કાઠિયાવાડના ધુરંધર રાજવીઓની પાઠશાળા : રાજકુમાર કોલેજ 

રાજકોટની “રાજકુમાર કોલેજ” [RKC] આજે પણ તેની ભવ્ય પુરાણી ઇમારત, ભાવસિંહજી હોલ અને તેમાં મુકાયેલા હથિયાર વગેરેના પ્રદર્શનોને લીધે ગુજરાતના ગૌરવ સમાન દિપે છે. રાજકુમાર કોલેજ આજે પણ તેના શિસ્ત, શિક્ષણ અને કડક નિયમોને લીધે વિખ્યાત છે. અહિં ભણતા ઘણા વિદ્યાર્થીઓ IPS અને IAS ઓફિસર બન્યા છે. અહીંનુ શિક્ષણ પ્રભાવશાળી છે. તો આ કોલેજનો ઇતિહાસ પણ એટલો જ પુરાણો છે. એ વખતમાં આ કોલેજમાં માત્ર રાજકુમારોને જ પ્રવેશ મળતો.

અંગ્રેજોના વખતમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજઘરાનાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવો પડતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના એ વખતમાં પ્લેનની સુવિધા નહોતી એટલે સ્ટિમરનો દરિયાઇ માર્ગી પ્રવાસ ખેડવો પડતો. જેમાં મહિનાઓ વિતી જતાં અને અડચણો પણ આવતી.

આથી, કાઠિયાવાડના બધાં રાજવીઓએ નક્કી કર્યું કે, આપણે સૌએ ફાળો એકત્ર કરીને કાઠિયાવાડમાં જ કેમ્બ્રિજનું શિક્ષણ આપતી કોલેજ બનાવવી. જેથી અહિં જ રાજકુંવરો ઉચ્ચ અને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. ફાળો થયો અને રાજકોટમાં “રાજકુમાર કોલેજ“નો પાયો નખાયો. ૧૮૬૮ ની સાલમાં મુંબઇના ગવર્નર સ્કોટ ફિત્ઝરાઇવે રાજકુમાર કોલેજની ઇમારતનો પાયો નાંખ્યો અને ૧૮૭૧ ની સાલમાં રાજકુમાર કોલેજ શરૂ થઇ. રાજકુમાર કોલેજમાં ફક્ત રાજકુંવરોને જ અભ્યાસ કરવાની મંજૂરી મળતી હતી. અહિં અભ્યાસ કરનાર અમુક રાજકુમારો ઇતિહાસના ચોપડે સદાય અમર નામ કોતરી ગયા છે. અને આવા મહાન રાજવીઓને લીધે જ રાજકુમાર કોલેજ આજે પણ સુવિખ્યાત છે. ગોંડલના સર ભગવતસિંહજી, ભાવનગરના તખતસિંહજી, રાજકોટના શ્રી બાવાજીરાજ, મોરબીના સર વાઘજી, જામનગરના રણજીત સિંહજી વગેરે આ કોલેજના વિદ્યાર્થી હતા.

ભગવતસિંહજી સિવિલ એન્જીનિયર બન્યા અને ગોંડલનું રાજ ઉજાળ્યું. એક મહાન પ્રજાવત્સલ રાજવી તરીકે એમની ઓળખ ઉભરી આવી. એટલા જ તેઓ કેળવણી અને સ્વાસ્થયના હિમાયતી પણ હતાં. “ભગવતગોમંડલ” નામે માત્ર ગુજરાતીનો જ નહિ, ભારતીય ભાષાઓમાં પણ અમૂલ્ય એવો કોશ બહાર પાડીને ગુજરાતી ભાષા માટે સદાઅમર કાર્ય કર્યું. એના આ કાર્યને લીધે તેઓ આજે પણ અમર છે.

Rajkumar Collage

એવી જ રીતે મોરબીની સકલ ફેરવી નાખનાર અને મોરબીને ભારતનું પેરિસ બનાવનાર સર લાખાજી રાજ પણ આ કોલેજમાં ભણેલા. ભારતીય ક્રિકેટના પ્રેરણારૂપ મહાન ખેલાડી અને જેના નામે રણજી ટ્રોફી રમાય છે એવા જામનગરના રાજવી સર રણજીતસિંહજીએ પણ આ કોલેજમાં અભ્યાસ કરેલો. રાજકોટના બાવાજીરાજ અને ભાવનગરના તખ્તસિંહજી ગોહિલ પણ આ કોલેજના છાત્ર હતાં. આમ, ખરેખર કહિ શકાય કે રાજકુમાર કોલેજમાં હિરલા પાક્યા છે અને માટે જ એ કોલેજ આજે પણ વિખ્યાત છે !

