કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળુ ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઇઓ ગૂંજી રહી છે. નોબત ગડેડે છે.(ગગડે છે ?) માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછેછે:”છોકરી, આ વાજાં શેનાં ?”
“બાઇ, જાણતાં નથી? બસો અસવારે ઓઢો જામ આજ આઠ મહિને ઘેર આવે છે. એની વધાઇનાં આ વાજાં. ઓઢો ભા– તમારા દેવર.”
“એમાં આટલો બધો ઉછરંગ છે ?”
“ બાઇ, ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોયે આડાં ભાંગે. અને રૂપ તો જાણે અનિરુદ્ધનાં.”
“ક્યાંથી નીકળશે ?”
“આખી અસવારી આપણા મો’લ નીચેથી નીકળશે.”
“મને એમાંથી ઓઢો દેખાડજે.”
હૈડાં હલબલિયાં
અસવારી વાજતેગાજતે હાલી આવે છે. ડેલીએ ડેલીએ કિયોર કકડાણાની બે’ન-દીકરીઓ કંકુ-ચોખા છાંટીને ઓઢા જામનાં ઓવારણાં લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મીણલદે આઘેથી કેસરી સિંહ જેવી નિર્મળ આંખલડીઓવાળા દેવરને ભાળી ભાળીને શી ગતિ
ભોગવી રહી છે !
ઓઢે બગતર ભીડિયાં, સોનાજી કડિયાં,
‘ મીનળદે કે માયલાં , હૈડાં હલબલિયાં.
[હેમની કડીઓ ભીડેલા બખતરમાં શોભતો જુવાન જોદ્ધો ભાળીને ભોજાઇનાં હૈયાં હાલી ગયાં]
‘ વાહ ઓઢો !વાહ ઓઢો !વાહ ઓઢો !’ એવાં વેણ એનાથી બોલાઇ ગયાં. સામૈયું ગઢમાં ગયું.
પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓનો દાયરો જામ્યો છે. સેંથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસુંબાની છાકમછોળ ઊડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનાં વર્ણનો કરે છે. દેશદેશના નવા સમાચાર કહેવા-સાંભળવામાં ભાઇ ગરકાવ છે. પોતાનાં શૂરાતનની વાતો વર્ણવતા ઓઢાની જુવાની એનામુખની ચામડી ઉપર ચૂમકીઓ લઇ રહી છે ત્યાં તો બાનડી આવી :
“બાપુ, ઓઢા જામને મારાં બાઇ સંભારે છે.”
“હા, હા, ઓઢા, બાપ, જઇ આવ. તું ને તારી નવી ભોજાઇ તો હજુ મળ્યાંયે નથી.”એમ કહીને બુઢ્ઢા જામ હોથીએ ઓઢાને મીણલદેને ઓરડે મોકલ્યો.
વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને, કંઠે, ભુજા ઉપર અને કાંડે આબરણ હીંડોળે છે. મોટા મહિપતિને મારવા જાણે કામદેવે સેના સજી છે.
ઓઢે કેસરિયાં પેરિયાં, આંગણ ઉજારો,
દીઠો દેરજો મોં તડે, સૂર થિયો કારો.
[કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળાં છવાયાં. દેરનું મોઢું દેખાતાં સૂરજ ઝાંખો પડ્યો.]
ઓઢે કેસરિયા પેરિયાં, માથે બંધ્યો મોડ,
દેરભોજાઇ આપણે, મળિયું સરખી જોડ.
[આહાહા ! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સરજી પણ મારાં માવતર ભૂલ્યાં]
“માતાજી ! મારા જીવતરની જાનકીજી !તમે મારા મોટાભાઇના
કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણજતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું.
“હાં, હાં, હાં, ઓઢા જામ રે’વા દો,”એમ કહી ભોજાઇ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી–
ઓઢા મ વે ઉબરે, હી પલંગ પિયો,
આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ અયો.
[એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઇ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.]
ઓઢો ભોજાઇની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓઢો આઘો ઊભો રહ્યો. “અરે !અરે, ભાભી !”
હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા,
તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા,
[તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઇ, એની તું ઘરવાળી.અરે, ભાભી, તું તો મારે માતાના ઠેકાણે.]
ચૌદ વરસ ને ચાર,ઓઢા અસાં કે થિયાં,
નજર ખણી નિહાર, હૈડાં ન રયે હાક્લ્યાં.
[ભાભી બોલી :મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર. મારું હૈયું હાકલ્યું રહેતું નથી.]
ગા ગોરણી ગોતરજ, ભાયાહંદી ભજ,
એતાં વાનાં તજ્જિએ, ખાદ્યોમાંય અખજ.
[ઓઢે કહ્યું:એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઇની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય.]
ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઇ આડી ફરી. બાહુ પહોળા કર્યા,ઓઢાએ હાથ જોડીને કહ્યું કે–
ન હુવ રે ન થિયે, ન કઢ એડી ગાલ.
ક્ચો લાગે કુલકે, કેડો મેડિયાં માલ.
[એ ભાભી, એ ન બને, એ વાત છોડી દે. કુળને ખોટ બેસે.]
”ઓઢા, ઓઢા, રહેવા દે, માની જા , નીકર–
ઉઢા થીને દુ:ખિયો, ઝંઝો થીને દૂર,
છંડાઇસ કેરોકકડો, વેંદો પાણીજે પૂર.
[દુ:ખી થઇ જઇશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઇ નીકળવું પડશે.]
બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઇ.
દેશવટો
”અરે રાણી ! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ?”
તમે ટૂટમૂટ ખાટકીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?’
આંસૂડાં પાડીને રાણી બોલી :”તમારા ભાઇનાં પરાક્રમ !”
“મારો લખમણ જતિ ! મારો ઓઢો ?”
“ઠાકોર, મને અફીણ મગાવી આપો. ઘોળીને પી જાઉં . તમારા લખમણજતિને જાળવજો ખુશીથી. તમારા રાજમહેલમાં રજપૂતાણી નહિ રહી શકે.”
બુઢ્ઢો હોથી સ્ત્રીચરિત્રને વશ થઇ ગયો. સવાર પડ્યું ત્યાં કાળો જાંબુમોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હજર છે.
