જેસલ જગનો ચોરટો – ભાગ 3

5 સજીવન કર્યાં

શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે,

ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતાં જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં.

સાંસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા. “કોણ જેસલજી?એકલા કેમ? મોડું શાથી થયું?”

જેસલના મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખમુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી.

“તોળાંદે ક્યાં છે?”

જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર જ્યોતની સામે મૂકી. ગાંઠ છોડી નાંખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબોળ હતી. સ્તનોમાંથી હજુય દૂધની ધારા ફાટી રહી હતી. આખો દેહ કોઇ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો.

“જેસલજી, આ શું થયું?”

જેસલની જબાન ઊપડી નહીં.

“ફકર નહીં.” સાસતિયે કહ્યું .”જતિ જેસલ ! ધીરજ ધરો. જનમ-મરણના ઓરતા ન હોય .”

“મા ! મા, ઓ મા!” જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા.

“સતજનો !” સાંસતિયાએ કહ્યું :”જેસલજીના હાથમાં કોઇ એકતારો આપો.”

એક મોટો તુંબડાનો તંબૂરો જેસલના ખોળામાં મુકાયો. જાણે બે-પાંચ વરસનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને, એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લાધી.

“કાંઈક ગાશો ને સંત ?”

“આવડતુ નથી.”

“અજમાવી જુઓને , બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણિયું ફૂટશે.”

સાંસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલનાં આંગળાંએ એકતારાને બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોંખાર્યું, સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી, કે કોઇ ઢોલક કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતા બન્યાં ને જેસલે આરાધ ઉપાડ્યો:

નહીં રે મેરુ ને નહીં મેદની

નો’તા તે દે ધરણી અંકાશ રે હાં,

ચાંદો ને સૂરજ જે દી દોઇ નો’તા

ધણી મારો તે દી આપોઆપ રે હાં,

પીર રે પોકાર મુંજાં ભાવરાં રે

સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં.

પોતાના પુન્ય વન્યા પાર નૈ રે

ગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.

કંકુવરણો રે સૂરજ ઊગશે

તપશે કાંઈ બાળોબાળ રે હાં.

ધરતીનાં દોઇ પડ ધ્રુજશે

હોશે કાંઈ હલહલકાર રે હાં

હાં રે હાં હાં.-પીર રે પોકાર

હાડ ને ચામ રોમરાઈ નહીં

નહીં કાંઈ રુદર ને માંસ રે હાં.

પિંડ પડમાં અધર રિયું,

નો’તા કાંઇ સાસ ને ઉસાસ રે હાં.

હાં રે હાં હાં,-પીર રે પોકારે

નર રે મળ્યા હરિના નિજ્યાપંથી

એ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.

મૂવાં રે તોળલને સજીવન કર્યા

એમ બોલ્યા જેસલ પીર રે

હાં રે હાં હાં,-પીર રે પોકારે

[પ્રભુનાં પ્રથમ પ્રાકટ્યનું આરાધન: ઓ ભજનિકો! જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી; ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતું, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વભર આપોઆપ સરજાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર! શા સંબંધો! પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મમરણના ફેરાનો?

ને ફરી પ્રભુ પ્રકટશે: તે દિને લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં પડ ધ્રુજશે. બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હે મારા જતિ ભાઈઓ ! હે સતી! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુન્ય વગર પાર નથી.

આપોઆપ સરજાયેલા એ ખાવંદ ધ|ણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે ? નહોતાં હાડકાં, નહોતી ચામ|ડી, રુધિર ને માંસ પણ નહોતાં. પંચમહાભૂતનું કોઇ કલેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો શ્વાસોચ્છવાસ પણ નહોતા.]

