જેસલ જગનો ચોરટો – ભાગ 2

કાલથી ડર્યો

પાપ તારાં પરકાશ, જાડેજા!

ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દૌઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે…. એમ તોળલ કે ‘છેજી.

હરણ હણ્યાં લખ ચાર જી,

વનનાં મોરલા મારિયા,

મેં તો વનના મોરલા મારિયા,

તોળાંદે રે… એમ જેસલ કે’છે જી-પાપ તારાં

ફોડી સરોવર પાળ, તોળી રાણી

ફોડી સરોવર પાળ જી!

ગોંદરેથી ગૌધણ વાળિયાં

મેંતો ગોંગરેથી ગૌધણ વાળિયાં

તોળાંદે રે… એમ જેસલ કે’ છે જી.-પાપ તારાં0

લૂંટી કુંવારી જાન તોળી રાણી!

લૂંટી કુંવારી જાન જી,

સાત વીસ મોડબંધા મારિયા

મેં તો સાત વીસ મોડબંધા મારિયા.

તોળાંદે રે … એમ જેસલ કે’છે જી.-પાપ તારાં .

જતા મથેજા વાળ તોળી રાણી !

જતા મથેજા વાળ જી

એટલા અવગણ મેં કર્યા

એટલા અવગણ મેં કર્યા

તોળાંદે રે… એમ જેસલ કે’છે જી.-પાપ તારાં.

પુણ્યે પાપ ઠેલાય જાડેજા!

પુણ્યે પાપ ઠેલાયજી.

તારી બેડલીને બૂડવા નહીં દઉં

તારી નાવડીને ડૂબવા નહીં દઉં

જાડેજા રે…એમ તોળલ કે’ છે જી.-પાપ તારાં

“ કાઠિયાણી બેસા જા બોલાડ્યે,”કાળભૈરવ જેસલે કાઠી-ગામ પાઉંપટણની સીમ બહાર જઈને તોળલને ઘોડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું.

“જાડેજા!”તોળલે શાંતિથી કહ્યું: “ઘોડીને નાહક માર શીદ દેવો?તમે તમારે હાંક્યે રાખો. હું પેંગડું પકડીને હાલી આવીશ.”

“મરી રહીશ, મરી.”જેસલે વિકરાળ હાસ્ય કર્યુ.

“નહીં મરું ધણી જિવાડનારો છે, જાડેજા!”

“ધણી તારો! જોયો જોયો. એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે પકડ ઓએંગડું, ને કાઢ દોટ.”

જાડેજાની રાંગમાં ભીંસાતી ઘોડીઓ વેગ પકડ્યો, અને કાઠિયાણી તોળલ પણ પેંગડું પકડીને જેસલના જમણા પડખે સાથેસાથ દોટ કાઢવા લાગી.

પ્રભાતનાં કેસરવરણાં કિરણો ફૂટ્યાં. ત્યારે નાગની(નવાનગર)ની ખાડીને કાંઠે જેસલ જાડેજો, ઘોડી ને તોળલ, ત્રણેય પહોંચી ગયાં.

ધકા ઉપર ભિડાઈને મછવો ઊભો હતો.કચ્છ જનારાં ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આઘેથી આ ત્રણેયને નિહાળ્યાં.

“કોઈ જડસુ આદમી લાગે છે, જડસુ.” ઉતારુઓમાં વાતો ચાલી: “બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતો આવે છે.”

“અને જુઓ જુઓ! બાઈને મહિના ચડતા લાગે છે !” નજીક આવતી ત્રીપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ.

“ઘાતકી લાગે છે.”

“ બાઈ પણ બળૂકી દેખાય છે. જેઓને એની કદાવર કાયા.”

“ઈ જ લાગની હશે કાં તો.”

ઘોડેસવાર જ્યારે તદ્દન ઢૂકડો આવ્યો ત્યારે જ એનું બુકાની-બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર મરચાં આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળાં જુલફાં હતાં. જુવાની આંટો લઈ ગઈ હતી.

ઘોડીએથી ઊતરીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતોપ હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુળસીના પારાની માળા હતી.વસ્ત્રો ગૂઢા રંગનાં હતાં.

ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. ચાર-છ જણા ઘોડીને દોરવા લાગ્યા. જબર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું:”ભાઈઓ દાખડો કરો મા.”

અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઊતરી ગઈ.

જેસલ દાઝે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. પાંચ-સાત ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું કે ‘લાગ પડ્યે રાં… મારી ગળચી સોત દબાવી ધ્યે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોરઠિયાણીનેય મળ્યો’તો માથાનો કાછેલો.’

મુસાફરો સૌ વહાણે ચડ્યા .જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજાં ઉતારુઓ સંકોડાઈને ચુપચાપ બેઠાં. કાઠિયાવાડ-કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજરોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, તેમાં આજ છૂપી ચૂપી ધાક પોડી ગઈ. ઉતારુઓ ત્રાંસી આંખે આ અજાણી જોડલી તરફ જોતાં હતાં. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક-આંગળી કરીને સાવધાન કરતો હતો.

સંબોસબ સઢ મોકળા થયા, ખલાસીઓએ સામસામા સંકેત –શબ્દો આજે બનતી ચુપકીદીથી સુ|ણાવ્યા ,ને વહાઞ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું.

બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીઓ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે:’લઈ આવ્યો છું. મેં માગી તે ત્રણેય ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે? ના,ના, જેસલ જાડેજાના તાપને નમ્યોછે ભગતડો ,પણ આ સ્ત્રી! આ કાઠિયાણી શી કરામત કરી રહી છે? એના મોં સામે મીટ માંડતાં હું ખચકાઈ રહ્યો છું? એના પેટની કાંઈ ખબર નથી પડતી.’

દરિયાના પેટની પણ કોઇને ગતાગમ નથી. ખાડીનાં પાણી એકાએક ઊકળી કેમ રહ્યાં છે? આ વાવડો ક્યાંથી ઊપડ્યો? મોજાં ફેણ પછડીને કેમ ફૂંફાડવા લાગયાં? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવાથંભની માથાધૂણ્ય, આ શું થવા બેઠું?

ખડીનો અધગાળો કપાયો હતો સામો કિનારો ને પાછલો કિનારો ,બેઉ દેખાતા બંધ પડ્યા શિકોટા દીધા . પંચમહાભૂત પાગલ બન્યાં . મોજાંની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઊતરી ગયાં . જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે.

“અરે ભાઈ નાખુદા! આ શો મામલો?”

“ભાઈઓ વહાણ ભેમાં છે. અલા!અલા! હે અલા!”

ખલાસીઓ ‘અલા’પુકારે ત્યારે મોત સમે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા(ફગાવવા) લાગ્યા.”ઉતારુઓ! ભાઈઓ! તમારા પણ માલથાલ દઈ ધ્યો દરિયાલાલને ! વહાણ હળવું કરો.”

કડડડ! કડેડાટી બોલી. તાવલેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું. અને કાળી કાળી વાદળીઓનાં ધમસાણ દેખાડી કાળનાં ડમરુ બજાવતો આભ ‘ખાઉ! ખાઉં!’એમ ખાઉંકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ.

મા છોકરાંને ગળે બાઝી પડી. પુરુષો બાયડીઓની સોડમાં લપાતા થયા. આંખો મીંચવા લાગી. ભાઈઓ, બાઈઓ, અલા અલા પુકારો. આપણાં પાપનો બોજ, કોકના અધર્મનો ભાર, આ વહાણ ડુબાવે છે.

જેસલના હાથમાંથી મૂછના દોરા છૂટી ગયા હતા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમતેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો હતો,

“આ શું છે? અમને કેમ ચેતાવ્યાં નહીં , એઈ બેઈમાનો ! તમે જાણો છો હું કોણ છું? હું તમારા કટકા કરે નાખીશ. તમારે મને મારી નાખવો છે શું?”

“જુવાનો, હવે તો અલા અલા કરો! અટાણે મારી નાખવાની વાત હોય કે, દરબાર?”

એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાંના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાઝી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ .રોજ રોજ મોતની સાથે રમનારો જડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લાઈલાજ બન્યો.

“મરવું પડશે? –હેં હેં? હેં? જાનથી જાશું! હેં?હેં?હેં? કોઇ રીતે નહીં બચાય? હેં-હેં- આ તો મારી નાખ્યા!”

જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો, કોઇ શરણ આપી શકે ?એક જ પહોર પહેલાં ઉતારુઓની જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું.

એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ! આ ઓરત! આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું?

“ઓય !માર્યા!” –પવન અને મોજાંની એક પ્રચંડ થપાટ, અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી.

“વોય! કાટ્જિયાણી! બચાવ મને.” જેસલના મોમાંહ્તી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું.

“જેસલ જાડેજા!”તોળલ હસી;”કચ્છના મોટા જોધાર! મોત તમને ડરાવી શકે છે ? જાડેજા જેસલને મોતનો ભે!”

“તારે પગે પડું.”જેસલ લાચાર બન્યો.

“જેસલજી પરભુને પગે પડો. ધણીનું નામ લ્યો.”

“ઓ મારા બાપ!”ઉતારુઓમાંથી કોઇકે નામ સાંભળતા જ ફાળ ખાધી:”આ તો કચ્છ અંજારનો જેસલ!”

“જેસલ !અરર! જેસલિયો આ હોય ?આ તો મોતથી બીવે છે.”

“આવો બાયલો!”

“ઓ બાપ! ઓ મા!”જેસલની જીભે બીજા બોલ નહોતા.

“પીટ્યો હત્યારો આપણી ભેળે ચડ્યો છે. એનાં પાપે વહાણ બૂડે છે. એનાં પાપે મારાં છોકરાં મરશે.”એક બાઈએ ચીસ પાડી.

“પીટ્યાનું સત્યાનાશ જાજો!” બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા.

“આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર.” ઉતારુઓએ ચીસ નાખી.

“એલા, નાખો એને દરિયામાં. ભલે બત્રીસો ચડે દરિયાપીરને.” લોકો ધસી આવ્યાં.

“ઓય ! બાપા! મને નાખશો મા. તોળદલે! બચાવો મને.” જેસલ હાથ જોડવા લાગ્યો.

તોળલ સૌની આડે આવી ઊભી. કહ્યું,”ઘડીક ખમો”.અને જેસલ તરફ વળી:”જેસલ્જી,વહાણ ઊગરશે,તોફાન હેઠુંબેસશે, તમારાંકરમોનો બોજ ફગાવી નાખો દરિયામાં.”

“શી રીતે, તોળલદે?”

“પાપ પરકાશી નાખો. ધરમને યાદ કરો. તમારો પાપબોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે.”

“ધરમ!તોળદલે! મેં ધરમ કર્યું નથી.એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે.”

“પર્તકાશી નાખો, જાડેજા! તમારી બેડલી નહીં બૂડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો, જેસલજી ,પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજાં બધાંએ પોતાનાં પોટલાં વામી દીધાં . તમે તમારાં પોટલાં વામી ધ્યો પાણીમાં.”

“ઓહ-ઓહ-તોળલદે, વનના મોરલા માર્યા છે, લાખોમુખ હરણાં માર્યા છે. નિરપરાધી જીવડાંની હત્યા કરી છે.”

“બસ ! હજી હજી પરકાશી, હોડી નહીં બૂડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને, જેસલ! તમે જેના જાન લીધા છે એનેય એવું જ વહાલું હશે. એને યાદ કરો. એની માફી માગો, જાડેજા . બેડલી નહીં બૂડ્વા દઉં.”

“તોળી રાણી! વોય-વોય-ભેંકાર કામાં કર્યા છેમેં.મેં સરોવરોની પાળો ફોડી છે. લોકોનાં મોંમાંથી પાણી પડાવ્યાં છે . ને મેં ગોંદરે ગોંદરેથી ગાયો લૂંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે, દૂઝણી ને ગાભણી ગાયોને મેં તગડી છે.”

“એનાં વાછરું કેવાં ભાંભરતાં રિયાં હશે, જેસલજી!”

“ઓ મા!ઓહ!”

“પરકાશો, પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થયો છે. મોજાંની થપાટો મોળી પડી છે. હાં જેસલજી, હરમત રાખો. પાપ પરકાશો! બેડીને હું નહીં બૂદવા દઉં.”

“તોળી રાણી! હવે તો ન કહેવાય તેવી વાતું યાદ આવે છે. મેં-મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લૂંટી છે, મેં ઘરેણાં માટે મોડબંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે.”

“પરણવા જાતા’તા તેને?”

“હા,હા, કોડભર્યા જાતા’તા તેમને.અને કેટલાને? ગણાવું! સાતવીસુંને-એક સો ઉપર ચાળીસને –ઓહ, મારી મા!” જેસલે આંખો મીંચીને ઉપર હાથ્ય દાબી દીધા.

“જુઓ, જાડેજા. પાણીના પછાડા શમી જતા જય છે. આભમાં ઉઘાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દશ્યું નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલાં કબૂલ કરી નાખો. હોડીને નહીં ડૂબવા દઉં.”

“તોળી રાણી! શું શું કબૂલું? મનેય સાંભરતાં નથી મેં કેટલાં પાપ કર્યા છે, કહી દઉં? માનવીને માથે જેટલા મોવાળા છે, એટલાં પાપ મારે માથે છે. ગણ્યાં ગણાય નહીં, તોળલદે! મને બચાવો.”

“રંગ છે, જેસલજી! આખી જ પાપ-પો

ટલી હૈયેથી ઉતારી નાખી તમે હવે વહાણને નહીં ડૂબવા દઉં . જુઓ નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો , કે મુસાફરો બધાં કેવાં રાજીરાજી થયા! તમે એટલાં બધાંને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં, હો જેસલજી! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ, સૌ તમને દુઆ દે છે. જુઓ , મરણ કેવું ભેંકાર છે! અને જીવન કેવું મીઠું! જેમ બીજાને તેમ જ તમનેય તે, ખરું જેસલજી!”

જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું.

3 નિંદાનાં નીર

વારે વારે કહું મારા દલડાની વાત

જાડેજા કરી લે ભલાયું, થોડાં જીવણાં

રે જેસલજી!

હળખેડ મેં તો હાલી માર્યા

પાદર લૂંટી પણિયારી;

કાઠી રાણી, પાપ પ્રકાશ્યો ધણી આગળે

રે જેસલજી!

તોરણ આવ્યો મોડબંધો માર્યો

પીઠિયાળાનો નૈ પાર.

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી

અમારા અવગુણનો નૈ પાર,

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી

અમારા અવગુણનો નૈ પાર,

કાઠી રાણી,પાપ પરકાશ્યો ધણી આગળે જી.

અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવર્તી ગયું. લૂંટારો જેસલ કોઇ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર રોયા કરે છે.દાઢીમૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળાં લૂગડાં ધર્યા છે. ગળે માળા પહેરી છે.

“તોળલ સતી! બહુ પાપકામાં કર્યાં છે મેં- હું મોતને દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારો છું.”

“તો,જાડેજા, હવે ભલાયું કરી લ્યો. ને જેસલજી, રુદન કર્યે શો માલ છે? ઓ મારા ભાઈ ,’થોડાં જીવણાં એ જી!’-જીવતર ટૂંકું છે.”

“સતી, શું કરું?”

“સાહેબધણીને ભજો.”

“ક્યાં છે તારો સાહેબધણી ! હું એને ક્યાં ગોતું? ”

તારો મુંને સાહેબ બતાવ, તોળી રાણી !

કરી લે ભલાયું; થોડાં જીવણાં રે જેસલજી !

ચાલી આવે જોગીની જમાત, જાડેજા !

તેમાં તો સાયબો મારો રાસ રમે, જેસલજી !

અવર બાવાને ભગવો ભેખ, જાડેજા !

સાયબાને પીતામ્બર પાંભડી, જેસલજી !

હરણાં ચરે લખ ચાર જાડેજા !

તેમાં સાયબો મારો એકલશીંગી, જેસલજી !

અવર રોઝાંને ખાવા ઘાસ, જાડેજા !

સાયબાને સોનેરી શીંગ, જાડેજા !

અવર રોઝાંને ખાવા ઘાસ, જાડેજા !

સાયબાને કસ્તૂરી કેવડો, જેસલજી !

બોલ્યાં બોલ્યાં તોળાંદે નાર, જાડેજા !

સતીએ ગાયો હરિનો ઝૂલડો રે જી !

“જેસલ જાડેજા ! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ, આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.”

“હું એને શી રીતે પામું?”

