જામનગરના પ્રજાવત્સલ રાજવી – જામ વિભાજી

કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં આવેલો પ્રદેશ જૂના કાળે હાલારના નામે જાણીતો હતો. કચ્છમાંથી આવીને જામ રાવળજીએ પ્રાપ્ત કરેલા પ્રદેશનું નામ પોતાના પરાક્રમી વંશજ હાલાજીના નામ પરથી ‘હાલાર’ રાખ્યું એ પછી એમણે વિ.સં. ૧૫૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારે સ્વાતિ નક્ષત્રમાં ‘નવા નગર’ની થાંભલી રોપી, તોરણ બાંધી વાસ્તુકર્મ કર્યું. એ નવું નગર પાછળથી જામના નામ પરથી જામનગર તરીકે જાણીતું થયું.’વિભાવિલાસ’ ગ્રંથના એક દુહામાં રંગમતી અને નાગ નદીના કિનારે વસેલા નૌતમપુરી અર્થાત્‌ નવાનગરને આ રીતે વર્ણવ્યું છે.

ચંદ્રમુખી મદ સે ભરી, નેણ કુરંગી નાર;
સો વણ, કળસે જળ ભરે, નૌતમનગરી મૂંઝાર.

આ જામનગર સંખ્યાબંધ પુરાતન પ્રસિદ્ધ મંદિરોને કારણે છોટી કાશી તરીકે, અહીં મળતા કાજળ, કંકુ, બાંધણી અને પાનેતરને લઈને સૌરાષ્ટ્રના સૌભાગ્યનગર તરીકે, તથા એની નગરરચના, કલા-કારીગરી અને જાહોજલાલીના કારણે કાઠિયાવાડના પેરિસ તરીકે પણ પ્રખ્યાત થયું છે, એની વાત ફરી કોઈ વાર. પણ આજે મારે દોઢસો વર્ષ પૂર્વે થઈ ગયેલા પ્રજાવત્સલ રાજવીની વાત કરવી છે. લોકો જેમને દેવતાઈ પુરુષ માનતા, કેટલાક લોકો તો એમના દર્શન કરીને પછી જ જમતા અને આજે ય જામનગર જિલ્લાની ઉંમરલાયક બાઇઓએ પોતાના ઓઢણાં પર જેમની સ્મૃતિ જાળવી રાખી છે એ રાજવીનું નામ છે જામ શ્રી વિભાજી (બીજા)

વિ.સં. ૧૮૮૩માં જામ રણમલજીના સાતમા પુત્ર તરીકે જન્મેલા જામ વિભાજી જન્મકુંડળીમાં રાજયોગ લખાવીને આવેલા હોવાથી છયે ભાઈઓનું અવસાન થતાં ઇ.સ. ૧૮૫૨માં એ જામનગરની ગાદીએ આવ્યા. તેઓ સ્વભાવે ઘણા જ ભોળા, હસમુખા, પ્રમાણિક, મિલનસાર અને ઉડાઉ કહી શકાય એટલા દાતાર અને સરળ સ્વભાવના રાજવી હતા. શરીરે કદાવર, મજબૂત બાંધાના અને આજાનબાહુ (ઢીંચણ સુધી લાંબા હાથવાળા) હતા. હોકા, અફીણ જેવું એકે ય વ્યસન એમને વળગ્યું નહોતું. ચારણોને બક્ષિસમાં આપેલા ગામનું પાણી પણ તેઓ પીતા નહીં, એવા સંયમ-નિયમવાળા હતા.

