આજે કેટલાને યાદ છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધને ૨૦૨૧માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે….! એટલે કે ૨૦૨૧એ ભારત માટે યુધ્ધ ‘૭૧ની સુર્વણજયંતિ હશે. આવો એક ઝાંખી નાખીએ એ યુધ્ધની યાદો પર કે જેણે પાકિસ્તાન નામક દૈત્યના બે ફાડિયા કરી નાખેલા અને એ જ વખતે ભારતમાં લગભગ ૯૦,૦૦૦ જેટલાં શરણાર્થીઓ બાંગ્લાદેશથી આવેલા. કારણ કે પાકિસ્તાનની આર્મી દ્વારા તેના પર થતો અત્યાચાર હિટલરની નાઝી આર્મી બર્બરતાને પણ આંટી જાય તેવો હતો.
આ યુધ્ધ એપ્રિલ, ૧૯૭૧માં શરૂ થયેલું કે જ્યારે પાકિસ્તાને ભારતના પશ્ચિમ બાજુના અગિયાર હવાઇ મથકો પર આક્રમણ કરેલું. વળી,આ જ વખતે ઉપર કહ્યાં મુજબ ૯૦ હજાર જેટલાં પૂર્વ પાકિસ્તાનના શરણાર્થીઓ ભારતમાં ઘુસી આવેલા કારણ કે તેઓ પર પાકિસ્તાન આર્મી દ્વારા અતિશય અત્યાચાર થતો હતો, જે “ઓપરેશન સર્ચલાઇટ”ના આધિપત્યમાં થતો હતો. માટે,ભારતને યુધ્ધના ધોરણે કામગીરી કરવી આવશ્યક હતી.
૨૬ નવેમ્બરના રોજ ભારતના લશ્કરે બાંગ્લાદેશ અર્થાત્ એ વખતના પૂર્વ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાનને હતું કે ભારતની આ અવળચંડાઇનો વિરોધ કરવા અને પોતાને સમર્થન કરવા અમેરીકા કે ચીન મેદાને ઉતરશે. અને નહિ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ તો હસ્તક્ષેપ કરશે જ….! પણ બદનસીબે એ વખતે તરત તો એવું કાંઇ ન થયું અને હતાશ પાકિસ્તાનને વળ ખાઇને પણ ૩ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ મેદાને ઉતરવું પડ્યું. ભારતના હવાઇહુમલા અને અન્ય લશ્કર દ્વારા તેને ભારેખમ પ્રહારો ખમવાનો વારો આવ્યો. શ્રીમતી ઇંદિરા ગાંધીનું લોખંડી મનોબળ પણ ભારતીય સૈન્યની તાકાત ક્ષમતા વધારવા માટે કાફી હતું.
ભારતે તેની આક્રમક અને કુટનીતીવાન રણનીતિને પરિણામે પોતાના ૨,૦૦૦ સૈનિકના બદલામાં પાકિસ્તાનના ૬,૦૦૦ સૈનિકોને રોળી નાખ્યાં. ભારતે પાકિસ્તાનને કમરતોડ ફડકો માર્યો હતો. આ દિવસો પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી એકદમ શાંત નજર આવતા હતાં. કદાચ તેઓ એમ માનતા હોય કે આ યુધ્ધ ભારત માટે વિજયી જ છે…! યુધ્ધના એક દિવસ પછી તેઓ તેમના ઘરના બિસ્તરની ચાદર ખુદ બદલતાં જોવામાં આવ્યા હતાં અને અન્ય એક દિવસે પોતાના ઘરની સાફસફાઇ પણ પોતે જ કરતા નજરે ચડ્યાં હતાં….! આ વાત તેમના અંગત ડોક્ટર કે.પી.માથુરે પોતાના પુસ્તકમાં લખી છે. પોતે કામનો તણાવ દુર કરવા આવું કરતા હોય તો કોણ જાણે….!
