તલવારોનો રંગીન ઈતિહાસ

‘વ્યાપારે ધન સાંપડે,

ખેતી થકી અનાજ;

અભ્યાસે વિધા મળે,

ખાંડાબળથી રાજ.’

લોકવાણીનો દૂહો કહે છે કે સાહસિક માનવી વેપાર-વણજથી ધન કમાય છે. ખંતીલો મહેનતુ ખેડૂત ખેતીવાડી દ્વારા ધન, ધાન્ય ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એમ વિધાર્થીને અભ્યાસથી વિધા અને (રાજપૂતોને) ખાંડાબળથી રાજ્યની પ્રાપ્તિ થાય છે. ખાંડું અર્થાત્‌ તરવાર. માનવ સમાજમાં જૂનાકાળે ક્રાંતિ અને શાંતિ સર્જનાર શૂરવીરોના આયુધ તરીકે ઓળખાતી તરવાર વેદકાળ જેટલી પુરાણી છે. એ સમયે તરવાર ‘અસિ’ અને ‘કૃતિ’ના નામે ઓળખાતી અને રાજવીઓ તથા રાજપૂતોની આન, બાન અને શાન ગણાતી.

રામાયણ, મહાભારતના સમયમાં સોનાની મૂઠવાળી લોખંડી તરવારોનું પ્રચલન હતું. રામાયણના રચયિતા વાલ્મિકી નોંધે છે કે ‘મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની તરવાર હેમપરિસ્કૃત અર્થાત્‌ સોનાથી મઢેલી હતી. મહાભારતના સમયમાં પ્રાગ્જ્યોતિષપુરની હાથીદાંતની મૂલ્યવાન મૂઠોવાળી તરવારો ખૂબ જાણીતી બની હતી. એ સમયે હાથીદાંત ઉપરાંત સોના અને રૂપામાંથી કલાત્મક મૂઠો બનવા લાગી હતી. કેટલીક આર્યેતર જાતિઓ ખાસ પ્રકારનાં હથિયારો અને મોટી તરવારો બનાવતી હતી. મોગલ સમયમાં તરવાર બનાવવાની અને વાપરવાની વિધાનો વિકાસ થયો. એ યુગમાં તરવારો પર કિંમતી હીરા જડવાની શરૂઆત થઇ. શાહજહાંના શસ્ત્રાગારમાં મૂલ્યવાન હીરાજડિત ર૦૦૦ તરવારો હતી એમ ઈતિહાસવિદો નોંધે છે. મધ્યકાળમાં તરવારો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાંયે બનતી, એની સાથોસાથ પરદેશમાંથી પણ આવતી. રાસમાળામાં ફાર્બસ નોંધે છે કે ‘મહંમદ બેગડાએ જૂનાગઢ પર ચડાઇ કરી એ પ્રસંગે ઇજિપ્ત, અરબસ્તાન અને ખોરાસાનની રસેલી મૂઠોની ૧૮૦૦ તરવારો, અમદાવાદની વખણાયેલી ૩૮૦૦ તરવારો તથા અરબસ્તાન, તુર્કસ્તાનના ર૦૦૦ ઘોડા સાથે લીધાં.’

‘ભગવદ્‌ગોમંડલ’ નોંધે છે કે ‘સંસ્કૃત’ તરવારિ પરથી ઉતરી આવેલ તરવાર એટલે દોઢ બે હાથ લંબાઈનું, છેડેથી સ્હેજ વાંકું, તીખા લોઢાનું, ધારદાર, ઝટકો મારીને કાપવાનું, કમરે લટકતું એક જાતનું હથિયાર. શમશેર, ખડ્‌ગ, અસિ સંસ્કૃત સાહિત્યમાં તરવારને માટે તીક્ષણવર્મ, ધર્મપાલ, ચંદ્રહાસ, દુરાસહ, મંડલાગ્ર, શ્રીગર્ભ, કૌશેષક વગેરે અનેક નામો મળે છે.

