સૂડીઓનો રસપ્રદ ઇતિહાસ

સૌરાષ્ટ્રના એક પ્રચલિત લોકગીતમાં બહેની પોતાના વીરને કેવી ગોરી પરણવી એ માટે મજાક કરતી કહે છે ઃ

પાન સરખી પાતળી રે ઢોલા

પાન મુખમાં સોહાય રે

સોપારી સરખી વાંકડી રે ઢોલા,

સોપારી મુખમાં સોહાય રે

તજ સરખી તીખડી રે ઢોલા

તજ મુખમાં સોહાય રે

કે વાલીડા વીરને

એવી હોય તો પરણાવજો નંઈ તો

ફરીને પરણાવું કેશરિયા વીરને

અર્થાત્‌ ઃ ‘વીરા, નાગરવેલના પાન સરખી પાતલડી, મુખવાસના તજ સરખી તીખલડી અને સોપારી સરખી વાંકલડી – વંકી ગોરીને પરણીને જીવતરનો લ્હાવો લેજો.’ ગામડા ગામની અભણ પણ ‘અંગ વિદ્યા’ની જાણતલ બહેની ‘વંકા’ના રૂપ સૌંદર્યને જાણે છે એટલે સોટા જેવી સીધી નહિ, વાંકાબોલી નહી પણ જુવારના કણસલા જેવી, વાંકા નેણવાળી અને સોપારી સરખી વાંકડી નગરની વાણીમાં ‘ફાંકડી’ ગોરીને પરણવાનું કહે છે.

પાન, સુડી અને સોપારીનું પ્રચલન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના શિષ્ટ અને લોકજીવન સાથે જૂના કાળથી જોડાયેલું જોવા મળે છે.

સોપારી આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણી ઉપયોગી બની રહી છે. લીલી સોપારીમાંથી ચીકણી, લેટી, ગોટુ જેવી દુધિયા સોપારી બનાવવામાં આવે છે. બહેનોને જૂના વખતમાં સુવાવડ પ્રસંગે સોપારીને બદામ પિસ્તા સાથે તળીને આપવામાં આવતી. મુખવાસ માટે વપરાતી સોપારીમાં રેચક ગુણ છે. લીલી સોપારી, દોષને તોડી નાંખનારી ત્રિદોષનાશક છે. પકવીને સૂકવી નાખેલી સોપારી સ્નિગ્ધ, વાતકર અને કુમળી પકાવેલી સર્વદોષનાશક છે. આંધ્રપ્રદેશની સોપારી પાકકાલમાં મધુર, થોડી ખાટી, તૂરી, કફ અને વાતનાશક છે અને ગળામાં ચોંટે છે. શેઢી સોપારી, રુચિકર, અગ્નિદીપક, તૂરી, ગરમ, પિત્તકારક અને મળસ્તંભક છે. બલ્ગુલ ગામની સોપારી પાચક, આમ અને મેદનો નાશ કરનારી છે. લીલી સોપારી કંઠની શુદ્ધિ કરનાર છે, વધુ પડતી સોપારીનું સેવન પાંડુરોગ નોંતરે છે. સોપારી સાથે ઘી ખાવાનું સૂચન વૈધો કરે છે.

સોપારી સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી ભારતીય સૂડીઓનો જોટો જગતભરમાં જડવો મુશ્કેલ છે. જેમ હળદર વગરની કઢી ન હોય, બાવા વગરની મઢી ન હોય એમ બંધાણીના ગજવામાં સૂડી વગરની સોપારી ન હોય ! સોપારી કાતરવા માટે આપણે ત્યાં એક ઇંચથી લઈને દોઢ ફૂટ સુધીની સૂડી અને મોટા સૂડા મળી આવે છે. આ સૂડીઓના નયનરમ્ય આકારપ્રકારો જોઈને વિદેશીઓ જ નહિ ભારતીયો પણ આનંદવિભોર બની જાય છે. આવી સરસ મજાની સૂડીઓ કચ્છ, બરવાળા, બોટાદમાં જ બને છે એવું નથી. સૌરાષ્ટ્રના મુલકથી માંડીને છેક સિંહલદ્વિપ સુધી જાતજાતની કલાપૂર્ણ સૂડીઓ બને છે. જામનગરમાં નાગમતી નદીનું પાણી ખાઈને જે સૂડી બનતી તે બેનમૂન ગણાતી. એમાં ‘ગુલાબ’ની સૂડી, જામકંડોરણાની ‘સાંતોદડ’ ગામની સૂડી, રાજકોટ જિ.ના વડાલી ગામની, લીલી ધજિયાળા ગામના દેવજી લુહારની સૂડી, સાવરકુંડલા પાસે આવેલા ‘હીપાવડલા’ની અને કચ્છમાં આવેલ રેણ-કોઠાર, ભૂજ અને અંજારની પાણિયાળી ધારદાર સૂડીઓ સૌરાષ્ટ્રના કાઠી દરબારો, રાજપૂતો, રબારી, આયર, મુસ્લિમ અને મિયાણાઓમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આજે તો આ બધા કારીગર-કસબીઓના ધંધા-રોજગારના વળતાં પાણી થયા છે.