સૃજનનું મહિમા –ગીત જેસલજીના ગરવા સૂરે ગવાતું ગયું તેમ તેમ મૂર્છિત તિળલની રોમરાઈ સળવળવા લાગી. ક્લેવરમાં પ્રાણ પુરાતા થયા અને આંખો ઉઘાડી, આળસ મરડી, બેઠી થયેલી તોળલદેએ પોતાનાં વસ્ત્રો સંકોડ્યાં ત્યારે ભજનિકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા ! તમારે પ્રતાપે મૂએલી તોળલ સજીવન થઈ.

ઝીણા ઝીણા તંબૂર-સ્વરો સાથે તાલ લેતા સાંસતિયાના હાથમાં મંજીરાના સ્વર, માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્તોત્ર રટતા હતા.

6 મુનિવર મળ્યા મુનિવરા

કચ્છથી જેસલ ઉમાવો જી રે

મેવાડ માલો આરાધે;

મુનિવર મલ્યા મુનિવરા,

ભોમિયા દોનું આગે;

એડો રે ઉમાવો જાડેજા કરી મળો,

મારા ભાઇલા ! ભાવે મળો હો જી !

માલે જેસલને પૂછિયું,

આપણે હોઈ ઓળખાણું;

હાથે પંજો દૈ દૈ મળ્યા,

ઈ તો સાધુની સાનું.—એડો રે0

ધીરે જોત્યો ધોરી તમે,

કૂવે કડવાં પાણી;

આરાધે અમૃત હુવાં,

ઈ તોળલ કાઠિયાણી—એડો રે0

સાવ સોનાની ગુરુની બાળંગી

તેમાં રૂપાંદે રાણી;

માગ્યા માગ્યા પારસ પીપળી

માલે વાવી જાળ;

પાંડુ પિયાળે પરઠિયું

ડાળ્યું વરમંડે જાય.—એડો રે0

***

કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે.ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા મારગ પર એક જ ઠેકાણે બે એકલવાયાં ઝાડવાં આજ પણ લીલાંછમ લહેરાય છે. એક પીપળી છે ને એક જાળ્ય છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ જળઝરણું વહે છે. માણસનું મોત નીપજાવે એવા એ રણનાં કડવાં પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતને કેડે જીવન કોણે સરજાવ્યું?

કહે છે કે એક દિવસ ત્યાં ચાર માનવીઓનો મિલાપ થયેલો. નરનારીનાં બે જોડલાં અંતરિયાળ ઓચિંતાં મળ્યાં હતાં.

“રામ રામ !”

“રામ !”

“ ક્યાં રહેવું?”

“રહેવું મારવાડમાં.”

“આમ શીદ ભણી?”

“કચ્છ ધરામાં જાયેં ચયેં. ત્યાં જેસલ પીર અને સતી તોળી નામનાં બે સંતો થયાં છે એમ સાંભળ્યું, ને મન થયું કે દીદાર તો કરી આવીએ. ”

“તમારે ક્યાં રહેવું?” મરુ ધરીના માનવીએ પૂછ્યું.

“અમારે રહેવું કચ્છધરામાં. મેવાડમાં મલદેવજી ને રૂપાંદે નામે બે સંતો વધે છે તેની સુવાસ સાંભળીને મન થયું કે મિલાપ કરી આવીએ.”

સામેનાં બે સ્ત્રી-પુરુષ પ્રવાસીઓએ પણ સહેજમાં મોં મરકાવ્યાં.

બંને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બન્નેએપણ પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની સાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પિછાન દીધી. ચારમાંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી.

“જેસલ પીર ! સંત માલદેવજી !” તોળલે હસીને કહ્યું: “તમ સરીખા દોનું નર આંહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભારણું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પડશો ને !”

“આંહીં રણમાં શું સંભારણું રાખીએ, હે તોળલ સતી !”

“પૂછીએ રૂપાંદે રાણીને.”

રૂપાંદે બોલ્યાં: “હરિનાં જન મળે તેમાંથી જગતને લાભ જડે, ભૂખ્યાંદુખ્યાં માનવીઓનો આશરો બંધાય, એવું કાંઈક સંભારણું.”

“આ ધરતીનાં વટેમાર્ગુ અને પંખીડાં જુગોજુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાવ. જેસલજી ને માલદેવજી !” !તોળલે કહ્યું.