નથ, કલા, વાટકી, પૂતળિયા, કોંટિયા, છાપટિયા, ધાર, મોર, પાનું, ખોળી, મોવટો ને મ્યાન. ભીમડાદના કાઠીદરબાર શ્રી જીલુભાઈ ખાચર કહે છે કે તરવારનાં આ બાર અંગ ગણાય છે. તેમના મતે તરવારનો ‘મોર’ જાડો હોવો જરૂરી છે. એના સંદર્ભમાં એક દૂહો ટાંકે છે ઃ

‘ગઢ કણુકો ખીચડો,

ખાગ, વાહો ને છાશ;

એતાં જાડાં ભલાં,

નબળાં નોતરે વિનાશ.’

ગઢ-કિલ્લાની દિવાલ ઉપર ગાડું હાલ્યું જાય એવી જાડી હોય ઇ તોપગોળાનો મારો સહન કરી શકે. ખાધાન્ન ખીચડો અને રોટલો ઈ જેટલા જાડા એટલું વધુ બળ પુરનારા ગણાય. ખાગ અર્થાત્‌ તરવાર જાડી જોવી જેથી યુદ્ધની બટોઝોટી બોલે ઈ વખતે કોઈ દિ તૂટે નહીં. ગામ બાંધીએ ત્યારે ૪૦-પ૦ ઘરનો જાડો વસવાટ હોય તો કોઈની બીક ન રહે. એમ છાશ. આ બધા વાના જાડા જોઇએ. એ જો નબળાં હોય તો જરૂર વિનાશ નોતરે છે.

શસ્ત્રોના જાણીતા ‘ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગાર’ અનુસાર તરવારના, આસમાની, કાળો, ધૂમાડિયો અને પીંગટ એમ ચાર રંગ અને અંગ, રૂપ, જાતિ, નેત્ર, અરિષ્ટ, ભૂમિ, ધ્વનિ અને પરિણામ એમ આઠ અંગ ગણાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ તરવારની ચાર જાતિ ઉપરાંત પાંચમી (વર્તમાન સમાજમાં જોવા મળે છે એવી) વર્ણસંકર જાતિ પણ છે. બ્રાહ્મણ જાતિની તરવાર સર્વશ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પ્રકારની ગણાય છે. એનો ધ્વનિ મધુર હોય છે. એનાથી નાનકડો પણ જખમ થાય તો તે અત્યંત પીડાકારી હોઇ શરીરમાં તાવ અને બળતરા લાવી ક્યારેક મૃત્યુ પણ નીપજાવે છે. આવી તરવારો જૂના કાળે હિમાલય અને કુશદ્વિપમાં બનતી. ધૂમાડા જેવા રંગવાળી, તીક્ષણ ધારવાળી અને ભારે અવાજવાળી ક્ષત્રિય જાતિની તરવારને લાંબા સમય સુધી ધાર કાઢવામાં ન આવે તો પણ એની ધાર તીક્ષણ રહે છે. સરાણ ઉપર ધાર કાઢતાં એમાંથી અસંખ્ય તણખા ઝરે છે. વૈશ્ય જાતિની તરવાર આસમાની કાળા રંગની હોય છે. એને સરાણ માથે ચડાવતા અત્યંત ઉજળી દેખાય છે. મંદ અવાજવાળી આ તરવારને વારંવાર સજવાથી જ એની ધાર તેજ રહે છે. શુદ્ધ જાતિની તરવાર જોવામાં આસમાની રંગની, જાડી ધારવાળી અને કર્કશ અવાજ કરનારી હોય છે. સરાણ ઉપર ચડાવવા છતાં એને જલ્દી તીક્ષણ ધાર નીકળતી નથી.