દેશવટાની તૈયારી કરતાં ઓઢાને મીણલદેએ ફરીવાર કહેવરાવ્યું :
માને મુંજા વેણ,(તો)વે’તા લદા વારિયાં,
થિયે અસાંજો સેણ, તો તજ મથ્થે ઘોરિયાં.
[હજુ મારાં વેણ માન, તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું, જો મારો પ્રિયતમ થા, તો તારા માથે હું ઘોળી જાઉં]
મિયા ભરીને માલ, ઓધે ઉચારા ભર્યા,
ખીરા, તોં જુવાર, સો સો સલામું સજણાં.
[ઊંટને માથે પોતાની ઘરવખરી નાખી, કાળો પોશાક પહેરી, કાળે ઘોડે સવાર થઇ, પોતાના બસો અસવારને લઇને ઓઢો દેશવટે ચાલી નીકળ્યો અને કિયોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતાં ઓઢાએ ઉચ્ચાર કર્યો કે, હે ભાઇ ખીર, હે મારા સ્વજન, તને આજ સો સો સલામો કરું છું.]
ખીરાં, તોં જુવાર, સોસો સલામું સપરી,
તું નવલખો હાર, ઓઢાને વિસારિયો.
વીસળદેવને ઘેર
પોતાના મશિયાઇ વીસળદેવ વઘેલાની રાજધાની પીરાણા પાટણ..
(ધોળકા)ની અંદર આવીને ઓઢે આશરો લીધો છે. એક દિવસ બન્ને ભાઇઓ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વીસળદેવે નિસાસો મેલ્યો.
ખાવા બેઠો ખેણ, વીસળે નિસાસો વયો,
વડો મથ્થે વેણ, બિયો બાંભણિયા તણો
“ અરે હે ભાઇ વીસળદેવ ! અન્નદેવતાને માથે બેસીને ઊંડો નિસાસો કાં નાખ્યો ?એવડાં બધાં તે શાં ગુપ્ત દુ:ખ છે તારે, બેલી ?” ઓઢાએ ભાઇને પૂછ્યું.
વીસળદેવે જવાબ દીધો કે “હે બેલી, બાંભણિયા બાદશાહના મે’ણાં મારે માથે રાત-દિવસ ખટક્યા કરે છે નગરસમોઇની સાતવીસું સાંઢ્યો જ્યાં સુધી હું ન કાઢી આવું, ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાકું છું.”
”બાંભણિયાની સાંઢ્યું ?ઓહો, પારકરની ધરતી તો મારા પગ તળે ઘસાઇ ગઇ. પલકારામાં સાંઢ્યું વાળીને હાજર કરું છું. મારા બસો જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે, એને હક કરી આવું.”એમ કહીને કટક લઇને ઊપડ્યો
ઓઢે સરવર પાર, નજર ખણી નિયારિયું,
એક આવે અસવાર, નીલો નેજો ફરુકિયો.
એક તળાવડીને આરે ઓઢો જામ તડકા ગાળવા બેઠેલ છે. વાયરામાં લૂ વરસે છે. હરણાંનાં માથાં ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે. એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે. આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે. લીલી ધજા ફરકે છે. અસવારના અંગ ઉપરનું કસેલું બખતર ઝળકારા કરતું આવે છે. કૂકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર, અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો, એમ એક અસવાર, ત્રણ-ત્રણ અસવારો દેખાડતો આવે છે. સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઊગ્યો !
ઓઢાના અસવાર માંહોમાંહી વહેંચણ કરવા મંડ્યા : “ભાઇ, ઇ મુસાફરનો ઘોડો મારો !”—“ઘોડાનો ચારજામો મારો !”— “અસવારનું બખતર મારું !”
—“ આદમીનો પોશાક મારો !”
સામે પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાતો કાનોકાન સાંભળી રહ્યો છે. મરક મરક હસે છે. જરાક પરચો તો દેખાડું, એમ વિચારીને એણે ઘોડાને તંગ તાણ્યો. એવો તંગ તાણ્યો કે–
તેજી તોળ્યે ત્રાજવે, જેમ બજારે બકાલ,
માર્યો કેનો નૈ મરે, ગાંડી મ કૂજ્યો ગાલ.
જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો !એ જોઇને ઓઢો બોલ્યો, “એ રજપૂતો ! ચીંથરાં ફાડો મા; આમ તો જુઓ !ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગ ઊંચો ઉપાડી લીધો, એવા જોરાવર આદમી કોઇનો માર્યો મરે નહિ. અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહિ. એને લૂંટવાની ગાંડી વાતો છોડી દ્યો.”
ત્યાં તો અસવાર લગોલગ આવી પહોંચ્યો. મોઢે મોસરિયું બાંધ્યું છે, મૂછનો દોરોય હજુ ફૂટ્યો નથી, ઘૂમતા પારેવાના જેવી રાતી આંખ ઝગે છે, ભમ્મરની કમાનો ખેંચાઇને ભેળી થઇ ગઇ છે, મીટ મંડાય નહિ એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઊભો.
અહાહાહા ! ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો.સાહેબધણીએ સંસારમાં શું રૂપ સરજ્યું છે ! ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય? કોઇક ગઢને ગોખે વાટ જોતી મૃગનેની ને મળવા જાતો હોય, ને કાં મળીને પાછો વળતો હોય, એવા દીદાર છે. સગો ભાઇ હોય, બાળપણનો ભેરુબંધ હોય, એવું હેત મારા કલેજામાં આજ કાં ઊગે ?
“કાં રજપૂતો !” સવારે પડકાર દીધો:”મને લૂંટવો છે ને તમારે ?શૂરવીરો, એમાં કાં ભોંઠા પડો ?કાં અક્કેક જણ આવી જાઓ, ને કાં સહુ સાથે ઊતરો; જોર હોય તો મારાં લૂગડાંઘરેણાં આંચકી લ્યો.”
રજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢો બોલ્યો: “માફ કરો, મારા ભાઇ, મનમાં કાંઇ આણશો મા. મારા રજપૂતોએ ભૂલ કરી. ઊતરો, બા, કસુંબો લેવા તો ઊતરો.”
