પ્રાચીન ભારતના મુસાફરી, માલવહન અને સંદેશાવ્યવહારનાં સાધનો

આજે તો આપણે ર૧મી સદીમાં ઉડ્ડયન કરી રહ્યા છીએ. ઝડપી સાધનોમાં જળ, સ્થળ અને અવકાશમાં ઉડવા સુધી વિકાસની હરણફાળ ભરી છે પણ વેદકાળમાં, હડપ્પન સંસ્કૃતિના સમયમાં, રામાયણ અને મહાભારતના વખતમાં, મોગલ યુગમાં અને આજથી સવા બસો વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે મુસાફરી માટે, માલસામાન લઇ જવા લાવવા માટે કેવા પ્રકારનાં વાહનો અને સાધનો હતાં તથા એ કાળની મુસાફરી કેટલી જોખમોથી ભરેલી હતી તે જાણવું આજે અત્યંત રસપ્રદ થઇ રહે તેવું છે. જૂના કાળે વાહનોમાં રથ, એકા, ગાડાં, ડમણિયાં, સીગરામ, માફા, જીંહા, ઘોડાગાડી, પાલખી, મ્યાના, અને મુસાફરી માટે ઘોડા, ઉંટ, ગધેડાં, પોઠિયા, પાડા જેવાં પશુઓનો ઉપયોગ થતો.

પ્રાચીન ભારતના વૈદિક સમય પર ઉડતી નજર કરીશું તો જણાશે કે એ સમયે છ પ્રકારના રથો અસ્તિત્વમાં આવ્યા હતા. (૧) દેવરથ (ર) પુષ્પરથ (૩) સાંગ્રામિક (૪) પારિયાણિક (પ) પુરપુરાભિયાનિક અને (૬) વૈનયિક. એમાં યાત્રા તથા ઉત્સવાદિમાં દેવપ્રતિમાની સવારી માટે કામમાં આવતો રથ દેવરથ કહેવાતો. વિવાહ આદિ માંગલિક સાધારણ યાત્રા-પ્રવાસના ખપમાં લેવાતો રથ પારિયાણિક તરીકે જાણીતો હતો. શત્રુના દુર્ગ અને ગઢકિલ્લાને તોડવા માટે કામમાં આવતો રથ પુરપુરાભિયાનિકના નામે જાણીતો હતો એમ ‘વેદાર્થ ચિંતામણિ’માં નોંધાયું છે.

વેદકાળમાં અશ્વોની સાથે ગધેડું પણ એટલું જ ઉપયોગી પ્રાણી ગણાતું. ‘અમરકોશ’માં અથર્વવેદ અનુસાર ગધેડાં સૌથી વધુ બોજો વહન કરનાર પશુ તરીકે જાણીતાં હતાં. એ સમયે ગધેડું પવિત્ર પ્રાણી ગણાતું. બ્રાહ્મણો ગધેડાંનું દાન સહર્ષ સ્વીકારતા. ‘વાલ્મિકી રામાયણ’માં ગધેડાં અને ગધેડાંના રથના અસંખ્ય ઉલ્લેખો મળે છે એની નોંધ ગોવિંદપ્રસાદ અગ્રવાલે આપી છે. રાવણ પાસે બ્રહ્માજી દ્વારા મળેલ શક્તિ, કવચ, ધનુષ તથા બાણ ઉપરાંત મેઘગર્જના સમાન અવાજ કરનાર રથ હતો. આ રથને સહસ્ત્ર ગધેડાં જોડવામાં આવતાં. વાલ્મિકી રામાયણ અનુસાર યુદ્ધમાં જતી વેળાએ રાવણની પાસે ૬૦ કોટિ ઘોડા, એટલાં જ ઉંટ તથા ગધેડાં હતાં. રાવણના ગધેડારથને નાની નાની ઘંટડીઓ લાગેલી હતી. એનો રથ રત્નો અને આભૂષણોથી સુશોભિત હતો. રથ ચાલતો ત્યારે ઝણઝણ ઝણઝણ મધુર અવાજ આવતો. ગધેડાંના આ રથ ધજા, પતાકા અને સુવર્ણ મંડિત જાળીઓથી સુશોભિત રહેતા. રામાયણની જેમ મહાભારતના સમયમાં પણ ગધેડાં અને ખચ્ચર મહત્વનાં પ્રાણી મનતાં. રાજામહારાજા ય એને પાળતા અને ઉપયોગમાં લેતાં.