અસલી તરવારને ચક્ર, ખડ્‌ગ, ગદા, પદ્મ, ડમરું, અંકૂશ, છત્ર, પતાકા, સિંહ, ચામર, વીણા, ગજ, મત્સ, ઇંદુ, કુંભ ઇત્યાદિ ત્રીસ નેત્ર હોય છે. આ બધાં નેત્રને માત્ર જાણકારો જ ઓળખી શકે છે. તરવારના મુખ્ય બે ભાગ ગણાય છે. પાનું અને મૂઠ. આ પાનાના પણ દુમાલા, પીપલા, ખજાનો, પેટા, જોત, અણી, ધાર, પીઠ એમ આઠ અંગો છે. જ્યારે મૂઠના મોગરા, બતાસા, કટોરી, પૂતળા, ઠોલા, નખ્ખા, ચોક, પરજ, કંગણી, કંઠી અને જનોઇ એવા ૧૧ અંગો હોય છે એમ મારા પિતાશ્રી દાનુભાઈ જાદવ કહેતા.

21

ભારતના, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કસબી કારીગરો તરવારની શોભા અને મજબુતાઈ વધારવા માટે અનેક પ્રકારની મૂઠો (તરવારના હાથા) તૈયાર કરતા. એમાં દિલ્હીશઈ, ઔરંગજેબી, સિંધી, હકીમખાની, બંગલા, ગુજરાતી, પુરબિયા, બૂજી, સિરોહી, જોધપુરી, કર્ણાટકી, શેરદણ, મુલ્હેરી, ઇરાની – અસલી, નકલી, પોપટ ઘાટી, સુરાઘાટી, કુબડીઘાટી, ડોગરપુરી, સિંહના મોં વાળી, ઘોડાના મોં વાળી, ઘેટાના મોં વાળી, બાંસવાડી, વાઘના મોં વાળી, કવડી ઘાટી, ગારદી, રામપુરી, ઉદેપુરી, જાફરાબાદી, ફૈજાબાદી અને અરબી જેવી ૪૦ પ્રકારની મૂઠોમાંથી જાણીતી તરવારો બનતી. તરવારોની મૂઠ પર નકશીકામ કરનારા કારીગરો ફટકડી, મીઠું અને હીરાકસીનો પાવડર લગાડી નાઇટ્રિક એસિડ, ચાંદી અને પાણીનું મિશ્રણ કરી એ ગરમ પ્રવાહીમાં મૂઠ બોળીને એના પર જસતના ટૂકડાથી ઇચ્છીત નકશી પાડતા. રસાણીયા કારીગરો મૂઠને ગરમ કરી તેના પર ચાંદીનો અને પછી સોનાનો ઢોળ ચડાવતા. ૨ તોલા ચાંદી અને તેના પર અર્ધા તોલાનો સોનાનો ઢોળ ચડાવેલી તરવાર દમામદાર દેખાતી અને એની મૂઠ પંદર વર્ષ સુધી એવી ને એવી રહેતી.

પ્રાચીન ધનુર્વેદમાં જણાવ્યા અનુસાર ખટા, ૠષિક, સૂર્યારહ, વિદેહ અંગ, મધ્યગ્રામ, વેદી, ચીન, કાલજવર, બંગ વગેરે સ્થળોનું લોખંડ તરવાર બનાવવા માટે ઉત્તમ મનાતું. આ તરવારોના ભેદ, ઉપભેદ અને મૌલિકતા ઉડીને આંખે વળગે છે. ખટ્ટા અને ખટ્ટેર પ્રાંતની તરવારો જોવામાં આકર્ષક રહેતી. ૠષિક દેશની ભારે વજનવાળી, સૂર્યારક પ્રાંતની તરવારો તેજસ્વી અને પાણીદાર રહેતી. સૌરાષ્ટ્રમાં કુંડલાના આજે વજન માટેના કાંટા વખણાય છે પણ જૂના કાળે અહીં લુહારની કુંડલાસાઇ તરવારો વખણાતી. આ તરવારો નાવલી નદીનું પાણી પાઇને તૈયાર કરવામાં આવતી. એવી જ રીતે જૂનાગઢના રા દેહળના રાજ્યના કારીગર લુહાર તળસી ત્રિકમની વટના લોઢાના ગોળાની દેહાળસાઇ તરવારો વખણાતી. રાજસ્થાનમાં આવેલા શિરોહીની તરવારો ય ભારતભરમાં સુપ્રસિધ્ધ હતી. ચૌહાણ કલ્પદ્રુમમાં તરવારના લોખંડને પકવવાની એક રસપ્રદ રીત આપી છે. એ મુજબ શિરોહીના લૂહાર તરવાર બનાવવા માટે કાચા લોઢાના ટૂકડા, ચોમાસામાં ખાડો ગાળી તેમાં નાખતા. અને એ ખાડાને છાણથી ભરી દેતા. પછી તેમાં કંઇક રસાયણ નાખતા જેથી તેના પર વીજળી પડતી. ખાડાનું છાણ બધું બળી જતું અને તરવાર માટેનું લોઢું પાકું થઇ જતું. તરવારના ઘડતર વખતે પાનાને ત્યાં આવેલા નિલકંઠેશ્વર મહાદેવની વાવડીનું પાણી પાતા. આ પાણી પાયેલાં હથિયારો બહુ તેજ બનતાં હોવાથી દેશભરમાં જાણીતાં બન્યાં હતાં.

