સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 1

જન્મે -પાટીદાર
ભાષા – ચોટદાર
શરીર અને વ્યક્તિત્વે – સદાચાર
મગજે – સમજદાર
ખોટું કયારેય ના ચલાવી લેનાર
ચક્ષુઓએ કરીશ્માકાર અને
કર્તુત્વે જોરદાર
એવા સદાય વિચક્ષણ અને વિલક્ષણ માનવીના પ્રસંગો અને વિચારો જીવનને ઘડનારા જ બને જે ભારતના ઘડવૈયા હોય એ આપણા જીવનને તો ઘડેજ ઘડે !!! આમના માંથી માથી જો કોઈ પ્રેરણા લઈને પણ ૧ ટકા જેટલું દેશમાટે કાર્ય કરી શકાવાની ખેવના ધરાવતાં હોય તો મારું લખેલું હું સાર્થક ગણીશ !!! પ્રસંગો હંમેશા જીવનને ઘડનારા જ હોય એમના સરસ પ્રસંગો ને ઉત્તમ વિચારો આ રહ્યા.

આમાંના કેટલાક પ્રસંગો ક્યાય ચોપડે નોંધાયા જ નથી
એ પણ હું આપની સમક્ષ મુકું છું કારણકે ——-સરદાર વલ્લભભાઈ પટેલ એ મારાં આદર્શ નેતા અને મુઠી ઊંચેરા માનવી છે !!!!

પરોપકારી સરદાર ———-

પચાસેક વર્ષ પહેલાંની ઘટના છે. ગોધરામાં ત્યારે પ્લેગ ફાટી નીકળેલો. સખત તાવ આવે. બગલમાં ગાંઠ નીકળે એટલે સમજો કે મોતનું તેડું આવ્યું ! ટપોટપ માણસો મરવા લાગ્યા. આ ચેપી રોગથી બચવા લોકો ગોધરા છોડી દૂર દૂર રવાના થવા માંડ્યા. મુસ્લિમ બિરાદર નાઝરના માથે આભ તૂટી પડેલું. એનો એકનો એક દીકરો તાવમાં સપડાયેલો. ઘણાખરા લોકો હિજરત કરી ગયેલા. બાકીના બિસ્તરા બાંધવામાં પડેલા. નાઝરે ચારે બાજુ નજર ફેલાવી. કોની મદદ મળશે ? તરત એને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા. સરદાર એના મિત્ર હતા. હિંમતબાજ પણ ખરા. પરગજુ પણ એટલા જ. નાઝર વલ્લભભાઈના ઘરે પહોંચ્યો. સરદાર પટેલને કહે : હમણાં જ મારા ઘરે ચાલો. વલ્લભભાઈ પોતે પરગજુ અને હિંમતવાળા. અસીલના કાગળ સમેટી નાઝરના ઘરે પહોંચ્યા. તાવથી ધખતા બાળકની બગલમાં ગાંઠ જોઈ નાઝરના ટાંટિયા ઢીલા થઈ ગયા. વલ્લભભાઈએ હિંમત આપી. જાતે દવા લગાડવા લાગી ગયા. જોકે ઉપચારો કરવા છતાં બાળક તો બચી ન શક્યો. એને કબરનશીન કરવાની ઉત્તરક્રિયામાં પણ સરદારે પૂરો સાથ આપ્યો.

આ દરમિયાન સરદાર પોતે પણ તાવમાં પટકાયા. ઘરે પહોંચ્યા ત્યારે તાવથી શરીર ધખતું હતું. ગાંઠ પણ ફૂટી આવી હતી. પત્ની અને બાળકોને પિયર મોકલી આપ્યાં. સરદાર પોતે નડિયાદ પહોંચ્યા અને ઉપચાર કર્યા. ભાગ્ય જોગે સાજા પણ થઈ ગયા. નાઝર મિયાંને થયું ખરેખર આ સરદારનો જોટો જડવો મુશ્કેલ છે. જાનના જોખમે આવી સેવા કરનારો કોણ મળે ? સરદાર વલ્લભભાઈને એ અંતરથી ઝૂકી પડ્યો.

✍️ સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ ✍️

દેશી રાજ -રજવાડાંઓને એક કરવાની ઝુંબેશ પુરજોશમાં ચાલતી હતી દાંતાના મહારાજા પણ આમાંથી બાકાત નહોતાં સરદારના ખાસ સલાહકાર એટલે ગુજરાતના પ્રખ્યાત નાટયકાર ચંદ્રવદન ચીમનલાલ મહેતા હવે બન્યું એવુકે —- રાજપાટ અને રાજાશાહી તો જતી રહી હતી પણ એમનું એક સંભારણું એ ખજાનામાં હતું. એમની માતાએ આપેલો હીરાનો હાર !!!!! દાંતાના મહારાજ ને તે જોઈતો હતો. એમણે ચંદ્રવદન મહેતાને વાત કરી અને ચન્દ્રવદને સરદારને !!!
સરદારે કહ્યું ——- સારું કહી એમણે એક ચિઠ્ઠી લખી ત્યાના રખેવાળ પર અને ચંદ્રવદનને કહ્યું —– તું સાથે જજે એમની સાથે !!!! તેઓ દાંતા ગયાં ચિઠ્ઠી રખેવાળને આપી. રખેવાળે મહારાજ ને અંદર જવાં દીધાં ચંદ્રવદનનને નહીં !!!

રખેવાળે મહારાજને કહ્યું —– ” તમારે બીજું કઈ જોતું હોય તો એ પણ લઇ લેજો સરદારે મને ફોન કરીને કહ્યું છે !!!”
મહારાજ ખાનદાની હતાં એમણે માત્ર એ હારજ લીધો. બીજું કશું લીધું નહીં !!!! ચંદ્ર્વદને સરદારને કહ્યું —— તમે એમને એકલા કેમ જવા દીધા !!!!
ત્યારે સરદારે કહ્યું —–
હું કોઈ પુરાવો અને સાક્ષી રાખવાં નહોતો માંગતો.
આવી આગમચેતી અને કુશળતા આજે કોનામાં છે !!!!
ધન્ય છે સરદારની બુદ્ધિને !!!! એટલેજ સરદાર એટલે સરદાર એમને કોઈ ના પહોંચે !!!!!