ઉલ્લેખનીય છે કે,એ વખતે ગુજરાતના સપૂત એવા ફિલ્ડ માર્શલ માણેકશા એ પણ સૈન્યની અદ્ભુત રીતે દોરવણી કરી હતી. ભારતને યુનોનો સહકાર હતો. જેથી કરીને પાકિસ્તાન અને તેનું સમર્થન કરતાં ચીન અને રશયાને નાથી શકાય. ઉપરાંત વધતે ઓછે અંશે અમેરીકા પણ આમાં શામેલ હતું. ચીન દ્વારા ભારત પર દબાણ લાવવા માટે યુધ્ધવિરામ રેખાનો આ સમયમાં ભંગ કરવામાં આવેલ હતો. પણ આખરે ચીનને પણ ઝુકવું પડ્યું. અને ભારત તેનું લક્ષ્ય હાંસલ કરવામાં કારગત નીવડ્યું.
૪ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ અને સત્તાવાર રીતે યુધ્ધ શરૂ થયાના એક દિવસ પછી પાકિસ્તાનના હદયસમા કરાંચી બંદર પર ભારતે હવાઇ આક્રમણ કર્યું. આ આક્રમણે પાકિસ્તાનની નૌકાસૈન્યની મોટાભાગની તાકાતનો ખુરદો બોલાવી દીધો. પાકિસ્તાનના બ્રહ્માસ્ત્ર જેવા PNS ખૈબર અને PNS મુહાફિઝ યુધ્ધજહાજોના ભારતે રીતસર “ભુક્કા” બોલાવી નાખ્યા, જ્યારે PNS શાહજહાં ગંભીર રીતે ઘાયલ થયું….!
ભારત દ્વારા આ યુધ્ધ જીતાયું તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશના પ્રજાજનોનો પાકિસ્તાન તરફનો અસંતોષ હતો. ત્યાંના સ્વાતંત્ર્ય સેનાનીઓ પાકિસ્તાન આર્મી સામે ઝુંબેશો કરતા. યુધ્ધ પહેલાં ભારતે આ સૈનિકોને ભારતની વિવિધ સૈન્ય શિબીરોમાં પ્રશિક્ષિત કર્યા હતાં. જે આગળ જતાં “મુક્તિવાહિની”ના સેનાનીઓ તરીકે ઓળખાયા. જેમણે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના આદેશાનુસાર બાંગ્લાદેશમાં સ્વાતંત્ર્ય લડત ચલાવી હતી. આ યુધ્ધમાં ભારતની જાસુસી સંસ્થા RAW [રીસર્ચ એન્ડ એનાલીસિસીસ વિંગ] નું પણ અતિ મહત્વનું યોગદાન હતું. તેમની જાસુસી પ્રવૃતિઓને લીધે જ ભારતે જ્વલંત વિજય હાંસલ કરેલો.
આ યુધ્ધ ઇતિહાસના સૌથી ટુંકાં યુધ્ધો પૈકીનું એક હતું જે માત્ર ૧૩ દિવસ ચાલ્યું હતું….! અને આ તેર દિવસમાં ભારતે પાકિસ્તાનના લશ્કરને ધોબીપછાડ આપી પરીણામે ઢાકામાં પાકિસ્તાનના પૂર્વીય કમાન્ડના અધિકારી એવા લેફટનન્ટ કર્નલ એ.કે.નિયાઝીને ભારતના લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સમક્ષ શરણાગતીના દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પડી. અને પરિણામે નવા રાષ્ટ્રરૂપે “બાંગ્લાદેશ”નો જન્મ થયો.
આના પરિણામે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગે ભારતમાં થતી દખલગીરી અને બાંગ્લાદેશના પ્રજાજનોની સહનશીલતાનો અંત આવ્યો. ભારત પોતાની અવિસ્મરણીય વિરતાને ક્યારેય નહિ ભુલે. સલામ છે ભારતના વીર જાંબાજ જવાનોને….!
– Kaushal Barad.