પાન ખાવાની ભારતીય પરંપરાનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભાષાનું ઘરેણું ગણાતી કહેવતો લોકજીવનના અનુભવમૂલક જ્ઞાનનો ભર્યો ભંડાર ગણાય છે, જેમ કેઃ

નાર, ચોર ને ચાકર ત્રણ કાચા ભલા;
પાન, પટેલ ને પ્રધાન ત્રણ પાકા ભલા.

નાગરો માટેની એક ઉક્તિ છે ઃ જૂના જમાનામાં નાગરો માટે પાંચ ‘પ’ પ્રચલિત હતા. અર્થાત્ ઃ પ્રત્યેક નાગરના ઘરમાં પાંચ વસ્તુ અવશ્ય જોવા મળતી. ૧. પાટિયું – હીંચકો ૨. પાટલો – ભોજન અને પૂજા માટે. ૩. પીતાંબર – (રેશમી વસ્ત્ર) ૪. પારણું અને ૫. પાન – અર્થાત્ પાનપેટી – જેમાં કાથો ચૂનો સૂડી ને સોપારી હોય. નાગરો પાન જાતે બનાવીને ખાત. અને મહેમાનોને મોજથી ખવરાવતા. નાગરવેલના પાન અને નાગરોનો સંબંધ આ રીતે જોડાયેલો છે. આજે આ પાનની પંચાત માંડવી છે.

મુખવાસ માટેના નાગરવેલના પાનને સંસ્કૃતમાં તાંબૂલ કે નાગવલ્લીના નામે ઓળખવામાં આવે છે. ફારસીમાં એને માટે તંબૂલ કે તમ્બોલ, અંગ્રેજીમાં બિટલ અને ગુજરાતીમાં નાગરવલ્લી, નાગરવેલ, પાનવેલ કે તાંબૂલ જેવા શબ્દો જાણીતા છે. ચહેરેમહોરે રૂપાળી નારીને નાગરવેલ્યની અને શરમાળને લજામણીના છોડની ઉપમા અપાય છે. પાનના પણ આપણે ત્યાં કેટકેટલા પ્રકારો! કપૂરી, બંગલા, મઘઇ, માંગરોળી, મદ્રાસી. એવલી, મલબારી, ચોરવાડી, બનારસી બંગલા, કલકત્તી, અંબાડી, કરિયેલ. દરેકનો સ્વાદ અને બાંધણી જુદાજુદા જોવા મળે છે.

ભગવદ્ગોમંડલમાં પાનના ૨૨ અર્થો આપ્યાં છે. પાન એટલે દાર બનાવનાર અને વેચનાર કલાલ, પગરખાની એડી પાછળ નંખાતો રંગીન ચામડાનો કટકો, હાથ, નદીમાં થતું ઘાસ, પગની પાની, ગંજીફાના ચાર માંહેનો એક પ્રકાર. પાન આકારનું ઘરેણાંમાં નંખાતું ચગદુ, નહેર, વેગ, પ્રાણ, બ્રહ્મા અને નાગરવેલનું પાન. આ પાન ઉપરથી બનેલા શબ્દો પણ એટલા જ રસપ્રદ છે.

પનગરા – સોનારૂપાના વરખ બનાવનાર મોચીની એક પેટા જ્ઞાતિ.
પાનતાંતી – ઉત્કલ પ્રાંતના હરિજનોની એક જ્ઞાતિ.
પાનેલિયા – લેઉવા કણબીની પાનશેરિયા કે પાનસુરિયા – અટક.
પાનસોલા તરગાળા અને વ્યાસ બ્રાહ્મણોની એક અટક.
પાનિયા – દેવીપૂજકોની અટક.
પાનખિલાઇ – સગપણ કે વેવિશાળ કરવાની એક વિધિ.
પાન-ગુલાબ – સત્કાર સમારંભમાં આપવામાં આવતાં પાનબીડું તથા ફૂલ, ગુલાબ વગેરે.
પાનગૃહ – મદ્યશાળા કે પીણા વેચવાની દુકાન.
પાણગૃહિણીકા – પાણી ભરનારી દાસી.
પાનગોષ્ઠિકા – પાનચમચી – ખલતો.
પાનકોથળિયું – કોથળીવાળું તોરણ.
પાનડિયું – કાનમાં પહેરવાનું એક ઘરેણું.
પાનદાન કે પાનદાનિયું – પાનદાની.
પાનનો દાબડો. પાનપટ્ટી – કાથો ચૂનો ચોપડી સોપારી વગેરે મૂકી વાળેલું પાનનું બીડું.
પાનપડો – પાન બાંધ્યાં હોય તેવું પડીકું.
પાનફૂલિયું – જેણે દુઃખ અનુભવ્યું હોય એવું.
પાનભાત – પાટણના પટોળાની એક ભાત.
પાનબાજરિયું – ઘા બાજરિયું, ઘા રુઝવનારું બાજરિયું.
પાનમહાલ – પાનની ખેતી ઉપરનો કર.
પાનહી – પગરખાં. પાનસુંઘામણી – અમરેલી તરફ રમાતી એક પ્રકારની રમત ઈત્યાદિ.