સરદાર અને સોમનાથ

૧૩ નવેમ્બર, ૧૯૪૭. પાકિસ્તાન સાથે ભળવા થનગની રહેલું જૂનાગઢ ભારત સંઘમાં ભળી ગયું. જૂનાગઢના નવાબ અને દીવાન ભુટ્ટો પાકિસ્તાન ભેગા થઈ ગયા. આ નિમિતે યોજાયલી જાહેરસભામાં હકડેઠઠ મેદની જામી’તી. નાખી નજર નો પોગે એટલાંં માણસ સભામાં ઠલવાણાં’તાં. આ સભામાં સરદારે આરઝી હકૂમતના સૈનિકોની પીઠ થાબડી. ત્યાંથી સીધા સરદાર પ્રભાસ પાટણ આવ્યા. સોમનાથનું ભગ્ન મંદિર જોઈ આ રાષ્ટ્રભક્ત ઈશ્ર્વરપરાયણ સરદારનું અંત:કરણ કકળી ઊઠ્યું. તેમની સાથે હતા શ્રી ક. મા. મુન્શી, કાકાસાહેબ ગાડગીલ અને નવાનગરના જામ સાહેબ, દિગ્વિજયસિંહ. સરદારે તેમની સાથે ચર્ચા કરી.

દરિયાકિનારે ગયા. હાથમાં સમુદ્રજળની અંજલિ લઈ સોમનાથના જીણોદ્ધારનો સંકલ્પ કર્યો. ત્યાં યોજાએલી જાહેરસભામાં તેનો ઉલ્લેખ કર્યો. સભામાંથી ઊઠેલો ‘જય સોમનાથ’નો બુલંદ સ્વર સમુદ્રના તરંગો પર વહેતો, આકાશ અને અવકાશમાં ગાજતો ફરી વળ્યો. આ વાત મહાત્મા ગાંધીજીના કાને ગઈ. તેમણે સરદારને કહ્યું, ર્જીણોદ્ધાર પ્રજાના પૈસે કરજો, સરકારી રીતે નહિ. ” સરદાર સંમત થયા. ગાંધીજીની ભાવના સાચી હતી. એમણે કહેલું કે ——–
” પોતાના આસ્થાકેન્દ્ર માટે પોતે પુરુષાર્થ કરીએ તોજ સાચી અસ્મિતા પ્રગટે.”

સોમનાથના ર્જીણોદ્ધારના સરદારની હાકલથી આખું કાઠિયાવાડ બેઠું થઈ ગયું. જામસાહેબ, નાનજી કાળીદાસ જેવા અનેક ધનપતિઓએ નાણાં કોથળીનાં મોં ખોલી નાખ્યાં. આરઝી હકુમનતના નેતા શ્યામળદાસ ગાંધીએ પણ રૂ. 50 હજાર આપ્યા. જોતજોતામાં રૂ. 25 લાખ ભેગા થઈ ગયા. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) સોમનાથ ટ્રસ્ટની રચના થઈ. સરકાર તરફથી મંજૂરી મળી ગઈ.. શ્રી ક. મા. મુન્શીના માર્ગદર્શન નીચે ર્જીણોદ્ધારનું કામ શરૂ થયું. પણ વિધિની વિચિત્રતા તો જુઓ… સોમનાથના ર્જીણોદ્ધારના સ્વપ્નદ્રષ્ટા એવા સરદારે ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના દિવસે છેલ્લા શ્ર્વાસ લીધા, પણ તેમનું અધૂરું સ્વપ્ન જે હતું તે પૂરું થયું જ. ૧૧ મે, ૧૯૫૧ના દિવસે સરદાર સાહેબની વિદાયના 145 દિવસ પછી મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા થઈ. સરદારનું સ્વપ્ન સાકાર થયું.
પ્રાણપ્રતિષ્ઠા માટે ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદને જતા રોકવા પં. નહેરુએ ઘણા પ્રયાસ કર્યા. તેમણે કહ્યું કે
“બિનસાંપ્રદાયિક ભારતના રાષ્ટ્રપ્રમુખ એક સંપ્રદાય વિશેષના ધાર્મિક કાર્યક્રમમાં ન જઈ શકે.’

‘આ સંપ્રદાય વિશેષનો કાર્યક્રમ નથી, ભારતના સાંસ્કૃતિક વારસાનું કાર્ય છે’ કહીને ભારતના રાષ્ટ્રપતિ સાધુચરિત રાજેન્દ્રપ્રસાદ પ્રભાસ ગયા. કિલ્લા (ગઢ)ની દોઢીમાં ગાડી થોભાવી પગરખાં અને ઝભ્ભો ઉતારી ગાડીમાં મૂક્યો અને અડવાણે પગે અંગરરક્ષકોની સહાય વિના પ્રભુનો આ પરમભક્ત દેવદ્વારે પહોંચ્યો. ૧૯૬૫માં સભાખંડ અને ૧૯૯૫માં નૃત્ય મંડપનુ નિર્માણ પૂરું થતાં રાષ્ટ્રપ્રમુખ ડો. શંકર દયાલ શર્માએ એ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અને શ્રી ક. મા. મુન્શી કહે છે કે ‘જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનર્નિર્માણ જોવા ન પામી હોત.’ અટલબિહારી વાજપેયીજીના શબ્દોમાં કહીએ તો,——-
“શ્રી સોમનાથ મંદિરનું પુનર્નિમાણ કરાવીને સરદારે સ્વતંત્રતાના સાંસ્કૃતિક પાસાને ઉજાગર કર્યું.” અને સોમનાથના શિખર પર ફરકતો ભગવો નેજો દુનિયાભરને કહે છે
अमृतस्य पुत्राः वयम्।

સરદારે ધૂમ્રપાન છોડ્યું

સરદાર ધૂમ્રપાનના ભારે શોખીન. તેઓ બીડી સિગરેટના બંધાણી. જેલમાં એક પોલીસ અધિકારીએ તેમની સામે સિગરેટ ધરી. સરદારે તે લેવા હાથ લંબાવ્યો અને પછી કાંઈક વિચાર આવતાં હાથ પાછો ખેંચી લીધો એટલે પોલીસ આફિસરે કહ્યું, “તમે તો સિગરેટના શોખીન છો ?” સરદારે જવાબ આપ્યો. ” તમારી વાત સાચી પણ તમે મને જેલની બરાકમાં બીડી – સિગારેટ ક્યાં આપવાના છો ?”
અને સરદારે કદીય ધૂમ્રપાન ન કરવાનો મક્કમ નિર્ણય કર્યો.