ફળે મુંજાં ભાઈડાનો ભાવ હાં રે હાં,

કાઠી રાણી તોરલ ! અમને તારજો હો જી;

હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;

હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.

વસિયેં પુલા ભેળો વાસ હો જી.

હાં હાં, કાઠી રાણી તોરલ અમને તારજો હો જી,

હાં રે હાં, કાઠીરાણી મુખથી અમને ઓચર્યા હો જી.

જેસલ, કપડાં ધોઈ લાવ !

હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે,

તેને પાછા વાળી ઘેર લાવ હાં હાં,

-કાઠી રાણી0

હાં રે હાં, જેસલ નથી પૂગ્યાં નીર સરોવરે જી.

નથી બોળ્યો નીરમાં રે હાથ;

હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,

તોળી તારો સાયબો બતાવ !

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,

તેમાં વરણ તેડાવો અઢાર;

હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,

જેસલ રે’જો હુશિયાર–

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.

નિંદાની પડશે ટંકશાળ;

હાં રે હાં નિંદા સુણીને સાધુ નિર્મળા હો જી.

જેસલ ઊતરે શિરભાર–

હાં રે હાં, જેસલને ઘરે ધણી મારો આવી મળ્યા,

સતી તોરલ કરે આરાધ;

હો રે હો જૂનો રે જાડેજો એમ બોલિયા,

તોળી તારો સાયબો સંચિયાત.

અંજારની વસ્તીનું અઢારે વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે? માથે ગાંસડી શેની છે? ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો ! આટલો બધો રાંક કેમ બની ગયો હશે?

સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલા ને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે.

“જેસલ જાડેજા” તોરલ કહે છે: “શરમાશો નહીં, આ કળિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ સાધુજનો નિર્મળા બને છે. એ નિંદાથી જ શિરપરનો ભાર ઊતરશે.”નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો-ન પહોંચ્યો ત્યાં તો દેહ એનો ઊજળો બની ગયો.

4 પ્રકૃતિનો દ્રોહ

વાયક આવ્યાં રે સંતો દો જણાં

ત્રીજું કેમ સમાય રે?

પંથ ઘણો ને જાવું એકલું,

પાળા કેમ ચલાય રે?

શબદુંના બાંધ્યા સંતો કેમરે’વે હાં !

સાધ હોય ઈ સંતો કેમ રે’વે.

સોનલા-કટારી સતીએ કર ધરી,

પાળી માંડી છે પેટ.

કૂખ છેદી, કુંવર જલમિયો;

એ જી જનમ્યો માઝમ રાત – શબદુંના

હીરની દોરીનો બાંધ્યો હીંચકો,

બાંધ્યો આંબા કેરી ડાળ;

પવન-હીંચોળા હરિ મિકલે.

આતમ તારો ઓધાર. – શબદુંના

બાઈ પાડોશણ મારી બે’નડી!

રોતાં રાખ્યે નાનાં બાળ;

અમારે જાવું ધણીને માંડવે,

તારા કે’ શું ઝાઝા રે જુવાર. – શબદુંના

ત્યાંથી તોળી રાણી ચાલિયાં,

આવ્યાં વનરા મોજાર,

વનમાં વસે એક વાંદરી,

ઠેકે મોટેરા ઠેક રે. – શબદુંના

ત્યારે તોળી રાણી બોલિયાં

સાંભળો વનરાના રાય!

ઉરે રે વળગાડી તારાં બચળાં

રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના

મારાં રે બચળાં મારી ઉરમાં,

તોળી રાણી, તારાં તો સંભાળ;

કોળિયા અન્નને કારણે

પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના

પૂતર સંભાર્યો, પાનો ચડ્યો;

પ્રાણમાં વાધી છે પીડ,

થાન હતાં તે સતીનાં થરહર્યાં.

પડતાં છોડિયા છે પ્રાણ. – શબદુંના

મોટ બાંધીને માથે ધર્યો,

ચાલ્યા ધણીને દુવાર,

એકલડા પંથ ન ઊકલે,

બેદલ થિયો મારો બેલી. – શબદુંના

ગતમાં ઉતારી ગાંસડી;

ગત કાંઈ કરે છે આરાધ;

સામા મોહોલ મહારાજના

દીપક રચિયેલ ચાર. – શબદુંના

તમારે જાગ્યે જામો જામશે;

બોલિયા જેસલ રાય

સાસટિયા કાઠીની વિનતિ:

જાગો તોળલદે નાર. – શબદુંના

*

સાંસતિયાનું ગામ તજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા.નવ માસ પૂરા થવા આવ્યા છે. પ્રસવને ઝાઝી વાર નથી.