વરસો પૂર્વે કચ્છમાં જુણસોએ સૂડીઓ બનાવવાનો કસબ સિદ્ધ કર્યો હતો. મૂળ તો તેઓ ભટ્ટી શાખના રાજપૂતો હતા. કચ્છના રાજવી રાયધણજીના વખતમાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો. કચ્છમાં સૂડી અને ચપ્પા બનાવવાનો વ્યવસાય શી રીતે શરૂ થયો તેની પણ ખૂબ રસપ્રદ વાત મળી આવે છે. ઇ.સ. ૧૮૦૧માં જમાદાર ફતેમહંમદે ભૂજથી ૧૦-૧૨ માઇલના અંતરે રેહા અને કોઠારગામમાં શસ્ત્ર-સરંજામ બનાવવાનો ઉધોગ આદર્યો. એ વખતે બુધાન નામનો એક કારીગર ત્યાં કામ કરતો. આ કારીગર શસ્ત્રો બનાવવાના લોઢાને પાણી પાઈને ધારદાર બનાવવામાં નિષ્ણાત ગણાતો. એમાં એવું બન્યું કે એકવાર શિકારે જતાં કચ્છના મહારાવશ્રીના હાથમાં વિદેશી આયાત કરેલી રિવોલ્વર પથ્થર પર પડી જતાં તેની નાળમાં તિરાડ પડી ગઈ. શિકારનો શોખ ધરાવતા મહારાવે બીજી રિવોલ્વર મંગાવવાનું નક્કી કર્યું. એ વખતે બુધાન કારીગરે તૂટેલી રિવોલ્વર રિપેર કરવાનું બીડું ઝડપ્યું. પછી પરદેશી રિવોલ્વર જેવી જ નવી બનાવી મહારાવને નજરાણા રૂપે ભેટ ધરી. એની અક્કલ હુશિયારીથી ખુશ થઈને કલાના કદરદાન રાજવીએ તેડાવીને એને ભૂજમાં વસાવ્યો. એના વંશજો સુમાર- જુણસના નામથી સૂડી ચપ્પા બનાવે છે. કચ્છ ફરવા જનારા શોખીનો સગા-સંબંધીઓને ભેટ આપવા આવા સૂડી-ચપ્પા ખરીદી જાય છે.

આજે ય ક્યાંક ક્યાંક જૂની જૂની કલાત્મક સૂડીઓના સંગ્રહ-શોખીનો મળી આવે છે. પુનાના શુક્રવાર પેઠમાં આવેલા રાજા કેલકર મ્યુઝિયમમાં ૭૦૦ ઉપરાંત સૂડીઓનો સંગ્રહ છે. અમદાવાદના ‘વિશાલા’ના વિચાર મ્યુઝિયમમાં ૭૫૦ ઉપરાંત વિવિધ આકાર-પ્રકારની કલાત્મક સૂડીઓનો સંગ્રહ જોવા મળે છે. ગોધરામાં શ્રી શાંતિભાઈ પટેલ, સાવરકુંડલામાં શ્રી રામકુભાઈ ખાચર, દાહોદના ડો. શરદભાઈ તથા આ લખનારની પાસે પણ થોડી સૂડીઓ સંગ્રહાયેલી છે. દેશી રજવાડાઓના સમયમાં કલાને વરેલા કસબીઓ આવી એક એકથી ચડિયાતી અને બેનમૂન સૂડીઓ બનાવવામાં પોતાની કલા નીચોવી નાંખતા. આવી સૂડીઓમાં મોર, પોપટ, હંસ, ગરુડ, હાથી, દોડતા ઘોડા, પૂતળીઓ, રાજા રાણી, આલિંગન આપતા યુગલો બનાવતા. સોના ચાંદીની, હીરા-માણેક અને હાથીદાંત જડેલી મોંઘા મૂલની સૂડીઓ રાજામહારાજાને નજરાણારૂપે ભેટ આપતા. મહારાજા ખુશ થઈને કારીગરની કદર બૂઝતા. રજવાડાઓનો યુગ આથમી જતાં આવી કલા-કારીગરી નામશેષ થવા લાગી. ક્યાંક ક્યાંક નાના ગામોમાં અવશેષરૂપે આ કળા જળવાઈ રહી.

