વડનગર – હરપ્પાથી આજ સુધી સતત જીવંત નગર  

ગુજરાતનું એક નગર એવું છે જે છેક હરપ્પા સંસ્કૃતિથી આજદિન પર્યંત ઘણી બધી સંસ્કૃતિઓને પચાવીને અડીખમ ઉભું છે અને સતત વિકાસ સાધતું નગર છે. નામ છે એનું ———- વડનગર !!! આ નગરનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે. આ નગરે ઘણાં ઉતર ચઢાવ જોયા છે. ધણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. અને સ્મારકો કેટલાંક અડીખમ તો કેટલાંક ખંડેર હાલતમાં આજેય સચવાયેલા છે. દરવાજો પણ છે અને વાવ પણ છે. જુના લાકડાના મકાનો, અદ્ભુત પોળો, મસ્ત નાના રસ્તાઓ માણવાએ એક અદ્ભુત લ્હાવો છે. તળાવો પણ છે અને મંદિરો પણ છે. એમાં ઘણા મંદિરો અને શિલ્પ સ્થાપત્યો તો આજે જગ વિખ્યાત છે, જેમકે હાટકેશ્વર મંદિર અને કીર્તિ તોરણ !!!!

આ નગરનો ઈતિહાસ જાણવા જેવો જેવો છે હોં !!!!

વડનગરનો ઈતિહાસ  ——–

મહાભારતના યુદ્ધમાં આનર્ત યોદ્ધાઓ ———

મહાકાવ્ય ‘મહાભારત’માં આનર્તનો સંદર્ભ અનેક જગ્યાએ જોવા મળે છે.. તે મહા-યુદ્ધમાં ઘણા આનર્ત યોદ્ધાઓ પાંડવો અને ઘણા કૌરવોના પક્ષે રહીને લડ્યા હતા. આનર્તોનો સરદાર સત્યકી, કે જે એક મહાન યોદ્ધો હતો તે, પાંડવોના સૈન્યમાં એક સેનાપતિ હતો. બીજી તરફ, કૃતવર્મા નામનો મહાન આનર્ત યોદ્ધા કૌરવોના સૈન્યમાં એક સેનાપતિ હતો. આ મહાસંગ્રામમાં એટલા બધા આનર્ત યોદ્ધાઓ હણાઇ ગયા કે ત્યારબાદ આનર્તોનું સૈન્ય બહુ નિર્બળ થઇ ગયું. ધીમે ધીમે તેનો આ પ્રદેશ પરનો પ્રભાવ ઓછો થતો ચાલ્યો અને આનર્તપુરનું રાજકીય આધિપત્ય ઘટવા માંડ્યું. આ આનર્તપુર એટલે વડનગર જ !!!

મહાન સાંસ્કૃતિક કેન્દ્ર ——-

મહાભારતના સમય પછી આનર્તપુરનું રાજકીય મહત્વ ભલે ઘટતું ગયું, પરંતુ તેનું સાંસ્કૃતિક સ્થાન તો ઘણું મજબૂત જ રહ્યું. ઇસવીસનની પહેલી સદીમાં આ નગર ઉદ્યોગ અને વેપારનું મહત્વપૂર્ણ સ્થળ હતું. આને લીધે તેની આર્થિક સમૃદ્ધિ એટલી બધી હતી કે નગરના લોકો ખૂબ આનંદિત રહેતા હતા. અહીં હંમેશાં ભરપૂરપણે તહેવારો અને ઉત્સવો ઉજવાતા રહેતા. અહીં સંગીતકારો, નૃત્યકારો, અને અન્ય કલાકારોને ખૂબ સન્માન અને ધન મળતું હતું. સમગ્ર પ્રદેશમાં આ નગર ઉત્સવો અને આનંદના નગર તરીકે ઓળખાવા લાગ્યું. અને ધીમે ધીમે તેનું નામ જ બદલાઇને ‘આનંદપુર’ થઇ ગયું.

વડનગર ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત એક પ્રાચીન નગર છે. તેનો જ્ઞાત ઇતિહાસ ઇ.સ. પૂર્વે ૨,૫૦૦ વર્ષ પુરાણો છે. પુરાતત્ત્વીય સંશોધનોએ પ્રસ્થાપિત કર્યું છે કે આ સ્થળે આજથી સાડા-ચાર હજાર વર્ષ પૂર્વે મુખ્યત્વે ખેતી કરતો માનવ સમાજ વસતો હતો. અત્યારના શર્મિષ્ઠા સરોવરની ફરતે વિભિન્ન સ્થળે થયેલા ખોદકામમાંથી માટીનાં વાસણો, કાપડના અવશેષો, ઘરેણાં, હથિયારો, વગેરે મળી આવ્યાં છે. કેટલાક પુરાતત્ત્વવિદો સૂચવે છે કે આ પણ એક હરપ્પન વસાહત હતી.

શરુઆતમાં તો અરવલ્લીની પર્વત્માળાઓમાંથી નીક્ળતી કપિલા નદીને તીરે માનવ વસવાટ થયો હશે. કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા સરોવર ભરાતું હતું. ધીમે ધીમે માનવ વસવાટ સરોવરની ફરતે ફેલાયો. કાળક્રમે આ માનવ વસવાટમાંથી એક ખાસ્સું મોટું નગર ઊભું થઇ ગયું.