“જળ અને ઝાડવાં.”

પછી ચારે જણાંએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કોંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ બેઉ ગાળ કાઢતી ગઈ. અને પછી ભેળો એકતારો હતો તે બજાવી ચારેય જણાંએ આરાધ ગાયો.જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે વાવી જાળ: એનાં મૂળ પાતાળે ગયાં, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંતો ! આજે સૈકાઓ વીત્યા. પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે. એ ઝાડ-જોડલીની છાંયે પોરો ખાય છે. પશુ ને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે.

રુદિયો રુવે

રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’છે,

ઊંડાં દુખ કેને સંભળાવું રે જાડેજો કે’છે

રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં તોળી રાણી ! ખારી વેલ્યે તુંબડાં,

તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે’છે.—રોઈ0

અમે હતાં, તોળી રાણી ! ઊંડે જળ બેડલાં,

તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે’છે.—રોઈ0

કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,

નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે’છે—રોઈ0

તમે જાવ, તોળી રાણી, વડે સુંઘે વાયકે,

તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે’છે.—રોઈ0

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો

સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે’છે.—રોઈ0

***

જેસલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલરંગી માણેક: ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તોળલ કેળ્ય: સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બ્નેલી તોળલ: જીવન-આરામાં બેઉ ઝૂલવા લગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો.

આખરે જુદાઈનો એ દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળ માંથી ‘વડાં વાયક’ આવ્યાં એટલે ક્ર જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતઋં આવ્યું. બેઉએ ભેળા બેસીને પ્રિયાણ કર્યું: “જેસલજી ! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછાં આવીને ભેળાં જ સમાશું.”

કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી ! રુદિયો કહે છે કે હું ન આવું.”

“ભલે, જેસલજી ! રુદો રાખે તેમ રહેવું.”

જુદાં પડતાં પડતાં જેસલ બાળક જેવો વ્યાકુળ બની ગયો. “અરે સતી ! રોઈ રોઈ કોને સંભળાવું? મારા અંતરનાં ઊંડાં દુ:ખ હું કોને સંભળાવું? મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અઠડાઈ ભાંગી જતા, સુકાનીવિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસો કેમ નીકળશે?”

“જેસલજી ! હું વહેલી પાછી વળીશ.”

એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.

8 સમાધ

બીજ દિન થાવરવાર,

વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.

દીપૈયા, વેલડિયું શણગાર,

દિન ઊગ્યે મંડપ મા’લીએં એ જી.

દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ !

અમારે જાવાં મંડપ મા’લવા એ જી.

કૂંચિયું કાંઈ રાજદરબાર,

દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.

તોરલે કીધો અલખનો આરાધ,

વણ રે કૂંચીએ તાળાં ઊઘડ્યાં એ જી.

ગત્ય-ગંગા કરું રે પરણામ:

તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.

જેસલને ઘેરે કાંઈ કામ,

અમને વળવી પીર પાછા વળ્યા એ જી.

પૂછું હવે પંડિત વીર,

જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.

સતી તમે જાણસુજાણ,

સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી.

સતીએ સોનૈયો મેલ્યો પાટ

મોતીડે અલખ વધાવિયા એ જી.

દીપૈયા, વેલડિયું શણગાર,

દન ઊગ્યે અંજાર પૂગિયે એ જી.

ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ,

ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.

પૂછું તને, ગોવાળીડા વીર,

જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.

સતી તમે જાણસુજાણ,

જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.

ઝાંખી દીસે ચોરાની ચોપાટ,

ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.

ધરતી માતા, દિયો હવે માગ,

અમારે જેસલને છેટાં પડે રે એ જી.

સાધુ ચાલ્યા કાશી ને કેદાર,

સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.