દાંડીકૂચનું આયોજન

૧૯૩૦માં દાંડીકૂચનું સમગ્ર આયોજન સરદારે કર્યું હતું.
રાસ ગામે લોકોના આગ્રહના કારણે બોલવા ઊભા થયેલા સરદારને ઉશ્કેરણીનું બહાનું કાઢી પકડ્યા અને ત્રણ માસની સજા પણ સુણાવી દીધી. સત્યાગ્રહીને છાજે તે રીતે સરદારે કોર્ટની ઉપેક્ષા કરી. જે કોર્ટમાં સરદારે સેંકડો આરોપીઓને છોડાવ્યા હતા તે કોર્ટમાં સરદારે પોતાના બચાવમાં કશું ન કહ્યું. સાબરમતી જેલમાં બેઠાં બેઠાં સરદારનો જીવ દાંડીકૂચની પ્રગતિમાં ખોવાયેલો હતો. દાંડીકૂચના ૨૬ દિવસોમાંથી એક પણ દિવસ એવો ન હતો જ્યારે મહાત્માજીએ તેના મહામૂલા સાથી સરદારને પ્રવચનમાં ન સંભાર્યા હોય. ઘણી વખત તો
” સરદારની શીખ પાળજો”,
” સરદારનું તપ નકામું નથી તે સાબિત કરજો”,
” સરદારને કાંઈ ત્રણ માસની સજા હોય ? સરદાર તો મોટો રાજદ્રોહ જ કરે.”

♠ પુસ્તક પ્રેમી – સરદાર પટેલ ♠

સરદાર પટેલ ખૂબ મહેનતથી ભણતાં. તે માટે તેઓ ઘણી મુશ્કેલીઓ વેઠતા. જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ ભણવા ગયા ત્યારે તેમને ત્યાંની બેરિસ્ટરીનાં મોંઘા પુસ્તકો પોસાતાં નહોતા. આ માટે તેઓએ એક ઉપાય શોધી કાઢ્યો. આખો દિવસ તેઓ તેમની લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતાં પરંતું આ લાઇબ્રેરી તેઓ રહેતાં હતા ત્યાથી ૧૧ માઇલ દૂર હતી. તેઓ ચાલતા જ લાઇબ્રેરી જતા રહેતા હતા. આમ તેઓ વાંચવા માટે ઇંગ્લૅન્ડમાં રોજના બાવીસ માઇલ જેટલું ચાલી નાંખતા હતાં. આમ આટલી બધી વિકટ પરિસ્થિતિમાં એમનું ઘડતર થયું હતું. એટલે જ ભવિષ્યમાં આ વ્યક્તિત્વએ દેશ માટે પણ આટલાં જ ખંતથી કામ કર્યું હતું.

સરદાર વલ્લભભાઈનું આર્થિક ચિંતન

નવનિર્માણ કાળમાં ઔદ્યોગિક શાંતિ, ઔદ્યોગીકરણના ક્ષેત્રમાં સંગઠિત પ્રયાસ તથા ઉપલબ્ધ સાધનોનો અધિકતમ ઉપયોગ તેમજ નવાં સાધનોની ખોજ એ સરદારના આર્થિક ચિંતનનો મુખ્ય આધાર હતો. આઝાદીના ઉગમકાળે સરદાર પટેલને કોઈક પત્રકારે પૂછેલું,
” સમાજવાદ વિશે તમારો ખ્યાલ શો છે ?”
” સમાજવાદ વિશે હું જે કંઈ સમજું છું એ તમે મારાં કાર્યો પરથી નક્કી કરી શકો છો.” સરદારે જવાબ વાળેલો.
“એ ખરું પણ” પત્રકારે પૃચ્છા લંબાવી,
” તમારાં કાર્યોને પરિણામો સુધી પહોંચતાં ખાસ્સો સમય જાય. એ દરમિયાન સમાજવાદ વિશેની તમારી વિભાવના સ્પષ્ટ કરતું એકાદ પુસ્તક તમે લખો તો તમારા સમર્થકો અને વિરોધકો બેયને ઉપયોગી થાય.”
“એ પુસ્તક લખવામાં મારો જેટલો સમય જાય એટલો સમય હું મારા ખ્યાલના સમાજવાદને સાકાર કરવામાં ખર્ચું એ વધુ સમાજવાદી છે.” સરદારે સ્પષ્ટતા કરી.

આઝાદી પછી સરદાર લાંબુ જીવ્યા નહિ, પરિણામે સમાજવાદ વિશેની એમની વિભાવના સાકાર થયેલી આપણે જોઈ શક્યા નહીં. સરદારની ગેરહાજરીમાં નહેરુ પ્રેરિત જે સમાજવાદ વિકસ્યો અને આઝાદી પછીની તમામ સરકારોના હાથે સમાજવાદના જે હાલહવાલ થયા છે એની ભારે કિમ્મત આજે દેશ ચૂકવી રહ્યો છે. ભગવાન કૌટિલ્યે જ્યારે અર્થશાસ્ત્ર લખ્યું ત્યારે સમાજવાદ શબ્દની ઉત્પત્તિ નહોતી થઈ,(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પરંતુ એમણે અર્થોપાર્જનની જે વાત કરી છે એ સરદાર વલ્લભભાઈના વ્યવહારુ સમાજવાદ સાથે મેળ ખાય એવી છે. આઝાદીનાં ૭૦ વર્ષ પછી સરદાર વલ્લભભાઈના વ્યવહારુ સમાજવાદની ઇતિહાસે નોંધ લેવી પડે એવી પરિસ્થિતિ આજે દેશમાં સર્જાઈ છે.