“ના, ના, એમ મારાથી ન ઊતરાય. તમ સરખા શૂરવીરના દાયરામાં હું કેમ શોભું?અરે દાયરાના ભાઇઓ, આમ જુઓ. આ ખીજડાનું ઝાડ
જોયું? એના થડમાં હું તીર નાખું. તમે એને ખેંચી કાઢો એટલે બસ. બાકીનું બધું તમારું !”
એમકહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી. ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું. ઘોડાના પેંગડા ઉપર ઊભો થઇ ગયો. કાન સુધી પણછ ખેંચીને તીર છોડ્યું. હવામાં ગાજતું જતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના થડમાં ખૂંતી ગયું. ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર રહી.
રજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢો જામ અસવારના મોં સામે જોઇને ફૂલેલ છાતીએ બોલી ઊઠ્યો: “વાહ બાણાવળી ! વાહ ધનુર્ધારી ! વાહ રે તારી જનેતા ! ધન્યભાગ્ય તારાં વારણાં લેનારી રજપૂતાણીનાં ! વાહ રજપૂતડા !”
ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર,
નૈ કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.
[આ ઝાડે પણ જેનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે, એ પુરુષ કાળા માથાનો માનવી નહિ, પણ સાચોસાચ ઇન્દ્રનો અવતાર દીસે છે.]
અસવારે હાકલ દીધી.: “ઠાકોરો !ઊઠો, કોઇક જઇને એ તીર ખેંચી લાવો તો પણ હું સરસામાન સોંપી દઉં.”
રજપૂતો ઊઠ્યા, ચાર આંગળની લાકડી ખેંચવા મંડ્યા પણ તીર ચસ દેતું નથી.
“જુવાનો, ઉતાવળા થાઓ મા. ફરીને બળ વાપરો.”
પણ ઓઢાના યોદ્ધા શરમાઇ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો. જઇને તીર તાણ્યું. જેમ માખણના પિંડામાંથી મોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચાઇ આવ્યું.
અજણ્યા પરદેશીનાં એક પછી એક શૂરાતન જોઇ જોઇને ઓઢાને લોહી ચડતું જાય છે. પોતાનો નાનેરો ભાઇ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઇ રહ્યો છે. ઓઢો ઊઠ્યો. બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો. ઘોડાના ઘાસિયા પાથર્યા હતા, તેની ઉપર બેસાડીને પ્રેમભીની નજરે ઓઢાએ પૂછ્યું:
ઓઢો મુખથી આખવે, જાણાં તોજી જાત,
નામ તો હોથી નગામરો, સાંગણ મુંજો તાત.
”બેલીડા !તમારું નામ, ઠામ, ઠેકાણું તો કહો.”
”મારું નામ હોથી નગામરો.સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ્લ.”
“એકલમલ્લ!” નામ લેતાં તો ઓઢાનાં ગલોફાં જાણે ભરાઇ ગયાં: “મીઠું નામ !ભારી મીઠું નામ ! શોભીતું નામ !”
“અને તમારું નામ, બેલી ?”એકલમલ્લે પૂછ્યું.
“મને ઓઢો જામ કહે છે.”
“ આ હા હા હા ! ઓઢો જામ તમે પોતે ?ઓઢો કિયોરનો કહેવાય છે એ પંડે ? ભાભીએ દેશવટો દેવાર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું. પણ કારણ શું બન્યું’તું, ઓઢા જામ ?”
“કાંઇ નહિ, બેલી ! એ વાત કહેવરાવો મા. હોય, માટીના માનવી છીએ, ભૂલ્યાં હશું.”
“ના, ના, ઓઢા જામ ! હનુમાનજતિ જેવો ઓઢો એવું ગોથું ખાય નહિ. કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહિ.”
“બેલી ! આપણે પરદેશી પંખીડાં કહેવાઇએ. કરમસંજોગે ભેળા મળ્યાં. હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય. બે ઘડીની લેણાદેણી લૂંટી લઇએ, જુદાઇની ઘડી માથે ઊભી છે. કલેજાં ઉઘાડીને વાતો કરવા જેટલો વખત નથી. માટે મેલો એ વાતને. આવો કસુંબો પિયે.”
ઓઢાએ ને એકલમલ્લે સામસામી અંજલિ ભરી. એકબીજાને ગળાના સોગંદ આપીને અમલ પિવરાવ્યાં. પીતાં પીતાં થાકતા નથી. હાથ ઠેલતાં જીવ હાલતો નથી. કસુંબાની અંજલિઓમાં એક બીજાનાં અંતર રેડાઇ ગયાં છે. અમલ આજ અમૃતના ઘૂંટડા જેવું લાગે છે. જેમ–
મૂંમન લાગી તુંમનાં લાગી મૂં.
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.
જાણે લૂણ-પાણી ઓગળીને એકરસ થઇ જાય તેવાં સમસામાં અંતર પણ એકાકાર થઇ ગયાં. મુખે ઝાઝું બોલાતું નથી. ઓઢો વિચાર કરે છે કે ‘હે કિસ્મત ! આ બસોને બદલે એકલો એકલમલ્લ જ મારી સંગાથે ચડ્યો
હોય, તો આભજમીનના કડાં એક કરી નાખતાં શી વાર ?’
એકલમલ્લે પૂછ્યું:”ઓઢા જામ, કેણી કોર જાશો ?”
“ભાઇ નગરસમોઇનાં બાંભણિયા બાદશાહની સાંધ્યું કાઢવા, કેમ કે, એ કારણે પીરાણા પાટણનો ધણી મારો મશિયાઇ વીસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે. પણ તમે ક્યાં પધારો છો ?
એકલમલ્લે મોઢું મલકાવ્યું:”બેલી, એક જ પંથે—એક જ કામે.”
“ઓહોહો ! ભારે મજાનો જોગ; પણ તમે કોની સારુ ચડ્યા છો?”
“ઓઢા જામ ! કનરા ડુંગરની ગુંજમાં અમારાં રહેઠાણ છે. બાપુ મોતની સજાઇમાં પડ્યા. છેલ્લી ઘડીએ જીવ નીકળતો નહોતો. એને માથેય ભાંભણિયાના વેર હતાં. બાંભણિયાની સાંઢ્યોલાવવાની પ્રતિજ્ઞા અધૂરી રહેતી હતી, એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો. મેં પાણી મેલ્યું અને બાપુને સદ્ ગતિ દીધી.”