ભારતીય દિનચર્યામાં ભોજન બાદ તાંબૂલભક્ષણ – પાન ખાવાની પરંપરા મુખવાસમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. તાંબૂલ એટલે અહીં નાગરવેલનું પાન સમજવાનું છે. પાનને પ્રાચીન કાળથી મુખભૂષણમ્ કહેવામાં આવે છે. કહેવાય છે કે ‘તાંબૂલય બિના રાજા, પાંડિતય તિલકમ બિના ન શોભતે.‘ એટલે પાન વગર રાજા અને તિલક ધારણ કર્યા વિનાનો બ્રાહ્મણ શોભતો નથી એમ સંસ્કૃત સુભાષિતોમાં કહેવાયું છે. શૃંગારરસમાં પણ પાન અદ્વિતીય રહ્યું છે. ડૉ. હસુ યાજ્ઞિાક નોંધે છે કે ‘પાન ભારતમાં આજકાલનું નથી. દસ્તાવેજી પ્રમાણ સાથે કહી શકીએ કે તે દસમી સદી પહેલાંનું છે. બાણભટ્ટની કાદંબરીમાં રાજાને તાંબૂલ આપનારી તાંબૂલવાહિનીનો ઉલ્લેખ છે. પાન એટલે માત્ર પ્રેમરસ નહીં. વીરરસ પણ ખરો! કોઇ જીવસટોસટનું સાહસ કરવાનું હોય ત્યારે રાજા તરફથી જ પાનના બીડાની તાસક ફરે અને એનું બીડું ઉઠાવનાર જીવસટોસટનો જંગ ખેલવાનું આહવાન ઊઠાવે. અરે કોઇને મોત વહાલું કરી લેવાની સજા સ્વીકારી લેવી હોય તો રાજા હાથોહાથ પાન આપે ને એ સ્વીકારનાર સબહુમાન આત્મઘાતી સજા સ્વીકારી લે, એવી પણ ઘટના નોંધાઇ છે.

પેન્જર જેવા વિદેશી વિદ્વાન કથાસરિતાસાગરની અનેક કથાઓના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતાં પાન વિશે પણ ઘણી નવી વિગતો આપે છે. એણે કથામાં આવતાં પાનના વિવિધ સંદર્ભો આપ્યાં છે તે સાથે ભારતમાં આવનારા વિદેશીઓએ ભારતમાં આવતાં પાન ખાવાના આ તદ્દન નવા અને જુદા જ શોખને જોતાં  જે આશ્ચર્ય અનુભવ્યા તે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ્યા તે આપ્યા છે. મુસ્લિમ અને મુગલકાળના ઈતિહાસ લેખકોએ પણ પાન કેટલા પ્રકારના છે, તેના વેલા કોણ ઉછેરે છે, કેવી રીતે નાગરવેલનો પાક લેવાય છે, તેની ગડીઓ વાળીને તંબોળી જેવી ખાસવ્યવસાયિક જાતિ દ્વારા તેનો વેપાર કેવી રીતે થાય છે. પાનમાં વપરાતા કાથો, ચૂનો અને સોપારીના કેટલા પ્રકારો છે તેની નોંધ કરી છે.’

પાનની ઉત્પત્તિ સાથે અનેક કિંવદંતીઓ સંકળાયેલી છે. એમ કહેવાય છે કે પૃથ્વીના પટ ઉપર તાંબૂલ – પાન અને નાગપદ્મણિ જેવી ભેંસ નાગલોકની પાતાળભૂમિમાંથી આવ્યાં છે. આજે સામાન્ય જનસમૂહ સુધી પહોંચી ગયેલું પાન પૃથ્વીની ઉત્પત્તિકળે અતિવિશિષ્ટ ગણાતું હતું. મૃત્યુલોકમાં એને કોઇ ઓળખતું નહોતું. એ સમયે પાન નાગલોકમાં જ ઊગતું હતું અને નાગરાજ પર એ ચડાવાતું. એનો રસ તેમને મસ્ત કરી દેતો હતો. ધરતી પર જે ઊગતું હતું તે માત્ર ભાંગ – ધતૂરો હતો. આ ચીજ નશો ચડાવનારી હતી; જ્યારે પાનના ગુણ અમૃતતુલ્ય હતા. પૃથ્વી પર જે દેવતાગણ પૂજાતા હતા તેઓને ભાંગ ધતૂરો માફક આવતો નહોતો, કારણ કે ક્યાં અમૃતતુલ્ય પાન અને ક્યાં ભાંગ-ધતૂરો. ભાંગધતૂરો એકમાત્ર શિવજીને પ્રિય હતો, કારણ કે તે નીલકંઠ હતા. આથી દેવતાઓએ વિચાર્યું કે કોઇ યુક્તિ કરવી જોઇએ જેથી કરીને તેઓને પણ કોઇ પ્રકારનો ભોગ ચડાવવામાં આવે.