રાષ્ટ્રીયકરણ વિશે અસહમતિ

આર્થિક ક્ષેત્રે સરદાર સહુને સાથે રાખીને કામ કરવા માંગતા હતા. ક્રાંતિકારી વાતો તેમને પસંદ નહોતી. ઝડપી રાષ્ટ્રીયકરણ પર જ દેશની આબાદીનો આધાર છે, એ બાબત પરત્વે તેઓ અસહમત હતા. તેઓ માનતા કે જો સરકાર પાસે કેળવાયેલા માણસો ન હોય તો ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવાની બાબતમાં કોઈ દમ નથી. ફક્ત રાષ્ટ્રીયકરણ કરવું એ તો અંધારામાં કૂદકો મારવા જેવું થાય. ધનવાનોનો નાશ કરવાથી જ ગરીબોનું આપમેળે કલ્યાણ થઈ જવાનું છે, એવી પુસ્તકિયા સમાજવાદી કે સામ્યવાદી નીતિ સાથે સરદાર સહમત નહોતા.
તેઓ કોઈ પણ ચીજનો નાશ કરતા તો તેની જગ્યાએ કંઈક સારું ઊભું કરી શકવાના હોય તો જ કરતા.

તવંગરોને નીચા પાડ્યા વિના જ તેઓ ગરીબોને ઊંચા લાવવા માંગતા હતા. સરદાર જાણતા હતા કે પૈસાદાર વર્ગમાં જો પૂરતો વિશ્ર્વાસ જગવવામાં આવે તો તેઓ જાતે જ આગળ આવીને રોકાણો કરે અને એ રીતે રાષ્ટ્રીયકરણ વધુ સહેલું થઈ પડે. આર્થિક વિચારો અંગેનો કોઈ સૈદ્ધાંતિક પંથ કે વાદના તેઓ આંધળા અનુયાયી નહોતા, પરંતુ એમના આર્થિક ક્ષેત્રનો દ્ષ્ટિકોણ પૂર્ણત: વ્યવહારવાદી તથા યથાર્થવાદી હતો. સરદારશ્રી એ સ્વયં કહ્યું છે કે,
” મારા ઉપર સદૈવ બિરલા જેવા પૂંજીપતિઓના મિત્ર હોવાનો આરોપ લગાવવામાં આવે છે, પરંતુ હું ઉદ્યોગપતિ, મજૂર, રાજા, કિસાન, ગરીબ, તવંગર સહુનો મિત્ર છું. !!!”

વ્યવહારિક દષ્ટિના આગ્રહી ———–

૧૨ નવેમ્બર, ૧૯૪૯માં ઉદ્યોગોની કેન્દ્રીય સલાહકાર પરિષદને સંબોધતાં એક કુશળ વ્યવહારવાદી અર્થશાસ્ત્રીના રૂપમાં સરદારે કહ્યું હતું, ” અર્થશાસ્ત્ર એક વ્યવહારિક વિજ્ઞાન છે. તેથી આપને આગ્રહ કરું છું કે આપ સમસ્યાઓને વ્યવહારિક દ્ષ્ટિથી નીડરતાથી જુઓ તથા એવા ઉપાયો શોધો કે જેના દ્વારા ઉપલબ્ધ સાધનોનો રાષ્ટ્રીય વિકાસમાં ઉદ્દેશપૂર્ણ ઉપયોગ થઈ શકે.” સ્વતંત્રતાપ્રાપ્તિ પછી આર્થિક સંકટ, આવશ્યક વસ્તુઓનો અભાવ, ઔદ્યોગિક ગતિરોધ, મુદ્રા પ્રસાર જેવા ગંભીર પડકારો અંગે સરદારે વ્યક્ત કરેલા વિચારો, પત્રો, પ્રવચનો એમના વ્યવહારવાદી દ્ષ્ટિકોણને પ્રગટ કરે છે.

રાજ્યોના મુખ્યમંત્રીઓને લખેલા પત્રોમાં સરદારે સરકારી ખર્ચમાં કાપ, કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વધુ સહયોગ, વિત્તીય અનુશાસન, ઔદ્યોગિક ઉત્પાદનમાં અધિક પૂંજી નિયોજન તથા મજદૂરો અને માલિકો વચ્ચે વિશેષ સદ્ભાવનાને વધુ મહત્ત્વ આપ્યું હતું. નવનિર્માણ કાળમાં ઔદ્યોગિક શાંતિ, ઔદ્યોગીકરણના ક્ષેત્રમાં સંગઠિત પ્રયાસ તથા ઉપલબ્ધ સાધનોનો અધિકતમ ઉપયોગ તેમજ નવાં સાધનોની ખોજ એ સરદારના આર્થિક ચિંતનનો મુખ્ય આધાર હતો. ઔદ્યોગિક ક્રાંતિને બદલે ઔદ્યોગિક શાંતિના આગ્રહી એવા સરદારે મે, ૧૯૪૯ માં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કાઁગ્રેસને પાઠવેલા એક સંદેશામાં લખ્યું હતું કે,
” દેશમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષ સુધી કોઈ ઔદ્યોગિક અશાંતિને સ્થાન ન હોવું જોઈએ. મજૂરમાલિક વચ્ચેના મતભેદોના પરસ્પર સમજૂતી અથવા પંચના ફેંસલા દ્વારા ઉકેલવા જોઈએ.”
હડતાલો અંગે તેઓએ કહ્યું હતું કે,
” દેશમાં જે લોકો આજના સંકટકાળમાં આવી કાર્યપ્રણાલીનો આશરો લે છે અને ઉત્પાદન રોકે છે તેઓ દેશને નુકસાન કરે છે.

જે લોકો આવી પરિસ્થિતિમાં મજૂરોને હડતાલ માટે સલાહ આપે છે તેઓ મજદૂરો અને દેશના મિત્રો નથી.”
સરદાર રાષ્ટ્રીયકરણના વિરોધી હતા. આ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા.
” વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ સરળ કે ઇચ્છનીય નથી. એને માટે દેશની પાસે ન તો સમુચિત સાધન છે કે ન ક્ષમતા છે.”
તેઓ એવું દ્ઢ મંતવ્ય પણ ધરાવતા કે રાષ્ટ્રીયકરણની ચર્ચામાં ઉદ્યોગોના વિકાસનું ધ્યેય મોખરે હોવું જોઈએ. ઉત્પાદન વધે એમાં જ મજૂરો અને દેશવાસીઓનું હિત સમાયેલું છે. આ માટે ઉદ્યોગપતિઓને પણ વિશ્ર્વાસમાં લેવા જોઈએ.

