સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય છે રમવું અથવા રમનાર. પાણિનીના સમયમાં રમતને માટે ‘ક્રીડા’ શબ્દ વપરાવો શરૂ થયો. માનવી પોતાની સ્વયંભૂ ઈચ્છાથી આનંદ મેળવવા અનેક રમતો રમે છે. આમ રમત દરેક યુગમાં અને દરેક દેશમાં રમાતી સજીવ પ્રાણીની આગવી વિશિષ્ટતા ગણાય છે.
‘પદ્મચરિત્’માં રમતના મુખ્ય ચાર પ્રકારો વર્ણવ્યા છે. (૧) જે રમતમાં શરીરના અંગ – ઉપાંગોને ચલાવવાની જરૂર પડે તે મલ્લકુસ્તી જેવી રમતઃ ‘ચેષ્ટા’, (૨) જે રમત રમવા માટે સોગઠા, ચોપાટ, ગંજીફો, કોડી, કૂકરી જેવાં સાધનો ઉપયોગમાં લેવાય તે ‘ઉપકરણ’, (૩) જેમાં સુભાષિત, કાવ્યક્રિડા, ઈત્યાદિ આવે તેને ‘વાકક્રિડત્’ અને (૪) જેમાં પાસા, જુગાર વગેરે આવે તે રમત જૂના કાળે ‘‘કલાવ્યત્યસ’’ કહેવાતી.
વેદકાળમાં જાતજાતની અને ભાતભાતની રમતો રમાતી. તેમાં યૌધ્ધિક રમતો વધુ હતી. બૌધ્ધિક રમતો જવલ્લેજ જણાય છે. પાલિસાહિત્યમાં બાળકો માટેની ‘સલાકહત્થમ’, ‘પંગચીરમ’, ‘અકાનરિક’, ‘મનેસિકા યથાવજ્જમ’, જેવી રમતોનો ઉલ્લેખ ‘સુમંગલ વિલાસિની’માંથી સાંપડે છે. ભાગવત્ પુરાણમાં નૃપક્રીડા, નિલાયનક્રીડા, આમલક મુષ્ટા ક્રીડા, દકુરપ્લાવ ક્રીડા, મકટોત્પાવનક્રીડા, ભ્રામણક્રિડા અને શિક્યાદિમોષણ અર્થાત્ દહીં મૂકવાનું છીંકુ સંતાડવાની રમતો જોવા મળે છે. કામસૂત્રના પ્રણેતા મહર્ષિ વાત્સ્યાયને ધુતક્રિડા અર્થાત્ જૂગઠું રમવાની રમતને ૬૪ કલાઓમાંની એક અત્યંત લોકપ્રિય કલા ગણાવી છે. સંસ્કૃતિના વિકાસની સાથેસાથે ‘રથક’ અને ‘ધનુક’ જેવી રથ-ધનુષની યૌધ્ધિક રમતોની સાથે ધુતક્રીડા, શતરંજ, ગંજીફો અને સાપસીડી જેવી બૌધ્ધિક અને આધ્યાત્મિક રમતો પણ વિકાસ પામી હતી. એક સમયે ‘જ્ઞાન ચૌપાટ’ પરથી ઊતરી આવેલી સાપસીડીની રમત ભારતમાં અત્યંત લોકપ્રિય બની હતી. આજે લોકજીવનમાંથી સાવ લુપ્ત થઈ ગયેલી એ રમતની અછડતી વાત કરવી છે.
ભારતીય લોકજીવન મનોરંજક પ્રવૃત્તિઓથી સદાય ભર્યુભર્યું રહ્યું છે, એમ લોકરમતોથી પણ ભર્યુંભર્યું રહ્યું હતું. ગરવા ગુજરાતની વાત હોય કે રંગીલા રાજસ્થાનની વાત હોય, દરેક જગ્યાએ મનોરંજન માટે બાળકો, જુવાનિયા, સ્ત્રીઓ અને વૃધ્ધો બે કે ચારની સંખ્યામાં કે સમૂહમાં ઘણી રમતો રમતા. આ રમતો દિવસે ય રમાતી ને રાતે ય રમાતી. પૂનમની ચાંદની રાતે અને અમાસની અંધારી રાતે ય રમવાની રમતો જાણીતી હતી. આવી રમતો કલાકો ને દિવસો સુધી રમાતી. આ બધી રમતો મનોરંજક હોવા ઉપરાંત બુધ્ધિવર્ધક, જ્ઞાનવર્ધક અને સમાજની સંસ્કૃતિનો પરિચય કરાવનારી બની રહેતી.
આજે પશ્ચિમની સંસ્કૃતિ અને ટી.વી. જેવા પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે નવી પેઢી જૂના સંસ્કાર વારસાને વીસરીને ટી.વી. કલ્ચરની નવી હવામાં ઉડઉડ કરી રહી છે. સાપ-સીડીની રમત લોકજીવનમાં ‘સાપ-નિસરણી’ તરીકે ખૂબ જ લોકપ્રિય હતી. લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન નગરશ્રી ચૂરુના સંસ્થાપક અને સંશોધક શ્રી ગોવિન્દ અગ્રવાલ નોંધે છે કે સાપ – સીડીની આજની રમત પ્રાચીન ભારતની ‘જ્ઞાનચૌપાટ’ની રમત ઉપરથી ઊતરી આવી છે. આ જ્ઞાનચૌપાટનો વિ.સં. ૧૮૪૫નો એક પટ્ટ નગરશ્રી ચૂરુના સંગ્રહસ્થાનમાં મોજૂદ છે. એમાં નીચેના ભાગમાં ૧૦૦ ખાનાં અને ઉપરના ભાગમાં જુદા જુદા ‘લોક’ દર્શાવાયા છે. આ રમત દ્વારા માનવી મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે તે રસપ્રદ રીતે દર્શાવાયું છે. ‘ક્રીડા કૌશલ્ય’ ગ્રંથની નોંધ અનુસાર ‘જ્ઞાનચૌપાટ’ની રમત મહારાષ્ટ્રના જ્ઞાનેશ્વર નામના એક સંન્યાસીએ પ્રચલિત કરી હતી અને લોકોમાં ખૂબ જ પ્રચાર પામી હતી. સાપસીડીની પ્રચલિત આ ધાર્મિક આવૃત્તિમાં ‘મોહ’ના ખાનામાં કુકરી પડે તો પતન થાય અને સંતોષના ખાનામાં પડે તો આધ્યાત્મિક ઉન્નતિ થાય. આમ રમતાં રમતાં છેલ્લે મોક્ષ મળે. છેલ્લા ઘરમાં કોઈ દેવદેવીનું કે ભગવાનનાં ચરણોનું ચિહ્ન જોવા મળતું. રમતમાં મળતી જીત, જીવન જીવવામાં પણ મળે તેવી અભિલાષા એમાંથી ઉદય પામતી.
રાજસ્થાનના કલામંડિત લોકજીવનમાં અત્યંત જાણીતી સાપ – સીડીની રમત અંગે લબ્ધપ્રતિષ્ઠત વિદ્વાન શ્રી મહેન્દ્ર ભાનાવત નોંધે છે કે આ રમતમાં આઠ અને નવ મળીને એકંદરે ૭૨ ખાનાં કે ખંડ હોય છે. આ ખંડોને જુદાં જુદાં નામ આપવામાં આવે છે, જેમાં સાપ અને નિસરણીઓની આખી જાળ બિછાવેલી હોય છે. એને વટાવીને ગોલોક, શિવલોક, વૈકુંઠ અને છેક બ્રહ્મલોક અર્થાત્ સ્વર્ગમાં પહોંચાય છે. સાપ-સીડીની આ આધ્યાત્મિક પ્રકારની મનોરંજક રમતમાંથી બોધ અને એવો સંદેશો સાંપડે છે કે માનવીનું જીવન અનેક વૈભવોથી ભર્યુંભાદર્યું હોવા છતાં યે ઘણીવાર એને સુખ દુઃખની કાંટાળી કેડીઓ પરથી પસાર થવું પડે છે. જીવનમાર્ગ પર એની ગ્રહદશા અનુસાર ક્યારેક શીળી છાંયડી તો ક્યાંરેક કાંટા, કાંકરા, ઝાળાં, ઝાંખરાં અને બિહામણા જંગલો જોવા મળે છે. માનવી જેવાં કર્મ કરે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે. સુકર્મો જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં સહાયરૂપ બને છે. દુષ્કર્મો માનવીને દુઃખ અને પતનની ઊંડી ખાઈમાં ધકેલે છે. જીવનભર એ પારાવાર પરેશાનીઓના ઘેરાથી વીંટળાયેલો રહે છે.
નિસરણી એ માનવીના ચડતા આધ્યાત્મિક, સામાજિક જીવનનું પ્રતીક બની રહે છે. માનવી સત્કર્મનું ભાથું બાંધતો બાંધતો તપશ્ચર્યા, દયાભાવ, પુણ્ય અને પરમાર્થ, ધર્મનિષ્ઠા, ઉદારતા, ગંગાસ્નાન, સત્કર્મ, દેવપૂજા, શિવ, માતા, પિતા, ભક્તિભાવ, સમાધિ, ગોદાન તથા હરિભક્તિ વગેરે ખંડમાંથી ચંદ્રલોક, સૂર્યલોક, અમરાપુરી, તપ, ધર્મ, બ્રહ્મ, શિવ, ઈન્દ્ર તથા ધર્મલોકની સાથે વૈકુંઠની પણ પ્રાપ્તિ કરે છે. ત્યાં બીજી બાજું જૂઠ, છળકપટ, ચોરીચપાટી, પરનારીગમન, વિશ્વાસઘાત, મિથ્યાવચન, ગોહત્યા, ઈર્ષા, અધર્મ, વગેરે ખોટા કુકર્મોરૂપી સર્પોનો દંશ થવાથી ક્રોધ, રૌર નરક, મોહજાળ, કુંભીપાક, નરક, પલિતયોનિ, બાળહત્યા, તલાતળ, રસાતળ આદિમાં પડીને અગણિત દુઃખો ભોગવવા પડે છે.
સાપ-સીડી ષટ્કોણ ગોટી વડે રમાય છે. આ ગોટી ઉપર લખેલા આંકડા અનુસાર કુકરીઓ આ ૭૨ ખંડોને વટાવતી વટાવતી સીડી ચડીને ઉપર ચાલે છે. ચાલતા ચાલતા સર્પના મોંવાળા ખાનામાં આવતાં જ સર્પના દંશથી તે નીચે પૂંછડી તરફ પતનની ખાઈમાં ધકેલાઈ જાય છે. આવો જ ક્રમ માનવજીવનનો પણ છે, જેમાં સુખ, દુઃખ, પ્રગતિ, પડતી, આનંદ, દુઃખ કર્માનુસાર એને મળ્યા જ કરે છે. અહીં સાપ-સીડીની રમત માનવમાત્રને સુકર્મો કરી સુખી થવાનો સંકેત આપે છે.
સાપ-સીડીની જ્ઞાનવર્ધક રમતના આ માધ્યમ દ્વારા માનવીના જન્મ, મરણ તથા જીવનજંજાળના સઘળા સિદ્ધાંતોનું મૂળ પણ જાણવા મળે છે. શ્રી મહેન્દ્ર ભાનાવત લખે છે કે વર્તમાન યુગમાં પાપ-પૂણ્ય, ધર્મ, અધર્મ, સ્વર્ગ-નર્ક અને લોક-પરલોકમાંથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે. ત્યારે આ રમતનું મૂલ્ય આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું મહત્તવનું બની રહે છે.
સાપ-સીડીની રમત કેવી રીતે રમાય છે એ જાણવું પણ રસપ્રદ બની રહે તેવું છે. સાપ-સીડીની રમત રમવા માટે એનો છાપેલો ૭૨ ખાનાં વાળો ચતુર્રંગી નકશો તૈયાર મળી રહે છે. જૂના કાળે તે કપડાં પર પટ્ટરૂપે તૈયાર કરાતો. આજે કાગળ પર છાપેલો સુલભ છે. એને રમવા માટે સાથે છ આંકડાવાળો પાસો અને એકેક કુકરી હોય છે. સાપ-સીડી જમીન પર મૂકીને એની ફરતાં રમનારાઓ બેસે છે. ચોપાટને મળતી જ આ રમત છે. રમનાર હાથમાં કૂકરી રાખે છે. એક જણ હાથમાં પાસો લઈ હલાવીને જમીન પર ફેંકે છે, જો એક દાણો આવે તો તે કૂકરી માંડી શકે છે. પછી જેટલા દાણા આવે તેની ગણતરી પ્રમાણે કુકરી ચલાવે છે. જો કૂકરી સીડીના નીચલા છેડાવાળા ખાનામાં આવે તો તે સડસડાટ કરતી આખી સીડી ચડી જાય છે, અને સીડીના ઉપલા ખાનામાં સીધી પહોંચી જાય છે. જો કૂકરી સાપના મોંવાળા ખાનામાં આવે તો સર્પની પૂંછડીવાળા નીચેના ખાનામાં સીધી ઉતારી દેવામાં આવે છે. આ પ્રમાણે ૭૨ ખાનામાં જે પ્રથમ પહોંચી જાય તે જીતી ગયેલો જાહેર થાય છે. જ્ઞાન ચોપાટ, જ્ઞાનબાજી કે સ્વર્ગ-સીડીની રમત પણ આ પ્રમાણે જ રમાય છે. એમાં ૭૨ ને બદલે ૧૦૦ ખાનાં આલેખાયેલાં હોય છે, પણ તેમાં મૃત્યુલોક, પાતાળલોક, સ્વર્ગલોક ગાંધર્વલોક, ઈન્દ્રલોક, નાગલોક, ધરમલોક જેવા સાત લોક ઉપરાંત અન્ય ખંડો દોરેલા હોય છે. સાપ – સીડીની નિર્દોષ રમત રમવાનો અને જ્ઞાનાનંદ પ્રાપ્ત કરવાનો લ્હાવો લેવા જેવો છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