વર્તમાન શહેર એક ઊંચા ટેકરા પર ———–

વર્તમાન શહેર જાણે કે એક ઊંચી ટેકરી પર વસેલું હોય તેમ લાગે છે. લગભગ સાતથી ત્રીસ મીટરની ઊંચાઇની દેખાતી એવી આ ટેકરી કોઇ કુદરતી ટેકરી નથી, પરંતુ એક માનવસર્જીત ટેકરો છે. અગાઉનાં વર્ષોમાં અહીં બંધાયેલાં અને વિનાશ પામેલાં મકાનોના અવશેષોના એક પછી એક એમ કેટલાયે થરો વડે આ ટેકરો રચાયો છે. વર્તમાન સમયમાં થયેલા પુરાતત્વીય ખોદકામમાંથી તેમજ કોઇ નવા મકાનના પાયા ખોદતાં જાણવા મળ્યું છે કે, આવા થરો છેક નીચે નગરની આસપાસની ખેતીની જમીનની સપાટી જેટલે સુધી જાય છે. પુરાણા બાંધકામના અવશેષોના બનેલા આ થર નગરના હજારો વર્ષના ખૂબ જ રસપ્રદ ઇતિહાસની વાતો કહે છે.

ચમત્કારપુર – એક જાદુઇ સ્થળ——–

આજથી ચાર હજાર વર્ષ કરતાં પણ પહેલાં, આ સ્થળનું નામ ચમત્કારપુર હતું. આ નામ કોઢના રોગથી પિડાતા એક રાજાએ પાડ્યું હતું. આ સ્થળે આવેલા શક્તિતીર્થના પાણીમાં સ્નાન કરવાથી તેનો કોઢ મટી ગયો હતો. પોતાનો રોગ મટી જવાને કારણે ઉપકારવશ રાજાએ આ નગરની પુનઃરચના કરાવી. તેણે નગરમાં સુંદર મંદિરો અને ભવ્ય મહેલો બંધાવ્યા. ચમત્કારપુર “વેદોના જ્ઞાતા” ગણાતા એવા યાજ્ઞવલ્ક્ય ઋષીનું જન્મસ્થળ હતું. તેમના ઉપરાંત, અન્ય ઘણા વિદ્વાનો અહીં વસતા હતા. આ નગર વિદ્યાના ધામ તરીકેની ખ્યાતિ પામ્યું હતું.

સપ્તર્ષિ  ———

સપ્તર્ષિ એ શર્મિષ્ઠા સરોવરની પૂર્વે આવેલા એક તળાવના ઓવારાનું નામ છે. તેને લોકો “સપ્તર્ષિના આરા” તરીકે પણ ઓળખે છે. જે કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા ભરાય છે, તે જ કપિલા આ તળાવમાં પણ પાણી ઠાલવે છે. તળાવ “વિશ્વામિત્રી”ના નામે જાણીતું છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો હતાં. તળાવ ચોમેર સુંદર કોતરણીવાળા પત્થરોના ઓવારાથી શોભાયમાન હતું. આજે તો આ બધાના થોડાક જ અવશેષો બચ્યા છે, પરંતુ તે ઉચ્ચ કક્ષાનાં પુરાણાં શિલ્પોની સાક્ષી પૂરે છે. વડનગરમાં અત્યારે જોવા મળતા પ્રાચીન અવશેષોમાં, નિઃશંકપણે આ પ્રાચિનતમ છે. એમ માનવામાં આવે છે કે, આ જગ્યાએ પુરાણ-પ્રસિધ્ધ યાજ્ઞવલ્ક્ય ઋષિનો આશ્રમ આવેલો હતો. તેમના પુત્ર કાત્યાયન પણ મોટા ઋષિ તરીકે પ્રખ્યાતી પામ્યા હતા અને તેમણે અહીં “વાસ્તુપદ” અને “મહાગણપતી” નામનાં બે ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં.

આનર્ત પ્રદેશની રાજધાની ———-

મહાભારત કાળ પૂર્વેના સમયમાં આજનો ગુજરાત પ્રદેશ ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખાતો હતો; અને આજનું વડનગર હતું તેની રાજધાની ‘આનર્તપુર’. આનર્તપુરની ખ્યાતિ ચારે તરફ ફેલાયેલી હતી. તે વ્યાપાર અને ઉદ્યોગનું મોટું કેન્દ્ર હતું. અહીં કલા, સંગીત, નૃત્ય, અને વાસ્તુકલાનો ખૂબ વિકાસ થયો હતો. હરેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું અહીં પાલન-પોષણ થતું હતું. આ નગર એક મોટા વિદ્યાધામ તરીકે વિખ્યાત બન્યું હતું. મહાભારતના યુદ્ધની તરત જ પહેલાંના સમયમાં તો આ નગર તેની ભવ્યતાની ચરમ સીમાએ પહોંચ્યું હતું.

યુનાની (Greek) અનુસંધાન ———–

ઇસવીસન પૂર્વે ૩૨૫ માં મેસિડોનિયાનો સિકંદર, કે જે ‘મહાન સિકંદર’ના નામથી જાણીતો છે તે, પોતાની સેના લઇને ભારત તરફ આગળ વધ્યો. તેણે ભારત પર હુમલો કરીને આખું પશ્ચિમ ભારત જીતી લીધું. પરંતુ ત્યાર પછી તે આગળ વધી શક્યો નહીં. ભારતથી પોતાના વતન યુનાન (Greece) પાછા વળતાં તે ભારતમાં પોતાના પ્રતિનિધિ મૂકતો ગયો.
તેની સેનાના કેટલાયે સૈનિકો, નાચગાન કરવાવાળા, કારીગરો, વગેરે લોકો યૂનાન પાછા જતાં પડનારી મુશ્કેલીઓ સહન કરવા તૈયાર નહોતા.

