તબલાનો રસપ્રદ ઈતિહાસ

તબલા  :  ભારતીય સંગીતનું અભિન્ન અંગ ગણાયેલાં આ વાદ્યનો રસપ્રદ ઈતિહાસ છે. આમ તો વૈદિકકાળથી જ તબલા ભારતીય સંગીતનો હિસ્સો હોવાનું મનાય છે. વિવિધ પૌરાણિક કથાઓમાં તબલાના તાલે અપસરાઓ નૃત્ય કરતી હોવાના વર્ણનો મહાકવિઓએ કર્યા છે. જોકે, ખરેખર દસ્તાવેજના આધારે તબલાનો ભારતીય સંગીતમાં હિસ્સો ક્યારે ગણાયો એ અંગે અનેક મતમતાંતરો પ્રવર્તે છે.

એ મતાંતરોની વચ્ચે તબલાના ઈતિહાસ પર એક રસપ્રદ સંશોધન એમ.એસ.યુનિવસટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક ડો.ગૌરાંગ ભાવસારે કર્યું છે, જેમાં અમીર ખુશરોએ તબલાના મોર્ડન સ્વરૂપની શોધ કરી હોવાની સ્થાપિત માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે. એ સંશોધનના આધારે તબલાના છેલ્લાં એક હજાર વર્ષોના દસ્તાવેજીકરણને ચકાસવું રસપ્રદ થઈ પડશે.

તબલા પર પીએચડી કરનારા ડો.ભાવસારે તબલાના ઇતિહાસને સર્વ સામાન્ય માન્યતાઓ કરતા અલગ પ્રકારે રજુ કર્યો છે. તેમનું કહેવું છે કે આજે પણ સંગીતના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે તબલા અમીર ખુશરોએ શોધ્યા હતાં. હકીકત એવી નથી. તબલાનો ઈતિહાસ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને આધારભૂત પૂરાવાની રીતે પણ જોઈએ તો તબલાનુ ભારતમાં અસ્તિત્વ ઓછામાં ઓછુ ૧૦૦૦ વર્ષ જુનુ છે.

ગુજરાતના ઈડરના એક જૈન દેરાસરના શિલ્પના આધારે કહી શકાય કે તબલાનું વર્તમાન સ્વરૂપ જ નહી તબલા વગાડવાની હાલની શૈલી પણ ભારતમાં ૧૦૦૦ વર્ષ પહેલાથી જ હતી. ઐતિહાસિક ઈડર ગઢ પર આવેલા ૨૨૦૦ વર્ષ જુના ભગવાન શાંતિનાથના જૈન શ્વેતાંબર દેરાસરમાં એક નૃત્યાંગનાની મૂર્તિ તબલા વગાડતી હોય એવું દેખાય છે. એ શિલ્પમાં શિલ્પકારે દર્શાવ્યું છે કે મહિલાના હાથમાં તબલા છે અને એ તબલાને થાપ આપી રહી છે. ઈડરના પ્રાચીન જૈન પુસ્તકાલયમાં રહેલી વર્ધમાન સ્વરૂપચંદ શાહ નામના શ્રેષ્ઠીએ લખેલી હસ્તપ્રત કહે છે કે આ દેરાસર સંપ્રતિ રાજાએ બંધાવ્યુ હતું અને ઈસ ૧૧૧૪થી ૧૧૭૪માં રાજા કુમારપાળે આ દેરાસરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તે સમયે શિલ્પકારે તબલા વગાડતી મહિલાનું શિલ્પ બનાવ્યું હોવું જોઈએ.

બીજી તરફ જેમને તબલાના શોધક માનવામાં આવે છે તે અમીર ખુશરોનો જન્મ તો દેરાસરનો જિર્ણોદ્ધાર થયો તેના ૮૦-૯૦ વર્ષ પછી થયો હતો. એટલે કે તબલા અમીર ખુશરોના જન્મ પહેલાં પણ એટલા જ લોકપ્રિય બન્યા હોવા જોઈએ. આ પહેલાના ભારતના અન્ય મંદિરોમાં થયેલા શિલ્પકામમાં પણ તબલાની ઝલક મળી જાય છે.

સાતમી શતાબ્દિમાં આંધ્રપ્રદેશમાં બનેલા સ્વર્ગબ્રહ્માના મંદિરના એક શિલ્પમાં તબલા સાથેનું શિલ્પ છે, ૮મી સદીના આંધ્રપ્રદેશના મધુકેશ્વરા મંદિરમાં અને ૧૦મી સદીમાં નિર્માણ પામેલા તામિલનાડુના સોમેશ્વર મંદિરના શિલ્પોમાં તબલા જેવું વાદ્ય જોવા મળે છે. ભારતમાં વિવિધ સ્થળોએ આવા તો સંખ્યાબંધ શિલ્પો છે. હા, ઘણાંખરાં શિલ્પોમાં તબલાનું સ્વરૂપ અલગ અલગ દર્શાવ્યું છે. એટલે કે ડિઝાઈનમાં થોડો ઘણો ફેરફાર છે, પણ તાત્વિક રીતે એ તબલા હોવાની ખાત્રી તો થાય જ છે.

