જેસાજી વેજાજી – ભાગ 1

[આશરે ઈ.સ. ૧૩૫૦માં જુનાગઢની ગાદી ઉપર રા ખેંગાર રાજ કરે: એને ભીમજી નામે એક કુંવર. કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ ! તમે પોતે જ વધાવો તો ?”

રા’ની નિષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે.

રા’ બોલ્યા : “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો ?”

ભીમજી : “ના બાપુ, નહિ જ. નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે બાપુ !”

રા’ ખેંગારજી પરણ્યા. પુત્ર થયો. એટલે પાટવી કુંવર ભીમજી ૪૫૦ ગામડાં લઈને સરવાની ગાદીએ ઉતર્યો.

કોઇ કહે છે કે ૪૫૦ નહિ, પણ ચાર ચોરાસી : એટલે ૧૩૬ : રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે કે એક જ ચોરાસી.

ભીમજીના છત્રસંગજી ને સૂરસંગજી થયા, છત્રસંગજીના તે સરવૈયા અને સરસંગજીના તે ચૂડાસમા :

Sorathi_Baharvatiya_2_-_Pic_31

આખી સરવૈયાવાડ આ બધાની. પણ રા’ માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો. તેથી બહારવટું મંડાએલું, ગંગદાસજી રા’ની સામે બહારવટે હતા.

ઈ. સ. ૧૪૭૨-૭૩માં માંડળિકને મહમદ બેગડાએ ૫દભ્રષ્ટ કર્યો. મુસલમાનનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટીયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું.

આખરે ઇ. સ. ૧૪૯૪માં સમાધાની થંઈ. પાદશાહે ચોક હાથસણીના બે તાલુકા, કુલ ૬૪ ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઇતિહાસમાં અમરેલી પરગણાનાં ૧૪૪ ગામ આપ્યાં લખેલાં છે.]

લોળાગળ લાંકાળ ! ગૃંજછ તુ મેાદળને ગઢે,
(ત્યાં તો) સિંહળદિપ સોંઢાળ કંપવા લાગે કવટાઉત !

[હે પાતળી કમરવાળા, માંસના લોળા ગળનારા સાવજ ! હે કવાઉતજીના પુત્ર જેસાજી ! તું જ્યારે જુનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહ રૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.]

“કોઇ અન્નપાણીનું ક્ષુધાર્થી કોઈ ભૂખ્યું ? હોય તો આવી જાજો ભાઈ ! પેલો ભાગ તમારો.”

મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઉઠી. નવરાતના દિવસો ચાલે છે. આવાજ દેનાર આદમી રજપૂત છે. પડખે ઢાલ તલવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મુડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાંના મોટાં ખોડસાનો દેવતા ચારે બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝીલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણે હથીઆર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાતો એ ગરાસીઓ આગમાં એક ધીંગો ઘેંટો શેકે છે.

શેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેંટાના ભડથામાંથી કટકા કાપ્યો, અને ઉંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્ન પાણીનું ક્ષુધાર્થી ! કોઈ ઉપવાસી ! ”

હાકલ પૂરી થાતાં જ પાછળથી, રજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મ્હોં રાખીને બોલ્યો : “આ લ્યો ભા ! તમારે તો મોઢું દેખાડવામાં ય લાજ આવતી હશે ! ઠીક ! મારે મોઢું જોઈને કરવું છે ય શું ?”

રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથળીમાં મૂકી દીધો, લઈને હાથ પાછો ચાલ્યો ગયો.

બીજુ બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મ્હોમાં મેલવા જાય છે, ત્યાં ફરીવાર એજ હાથ લાંબો થયો. ને હથેળી ધરી.

“વળી પાછો લોભ લાગ્યો? ઠીક, લ્યો ! ભાગો ! ”

બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો, લઈને હાથ પાછો ખેંચાઈ ગયો.

ત્રીજો ટુકડો: ચેાથો ટુકડો : પાંચમો : છઠ્ઠો : વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતા આખો ઘેટો ખલ્લાસ થયો તો યે હાથ તો ફરીવાર બહાર નીકળ્યો.

