30. ‘હું શુદ્ર છું’ – રા’ ગંગાજળિયો

મોણીઆથી પાછા ફરતા રા’એ પરબારો ઘોડો ગીરમાં દોંણ ગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ ‘મારૂં ! કાપું !’ના જ બોલ કઢતી હતી. પોતાની જ વ્યાકૂળતાના પડછાયા એને માર્ગે પડતા ગયા, ને ગીરમાં જઇ, કુંતાદે અને હમીરજીના ભીલ બાળકની ચેષ્ટા જોતાં વાર જ ગીરને સળગાવી મૂકવી, એવો કાળ-મનસૂબો એનામાં ઊઠતો ગયો. સૂર્ય ઊંચાંમાં ઊંચી આભ-ટોચે ચડીને ઊતરતો જાય છે તેના પ્રત્યે એનું ધ્યાન નહોતું. બળબળતી ગૂજરાતમાં ફક્ત પોતાને આંગણે જ ખળખળતાં ઝરણાં, વેરાન ગૂજરાતમાં કેવળ જૂનાગઢને ઘેરે જ લીલાછમ બગીચા,લચકતી કેરીઓ, ઝળુંબતાં ગીર-ઝાડવાં , કોઇ કરતાં કોઇ તરફ એ જોતો નહોતો. રોષની રક્તજવાલા એની કેડી પાડતી આગળ ચાલતી હતી.

એનો રસાલો દ્રોણેશ્વરની ઝાડીના ઊંબરમાં આવ્યો કે ડમરૂ ને ડાકના ગેહકાટ કાને પડ્યા. ઢોલને પપૂડાં વનરાઇને જગવી રહ્યાં છે.

‘શું છે આ બધું ?’ એણે ભીલોને પૂછ્યું.

‘અમારો મુખી પરણ્યો છે. એને પરણાવા જૂનેગઢથી રાજમાતા આવેલ છે. અમારા મુખીનાં બોન આવેલ છે.’ ભીલો વગર ઓળખાણે એને વટેમાર્ગુ રાજપુરુષ જાણી મધમાં પાણી મેળવીને શરબત પાવા લાગ્યાં. ‘પીઓ પીઓ, અમારો મુખી પરણ્યો છે, પીઓ.’

‘કોને પરણ્યો ?’

‘ભીલ વળી કોને પરણે ? ભીલડીને જ તો !’ એક છોકરીએ મરડાઇને કહ્યું :’ઘણોય અમારો આગેવાન રા’નો સાળો થાવા ગ્યો’તો, તે ભૂંઠો પડીને પાછો ભાગી આવ્યો. ભીલ તો ભીલને જ પરણે. ભીલ શા સાટુ રાજકુંવરીને પરણે ? કેદી થવા સાટુ ? બાયડી ને ભાયડા વચ્ચે વ્હેમ ને વેરના ઝાટકા ઊડાડવા સારૂ ?’

‘બોલકી થા મા બોલકી.’ મધના પાણીના ઘડા લઇ ઊભેલા એ છોકરીના વડીલોએ એને ટપારી.

‘ખોટું કહું છું ?’ છોકરી જુવાન હતી એટલે તોરમાં ને તોરમાં બોલી ગઇ : ‘આપણા મુખીનાં બોન મુખીને નોતાં કે’તાં? કે ભીલડીને પરણજે, રાજકુંવરી સામેથી વરમાળા રોપવા આવે તોય ના કહેજે.’

ઘોડેસવારો આગળ નીકળી ગયા. ને પાછળ ભીલડાં અવાજ મોકળા મૂકીને વાતો યે ચડ્યાં. એ વાતો ઠંડી વનરાઇમાં દૂર દૂર સુધી પથરાતી હતી.

‘રાણીબોન હવે જૂનેગઢ જવાનાં નથી.’

‘કેમ ?’

‘એનો ધણી છે ને રા’, એમાંથી ધરમ જાતો રીયો છે. રાણીબોનને માથે વે’માય છે.’

‘આપણે તો વેમાઇં કે તરત કડકડતા તેલની કડામાં હાથ બોળાવે. બોળાવે ને રાણીબોનને !’

‘તો પેલો રા’ જ બોળે ને !’

‘એથી તો ન પોસાય તો નોખાં જ નો પડી જાય ? આપણે કેમ નોખાં પડીને પોતપોતાનો મારગ લઇ લઇયીં છીં.’

‘રાજવળામાં એમ ન થાય. ઇ તો માંહી ને માંહી થાળીમાં ઝેર ખવરાવીને મારે કાં ભોંમાં ભંડારી દ્યે.’

માંડળિકના કાન આ વાતોને ઝીલતા ગયા. આજે ન ઓળખાય તેવો ઊતરી ગયેલો રા’ છેક ભીલકુમારના રહેઠાણ પર પહોંચી ગયો.

ભીલકુમારે બહાર નીકળીને રા’ને વંદન કર્યું.

‘ક્યાં છે કુંતાદે ?’ રા’એ પૂછ્યું.

‘જૂનાગઢ ચાલ્યા ગયા છે. હું પણ આવવાનો જ હતો.’

‘ચાલો.’

‘ના, હવે તો જે વાત કહી દેવા ત્યાં આવવાનો હતો તે આંહીં જ કહી દઉં, રા’ માંડળિક, કે હું શુદ્ર છું. હું ક્ષત્રિય નથી, રાજપૂત નથી, હું શુદ્ર છું, ભીલ છું.’

બોલતી વખતે ભીલ જુવાનનાં નેત્રોમાં રાતા હીરના દોરીયા ફૂટતા હતા.