જાહેર હિસાબ ચોખ્ખા રાખો ————-

ગાંધીજીની કલ્પના ના ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગોને પણ સરદારે મહત્ત્વ આપ્યું હતું, પરંતુ તેઓ એ પણ સ્વીકારતા કે ભારત જેવા વિશાળ દેશની ઉન્નતિ માટે ઔદ્યોગીકરણ વિશેષ વસ્તુઓ સુધી સીમિત હોવું જોઈએ. તેઓ એમ પણ માનતા કે પૂંજીવાદમાં સીમાથી અધિક સંપત્તિ પર કાયદાકીય નિયંત્રણ હોવું જોઈએ. પૂંજીપતિઓએ એમની પૂંજીનો ઉપયોગ ટ્રસ્ટી બની કરવો જોઈએ. ” આપણે એક એવું વાતાવરણ પેદા કરીએ કે જેમાં સમન્વયાત્મક સમાજનું સર્જન થઈ શકે…. જનતાનું જીવનસ્તર અને સન્માન સુધરી શકે.” જાહેર જીવનમાં પ્રજાનાં નાણાંનો અને ફંડોનો ચોખ્ખો હિસાબ રાખવો અને તેનો કરકસરભર્યો વહીવટ કરવો તેમાં સરદારશ્રીએ અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.

આજે જાહેરજીવનમાં ભ્રષ્ટાચારની બોલબાલા છે ત્યારે કાઁગ્રેસ ભંડોળ અંગેનો સરદારશ્રીનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના કોષાધ્યક્ષ તરીકે શેઠ જમનાલાલ બજાજ છેક ૧૯૨૨થી કાર્યભાર સંભાળતા હતા. એમના અવસાન પછી કાઁગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈની કોષાધ્યક્ષ તરીકે વરણી કરી. જીવનના અંત સુધી આ પદ એમણે શોભાવ્યું.

સમાજવાદ નહિ, યથાર્થવાદ ————-

સરદાર ઉપર પૂંજીવાદી, જમણેરી વગેરે આરોપો લગાવીને સમાજવાદીઓ હંમેશાં જવાહરના પક્ષકાર અને સરદારના ટીકાકાર રહ્યા છે, કારણ કે સરદારને પુસ્તકિયા સમાજવાદમાં કદી શ્રદ્ધા નહોતી. સમાજવાદીઓની ઉગ્ર આલોચના કરતાં સરદારે કહ્યું હતું કે –
” પુસ્તકો વાંચીને કે વિદ્વાનોનાં ભાષણો સાંભળીને તમે સમાજવાદનો કક્કો પણ જાણી શકશો નહીં. સમાજવાદનો વ્યવહારુ અર્થ શો છે તે પહેલાં શીખવાની આવશ્યકતા છે.
માત્ર સમાજવાદનાં બણગાં ફૂંકવાં તેમજ પોપટની જેમ શીખવાડેલું બોલી જવું એ સમાજવાદ નથી…..

સાચા સમાજવાદીઓની જેમ મારી પાસે કોઈ મિલકત નથી.”
સરદારના અવસાન પછી સમાજવાદીઓની અંધ નહેરુભક્તિ આડેનો દંભી પડદો ચિરાઈ ગયો. સમાજવાદીઓને ભાન થયું કે સરદાર સામે ઉપયોગ કરવા પૂરતો જ નહેરુને સમાજવાદીઓનો ખપ હતો. ધીમે ધીમે સમાજવાદીઓ નહેરુનીતિના વિરોધી અને સરદાર પ્રત્યે સન્માન ધરાવતા થઈ ગયા હતા. જયપ્રકાશ, કૃપલાની, નરેન્દ્ર દેવ, લોહિયા, લિમયે, અશોક મહેતા વગેરે સમાજવાદી અગ્રણીઓએ લખાણો અને વક્તવ્યો દ્વારા આ હકીકતનો એકરાર કર્યો છે.

આમ સરદારશ્રીનું આર્થિક ચિંતન મૂડીવાદી કે સમાજવાદી નહીં, પરંતુ પૂર્ણત: યથાર્થવાદી અને વ્યવહારવાદી હતું.

ઉદઘાટનન કરવાની આ પ્રથા આજે કોણ જાળવે છે?

સરદારના નિકટના સંપર્કમાં રહેલા એક ગૃહસ્થે પરદેશી યંત્ર-સ્પેરપાર્ટસ હિંદમાં વેચવાની એજન્સી રાખી અને સંસ્થાનું ઉદ્ઘાટન કરવા સરદારને આમંત્રણ આપ્યું. સરદારે કહ્યું, ‘તમે વેપાર કરો તેમાં મારું નામ વટાવી ખાવાની આશા ન રાખશો.’ (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) સરદારે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો. આ સદ્ગૃહસ્થ પોતે જાહેર કાર્યકર હતા અને કાઁગ્રેસને આર્થિક મદદ પણ કરતા હતા, છતાં સરદાર, પોતે નિર્માણ કરેલા કર્તવ્યક્ષેત્રમાં અંગત લાગણી કે સંબંધનો કદી વચ્ચે આવવા ન દેતા. સરદારે કરેલા ઇન્કાર પછી પેલા ગૃહસ્થની સંસ્થાનું ઉદ્ઘાટન એ સમયના મોટા પદે રહેલા જાણીતા નેતાએ કર્યું હતું.

કાર્ય પ્રમાણે શ્રેષ્ઠ માણસની પસંદગી ———–

સરદાર પટેલ દરેક કામ માટે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેને જ તે માટે પસંદ કરતા. એચ. એમ. પટેલ લખે છે કે,
” એક અગત્યના કમિશન માટે સરદારે સર સી. પી. રામસ્વામી અય્યરને પસંદ કર્યા, તેથી ઘણા નવાઈ પામ્યા.” કોઈએ સરદારને કહ્યું,
” તે તો ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર કરવા માગતા હતા !”
સરદારે સામો પ્રશ્ર્ન કર્યો,
” આ કાર્ય માટે સર સી. પી. ઉત્તમ વ્યક્તિ છે તે ખરું ને ?”
બધાએ હા કહી, ત્યારે સરદાર બોલ્યા,
” આવી ગૌરવશાળી વ્યક્તિ દેશને મળતી હોય તો તેની સેવા શા માટે ન લેવી ?” અને સરદારે સર. સી. પી.ને કમિશનના ચેરમેન નીમ્યા. આ પ્રસંગ પરથી, લિંકને સેક્રેટરી તરીકે એમનાં સખત ટીકાકારને રાખ્યા હતા. એ ઘટના યાદ આવે છે.

