ગૌરક્ષા માટે બલિદાન આપનાર શ્રી જેરામ દાદાની શૂરવીરતાની વાત

વડ ગામમાં (રાજુલા,અમરેલી )ભચાદરના રસ્તે વડલાની નીચે શ્રી જેરામ દાદા, શ્રી દેવરામ દાદા અને શ્રી પ્રભાશંકર દાદાનું મંદિર આવેલું છે. આ પાળિયાઓ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે.

|| શ્રી જેરામ દાદા ||
ગીર કાંઠાના ધાતરવડ નગરને શોભાવતી ધાતરવડી ધીમે ધીમે પંથ કાપતી બાબરીયાવાડને વીંધીને મહેરામણને મળે છે,આ ધાતરવડીને કાંઠે જેમ મહાસાગરમાં નાનકડું બેટડું હોય એવું વડનું પાદર શોભે છે. નદીના અમૃત સમાન મીઠાં જળને લીધે ગામને ચારેકોર લીલીછમ ઝાડી ઉભી છે, આંબા, આંબલીયુ, ઉમરા, આવળ, બાવળ, બોરડી વગેરે જાતજાતના ઝાડવાથી નાનું એવું વડનું પાદર આજ ગાંડીગીર જેવું લાગે છે.

રોજ સવારે સુરજ નારાયણ કોર કાઢેએ પહેલા ગોવાળ ધણને પહર ચારવા જાય છે,ઘરે ઘરે વલોણાંનો અને ધંટીના દળણાંનો અવાજ ભમરાનેય ભોંઠા પાડે એવો થાય છે, ગામના સૌ પોતપોતાને કામે લાગી જાય છે, તો બીજી બાજુ શ્યામજીના પરમ ઉપાસક કાઠી બાબરીયા સુરજ મહારાજને અર્ધ આપી કસુંબાની અંજલિયુ ભરે છે, આવો ક્રમ કાયમ ચાલે છે, પણ કેટલાક ઠેકાણે આવી શાંતિ ભંગ કરવાનાં મનસૂબા ઘડાતા હતાં.

વાત એમ છે, કે વડના કાઠીઓ જયારે તુલસીશ્યામના દર્શન કરવા ગયા ત્યારે રસ્તામાં ઉનાપંથકના ખાંટ લોકો સાથે કોઈ બાબતે વિવાદ થઈ ગયેલો અને એ વિવાદથી સામસામી લડાયમાં કાઠીઓએ ઘણા ખાંટોને ઢાળ્યા, આ વેર ખાંટોને ખટકતું હતું,પણ વેર વાળવાનો મોકો મળતો નથી. જયારે વડના કાઠીઓને પણ ખબર હતી કે ખાંટ મોકો મળતા વેર વાળવા આવશે. આથી બધા ભાયાતો ને સાબદા રહેવા કીધું અને ગામ ના જુવાનિયા રાત દિવસ પોરી ભરતા એમ ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા પણ સામા પક્ષેથી વળતો જવાબ આવ્યો નહિ, આથી ગામના બધા નિશ્ચિત થઈ ગયા કે કોઈ વેર વાળવા આવશે નહિ.

પણ એક વખત વાવેરા ગામમાં કોઈ ગલઢેરાનું કારજ હતું, આથી,બાયું છોકરા સિવાય કોઈ હાજર નહતું, આવો મોકો જોઈને ખાંટોએ જૂનું વેર વાળવાનો વિચાર કર્યો.

પોતાના માણસો ભેગા કરીને ખાંટોએ પાળ ચડાવ્યું ગામનું ધણ હજી છૂટ્યુ હતું એટલે એમણે ધણ વાળી નાક કાપવાનું વિચાર્યું. ગોવાળિયાને લાકડીઓ મારી અને ધણ વાળીને કેડો પકડ્યો.

ધણનો ગોવાળ હાંફતો હાંફતો ગામમાં પહોંચ્યો અને ગઢના ડેલામાં જઈ આઈને હીબકા ભરતા ભરતા કીધું કે “આઈ, ગજબ થઈ ગ્યો, ખાંટુ વડનું નાક કાપીને જાય છે. ”

ગોવાળ ની કફરી દશા જોઈને આઈએ ઘાંઘા થઈને પૂછ્યું કે “ભાઈ, કૈક સમજણ પડે એમ કે? ”

ગોવાળ ઉતાવળો થઈને કહેવા લાગ્યો કે “ઓલ્યા,ખાંટ આપડુ ધણ વાળીને જાય છે “, આ વાત સાંભળતા તો બધાય સ્તબ્ધ થઈ ગયા, કે હવે કરવું શું ? ગામનો ડાયરો તો વાવેરા કારજમાં હતો, લડવા વાળું કોઈ નહતું, એટલે આઈએ ગોર મારાજને વાવેરાથી ડાયરાને તેડાવવા કેવરાવ્યુ.