[અર્થ: બીજનો દિવસ અને શનિવાર; એના ઉત્સવમાં જવા વાયક(નિમંત્રણ) આવ્યાં. એ ભાઈ સારથિ દીપૈયા ! વેલ્યને ષણગાર. રાતોરાત પહોંચવું જોશે. દિવસ ઊગતાં જ મંડપમાં પહોંચી જીએ. (પણ મારવાડ દેશ દૂર હતો, રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા.) હે ભઈ દરવાન, દરવાજા ઉઘાડ. દરવાન કહે કે કૂંચી તો રાજદરબારમાં છે. તાળાં તો હવે સવારે ઊઘડશે. એટલે તોળલે અલખની આરાધના ગાઈ. તાળાં ઊઘડી પડ્યાં. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા ભક્ત-સમૂહને કહ્યું: હે ગત્ય-ગંગા ! જેસલજીને ઘેર કામ હતાં. પછી તોળલે જોયું કે પાટની જ્યોત ઝાંખી ઝાંખી બળવા લાગી. હે ભાઈ ! જ્યોત ઝંખવાય છેવ કેમ? જવાબ મળ્યો, હે સતી ! તમે તો ચતુર સુજાણ છો. સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગપ્રયાણ કરી ગયા ! તોળલે તુરત પાટને વધાવી લઈ ફરી વેલ્ય સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યાં. ગામનાં ઝાડપાંદ ઝાંખાં જોયાં. મંદિરમાળિયાં નિસ્તેજ દીઠાં. સીમના ગોવાળને પૂછ્યું: હે વીરા ! જેસલજીને સમાત લીધે કેટલો કાળ થયો? હે સતી ! ચોથો દિવસ થયો. હય રે હા હા ! પ્રુથ્વી માતા !મારગ ધો.મારે ને એને છેટું પડી ગયું. ]

થાનક માં પહોંચી. માણસો ચુપચાપ ઉભા હતા.જેસલજી નહોતા.કોઇ ને પુછી ન શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધને કાંઠે અબીલગુલાલ ને લોબાન નાં ધૂપ દીઠા. કેટલાય લોકો આંખોમાંથી પાણી પડતા હતાં.જેસલે લીધેલી એ સમાધ હતી.

પછી ધૅયઁ ધરી ને પોતે ઉભા રહ્યાં.સેવકો ને કહ્યું: ‘’તંબુરો લાવો.મંજીરા લાવો.’’

હાથમાં એકતારો લઇ ને તોળલ ઊભી થઇ.સમાધ ફરતી

પ્રદક્ષિણા કરતી,નૂત્ય કરતી , બજાવતી એ ગાવા લાગી:

જગો ! ઓ જડેજા જસલ ! તમારાં આપેલાં-સાથે સમાત લેવાનાં વચન સંભારીને વહેલા જાગો,વચન ને ચૂકનાર માનવીને મુકિત નહીં મળે. ચોરાશીનાફેરાં માં ભટકવું પડશે ! જગો જતિ ! જાગો ! –

જાડેજા રે, વચન સંભારી વે’લા જાગજો !

વચન ચૂક્યા ચોરાશીને પાર……જાડેજા હો !

વચન સંભારી વે’લા જાગજો !

જાડેજા રે, સો સો ગાઉ જમીં અમે ચાલી આવ્યાં રે,

આવતાં નવ લાગી વાર….. જાડેજા હો !

એકવીસ કદમ ઠેરી રિયા રે,

અમારા શિયા અપરાધ…. જાડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, તાલ તંબૂરો સતી ના હાથમાં

સતીએ કીધો અલખનો આરાઘ; જાડેજા હો !

જે દી બોલ્યા’તા મેવાડમાં

તે દીનાં વચન સંભાર….જાડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે,મેવાડ થી માલો…રૂપાંદે આવિયાં,

તેદુનાં વચનને કાજ ;

ત્રણ દા’ડા ત્રણ ઘડી થઇ ગઇ;

સૂતા જાગો રે જેસલ રાજ!….જાડેજા હો !

વચન સંભારી વે’લા જગજો !

