20. ઈન્દ્રજાળ વિદ્યા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

પોતાના પરાજય માટે પાટલિપુત્રમાં કેવા કેવા પ્રપંચોની રચના થતી હતી, તે અમાત્ય બિચારો જરાપણ જાણતો નહોતો. અમાત્ય જો કે ઘણો જ ચતુર અને સર્વદા સાવધ રહેનારો પુરુષ હતો, છતાં પણ ઘણા લાંબા સમયથી જેના શિરે કાંઈ પણ સંકટ આવેલું ન હોય, તેમાં સ્વાભાવિક રીતે કાંઇક અસાવધતા આવીને નિવાસ કરે છે જ. એવી જ રીતે રાક્ષસમાં પણ સાહજિકતાથી તે પોતે ન જાણી શકે તેવી રીતે અસાવધતાએ પોતાનું પ્રબળ પ્રવર્ત્તાવ્યું હતું. માત્ર તેના મનમાં ધનાનન્દના વર્તન માટેની જ ચિન્તા હતી. ધનાનન્દ રાજ્યવ્યવસ્થામાં ધ્યાન નહોતો રાખતો, એમાટે પણ તેને બહુ માઠું લાગતું નહોતું – પણ તે આઠે પહોર મુરાદેવીના મંદિરમાં વિલાસનો ઉપભેાગ લેતો ૫ડી રહે છે, એ વિચારથી તેને ઘણો જ ખેદ થતો હતો, કોઈ બીજા રાજા તરફથી સંકટ આવવાની તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ.

“જ્યાં સૂધી પુષ્પપુરીમાં રાક્ષસ અમાત્ય જીવતો છે, ત્યાં સૂધી કોઈ પરકીય રાજા આ નગરપ્રતિ વક્ર દૃષ્ટિ કરીને જોઈ શકે, એ સર્વથા અશક્ય છે.” એવો તેનો પૂર્ણ નિશ્ચય હતો. તેમ જ પોતે જાગૃત હોવા છતાં નગરમાં ને નગરમાં અથવા તો પોતાના જ રાજ્યમાં કોઈ માથું ઉંચકશે અથવા તો ઘરમાં જ કોઈ ક્લેશ જાગશે, એવી પણ તેની ધારણા હતી નહિ. એવી સ્થિતિમાં સર્વથા ગુપ્તરીતે જ્યારે સુમતિકાએ તેને જણાવ્યું કે, “મુરાદેવી રાજાના પ્રાણનાશના પ્રયત્નમાં લાગેલી છે,” તે વેળાએ એની ચિત્તવૃતિમાં કેવો વિક્ષોભ જાગ્યો હશે, એની કલ્પના વાચકોએ જ કરી લેવી. એવામાં વળી તે રાજાને મળવા માટે ગયો અને તે વેળાએ રાજાએ જે વાતો કહી, તેથી તો એના સારી રીતે કાન ખુલી ગયા. પોતે રાજાને મુરાદેવીના કપટતંત્રવિશે જાગૃત કરવાને ગયો હતો, ત્યાં રાજાએ તો પોતાના સંશય બીજા વિશે જ જણાવ્યો, એવી દશા જોઈને તો તેને ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ એ આશ્ચર્ય લાંબો વખત ટકી શક્યું નહિ. એના મનમાં બીજા જ વિચારો આવવા લાગ્યા. “પોતાના કપટને રાજા જાણી ન શકે, એ હેતુથી મુરાદેવી તો રાજાને ભમાવતી નહિ હોય ને ! અને પોતા વિશેનો સંશય બીજામાં જવાથી તેના વિશે રાજાના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય અને પોતાનું ધાર્યું નિર્વિઘ્ને પાર પડે, એટલા માટે તો તે આવા પ્રયત્નો નહિ કરતી હોય ? જો એમ જ હોય તો તેના પ્રયત્નો ઘણે અંશે સફળ થઈ ચૂક્યા છે, એમ કહેવામાં કાંઈપણ હરકત જેવું નથી.”