પુરાતત્તવીય ઉત્ખનનમાં હડપ્પન સંસ્કૃતિના સમયના નગરો મોહેંજો-દડો, ધોળાવીરા અને લોથલમાંથી ગાડાંના રમકડાં મળી આવ્યાં છે. એ સમય ગાડાયુગનો હતો એમ કહી શકાય.

૧૭મા સૈકામાં મોગલ સમયમાં ભારે બોજ વહન કરવા અને ત્વરાથી પ્રયાણ કરવા માટે બળદોનો ઉપયોગ ખૂબ જ થવા લાગ્યો હતો. ૧૦ થી ૧ર હજાર પોઠિયા, બળદો પર મીઠું, ધનધાન્ય વગેરે લાદીને વણઝારાની પોઠો નીકળતી. શ્રી વીરચંદ ધરમશી નોંધે છે કે પોતાના કુટુંબ સહિત દેશદેશાવર ફરતા વણઝારોને માથે એક મુખી રહેતો, જે ગળે સત્તાના ચિહ્ન તરીકે મોતીની માળા પહેરતો. એ વખતે રસ્તા સાંકડા હોવાથી કોઇ મુસાફરને એકાદ વણઝાર સામી મળી જાય તો આખો દિવસ થોભી જવું પડતું. બે વણઝારો ભેગી થઇ જાય અને એકબીજાને રસ્તો ન આપે ત્યારે મારામારી થતી અને ઘણાં માણસો એમાં પ્રાણ ગુમાવતા.

ઉંટનો ઉપયોગ લડાઇમાં, અને મુસાફરીમાં થતો. મોગલ ઝનાનાની સ્ત્રીઓ ઉંટ ઉપર બેસી કનાત જેવી ઓઝલ બનાવીને મુસાફરી કરતી. એ કાળે મુસાફરી માટે ગાડાંનો પણ ઉપયોગ થતો. પોઠોની જેમ ગાડાંની પણ વણજાર નીકળતી. તેમાં ૧૦૦ થી ર૦૦ જેટલાં ગાડાં રહેતાં. વેપારીઓના ભારવાહક ગાડાં ખૂબ મોટાં હતાં. એકેક ગાડે ૧૦ થી ૧ર જેટલા બળદો જોડવામાં આવતા. દરેક ગાડે ચાર ચાલકો અને હથિયારધારી રખેવાળો રાખવામાં આવતા. આ ચાર ચાલકો પૈકી બબ્બે જણ ગાડાની ઉધ્વ આગળ ચાલતા અને એની સાથે બાંધેલા દોરડાં પકડી રાખતા જેથી ઢાળ ઢોળાવવાળો મારગ આવે ત્યારે ગાડું ઉલળી ન જાય. દોરડા વડે એ ગાડાને રસ્તાની વચ્ચોવચ રાખતા. મુસાફરી માટે બે માણસો બેસે એવી અને વજનમાં હલકી દમણિયા જેવી ગાડીઓ હતી. એને પાણિયાળા બળદો જોડવામાં આવતા. આવી ગાડીઓ ભાડે મળતી. સુરતથી આગ્રા જતાં પાંત્રીસ ચાલીસ દિવસ લાગતા. એ પ્રમાણે ૩પ-૪૦ રૂપિયા ભાડાના થતા. દિવસના તડકાથી બચવા માટે લોકો રાતની શીતળતામાં જ મુસાફરી કરતા.