જાડેજા રે , માલો પારખ ને …રૂપાંબાઇ પેઢી એ,

હીરા હીરા લાલ પરખાય ;

નૂગરાં સૂગરાંનાં પડશે પારખાં;

વચન ચૂક્યો ચોરાશીમાં જાય….. જાડેજા હો !

વચન સાંભરી લેવા વે’લા જાગજો !

જાડેજા રે, કાલી કે’વાશે તોરલ કાઠિયાણી,

મૂવા નરને બોલ્યાનાં નીમ;

ધૂપ ધજા શ્રીફળ નહી ચડે,

આવ્યો ખરાખરીનો ખેલ …. જડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, આળસ મરડીને જેસલઊઠિયા,

ભાંગી ભાંગી ભાયુંની ભ્રાંત;

પેલાં મળ્યાં રૂપાં માલદેને,

પછી કીધી તોળલસેં એકાંત…જાડેજા હો!

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,

મોડિયો મેલ્યો સતીને માથ: જાડેજા હો !

કુંવારી કન્યાએ વાઘા પે’રિયા હો, જી

લાગી લાગી વીવાની ખાત…જાડેજા હો!

વચન સંભારીને વે’લા જાગજો !

જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યા હો જી

નદિયું સમાત્યું ગળાવ…જાડેજા હો !

સહુ રે વળાવી પાછાં વળ્યાં રે,

નવ વળ્યાં તોળાંદે નાર…જાડેજા હો !

વચન સંભારીને વે’લા જાગજો !

ઓ જેસલ જાડેજા! કોલ આપેલો તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી નીકળ્યા ! મેં સો-સો ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો! મારોએવો અપરાધ થયો, જેસલજી ! જાગો, જેસલ પીર ! સૂતા છો તે જાગો.નહીં તો આપણે નૂગરાં (ગુરુ વિનાનાં, અજ્ઞાની) કહેવાશું. નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી (મૂરખી) કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની, કે આપણી સમાતને માથે પછી ધૂપ, ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા ! જગતને પારખું કરાવો, કે આપણા જોગ નકલી નહોતા. આપણો આતમસંબંધ દુનિયાને દેખાડવાનો નહોતો.જાગો, જાડેજા !

તોળલના પડકારા સમાધની માટીને કંપાવવા લાગ્યાં.માટી એની મેળે સરકવા લાગી.શબદ, સંગીત અને નૃત્યની ત્રેવડ ચોટ લાગી, બ્રહ્મરંધ્રમાં રૂંધાઈરહેલો જેસલનો પ્રાણ નાડીએ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલાં રૂપાંદે-માલદે જોડે પંજા મિલાવ્યા. ને પછી તોળલ સાથે એકાંત-ચર્ચા કરી.

“જેસલ જાડેજા ! બસ, હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી ! આવતા ભવનાં આપણાં પરણેતર ઊજવી લઈએ.”

તોળલે મસ્તક પર મોડિયો(પરણતી કન્યા માથે પહેરે છે તે)મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બન્ને જણાએ સામસામાં કંકુકેસરનાં છાંટણાં કર્યાં. અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી.વળાવવા ગયેલાં બીજાં બધાંય પાછાં વળ્યાં, ન વળ્યાં એક તોળલદ. એ તો જેસલજીની સાથે સમાયાં.

=========

પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા

જેણે દલડામાં ભ્રાંતું નવ આણી રે

અલ્લા હો ! જુગમાં સીધ્યાં જેસલ ને તોળી

બીજ રે થાવરનો જામો રચાવિયો

ધણી કેરો પાટ મંડાણો રે હાં;

માજમ રાતના હુઆ મસંદા ત્યારે

ચોરી થકી ઘેર આવ્યો રે.

– અલ્લા હો 0

તોળીને ઘેર જામો રચાયો રે હાં;

ત્યારે કાઠીડે કીધી કમાણી,

તોળી ઘોડી લઈ સોંપ્યાં ત્યારે

સાયબાને રાખ્યા સંગાથી રે.