‘હું રાજનો બાળ નથી. મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષત્રિય મટી ગયો હતો, આંહીં આવીને શુદ્ર બની રહ્યો હતો. હું પણ શુદ્ર છું. ને દેવ દોંણેશ્વર પાસે મેં માગી લીધું છે, કે મારી ઓલાદ જંગલોમાં મધ પાડી પેટ ભરજો, પહાડોમાંથી લાકડા વાઢજો, ને ધરતી પેટ ન પૂરે ત્યારે દરિયાને શરણે જઈ માછલાં ઉપર જીવજો ! પણ વેળાસર વિસરી જજો કે એના કોઇ વડવાનું કુળ રાજવળું હતું.’ ‘કેમ ?’

‘મેં ધરાઇ ધરાઇને રાજવળાનું સગપણ માણ્યું છે. ગંગાજળિયા રા’, રાજવળામાં થાળીમાં જ ઝેર અપાય છે એમ નથી; હેતપ્રીતની લાગણીમાં ય હળાહળ પે’રાવાય છે.’

‘ઠીક, મારો મુલ્ક એક મહિનામાં છોડી જાજો હવે.’

‘તમે ઊભા રહો મહારાજ.’ એમ કહી એણે પોતાના ઝૂંપડાના ચોગાનમાં ઝાડને થડે કે મોટો ઢોલ બાંધેલો તે પર ડાંડી પીટી. ને રા’ને કહ્યું : ‘બ્હીક રાખજો મા હો રાજા ! તમે શુદ્રને ઘેર પરોણા છો. માટે સલામત છો.’

એમ વાત કહે ત્યાં તો જાણે ગીરમાં ઉપરાઉપરી સેંકડો ઢોલ વગડ્યા. ઢોલના ઢબૂકાર આઘે આઘે ચાલ્યા ગયા ને ભીલ વસ્તીની કતાર પર કતાર ઊભરાઇ. સૌને એણે સંભળાવ્યું :

‘ગીર ખાલી કરો. કશું લેવા ન રોકાજો. દીવ કોડીનાર તરફ .’

એટલા શબ્દો સાથે તો કતાર પછી કતાર એમ ને એમ ગીરની બહાર ચાલતી થઇ. તેઓ નાગાપુગા નીકળ્યા. પુરુષો સ્ત્રીઓને ખબર દેવા ન રોકાયા. સ્ત્રીઓ પોતાનાં બાળકો આડાં અવળાં ગયાં હતાં તેની શોધ કરવા ન થંભી. સૌ જે હાથમાં આવ્યું તે લેતા લેતા નીકળ્યા, તેમણે લીધાં હતાં ફક્ત તીર ને કામઠાં : તેમની નજર, પાછળ સૂનાં પડતાં ઘરની સામે પણ ઠરતી નહોતી. તેઓ ફક્ત સન્મુખ જોતાં જ શીખ્યા હતા.

ભીલ કુમાર ચુપચાપ ઊભો હતો. ઊભાં ઊભાં એના હાથ સૌને દિશા દેખાડતા હતા. આગળ ગયેલાં માબાપોના પાછળ રહેનારાં બાળકોને પણ પાછળ આવનારા ઊપાડતા જતા હતા. ગીરનું ભીલ-રહેઠાણ જોતજોતામાં ઉજ્જડ બન્યું. અને છેલ્લે ચાલ્યા આવતા એક નાના બાળકને ખંધોલે ઊંચકીને ભીલકુમારે રા’ની સામે સીનો બતાવ્યો. એણે જરાક નીચે ઝુકીને કહ્યું – ‘જે સોમનાથ ! જૂનાના ધણી, હું શુદ્ર છું, ને શુદ્ર જ રહીશ. પણ તમે ગંગાજળિયા, તમે લડથડીને કોણ જાણે કઇ ખોપણ ખીણમાં જઇ પડશો.’

તમામ હિજરતીઓની હરોળમાં એ ચાલી નીકળ્યો. એના માથાનાં મોરપીચ્છનો ગુચ્છ ઝૂલતો જાય છે. બરડા ઉપર બાંધેલ ભાથાંનાં તીરનાં ફળાં (લોઢાની અણીઓ) આથમતા સૂરજની રતાશ પી રહ્યાં છે. પારકું ભીલ બાળક એના ખંધોલા ઉપર ઢળીને નીંદરમાં પડે છે.

‘તૈયારી કરીને બેઠાં હશે !’ એમ કહેતે રા’એ ઝૂંપડાં તપાસ્યાં. કોઇ ઠેકાણે સૂપડામાં અધસોયેલા દાણા પડ્યા હતા, કોઇ ઠેકાણે ચૂલા પર આંધણની હાંડી ઊકળતી હતી, કોઇ ઠેકાણે ચૂલો પેટાવવાની તૈયારી હતી. કોઇ ઠેકાણે ઘંટીના થાળામાં લોટ પણ પડ્યો હતો. અને એક ઠેકાણે છીપર પર અધવાટેલી મેંદીનો લોંદો પડ્યો હતો. પૂર્વતૈયારીનું ત્યાં કોઇ ચિહ્ન નહોતું.

‘અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે.’ જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રા’ની નજરમાં માણસો માતાં નહોતાં. એને દેખીને લોકો દૂર ચાલતાં હતાં. ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઇ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણીયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઇની ધા ગામેગામ સંભળાઇ હતી. આઇ નાગબાઇ હેમાળો ગાળવા હાલ્યાં છે તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશિષો લેવા મૂલક ઉમટીને મોણીયા તરફ જાય છે. ચાલ્યા જતાં માનવીઓ બોલે છે ‘ગંગાજળિયો આપણો રા’ ગોઝારો બન્યો. એણે આઇને પણ દૂભવ્યાં એણે કોઇને ન છોડ્યાં.’

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!