લોકવાણીમાં હોકાની રસપ્રદ વાતો

જૂના જમાનામાં અમારા ગામડા ગામમાં ચૉરાની રાંગમાં રામલીલા અને ભવાઈ ભજવાતી એમાં આપજોડિયા પાંચકડાં રજૂ થતાં. નજરે નિહાળેલી ઘટનાના જોડકણાં ને દૂહાય રમતા મૂકાતા. ઇ ટાણે બાઘુભા બાપુ ચૉરા માથે ખાટલો નાખીને બેઠાબેઠા હોકો ગગડાવે. ભવાઈ વેશમાં ખેળો (સ્ત્રીપાત્ર કરનાર યુવાન પુરુષ) પટમાં આવ્યો. બાપુના હાથમાં હોકો જોઈને એને મૉજ આવી. એણે હોકાને બરાબર લડાવ્યો ઃ

જંગબારની કાટલી હોય, વિકલાની નૅ હોય છત્રાળા (ગામ)ની સલમ હોય, ઉપરકોટના ઝાંઝમેરની તમાકુ, ઊંડ (ગામ)ની નદીનું પાણી અને ગોરડનો દેવતા હોય આટલા વાના ભેગા કરી હોકાને તાલેભાલે કર્યો હોય ને અહાડ મઈનાના દેડકા આંટિયું ખાતા હોય એમ દરડ દરડ દરડ હોકો બોલવા માંડે હો ભાઈ….

હોકાને આઠેક હાથ છેટો મૂકીને રબરની નેથી બેઠા બેઠા બાપુ હોકો ગગડાવે. ભવાયાએ પૂછ્‌યું ઃ ‘બાપુ, લાડકા હોકાને આજ આઘો કાં હડસેલ્યો ?’

બાપુએ મરક મરક હસતાં મહર કર્યો ઃ ‘મોરારિબાપુએ કીધું છે કે વ્યસનથી છેટા સારા !’

લોકવાણીમાં કહેવાય છે કે બાવાથી મઢી શોભે, હળદરથી કઢી શોભે (મીઠી લાગે) એમ ડુઘા અર્થાત્‌ હોકાથી ડાયરો શોભતો. અફીણ અને હોકા વગરના ડાયરાની કલ્પના જ ન કરી શકાય. આમ ડાયરાનું આગવું ઉપસ્કરણ બની રહેલ હોકો મૂળ ભારતીય નથી પણ અરબસ્તાનથી આયાત થયો છે. આ હોકાના પણ કેટકેટલા પ્રકાર કાઠી સંસ્કૃતિમાં શ્રી જીલુભાઈ ખાચર નોંધે છે કે હોકાના અનેક પ્રકાર છે. નાળિયેરની કાછલીનો હોકો, ઊંટના ચામડાનો ચમડપોશ હોકો. જંજરી, દડલી, કેરીધાર અને ઠીંકરા (માટી)નો હોકો. બિલોરી કાચના હોકા છેક વિલાયતથી આવતા. ભાવનગરના સ્વ. શ્રી મોટાભાઈ વૈધ પાસે ભાવનગરના મહારાજાનો હોકો મેં જોયેલો. હોકો કાટિયાવરણમાં ખૂબ માનીતો બનેલો. કાઠી દરબારો, ગિરાસદારો, રાજપૂતો, આહિરો, ચારણો, મેર, મૈયા, વાઘેરો, સોની, રબારી, ભરવાડ, હરિજન, વણકર, વાળંદ અને મેમણોમાં હોકો જોવા મળે છે. એના માટે એક દુહો લોકજીભે રમતો સાંભળ્યો છે.

‘હોકાએ હેરાન કર્યા, વાના જો ઈએ વીહ,’
તતડાવીને તાજો કર્યો, તાકી રહ્યા ત્રીહ.

હોકાને તાલેભાલે કરીને તૈયાર કરો એટલે ડાયરામાં બેઠેલા ત્રીસેક જણા પીવા માટે તાકી રહે. હોકો ભરવાનું કામ હેરાનગતિવાળું છે. એને તૈયાર કરવામાં વીસ નહીં પણ બાવીસ ચીજોની જરૂર પડે. શ્રી જીલુભાઈ ખાચર એ ચીજોની માહિતી આમ આપે છે.