રાજકુમાર કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ મેકવોટન નામના અંગ્રેજ હતાં. દલપતરામના પુત્ર અને ગુજરાતી ભાષાના ખરેખરા મહાકવિ એવા ન્હાનાલાલે પણ આ કોલેજના છાત્રોને શિક્ષણ આપેલું. સને ૨૦૧૧માં અહિં કન્યાઓ માટે “રાજકુમાર ગર્લ્સ કોલેજ” પણ બનાવવામાં આવી, જેનું ઉદ્દઘાટન તત્કાલીન ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલે કરેલું.

આજે પણ રાજકુમાર કોલેજ એની વિરાસત અને ભવ્યતાને પ્રતાપે સૌને આકર્ષી રહી છે. એનું ભવ્ય બિલ્ડિંગ આજે પણ અડીખમ રહીને પોતાના પ્રતાપી ભુતકાળની ઝાંખી કરાવે છે. તદ્દોપરાંત, એવી જ ભવ્યતા કોલેજના સંકુલની પણ છે. શાસ્ત્રી મેદાન સામે આવેલ આ કોલેજમાં આજે પણ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.

કોલેજના બિલ્ડિંગ મધ્યે આવેલ ભાવસિંહજી હોલ મુલાકાતીઓને હંમેશા આકર્ષતો રહ્યો છે. આ વિશાળ હોલ બેનમુન આભા ધરાવે છે. અહિં વિવિધ પુરાણા હથિયારોનું પ્રદર્શન થાય છે, જેની ઝાંખી જોતા સવાસોએક વર્ષ પહેલાંના ભૂતકાળની યાદ તાજી થાય છે. ખરેખર, કાઠિયાવાડ માટે રાજકુમાર કોલેજ આજે એક વિરાસત જ છે.

જસદણ દરબાર આલા ખાચરનો પ્રસંગ

જ્યારે જ્યારે રાજકુમાર કોલેજની વાત સામે આવે એટલે તરત જ એક પ્રસંગ યાદ આવે. એ પ્રસંગ અહિં મુકવા યોગ્ય છે. કોલેજના નિર્માણમાં કેવા માંધાતાઓનું યોગદાન છે તેની એક ઝલક આ પ્રસંગમાં રહેલી છે –

વાત છે રાજકુમાર કોલેજના શિલાન્યાસ વખતની. કોલેજનો પાયો નખાયો હતો અને એ પ્રસંગે કાઠિયાવાડના બધાંહરાજવીઓ અહિં એકત્ર થયા હતાં. ધ્રાંગધ્રા, જસદણ, ગોંડલ, હાલાર અને ભાવેણા જેવા બધાં રાજ્યના મહારાજાઓ કોલેજના શિલાન્યાસ પ્રસંગે ભેગા થયેલા. કોલેજના ખોદેલા પાયામાં બધાં રાજવીઓ ધુળનો ખોબો ભરી ભરીને નાખતા હતાં.

જસદણના દરબાર બાપુ આલા ખાચરનો વારો આવ્યો. આ નાનકડા સ્ટેટના રાજવીએ પાયામાં ખોબો ધુળ નાખવાને બદલે ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા ! બધા અચંબિત થઇ ગયા અને અમુક તો કતરાયા કે, આ ખોબા જેવડા રાજના દરબારને મુઠી દોલતનું ભારે અભેમાન આવ્યું…!

એક જણે આલા ખાચરને કહ્યું કે,બાપુ ! આ ભાવેણા, ગોંડલ ને હાલાર જેવા જબરાં અને ભારોભાર ધન-દોલત ધરાવતા રાજના ધણીઓએ તો ધુળ જ નાખી અને તમને વળી એવું તો શું અભિમાન આવ્યું ? આ બધાં ધારત તો ચાંદીના ગાડા ઠલવી શકત તોયે કોઇએ તમારી જેમ દોલતનો ઘમંડ ન લાવ્યો. ને તમારે વળી રાજ કેવડુ ને દોલત કેવડી…!

આ સાંભળીને જસદણ દરબાર આલા ખાચરે કહેલું કે, બાપુ ! અભેમાનની વાત નથી પણ આટલી જીંદગીમાં હજી સુધીમાં કોઇ દિ કોઇને ધુળ નથી આપી, બને એટલી દોલત જ આપી છે. ને જો હવે જાતે દા’ડે હું ખોબો ભરીને ધુળ આપું તો મારી જણનારીમાં ધુળ પડે, ભાઇ ! મારી કને દોલત ભલે ઓછી હોય પણ દાતારી ઘણી છે.

કેવી દાનવૃત્તિ ! કેવી દાતારી !જે કોલેજના પાયામાં આવા બીજ રોપાયેલા છે એમાંથી કાઠિયાવાડના ધુરંધરો પાકે એમાં શી નવાઇ !

– Kaushal Barad.

error: Content is protected !!