આ બધા લોકોને ભારતમાં જ રહી પડવાનું યોગ્ય લાગ્યું. આવા ઘણા બધા યૂનાનીઓ કચ્છના રસ્તે થઇ આનર્તપુર આવ્યા, કેમકે આ નગર જ સમગ્ર પ્રદેશમાં સૌથી વધારે સમૃધ્ધ ગણાતું હતું અને તેમને આકર્ષી શકે તેવું હતું.
યુનાનીઓ ગૌરવર્ણા હતા, તેઓ પોતાના દેશમાં નગરવાસી હતા, અને અનેક દેવ-દેવીઓના પૂજક હતા તેમનો આનર્તપુરના નગરજનોએ સહેલાઇથી સ્વીકાર કરી લીધો. આ યૂનાનીઓમાં પુરુષો વધારે અને સ્ત્રીઓ ઓછી સંખ્યામાં હતી, એટલે કેટલાયે યુનાની પુરુષો આ નગરની સ્ત્રીઓને પરણ્યા અને ઘણી યુનાની કુંવારી સ્ત્રીઓ નગરના સમૃધ્ધ પુરુષોને પરણી. એક એવી માન્યતા છે કે આમાંથી જ ‘નાગર’ જ્ઞાતિ ઉત્પન્ન થઇ. વર્તમાન સમયમાં થયેલા પુરાતત્વીય ખોદકામમાંથી યુનાનમાં બનેલી કેટલીક વસ્તુઓના અવશેષો મળી આવ્યા છે. હવે તો આ નગરનું યુનાની અનુસંધાન હતું તેવી માન્યતા વધારે દ્રઢ બની છે.

સન ૬૩૨ માં આ નગર ———

સાતમી સદીમાં મહાન ચીની મુસાફર હ્યુએન-સંગ તેની ભારત-યાત્રા દરમિયાન બે વાર વડનગર આવ્યો. તે વખતે આ નગર આનંદપુર તરીકે ઓળખાતું હતું. સન ૬૨૭ માં હ્યુએન-સંગ ચીનના ઉત્તર-પૂર્વ છેડેથી નિકળીને દૂર-સુદૂર આવેલા ભારત જવા માટે રવાના થયો અને ભારતમાં સોળ વર્ષ ગાળીને સન ૬૪૩ માં સ્વદેશ પાછો ફર્યો. સમય અને અંતરની દૃષ્ટિએ તે એક ખૂબ જ લાંબી અને કઠણ યાત્રા હતી. હ્યુએન-સંગ પોતાની યાત્રાનું સવિસ્તર વૃત્તાંત લખી રાખતો હતો અને ભારતમાંથી તેણે પુસ્તકોનો મોટો સંગ્રહ કર્યો હતો. અત્યારના પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા સમગ્ર પ્રદેશની તેણે વિસ્તૃત યાત્રા કરી હતી. તેણે જે નગરોની મુલાકાત લીધી હતી તેમાં આનંદપુર, વલ્લભી, ઉજ્જૈન, અને ભરુચનો પણ સમાવેશ થતો હતો.

હ્યુએન-સંગે આનંદપુર પર એક અલગ પ્રકરણ લખ્યું છે. આનંદપુર વિષે તે લખે છેઃ “આ દેશનો પરિઘ લગભગ ૨૦૦૦ લિ. અને રાજધાની ૨૦ લિ. છે. વસતિ ઘણી છે; આવાસો ધનાઢ્ય છે. અહીં કોઇ મુખ્ય નરેશ નથી, પરંતુ આ માળવાના અધિકાર નીચે છે. તેની ઉપજ, જળવાયુ, સાહિત્ય, અને કાયદા માળવા જેવા જ છે. અહીં લગભગ દસ સંઘારામ છે અને તેમાં લગભગ ૧૦૦૦ હજાર ભિખ્ખુઓ રહે છે;

જૈન ધર્મ પ્રચલિત બન્યો ————

બૌદ્ધ અને જૈન ધર્મ લગભગ એકસાથે વડનગરમાં આવ્યા હતા. પરંતુ, જેમ ભારતના અન્ય પ્રદેશોમાં થયું તેમ, આઠમી સદી પછી અહીંથી પણ બૌદ્ધ ધર્મ લુપ્ત થઈ ગયો; અને આ નગરમાં જૈન ધર્મ સમૃદ્ધ થવા માંડ્યો. આ શાંતિ અને સમૃદ્ધિનો સમય હતો. આ નગરમાં હરેક પ્રકારની ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તીઓ ધમધમતી રહીઃ કાપડનું ઉત્પાદન, કાપડ પર છાપકામ અને રંગાટીકામ, તાંબા-પીત્તળનાં વાસણો બનાવવા, ખેતીવાડીનાં ઓજારો, બળદગાડાં બનાવવા, પત્થર અને લાકડાનું શિલ્પકામ, અને અન્ય કેટલાયે ઉદ્યોગો. નગરનાં બજારો આસપાસના તેમજ દૂરના વિસ્તારોમાંથી આવતા. ખરીદદારોથી ભરેલાં રહેતાં હતાં. અહીંના વેપારીઓ શ્રીમંત અને ખુશહાલ હતા.