(૧) ચરપો – લુહાર કે ગાડલિયા જસતના પતરામાંથી હોકાની ચલમ પર ઢાંકવા ચરપો બનાવી આપતા. એને ચલમ ઉપર ઢાંકી દેવાથી કોલસાનો દેવતા ઉડતો નહીં. ઘોડેસ્વારીમાં એનો વિશેષ ઉપયોગ થતો.

(૨) ચલમ ઃ છત્રાણા ગામના વાલા કુંભારની ચલમ ખૂબ વખણાતી. કુંભાર ઘરમાંથી બજાર માથે ઘા કરે તો ઠણણણ કરતી જાય પણ તૂટે નહીં. વાલિયાની ચલમ વિલાયત સુધી જાતી ઃ

કોઈ બનાવે કલમા, કોઈ બનાવે કલમ,
પણ છત્રાણની ચલમ, વિલાયત લગી વાલિયા

(૩) મેર – સુથાર પાકા સીસમનું લાકડું સંઘેડા માથે ચડાવી એકાદ ફૂટ લંબાઈનો હોકાનો મેર બનાવી આપતા. આ ઘાટિલા મેરનો ઉપરનો છેડો ચલમમાં ને નીચેનો છેડો કાછલીમાં રહે છે.

(૪) કાછલી – જૂના કાળે આપણે ત્યાં જંગબારથી નાળિયેર આવતા. આ જમૈયા જેવા આકારના નાળિયેરની કાછલીને ખરાદી સુથાર સંઘેડે ચડાવી મોઢું દેખાય એવી પૉલિશ કરતા. એનાથી કાળો રંગ ઉભરી આવતો.

(૫) ફૂલ ઃ વર્ષો પૂર્વે ખસ (તા. ધંધુકા) ગામના સોનીનું ચાંદીકામ ખૂબ જ વખણાતું. તેઓ હોકા માટે ધતુરાના ફૂલ જેવું મોઢેથી પખતું અને નીચે અણીવાળું ફૂલ તૈયાર કરી આપતા. આ ફૂલમાં કાછલી ફીટ કરવામાં આવતી.

(૬) હડિયો – હોકા માટે ચાંદીનો હડિયો તૈયાર કરાતો. એનો ઘાટ મોરની ડોક જેવો રહેતો. મેર અને કાછલીના નીચલા છેડે રહે એ રીતે ગોળ રીંગમાં ઘાટ આપેલો હોય છે.

(૭) ડામણી – રૂપાની ત્રણ સેરમાં ગુંથેલી ડામણી ઉપર બદામ છાપ કટકી રેવેલી હોય છે. તેની લંબાઈ દોઢેક ફૂટની હોય છે. એનો એક છેડો હડિયામાં મોરની ડોકમાં હોય છે ને બીજો છેડો ઉપર ચડાવેલી ચુંગીમાં હોય છે.

(૮) પાન – હોકા માટે ચાંદીના જાડા પતરામાંથી કાપી કોરીને પીપળાના પાન જેવા આકારનું પાન સોની બનાવી આપે છે. જેને વચ્ચે ફીટ કરવા માટે ભૂંગળી રેવેલી હોય છે. હોકાની કાછલીમાં કાણું પાડી લાખ વડે પાનને ચોંટાડવામાં આવે છે.

(૯) ઠીંકરી – હોકા માટે જોઈતી ચીજોમાં એક ઠીંકરી પણ હોય છે. નળિયાને ઘસીને જૂના રાણી છાપના સિક્કા જેવડી ઠીંકરી બનાવવામાં આવે છે. ચલમની અંદર ખજીનામાં તે મૂકાય છે. તેના ઉપર ચલમમાં બજર (તમાકુ) કેળવેલી ભરવામાં આવે છે.

(૧૦) પોથણ – હોકાની હારોહાર કેટકેટલા તળપદા શબ્દો મળે છે ? પોથણની ખબર હોકાના બંધાણી સિવાય ભાગ્યે જ બીજા કોઈને હોય છે. પોથણ એટલે રાતા મદ્રસિયાના કાપડનો ચાર ઇંચ પહોળો અને ત્રણેક ફૂટ લાંબો પટ્ટો. હોકાને પીવા માટે અરણીના લાકડાની નૅ (નળી) હોય છે. તેમાંથી આવતો બજરનો ધુમાડો ગરમ ન લાગે તે માટે ચરણીની પાઈપ ઉપર કપડાનો આ પટ્ટો વીંટવામાં આવે છે, જેથી ધુમાડો ઠંડો થઈને આવે.