“એકલમલ્લ ભાઇ ! આપણે બેય સાથે ચડીએ તો ?”
“ઓઢા જામ;સાથે ચડીએ, પણ મારો કરાર જાણો છો ? મહેનત અને કમાણી બેયમાં સરખો ભાગ :અરધમાં તમે બધા અને અરધમાં હું એકલો: છે કબૂલ ?”
ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઇતું મેળવવા મંડ્યા.
પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.
બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢયો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી,રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી–એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લખાં મોતી જેવી છે.રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યો
બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ઘાણીને (ઊંટના તબેલાને ‘ધાણી’ કહે છે) બારણે ચડવાનીયે કોની મગદૂર ? રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથામાં કાછલાં થઇને ઊડી પડે. પણ આજ ધાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી ગઇ છે.
એકલમલ્લ બોલ્યો :”ભાઇ ઠાકોરો, બોલો, કાં તો હું ધાનીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો તો હું સાંઢ્યો લઇ જાઉં.”
”એકલમલ્લ, તમે ઝાંપો તોડો, અમે સાંઢ્યો બહાર કાઢશું.”
રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો.
એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.
રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢયો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે.
ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ‘ચોર !સાંઢ્યુંના ચોર !’નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઇને કરગરવા માંડ્યું : “એકલમલ્લભાઇ, હવે અમારી આબરૂ તારા હાથમાં…. ”
“બસ, દરબારો ! શૂરાતન વાપરી લીધું?સાંઢ્યો લેવા આવતાં પહેલાં ઇલમ તો જાણવો’તો !” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાણ્યું. એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઇ તેમાં પોતાની પછેડી લઇને ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.
લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી. મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે એક સોને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે.
“વાહ એકલમલ્લ ! વાહ એકલમલ્લ ! વાહ બેલીડા !” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.
ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં દઁઅરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે. એકલમલ્લ્બોલ્યો : “રજપૂતો ! કાં તો તમે સાંઢ્યોને લઇ ભાગી છૂટો, ને કાં આ વારને રોકો.”
રજપૂતો કહે : “ભાઇ ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઇ જઇને સરખા ભાગ પાડી રાખશું !”
એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઇ રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢયો વાંસે દોડી આવે છે. પોતાના લોહીની ઘ્રાણ એને એવી મીઠી લાગે છે.
“ઓઢા જામ ! તમેય ભાગો. શીદ ઊભા છો ? મારી પાછળ મોટુ કટક આવે છે, તમે બચી છૂટો.”એકલમલ્લ બોલ્યો.
બેલી,કોના સારુ બચી છૂટું ?કોઇનો ચૂડો ભાંગવાનો નથી.”
“અરે, કોઇક બિચારી રાહ જોતી હશે.”
“કોઇ ન મળે, બેલી ! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી.”
એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડો અવળો નાખી,ઘોડને ખરેરો કરવા માંડ્યો.
“અરે, એકલમલ્લ ભાઇ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો! “
“આંબવા દ્યો, ઓઢા જામ ! તમે આ ઘસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો મોજ કરતાં કરતાં કાં ન મરવું ?”
બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઇ રહ્યો છે: “વાહ અલ્લા !વાહ તારી કરામત ! બેય દુશમન ધરપત કરીને બેઠા છે—કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઇએ !”
“ એઇ બાદશાહ !” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો :”પાછો વ્ળી જા. એઇ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી
બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.”
ખડ !ખડ ! ખડ !ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઇને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.
પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા,
કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.
[પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો, ડંકો ધૂળમાં રોળાણો.]
તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું કાન સુધી પણછ ખેંચી પડકાર્યું:બાદશાહ, તારી થાળીમાં લાખોના કકોળિયા કહેવાય. તને મારું તો પાપી ઠરું ; પણ તારું છત્તર સંભાળજે. .” એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું. બાંભણિયાનું છત્ર ઉપાદી લીધું.
બીજે થાયે બાણ, પૂવે છત્તરપાડિયો,
કુદાયા કેકાણ, હોથી હલ્લી નીકળ્યો.
[છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઇને બાંભણિયો થંભી ગયો.]
’વાહ, રજપૂત, વાહ વાહ !”એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે :
માડુ તોં મુલાન, તું કિયોરજો રાજિયો,
પૂછે દરિયલખાન, રૂપ સોરંગી ઘાટિયો.
[એ માનવી, તું એવો બહાદુર કોણ? તું પોતે જ કિયોરનો રાજા ઓઢો ?]
નૈ માડુ મુલાન, નૈ કિયોરજો રાજિયો,
ખુદ સુણ દરિયલખાન, (હું) ચાકર છેલ્લી બાજરો.
[હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે. માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ-પચીસ વીધાં વધી પડશે.]
બાંભણિયો કે બેલીડા, કરીએ તોજી આસ,
કરોડ ડીજા કોડસું, ચંદર ઊગે માસ.
[બાંભણિયે સાદ દીધો કે હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ. દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ.]
”માફ કરજે, બાંભણિયા રાજા ! મને દરગુજર કરજે !”
કરોડ ન લીજે કીનજા ન કીજેં કીનજી આસ,
ઓઢો અસાંજો રાજિયો, આઉં ઓઢે જો દાસ.
[કોઇની કરોડ કોરી લૂંટીશ નહિ. મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું]
“યા અલ્લા !”એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો.
ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો છે. ઓઢાને વાચા જડતી નથી
. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થૈઇ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે. ?
“ઓઢા જામ !” એકલમલ્લે સાદ અકર્યો: “ કોનું ધ્યાન ધરી રહ્યો છો ?કહેતા હતાને, કોઇની સાથે માયા લગાડી નથી?”
“બેલી ! બેલી ! બેલી !”ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો, જીભના લોચા વળી ગયા. ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા.
એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે અને ખાંડિયાબાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યા: “ એક્લમલ્લભાઇ, લ્યો આ તમારો ભાગ.”