માળવાનું આક્રમણ —–

થોડાક જ સમયમાં આ નગરની સંપત્તિ અને સમૃદ્ધિથી માળવાના નરેશો આકર્ષાયા. તેમણે નગર ઉપર હૂમલો કર્યો અને તેના ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો. માળવાના શાષકોએ આ નગરનું ભરપૂર શોષણ કર્યું. તેના લોકોની સુખાકારી ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. માળવાના શાષકો માટે આ નગર માળવાના રાજ્ય માટે રાજસ્વ (કરવેરા) મેળવવા માટેનું એક સરહદી શહેર માત્ર બની રહ્યું.

સોલંકીઓએ કિલ્લાબંધી કરી ——–

આનર્ત રાજ્યની અવનતિ થયા પછી, પાટણ ગુજરાતની રાજધાની બન્યું. સન ૭૪૫ માં વનરાજ ચાવડાએ તેની સ્થાપના કરી. તેનો ઘણો વિકાસ થયો અને ૯૪૨ થી ૧૨૪૪ ના સમયગાળામાં સોલંકી શાસકોના સત્તાકાળમાં તે સમૃદ્ધિની ચરમસીમાએ પહોંચ્યું. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેની સંપત્તિ અને સભ્યતાની બરાબરી કરી શકે તેવું એક પણ શહેર નહોતું. સોલંકીઓએ વડનગર અને તેની આસપાસના પ્રદેશમાંથી માળવાના શાસકોને મારી હટાવ્યા. આ નગરનું મૂલ્ય સોલંકી શાસકો સમજતા હતા, અને તેથી સન ૧૧૫૨ માં કુમારપાળે શહેરની ફરતેનો કિલ્લો નવેસરથી બનાવડાવ્યો.

લગભગ તેરમી સદીના અંત સુધી સોલંકીઓના આધિપત્ય નીચે આ શહેર ઘણું સુરક્ષિત રહ્યું અને તેના વ્યાપાર-ઉદ્યોગનો વિકાસ થતો રહ્યો. લગભગ ચાર સદીઓ સુધી સોલંકી નરેશોના અધિકાર નીચે ગુજરાત એટલું તો સમૃધ્ધ થયું કે ઇતિહાસકારો તેને ગુજરાતનો “સુવર્ણ કાળ” કહે છે.આ સમય દરમિયાન ગુજરાતની સાથે સાથે વડનગરે પણ શાંતિ અને સમૃધ્ધિનો અનુભવ કર્યો. આ સમયમાં તેની ચારે તરફ ઘણાં બધાં નાનાં-મોટાં મંદિરો, ભવનો, નિવાસસ્થાનો, બજારો, અને લોકોની સુવિધાઓ માટે કૂવા, કુંડ, વાવ, તળાવ, માર્ગ અને ધર્મશાળાઓનું નિર્માણ થયું.

તોરણ અથવા વિજયસ્તંભ ———-

તોરણ અથવા વિજયસ્તંભ વડનગરનાં બે મુખ્ય ઐતિહાસિક સ્મારકો છે. લાલ પત્થર પર કલાત્મક બારીક શિલ્પકામ કરીને બનાવેલાં આ તોરણો તેર મીટર ઊંચાં છે. તેમની કમાન એક સળંગ પત્થરમાંથી ઘડી કઢાયેલી છે. તોરણોની રચના સોલંકી રાજાઓના સમયમાં દસમી શતાબ્દિમાં થઈ હોવાનું અનુમાન છે. શર્મિષ્ઠા સરોવરના પશ્ચિમ કિનારા પર ઊભેલા આ બંને વિજયસ્તંભો ઉત્તર-પૂર્વના આક્રમણખોરો પરના વિજયના પ્રતિકરુપે ઊભા કર્યા હોય તેમ માનવામાં આવે છે. પરંતુ તેમની આસપાસ બીજી ઘણી કથાઓ ગૂંથાયેલી છે.

તોરણનું રહસ્ય ———–

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, વાસ્તવમાં આ તોરણો કોઈ મોટા રાજભવન અથવા મંદિરના અવશેષો છે. તે પ્રવેશદ્વાર જેવા વધારે દેખાય છે. મોટે ભાગે એવું સંભવ છે કે આજે તેઓ જે જ્ગ્યાએ ઊભા છે તે તેમની મૂળ જગ્યા ન પણ હોય. એ વાતનું કોઇ સ્પષ્ટિકરણ નથી કે એકબીજાની તદ્દન નજીક આવી અવ્યવસ્થિત રીતે તે કેમ ઊભેલા છે. વળી, તેમની આસપાસ અન્ય કોઇ પુરાતન અવશેષો પણ નથી. કદાચિત એવું તો નથી ને કે અન્ય કોઇ સ્થળેથી ઉખાડીને તેમને અહીં ગોઠવવામાં આવ્યા છે?