એ સારાં કપડાં ક્યાંથી લાવે ? ——

એક દિવસ મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ મજાક કરી, ” તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ ભારતની સ્થાપ્ના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?”
આ સાંભળી સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?” આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી. સરદારના જીવન-વ્યવહારના આ અકિંચન સ્વરૂપ્નાં દર્શન કરી મહાવીર ત્યાગી તો આભા જ બની ગયા.

‘રામન સેનેટર’ જેવી પ્રતિભા ———

લોર્ડ માઉન્ટબેટનનાં પ્રેસ એટેચી એલેન કેમ્પબેલ – જ્હાનસન લખે છે કે,
” સરદાર પટેલ અસલ રામન સેનેટર જેવા દેખાય છે. આ ગૃહસ્થમાં રામન સદ્ગુણો અને શક્તિ રહેલા છે. તેમનામાં રાજકારભારના કૌશલ્ય ઉપરાંત મહાન નિર્ણયો ક્ષમતા કરવાની અને તેને પાર પાડવાનું સામર્થ્ય છે અને મહાન પુરુષોમાં જોવામાં આવે તેવું ગાંભીર્ય છે. જગતની વ્યૂહરચનામાં હિન્દનું કયું સ્થાન છે તે પટેલ પોતાની ચકોર દ્ષ્ટિથી સારી પેઠે સમજે છે.
Patel has a shrewd grasp of India’s strategic poistion in the world at large
લુઈ ફિશર અને બીજા યુરોપિયનોએ પણ સરદારને ગુણોમાં અને દેખાવે રામન સેનેટર જેવા વર્ણવ્યા છે.

આ તાકાત સરદારમાં હતી ! ———–

પ્રસિદ્ધ પત્રકાર અને લેખક ખુશવંતસિંહે ‘Truth love and Little Malice’ પુસ્તકમાં સરદારના ક્રાંતિકારી જીવનની ઝલક દર્શાવતો એક સુંદર પ્રસંગ આલેખ્યો છે.
એને ખુશવંતસિંહના શબ્દોમાં જ માણીએ.
” મને સરદાર પટેલના ઘેર મળવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમના સચિવે મને બહારના રૂમમાં બેસાડીને કહ્યું, ” પ્રધાનશ્રી બીઝી છે.” થોડી પળમાં ઇન્દોરના મહારાજાની મોટી રોલ્સરોઈસ કાર આવી પહોંચી.
એક નૌ સૈનિકે કારનો દરવાજો ખોલ્યો અને મહારાજા નીચે ઊતર્યા. પ્રધાનના સચિવે તેમનું સ્વાગત કર્યું અને તેમને ડ્રોઇંગ રૂમમાં લઈ ગયા. અંદર શું ચાલી રહ્યું છે તે હું જોઈ શકતો હતો.
સરદાર ગંભીર વદને કક્ષમાં દાખલ થયા અને મહારાજાને બેસવાનું કહ્યું. તેમણે મહારાજા સાથે હાથ તો ન જ મિલાવ્યા. મહારાજા ઇંગ્લિશમાં ઝડપથી બોલી રહ્યા હતા.
સરદારની નજર પોતાના ચંપલ ઉપર સ્થિર થયેલી હતી. આ મહારાજા ભોપાલના નવાબ સાથે મળીને ઇન્ડિયન ગવર્નમેન્ટના નિર્ણય સામે બીજા રાજાઓને એકઠા કરીને વિરોધ કરી રહ્યા હતા. મહારાજાઓને સાલિયાણાં બાંધી આપવાનું વિચારાઈ રહ્યું હતું. ગૃહપ્રધાન તરીકે સરદારના માથે આ મહારાજાઓની જોડાણખત ઉપર સહીઓ લેવાની જવાબદારી આવી પડી હતી. મહારાજા જે બોલી રહ્યા હતા તે થોડું થોડું મને સંભળાતું હતું. તેઓ પોતાના ઉપર થઈ રહેલા આક્ષેપો જુઠ્ઠા છે તેવું કંઈ કહી રહ્યા હતા. સરદારે તેમને પોતાનો ઊભરો ઠાલવી દેવા દીધો. નજર ઉપર કરી જ નહીં. પછી સરદાર ઊભા થયા અને હું સાંભળી શકું તેટલા મોટા અવાજે બોલ્યા : ‘You are a damned liar.’ તમે તદ્દન જૂઠા છો. આટલું કહીને સડસડાટ ચાલ્યા ગયા. ઝંખવાણા પડી ગયેલા મહારાજા પોતાના એડીસી સાથે સીધા રોલ્સરોઈસ તરફ દોડી ગયા. સરદાર પટેલના સેક્રેટરીએ મને કહ્યું કે તેઓ અત્યારે મારી સાથે વાતચીત કરવાના મૂડમાં નથી.”

અને ભારતનું બંધારણ ઘડાયું ————-

અંગ્રેજ સરકારે રચેલા પ્રાંતો અને તેની પ્રાંતિક ધારાસભાઓએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી બંધારણ સભાની રચના જુલાઈ ૧૯૪૬માં થઈ. કેબિનેટ મિશનની યોજનાના અર્થઘટન અંગે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વિવાદ થયો એટલે લીગે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) લીગની ધારણા હતી કે પોતાની સહાય વિના કાઁગ્રેસ બંધારણ ઘડી નહીં શકે. આવા દ્વિધાભર્યા વાતાવરણમાં ૯મી ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. ૧૩મી ડિસેમ્બરે પં. નહેરુએ બંધારણના ધ્યેય અને ઉદ્દેશ્યો અંગેનો ઠરાવ રજૂ કર્યો. ત્યારે ઉદારમતવાદી ગણાતા ડો. જયકરે સુધારો મૂકી ચર્ચા મુલતવી રાખવાનું સૂચન કર્યું. સરદારે આ સુધારાનો વિરોધ કર્યો અને બંધારણ સભાની કાર્યવાહી ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો. તેમને બધા સભ્યોએ ટેકો આપ્યો પરિણામે ભારતને લોકશાહી આપતું બંધારણ બે વર્ષ અને અગિયાર માસમાં ઘડાયું.