૧૭મી સદીના સમયમાં ગાડાં અને ડમણિયાં સાથે બીજું વાહન પાલખી હતું. બર્નિયર નોંધે છે કે મુસાફરી માટે પાલખી વધુ અનુકૂળ રહેતી. પાલખી જોડે તેને ઉચકનારા ૧ર ભોઇ લોકો રહેતા. તેઓ વારાફરતી પાલખી ઉચકતા. એમને મહિને ૱ ચાર-પાંચનો દરમાયો મળતો. એ કાળે મારગ માથે લૂંટારૂનો ડર રહેતો હોવાથી આવી પાલખી સાથે ર૦ થી ૩૦ જેટલા તીરકામઠાં અને બંદૂકધારી વોળાવિયા (રખેવાળો) પણ રહેતા. બાદશાહી મુસાફરી અનોખા પ્રકારની રહેતી. શ્રી વીરચંદ ધરમચંદ નોંધે છે કે બાદશાહ તખ્તેરવાન એટલે પાલખી જેવા ચાલતાં સિંહાસનમાં બેસી મુસાફરી કરતા. એ તખતના સ્થંભ સોનાના અને એને બારીઓ કાચની રહેતી. એને ઉંચકનારાનો પોષાક બાદશાહના માણસોને શોભે એવો રહેતો. કોટવાળ આગળ સિપાઇઓની ટૂકડી મોકલતો. આ સિપાઇઓ શંખ વગાડી લોકોને શાહી સવારીની સૂચના આપતા. કેટલાક લોકો હાથમાં ગદાઓ લઇને આગળ દોડતા અને વટેમાર્ગુઓને આઘાપાછા તગેડી ખાન, ઉમરાવો અને મહારાજાઓ કે બાદશાહો માટે મારગ મોકળો કરાવતા.

આજથી બસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રની ધરતી સમૃદ્ધ હતી પણ આજના જેટલો વિકાસ થયો નહોતો. ભગવાન સ્વામીનારાયણ જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે સામાન્ય લોકો યાત્રા-પ્રવાસ મોટે ભાગે પગપાળા જ કરતા. વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો કે માંદા લોકો માટે ગાડાંની જોગવાઇ કરવામાં આવતી. એ વખતના બળદગાડામાં પણ વિવિધતા જોવા મળતી. ખેડૂતો અને ખડતલ જીવનથી ટેવાયેલા શ્રમજીવીઓ સાદા ગાડામાં મુસાફરી કરતા પણ વેપારી, સુંવાળા અને બેઠાડું જીવનવાળા લોકો ટાઢતડકાથી રક્ષણ મળે એવા માફાગાળા ગાડાં વાપરતાં. એવા માફાવાળા ગાડાંને ‘વેલ્ય’ તરીકે ઓળખવામાં આવતાં. સૌરાષ્ટ્રમાં ઘણી જાતિઓમાં આજેય આવા શણગારેલા વેલ્ય, વેલડાંનો વપરાશ પરંપરારૂપે જોવા મળે છે. એ વખતે મારગ તો હતાં જ નહીં. ચોમાસું પૂરું થયે ગાડાંમારગ પડતા. એ ખાડાખડિયાવાળા કાચા મારગ બળદગાડાં સિવાયના વાહનો માટે બિનઉપયોગી બની રહેતા.

એ સમયે સૌરાષ્ટ્રમાં ઘોડાગાડીઓ અસ્તિત્વમાં આવી હતી, પણ તેનો ઉપયોગ શહેરોના જૂજ શ્રીમંતો પૂરતો જ મર્યાદિત રહ્યો હતો. એ દિવસોમાં મુંબઈ જવા માટે નવસારીથી બળદગાડામાં જવું પડતું. રેલ્વેની તો કોઇને કલ્પના સરખીયે નહોતી. આ બળદગાડાં આઠ, દસ કે બાર દિવસની લાંબી મજલ કાપીને લોકોને મુંબઈ પહોંચાડતાં. મુંબઈ જવું એટલે ભારતથી આફ્રિકા જવા જેવું ભારે મોટું સાહસ ગણાતું. રસ્તામાં ચોર, લૂટારું, ઉપરાંત હિંસક પશુઓનો પણ ભય રહેતો. જે કુટુંબનો સભ્ય મુંબઈ જવાનો હોય તેના કુટુંબમાં રડારોળ થતી. પાછલી રાતના પહોરે ગાડું આંગણે આવીને ઉભું રહે એટલે સૌ રોક્કળ કરવા લાગતા. આ વિદાય ખૂબ જ વસમી લાગતી કારણકે મુંબઈ જનાર પરિવારનો સભ્ય આઠ-દસ વર્ષે માંડ વતનનાં ઝાડવાં જોવાં પામતો.