જ્યાંથી શર્મિષ્ઠા સરોવરમાં પાણી ભરાય છે તે નાગધરાના કુંડ અને તોરણો વચ્ચે આવેલા સમગ્ર ભાગમાં કૃત્રિમ અનિયમિત આકારના ટેકરા આવેલા છે. થોડાંક જ વર્ષો પહેલાં આ સમગ્ર વિસ્તારમાં પત્થરનાં ઘણાં ખંડેરો આવેલાં હતાં. લગભગ સન ૧૯૬૦ સુધી અહીં નકશીદાર પત્થરોની મોટી મોટી શીલાઓ અને અનેક નાની-મોટી મૂર્તિઓ વિખરાયેલી પડેલી જોવા મળતી હતી. આજે તો એ બધું અહીંથી ગાયબ થઇ ગયું જણાય છે. પરંતુ, જો અહીં વ્યવસ્થિત રીતે ખોદકામ હાથ ધરવામાં આવે તો કદાચ આ આખો વિસ્તાર ઘણું બધું રહસ્ય ખુલ્લું કરી બતાવે

કિલ્લો અને છ દરવાજા ————-

સન ૧૧૫૩ માં સોલંકી નરેશ કુમારપાળે બંધાવેલો છ દરવાજા સાથેનો એક રક્ષણાત્મક કિલ્લો સમગ્ર પુરાણા નગરની ફરતે હતો. શર્મિષ્ઠા સરોવરના કિનારે પૂર્વ દિશા સંમુખ ઉભેલા, અર્જુનબારી દરવાજાની અંદરની દિવાલે આવેલી પત્થરમાં કોતરેલી તકતી આ વાતનું પ્રમાણ પુરુ પાડે છે. આજે તો કિલ્લાની મોટા ભાગની દિવાલ નાશ પામેલી છે,  પરંતુ છ માંથી પાંચ દરવાજા લગભગ અખંડ ઉભા છે. દરેક દરવાજો જુદી જુદી પરિક્લ્પના (ડિઝાઇન) ધરાવે છે અને એક ઉચ્ચ કોટિની કારીગરીનો નમૂનો પુરો પાડે છે. તાજેતરના પુરાતત્વીય ખોદકામમાંથી એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે આ કિલ્લાની ફરતે પાણીની ખાઇ પણ હતી. ગુજરાતના ઇતિહાસનો આ એવો સમય હતો કે જ્યારે સોલંકી યુગનો સૂર્ય મધ્યાન્હે તપતો હતો. પાટણની પ્રભુસત્તા નીચે રાજ્યની સીમાઓ ખૂબ વિસ્તરેલી હતી. માળવાના રાજકર્તાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વડનગર પુરેપુરુ સુરક્ષિત હતું અને નગરની પ્રજા સુખ-શાંતિમાં રહેતી હતી.

દરવાજાઓની દિવાલો પર ઠેર ઠેર વેરાયેલાં કેટલાંયે સુંદર શિલ્પો છે. જેમ ખાજુરાહો અને અન્ય કેટલાંક સ્થળોએ જોવા મળે છે, તેમ અહીં પણ કેટલાંક રોમાંચભર્યાં કમનિય શિલ્પ નજરે પડે છે. આ ઘણા નાના કદમાં ઊંચે લગાડેલાં છે. પરંતુ, આવી સાર્વજનિક જગ્યાઓ પર આવાં શિલ્પો હોવાં તે હકીકત, એ બાબતનું પ્રમાણ છે કે મનુષ્યમાં રહેલી કામ-વૃત્તિને તે જમાનામાં ખુલ્લા મનથી જોવામાં આવતી હતી.

નદીઓળ દરવાજો, જેનો શબ્દશઃ અર્થ ‘નદી તરફનો દરવાજો’ થાય છે, કંઇક સારી સ્થિતિમાં રહ્યો છે. તેના ઉપર જે શિલ્પો છે, તે બધાથી વધારે સુંદર છે.

મંદિરોનું નગર ————

વડનગર હંમેશાં મંદિરોનું નગર રહ્યું છે. અહીં ઘણા દેવી-દેવતાઓનાં અનેક નાનાં-મોટાં મંદિરો છે. આમાંનાં કેટલાંક ઘણાં પુરાણાં છે, તો કેટલાંક નવાં બનેલાં પણ છે.

વડનગરને મંદિરોનું નગર કહી શકાય. અહીં વિભિન્ન દેવી-દેવતાઓનાં એટલાં બધાં મંદિર છે કે, દર સો ગજના અંતરે કોઇને કોઇ નાનું-મોટું મંદિર અવશ્ય જોવા મળે છે. આમાંથી કેટલાંક ઘણાં પ્રાચીન છે, અને કેટલાંક અર્વાચીન. પુરાણાં મંદિર લાલ અને પીળા રંગના રેતીલા પત્થરોમાંથી બનેલાં છે,
જ્યારે આધુનિક સમયમાં બનેલાં મંદિરોમાં પત્થરો ઉપરાંત ઇંટો અને ચુના તથા સીમેંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધાં મંદિરોમાં વત્તા-ઓછા પ્રમાણમાં મનમોહક શિલ્પો જોવા મળે છે. નગરમાં બે મોટાં મંદિર-સંકુલ છે – એક, અમથેર માતા મંદિર અને બીજું, હાટકેશ્વર મંદિર.