બંધારણ સભાની બે કમિટીઓ મહત્ત્વની હતી. એક ડ્રાફટીંગ કમિટી જેના અધ્યક્ષ હતા ડો. બાબાસાહેબ આંબેડકર અને બીજી સલાહકાર સમિતિ તેના અધ્યક્ષ હતા સરદાર પટેલ. નાગરિકોના મૂળભૂત અધિકારો, મૌલિક અધિકારો તથા લઘુમતીઓ બાબત અહેવાલ તૈયાર કરીને બંધારણ સભાને આપવાનો હતો. સરદારે ૨૩ એપ્રિલ, ૧૯૪૭ના દિવસે મૂળભૂત અધિકારોનો અહેવાલ રજૂ કર્યો. તેમાં સમાનતા, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, યોગ્ય વ્યવસાય અને ધંધો કરવાની છૂટ, સંગઠન રચવાની છૂટ, જીવન જીવવાનો અધિકાર અને અસ્પૃશ્યતા નિવારણનો સમાવેશ થાય છે. ટૂંકમાં મૂળભૂત હક્કોનું પ્રકરણ સરદારને આભારી છે.

ભારત વિભાજિત થઈ ગયું હતું. ત્યારે સરદારે 17મી આગસ્ટ, 1947ના દિવસે લઘુમતીનાં હિત અને અધિકારો અંગેનો અહેવાલ રજૂ કર્યો. આમાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો નજરે ચડે છે. લીગના સભ્યોએ ધર્મ આધારિત અલગ મતદાર મંડળો, ધારાસભા, સંસદ અને પ્રધાનમંડળમાં અનામત બેઠકોની માગણી કરી. બંધારણ સભાની કાર્યવાહી પાટે ન ચડે અને સતત ખોરવાયેલી રહ્યા કરે એ માટે અંગ્રેજો લીગના સભ્યોને ચડવણી કર્યા કરતા. સરદારને આ ગંધ આવી ગયેલી એટલે તેમણે મક્કમપણે કહ્યું, ‘આ દેશમાં રહેનારા સૌ ભારતીય બનીને રહે અને સમાન હક્કો ભોગવે.’ સરદારે લઘુમતી અનામતનો વિરોધ કરી એમ થતું અટકાવ્યું હતું. બંધારણ સભાના સમાાપન વખતે સરદારે કહ્યું, ‘આજે હું ગર્વથી કહી શકું છું કે આપણે લગભગ એકમત થઈને વિધાનસભા, સંસદ, પ્રધાનમંડળ, જાહેર હોદ્દા, નોકરીઓમાં લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળ રચવાના અલગતાવાદના અને અનામતના રાક્ષસને શીશામાં ઉતારી બુચ મારી દીધો છે.’
સરદારની કુનેહને લીધે એ રજવાડાંઓના પ્રતિનિધિઓ ભારતનું બંધારણ ઘડવામાં ભાગીદાર બને એવી નક્કર ભૂમિકા ઊભી થઈ. પરિણામે સંપૂર્ણ દેશ એક બની રહ્યો. બંધારણના ખરડાના ત્રીજા વાચન વખતે સરદારે કહ્યું પણ ખરું કે, ‘આ નવું બંધારણ એ કાંઈ લોકશાહી અને વંશાનુગત વારસદારો વચ્ચેની તડજોડ નથી. આ તો છે લોકોના સાર્વભૌમત્વના સિદ્ધાંતો પર રચાયેલ ભારતના લોકોનું બંધારણ.’ સરદારને લીધે જ સનદી નોકરીઆતોની સલામતીની જોગવાઈ થઈ. રાષ્ટ્રભાષાનો સંવેદનશીલ પ્રશ્ર્ન ઉકેલાયો. બંધારણ સભામાં 7835 સુધારાઓ આવ્યા, જેમાંથી 2423 સુધારાઓ ચર્ચામાં લેવાયા. આસ્ટ્રેલિયાના જાણીતા બંધારણ નિષ્ણાત ગ્રેનવિલ ઓસ્ટિને લખ્યું છે કે સમગ્ર બંધારણનું ઘડતર લગભગ સર્વસંમતિ આધારિત છે, અને સર્વસંમતિથી બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા પં. નહેરુ અને સરદાર સાહેબની રહેલી છે.’

.. તો જામનગર પાકિસ્તાનમાં હોત –————-

કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યું હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારશ્રીને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં.
તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું.

પ્રભા તો મારી દીકરી જેવી છે ————

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલે વાત-વાતમાં જયપ્રકાશજી અને પ્રભાવતી બહેનના દામ્પત્યજીવન અંગે રમૂજ કરી. સરદારની આ રમૂજ કોઈ કાર્યકરે મીઠુંમરચું ઉમેરી જયપ્રકાશ સુધી પહોંચાડી, જેથી નારાજ જયપ્રકાશજીએ વલ્લભભાઈને પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત કરી.
બનાવની ગંભીરતા સમજી ગયેલ સરદાર પટેલે જયપ્રકાશજીને સામે માફી માગતો પત્ર લખ્યો,
” તમારો પત્ર મને મળ્યો, તમારાં લગ્ન વિશે મેં જે હળવી રમૂજ કરી હતી તે મેં તમારી હાજરીમાં પણ કશા જ ભય કે સંકોચ સિવાય કરી હોત ! પણ તમારા પત્રથી હું જાણી શક્યો છું કે, તમે ઘણા જ નારાજ છો, તેથી મેં નક્કી કર્યું છે કે, ભિન્ન વિચારસરણી ધરાવતા મિત્રો અંગે ગમે તેટલી નિર્દોષ રમૂજ પણ ક્યારેય ન કરવી. તમને દુ:ખ થયું, તેથી હું તમારી માફી માગું છું અને પ્રભા તો મારી દીકરી જેવી છે. એના નિર્મળ ચારિત્ર્ય માટે મને અનહદ માન છે. તમારા પોતાના જીવન માટે પણ મને ખૂબ આદર છે. તમને વિના કારણે દુ:ખ થાય એવું મારા હાથે કેવી રીતે થયું એ હું જાણતો નથી, કદાચ વાતનું વતેસર થયું હોવાનો સંભવ છે, છતાં હું ફરી વખત પ્રભાવતી અને તમારી માફી માંગું છું.”
વલ્લભભાઈના આ પ્રકારના નિખાલસ પત્રની જયપ્રકાશજી ઉપર એવી તો અસર થઈ કે, તેમણે તત્કાળ પેલા કાર્યકર્તાને બોલાવી રીતસરનો ધધડાવી નાખ્યો…