એવી ધારણાથી હવે એ કાર્યમાં તેણે વિશેષ ધ્યાન રાખવાની યેાજના કરી. બીજી કોઈ બાબતમાં અત્યારે ધ્યાન આપવાની એટલી બધી આવશ્યકતા હતી નહિ. ચન્દ્રગુપ્ત કોણ અને ક્યાંથી આવ્યો છે, એ વિશે જે તેના મનમાં શંકા હતી, તેનું નિરાકરણ તો થઈ ગયું હતું. તેથી “જો ચન્દ્રગુપ્ત આપણા રાજ્યમાં હશે, તો સુમાલ્યનો તે સારો સહાધ્યાયી થઈ પડશે. કિરાતરાજાએ આટલી બધી નમ્રતાથી જ્યારે મને લખેલું છે ત્યારે હવે એને દૂર કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી. એ ભલે રહ્યો. એની તપાસ કરવાનું કે એના પર નજર રાખવાનું પણ કશું કારણ નથી.” રાક્ષસે તેના વિશે એવો વિચાર કર્યો અને એ તરફ વધારે ધ્યાન રાખ્યું નહિ, વિરુદ્ધ પક્ષે “સુમાલ્ય અને ચન્દ્રગુપ્તનો મૈત્રી સંબંધ સંધાશે, તો ભવિષ્યમાં મ્લેચ્છ લોકોને દંડ દેવામાં એ ઘણો જ ઉપયોગી થઈ પડશે.” એવો નિશ્ચય થવાથી ચન્દ્રગુપ્તને છેડવાનું તો તેણે સર્વથા માંડી જ વાળ્યું. પરકીય શત્રુની તો તેને સ્વપ્નમાં પણ ભીતિ હતી નહિ. આસપાસનો કોઈ પણ રાજા કુસુમપુરને બુભુક્ષિત નેત્રોથી નિહાળી શકે, એટલું પણ તેમના માટે શક્ય હતું નહિ. અર્થાત્ રાક્ષસને જે કરવાનું હતું તે એટલું જ કે, રાજાને મુરાના મોહપાશમાંથી મુકત કરવો – એ કાર્ય માટે મથવાનો તેણે નિશ્ચય કર્યો.

અમુક એક નુકસાન થાય છે, એમ જણાતાં જ તેને અટકાવવા માટે કાંઈ પણ ઉપાય યોજવો જોઈએ, એવી ધારણા કરવી જેટલી સરળ છે, તેટલું એ ઉપાય શો યોજવો અને તેને અમલમાં કેવી રીતે લાવવો, એનું નિરાકરણ સરળ નથી. રાજાને સ્થાને જો પ્રજામાંનો બીજો કોઈ પુરુષ હોત, તો એટલી બધી વિડંબનાનું કારણ રહેત નહિ – તે પુરુષને તો એકદમ પકડી મગાવીને સારી રીતે ધમકાવ્યો અથવા તો ચાર દિવસ વગર ભાડાની કોટડીમાં મોકલી દીધો, એટલે પંચાતનો અંત આવી જાત; પરંતુ પ્રસ્તુત પ્રસંગે તેવા કોઈ ઉપાયની યોજના કરી શકાય તેમ હતું જ નહિ. એથી રાક્ષસ ઘણો જ ચિન્તામાં આવી પડ્યો હતો. મુરાદેવીમાં રાજા કેટલો બધો મોહી ગયો છે, એ તેણે સારી રીતે જોયું હતું. એથી તેણે રાજા૫ર મોહિની મંત્રનો પ્રયોગ કરેલો છે, તો તેને કાઢનાર પણ કોઇ તેવો જ જાદૂગર હોવો જોઈએ, એવા વિચારમાં રાક્ષસ બેઠો હતો. એટલામાં સુમતિકાના આગમનની ખબર આવી. તેને તેણે તત્કાળ અંદર બોલાવી. એ કાંઈ પણ નવી ખબર લઈ આવી હશે, એમ તેનું ધારવું હતું. સુમતિકા અંદર આવી અને રીતિ પ્રમાણે રાક્ષસને વંદન ઇત્યાદિ કાંઈ પણ ન કરતાં એકદમ ગભરાયેલા અવાજથી કહેવા લાગી કે, “આર્યશ્રેષ્ઠ ! મારું સંરક્ષણ કરો. મારો હવે કોઈ પણ આધાર નથી.”