જામ રામસિંહજી (પહેલા) પછી જામનગરની નવરચનાનું શ્રેય જામ શ્રી વિભાજીને આપી શકાય. રાજગાદી સંભાળ્યા પછી વિભાવિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું. જામનગરથી છ માઇલ દૂર રોઝી માતાના સ્થાનકે મોટો કિલ્લો, મહેલ, ઝરૂખા, અગાશી, અખૂટ જળથી ભર્યા રહે તેવા વિશાળ ટાંકા, ઓરડા તથા દોરીવાળા દરવાજા, મજબૂત કોઠો અને તેના પર દિવાદાંડી બંધાવી કિલ્લા બહાર કેટલાંક સુશોભિત મકાનો બંધાવ્યાં જામનગરનો બેડી દરવાજો, દિવાન બંગલો, મહેસુલ કચેરી, બાલાચડીનો બંગલો, એ ક દંડિયો, પીળી બંગલી, વિભાજી હાઇસ્કૂલ, પંચમેશ્વર ટાવર, માંડવી ટાવર અને રાજકોટનું જામ ટાવર બંધાવી તેમાં વિલાયતથી મંગાવીને ઘડિયાળો મૂકાવ્યા. વિભાપર નામનું નવું ગામ વસાવ્યું. જૂના મંદિરોના કમાડ ચાંદીથી મઢાવ્યાં. આમાંનું કાશી વિશ્વનાથનું મંદિર તેના સ્વરૂપની દ્રષ્ટિએ ગુજરાતમાં વિશિષ્ટ હોવાનું જામનગરના જાણીતા ઇતિહાસ લેખક શ્રી હરકિશન જોષી નોંધે છે.

જામ વિભાજી ઝાઝું ભણેલા નહોતા પણ સાહિત્ય, કળા અને સંગીતમાં એમને ઊંડી અભિરુચિ હોવાને કારણે જામનગરમાં વિવિધ પ્રવૃત્તિઓ વિકાસ પામી હતી. તેમનો દરબાર સંસ્કૃતના પ્રકાંડ પંડિત કેશવજી શાસ્ત્રી, વૈધરાજ ઝંડુ ભટ્ટ, શુકનાવળી (ભવિષ્યવેતા) શ્રી ટકા જોષી, સંગીતાચાર્ય શ્રી આદિત્યરામજી જેવા વિવિધ ક્ષેત્રના બે ડઝન જેટલા વિદ્વાનોથી શોભતો હતો. જામ વિભાજી સંગીતપ્રેમી હોવાથી અનેક ગવૈયાઓ દૂર દૂરથી આવીને ગીત- સંગીત સંભળાવતા. સંગીતકારોને મૉજ આપવામાં તેઓ ખૂબ જ ઉદાર હતા. મારુ ચારણ કવિ ભીમજીભાઈ રત્નુને રાજ્યકવિ તરીકે પોતાની પાસે રાખીને એમને રાજવડ નામનું ગામ ઇનામમાં આપ્યું હતું. ‘વિભાવિલાસ’ગ્રંથના રચયિતા ચારણ કવિ વજમાલજીને લોંઠીઆ નામનું ગામ લાખપશાવ (લાખ રૂપિયાનું દાન) કરી બક્ષિસમાં આપ્યું હતું.

ગાદીએ બિરાજ્યા પછી પ્રથમ કાર્ય જામ વિભાજીએ પોતાનાં બહેનબા શ્રી પ્રતાપકુંવરબાને પરણાવવાનું કર્યું. જોધપુરથી આવેલી દબદબાભરી જાનને જામનગરમાં એક મહિના લગી રોકી ખૂબ જ ખાતબદારી કરી, જાનમાં આવેલા અમીર – ઉમરાવોને હીરાના કંઠાઓ, મોતીઓની માળાઓ, નંગજડિત કડા અને વીંટીઓ સહિત ઉમદા પોષાકોની પહેરામણી કરી. બહેનીને દાયજામાં જરી ઝૂલોવાળા રૂપાના હોદ્દાવાળા, ઘરેણાંથી શણગારેલા ઐરાવત જેવા ત્રણ હાથી. સોનારૂપાના સાજવાળા ઘોડા, ઉત્તમ ઊંટ, ગાયો, ભેંસો અને રથસહિત ઉમદા બળદોની જોડ્યો આપી. કરિયાવરમાં પેટી, પટારા, મ્યાના, સુખપાલ અને સર્વ જાતના નંગજડિત ઘરેણાં તથા શૃંગારસહિત દાસ દાસીઓ, સોનારૂપાના પલંગો, હિંડોળા ખાટો, સોનારૂપાના વાસણો, સોનેરી જરીવાળા વસ્ત્રો તથા કિનખાબોના થાનો આપીને સાસરે વળાવ્યાં એમ ‘યદુવંશ પ્રકાશ’ના કર્તા શ્રી માવદાનજી રત્નુ નોંધે છે.