પ્રાચીન સમયમાં તરવાર બનાવવાનું અને તરવાર વાપરવાનું શાસ્ત્ર હતું. તરવારના માપ અને ગણતરી રહેતી. તરવારોની માપ – ગણતરી અંગે સામાન્ય નિયમ એવો છે કે તરવારના પાનાની લંબાઇ, પહોળાઇ અને વજન એને વાપરનાર યોદ્ધાની ઉંચાઇ, પહોળાઇ અને વજનના પ્રમાણમાં હોવી જરૂરી મનાતી. પાયદળ અને ઘોડેસ્વાર યોદ્ધાની તરવારોની માપગણતરીમાં પણ ફરક રહેતો. પાયદળ યોદ્ધાની તરવાર ટૂંકી અને વધુ પહોળી રહેતી. ઘોડેસ્વાર યોધ્ધાની તરવાર પ્રમાણમાં લાંબી રહેતી. જૂનાકાળે રાજકુમારોને શસ્ત્રાસ્ત્રોની તાલીમ દરમ્યાન તરવારથી ખેલાતા વિવિધ દાવો શીખવવામાં આવતા. મહાભારતકાળથી આ દાવ જાણીતા છે. ધૃષ્ટધુમ્ન તરવારના આવા ૨૧ દાવ જાણતો હતો. એણે તરવારના એકજ ઝાટકે દ્રોણાચાર્યનું માથું વાઢી લીધું હતું.

તરવાર એ શક્તિનું પ્રતીક મનાય છે. તેથી તેને ભવાની કહી છે. આ ભવાનીને યુદ્ધ અને પવિત્ર રાખવા ગુગળ, લોબાન, કપુર કાચલી, નાગરમોથ, વાળો, ચંદન, તગર, નાગકેશર, બ્રાહ્મી, જટામાસી, બાવચી, લીંમડો વગેરે ૪૦ પ્રકારની ચીજોમાંથી બનતો સુગંધી ધૂપ આપવામાં આવતો. તરવારની આમન્યા રાખવામાં આવતી. વર્ષો પૂર્વે વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’ માં લખ્યું છે કે ‘રાજાએ વિના કારણે તરવારને મ્યાનમાંથી બહાર ન કાઢવી. તરવારમાં પોતાનું મુખ ન જોવું. કોઇને એની કિંમત ન કહેવી. તરવારને આંગળીથી માપવી નહીં. સંયમ છોડીને તરવારને સ્પર્શ ન કરવો. તરવાર કોણે બનાવી છે તે હકીકત કોઇને કહેવી નહીં. ’ આમ જૂના કાળે તરવારનું ગૌરવ જાળવવામાં આવતું. ચારણી – ડિંગળ સાહિત્યમાં તરવારના યશોગાન આ રીતે ગવાયા છે.