એ સમયે અશ્વ મુસાફરી માટેનું શ્રેષ્ઠ સાધન ગણાતો. ખરાબ રસ્તા પર કે પગદંડી જેવી કેડી પર ઘોડા પર જઇ શકાતું. સલામત અને ઝડપી મુસાફરી માટે સગવડની દ્રષ્ટિએ ઘોડા સર્વશ્રેષ્ઠ ગણાતા. સૌરાષ્ટ્રમાં એ સમયે કાઠી કોમ એના અશ્વપ્રેમને માટે પંકાતી. કાઠીઓના ભારે વર્ચસ્વને લીધે આખો પ્રદેશ કાઠિયાવાડ નામે ઓળખાતો. ‘‘ભગવાન સ્વામીનારાયણનું સમકાલીન લોકજીવન’’ની નોંધ અનુસાર સ્વામી સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે કાઠી દરબારોના સંપર્કના કારણે તેઓ રોઝા ઘોડા માથે મુસાફરી કરતા. પછી માણકી ઘોડી એમની માનીતી બની રહી. સૌરાષ્ટ્રમાં ગઢડા, કચ્છમાં ભૂજ અને ગુજરાતમાં વડતાલ સુધી સહજાનંદ સ્વામી માણકી ઘોડી પર જ ધર્મપ્રચાર માટે મુસાફરી કરતા.

સાંપ્રદાયિક અને અન્ય સાહિત્યમાં મોભાદાર વાહન તરીકે રથનો વપરાશ થતો એમ કહેવાયું છે. સૌરાષ્ટ્રના કાઠી દરબારોમાં રથ વપરાતો એ વાત લેખકે અહીં રસપૂર્વક નોંધી છે. ‘ગઢડાના દરબાર દાદા ખાચરને પ્રથમ પત્નીથી સંતાન નહોતું. તેથી ગઢડાના અર્ધા ભાગીદાર ભાઇની પેરવી દાદા ખાચરના ગરાસ પડાવી લેવાની હતી. એના ઉપાય તરીકે દાદાખાચરને બાબરિયાવાડમાં આવેલ ભટવદરમાં નાગપાલ વરૂની કન્યા સાથે પરણાવવાનું ભગવાન સ્વામીનારાયણે નક્કી કર્યું. એમના લગ્ન પ્રસંગે પોતે આપેલા વચન અનુસાર દાદા ખાચરનો શણગારેલો રથ એટલે શણગારેલી વેલ્ય પોતે હાંકવા બેઠા. દરબારગઢમાં બળદ જોડેલા ‘સિગરામ’નો પણ વપરાશ થતો. એ કાળે સિગરામ મોભાદાર રજવાડી વાહન ગણાતું.’