– અલ્લા હો 0

ચોવીસ વરસ સુધી ચોરિયું રે કીધી રે હાં;

ઘણા જીવજંતને માર્યાં;

ધોળાં આવ્યાં ત્યારે ધણીને સંભાર્યા

મંદિર પધાર્યા મોરારિ રે.

– અલ્લા હો 0

આ કળજગમાં ત્રણ નર સિદ્રા રે હાં

જેસલ જેતો ને તોળી;

અંજાર શે’રમાં અજેપાળ સીધ્યા

તોરલે ત્રણ નર તાર્યા રે.

– અલ્લા હો 0

બીજ હતું તે સાધુમુખ વાવરિયું રે હાં;

વેળુ વાવીને ઘેર આવ્યાં;

એકમન રાખી અલખ અરાધ્યો

સાચાં મોતી ઘેર લાવ્યાં રે.

– અલ્લા હો 0

ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્યાં નીર રે હાં;

નીચાં ગંગાજળ પાણી,

માલદે કોટવાળ ઉમા આરાધે

જેસલ તોળી નીરવાણી રે.

– અલ્લા હો 0

ભજન

[જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દીધેલો તેનું ભજન ]

જેસલ, કરી લે વિચાર,

માથે જમ કેરો માર,

સપના જેવો છે સંસાર

તોળી રાણી કરે છે પોકાર

આવોને જેસલરાય !

આપણ પ્રેમ થકી મળીએં જી

પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી.!

આવ્યો અમૂલખ અવતાર

માથે સતગુરુ અવતાર

જાવું ધણીને દુવાર

કાયા બેડી ઉતારે ભવપાર

આવોને જેસલરાય. – આપણ 0

ગુરુના ગુણનો નહીં પાર

ભગતી છે ખાંડાની ધાર

નૂગરા કર્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર

આવોને જેસલરાય. – આપણ 0

જીવની ગતિ ગુરુની પારા

જેવી કસ્તૂરીમાં વાસ

ધણી તારા નામનો વિશ્ર્વાસ

સેવકોની પૂરો હવે આશ

આવોને જેસલરાય. – આપણ 0

છીપું સમુંદરમાં થાય

તેનીયું સફળ કમાઈ

સ્વાતના મેહુલા વરસાય

ત્યારે સાચાં મોતીડાં બંધાય

આવોને જેસલરાય. – આપણ 0

મોતીડાં એરણમાં ઓરાય

માથે ઘણ કેરા ઘાય

ફૂટે તે ફટકિયાં કે’વાય

ખરાની ખળે ખબરું થાય

આવોને જેસલરાય. – આપણ 0

ચાંદોસૂરજ વસે છે આકાશ

નવલખ તારા તેની પાસ

પવન પાણી ને પરકાશ

સૌ લોક કરે તેની આશ

આવોને જેસલરાય. – આપણ 0

નવલાખ કોથળિયું બંધાય

તે તો ગાંધીડો કે’વાય

હીરામાણેક હાટોડે વેચાય

તે દી એનાં મૂલ મોંઘાં થાય

આવોને જેસલરાય. – આપણ 0

નત્ય નત્ય ઊઠી નાંવા જાય

કોયલા ઊજળા ન થાય

ગુણિકાને બેટડો જો થાય

બાપ કેને કે’વાને જાય

આવોને જેસલરાય. – આપણ 0

પ્રેમના પાટ પ્રેમના થાટ

ઝળહળ જ્યોતુંના ઝળળાટ

આગળ નમન્યું જ્યાં થાય

આવોને જેસલરાય. – આપણ 0

મનની માંડવિયું રોપાય

તન કેરા પડદા બંધાય

જતિ સતી મળી ભેળાં થાય

સતિયુંના પંજા જ્યાં મેળાય

આવોને જેસલરાય. – આપણ 0

દેખાદેખી કરો રે મત ભાઈ

હાથમાં દીવડીઓ દરશાય

અંતરે અંજવાળાં થાય

ચાર જુગની વાણી તોળલ ગાય

આવોને જેસલરાય. – આપણ 0

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

error: Content is protected !!