સુમતિકાના ગભરાટનો અને તેની કાવરી બાવરી દૃષ્ટિનો રાક્ષસ કાંઈ પણ ભાવાર્થ સમજી શક્યો નહિ, પાછળ પડેલી વાઘણના નખપ્રહારથી પોતાનું રક્ષણ કરવા માટે વેલીના જાળમાં ફસાયલી હરિણી જેવી રીતે ઘણી જ ચકિત દૃષ્ટિથી અહીં તહીં જોતી રહે છે અને તેનો શ્વાસોચ્છવાસ ઉતાવળો ચાલે છે, તે પ્રમાણે જ સુમતિકાની આ વેળાએ દશા થએલી હતી. રાક્ષસ તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે, “સુમતિકાબાઈ ! આટલાં ગભરાઓ છો શા માટે ? શું થયું તે મને કહો તો ખરાં ? રાક્ષસના ગૃહમાં તમારો એક વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી.” તોપણ સુમતિકાના શરીરમાંનો કંપ બંધ થયો નહિ. ઘણોક વખત વીતી ગયો, પણ તેના મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળ્યો નહિ. એને સ્વસ્થતાથી બેસાડ્યા વિના એ ઉત્તર આપવાની નથી. એવા વિચારથી રાક્ષસે વધારે આગ્રહ ન કરતાં તેને જેમની તેમ બેસવા દીધી. પરંતુ તેના મનમાં “આટલા બધા ગભરાટનું કારણ શું હશે ? અને રક્ષણ કરો, એવો પોકાર એણે શા હેતુથી કર્યો હશે.” એવા પ્રશ્નો ઉદ્‌ભવ્યા કરતા હતા. પણ તેનો નિર્ણય એનાથી કરી ન શકાયો. થોડીવાર પછી શાંત થતાં સુમતિકા બોલી કે, “આર્યશ્રેષ્ઠ ! હવે મારા જીવવાની મને આશા નથી. મુરાદેવીના મંદિરની ગુપ્ત ખબરો તમને પહોંચાડવાનું કાર્ય મેં સ્વીકારેલું છે, એની મુરાદેવીને જાણ થઈ ગઈ છે એ ખબર તેને કોણે પહોંચાડી, તે તો  પરમેશ્વર જાણે. માત્ર હિરણ્યગુપ્ત વિના આપના બીજા કોઈ પણ અનુચરથી મેં વાત સુદ્ધાં પણ કરી નથી અને હિરણ્યગુપ્ત એ ખબર ત્યાં પહોંચાડે, એ સંભવતું પણ નથી. વળી મુરાદેવીનો અને એનો કોઈ વેળાએ મેળાપ પણ થએલો નથી,

ત્યારે દેવીના કાને એ વાત ગઈ કેમ? અને તે પણ આવા કટોકટીના પ્રસંગે ? દેવીએ મહારાજાને મારી નાંખવાની જે યોજના કરેલી છે, તે યોજના બધી મારા જાણવામાં આવી શકે એમ હતું – અને તેવામાં આ ન ધારેલું વિઘ્ન આવી પડ્યું. હું અહીં આવીને તેના મંદિરમાં બનતી બધી બીનાના તમને સમાચાર પહોચાડું છું, એ મુરાદેવી જાણી ચૂકી છે અને તેણે મને યોગ્ય શિક્ષા કરવાનો નિશ્ચય પણ કરેલો તે. વળી એ શિક્ષા તે આજે જ મને આપવાની છે, એમ પણ સંભળાય છે, અને તેણે મને પોતાના જાળમાં સપડાવવા માટે શી યોજના કરેલી છે, તે પણ હું જાણું છું, તેથી જ મારો જીવ બચાવીને હું અહીં ન્હાસી આવી છું. હવે શું કરવું? જે કોઈ પણ પોતાના એક સ્વામીનો દ્રોહ કરીને બીજા પાસેથી લાભ મેળવવાની આશા રાખે છે, તેની આવી જ અવદશા થાય છે ! જો આપના આમંત્રણને માન આપી અહીં આવી નહોત અને પોતાની સ્વામિનીનાં ગુપ્ત રહસ્યો આપને જણાવવાનું નીચ કાર્ય સ્વીકાર્યું ન હોત, તો આજે આવો ભયંકર પ્રસંગ મારા શિરે આવવા પામત નહિ. હવે તો તે પણ મુરાદેવી છે. હું જો સાતમા પાતાળમાં પણ છૂપાઈ રહીશ, તો ત્યાંથી શોધીને પણ એ મારા પ્રાણ લીધા વિના રહેવાની નથી; તથાપિ તેનાથી વિરુદ્ધ થઈને આપની સેવાનો સ્વીકાર કરેલો હોવાથી સહજ જ એવી કલ્પના થઈ કે, હવે આપનાં ચરણો વિના મારો બીજો કોઈ આશ્રય નથી જ.”