(૧૧) ચુંગી – સોની ચાંદીમાંથી પાંચેક ઇંચ જેટલી લાંબી ભૂંગળી બનાવી આપે છે, જેને નૅના છેડા પર બેસાડેલી હોય છે. નીચે ડામણીનું નાકુ રેવેલું હોય. ચુંગીની ડિઝાઈન પણ અત્યંત કલાપૂર્ણ હોય છે, જેને મોંમાં રાખીને હોકો પીવામાં આવે છે.

(૧૨) ચિપિયો ઃ એક હોકો તૈયાર કરવામાં કેટલા કારીગરોનો ઉપયોગ થાય છે ! હોકા માટે લુહાર ત્રાંબાનો નાનો ચિપિયો ઘડી આપે છે. નાજુકડા ચિપિયાના છેડે કડી હોય છે. એનો ઉપયોગ ગોરડના લાકડાના દેવતાના ખોટાવરાં (ટાંડા) ઉપાડીને હોકામાં મૂકવા માટે કરાય છે. આ ચિપિયાની મજા એ છે કે એનાથી અડદના દાણા જેવડો દેવતા હોય તો પણ ઉપાડી લઈ શકાય છે.

(૧૩) પદડિયો ઃ ગામડાગામમાં મહેતર કારીગરો જેઓ બુટ ચંપલ બનાવતા તેઓ હોકા માટેના પદડિયા પણ બનાવી આપતા. બેએક ફૂટ પહોળા અને ત્રણેક ફૂટ લાંબા પદડિયા પર પિત્તળનાં ફૂદડાં જડીને એને ભારે નકશીદાર બનાવાતા, જેમાં કેળવેલી તમાકુના લાડવા વાળીને ભરવામાં આવતા. પદડિયાના છેડે ત્રણેક ફૂટની વાધરી રહેતી. પદડિયાને વાળીને આ વાધરી વીંટી દેવામાં આવતી.

(૧૪) ખાંડણી – પીપરના લાકડામાંથી બનાવાતી. એનો ઉપયોગ તમાકુ ખાંડવાના કામમાં થતો. વચમાં ત્રોડાનો ઘાટ આપી સુથાર પોતાની કળાકારીગરી નાનકડી ખાંડણી માથે ઠલવતા. ખાંડણીના છેડે લોખંડની કુંડલી જડવામાં આવતી. એમ કહેવાય છે કે અન્ય લાકડાની જેમ પીપરના લાકડાની સુગંધ તમાકુમાં બેસતી નથી.

(૧૫) બોદાલાકડી ઃ સાગ કે સીસમના લાકડામાંથી અઢીથી ત્રણ ફૂટ લાંબી. બે ઇંચ પહોળી અને અંગ્રેજી વી આકારની હોય છે, જેમાં હોકો ભરાવાય છે. જેથી બંધાણી સૂતા સૂતા આરામથી હોકાનો ટૅસડો કરી શકે.

(૧૬) ઘોડી – હોકા માટે વાળાને ગુંથીને ચાર પાયાવાળું સ્ટેન્ડ બનાવવામાં આવતું. તેના પર હોકો મૂકાતો ને એ હોકો ડાયરામાં લાડકો દીકરો એક હાથમાંથી બીજા હાથમાં ફરે એમ ફરતો.

(૧૭) રૉયડો – અર્થાત્‌ પથ્થરનો મેલ. સાસણ ગીરમાં ખૂબ જ વરસાદ પડે ત્યારે પથરાળ જમીનના ખાડાઓમાં પાણી સુકાઈ જાય પછી એની ખોપટી પડે. ભરવાડ-માલધારીઓ એને ઝટ ઓળખી કાઢે છે, ઉખાડીને લઈ આવે છે ને તમાકુમાં ભેળવીને પીવે છે. બંધાણીઓ કહે છે કે તમાકુમાં રૉયડો ભેળવીને પીવાથી ભારે સુગંધ આવે છે. ફટક લાગી જાય.