ફરતી ફરતી વાત મહાદેવજી સુધી પહોંચી. દેવતાઓની દ્રષ્ટિએ એકમાત્ર મહાદેવજી જ આ વ્યવસ્થા કરી શકે એવા સક્ષમ લાગ્યા. આમ તો નાગરાજ સાથે એમના મીઠા સંબંધો તો હતા જ. મહાદેવજીએ દેવીની મધ્યસ્થી સ્વીકારી. એમના નેતૃત્વમાં દેવતાગણ નાગરાજને મળ્યા, અને અનુરોધ કર્યો કે ‘નાગબેલી’ અથવા ‘નાગવલ્લરી’ જેને તાંબૂલ – પાન કહેવામાં આવે છે તેને પૃથ્વી પર લઇ જવાની મંજૂરી આપવામાં આવે. શિવજીને સાક્ષાત્ જોઇને નાગરાજ ધર્મસંકટમાં મૂકાઇ ગયા. છેવટે તેમણે નાગબેલિને પૃથ્વી પર લઇ જવાનું જોખમ જણાવીને કહ્યું કે ‘પૃથ્વીવાસી એનું મહત્ત્વ નહીં સમજી શકે. સંભવ છે કે પાનનો ત્યાં અનાદર પણ થાય.’

આ સાંભળીને દેવતાઓએ આશ્વાસન આપતાં કહ્યું કે પાનનો ઉપયોગ મંગલ કાર્યપ્રસંગે અને દેવતાઓને ભોગ ચડાવવા માટે જ થશે. જે લોકો પાન ખાશે તેઓ નીરોગી રહેશે. પાન ખાઇને જમીન પર થુંકવામાં નહીં આવે. એવી જરૂરત જણાશે તો પાન ખાનાર પોતે પોતાના ખોબામાં પિચકારી કરશે. (એમાંથી પીકદાની આવી એમ મનાય છે.) એનું ઘણા સમય સુધી પૃથ્વી પર પાલન કરવામાં આવ્યું.

એ પછી મોગલકાળમાં જ્યારે પાનનો ઉપયોગ મોજશોખ માટે મસ્તી વધારવા માટે ઉદ્દીપક તરીકે થવા લાગ્યો ત્યારે પ્રાચીન પરંપરા ભૂલાઇ ગઇ. મોગલકાળમાં પાનમાં તમાકુનું ચલણ સામાન્ય બન્યું. પૂજા માટેનું પાન કામોદ્દીપક બન્યું. ઈતિહાસના પાનાં બોલે છે કે અવધના નવાબ વાજીદઅલી શાહને ૩૬૫ રાણીઓ (બેગમો) હતી. આ બધી બેગમો શોખની શાહજાદીઓ હતી. તેઓ જે પાન ખાતી તેમાં કેસર, કસ્તુરી, ઈલાયચી, જાયફળ, મોતીઓ, હિના, મુશ્ક, અંબર ઈત્યાદિનો ભરપટે ઉપયોગ કરતી. એમની પાનપેટીઓ અત્યંત કલાત્મક રહેતી. આજેય સંગ્રહસ્થાનોમાં એન્ટીક પીસ તરીકે સચવાઇ છે.