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે ભૂકંપ આવ્યો. ભૂકંપમાં મદદરૂપ થવા વિદેશથી એન્જિનિયરો, નિષ્ણાતો આવ્યા. ભૂજ તાલુકાના નાના રેહા ગામના સૂડીચપ્પુ એમની નજરે ચડ્યા. ફિક્કીકેર જેવી જાણીતી સંસ્થાઓની મદદથી કચ્છના સૂડી-ચપ્પુની તેજતરાર ધાર ફ્રાંસ અને જર્મનીના બજારના દરવાજા ખખડાવતી થઈ. આજે વર્ષે ૨૦ લાખ રૂપિયાનું ટર્નઓવર કરતા સૂડી-ચપ્પા હસ્તકલા ઉધોગને મોટું બજાર ઉપલબ્ધ થાય તેની કારીગરો શોધમાં છે. વિદેશી નિષ્ણાતોના સંપર્કથી સૂડી-ચપ્પુ માટે એન્જિનિયરોએ આપેલ ડિઝાઇન અનુસાર નવી ભાતવાળી સૂડીઓ તૈયાર કરી. આજે કદાચ મોટું બજાર ભલે ન મળ્યું હોય પણ કચ્છી સૂડી-ચપ્પુએ આંતરરાષ્ટ્રીય માર્કેટ જોઈ લીધી છે.

નાના રેહા ગામના કસબી સફૂરાભાઈ પુનાવાળાએ પોતાની કોઠાસૂઝથી સૂડી, ચપ્પુ, તલવાર અને છરીની ૪૦૦ જેટલી ડિઝાઇન તૈયાર કરી છે. અત્યાર સુધી સુડીઓ બનાવવાની કલામાં પુરૂષ વર્ગનું જ વર્ચસ્વ હતું પરંતુ હવે તો મહિલાઓ પણ એમાં જોડાઈ છે. કચ્છી બહેન રૂકસાના ભટ્ટીએ પુનામાં કમ્પ્યુટર અને ડિઝાઇનનો કોર્સ કર્યો છે. તેનો ઉપયોગ સૂડી-ચપ્પાની ડિઝાઇનમાં શરૂ કરાતાં અનેક જાતની વસ્તુઓ મળવા લાગી છે.

કચ્છનું નાનું રેહા ગામ પરંપરાગત રીતે સૂડી ઉધોગ સાથે સંકળાયેલું છે. ગામના ૨૫૦ ખોરડામાંથી ૫૦ જેટલા આ ધંધા સાથે જોડાયેલા છે અને પરંપરાગત કળાકારીગરીને આગળ ધપાવી રહ્યા છે. રોજના રૂપિયા ૧૦૦ જેટલી કમાણી કરતા કારીગરને સૂડીને આખરી ઓપ આપવા અનેક કોઠામાંથી પસાર થવું પડે છે. એના માટે કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ, પ્લાસ્ટિક જેવો કાચો માલ બહારથી મંગાવવો પડે છે. કાચા માલને દેશી ભઠ્ઠીમાં પકાવી, ટીપી અને ડ્રીલથી સવારીને વર્કશોપમાં તૈયાર કરવો પડે છે. આજે રેહાના સુડી-ચપ્પાએ કચ્છમાં જ નહિ સમગ્ર ગુજરાતમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. લોકજીભે સૂડી-સોપારીની કહેવતો પણ મળે છે ઃ (૧) અર્ધી સોપારી ને હીરો દલાલ વેપારી, (૨) સૂડી વચ્ચે સોપારી અર્થાત્‌ ઃ અત્યંત ખરાબ પરિસ્થિતિ, (૩) સોપારી સારી વાંકડી બૈરી સારી રાંકડી, (૪) સોપારી ખાઈએ રાઈ રાઈ, ધાન ખાઈએ ધાઈ ધાઈ, ઘી ખાઈએ બોળી બોળી ને વાત કરીએ તોળી તોળી. આમ, જોડકણાં, લોકગીતો ને ઉખાણામાં સૂડી-સોપારી ઠેર ઠેર જોવા મળે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!