અમથેર માતા મંદિર ————

વડનગરના એકદમ પૂર્વ ભાગમાં સ્થિત અમથેર માતા મંદિર બધાથી વધારે પ્રાચીન હયાત મંદિર છે. વાસ્તવમાં, ભૂતકાળમાં ક્યારેક તે અનેક નાનાં-મોટાં મંદિરોનું એક વિશાળ સંકુલ હશે, પરંતુ આજે તેમાંથી માત્ર છ જ મધ્યમ કદનાં મંદિર બચ્યાં છે. આ મંદિરો નકશીદાર પત્થરોના મોટા ઊંચા ઓટલાઓ પર બનાવવામાં આવેલાં છે, જે કંઇક અંશે ખાજુરાહોનાં મંદિરોની યાદ અપાવે છે. આમાં જે સૌથી મોટું મંદિર છે.  તેનું દ્વાર પશ્ચિમ દિશામાં છે; તેમાં અત્યારે તો અંબાજી માતાની પ્રતિમા વિરાજમાન છે. તેના બહારના ભાગમાં પાર્વતી, મહીષાસુમર્દિની, અને અન્ય દેવતાઓની મૂર્તિઓ છે. અંબાજી મંદિરની પાછળની જગ્યામાં વિષ્ણુ, સપ્તમાતૃકા, સૂર્ય, અને બીજા દેવતાઓનાં નાનાં-નાનાં મંદિરો છે. તેમાં, સૂર્યનું મંદિર ધ્યાન ખેંચે છે. ઉત્તર ગુજરાતમાં ઘણે સ્થળે નાનાં-નાનાં સૂર્ય મંદિરો જોવા મળે છે, પરંતુ ભવ્ય સૂર્ય મંદિર તો માત્ર મોઢેરાનું સૂર્ય મંદિર જ છે. જેમ મોઢેરાના સૂર્ય મંદિરમાંથી સૂર્યની પ્રતિમા ગાયબ થઈ ગયેલી છે, તેમ વડનગરના સૂર્ય મંદિરમાં પણ બનેલું છે.

સમગ્ર અમથેર માતા મંદિર સંકુલને જોતાં એમ લાગે છે કે, અહીં ઘણું બધું નષ્ટ થઈ ચૂક્યું છે અને જે કંઇ બચેલું છે તે તો મૂળ જે હશે તેનો એક નાનો અંશ માત્ર છે. એવું પણ બને કે, આ સંકુલના ઘણા બધા અવશેષ આસપાસની જમીન નીચે ડટાયેલા પડ્યા હોય, અને તે આ નગરના સૌથી પ્રાચીન અવશેષ સાબિત થાય. આ સંકુલનાં મંદિરોનાં દ્વારની દિશા અને તે એકબીજાની લગોલગ જે રીતે ઊભાં છે તે જોતાં એમ પણ લાગે છે કે, આ સંકુલમાં અત્યારે જે કંઇ જોવા મળે છે તેની આ મૂળ જગ્યા ન પણ હોય. કોઇ કારણવશ આ બધું અન્ય કોઇ વધારે વિશાળ સ્થળેથી ઉતાવળે લાવીને અહીં ગોઠવી દેવામાં તો નહીં આવ્યું હોય ને?

હાટકેશ્વર મંદિર

હાટકેશ્વર મંદિર સંકુલ ઘણું વિશાળ છે અને તેની ખ્યાતિ પણ વધારે છે. આ મંદિર સમૂહ તેરમી સદીમાં બનેલો છે. એમાં મુખ્ય મંદિર શિવને સમર્પિત થયેલું છે. એવી માન્યતા છે કે, વર્તમાન શિવ મંદિર ભલે તેરમી સદીમાં બંધાયેલું હોય, પરંતુ આ જ સ્થાન પર હજારો વર્ષોથી શિવ મંદિરનું અસ્તિત્વ રહેલું છે. પુરાણોના કથન મુજબ તો આ શિવ મંદિર મહાભારત-કાળ કરતાં પણ પહેલાંના સમયનું છે; અને હાટકેશ્વરનું શિવલિંગ સ્વયં પ્રગટેલું ‘સ્વયંભૂ શિવલિંગ’ છે. મંદિરના ગર્ભગૃહમાં જે જગ્યાએ શિવલિંગનું સ્થાપન થયેલું છે, તે સ્થાન વર્તમાન મંદિરના બાકીના સ્તરથી ઘણું નીચું છે.
કદાચ, આ હકીકત એ વાતની દ્યોતક છે કે પુરાણા મંદિરના ભગ્નાવશેષો પર જ નવા મંદિરનું નિર્માણ થયું હોય.

હાટકેશ્વર મંદિર પ્રશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરનું મુખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે, પરંતુ ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ તેનાં અન્ય બે દ્વાર છે. બધાં દ્વાર ભવ્ય છે અને તે બારીક શિલ્પોથી અલંકૃત છે. ત્રણે દ્વારમાંથી મંદિરના હવાદાર વિશાળ મધ્યસ્થ-ખંડમાં જઈ શકાય છે. મધ્ય-ખંડ એક વિશાળ અર્ધગોળ ગુંબજથી ઢંકાયેલો છે. મધ્ય-ખંડની પશ્ચિમમાં ગર્ભગૃહ છે; તેમાં જવા માટે કેટલાંક પગથિયાં ઉતરવાં પડે છે. અહીં જ વિખ્યાત શિવલિંગ વિરાજમાન છે. તેની બરાબર ઉપર ખૂબ ઊંચાઇ પર મંદિરનું મુખ્ય શિખર છે. અહીંથી ઉપર તરફ નજર નાંખતાં એવું લાગે છે કે જાણે આપણે અંતરિક્ષમાં ઊભા રહ્યા હોઇએ. અહીં નિરવ શાંતિ અને દિવ્યતાની અનુભૂતિ થાય છે.