જામ વિભાજી ધાર્મિક વૃત્તિ ધરાવતા રાજવી હોવાથી બ્રાહ્મણોનો ખૂબ જ આદર કરતા. વિ. સંવત ૧૯૨૧- ૨૨ અને ૨૩ના વર્ષોમાં એમણે ખૂબ મોટો ખર્ચ કરી દૂર દેશાવરોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી મહારુદ્ર અને સવાકોટિ પાર્થિવ કરાવી મહાદેવનું પૂજન કરાવ્યુ. મહાવિષ્ણુયાગ કરાવી પોતે અસ્ત્રશસ્ત્ર સહિત તુલામાં બેસી સોનાની તુલા કરી તે સોનાનું દાન યાચકોને આપ્યું. વિ. સંવત ૧૯૪૬માં સવાલક્ષ ચિંતામણિ, મહારુદ્ર અને સહસ્ત્ર ચંડી અને રામાયણ, મહાભારતના પાઠ કરાવી ૬૫૦ બ્રાહ્મણોને શિરપાવ, દક્ષિણા અને અનેક પ્રકારની ધાતુઓની તુલા કરી તેનું દાન આપ્યું. જામ શ્રી સર્વ કુટુંબ અને જનાના સહિત આનંદ કરવા જોડિયા, બાલંભા, કાલાવડ મહાલમાં જતા ત્યાં કેમ્પ રાખીને થોડા દિવસ રોકાતા. બ્રહ્મચોરાશી કરી બ્રાહ્મણોને સ્વહસ્તે આગ્રહ કરીને લાડુ જમાડતા ને એક લાડુ વધુ ખાય એને એક કોરીનું ઇનામ આપતા. જનાનામાં ગામની સ્ત્રીઓ રાસડા લેવા આવતી. એમને રાણીઓ તરફથી ખોબા ભરીને ખારેક અને સોપારીઓ વહેંચાતી.

‘વિભાજી જીવનચરિત્ર’ના કર્તા લખે છે કે જામ શ્રી વિભાજી ઉદારતામાં આડો આંક જ હતા. ગ્રંથકારો, કવિઓ અને વિદ્વાન પુરુષોની કદર કરી તેમને યથાયોગ્ય બક્ષિસો આપતા. ધર્મકાર્યો અને પ્રજાહિતના કાર્યો પાછળ લાખો રૂપિયા વાપરતા. શહેરના તમામ બ્રાહ્મણોની ચોરાશી તથા ભંડારા કરાવતા. સંક્રાંતિ અને સોમવતી અમાસે તલનો મોટો લાડુ અને એક એક કોરી બ્રાહ્મણો તથા બાળકોને વહેંચતા. ૠતુ ૠતુના ફળો, દિવાળીએ ફટાકડા નગરના બાળકોને આપવામાં એમને આનંદ આવતો. પોતાની હજુરમાં રહેતા માણસોને નવી નવી ચીજો અને પોષાકો આપતા. ખાસ મહેરબાનીવાળા માણસોને સોનાના જડાઉ તોડા, જમૈયા, તરવારની મુઠો, મોવટાઓ, ખોળીઓ, મોનાર, છરીના હાથા, હમેલો, મોતીની માળાઓ, કંઠાઓ અને પોતાની છબી જડાઉ દુગદુગીઓ આપીને રાજી કરતા. પટ્ટાવાળા જેવા નીચેના સેવકોને ઘોડાગાડી, સિગરામ ને ઘોડો ભેટ આપતા. મુત્સદ્દીઓને ભેટમાં બાંધવાની દોતો (કલમદાન, ખડિયો, રજીયું, ગુંદિયુ, જળપાત્ર ઇ.) રૂપાની બનાવી, પોષાક આપી બંધાવતા. મિત્ર રાજવીઓને અવનવી કિંમતી ભેટો મોકલતા. કારીગરો આવીને તેમની ઉત્તમ કલાકારીગરીવાળી ચીજો રાજાને ભેટમાં મૂકી જતા. વિભાજી કારીગરોને ભારે ઇનામો આપીને એમને પ્રોત્સાહિત કરતા.