“રંગ છે તમને ભા ! ૫ત્ય લેવી છે ! લ્યો ત્યારે !”

રજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ ! દઈને એણે પીંડી કાપી. કાપીને લોહી નીતરતી એ હાથમાં મેલી; ને જયાં બીજી પીંડી વધેરવા જાય છે ત્યાં મા ! મા ! એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીએ ખળકતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાંડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરી:

“કોણ છે તું ?”

“બાપ ! હું શક્તિ ! ”

એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યા.

“કાં માડી ! કાંડું કાં ઝાલો ?”

“બાપ ! હવે હાંઉ ! ધરાઈ રહી.”

“રજપૂતનું પણ લેવું’તું મા ?”

“પણ નો’તું લેવું. પણની કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છે, બાપ ?”

“માડી ! હું બહારવટીઓ છું. સારૂ માણસ તો અહીંયા ક્યાંથી બેઠું હોય ?”

“નામ ?”

“જેસો.”

“સાખે ?”

“સરવૈયો.”

“એકલે પંડ્યે છો ?”

“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરૂપદે બેઠા છે.”

“કોની સામે ખેડો છો ? ”

“પાદશાહ સામે. જુનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”

“શી બાબત ?”

“અમારાં ૪૫૦ ગામ જુનાગઢે આંચકી લીધા છે.

“બાળબચ્ચાં ?”

“જગદમ્બા જાણે. એની સામુ જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટનાં પખાંમાં છુપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઓની હત્યા કરે.”

“કેટલુક થયાં નીકળ્યા છો ?”

“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”

“બારવટે પાદશાને પોગાશે બચ્ચા ?”

“સારાં ઘોડાં મળે તો પોગાય માડી ! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ. ”

“જેસાજી ! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઉંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જશે. જાવ બાપ ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે. માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડુંમાં હડીયાપાટી કરશે. જેસાજી ! તેં મને તારૂં અંગ અર્પણ કર્યું , તો મારૂં વરદાન સમજજે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”

કહીને શક્તિ અલોપ થઈ ગયાં.

“ગઢવા! જમવા મંડો ! કેમ થંભી ગયા ?”

પણ ગઢવો ખાતો નથી. ગામને પાદર નટ લોકોના પંખા (પખાં : ટોળાં) ઉતર્યા છે. સાંજ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારામાં તેડી લાવ્યાં, બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ થાળીમાં હાથ બોળતો નથી.

“ગઢવા ! વ્હેમાવ છો ?”

“તમે કેવાં છો મા ! મારી ચારણ દેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉ છું.”

“ગઢવા ! વન થાશો ? તો વાત કરીએ. ”

“માડી ! વન તો વાયે ય હલે : હું તો પાણો થાઉં છું : કહો જે કહેવું હોય તે : હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”

“ત્યારે ગઢવા !

પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નહિ !
ઘર ઓળખીએ ઘાટ, જગતે જે જેસંગતણા.

“ ગઢવા! બહુ બુરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી. અમે ગરાસીયા છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરૂષોને માથે પાદશાહનો કોપ ભમે છે.”

“કોણ જેસોજી વેજોજી તો નહિ ?”

“એ જ અમે એનાં ઘરનાં માણસો !”

“તમારી આવી દશા બોન્યું ! આ બારવટાં ! પંડ પર પૂરાં વસ્તર ન મળે ? ખાવાની આ રાબ છાશું ?”

“હોય બારોટ ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરૂષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને ! તરવાર લઈને જે દિ’ જોડે ઘુમશું તે દિ’ વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરૂડાંને ઉઝેરીએ છીએ ગઢવા !”

ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી ! છઉં તો પાદશાહનો દસોંદી, પણ તમારા ઠાકોરને ન ઉગારૂં તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો !”

“હજાર હાથવાળો ઉગારશે ગઢવા ! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બારવટીયા પાદશાહને શરણે જાય, ઈ તો કદિ નહિ થાય.”