“ઓઢા જામ !”એકલમલ્લ મરકીને બોલ્યો: “જોયા તમારા રજપૂત ? કેવી ખાનદાની બતાવી રહ્યા છે !”
“ધિક્કાર છે, રજપૂતો ! જનેતાઓ લાજે છે !”એમ કહીને ઓઢાએ બેય ટોળાની વચ્ચોવચ્ચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખ ભાગ પાડી નાખ્યા. “ લ્યો ભાઇ, તમારો ભાગ ઉપાડી લ્યો, એકલમલ્લ!”
“ઓઢા જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢ્યો હું તમને ભેટ કરું છું. મારે સાંઢ્યોને શું કરવી છે ? મારા બાપુના જીવની સ ગતિ સારુ જ મેં તો આ મહેનત કરી. અને હવે, ઓઢા જામ, રામ રામ ! અહીંથી જ હવે નોખા પડશું.”
નહિ વિસારું
ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને ઓઢો બોલ્યો : “ બેલીડા ! વીસરી તો નહિ જાઓને ?”
“ ઓઢા જામ ! હવે તો કેમ વીસરાશે?” જોવિસારું વલહા, ઘડી એક જ ઘટમાં,
તો ખાંપણમાંય ખતાં, (મુંને) મરણ સજાયું નવ મળે.
[એક પલક પણ જો મારા હૈયામાંથી હું મારા વા’લાને વિસારું તો તો, હે ઇશ્વર, મને મરણ ટાણે સાથરોય મળશો મા, અંતરિયાળ મારું મોત થાજો. મારું મડદું ઢાંકવા ખાંપણ પણ મળશો નહિ. ઓઢા જામ , વધુ તો શું કહું ?]
જો વિસારું વલહા, રૂદિયામાંથી રૂપ,
તો લગે ઓતરજી લૂક, થર બાબીડી થઇ ફરાં.
[હે વા’લીડા, અંતરમાંથી જો તારું રૂપ વીસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઊના વાયરા વાજો. અને થરપારકર જેવા ઉજ્જડ અને આગ ઝરતા પ્રદેશમાં બાબીડી (હોલી) પંખિણીનો અવતાર પામીને મારો પ્રાણ અપોકાર કરતો કરતો ભટક્યા કરજો.]
“ લ્યો ઓઢા જામ, પરણો તે દી એકલમલ્લભાઇને યાદ કરજો અને કામ પડે તો કનરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો. બાકીતો જીવ્યા-મૂઆના જુહાર છે.”
એટલું બોલીને એકલમલ્લે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો, એ ખંભે પડેલી કમાન, એ તીરનો ભાથો, વંકો અસવાર, વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછનો ઝૂડો : બધુંય ઓઢો જામ ઊભો ઊભો જોઇ રહ્યો. પાછો વળીને એકલમલ્લ નજર નાખતો જાય છે. સલામો કરતો જાય છે. જાય છે ! ઓ જાય ! ખેપટમાં અસવાર ઢંકાઇ જાય છે. માત્ર ભાલો જ ઝબૂકે છે.
એક ઘોડો ! ઓઢાનો ઘોડો જંબુમોર અને એકલમલ્લનો ઘોડો એળચી : એકબીજાને દેખ્યા ત્યાં સુધી બેઉ ઘોડા સામસામી હાવળ દેતા ગયા. ઘોડાનેય જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી.
પંખી વિનાના સૂના માળા જેવું હૈયું લઇને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો. એને બીજું કાંઇ ભાન નથી. એના અંતરમં છેલ્લા એ ઉદ્ ગારોના ભણકારા બોલે છે :’સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલ્લે કાં કહ્યા ? એની તણખાઝરતી આંખડીઓ એ ટાણે અમીભરી કાં દેખાણી ?એના સાવજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટૌક્યા ?’
એણે ઘોડો થંભાવ્યો.
”ના, ના, હે જીવ, એ તો ખોટા ભણકારા.’
ઘોડોહાંક્યો, પણ મન ચગડોળે ચડ્યું. કોઇક ઝાલી રાખે છે, કોઇ જાણે પાછું વાળે છે. ફરી વાર ઘોડો થંભાવ્યો. સાથીઓને કહ્યું:” ઓ ભાઇઓ !
ઝાઝા ડીજ જુવાર, વીસરદેવ વાઘેલકે,
જિતે અંબી વાર, તિતે ઓઢો છંડિયો.
[જાઓ, જઇને વીસળદેવ વાઘેલાને મારા ઝાઝા જુહાર દેજો; અને જો પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો કે જ્યાં બાંભણિયાની સેના આંબી ગઇ ત્યાં ધીંગાણું કરતાં ઓઢો કામ આવી ગયો.]
એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાલ્યો. પોતાને રસ્તાની જાણ નથી. જંબુમોરની ગરદન થાબડીને બોલ્યો : “ હે દેવમુનિ, તારી કાનસૂરીએ ચોકડું છોડી દઉં છું. તને સૂઝે તે માર્ગે ચાલ્યો જાજે.”
જબુમોર ઘોડો પોતાના ભાઇબંધ એળચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો.
ચખાસર સરોવર :કિનારે ઝાડવાંની ઘટા ઝળૂંબી રહી છે. પંખી કિલ્લોલ કરે છે.
ચખાસરના ઝુંડમાં જઇને જંબુમોરે હાવળ દીધી. ત્યાં તો હં –હં –હં—હં ! કોઇક ઘોડાએ સામી હણેણાટી દીધી.
અવાજ ઓળખાણો.એકલમલ્લન ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાલો, ભાથો, તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં.
અહાહા ! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો. ઝબક્યો. શું જોયું ?
ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
વિછાઇ બેઠી વાર, પાણી મથ્થે પદમણી.
[પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ઉપર ચોટલો ઢંકાઇ ગયો છે.]
ચડી ચખાસર પાર, હોથલ ન્યારી હેકલી,
સીંધે ઉખલા વાર, તરે ને તડકું દિયે
[એકલી સ્ત્રી ! દેવાંગના જેવાં રૂપ !પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે.]
પદ્મિણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જલની અંદર સંતાડી લીધું. ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો :
ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ,
નહિ એકલમલ્લ ઉમરો, હોથલ મુંજો નામ.