“તારે હવે તારા જીવની જરા પણ ભીતિ કરવી નહિ, અને સર્વથા નિશ્ચિન્ત રહેવું. પણ સુમતિકે ! મહારાજના ઘાતના ઉપાય વિશે જે કાંઈ થોડું ઘણું પણ તારા જાણવામાં આવ્યું હોય, તે સત્વર મને કહી સંભળાવ. કારણ કે તે જાણીને મહારાજના પ્રાણ સંરક્ષણનો કોઈ ઉપાય કરવો જ જોઈએ.” અમાત્ય રાક્ષસે તેનું સાંત્વન કરીને પોતાના સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો.

“અમાત્યરાજ ! શું મહારાજના જીવની રક્ષા કરવા માટે હું મારા જીવને જોખમમાં નાંખું ? એમ કહેવામાં મારો એવો હેતુ નથી કે, મહારાજના જીવ કરતાં મને મારો જીવ વધારે વ્હાલો છે. મહારાજના જીવનના આધારે તો અમારું જીવન ટકી રહ્યું છે. પણ મારા મનમાં હજી એવી આશા છે કે, હું પુનઃ મારી સ્વામિનીના કોપને શમાવીને પુનઃ તેની કૃપા મેળવી શકીશ; પરંતુ તેમાં આવાં વિઘ્નો આવવા માંડે, તો મારી આશા કેવી રીતે સિદ્ધ થઈ શકે વારુ ? મારી એવી ધારણા છે – અરે ધારણા નહિ, પણ મારો નિશ્ચય છે કે, માત્ર એક કે બે દિવસમાં જ બહુધાઃ– એટલું બોલીને તે અર્ધ વાક્યમાં જ વિરામી ગઈ અને બીજો મનુષ્ય સ્પષ્ટતાથી જોઈ શકે તેવી રીતે તેણે જાણે પોતાના સુકોમલ શરીરપર રોમાંચ ઊભાં થયા હોયની તેવો પૂરેપૂરો આવિર્ભાવ કરી બતાવ્યો – સ્ત્રી ચરિત્રની એક સંપૂર્ણ ભૂમિકા ભજવી બતાવી.

રાક્ષસે એ આવિર્ભાવને જોઈને તેને ઘણી જ ઉત્સુકતા અને ચિંતાના ભાવથી કહ્યું કે, “ શું શું ? માત્ર એક કે બે દિવસમાં જ બહુધા શું થવાનું છે?”

“શું કહું, આર્યશ્રેષ્ઠ ! મારા ધારવા પ્રમાણે તો મુરાદેવી પોતાને વિધવા નામથી ઓળખાવવા માટે ઘણી જ ઉત્સુક થએલી છે. કોઈ ઉપવર કુમારિકા વિવાહ માટે પણ જેટલી ઉત્સુક નહિ હોય, તેટલી એ વૈધવ્ય માટે આતુર થએલી દેખાય છે.” સુમતિકાએ આલંકારિક શબ્દોમાં પોતાનો મનેાભાવ જણાવ્યો.