જામ વિભાજી રાજવી હોવા છતાં અત્યંત સરળ અને પ્રજાવત્સલ હતા એમની પ્રજાપ્રિયતાની પ્રતીતિ એમની દિનચર્યા પરથી થાય છે. તેઓ સવારે ત્રણ વાગે ઊઠી પ્રાતઃક્રિયા પતાવી ન્હાઇ-ધોઈ માળા ફેરવી એક પાત્રમાં ઘી, ગોળ, લોટ, ધોતી અને કોરી મૂકી નિત્ય પરદેશી બ્રાહ્મણને કોરું સીધું આપતા. પાંચ વાગે બગી લઈને ફરવા નીકળી પડતા. મારગ માથે વાડીઓ આવે. ખેડૂતોના બાળકો હાથમાં બાજરિયાં, ચીભડાં, શેરડી, મગની શીંગુ ઝીંઝરા લઈને મારગ માથે ઊભા રહે. બાળકોને જોતાં જ પોતે બગી ઊભી રખાવે. બાળકો આનંદભેર બગી પર ચડી જઈને વિભાજીને સ્વહસ્તે એ બધું આપે. દરેક બાળકની ભેટ આનંદપૂર્વક સ્વીકારીને કોથળીમાંથી કોઈને બે, કોઈને ચાર કોરીઓની ભેટ આપતા. ત્યાંથી કરીને પરબારા દરબારગઢમાં પધારતા.

શ્રી માધવદાનજી રત્નુ નોંધે છે કે એ વખતે બજારમાં ઘણા પ્રેમી પ્રજાજનો રાજવીના દર્શન માટે આતુરતાથી રાહ જોતા બેસી રહેતા. કેટલાક શહેરીજનોને તો જામશ્રીના દર્શન કર્યા પછી જ અનાજનો દણો મોમાં મૂકવાના નીમ હતાં. આમ દરેકની સલામો ઝીલીને બરાબર આઠ વાગે દરબારગઢમાં પધારતા. ગૃહસ્થો, વેપારીઓ, પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા અને એનો યોગ્ય નિર્ણય કરતા. જામદારખાનાની ચીઠ્ઠીઓ અને લખાણોમાં સહીઓ કરી જનાનખાનામાં રાણીઓના અધિકાર પ્રમાણે ખાલસા, વડારણો, નાજરો સહિત પધારી સર્વ રાણીઓની મુલાકાત લઈ અરજો સાંભળી યોગ્ય સૂચનો આપતા. બપોરે જમ્યા પછી કોઈવાર આરામ કરતા નહીંતર શતરંજ કે ચોપાટ રમતા. તળાવમાં વહાણની સહેલગાહ કરતા કે પુરાણોની કથા સાંભળતા.