[એ ઓઢા જામ, ઝાડની ઓથી ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ. હું તો હોથલ. હું નારી. મને મારી એબ ઢાંકવા દ્યો.]
મહાપાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઊતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળીને ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઇ ગયા છે. એની રોમરાઇ ઊભી થઇ ગઇ છે.
પદ્મિણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મૉતીનો હાર વીખરાયો હોય એવાં પાણીના ટીપાં માથાના વાળમાંથી નીતરવા મંડ્યા. થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યા. પછી બોલી :”ઓઢા રાણા, આવો.”
વાચા વિનાનો ઓઢો , હાથ ઝાલીને કોઇ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરામાં પહોંચ્યા. ભોંયરામાં દાખલ થયા. પાષાણના બાજઠ, પાષાણની રજાઇ, પાષાણનાં ઓશીકાં:એવું જાણે કોઇ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદ્મિણી ઊંડાણમાં ગઇ.
થોડીવારે પાછી આવી. કેસર-કંકુની આદ કરી. સેંથામાં હિંગળો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંધો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાને હંસલી આવી. હોથલ આવી.
એકલમલ્લની કરડાઇ ન મળે, બાણાવળીના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે. લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા !
“ઓઢા જામ ! સમસ્યા પારખીને આવ્યો ?”
“હે દેવાંગના ! હું આવ્યો તો હતો તમને ભેરુ જાણીને .મારો સંસાર સળગાવીને આવ્યો છું. મારા એકલમલ્લ બેલીને માટે ઝૂરતો આવ્યો છું.
“ઓઢા, બાપની મરણ-સજાઇ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યું વાળ્યા પહેલાં વિવા ન કરું. એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઇ-બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આખો ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર, ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના’વા પડી. તેં મને નાંતી ભાળી. બસ ,હવે હું બીજે ક્યાં જાઉં ?’
ઓઢો ધરતી સામે જોઇ રહ્યો.
“પણ ઓઢા, જોજે હો ! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મરણલોકનું માનવી નથી. તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે.હો !”
ઓઢાની ધીરજ તૂટી—
ચાવ તો માર્ય જિવાડ્ય, મરણું ચંગું માશૂક હથ,
જીવ જિવાદડણહાર, નેણાં તોજાં નિગામરી.
[હોથલ, હે નિગામરાની પુત્રી, ચાહે તો મને માર, ચાહે તો જીવાડ, તારે હાથે તો મરવું યે મીઠું]
પછી તો–
રણમેં કિયો માંડવો, વિછાઇ દાદમ ધ્રાખ,
ઓઢો હોથલ પરણીજેં, (તેંજી) સૂરજ પૂરજેં સાખ.
[વનરાવનમાં દાડમડીનાં ઝાડ ઝૂલી રહ્યાં છે. ઝાડવાંને માથે દ્રાક્ષના વેલા પથરાઇને લેલૂંબ મંડપ રચાઇ રહ્યા છે. એવા મંડપનો માંડવો કરીને ઓઢો –હોથલ આજ હથેવાળે પરણે છે. હે સૂરજદેવ, એની સાક્ષી પૂરજે.]
ચોરી આંટા ચાર,ઓઢે હોથલસેં ડિના,
નિગામરી એક નાર, બિયો કિયોરજો રાજિયો.
[તે દિવસે સાંજને ટાણે,ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો. એક નિગામરા વંશની પુત્રી, ને બીજો કિયોર કકડાણાનો રાજવી:માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરનાં ઘર કર્યા. પશુપંખીનો પરિવાર પાળ્યો.]
સજણ સંભરિયા
એવા રસભર્યા સંસારના દસ-દસ વરસ જાણે દસ દિવસ જેવડાં થઇને વીતી ગયાં છે. હોથલના ખોળામાં બે દીકરા રમે છે. કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલી હાલી છે, ઘટાટોપ ઝાડીમાં હિલોળા મચ્યા છે. એવે એક દિવસ આઘે આઘે ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીએ એકબીજાને બથ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે. એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ-ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા.
ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયાં,
હેડો રડફે મચ્છ જીં, સજણ સંભરિયાં
[ઓતરાદા આભમાં વાદળીઓની શેડ્યો ચડી, ડુંગરા ઉપર મેઘાડંબર ઘ્ઘૂંભ્યો. આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ ઓઢાણું હૈયું તરફડવા માંડ્યું. ઓહોહો ! ઓઢાને સ્વજન સાંભર્યા. પોતાની જન્મભોમ સાંભરી, બાળપણના મિત્રો સાંભર્યા. વડેરો અને નાનેરો ભાઇઅ સાંભર્યા. કિયોર કકડાણાનો પથ્થરે પથ્થર અને ઝાડવે ઝાડવું સાંભરી આવ્યાં. ઓઢો ઉદાસ થઇ ગયો. જન્મભોમની દિશામાં જોઇ રહ્યો.]
દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા. જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહિ. દોડીને દીકરાઓએ માતાને જાણ કરી : “માડી, બાપુ આજે કેમ બોલતા નથી ?”
લપાતી લપાતી હોથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી.
તોય ઓઢો બોક્યો નહિ.
”ઓઢા જામ ! શું થયું છે ? રિસાણા છો? કાંઇ અપરાધ ?”
ત્યાં તો કેહૂ….ક ! કેહૂ….ક! કેહૂ…..ક ! મોરલો ટૌક્યો.
જાણે કિયોરની ધરતીમાંથી મોરલો સંદેશા લઇને કનરે ઊતર્યો. ડળક !ડળક ! ડળક ! ઓઢાની આંખમાંથી આંસુ વહેવા મંડ્યાં.
“મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો!” કહીને હોથલે હાકલ દીધી
મત લવ્ય મત લવ્ય મોરલા, લવતો આઘો જા,
એક તો ઓઢો અણોહરો, ઉપર તોંજી ઘા.
[ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા.આજ એક તો મારો ઓઢો ઉદાસ છે, અને તેમાં પાછો તું ઘા પોકારીને એને વધુ ફસોસ કાં કરાવી રહ્યો છે ?]
