જાગરણ એટલે શું ?

આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના દિવસોમાં તથા ઉપવાસ કર્યો હોય ત્યારે જાગરણનું મહત્વ ખૂબજ છે.

આપણા ૠષી મુનીઓએ તથા ધાર્મિક આચાર્યોએ આપણને શાસ્ત્રો, ધાર્મિક પુસ્તકો વિગેરે દ્વારા દુર્લભ સંપતિ અને અમુલ્ય મુડી આપી છે.

આપણા ધાર્મિક ૠષીમુનીઓએ તથા ધાર્મિક આચાર્યોને સમાજની ઘણી જ ચિંતા હતી. તેથી તેમણે માનવજીવનમાં દરેક માનવને બધીજ રીતે સુખ પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા રસ્તા બતાવ્યા છે. આપણા ૠષી મુનીઓ તથા આચાર્યો ઉત્તમ પ્રકારના શિક્ષકો જ હતા. જેમાં તેમણે જુદા જુદા વ્રતો તથા ઉપવાસમાં જાગરણ માટે અગત્યના માર્ગદર્શક સિધ્ધાંતો આપ્યા છે.

આ પ્રમાણે વ્રત હોય ત્યારે તથા ઉપવાસના દિવસે રાતનું જાગરણ કરવાનું રાતના ૧૨ વાગ્યા સુધી અથવા સવારના પાંચ વાગ્યા સુધી કરવાનું કહ્યું છે. મોળા વ્રતમાં બહેનો શિવજી તથા પાર્વતીજી પૂજા કરે છે તથા ઉપવાસ કરે છે તથા જાગરણ અમુક દિવસોએ રાતના ૧૨ વાગ્યા સુધી અને અમુક દિવસોએ તથા અમુક વ્રતોમાં સવારના પાંચ વાગ્યા સુધી જાગરણ કરવાનું કહ્યું છે.

આ જાગરણનો અર્થ આપણે બરાબર સમજી શક્યા નથી. જેમકે અગીયારસના દિવસે સામાન્ય રીતે ઘણી જગ્યાએ આજે રાતના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવામાં આવે છે. કૃષ્ણ જન્મના દિવસે શ્રાવણ વદ ૮ના દિવસે રાતના ૧૨ વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે.

ભગવાનનો જન્મ રાતના ૧૨ વાગે થયો હતો તેથી રાતના ૧૨ વાગ્યા સુધી જાગરણ કરવાનું મહાત્મ્ય ખુબજ છે. આ જાગરણ ઘણા માણસો જુગાર રાત્રે રમીને કરે છે અથવા રાતના ૧૨ વાગ્યા સુધી મેળામાં ફરીને ફરાળી વસ્તુ ખાઈને પેટ બગાડીને જાગરણ કરતા હોય છે. ઘણા માણસો તથા બહેનો રાત્રે ટીવી ઉપર કાર્યક્રમ જોઈને અથવા ટીવી ઉપર સિનેમા જોઈને જાગરણ કરે છે. ઘણીવાર તો આખી રાતનું જાગરણ બહેનોનું હોય ત્યારે રાત્રે ૧૨ વાગ્યાથી સવાર સુધી સળંગ બે કે ત્રણ પીક્ચરો ટીવી ઉપર બતાવવામાં આવે છે અને જે લોકોને જાગરણ હોય તે ટીવી ઉપર બેસીને આખી રાત સિનેમા જોવે છે. આપણા ૠષી મુનીઓએ તથા આચાર્યોએ આવું જાગરણ કરી ઉજાગરો કરવાનું કહ્યું નથી. ટીવી ઉપર તથા સિનેમાગૃહમાં પીક્ચરો જોઈ જાગરણ કરવાથી તદ્દન નકામો ઉજાગરો થાય છે. ટુંકમાં આ પ્રમાણે જાગરણ કરવા કહ્યું નથી.

જાગરણમાં રાતના બાર વાગ્યા સુધીનું જાગરણ હોય અથવા આખી રાતનું જાગરણ હોય ત્યારે રાસ, ગરબા, માતાજીના ગરબા વિગેરે ગાઈ જાગરણ કરવું જોઈએ. હજી પણ ગામડાઓમાં જાગરણની રાત્રે ભજન, કિર્તન, રાસ, ગરબા વિ. થાય છે અથવા ધાર્મિક પુસ્તકો જેવા કે રામાયણ, શ્રીમદ્‌ ભાગવત, ગીતાજી વિગેરેનું વાંચન કરવું જોઈએ. જેથી આપણામાં સારા સંસ્કારો તથા સારા આચારવિચાર આવે છે અને આપણા પૂર્વજો કેટલા મહાન અને પવિત્ર હતા તેનો આપણને ખ્યાલ આવે છે. ટુંકમાં આ પ્રમાણે જાગરણ કરવાનું કહ્યું છે. તો જ તેનું સારૂ ફળ મળી શકે છે. નહિ તો વ્રત તથા ઉપવાસમાં જે જાગરણ કરવામાં આવે છે તે જાગરણ રહેતું નથી પણ ઉજાગરો રહે છે. તેના કરતાં તો શાંતિથી જાગરણ કર્યા વગર સુઈ જવું સારૂ જેથી તન અને મન શુધ્ધ અને પવિત્ર રહે છે.

આમ દરેક ધર્મોમાં જાગરણનું મહત્વ ઘણું જ દર્શાવવામાં આવ્યું છે પણ તે ઉપર જણાવ્યું તે પ્રમાણે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરીને જાગરણ કરવાનું કહ્યું છે. નહિ તો ટીવી જોઈને તથા સિનેમા વગેરે જોઈને જાગરણ કરે છે. તેના કરતાં તો સુઈ જવું સારૂ. જેથી શરીરને, તન તથા મનને શાંતિ મળે છે. માટે જાગરણ તો ઉપર જણાવ્યા પ્રમાણે ધાર્મિક પુસ્તકો વિ.નું વાંચન કરીને કરવું જોઈએ. જેથી તન તથા મનને શાંતિ મળે છે તથા પરમાનંદ પ્રાપ્ત થાય છે.

error: Content is protected !!