીધી. કુબેર પટેલની આંખ ઉઘડી ગઈ. એણે વેણ કાઢ્યાઃ પગી ‘હાંઉ રાખો. ‘આ તો સ્વામીની ઘોડી. તારાથી નહિ જીરવાય.’
જોબનપગી શરમાઇને પાછો વળી ગયો. પણ જીવ એનો ઘોડીમાં રહી ગયો. આખી રાત પડખા ઘસ્યા, સવારે ઉઠ્યો ત્યારે એની નજરે ઘોડી રમ્યા કરી. ઠીક છે. લાગ મળે તે દિ’ વાત. એમ મન વાળીને જોબનપગીએ વાતને કોઠે સંઘરી રાખી.
સહજાનંદ સ્વામીના સતસંગે ચરોતરના ચોકમાં જાણે સત્યની ચેતના જગાડી દીધી. રાગ અને દ્વેષ, વટ અને વેરની વાતુને ભૂલવી દીધી. વડતાલથી પુગ્યા ડભાણ.
સ્વામીએ ડભાણ ગામે જગન માંડ્યો. હોમ-હવનથી ડભાણના દરવાજા દરશન કરનારાથી સાંકડા થઇ ગયા. ડભાણનું દેવતાઇ રૂપ બંધાઇ ગયું. સાઘુસંતો સતી અને જતીના પગલાથી ડભાણની ધરતી પાવન થઈ.
પણ જોબન પગીની નજર તો સહજાનંદ સ્વામીની દેવતાઇ રૂપવાળી ઘોડી માથે હતી. વડતાલના કુબેર પટેલ, વાસણ સુથાર, નારણગિરિની નજર ચૂકવીને રાતમાં જોબન પગીએ ઉઠીને ઘોડીની સરક છોડી ભાગી છૂટવા ઘોડી માથે પલાણ માંડવા છલાંગ મારી. પણ…. કહે છે કે પગીની નજરે ઘોડીના અનેક રૂપ દેખાણા. કોની માથે પલાણ માંડું, એકમાંથી અનેક રૂપે ઘોડી દેખાવા માંડી. જોરાવર જોબન પગીના જન્મારામાં પહેલા પગલાં પાછા પડ્યા.
એ પાછો ચૂપચાપ જઇને સૂઈ ગયો. સવાર પડતાં જ જોબનપગીનું ઝેર નીચોવાઇ ગયું. સહજાનંદ સ્વામીના ચરણો ચૂમી પાપનો પસ્તાવો કર્યો. સહજાનંદ સ્વામીએ બોધના બે બોલ સંભળાવી સતસંગી સ્થાપ્યો. જોબન પગીએ ભક્ત બની જીંદગી સાર્થક કરી લીધી.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