એટલે કે આનો અર્થ એ થાય કે ૭મી સદીથી ૧૧મી સદી દરમ્યાન તબલાની તબક્કાવાર ઉત્ક્રાંતિ થઈ હશે. તબલાનો જન્મ સ્વાતિમુનિએ બનાવેલા ત્રિપુષ્ક વાદ્યમાંથી પણ થયો હોવાનો ઉલ્લેખ પહેલી શતાબ્દિમાં રચાયેલા ગ્રંથ નાટયશામાં મળે છે. ત્રિપુષ્ક વાદ્ય આંકિત, ઉર્ધ્વગ અને આંલિગ્ય એમ ત્રણ હિસ્સામાં વહેંચાયેલુ હતું. જેમાં આંકિત નામના હિસ્સાને ખોળામાં રાખીને વગાડાતુ હતુ. કાળક્રમે આંકિત નામના હિસ્સામાંથી પખવાજ અને ઢોલનો તેમજ જમીન પર રાખીને વગાડાતા ઉધર્વગ અને આંલિગ્યમાંથી તબલાનો જન્મ થયો હોય એવી શક્યતા છે.

૧૧મી સદીથી ૧૭મી સુધી સરવાળે તબલાને વ્યાપક પ્રસિધ્ધિ મળી ન હતી અને લોકસંગીત પુરતા જ મર્યાદિત રહ્યા હતા. એ પછી તબલા રાજા મહારાજાના દરબારોની મહેફિલની શોભા બનવા માંડયા હતા. તબલા નામ ભારતમાં તે સમયગાળા દરમિયાન પ્રભાવ જમાવવા માંડેલી મુસ્લિમ સંસ્કૃતિની દેન છે. હાલમાં તબલા પર વગાડવામાં આવતી જે બંદિશો આપણે સાંભળીએ છે તેની રચના લગભગ ૩૦૦ વર્ષ પહેલા ઉસ્તાદ સિધ્ધારખાંએ કરી હતી. જેને દિલ્લી ઘરાના નામ મળ્યંુ હતું. આજે તબલાના ૬ ઘરાના ને ૪ તબલા વાદનના માન્યતા પ્રાપ્ત ઘરાના ગણાય છે અને આ તમામનું મૂળ દિલ્લી ઘરાનામાંથી આવેલું છે.

તબલાની પ્રચલિત માન્યતાઓ

– કેટલાંક વિદ્વાનોના મત પ્રમાણે હારમોનિયમ, તબલા અને વાયોલિન જેવા વિદેશી વાદ્યો ૧૮૧૦માં અરબસ્તાનથી ભારતમાં આવ્યા હતા. તબલા અરબસ્તાનમાં અતલબ તરીકે ઓળખાતા હતા અને ભારતમાં તેનુ નામ બદલાઈને તબલા થયુ હતું.

– ભરતકાલીન દુર્દુર વાદ્યમાંથી પણ તબલાની ઉત્પત્તિ થઈ હોવાનુ કેટલાક નિષ્ણાતોનુ માનવુ છે.

– એક માન્યતા એવી યે છે કે હુમાયુના સમયમાં તબલ-એ-અદલ નામનું વાદ્ય હતું. જેનો ઉપયોગ ન્યાયાલયમાં થતો હતો. તેમાંથી તબલાનો જન્મ થયો હતો. જોકે તેનો કોઈ પ્રમાણિત ઈતિહાસ જોવા મળતો નથી.

– કેટલાક જાણકારો મહારાષ્ટ્રના પ્રાચીન વાદ્ય સમ્બલમાંથી તબલાની ઉત્પત્તિ થઈ હોવાનુ માને છે તો કેટલાક પંજાબ પ્રાતના દુક્કડ વાદ્યમાંથી તબલા બન્યા હોવાનો મત ધરાવે છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તબલાની જોડીને દોકડ કહેવામાં આવે છે.

– ઘણાં સંશોધકો સુધારખાં નામના કલાકારને પણ તબલાના આવિષ્કર્તા માને છે.

– સૌથી વધારે પ્રચલિત ઈતિહાસ પ્રમાણે તબલાના શોધક અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ હજરત અમીર ખુશરો હતો. ૧૮૫૫માં મોહમ્મદકરમ ઈમામ દ્વારા લખાયેલા પુસ્તક મઅદન-ઉલ-મુસીકીમાં તબલાના શોધક તરીકે અમીર ખુશરોનું નામ છે.

error: Content is protected !!