જેરામ મારાજને થયું કે “હું વાવેરે પૂગું ઈ પેલા તો માળા ખાંટ સીમ વટાવી દેશે “એટલે એમણે પોતેજ ધણ પાછુ વાળવાનો નિર્ણય કર્યો અને ગોરાણી ને કીધું કે, “ગોરાણી,ગઢમાં જાવને આઈ પાસેથી તલવાર, ઢાલને બરસી લયાવો અને આઈને મારાં છેલ્લી વારના જેશ્રી કૃષ્ણ કેજો અને કેજો કે એમ હું વડનું નાક કપાવા નહી દઉં ”

પથ્થરનું હ્રદય કરીને ગોરાણી કોઈ જાતની પરવા કર્યા વગર કે પ્રશ્ન કર્યા વગર ગોરની આજ્ઞા પ્રમાણે સંદેશો દઈને તલવાર,ઢાલને બરસી લઈ આવ્યા.

મારાજ એક ક્ષણની વાર જોયા વગર એકલા હોવા છતાં ગાયુંને ખાતર નીકળી ગયા. દૂર ગાયું વાળતા અસ્વારોને કીધું કે “એલા, મરદના બચ્ચા હો તો મરદ સામે લડાય, આ બિચારી ગાયુનો કયો દોષ છે ? અને એટલા મરવાના કોડ હોય તો વાવેરેથી ડાયરો આવે ત્યાં સુધી ખમી જાવ, પણ ગાયું વાળવી રેવાદ્યો.”

મારાજની આવી ઠાવકાઈથી અસવારો ખિજાયા અને મારાજને એકલા જોઈ જોર કરવા લાગ્યા, છેવટે મારાજે મનમાં ઠાકરને સંભારી ને ખાંટોને હાકલ કરી કે “માટી થાજો ખાંટડાવ* !”

અસવારોએ એકલા મારાજને ઘેરી લીધા અને ચારેકોરથી તલવારોથી પીંછવા લાગ્યા, જેરામ મારાજ પણ એકલા પંડયે ટોળાં સામે બાથ ભીડી, એમાં કોઇએ મારાજને પાછળથી ઘા કરીને માથું ઉતારી લીધું ધડ લડવા લાગ્યું મારાજે રોદ્રરૂપ ધારણ કર્યું જે સામે આવે એનો કચ્ચરઘાણ કાઢવા માંડ્યું, બીકના માર્યા અસવારો ભાગતા ભાગતા ધાતરવડીને બીજે કાંઠે પહોંચી ગયા.ધડ ખાંટોને ખદેડવા માંડયું એના પ્રકોપથી ડરેલા ખાંટોએ ધણને છોડી મૂક્યું,પણ વીરત્વ ધારણ કરેલું ધડ શાંત પડતું નથી એટલે એમાંથી કોઈએ ધડ ઉપર ગળીનો ત્રાગડો નાખ્યો અને ધડ શાંત થયું. ખાંટોએ વાવેરાથી કોઈ આવી જશે એવી બીકે ધણ વાળવાનું છોડી ભાગી ગયા.

આજે પણ આ ઘટનાની સાક્ષી પૂરતી શ્રી જેરામ દાદાની ખાંભી(વડલા નીચે) અને નદીને સામે કાંઠે રણચગો મોજુદ છે.

આવા ગૌરક્ષા માટે બલિદાન આપનાર શ્રી જેરામ દાદાને મારા કોટી કોટી વંદન…🙏🙏🙏

લી. ધ્રુવરાજ પી.ધાખડા (ભયલુભાઈ)

નોંધ –

  • ૧.*અહીં કોઈ જ્ઞાતી,વર્ગ કે સમુદાયની લાગણીને ઠેશ પહોંચાડવાનો હેતું નથી ,મારો ઉદ્દેશ્ય એતિહાસિક ઘટનાને આપની સમક્ષ રજુ કરવાનો છે,જેની ખાસ નોંધ લેવી.
  • ૨.* વડલા નીચે શ્રી માત્રાભાઈ રાણીગભાઈ ધાખડાની હદમાં આજે મંદિર છે.
  • *રણચગો શ્રી મંગળુભાઈ ચાંપભાઈ ધાખડાની વાડીમાં છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!