આમ મંગલ કાર્ય માટે પૃથ્વી પર લવાયેલ પાનની સાથે ધર્મ અને વિવિધ માન્યતાઓ પ્રચલિત બની. જ્યોતિષશાસ્ત્ર પણ એની સાથે જોડાઇ ગયું. ત્યારબાદ એના ઔષધીય ઉપચારો પણ આરંભાયા. હિંદુસંસ્કૃતિમાં પાનનું મહત્ત્વ વધ્યું. મોટાભાગના ધાર્મિક પ્રસંગો તથા તહેવારોમાં તાંબૂલને શુકનરૂપે ઉપયોગમાં લેવાય છે. કહેવાય છે કે સોપારી બ્રહ્માને પ્રસન્ન કરે છે. નાગરવેલ વિષ્ણુને અને ચૂનો શિવને પ્રસન્ન કરે છે. ઠાકોરજીના થાળમાં વૈષ્ણવો પાનનાં બીડાં મૂકે છે. મંગળ પ્રસંગે પાન પર સોપારી મૂકી વિઘ્નહર્તા દેવનું સ્મરણ કરવાથી તેઓ હાજરાહજુર થઇ જાય છે. કન્યાદાન પ્રસંગે પણ પાનનો ઉપયોગ કરાય છે.

દેવતાઓ અને પિતૃઓના પૂજન પ્રસંગે પણ નાગરવેલનું પાન વપરાય છે. મહેમાનોના સ્વાગતમાં ભોજન પછી પાન આપવાનો રિવાજ આજેય જોવા મળે છે. પાનના રસમાં ઔષધિય ગુણો અને ખુશ્બુ હોવાને કારણે આપણા દીર્ઘદ્રષ્ટિવાળા વડવાઓએ પાન ખાવાની પ્રથા પ્રચલિત કરી હતી. પ્રાચીનગ્રંથો ‘ભતૃહરિશતક’ અને ‘ઋતુસંહાર’ જેવા ગ્રંથોમાં અને સંસ્કૃત સાહિત્યમાં પાનની ચર્ચા મળે છે. રઘુવંશમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે પાનનું સેવન ભાગ્યની વાત છે. ‘ધન્વંતરિ નિઘંટુ’માં તાંબૂલના ગુણ આ મુજબ જણાવ્યા છે. ‘નાગરવેલનું પાન સ્વાદમાં સહેજ તીખું, કડવું, ઉષ્ણ, મધુર, ક્ષારયુક્ત, કષાયરસયુક્ત અને વાયુને હરનાર છે. કફ, કૃમિ અને શ્વાસની દુર્ગંધને દૂર કરી કામાગ્નિને પ્રદીપ્ત કરી મોંની શોભા વધારે છે. આમ નાગરવેલના પાનમાં સ્વર્ગમાં પણ દુર્લભ એવા તેર ગુણો રહેલા છે. સનાતન ધર્મમાં માન્યતા છે કે બાળકને અઢી મહિનાની ઉંમરે સર્વપ્રથમ તાંબૂલનું ભક્ષણ કરાવવું જોઇએ. અન્નપ્રાશનના દિવસે મંગળવાર અને શનિવારે પ્રથમ તાંબૂલભક્ષણ ન કરાવવું જોઇએ. જ્યોતિષશાસ્ત્ર તો એમ કહે છે ઃ

દધિ પંચમી ષષ્ઠિ તેલ,
એકાદશીએ નાગરવેલ;
દ્વાદશીએ ઝાલર ખાય,
તે નર નિશ્ચે નરકે જાય.

અર્થાત્ ઃ પાંચમે દહીં, છઠ્ઠના તેલ, અગિયારસે નાગરવેલનાં પાન અને બારશના દિવસે વાલ ખાવાનું વર્જ્ય મનાયું છે.

પાનના હરડ બંધાણીઓએ આજે તો પાન ખાવાની સૌંદર્યલક્ષી અને આરોગ્યલક્ષી પરંપરાને બહુ જ બગાડી મૂકી છે. જૂના કાળે નાગરવેલના પાનમાં ચૂનો, કાથો, સોપારી, કેસર, એલચી, કસ્તૂરી, જાયફળ, લવિંગ, ચણકબાબ, કપૂરનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા સુગંધી પદાર્થોને કારણે પાન કફ વાયુને મટાડનાર, દીપન,  પાચક, જંતુઘ્ન અને મોંને સુવાસિત કરનાર બની રહેતું. આજે પાનમાં જાતજાતની તમાકુ વપરાય છે. તમાકુનો ગુણ નશો કરનારો છે. તમાકુના સેવનથી લોહીનું દબાણ વધે છે. ડોકટરો તો ઢોલ વગાડીને કહે છે કે પાનમાં તમાકુ ડૂચવાથી કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાનારને એસિડિટી થાય છે. ભૂખ મરી જાય છે અને દાંતનું નિકંદન નીકળી જાય છે. બાકી પાનનો સારો ગુણ એ છે કે જે કામ નાણાં (રુશવત) આપવાથી પણ ન કરાવી શકાય તે કામ પાન ખવરાવવાના વ્યવહારથી થઇ શકે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!