રાજાઓ, તાલુકદારો, જાગીરદારો, ગરાસદારો, અમીનો, અમલદારો અને શ્રીમંતો તથા સંત મહાત્માઓ માટે પાલખી વપરાતી. પાલખીમાં એક કે બે માણસ બેસતા. આવી પાલખી ‘સુખદાન’ કે ‘તાવદાન’ના નામે જાણીતી હતી. સુખી અને શ્રીમંતો સોનારૂપાથી મઢેલાં ‘તાવદાન’ રાખતા. પાલખી ઉપર કમાન જેવો દાંડો રહેતો. ભોઇ લોકો વ્યાવસાયિક રીતે પાલખી ઉંચકવાનું કામ કરતા. સને ૧૮ર૯માં સહજાનંદ સ્વામી મુંબઈના ગવર્નર સર માલ્કમને મળવા રાજકોટ ગયા ત્યારે એમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેઓ ગઢડાથી મ્યાનામાં બેસીને ગયા હતા. મેનો, મિયાનો કે મ્યાનો તરીકે ઓળખાતું મુસાફરીનું સાધન એટલે પેટી ઘાટની પાલખી. ‘ભગવદ્‌ ગોમંડલ’ની નોંધ અનુસાર ‘મિયાના’ મૂળ ફારસી શબ્દ છે. આ એક જાતની બંધિયાર પાલખી હતી. પાલખી ખુલ્લી હોય, જ્યારે મ્યાનો પેટી જેવો હોય. અંદર બેસનારને બહારનો પવન ન લાગે, તેથી બિમાર વ્યક્તિ માટે મ્યાનો ઉપયોગમાં લેવાતો. ભગવાન સ્વામીનારાયણ મુંબઈ ગવર્નરને મળવા માટે જે મ્યાનામાં રાજકોટ ગયા હતા તે મ્યાનો વડોદરાના મુસ્લિમ અધિકારી મીર સાહેબે ભેટ આપ્યો હતો. આ મ્યાનો ગઢડાના ગોપીનાથજીના મંદિરના પ્રદક્ષિણામાં આવેલ પ્રસાદીની વસ્તુઓના ‘સંગ્રહભવન’માં આજે જોવા મળે છે. મુસ્લીમ અને રાજપૂત સ્ત્રીઓ ઓઝલ પાળતી હોવાથી જવલ્લે જ બહાર નીકળતી. એમાં શ્રીમંત ઘરની સ્ત્રીઓ હોય તે આવા પ્રસંગે ‘મિયાના’માં બહાર જતી. અમારા ભાલપંથકમાં દરબારી સ્ત્રીઓ બહાર નીકળે ત્યારે ‘કનાત’નો ઉપયોગ કરતી.

આજથી બે દાયકા પૂર્વે સૌરાષ્ટ્રમાં ઝડપીમાં ઝડપી સાધનમાં સાંઢડી (ઉંટ)ની ગણના થતી. સૌરાષ્ટ્રમાં અશ્વોની સરખામણીમાં ઉંટની સંખ્યા ઓછી હતી. ભગવાન સ્વામીનારાયણ પાસે ધોળો ઉંટ હતો. એને સૌ ‘ગરુડજી’ કહેતા. આ ઉંટ કસાયેલો હોવાથી રાત-દિવસમાં ત્રણસો ગાઉની મજલ કાપતો એમ કહેવાય છે. એ વખતે સૌરાષ્ટ્રમાં વાહનવ્યવહારની જે સ્થિતિ હતી એવી જ સંદેશાવ્યવહારની હતી. એ કાળે આજના જેવા ઝડપી યાંત્રિક વાહનો નહોતા. ઝડપી વાહન એકમાત્ર સાંઢડી જ ગણાતું. બહુ ઝડપથી કોઇ સંદેશો દૂરના અંતરે મોકલવો હોય તો રાજરજવાડાંઓ સાંઢડીનો ઉપયોગ કરતા. ઘોડેસ્વાર મારફતે સંદેશો મોકલવાનું સામાન્ય માનવીને માટે ગજાબહારનું ગણાતું. કાસદ, આંગડિયા કે ખેપિયા પગપાળા સંદેશા લઇ જવા લાવવાનું કામ કરતા. એ વખતે ખેપિયા રાતે ઔટામાં નીકળે ને બૂમો પાડે, ‘‘કાગળ વિરમગામના, કાગળ વઢવાણના, કાગળ પોરબંદર, જૂનાગઢ કે જામનગરના.’’ ત્યારે પરબિડિયા નહોતા. આથી મોકલવાના કાગળને ટીપણા જેવા ભૂંગળા વાળી ગુંદરથી ચોડી ઉપર સરનામું કરતા. ઉપર લખાતું કે ‘મળ્યે પૈસા આપશો’ આપણા કવિ દલપતરામે ખેપિયા તરીકે કંકોતરીઓ વહેંચવાનું કામ કર્યું હતું.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!