હાટકેશ્વરના સમગ્ર મંદિરમાં ખૂબ જ સુંદર અને બારીક શિલ્પો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. મંદિરની અંદર અને બહારની દિવાલો પર પુરાણ, રામાયણ, મહાભારત, અને અન્ય કથાઓનાં દૃષ્યોને સાકાર કરતાં જીવંત જ લાગતાં અનેક શિલ્પો છે. ક્યાંય પણ શિલ્પ વગરની જગ્યા છે જ નહીં. આ વિભૂષિત શિલ્પો જ હાટકેશ્વરની ઓળખ છે અને તે જ તેને અન્ય મંદિરોથી જુદું પાડે છે.

દિલ્હી સલ્તનત આક્રમણ કરે છે ——–

લગભગ ચાર સદીઓની શાંતિ બાદ ચૌદમી સદીની શરુઆતમાં વડનગર ઉપર આપદા આવી પડી. ગુજરાતની સંપત્તિથી આકર્ષાઇને દિલ્હી સલ્તનતે પોતાના સૈન્યને ગુજરાત તરફ કૂચ કરવા હુકમ કર્યો. સોલંકીઓની રાજધાની પાટણ તેમનું અંતિમ લક્ષ હતું, પરંતુ તેમના રસ્તામાં પહેલાં વડનગર આવતું હતું અને તેની જાહોજલાલી પણ મશહૂર હતી. વડનગર પહોંચતાં જ સલ્તનતના સૈન્યે નગર પર હુમલો કરી દીધો, તેને લૂંટ્યું, સળગાવી દીધું, અને તેના નાગરિકોની બેરહમ કતલ કરી. નગરનો મજબૂત કિલ્લો કોઇ કામ ન આવ્યો, કેમકે શહેરના રક્ષણ માટે ત્યાં કોઇ સેના હતી જ નહીં. સન ૧૩૦૪ માં દિલ્હી સલ્તનતે આખા ગુજરાત પર અધિકાર જમાવી દીધો. શરુઆતમાં તો પાટણ તેના સૂબાનું મુખ્ય શહેર રહ્યું,

પરંતુ સન ૧૪૧૧ માં સુલતાન અહમદશાહે અમદાવાદને પોતાની રાજધાની બનાવી. હવે વડનગરનું તો કોઇ રાજકીય મહત્વ રહ્યું જ નહીં. આમછતાં, સુલતાનોના શાસન દરમિયાન ગુજરાતમાં શાંતિ જળવાઇ રહી, અને વડનગર તેની આર્થિક પ્રવૃત્તિઓને કારણે વિનાશમાંથી ફરીથી બેઠું થવા માંડ્યું.
વ્યાપાર અને કારોબાર નવેસરથી ચાલવા લાગ્યા. ઉદ્યોગોએ તેજી પકડી. એકવાર ફરીથી તે સમૃધ્ધ થયું અને અહીં કલા તથા સંસ્કૃતિનું પોષણ થયું.

તાના-રીરીની વાત ———–

તાના-રીરીની વાત તાનસેન સાથે સંકળાયેલી છે. ભારત પર સન ૧૫૨૬ થી ૧૬૦૫ સુધી રાજ્ય કરનાર મહાન મોગલ સમ્રાટ અકબરના દરબારમાં તાનસેન મુખ્ય ગવૈયો હતો. વડનગરની તાના અને રીરી નામની બે સગી બહેનો રાગ મલ્હાર તેના શુધ્ધ સ્વરુપમાં કેવી રીતે ગાવો તે જાણતી હતી. જ્યારે રાગ મલ્હાર આવી રીતે ગવાય ત્યારે તેનામાં વરસાદ વરસાવવાની શક્તિ હોય છે તેમ મનાય છે. જ્યારે અકબર બાદશાહના હુકમથી તાનસેને જેનામાં અગ્નિ પ્રજ્વલિત કરવાની શક્તિ રહેલી છે તે દીપક રાગ ગાયો, ત્યારે મહેલના દીવા તો સળગી ઉઠ્યા પણ સાથે સાથે તાનસેનનું શરીર પણ જાણે આગથી બળું બળું થઇ ઉઠ્યું. પોતાના તનની અંદર લાગેલી આગને શાંત પડવાનો એક માત્ર ઉપાય શુધ્ધ રીતે ગવાયેલો મલ્હાર સાંભળવો તે જ હતો. અકબરના દરબારમાં તો શુધ્ધ મલ્હાર ગાનાર કોઇ ગવૈયો હતો નહીં. આખા દેશમાં ભટકતો તાનસેન છેવટે તાના-રીરીની ખ્યાતિ સાંભળીને વડનગર આવ્યો; અને મધ્યયુગીન વડનગરના ઇતિહાસની એક અત્યંત રોચક કરુણાંતિકા સર્જાઇ.