અને મોરલા—
મારીશ તોંકે મોર, સિગણજાં ચડાવે કરે,
અર્યે ચિતજા ચોર, ઓઢેકે ઉદાસી કિયો.
[તું ઊડી જા, નીકર તીર ચડાવીને વીંધી નાખીશ; હે ચિતડાના ચોર, આજ તેં મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો.]
કેહૂક ! કેહૂક ! કેહૂક ! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે : હે હોથલ !–
અસીં ગિરવરજા મોરલા, કાંકર પેટભરાં,
(મારી) રત આવે ન બોલિયાં, (તો તો ) હૈડો ફાટ મરં.
[હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડાં કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે. પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ, તો તો અમારાં હૈયાં ફાટી જાય.અમારું મૉત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય ?]
એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ(ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને કેહૂક !કેહૂક ! ટૌકવા લાગ્યો.
હોથલે ખભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી. ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. “ હાં !હાં !હાં ! હોથલ !”
ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ્ય દોર,
ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર ?
[હે ઘેલી, ધનુષ્યની પણછ ન બાંધ. ગરની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ?]
કરાયલકે ન મારીએં, જેંજાં રત્તા નેણ,
તડ વીઠાં ટૌકા કરે, નીત સંભારે સે’ણ.
[અરે હોથલ, બિચારા મોરને તે મરાય ? એનાં રાતુંડાં નેત્ર જો, કેવાં પ્યારાં લાગે છે?અને એ બિચારાં પંખી તો ટૌકતાં ટૌકતાં એનાં વહાલશેરીને સંભારે છે.]
અરે હોથલ!
રેલમછેલા ડુંગરા, ચાવો લગે ચકોર,
વીસર્યા સંભારી ડીએ,સે ન મારીજે મોર.
[આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય.]
કહેતાં કહેતાં ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે.
”અરે ઓઢા જામ ! એવડું તે શું દુ:ખ પડ્યું? આજે શું સાંભર્યું છે ?”
એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી.એમ કરતાં કરતાં તો—
છીપર ભીંજાણી છકહુવો, ત્રંબક હુઇ વ્યાં નેણ,
અમથી ઉત્તમ ગારિયાં, ચડી તોજે ચિત સેણ.
[જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઇ ગઇ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઇ ગઇ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી : “ઓઢા, શું મારાથી અધિક ગુણવતી કોઇ સુંદરી તારા ચિત્તમાં ચડી ? નીકર, તું મને આજે આમ તરછોડત નહિ.”]
એટલું બોલતાં તો હોથલનું ગળું રૂંધાઇ ગયું. એની આંખો છલકાઇ ગઇ. હોથલની હડપચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું :હોથલ !—
કનડે મોતી નીપજે, ક્ચ્છમેં થિયેતા મઠ, હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ.
[હોથલ, એવા અંદેશા આણ્ય મા, ઓઢા ઉપર આવડાં બધાં આળ શોભે ? ઓ મારી હોથલ, તારા સરખાં મોતી તો કનડામાં જ નીપજે છે. કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોતલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી ભાળી.]
અને–
ખેરી બૂરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,
(પણ) હોથલ હલો કછડે, જિતીં માડુ સવાયા લખ.
[કચ્છમાં તો ખેર, બાવળ અને બોરનાં ભૂંડાં કાંટાળાં ઝાડ ઉગે છે. ત્યાં કોઇ ફૂલ-મેવાની વનસ્પતિ નથી. તોય, એ હોથલ, મને આજ મારો કચ્છ સાંભરે છે, કેમ કે, ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલો, હોથલ, એ ઉજ્જદ રણવગડા જેવી તોય મરદોની ભોમકામાં હાલો.]
મારો કચ્છ ! વાહ મારું વતન ! મને કચ્છ વિના હવે જંપ
નથી. ઓહોહોહો ! જ્યાં–
ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેસ,
રાજા જદુવંસરા, ઓ ડોલરિયો દેસ.
[એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે, તે પોતાના દેહને જરાયે ઉઘાઓ રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવવંશના ધર્મી રાજા રાજ કરે છે :એવા મારા ડોલરિયા દેશમાં –મારા કચ્છમાં –એક વાર હાલો, હોથલદે !]
અને વળી–
વંકા કુંવર, વિક્ટ ભડ, વંકા વાછડીએ વછ,
વંકા કુંવર ત થિયેં, પાણી પીએ જો કચ્છ.
[રાજાના રનબંકા કુંવરો, બંકા મરદો અને ગાયોના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગીઆવે. મારા જખરા—જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ, તો એ સાવજ સરખા બને.]
હાલો, હોથલ, હાલો કચ્છમાં; અરે દેવી !
હરણ અખાડા નહિ છડે, જનમભોમ નરાં,
હાથીકે વિંધ્યાચળાં, વીસરશે મૂવાં.
[કનડાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે ?એ તો મરીએ ત્યારે જ વીસરાય.]
હોથલ ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી.મારો સૂકો અળગતો કચ્છ સાંભર્યા કરે છે.
ગર મોરાં, વન કુંજરાં, આંબા ડાળ સૂવા,
સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.
[હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ:એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.]
જનમભોમની આટલી ઝંખના ! હોથલ સડક થઇ ગઇ. માનવીને માનવીના કરતાંય જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઇ. ઓઢાના મુખમંડળ ઉપર એને જાને કોઇ જનેતાની છાયા છવાઇ ગઇ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી
વિછોડાયેલુંબાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી :”ઓઢા રાણા ! કચ્છમાં ખુશી થી હાલો.”
જનમભોમમાં
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઇને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.
“હોઠલ ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઇને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહાહા! હોથલ, જનમભોમની માયા તો જો !”
“ઓઢા જામ !” હોથલ હસી :”હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઇને તપાસી આવો. અમે આંહીં બેઠાં છીએ.”
“કાં ?”
“ઓઢા, ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછા વળે જશું.”
અંધારે ઓઢો એકલો ચાલ્યો; શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાંનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઇ ગયાં છે. ઘ્રેઘરની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઇના મોંમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વીસરાયા છે. વાહ ! વાહ સમય ! હું થાપ ખાઇ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો:ત્યાં તો–
“બાપ ઓઢાણ્ય ! બા….પો ઓઢા….ણ્ય ! બે….ટા ઓઢાણ્ય !” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો—
“બાપ ઓઢાણ્ય ! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો, બાપ ! લે હવે તો પ્રાસવ્ય !”
ઓઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો. ઓઢાને સમજ પડી:’આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ‘ઓઢાણ્ય’ નામ પાડ્યું લાગે છે.’
ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રસવો મેલ્યો અને ચારણને સાદ કર્યો : “હાં ચારણ્ય ! તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો, ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય.”
તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા ! વાહ ઓઢા ! તારા નામને !’ એમ પોરસ દેતો ગયો.
પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુદે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.
મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,
જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર.
[મિત્ર કરીએ તોચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે !]
પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઇને દોડ્યો.”ઓઢા ! બાપ ઓઢા ! ઓઢા, જીવતો છો ?”
“સાહેબધણીની દયાથી !”
બેય જન બથ લઇને ભેટ્યા. ઓધે સમાચાર પૂછ્યા:” ગઢવી, ભાઇ—ભાભી સહુ ખુશીમાં ?”
“મારા બાપ ! ભૈનું મોટું ગામતરું થયું. ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઇ બુઢ્ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મૉત મારશે. ભાઇ, વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધરતીમાંથી ઇશ્વર ઊઠી ગયો છે.”
“બસ, ગઢવા ?”
”બસ !”
ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો.
“ હોથલ !હાલો, જનમભોમ જાકારો દે છે.”
“કાં ?”
“કાં શું ? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા દેખાડી.”
“જનમભોમની વહાલપ જાણી લીધી.”
“જાણી લીધી—પેટ ભરીને માણી લીધી.”
“હવે ઓરતો નહિ રહી જાય ને ?”
“સાત અવતાર સુધી નહિ.”
“હાલો ત્યારે, ક્યાં જાશું?”
“પીરણેપાટણ, મશિયાઇને આંગણે.”
”જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.”
છતી કરી
પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રેજાઓને સાવધ કર્યા:” ભાઇ જેસળ, ભાઇ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો ! કાળઝાળ સાવજ રહે છે.”
પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ઘા ખાઇ ગયા. પદમણીના પુત્રો તે ટાણે કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઇ ને પમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઇ છે કે ‘ક્યારે સાવજ મારીએ !”
સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઇ ભેંકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો, ડાલામથ્થો, છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઇને બેઠો છે.
“ઊઠ, ઊઠ, એય કૂતરા !” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો.
વનરાજ આળસ મરડીને ઊઠયો. કેશવાળી ખંખેરીને ઊઠ્યો, મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊઠ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી. પૂંછડાનો ઝુંડો ઊંચે ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી.
પણ આભની વીજળી જેમ પ્રચંડા જલધરને વીંધી લે, એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અદ્ધર ને અદ્ધર પરોવી લીધો. એના મરનની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાને ચીરી નાખ્યું. પછડાટી ખાઇને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા.
પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘શાબાશ ! શાબાશ !’ ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતા શૂરવીરોજાને ધરાતા નથી.
“ ઓઢા જામ ! આવા મહાવીરો જેના થાન ધવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો !જેસળ-જખરાનું મોસાળ કોણ?”
ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાંતિ પલક વારમાં શોષાઇ ગઇ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ બોલે ?
અમુક વાઘેલાના ભાણેજ, ફલાણા ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ—એમ કંઇ કંઇ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પન દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્ય કે ‘જૂઠી વાત ! એવું કોઇ કુળ નથી. એને કોઇ દીકરી નથી.સાચું કહો, ઓઢા જામ !”
ઓઢાની જીભ ખિલાઇ ગઇ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ-જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તરવારો તાણીને બેય ભાઇઓએ બાપના મસ્તક ઉપર તોળી.
“બાપુ, કેમ ગોટા વાળી રહ્યા છો ? અમારી જનેતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભરદાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો ?બોલો, નીકર ત્રણેયનું લોહી અહીં છંટાશે.”
“ બેટા, રે’વા દિયો, પસ્તાશો.”
“ ભલે બ્રહ્માંડ તૂટે. બોલો.”
ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઇ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઇ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું:
“ દાયરાના ઠાકોરો ! દીકરાને માથે તો છે ઇંદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નહી. પદમણી છે.”
“ પદમણી કોણ?”
“ હોથલ !”
“વાહવા ! વાહવા ! વાહવા ! હોથલના પેટમાં પાકેલા પુત્રો ! હવે શી તાજુબી ! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર ! પદમણીનો કંથ ઓઢો !”
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે?વાયરા વાત લઇ ગયા. હોથલ છતી થઇ. અરેરે ! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઇ ગયા.
ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,
ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.
[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં:ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટ
લેથી જ અંત આવ્યો.]
આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,
હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જ્વાર.
ચિઠ્ઠીલખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઇ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે ?
ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,
ઓઢાં વણનાં એકલાં , કનડે કેમ રેવાય ?
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.]
સાયર લેર્યું ને પણંગ ઘર, થળ વેળુ ને સર વાળ,
દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.
[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.]
દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,
ઝાડવે ઝાડવે જીંગરતા, (હું) કેતાક ઉડાડું મોર ?
[ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે દુંગરે ચડું છું પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે
છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?]
બીજી બાજુ–
સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,
ઓઢો આજ અણહોરો, હોથલ નૈ ઘરાં.
[સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમકે હોથલ ઘેર નથી.]
ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં.
માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.
વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઇ:પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવે અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે.
‘કનડો ડુંગર’ કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવીયે લોકોક્તિ છે. ગીરના ડુંગરમાં એનાં ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઇ કહે છે કે પાંચાળમાં હોથલિયો ડુંગર અને રંગતળાવડી છે તે જ હોથલ્નું રહેઠાણ; કોઇ મેંદરડા પાસેનો કનડો ડુંગર બતાવે છે.જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે.
આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે. પન અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઇ ગૈ છે.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર
– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર
– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર
– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર
– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર
– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર
– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો