ગુજરાતના વણિકોને ‘શાહ’નો શિરપાવ શી રીતે મળ્યો ?

જૂના કાળે વિવિધ વરણના રહેઠાણ કે મહોલ્લા, વાડા, પાડા કે પોળોના નામે ઓળખાતા ૮૪ શાખમાં વહેંચાયેલા વાણિયાવાડાની ઓળખ લોકવાણીમાં આ રીતે અપાતી ઃ

‘નાજુક નાર ને ઘરેણાં ભારી,
કાલી ઘેલી ને ચાલે ચમકાળી,
પાઘડી મોટી ને શેઠજી જાડા,
એ એંધાણિયે વાણિયાવાડા’

આજે મારે આ વાણિયાવાડાની કે વણિકો સાથે જોડાયેલી ‘ઉભો વાણિયો લાખનો ને પડ્યો કોડીનો’, ‘આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રાહ્મણ’, ‘વાણિયા વિદ્યા કરવી’, ‘વાણિયા ભૈની મૂછ નીચી તો કહે સાત વાર’ કહેવતોની વાત નથી કરવી પણ આ ડાહીમાના વ્યવહારકુશળ અને ચતુરસુજાણ દીકરાઓની ઉદારતાની, દાતારીની અને તેમને ‘શાહ’ શિરપાવ શી રીતે મળ્યો અને મુસ્લિમ સુલતાનોની હારોહાર તેમની બેઠકો કેમ પડતી તેની રસપ્રદ કથા અહીં માંડવી છે.

ઇતિહાસ, પુરાણપોથીઓ અને જૂની વહીઓના જર્જરિત પાના ઉકેલીએ તો એમાંથી દાનવીર ખેમા દેદરાણીની દિલાવરીની કથા આળસ મરડીને બેઠી થાય છે. ઇ.સ. ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત માથે આક્રમણ કર્યું ત્યારે વાઘેલા સોલંકી વંશનો છેલ્લો રાજવી કર્ણદેવ રાજ કરતો હતો. ધસમસતા પૂરની જેમ પ્રસરેલા સુલતાનના સૈન્યે ગુજરાતને જીતી લીઘું. કર્ણદેવ જીવ બચાવીને નાસી છૂટ્યો. આ વિજય પછી અલ્લાઉદ્દીન ખીલજીએ તેમના સાળા અલ્ફખાનને ગુજરાતના નાઝિમ (સૂબા) તરીકે નીમતાં ગુર્જર રાજપૂતોની રાજ્યસત્તા અસ્ત પામી અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો. મુસલમાન શાસકોમાં અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહે ગુજરાતમાં સલ્તનતનો પાયો નાખ્યો.

પંદરમી સદીના ઉત્તરાર્ધ સમયની આ વાત છે. અહમદશાહ પછીના સુલતાનોમાં મહમૂદશાહ બેગડો સૌથી વઘુ શક્તિશાળી સુલતાન ગણાય છે. તે બહાદુર લડવૈયો અને પ્રખર વિજેતા ગણાતો. ન્યાયપ્રિયતા, યુદ્ધ કૌશલ્ય, વિવેકબુદ્ધિ, હિંમત, પ્રજાવત્સલતા જેવા અનેકાનેક ગુણોને લઈને પ્રજાપ્રિય બન્યો. દ્રઢ મનોબળના કારણે વિજયની વરમાળા એના ગળામાં આવીને પડવા માંડી. નાના વિજયથી એને સંતોષ નહોતો, પરિણામે મહત્ત્વાકાંક્ષી સુલતાને સોરઠી સિંહ રા’માંડલિકને મહાત કરી જૂનાણા (જૂનાગઢ)નો ગઢ જીતી લીધો.

એ કાળે મઘ્ય ગુજરાતમાં ચાંપાનેરની જાહોજલાલી ઇન્દ્રને પણ ઇર્ષ્યા આવે એવી હતી. નગરની સોહામણી શેરીઓમાં સમૃદ્ધિની છોળો ઉડતી. વૈભવી નગરના નગરજનો ચંદનકાષ્ટના તો મકાનો બાંધતા. એ સર્વ સંપત્તિનું રક્ષણ કરતો પાવા (પાવાગઢ)નો મજબૂત ગઢ ગૌરવશાળી યોદ્ધાની માફક અડીખમ ઊભો હતો. ત્યાં જયસિંહદેવ પતાઈ રાવળની આણ વરતતી. ‘મિરાતે સિકંદરી’ ગ્રંથના કર્તા કહે છે કે મહમૂદશાહે જૂનાગઢ પછી પાવાગઢ જીતીને ત્યાં વિજયનો વાવટો ફરકાવ્યો. આમ બબ્બે ગઢ જીતનાર મહમૂદશાહ ‘બેગડા’ને નામે જાણીતો બન્યો.

એ પછી ચાંપાનેરની જાહોજલાલી સોળે કળાએ ખીલી ઉઠી છે. નગરના પાદરમાં ફૂલવાડિયું લહેરાય છે. વેપાર વાણિજ્યથી નગર ધમધમવા માંડ્યું છે. ચાંપાનેરના નગરશેઠ અને મહાજનનો માનમૃતબો વધી ગયો છે. વેપારી વાણિયા ‘શાહ- સોદાગર’ના નામે માનપાન, ઇજ્જત અને આબરૂ પામ્યા છે. રાજદરબારમાં સુલતાનની હારોહાર એમના આસનો મંડાય છે. નગરજનોના પ્રશ્નોમાં મહાજનની સલાહ માન્ય રખાય છે. રાજા ને પ્રજાને સૌને લીલાલ્હેર છે, પણ કુદરતને આ મંજૂર નહોતું.

મેઘરાજા રીસાણા. ઇન્દ્રદેવને મનાવવા લોકે બાધા-માનતાયુ રાખી. દેવમંદિરોના ચોગાનના યજ્ઞકુંડમાં હોમહવન કર્યા. માનવીની કોઈ કારીને કુદરતે યારી આપી નહીં. હરિયાળા ગુજરાતની ધરતી સૂકીભંઠ થઈ ગઈ. નદી- સરોવરો સૂકાઈ ગયાં. ઘાસચારાની નીરણ વગર ઢોરઢાંખર ટપોટપ મરવા મંડાણા. ગાયું મકોડા ભરખવા માંડી. ભૂખના કારમાં દુઃખેને માવતરે બાળુડા છોડ્યાં. ધરતી માથેથી માનવીનો ધરમ અને બે આંખ્યની શરમ સઘળું ય જતું રહ્યું. દુકાળિયા ભૂખ્યા માનવટોળાં ઠેર ઠેર ભટકવા માંડ્યા. ખાવાનું કંઈ ન મળતાં, ભૂખ્યા- દુઃખ્યા માનવોએ ઝાડના પાંદડા ને થડિયાની છાલેય રહેવા દીધી નથી. નિહાકા નાખતા લોકકવિઓના મુખમાંથી દુકાળના દુહા ઠેકી ઠેકીને બહાર પડવા મંડાણા.

‘દુકાળિયામાં ચાર ગયા, દાન માન ને દીવો,
મે’માનુંની મે’માનગતિ ગઈ, 
જેમતેમ કરીને જીવો’ (૧)

‘આકરા દિન આવિયા, 
કાળે ખોલ્યું મુખ કરાળ,
ધરતીમાંથી નીર ચળ્યાં, 
માવતરે છાંડ્યા બાળ’ (૨)

રાંકાનો ફાટ્યો રાફડો, 
જોનારા જાણે જાકાર;
આકરા દિન આવિયા, 
ભોં ભાસે ભેકાર (૩)

શિયળ વેચે નારિયું, પિતા વેચે બાળ;
ભાઈ ભાઈ જુદા પડે, વરત્યો હાહાકાર 

આવો કડેડીને કાળ પડ્યો. દુઃખિયા ને ભૂખિયાઓની વણઝારો ઠેર ઠેર ભમવા માંડી. કાળની થપાટ પડતાં કંઈક સતિયાઓના સત અને ધનિકોની સાયબી સડસડાટ કરતી ગામતરે વઈ ગઈ. ખોરડે ખોરડે ભૂખના ભોરિંગે ભરડો લીધો. ઘરમાં હનુમાન હડિયો કાઢવા માંડ્યા. ગોકળ આઠમ રાહડે રમવા માંડી (ઉપવાસ પડવા માંડ્યા). ભૂખની ભેંકાર ભૂતાવળ ભૂસકા મારવા માંડી

‘ભૂખ નચાવત રંકહિ રાવહિ
ભૂખ નચાઈ જુ વિશ્વ બિગોઈ;
ભૂખ નચાવત ઈંદ્ર સુરાસુર
ઔર અનેક જહાંલગ જોઈ
ભૂખ નચાવત હૈ અધઉર્ઘઇ
તીનહુ લોક ગિનૈ કહ જોઈ’

અર્થાત્ ઃ ભૂખ રંક અને રાજા સૌ કોઈને નચાવે છે. ભૂખ મલક આખાને નચાવીને નિમાણો બનાવે છે. નીચું જોવરાવે છે. અરે ભૂખ તો ઇન્દ્રને, દેવદાનવોને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી સૌ કોઈને નચાવે છે. ભૂખ નીચે ને ઉપર ત્રણે લોકમાં સૌને નચાવે છે. ભૂખ તો બાપ, એવી ભૂંડી છે.

કાળના કોલુમાં પિસાતી ભૂખી પ્રજાના દુઃખને જોઈને પ્રજાવત્સલ મહમૂદશાહ બેગડાની આંખ્યુમાંથી ઉંઘે ઉચાળા ભર્યા છે. ચિંતાની શારડી એના હૃદયમાં ચક્કર ભમ્મર ફરવા માંડી છે. પ્રજાની ભૂખનું દુઃખ ટાળવાનો ઉપાય શું ? મોટામોટા નગરશ્રેષ્ઠિઓ સાથે બેસીને બેગડો સલાહ-સૂચન માગે છે. એક દિવસ ચાંપાનેર પધારેલા બેગડાએ નગરશેઠને તેડું મોકલ્યું. રાજનું તેડું આવતા ચાંપશી શેઠિયાએ સોનેરી કસબી કોરનું ધોતિયું પહેર્યું છે. ઘેરદાર જામો (લાંબો ડગલો) પહેર્યો છે. માથે રાતી ચાંચાળી પાઘડી મૂકી કેડ્યે ભેટ બાંધી છે. ભેટે તલવાર ઝૂલી રહી છે. પગમાં મારવાડની ચાંચાળી મોજડી અરઘી રહી છે. ખભે નાંખેલો ખેસ વાયરે લપેટા ખાઈ રહ્યો છે. આ બાજુ ચાંપશી શેઠ રાજદરબારમાં જવા તૈયાર થયા. ગામનું મહાજન શેઠની સાથે થયું. સૌ રાજકચેરીએ જવા નીકળ્યા. હવે અહીં ચાંપશી મહેતાની વાંહેવાંહે સાદુલખાં નામનો એક ઉમરાવ હાલ્યો આવે છે. આ આખો રસાલો બારોટવાડા પાસેથી પસાર થતો હતો ત્યાં ઓસરીમાં ખાટલો નાંખી હોકો ગગડાવતા બંભ બારોટ નગરશેઠને ભાળી ગયા. શેઠિયાને લાટાપાટા તૈયાર થયેલા જોઈને બારોટે બિરદાવલીના દુહાનો ઘા કર્યો ઃ

‘ચતુરાઈ ચારણતણી, ઠા રજપૂતા
વરણચકોર વાણિયો, કો’ કો’ અવઘૂતા’

દુહો સાંભળી ચાંપશી મહેતાનો માહ્યલો કૉળી ઉઠ્યો. એના અંતરમાં આનંદનો અબીલ ગુલાલ ઉડવા મંડાણો, મૉજના તોરા છૂટતાં નગરશેઠે પોતાના ગળામાં પહેેરેલી સાચા મોતીની માળા કાઢીને બંભ બારોટની ડોકમાં પહેરાવી દીધી. આ જોઈને મહાજન રાજી થયું પણ સાદુલખાં બળીને ખાખ થઈ ગયો. ઉતાવળા પગે કચેરીમાં જઈને બેગડાના કાન ભંભેરતાં કહ્યું ઃ ‘જહાંપનાહ ! આપણા આ રાજકવિ જાગીર તમારી ખાય ને વખાણ ઓલ્યા વાણિયાના કરે ? એવું કેવું ? તમારી બિરદાવલિયું ગાવાને બદલે ઓલ્યા નગરશેઠને ભલું મનવે છે. નગરમાં નિમકહરામનો થોડો જ તોટો છે ?’

આટલી વાત સાંભળીને બેગડાનું ચિત્તેય ચકડોળે ચડ્યું. એણે મનોમન નગરશેઠનું પાણી માપી લેવાનો મનસૂબો કર્યો. ત્યાં તો ચાંપશી મહેતા ને મહાજન કચેરીમાં આવી પહોંચ્યા. વાંહોવાસ બારોટજી પણ આવી ચડયા. સૌએ બાદશાહને સલામ ભરી પોતપોતાના આસન લીધાં. પ્રાસ્તવિક વાતો પછી મહમૂદશાહ બેગડાએ ગંભીર બનીને વાતનું મંડાણ કર્યું. ‘રાજમાં દુકાળ ડાકલાં વગાડે છે. માનવી અનાજપાણી વગર ટળવળે છે. પ્રજાની પીડા મારાથી જોવાતી નથી. ચાંપાનેરનું મહાજન જીવદયાપ્રેમી કહેવરાવે છે. નગરના વણિકો ‘શાહ’ કહેવરાવે છે, બારોટજી એમની બિરદાવલિયું ગાય છે. રાજમાં લોકો મુઠ્ઠી ધાન માટે તરફડીને મરે છે. બારોટજી ! તમે સામે ઉભેલા શ્રેષ્ઠિઓને કહી દ્યો કે ચાંપાનેરનું મહાજન રાજની પ્રજાને દુકાળ પાર કરાવે, નહીંતર ‘શાહ’ લખવાનું છોડી દ્યે. મહિનાની મહેતલ આપું છું. આઠ દિ’ની અવધિમાં મને તમારો નિર્ણય જણાવો. બેમાંથી સારું ઇ તમારું.’

ગુજરાતમાંથી ‘શાહ’નો શિરપાવ ઝૂંટવી લેવાના બેગડાના ઈરાદાને પારખી બંતી બારોટે ઊભા થઈને એક દૂહો રમતો મૂક્યો ઃ

‘રાજપૂત, ચારણ ને વાણિયો, 
ચોથી નખરાળી નાર, 
એતા ભક્તિ ન ઉપજે 
ઉપજે તો બેડો પાર.’ 

‘ચાંપશી મહેતા, જરીકે ય મુંઝાશો મા! બાદશાહ સલામતનો પડકાર મોજથી માથે ચડાવો.’ આ સાંભળી નીચી નજરે ભોં ખોતરતા શ્રેષ્ઠિઓમાં નવી હિંમત આવી. મહાજનના મોવડી ચાંપશી મહેતાએ રણટંકાર કરતાં કહ્યું ઃ

‘બાદશાહ સલામત ! આપ રાજવી છો. દુકાળનું દુઃખ અમારાય કાળજાં કોરી ખાય છે. રાજ જો પરજાને દુકાળમાંથી ન ઉગારી શકતું હોય તો અમારું મહાજન આ પડકાર ઝીલી લ્યે છે. આપ સૌ મારી વાત સાથે સંમત છો ને!’ મહાજનમાં આવેલા શ્રેષ્ઠિઓએ માથાં હલાવીને પોતાનો મૂંગો સૂર પુરાવ્યો. ત્યારે બેગડાએ એટલું જ કહ્યું ઃ ‘મોટાઈના પારખામાં જો પાર નઈં ઉતરો તો બારોટજી પહેલાં તમને અને પછી તમે જેમની મોટાઈના અહર્નિશ ગુણલા ગાવ છો એ બધાને દેશવટો દઈ દઈશ.’

‘બાદશાહ સલામત! યુદ્ધે ચડેલા સૈનિકોને મોતની બીક હોતી નથી. રાજનો પડકાર માથે ચડાવીએ છીએ. રાજની પ્રજાને દુકાળમાંથી પાર નઈઁ ઉતારીએ તો અમારો ‘શાહ’નો સરતાજ છોડી દીશું.’

હવે પારોઠના પગલાં ભરીએ તો આ બારોટને પેટમાં કટારી ખાઈને મરવા સિવાય બીજો આરોવારો નઈં રિયે!’ બારોટે મહાજનને પેટછુટી વાત કરી. બાદશાહ બેગડો, બારોટ અને મહાજન વચ્ચે થયેલી વડછડની વાત કચેરીમાંથી વહેતી વહેતી નગરમાં સૌ કોઈના હૈયે ને હોઠે રમવા મંડાણી. મહાજને યુદ્ધના ધોરણે કામગીરી આરંભી. ચાંપાનેરના સૌ વણિકો ભેગા થયા. ખબર્ય પડતાં અડખેપડખેના વણિક વાણિયાઓની નવ નાત ભેગી થઈ. સૌનો એક જ સૂર હતો. ભલે ધનના ભંડાર ખાલી થઈ જાય પણ લાખ વાતેય ‘શાહ’નો સરતાજ જાવા નથી દેવો. બેગડાની મમત અને વણિકોની પ્રતિષ્ઠા વચ્ચે જંગ ખેલાણો.

ચાંપાનેરના મહાજને દુકાળના ખરડામાં ચાર મહિના લખાવ્યા. અડખેપડખેના વાણિયાઓએ પોતાના ગજા પ્રમાણે બે મહિના લખાવ્યા. બાકીના ૬ મહિનાની જોગવાઈની ટીપ કરવા માટે ચાંપાનેરનું મહાજન ઘોડે ચડીને ચાલી નીકળ્યું. એક નગર મૂકે છે ને બીજું ઝાલે છે. એમ કરતાં કરતાં સૌ પાટણ પોગ્યા. પાટણના મહાજને બે મહિના માથે લીધા, ત્યાં તો વીસ દનૈયા ભાંગી ગ્યાં. હજુ ચાર મહિનાની જોગવાઈ કરવાની બાકી હતી. દસ દિવસ બાકી રહ્યા હતા. મહાજનના મોવડી ચાંપશી મહેતાને મુંઝવણનો પાર નહોતો. કોલ ન પળાયો તો ગુજરાતભરના વાણિયાઓએ ‘શાહ’નું બિરુદ છોડી દેવું પડશે. મહાજનને માથે કાળી ટીલી બેસી જશે. બારોટ આપઘાત કરીને મરશે તો પાપનો ભાર નઈં વેંઢારાય. હવે તો હરિ કરે ઈ ખરી.

આમ ચિંતાના ભારનું પોટલું માથે લઈ ચાંપશી મહેતા અને મહાજન પાટણથી અમદાવાદ આવી ધોળકા-ધંધુકા તરફ જવા નીકળ્યા. ભાલ નળકાંઠાની ધરતી માથે ઘોડાના ડાબલાની બઘડાટી બોલતી જાય છે. જાતાં જાતાં જાતાં લાખેણી લાડીના લલાટે શોભતા ચાંલ્લા જેવું હડાળા (ભાલ) નામનું નાનુ એવું ગામ આવ્યું. ચાંપાનેરનું મહાજન દુકાળની ટીપ કરવા ધંધુકાભણી જાય છે ને ચાંપશી મહેતા એના મોવડી છે એ વાતની જાણ થતાં મેલાંઘેલાં, લઘરવઘર લૂગડાં પહેરેલો એક માણસ મારગ માથે આડો ફરીને ઊભો રહ્યો અને બે હાથ જોડી કાકલુદી કરતો બોલ્યોઃ ‘ચાંપશી શેઠ! ઘડીસાત ઊભા રિયો ને મારી એક અરજ સાંભળતા જાઓ.’
‘અરે ભલા માણસ! અટાણે અરજ સાંભળવાનો વખત નથી. મારું મોટું નામ સાંભળીને ગામડાંના લોકો મારી પાંહે ધનની માગણી કરતાં આવે છે. હું જ ધનભેગું કરવાની વિમાસણમાં છું. ગુજરાતની પ્રજાને દુકાળ તરાવવા મહાજનનો મોભી બનીને નીકળ્યો છું. અટાણે પૈસો ય આપવાનું મને પોહાય એવું નથી. ઠાલી મફતનો મારો વખત નો બગાડો.’

‘નગરશેઠ! હું તમારી પાસે પૈસાની ભીખ માગવા નથી આવ્યો. હુંય વણિક છું. સાધર્મિક છું. તમારી ટેકની વાત મેં સાંભળી છે. ભલા થઈને મારે ઘેર છાશું પીવા (રોટલા જમવા) પધારો એવી અરજ ગુજારવા આવ્યો છું.’

ચાંપશી મહેતા થોડા ઢીલા પડયા ને બોલ્યા ઃ
‘તમારું નામ ?’

‘લોકો મને ખેમા દેદરાણી તરીકે ઓળખે છે. મહાજન મારા આંગણે પગલાં કરી આંગણું પવિતર કરતા જાય એટલી મારી અરજ છે. મેં ય સાંભળ્યું છે કે જૈન શ્રેષ્ઠીઓ દુકાળના ટાણે જગતને જીવાડવા નીકળ્યું છે. શ્રેષ્ઠીઓએ પોતાના ભંડાર ખોલી નાખ્યા છે. ગરીબ ખેડૂતો કણમાંથી અર્ધા કણ આલે છે. મોટા મનના મહાજનો કણને મણ માની એનો સ્વીકાર કરે છે. મનેય કંઈક આપવાનો ભાવ છે. ઘૈડિયાની પુનઈના પ્રતાપે યથાશક્તિ આપની ટહેલમાં કંઈક આપવું છે. પણ આપ સૌ એકવાર મારા આંગણે પધારો.

આમ બોલતો ખેમો દેદરાણી મહાજનના પગમાં પાઘડી ઉતારી સૌને પોતાના ઘેર લઈ ગયો. દેદરાણીની ડહેલીમાં મહાજને મુકામ કર્યો. ઓશરીમાં રાતી જાજમ માથે ગાદલાં ને તકિયા નંખાઈ ગયા. ઓતારિયા ગામના કુંભારે બનાવેલા માટીના ગોળામાંથી ટાઢાબોળ પાણીના કળશ્યા આવ્યા. હાથ- મોં ખંગાળી શેઠિયાઓએ જામા ને પાઘડિયું ખીંટીએ ટાંગ્યાં. ચાપાણી પીને સૌ દુકાળિયા મલકના માનવીઓની કઠણાઈની વાતોએ વળગ્યા. ત્યાં તો ગામના શેઠિયાઓ આવી ગયા. રસોઈ તૈયાર થતાં સૌ જમ્યા. એ પછી ચાંપશી મહેતાએ ટીપ કાઢીને મઈં નામ માંડયું ઃ ‘ખેમા દેદરાણી હડાળા ભાલ.’ અને રકમ ભરવા ટીપ દેદરાણીના હાથમાં મૂકી.

સોનારૂપાની વાટકિયુંમાં દૂધ પીને મોટા થયેલા ખેમા દેદરાણીના બાપુ જીવા દેદરાણી ખાટલામાં બેઠાબેઠા હોકો ગગડાવે છે. નેવું વરહના કાળના ઝપાટા ખમીને બેઠેલા નવકારસી બાપ બેઠા બેઠા નવકાર મંત્ર જપે છે. ખેમા દેદરાણીએ આવીને બાપને ટીપ બતાવીને એટલું જ કીધું ઃ

‘બાપુ! દેશમાં દુકાળ ડાકલાં વગાડે છે. ભૂખના દુઃખે માનવી રીબાઈ રીબાઈને કાળનો કોળિયો થઈ જાય છે. ભૂખનું દુઃખ દુનિયામાં ભારે ભૂંડું છે. ભૂખે મરતાં માનવીઓને બચાવવા બેગડાએ બે હાથ જોડીને મહાજનને વિનંતિ કરી છે. મહાજન ગામોગામ જઈને અનાજ અને ઢોર માટે ઘાસચારો એકઠો કરવા અરજ ગુજારે છે. આ બધા શ્રેષ્ઠીઓ આજ આપણે આંગણે પધાર્યા છે. બાપુ! આપણે ટીપમાં શું લખાવવું છે?’

મોં પર આનંદની રીંછડી રમાડતા તપસી બાપ એટલું જ બોલ્યા ઃ ‘દીકરા ખેમા! જરૂર કરતાં વધુ ધનના ઘરમાં ઢગલા કરીએ તો આપણે ન ઈચ્છીએ તો પણ અધરમ થાય. અન્યાય થાય. લખમીને પૂન્યદાનમાં ન વાપરીએ તો એ બુરા કામ કરાવે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મહાજન આપણા આંગણે આશા લઈને આવ્યું છે. આપણી સાત પેઢી ભરી જાય એવો આ ઊજળો અવસર આવ્યો છે. મહાજન આગળ આપણા કણના સંધાય કોઠાર ઉઘાડા મેલી દ્યો. માનવતાનો સાદ પડે ત્યાં આપણાથી મૌન કેમ બેસાય? જીવો ને જીવાડોનું પુણ્ય આપણા ધરમમાં મોટું મનાયું છે. આપણા પૂ. સૂરિશ્વરજી મ. સાહેબે આજથી પાંચ વર્ષ પૂર્વે કોઠારો બનાવી એમાં કણ (અનાજ) સંઘરવાનો આદેશ આપ્યો હતો, જેથી કાળદુકાળે ભૂખ્યાં માનવીઓને જીવાડી શકાય. મેં અઢળક દ્રવ્ય ખરચીને કણના કોઠારો ભર્યાં છે. ગુરુદેવની આગમવાણી આજ સાચી પડી છે.”