“તારા કહેવાનો ભાવાર્થ શો છે? સુમતિકે ! આવા માર્મિક શબ્દોનો પ્રયેાગ કરવાને બદલે જે હોય, તે ખુલ્લે ખુલ્લું જ જણાવી દેને.” અમાત્યે કહ્યું.

“ખુલ્લે ખુલ્લું શું જણાવું ? સ્પષ્ટ બોલાવાનો સમય આવતાં પહેલાં તો વિઘ્ન આવી પડ્યું, એટલે સ્પષ્ટ બોલું કેવી રીતે ?” સુમતિકાએ પાછી વાતને ઉડાવી.

“સુમતિકે! જો મહારાજ માટે તારા હૃદયમાં કાંઈ પણ પ્રેમ હોય, તો પોતાના શિરે આવનારા સંકટની પરવા ન કર. તું પાછી મુરાના મંદિરમાં જા અને તેના કોપને શમાવ. એવી રીતે પાછો તેનો વિશ્વાસ મેળવીને શો ભયંકર પ્રકાર છે, તે મને આવીને જણાવ.” અમાત્ય રાક્ષસે પુનઃ તેને સાહસ કરવાની આજ્ઞા કરી.

સુમતિકા પાછી જાણે ગભરાઈ ગઈ હોયની ! તેવા ભાવથી કહેવા લાગી, “આર્ય ! આપની આજ્ઞાને અનુસરીને હું પાછી ત્યાં જઈશ ખરી; પણ હવે એ રહસ્ય જાણવા માટેનો અવકાશ ક્યાં છે ? જે કાંઈ પણ ભયંકર કૃત્ય થવાનું છે, તે તો માત્ર એક કે બે દિવસમાં જ થઈ જશે. હું ત્યાં જઈશ, એટલે પાછી હું બહાર જઈને ચાડી ચુગલી કરીશ, એવી શંકાથી મને તો મુરાદેધી તે કારાગૃહમાં જ નાંખવાની – કોઈ કાળે પણ છૂટી છોડશે નહિ. આપને જો કાંઈ પણ ઉપાય કરવાનો હોય, તો તે બને તેટલી ઉતાવળથી જ કરવો જોઈએ. એ હેતુથી જ હું આપ પાસે આવેલી છું. કાંઇ પણ ભયંકર ઘટના થવાની છે, એ તો મેં આ૫ને જણાવ્યું જ હતું અને આજે એ જણાવું છું કે, તે ઘટના આજકાલમાં જ બનવાની છે. મારાં એટલાં જ સારાં ભાગ્ય કે, હું એ ખબર આપને પહોંચાડી શકી.”

રાક્ષસ, સુમતિકાના એ ગોળગોળ ભાષણનો ભાવાર્થ પૂર્ણતાથી સમજી શક્યો નહિ. સુમતિકા આવી, ત્યારે “રક્ષા કરો – રક્ષા કરો.” એવા પોકાર કરતી આવી અને પાછળથી આ બધા ભેદ ફૂટી જવામાં , તેણે હિરણ્યગુપ્તને હેતુ રૂપ બતાવ્યો. ત્યાર પછી તેણે પુનઃ મુરાના મંદિરમાં જઈને પોતાના જીવને જોખમમાં નાંખવાનું પણ જણાવ્યું અને હવે જવાની આજ્ઞા આપી, ત્યારે તે જેમ કેાઈ ઉન્મત્ત મનુષ્ય હોય તેમ જવામાં આનાકાની કરે છે. ઇત્યાદિ બનાવેાનો વિચાર કરીને એમાં સત્ય વાર્તા શી છે? તે શોધી કાઢવાનો રાક્ષસે અતોનાત પ્રયત્ન કર્યો. પણ અંતે તેમાં નિષ્ફળ થવાથી મહાન ગંભીર વિચારસાગરના અનેક કલ્પનાતરંગોમાં તે તરવા લાગ્યો. તેના મનની સ્થિતિ ચલિત અને ભ્રમિષ્ટ બની ગઈ.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!