વારંવારના ધ્વંસનો સમયગાળો ———-

વડનગરની સમૃધ્ધિ અલ્પજીવી નિવડી, કેમકે તેનાથી વધારે ને વધારે હુમલાખોરો આકર્ષાયા. હવે, મરાઠાઓએ તેની બરબાદી કરી. સન ૧૭૨૬ માં કંદાજી કદમ બાંડે નામના મરાઠા સરદારે તેના પર હુમલો કર્યો. તે તેના સૈન્ય સાથે નગર પર હલ્લો કરી લૂંટફાટ કરી અને આતંક મચાવીને જ ન અટક્યો, તેણે તો આખું શહેર જ બાળીને ભસ્મીભૂત કરી દીધું. આ વખતે શહેરના ઘણા નાગરીકો જીવ બચાવવા નાસી છૂટ્યા. જે લોકો ત્યાં રહ્યા તેમાંના ઘણાને ક્રૂરતાપૂર્વક મારી નાંખવામાં આવ્યા. આ હુમલાને માંડ નવ વર્ષ થયાં હતાં ત્યાં તો ૧૭૩૫ માં બીજો મરાઠા સરદાર કંદાજી હોલકર નગર પર ચઢી આવ્યો અને લૂંટ ચલાવી ગયો. હજુ તો બે વર્ષ પણ ગયાં નથી ત્યાં ૧૭૩૭ માં વળી એક ત્રીજો મરાઠા સરદાર દામાજી ગાયકવાડ કે જે વડોદરાના પ્રતાપ રાવનો ભાઇ થતો હતો તે જે કંઇ બચ્યું હતું તે પણ લૂંટી ગયો. ફક્ત અગિયાર વર્ષના ટૂંકા ગાળામાં થયેલા આ ત્રણ નિર્દયી હુમલાને કારણે શહેર ખલાસ થઇ ગયું. આગ, ભાંગફોડ, લૂંટફાટ, અને નાગરીકોની બેરહમ કતલને કારણે નગર ખંડેર અને ઉજ્જડ થઈ ગયું. હવે, અહીં કોઇ ઉચ્ચવર્ગીય નાગરીકો રહ્યા જ નહીં. આ વિનાશમાંથી નગર ક્યારેય ફરીથી ઊભું થઈ શક્યું નહિં.

આજનું વડનગર મરાઠા સૈન્યો તેમની પાછળ જે ખંડેરો છોડી ગયા હતા તેના પર ઉતાવળે અને બિનઅયોજનપૂર્વક બંઘાયેલું નગર છે.

આધુનિકીકરણની પ્રક્રિયા ———–

પ્રાચીન સમયથી વડનગર વિદ્યાનું ધામ રહ્યું છે. ગુજરાતમાં સોલંકી શાસનનો અંત આવ્યા પછી, મોટા ભાગનાં પ્રાચીન વિદ્યાધામોનો નાશ કરવામાં આવ્યો અથવા તે બળજબરીપૂર્વક બંધ કરી દેવામાં આવ્યાં. તેમ છતાં, એકલદોકલ વિદ્વાનો દ્વારા ચાલતી નાની નાની પાઠશાળાઓનું અસ્તિત્વ ચાલુ રહ્યું. તે ‘સંસ્કૃત પાઠશાળા’ઓ તરીકે ઓળખાતી હતી. પરંતુ તે બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આકર્ષી શકી નહીં. શિક્ષણનો વ્યાપ જ ઘટીને શૂન્યની નજીક પહોંચી ગયો; તેની ગુણવત્તાની તો વાત જ કરવાની ન રહી. વડનગરમાં પણ આ જ પરિસ્થિતિ હતી. છેવટે, જ્યારે ગુજરાતમાં રાજકીય સ્થિરતા આવી અને વડનગર વડોદરા રાજ્યનો ભાગ બન્યું, ત્યારે તેના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની એક સારી રીતે ઘડેલી યોજના અમલમાં મૂકી.

ચાળીસના દાયકાની રાષ્ટ્રીયતાની લહેર ————–

સન ૧૯૩૦ અને ૧૯૪૦ ના દાયકાઓમાં, બ્રિટિશરોના આધિપત્યમાંથી દેશને સ્વાતંત્ર્ય તરફ લઈ જવા માટેની ચળવળે પૂરેપૂરું જોર પકડ્યું. વડનગરના ઘણા આગેવાન નાગરીકો પણ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. કોઇ પણ જાતના આડંબર કે પ્રસિધ્ધિની ખેવના વગર પોતાની રાષ્ટ્રીયતાની ભાવનાને નક્કર કાર્યમાં સાકાર કરવી એ સહેલી વાત નથી. ચૂપચાપ આમ કરી બતાવનાર આ ધરતીના સાચા સુપુત્ર હતા શેઠ શ્રી માનચંદદાસ કુબેરદાસ પટેલ.

તેમણે સન ૧૯૪૨ માં શર્મિષ્ઠાના કિનારે અર્જુનબારી દરવાજા પાસે એક એવી શાળા સ્થાપી કે જેનું ધ્યેય ગાંધીજીએ ચીંધેલા માર્ગે આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ આપવાનું હતું. આ શાળા તે નવીન સર્વ વિદ્યાલય. આજે તો તે વિકસીને વિજ્ઞાનના શિક્ષણ માટેની એક અગ્રગણ્ય ઉચ્ચતર માધ્યમિક શાળા તરીકે આખા વડનગર પંથકમાં પ્ર્ખ્યાતિ પામી છે.

વડનગરનો આજે તો સર્વાંગી વિકાસ થયો જ છે. શિક્ષણ ,સ્વાસ્થ્ય , પુસ્તકાલય અને રેલ્વે એમ બધીજ બાબતોમાં એનો વિકાસ થયો છે રાજકારણ અને સાહિત્યમાં પણ એનું પ્રદાન ઓછું ના આંકી શકાય !!!! વડનગરા નાગર બ્રહ્મનો એ આજે જગવિખ્યાત છે. વડનગર એ લખવાનું નહિ પણ જોવાનું અને માણવાનું નગર છે અને એ માટે તો સૌએ ત્યાં જવું જ રહ્યું !!!

———- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!