ખેમા દેદરાણીએ મહાજનને બે હાથ જોડીને એટલું જ કહ્યું ઃ ‘આજથી ટીપ બંધ કરો. રાજની પ્રજાને દુકાળ તરવા જે જોઈશે ઈ તમામ ખર્ચ હું આપીશ. અનાજ અને ઘાસચારાનો ય બંદોબસ્ત હું કરીશ. આપ ચિંતામુક્ત બનીને ચાંપાનેર પાછા પધારો અને બેગડાને કહો દુકાળની કોઈ ચિંતા ન કરે.’

આટલું બોલીને ખેમા દેદરાણીએ હૈયાકપાટ સરખા સઘળા અનાજ અને દ્રવ્યના ભંડારો સંઘને સમર્પિત કરી દીધા. મહાજને જોયું તો જીવા દેદરાણીએ પોતાના એકસો ને આઠ મકાનોના મધ્યભાગમાં ઊંડા કૂવા જેવા કોઠારો કરાવેલા. એમાં ઘઉંનું કુંવળ ભરી વચ્ચેના ભાગમાં ઘઉં ભરી રાખેલા. અનાજ સંઘરવાની આવી સૂઝને કારણે પાંચ પાંચ વરસના વહાણાં વાયાં પછીયે અનાજનો એકેય દાણો સડયો નહોતો. સઘળા કોઠાર ઘઉંથી છલોછલ ભર્યાં હતા.

મહાજનના જૈન શ્રેષ્ઠીઓ મેલાઘેલા માનવીની દિલાવરી દેખીને આશ્ચર્યચકિત થઈ ગયા. ચાંપશી મહેતાને મોટાઈનું અભિમાન ઓસરી ગયું. ગામડાગામના વણિકને મહાજન વંદન કરી રહ્યું. સૌની આંખમાંથી હરખના આંસૂડાં વહ્યાં જાય છે. ભૂખ્યા લોકોને માટે ગાડામાં અનાજ ભરાવા માંડયું. પોઠિયા, ગાડાં ને એકાની હકડેઠઠ હાર્ય લાગી ગઈ. આ સમાચાર કાસદ મારફતે મહમૂદશાહ બેગડાને પહોંચ્યા. એનાથી એટલું બોલી જવાયું ઃ ‘યા અલ્લાહ પરવરદિગાર! તેરા અહેસાનમંદ હું.’

ઈતિહાસનાં પાનાં ઉઘાડતાં જણાય છે કે મહમુદશાહ અર્થાત્ મહંમદ બેગડાએ ખેમા દેદરાણી અને એના બુઢ્ઢા તપસ્વી બાપને ચાંપાનેર તેડાવ્યા. દરબાર ભરીને બેગડાએ દાનવીર બાપદીકરાનું, ચાંપશી મહેતા અને મહાજનના સૌ શ્રેષ્ઠીઓનું ઉમળકાથી સન્માન કર્યું. એ વખતે બેગડાએ પ્રજાજનોને જાહેરમાં કહ્યું કે ‘ગુજરાતમાં આજથી પ્રથમ ‘શાહ’ વાણિયા ને બીજો શાહ સુલતાન બેગડો!’ બસ ત્યારથી જૈન વણિકોને ‘શાહ’ શબ્દનો શિરપાવ મળ્યો. દુષ્કાળમાં જગ જીવાડનારા જૈનોનો જયજયકાર થયો. આ પૂર્વે માત્ર રાજદરબારમાં ‘શાહ’ શબ્દ રાજ્યના અધિકારી કે સુલતાનને માટે જ વપરાતો હતો. આ દિવસથી ‘શાહ’ શબ્દ સમગ્ર વણિકોની નાતને માટે વપરાતો થયો. એની કહેવત લોકજીભે રમતી થઈ ઃ

પ્રથમ શાહ વાણિયા 
બીજા શાહ સુલતાન 

આમ દાનેશ્વરી વાણિયાની કીર્તિ જગમાં અમર થઈ ગઈ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!