(૧૮) તમાકુ – ગુજરાતમાં હોકા માટે સાણંદની તમાકુ ખૂબ જ વખણાય છે. એમાંયે જાંબુડિયું ખાલુ અને નાયકુ ખાલુ તમાકુ હોકા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાણંદમાં કેટલાક ખેતર એવાં છે કે જેમાં ૧૦૦ વર્ષથી માત્ર તમાકુ જ વવાય છે. તમાકુના પાદડાંના પડા કરી જમીનમાં દાટે, ઓરમાં રાખે ને પછી પડા વેચવા કાઢે. એમાં ગોળની રસી ભેળવી તમાકુને કમાવીને તૈયાર કરવામાં આવે. એ તમાકુ હોકામાં પીવાતી હોય ત્યારે ચોતરફ હવામાં એની મીઠી-માદક સુગંધ પ્રસરે છે.

(૧૯) ગોળ – ખેતરમાંથી શેરડીને વાઢી લીધા પછી જે શેરડી ફૂટે એને અરોડા કહેવાય. એનો ગોળ એક શેર તમાકુમાં એક શેર ભેળવીને કમાવીને લાડવા વાળી પદડિયામાં રાખવામાં આવે છે.

(૨૦) દેવતા – હોકા માટે ગોરડના લાકડા સળગાવી એનો દેવતા-કોલસા પાડી હોકામાં ભરવામાં આવે છે. બંધાણીઓ એકાદ ગાડી લાકડા કપાવીને સૂકવી રાખે. એ સડવા માંડે એટલે એને ઉપયોગમાં લેવાય.

(૨૧) પાણી – હોકામાં ભરવામાં આવતા પાણીની પણ ખાસ પસંદગી બંધાણીઓ કરતા. ખાસ કરીને નદી કે વીરડાનું કડક પાણી વાપરતા. ઘણીવાર શોખીન બંધાણીઓ હોકામાં નાળિયેરનું પાણી નાખતા. એ હોકાની મીઠાશ કોઈ અનેરા પ્રકારની રહેતી.

(૨૨) ખમીદો – અર્થાત્‌ અત્તરનો કચરો કનોજ અત્તરની રાજધાની ગણાય છે. ત્યાંથી ખસ, ગુલાબ, હીનો, બકુલ, મોગરો, રાતરાણી અત્તરનો ખમીદો આવતો. હોકાના પાણીમાં નાખવાથી ખૂબ સરસ સુવાસ આવતી. વર્ષો પૂર્વે અત્તરિયાઓ ખમીદો વેચવા કાઠિયાવાડમાં આવતા. આવા સુગંધી હોકા માટે બંધાણી ચારણ કવિએ દૂહો કહ્યો છે ઃ

‘ચલમ રાધા સુંદરી, હોકો હરિની કાયા,
ફુલઝરિયાની ફુંકું લ્યો, તો ગંગાજીમાં ન્હાયા.’

કહેવાય છે કે આયુર્વેદની દ્રષ્ટિએ હોકો પીવામાં નરવો છે. બીડી કે સીગરેટ જેટલું નુકશાન કરતો નથી. ખોરાકનું પાચન કરે છે. ગેસ થતો નથી. તમાકુનો ધુમાડો હોકાના પાણીમાં ગળાઈને આવે એટલે નિકોટીન નામનું તત્તવ પાણીમાં જ રહે છે. એટલે આરોગ્યને નુકશાન થતું નથી. હોકાનું પાણી ખૂબ ઝેરી હોય છે. ભેંસોને ટોલા પડે ત્યારે હોકાનું પાણી છાંટવાથી મરી જાય છે. હોકાની કાછલીમાં કાયમ પાણી ભરી રાખવું પડે છે. જો ખાલી રાખો તો તે તૂટી જાય છે.

જૂના કાળે હોકો લોકજીવનમાં અને રાજરજવાડાઓમાં ભારે જાહોજલાલી ભોગવતો હતો. ડાયરામાં બેસનારા ચારણ કવિઓએ અસંખ્ય દુહાઓ રચીને હોકાને ખૂબ જ લાડ લડાવ્યા છે. યુગ પરિવર્તનશીલ છે. જૂનું જાય છે ને નવું આવે છે. બીડીઓ આવી ને હોકા ગયા. એની હાર્યે બંધાણીઓ ય ગયા. આ રમૂજી દૂહો એ જ વાત આપણને કહી જાય છે ઃ

જે જે એ ટાળ્યા રામ રામ, છાંટે રાખ્યો ચૉકો.
ચા એ ટાળ્યું શિરામણ, ને બીડીએ ટાળ્યો હોકો.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!