એવે ટાણે વાયક આવ્યાં. સંદેશો આવ્યો. પાંઉપટણથી ભક્ત સાંસતિયાનું તેડું આવ્યું : “જેસલજી ને તોળલદે, બેય જણાં ‘ગત્યમાં’ હાજરી આપવા વખતસર આવજો.”

નોતરું બેને જ આવ્યું. ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યાં. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે.

પછી છાનાંમાનાં –

‘સોનલા-કટારી સતીએ કર ધરી’ : પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો. ઝાડની ડાળે ઘોડિયો બાંધીને બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી: “બહેન, બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી: “બહેન, બાળકને સાચવજે. અમારે તો ધણીને દ્રાર જવું છે. તારો આભાર નહીં ભૂલું ત્યાં હું વિશ્ર્વના ધણીને તારા પણ નમસ્કાર કહીશ.”

જેસલને લઈને તોળલ ચાલી નીકળી. માર્ગમાંકજલીવન માનમું મોટું જંગલ આવ્યું.જંગલમાં વાંદરાં ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળને પેટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલંગો મારી રહી છે.

“અરે !અરે! અરે વનરઈની રાણા! “ તોળલથી બોલાઈ ગયું. “આમ ઠેકડા મારી રહી છો, પણ ક્યાંક તારું છોકરું પડી જશે. બાઈ, બરાબર સાચવજે તારા બાળકને !”

ઝાડની ડાળીથી વાંદરી જોઈને હસી: “બાઈ, અમે તો જાનવર :અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છતીસરસું રાખ્યું છે. પણ તું માનવી ,તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવીક સાચવણ છે તે તો એક વાર વિચાર ! તેં તો તારા બાળકને અંતરિયાળ, અનાથ દશામાં, પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે ? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા જ સ્વાર્થ માટે ને !” એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ. અને આંહીં તોળલને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો. છતીમાં થરેરાટ ચાલ્યો.સ્તનોમાં ધાવણ ઊભરાયાં, છાતી ફટાફટ થઈ રહી, તોળલને મૂર્છા આવી , મુડદા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી.

જંગલમાં જેસલ મૂંઝાઈને ઊભો થઈ રહ્યો. કોઇ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસ જીવન ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડર્યો હતો ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર –ત્યારે તો એ બાયલો બની ગયો હતો. આંહીં કજલીવનમાં તો એ બાવરો, અજ્ઞાન, માવિહોણા બાળક જેવો બનીને ડર્યો. એણે તોળલના શરીરને ઢંધોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યા:

“સતી! જાગો, આંહીં અંતરિયાળ કાં સૂતાં?તમ સરીખાં સમરથને આ શી નબળાઈ સતાવી રહી છે, સતી! તમારામાંય શું સંસારી મોહમાયા સંતાઈ રહેલ છે, તોળલ?”

તોરલના મૂર્છિત દેહ પાસે ઘૂંટણભર બેઠેલા જેસલે ઊંચાં ઝાડવાં પર આંખો માંડી. સામે વાંદરાં બેઠાં બેઠાં મશ્કરીનાં દાંતિયાં કરી રહ્યાં છે. સંતાપણાના કેડા કેવા કઠોર , પાષાણી, અને કેવા કાંટાળા! જેસલને જેવું શરીરબળનું ગુમાન હતું , તેવું જ અભિમાન તોળલનેય અંધી કરી બેઠું હતું પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યે જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં, નહીં, એ બંધનો છૂરીથી છેદી શકાતાં નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા સામર્થ્યનો એ હુંકાટો હતો. તોળલે થાપ ખાધી હતી.

તોળલદેના દેહને પોતાની પછેડીમાં નાખી, ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો પંથ કાપવા માંડ્યો.

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

જેસલ જગનો ચોરટો – ભાગ 1

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

error: Content is protected !!