“જેસાજી વેજોજી પાદશાહને શરણે જાય ! હથીઆર મેલે ! તો તો ગંગા અવળી વહે, અને રંગ છે તમને રજપુતાણીયું ! આમ ૨ઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો. રંગ !

હજી સૂર ઝળહળે
હજી સાબત ઈંદ્રાસણ !

હજી ગંગ ખળહળે
હજી પરઝળે હૂતાશણ !

છપ્પય બોલતાં બોલતાં ચારણના રૂવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :

(જો) જેસો ને વેજો જાય ઓળે અહરાણું તણે,
(તો તો) પે પાંડરૂં ન થાય કાળી ધેને કવટાઉત !

[જો જેસો વેજો જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળુ જ બની જાય, ધોળું ન રહે.]

વેજે વેજળ કોટ શીરાબંધ ચણાવીયોં,
મલેમલની ચોટ સાવઝ વાળી સોંડાઉત.

[સોંડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ ચૂનાબંધ વેજલ કોઠો ચણાવ્યો. પાદશાહની સામે સાવઝ સરીખો વેજોજી મલ્લની માફક દાવપેચ ખેલે છે.]

કલબલ બીબડીયું કરે, પડ પડ મરે પઠાણ,
વેજો નાખે વાણ્ય સાવઝવાળી સોંડાઉત.

[જ્યાં વેજોજી સાવઝ સરખી ગર્જના કરે છે, ત્યાં તો ડરીને પઠાણો (પોતાના ઘોડા પરથી) પટકાઈ પટકાઈ મરે છે, ને એની સ્ત્રીઓ-બીબીઓ કલ્પાંત કરવા લાગે છે.]

જૂને હળ જૂતે નહિ, કે ઘાતીયા ઘડે
કીધલ લૈ કડે, સરઠું લેવા સોંડાઉત !

[ વેજાજીના ત્રાસથી જૂનાગઢની જમીનમાં હળો, જૂતી શકતાં નથી. આખી સોરઠ એણે સોંડાજીના પુત્રે કબજે કરી લીધી છે.]

ગિરમાં રાવલ નદીના કિનારા પર જુનાગઢની દિશામાંથી ઘોડા જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઉભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસ્વારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઉભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટીયાનો પીછો લીધો છે. ઠેઠ જુનાગઢથી ફોજ તગડતી આવે છે.

ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મ્હોંમાં તલવાર ઝાલીને ખીસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળાં પગલાં મેલીને અંદર ચાલ્યાં. બે પલંગ દીઠાં. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગીયા જેવા ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તલવાર કાઢી ઠેકવા ગયો. ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પુછ્યું:

“કેમ પારોઠ દીધી ભાઈ ?”

“પાદશાહની બીકથી નહિ, બાપ ! ધરમની બ્હીકેથી.”

“શું છે ?”

“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”

“કાંઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”

વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી.

“હવે ભાઈ ! હવે કરૂં આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તલવારૂંને કે દિ’ ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ધુમાવે છે.

જેસાજીએ મ્હોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઉંચો કર્યો.

“કાં ?”

“આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરૂં છું. મ્હોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર યદુનંદનના બાળકો !”

બોલવાનો સંચળ થયો. ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયલાં પોયણાં જેવાં ઉઘડ્યાં.

“ઓ ખુદા !” એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.

વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઉભી રહી.

“હટી જા બોન ! તું બોન છે, બ્હીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસૂરને તો આજ નહિ છોડીએ.”

“હું તમારી બોન ! તમે મારા ભાઈઓ ! કાપડું માગું છું.”

“માગ્ય ઝટ !”

“મારો ખાવંદ, મારો પાદશાહ કાપડામાં આપો.”

“પત્યું વેજા ! જેવાં આપણાં તગદીર ! વળો પાછા. હવે તો પાદશાહ બોનને કાપડામાં રહ્યો.”

બેય જણા ઉતરી ગયા. દાંતમાં લીધેલી તલવારો ઝબૂકતી ગઈ.

શું થયું, તેની બ્હીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થર થર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યું કે

“જેસો વેજો આપણા મહેલમાં !”