‘મંડણ ધ્રમ સત્‌ ન્યાયરી,

ખંડણ અનય અનિત,

ખલનાશક, શાસક પ્રજા,

હે અસિ ! તું જગજીત.’

અર્થાત્‌ ઃ હે વિશ્વવિજયી તરવાર ! હે શસ્ત્રશક્તિ ! તું સંસારમાં ધર્મ, સત્ય અને ન્યાયની સ્થાપના કરવાવાળી છે. દુરાચાર, અન્યાય અને પાપને મટાડવા માટે તો તારી ઉત્પત્તિ થઇ છે. હે ભવાની ! તું તો દુષ્ટ લોકોનો નાશ કરવાવાળી, રૌદ્ર શક્વિાળી, દુઃખી પ્રજાની રક્ષા કરનારી, સુશાસન આપનારી સૌમ્ય શક્તિ છે.

કેટલીક વિશ્વવિખ્યાત તરવારોની પણ અહીં વાત કરવી છે. રાજા કરતા યોધ્ધા તરીકે વધુ જાણીતા બનેલા ટીપુ સુલતાનની તરવાર સ્કોટલેન્ડનો એક લશ્કરી અધિકારી ૧૭૯૯ની લડાઇ પછી બ્રિટન લઇ ગયો હતો. તાજેતરમાં આ મશહૂર તરવારની હરરાજી થતાં એના ૧,૭૫,૦૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. મહંમદ સાહેબ પયગંબરના કાકા અબ્બાસીની તરવાર પણ જાણીતી છે. આ અત્યંત મૂલ્યવાન તરવાર પર અબ્બાસીનું નામ સુવર્ણ અક્ષરે ઉર્દુમાં લખેલું છે. મરાઠી સલ્તનતના સ્થાપક શિવાજી મહારાજ પાસે ‘ભવાની તરવાર’ હતી. એની મૂઠની બાજુમાં નીચે ભવાની માતાનું ચિત્ર, ત્રિશૂળ અને જયભવાની લખાયેલ હતું.

17426362_214356292375727_113657768476465377_n

કચ્છમાંથી જમાદાર ફતે મામદની તરવાર મળી આવી છે, જેના પર નાગણનું ચિત્ર હોવાથી તે નાગણના નામે જાણીતી હતી. એના પર સૂર્ય, ચંદ્રના પ્રતીકો હતાં. વડોદરાના ભૂતપૂર્વ રાજવી પ્રતાપસિંહજી ગાયકવાડના શસ્ત્રાગારમાં હીરામાણેક જડેલી તરવારો હતી. સયાજીરાવ ગાયકવાડ પાસે સોનાના તાર વડે ‘દેવીકવચ’ લખેલી તરવાર હતી. ડૉ. રાજનારાયણ નોંધે છે કે દિલ્હીના રાષ્ટ્રિય સંગ્રહાલયમાં સચવાયેલી બાદશાહ જહાંગીરની તરવાર પર ‘શાહ જહાંગીર બાદશાહ ગાજી’ એવું લખાણ જોવા મળે છે.જેમ ગાય, બળદ, ઘોડો ખરીદતી વખતે એના ઓહાણ લેવાય છે એમ તરવાર લેતાં પહેલા તરવારનાં પાણીની પરીક્ષા કરવામાં આવતી. સૂકૂં ગલકું દોરી વડે ટીંગાડીને તરવારનો વાર કરાતો. ગલકું એક જ ઘાએ કપાઇ જવું જોઇએ. ધૂળની ઢગલી પર મોરનું પીંછું ખોસવામાં આવતું. આ પીંછું એક ઘાએ કપાઇ જવું જોઇએ. એ કાળે તરવારો તો એવી પાણીદાર હતી કે એક ઘાએ વાગોળતા ઊંટની ડોક કપાઇ જતી ને ડોકું પડ્યું પડ્યું વાગોળ્યાં કરતું. આવી તો કૈંક વાતું અમારા હૈયામાં હમચી કુંડું ખૂદે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!