વિ. સંવત ૧૯૨૯માં કાશી, મથુરા, પ્રયાગની યાત્રા કરીને આવ્યા પછી રાજ્યની ટંકશાળમાં સોનાની કોરીઓનો સિક્કો પડાવી સોનામહોરો પડાવી એનું ચલણ શરૂ કર્યું, સંવત ૧૯૩૪માં ચોત્રીસા નામનો ભયંકર દુકાળ પડ્યો. હજારો લોકો જામનગર આવી ચડ્યા. એ બધાને માટે ચોખાની કડાઓ પકવવાનો અને તમામને જમાડવાનો હુકમ કર્યો. આવા કઠણ કાળમાં જામશ્રીએ દુરદેશાવરથી અનાજના વહાણો મંગાવી ચરુઓ અને કડાઓ ચડાવી અન્નદાનની ધજા બંધાવી, કોઈ ભૂખ્યો ન સૂવે એ માટે સવાર, સાંજ, સાદ પડાવીને સૌને જમાડવાનો બંદોબસ્ત આખા વર્ષ દરમ્યાન કર્યો.

સને ૧૮૭૭ જાન્યુઆરીની પહેલી તારીખે મહારાણી વિક્ટોરિયાએ ‘કૈશરે હિંદ’ પદ ધારણ કર્યું ત્યારે દિલ્હીમાં લોર્ડ કર્ઝને ભવ્ય દરબાર ભર્યો તેમાં હિંદુસ્તાનના તમામ રાજવીઓને નોતર્યા. આ રાજા-મહારાજાઓ સમક્ષ ગવર્નર લોર્ડ લીટને જામશ્રી વિભાજીને અપાતી અગિયાર તોપોની સલામીને બદલે ૧૫ તોપોની સલામીનું માન, એક બાદશાહી વાવટો તેમજ કે.સી.એસ.આઇ. તથા ‘સર’ના માનવંતા ખિતાબો એનાયત કર્યા.

જામ વિભાજી કલાપ્રેમી રાજવી હોવાથી વસ્ત્રવણાટની, રંગાઈ અને છાપકામની કલાઓ સાથે ભીંતચિત્રોની કલા પણ વિકાસ પામી. તે સમયે ચિતારાઓએ બનાવેલાં ચિત્રો જૈન દેરાસરો અને મંદિરોની દિવાલો પર આજે ય જોવા મળે છે. નવાનગરથી રાજકોટ સુધી, ધ્રોળથી જોડિયા સુધી, નવાનગરથી બેડી તથા રોઝી સુધી, ખંભાળિયાથી સલાયા બંદર સુધી પાકી સડકો બનાવી વૃક્ષો રોપાવ્યા. શાળાઓ અને પુસ્તકાલયો શરૂ કરાવ્યા.

સમગ્ર કાઠિયાવાડમાં રાજ- રજવાડાઓમાં જામવિભાજીની પરોણાગત ખૂબ વખણાતી. પોતાના રાજ્યમાં જે કોઈ મહેમાન- મીજબાન આવે તેની બરદાસ કરવા દરેક મહાલોમાં ખાસ હજુર હુકમો હતા. જામનગરમાં આવતા મહેમાનોની આગતાસ્વાગતા જામ વિભાજી જાતે જ કરતા. મહેમાનો એમની સભ્યતા, સફળતા, વિવેક, નિરભિમાનપણું એ બધાથી ખૂબ જ પ્રભાવિત થતા. જામનગરના પ્રજાજનો તો પોતાના પ્રિય રાજવીને દેવતાઈ પુરુષ ગણતા. તેમના નામની માનતાઓ પણ મનાતી. અમરઝુંડ સ્થિત તેમનું સમાધિસ્થાન ઘણા સમય સુધી પૂજાતું રહ્યું હતું એમ ડૉ. હસમુખ વ્યાસ નોંધે છે.

સંવત ૧૯૫૧ના રોજ ૬૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ૪૩ વર્ષની એમની રાજકીય કારકિર્દી દરમ્યાન જામનગર રંગોનું નગર બની રહ્યું. એ સમયે ‘જામ વિભાજી ઘણું જીવો’ની છાપવાળા ઓઢણા બનતા. એ ઓઢણા આજે ય સૌરાષ્ટ્રની બાઈઓ ઓઢે છે એની રસપ્રદ વાતો પછી ક્યારેય.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!