“હેં !” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે ?”

“ચાલ્યા ગયા.”

“કેમ ?”

“પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો.”

પણ પછી તો પાદશાહની ઉંધ જાતી રહી. દિવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનનાં ઝપાટામાં તે ઝાડના ફરફરાટમાં એણે બહારવટીયા જ જોયા કર્યા :

મોદળ ભે મટે નહિ, સૂખે નો સૂવાય,
મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત !

[મેાદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સૂવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં તો હરણાં જેમ કૂદકા મારતાં હોય તેમ ભયના ફફડાટ થાય છે.]

મેઘલી અંધારી રાતે, બેય બહારવટીઆ સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઉભા છે. મે’ની ઝડીઓ વરસે છે તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાંના ટેકા લીધા છે. અને ઘણા ઘણા દિવસના થાક ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાના ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળ બચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતાભરી કોથળીઓ ખાલી કરે છે. ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો, ઠપકાભર્યો લલકાર સાંભળ્યો:

૫ડ ધ્રજે પૃથમી તણું, કડકે નેાબત કોય,
જેસા ! સામું ન જોય, કાન ફૂટયા કવટાઉત !

[ઓ જેસા ! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નેાબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો ? તારા કાન કાં ફુટી ગયા? ]

જેસા ! સામું જોય, ગડહડી નોબત ગુંજે,
(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત!

[ઓ જેસા ! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.]

ત્રેહ ત્રાર્યા ત્રંબાળ (કાં) સાંભળ નૈ સરતાનનાં !
જેસા હજી ન જાગ કાન ફુટા કવટાઉત !

નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં
જેસા હજી ન જાણ, કાં કાન ફુટા કવટાઉત !

[ઓ જેસા ! કવાટજીના દીકરા ! આ સુલતાનનાં ડંકા નિશાન તારી પાછળ ગાજતાં આવે છે તે હજુ ય કાં ન સાંભળ ? તારા કાન કાં ફુટી ગયા ?]

આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરેા આવવા લાગ્યા. “ભાઈ વેજા ! કો’ક આપણને ચેતાવે છે. કો’ક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલ કોઠે.”

વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા,નદી નાળાં ટપીને બહારવટીયા નાસી છૂટ્યા.

કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટીયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયા. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટીયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું,

“તેં ચેતાવ્યા ?”

“ હા, પાતશાહ સલામત ! મેં ચેતાવ્યા. ને હું તારો ચારણ છું. તુને આજ ખેાટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતાવ્યા બાપ !”

“ફોજ પાછી વાળો. જવા દ્યો બહારવટીયાને. ”

“એ પાદશાહ !” હસીને ચારણે હાકલ દીધી :

અયો ન ઉડળમાંય સરવૈયો સરતાનની,
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો !

[સરવૈયો બહારવટીઓ સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પેાતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય.]

“એસા !” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટીઆને ગિરને ગાળે ગાળે ગોતો.”

હુકમ થાતાં ફોજ ગિરમાં ઉતરી.

દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત !

[પઠાણેાનાં દળ બહારવટીયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝટકાની ઝીંક ઝાલી શકી નહિ.]

માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ પાંચ પઠાણોને પછાડી પછાડી બે ભૂખ્યા તરસ્યા ને ભીંજાયલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થાતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.

કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. ને કોઈ કહે છે કે સાંજણ ભંગડો.

ગિર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઉંચી ઉંચી ભેખડો ચડી છે. ઉંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક ક્યાંઈક ડુંગરા ઉભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઉભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવઝ હુંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવઝ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણ આયરો : તેવી જ ચરે છે સાવઝશૂરી ભેંસો : આમ રાવલની ગોદમાં તો બધાં બળીયાં જ પાકે છે. સાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જૂગમાં શા૫ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીના ય ભુકા બોલાવે એવી મસ્તીમાં બે પૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખો રીડીયા કરે છે. દયા માયા એને સંસારમાં કોઇની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઉઠે છે કે માર માર ! માર માર માર ! બીજી વાત નહિ.

શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઉતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જુનાગઢી સેનાની સન્મુખ ઉભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રુંધી રાખી હતી. સંધ્યાની લાલ૫માં રંગાતી આ બે મરણીયા ક્ષત્રિઓની મુખકાંતિ નિહાળીને પઠાણો પાછા ફર્યા. આંખે તમ્મર આવે એવો ઉંડો વાંકળો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી : એને કાંઠે કાંઠે નાનકડી સાંકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈ એને જાણતું નહિ. કેડીએ રોઝાડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.

સૂવરનળો, રાવલ અને ઝેરકોશલી: ત્રણે નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલ-કોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઉંચી આભઅડતી અને સીધી, દિવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટીયા પાવરે પાવરે પાણી ખેંચતા. તે પરથી એનું નામ પાવરાપાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટકી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ જાણે બહારવટીયાને પોતાની ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.

એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા,

“ભાઈ વેજા ! જોયા દાદાને ?”

“હા, ત્રીજી પેઢી સુધી એને માથે ય આ વીતક વીતવાં લખ્યાં હશે ને !”

“ઉઘાડે ડીલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”

“અને વીણી વીણીને ખંભા ઉપર શું નાંખે છે ?”

બે ય પૌત્રો દાદાની પડખે ગયા. ઉધાડી પીઠ ઉપર માંસમાં મોટા ખાડો દીઠો. ને ખાડામાં કીડા ખદબદે છે.

“કાં દાદા ! પાઠાને કેમ છે ?”

“બાપ ! જીવાત્ય પડી ગઈ. ઉઘાડું છું ત્યાં તો ઉછળી ઉછળીને બહાર પડે છે.”

“તે પાછા વીણો કાં ?”

“બાપ ! એને મરવા ન દેવાય. પાછા પાઠામાં મેલું છું. એને એનું ઘર છંડાવાય કાંઈ ?”

“અરે દાદા ! જીવાત્યને આમ જીવાડવી ! ફોલીને ખાઈ ન જાય ?”

“પણ બેટા ! બહારવટાંનો ધરમ તો જતિધરમ છે. જીવાત્યને મરવા ન દેવાય. એનાં જતન કરાય.”

“તો તો ડીલને ફોલી ખાશે.”

“તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પીંડો કરીને ભરીએ: જીવડાં લેાટ ખાય ને કાયા બચી જાય: બે ય વાત સગવડ.”

દુઃખીયો ડોસો લ્હેરથી દાંત કાઢવા લાગ્યો.

ધોળી ફરફરતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટીયાના બાપનો એ સગો કાકો હતેા. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જુનાગઢ અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે બે ભત્રીજાના દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થેાડો વિસામો લેતો હતો. બહારવટાંના ઉંચા ધર્મોની તાલીમ એણે બે ય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.

“ દાદા !” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ? કયાંય લોટ મળ્યો, ન મળ્યો !”

“ભાઈ ! વિસામો તે આ શરીર શી રીતે માણે ? મન અમદાવાદ-જુનાગઢના કોટ કાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના દોડમાં આંબતું નથી તેથી આંહી બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પુરોવતા હોય એવું આકળું બને છે.

“ દાદા ! હવે પ્રભુભજન !–

“બાપ ! એકવાર અમદાવાદ શેરની બજારમાંથી સાચાં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લીવાર પાદશાને જાસો દઈ આવું. પછી હાંઉ ! કાયમનો વિસામો. બીજો અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે ?”

રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પીંડો ભરતો જાય છે, ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખંભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મ્હોમાં તો સીસકારો ય નથી. આ દેખાવ જોઈને બારવટીયાનાં કલેજામાં જાણે શારડી ફરે છે.

ભર જે જે ભાલાળા તણે ઘાઘુંબે ઘમસાણ
અમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત !

[ભાલાંવાળા બહારવટીયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો-કલ્પાંતો મંડાય છે. ]

આવે ઘર અહરોતણા જેસંગ વાહળાં જાણ,
(ત્યાં તો) ખોદે લઈ ખરસાણ કબરૂં નવીયું કવટાઉત !