૧૯૪૨ ના શહીદોને સરદારની સલામ ———–

૧૯૪૨ નો સ્વાતંત્ર્ય સંગ્રામ દેશ માટે ઐતિહાસિક હતો.
સરદાર સહિત મોટાભાગના નેતાઓ જેલની કોટડીમાં બંધ હતા. સરદારે ગુજરાતની પ્રજાને સંદેશો પાઠવ્યો.
” જીવીશું તો મળીશું, નહિ તો રામ રામ પરંતુ સ્વરાજના આ સંગ્રામમાં ગુજરાતનો રંગ જાય ના”
બસ સરદારના આ સંદેશાએ ગુજરાતમાં ક્રાંતિ સર્જી દીધી.
નવમી આગસ્ટે લડતનાં એલાન થયાં. અમદાવાદના ખાડિયા ચાર રસ્તે પોલીસના ગોળીબારથી એક નવયુવાન મરાયો. એનું નામ હતું ઉમાકાંત કડિયા. અમદાવાદ શહેરની એ પ્રથમ શહીદી હતી. બીજો શહીદ બન્યો વિનેાદ કિનારીવાલા.
સામી છાતીએ ગોરા સાર્જન્ટની ગોળી ઝીલીને શહાદતને વરનાર આ બે નવયુવકોના સમાચાર, અહમદનગરના કિલ્લામાં જેલ ભોગવી રહેલા સરદારને મળ્યા ત્યારે તેઓએ તરત જ એમના વાલીઓને પત્ર લખીને સાંત્વન પાઠવ્યું.
ત્રણ વર્ષનો કારાવાસ ભોગવી સરદાર ૧૯૪૫માં છૂટ્યા અને અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદના શહીદોને ભૂલ્યા નહોતા.
ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલાના પરિવારજનોને મળવા એમના નિવાસે અગાઉથી જાણ કર્યા વિના જ પહોંચી ગયા. શહીદ ઉમાકાંત કડિયાના પિતા મોતીલાલ કડિયા સાથે સરદારશ્રીનો જૂનો પરિચય હતો. એ જ પ્રમાણે કિનારીવાલાના કુટુંબ સાથે સંબંધ હતો. એ પછી અમદાવાદના જેટલા શહીદવીરો હતા તેમનાં કુટુંબીજનોને મળી આશ્ર્વાસન આપ્યું હતું. ભલે નાનામાં નાનો હોય પણ આઝાદીના શહીદને યાદ કરવાનું તેઓ ભૂલ્યા નહોતા. સરદારના જીવનનું આ એક માનવતાભર્યું ક્રાંતિકારી લક્ષણ હતું. ૧૯૪૬માં વસંત-રજબની શહાદતને પણ અમદાવાદમાં વિશાળ સભામાં શ્રદ્ધાંજલિ આપી હતી. આવી હતી સરદારની ખાસિયત. …… !!!!

વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા ન તોડશો ———–

સ્વરાજ મળ્યું એ અરસામાં એક રાજ્યના પાટનગરની બહાર આવેલાં ગરીબોનાં ઝૂંપડાં તોડાવી ત્યાં એક પ્રધાન સરકારી મકાન બાંધવા માંગતા હતા. ગરીબોને આમ કનડગત થાય તે સામે એક કાઁગ્રેસી સમાજસેવકે વિરોધ કર્યો. નાયબ વડાપ્રધાન સરદાર પટેલ એ પાટનગરની મુલાકાતે ગયા ત્યારે તેમણે સમાજસેવકને મળવા આવવાનું જણાવ્યું. સમાજસેવક મળવા ગયો ત્યારે સરદારે પૂછ્યું,
” કેમ, તેં શું તોફાન માંડ્યાં છે ?”
સેવકે કહ્યું,
” કશાં નહિ.”
સરદારે પૂછ્યું
” કેમ ? પાટનગરનાં ઝૂંપડાં તોડવામાં આવે તેમાં તું આડો આવે છે ?”
સમાજસેવકે કહ્યું,
” હા, એ નહિ બને !”
સરદારે કહ્યું,
” તું છેલ્લી ઘડીએ આમ વાત કરે તેના કરતાં તારે મને અગાઉ લખવું હતું ને ?”
સમાજસેવકે કહ્યું,
” મેં આપને એ વિશે બે પત્રો લખ્યા હતા.”
સરદારે કહ્યું,
” મને તારો એકે પત્ર મળ્યો નથી.”
સમાજસેવકે કહ્યું,
” આપના સેક્રેટરીને પૂછો.”
સરદારે સેક્રેટરી તરફ નજર કરી. સેક્રેટરીએ કહ્યું,
” હાજી, એમના બે પત્રો આવેલા છે, પરંતુ મેં આપની સમક્ષ મૂક્યા નથી.”
સરદારે કહ્યું,
” હવે શું થાય ?”
સમાજસેવકે કહ્યું,
” ઝૂંપડાં તૂટશે તો મારો ત્યાં દેહ પડશે.”
સરદાર આ સાંભળી કશું બોલ્યા નહિ. તરત જ તેમણે ઘંટડી મારી રાજ્યના પાટનગરના પ્રધાનને ત્યાં બોલાવ્યા અને કહ્યું,
” નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પાટનગરનાં ઝૂંપડાં તોડવાનાં નથી.” સમાજસેવકનું કહ્યું કર્યું છતાં સરકારનો હાથ ઉપર હોય એવું વર્તન રાખી બુદ્ધિપૂર્વકનો ઉકેલ કાઢવામાં સરદારની અદ્ભુત દ્ક્ષતા હતી.
—– આવાં હતાં સરદાર વલ્લભભાઈ પટેલ

——– જનમેજય અધ્વર્યુ

આગળ ની વાત હવે પછીના ભાગમાં વાંચવાનું ચુક્સો નહિ..

error: Content is protected !!