[જ્યારે જેસાજીની ફોજ અસૂરોના-મુસલમાનેાના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.]

તેં માર્યા મામદ તણા ત્રણસેં ઉપર ત્રીસ,
(ત્યાં તો) વધીયું વીઘા વીસ, કબરસ્તાનું કવટાઉત !

[ઓ કવાટજીના પુત્ર ! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘા વધારવું પડ્યું.]

*
અમદાવાદ શહેરની હીરામોતીની બજારમાં એક હાટ ઉપર ગંગદાસ ડોસા બેઠા છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તલવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.

પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.

મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલાંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર ! મોતીનો આંકડો ચૂકવતા જાવ !”

“આંકડો ચૂકવશે મામદશા બા’દશા ! કહેજે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે, એનાં મૂલ જો એ નહિ ચૂકવે તે હું એનો મોલ ફાડીશ.”

એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હેવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બૂમરાણ વચ્ચે કેડી કરતો, ઉભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે આડા ફર્યા તેમાંના કૈંક પઠાણ પહેરગીરોનાં માથાં તલવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો ગયો.

કોપાયલા પાદશાહના પાણીપંથા ઉંટ અને ઘોડા બહારવટીયાની પાછળ ચડ્યા. કેડે કેડા રૂંધાઈ ગયા. કૈંક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડધી ગાજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.

“કાં દાદા ! ઢીલપ કેમ વરતાય છે ?” જેસો પૂછે છે.

“કાંઈ નહિ બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો !” વળી થોડીવાર હાંક્યા પછી ધીરા પડે છે.

“ના, ના, દાદા ! ખરૂં કહો, શું થાય છે ?”

“બાપ ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”

“કાં ! લોટ નથી ભર્યો !”

“ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરીવાર ભૂખી થઈ હશે.”

“શું કરશું ?”

“કણી અફીણ હશે ? તો ડીલને ટેકો થાય ને પીડા વિસરાય.”

ત્રણેમાંથી કોઈના ખડીયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડાં પૂર પાટીએ લીધે જાય છે. ઉભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.

કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો; ખુતાડીને એણે ઉંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.

“લ્યો દાદા, અફીણ ! ઠાકરની દયાથી મારા માથામાંથી આટલું જડી આવ્યું.”

આફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોટાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઉડી ને ઉંડી ઉતરતી જાય છે. ગંગદાસજીએ ઘોડો ઉભો રાખ્યો, નીચે ઉતરીને ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધો :

“જેસા વેજા ! બાપ, બેમાંથી એક જણો ઝટ મારૂં માથું વાઢી લ્યો. પછી માથું લઈને ભાગી નીકળો ”

“અરે દાદા ! આ શું બોલો છો ?”

“હા બાપ ! હવે મારાથી ડગલું યે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહી જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારૂં માથું કાપશે તો હું અસર ગતિ પામીશ. માટે મારી સદ્દગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો, વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”

જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહાપાપ એની નજર આગળ ઉભું થયું. એ બેાલ્યો “ભાઈ વેજા ! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિમ્મત હોય તો વાઢી લે.”

“વાઢી લે મારા દીકરા !” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”

ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવશમાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યાં. માર્ગે ઝાડવાં ને પંખીડાં યે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ! ગોત્રગરદન ! ગેાત્રગરદન ! ગેાત્રગરદન !

બહારવટીયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. ઓચીંતું જેશાજીને ઓસાણ આવ્યું;

“ભાઈ વેજા ! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે ?”

“દેન પાડશે.”

“પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. મેાટા બાપુ અસર ગતિએ જાય.”

“તો તો આ ગોત્રગરદન કરી એળે જાય ! શું કરશું ?”

“હાલો પાછા ! ચિતામાં માથુ હોમ્યે જ છૂટકો છે.”

બહારવટીયા પાછા આવ્યા. મરણીયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચ્‍હેમાં હોમી દઈને અલોપ થયા.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત જેસાજી વેજાજી – ભાગ 2માં

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!