ஜ۩۞۩ஜ મહાપદ્મનંદ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨)
ઈતિહાસને ઈતિહાસની રીતે એટલે સાચી રીતે રજુ કરવાં માટે ઇતિહાસનું બહોળું જ્ઞાન અને સાંપ્રત સમાજનું જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. ઈતિહાસ આપણો છે તેમ છતાં આપણે જ આપણા ઇતિહાસના નથી. કારણકે આપણને વરખ ચડાવેલો જ ઈતિહાસ ગમે છે. ઈતિહાસ તો પહેલાં પણ હતો, અત્યારે પણ છે અને આવનારા ભવિષ્યમાં પણ રહેવાનો છે. તેમ છતાં સદીએ સદીએ ઇતિહાસમાં કેમ ફર્ક જોવાં મળે છે તે જ મને સમજાતું નથી. ઈતિહાસ વધારે રજૂઆત પર આધારિત હોય છે એટલે જો રજૂઆત સારી હોય તો જ ઈતિહાસ આપણે જાણી શકીએ કે એને સારી રીતે બહાર લાવી શકીએ નહીં તો એ વિવાદ બનીને જ રહી જાય છે. જો કે પહેલાં ભારતનો ઈતિહાસ ક્યારથી શરુ થયો તે પણ સમજી લેવું જોઈએ દરેકે. ઇતિહાસની શરૂઆત એકદમ અચાનક તો નથી જ થતી એની પૂર્વે પણ કશુંક બન્યું જ હોય છે ! શું બન્યું હતું અને કેવી રીતે બન્યું હતું તે જાણવાનું કુતુહલ એટલે જ ઇતિહાસ !
મૌર્યકાળ એ માત્ર મગધનો જ નહીં પણ સમગ્ર ભારતના એકીકરણનો ઈતિહાસ છે. ભારતનો ઈતિહાસ એ વધારે ક્ષત્રિય -રાજપૂત રાજવંશોનો જ ઈતિહાસ છે. પણ માત્ર એવું નથી ભારતમાં બ્રાહ્મણો અને વૈશ્યોએ પણ રાજ કર્યું છે. વર્ણવ્યવસ્થા માં જે ચોથો વર્ણ રહી જાય છે તે શુદ્ર એને જ્યારે ભારતીય ઈતિહાસમાં રાજ કરવાં મળે છે ત્યારે માત્ર શુદ્રો જ નહિ પણ શુદ્રહિતેચ્છુ ઈતિહાસકારો અને સાહિત્યકારો પણ વધારે પડતાં ઉત્સાહિત થઇ જાય છે. જો કે ભારતમાં શુદ્રો રાજ ન જ કરી શકે એવો તો કોઈ નિયમ જ નથી પણ એ શાસન કેવું હતું અને કેટલું સાચું હતું તે તપાસવું અત્યંત આવશ્યક છે. ઈતિહાસ કારો અને ધાર્મિક સાહિત્યકારો અહીં જ થાપ ખાઈ ગયાં છે. જી… હા વાત તો નંદવંશનીજ છે! શાસન માત્ર ૨૨ જ વરસનું હતું પણ જાણે દુનિયાનો મહાન રાજવંશ હોય એમ એને ચિતરવામાં આવ્યો છે. બહુમત જોવાં જઈએ તો નંદવંશે ઇસવીસન પૂર્વે ૩૪૪થી ઇસવીસન પૂર્વે ૩૨૨ સુધી મગધની ધુરા સંભાળી હતી. મગધનો સૂર્ય તે વખતે તપતો જ હતો એમાં તો કોઈ શંકાને સ્થાન નથી જ ! પણ મગધના આ પૂર્વોત્તર શાસનકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમકે ધર્મ પરિવર્તન, સામાજિક સંબંધો એટલે કે લગ્ન સંબધો આની કુંવરી આની સાથે પરણે એટલે આપણું રાજ્ય સલામત રહે અને કોઈ આપણા પર આક્રમણ કરે નહીં. તમે જેમ કહો તેમ અમે પણ બૌદ્ધ કે જૈન ધર્મ અંગીકાર કરવાં તૈયાર જ છીએ પણ અમને કોઈ હેરાન ન કરતાં આ જ પરિસ્થિતિ હતી તે સમયે આ ૧૬ મહાજનપદોની. એવું નથી કે યુદ્ધો નહોતાં થયાં ! થયાં જ હતાં પણ એમાં મગધે બાજી મારી લીધી હતી.
નંદવંશના સંસ્થાપક મહાપદ્મનંદની વાત કરીએ તે પહેલાં હર્યક વંશ, શિશુનાગ વંશનાં કાર્યો અને આ ૧૬ મહાજનપદોની શી સ્થિતિ -પરિસ્થિતિ હતી તે જાણી લેવું અત્યંત આવશ્યક છે.
અંગ મહાજનપદ જે બિહારના પૂર્વભાગમાં જ સ્થિત હતું જે ત્યારના બિહારના ભાગલપુર અને મુંગેર જિલ્લા સુધી જ સીમિત હતું. આનો ઉલ્લેખ જાતકકથાઓ અને અંગુત્તર નિકાયમાં થયો છે. આની રાજધાની ચંપાનગરી એ છેક છઠ્ઠી શતાબ્દીથી સમગ્ર ઉત્તર ભારતનું નું શ્રેષ્ઠતમ વ્યાપારિક કેન્દ્ર હતું. એની સીમાઓ બિહારમાં જ હોવાને કરને મગધને અડીને જ હતી.એક વખત એવો પણ હતો કે મગધની રાજધાની રાજગીર પર અંગ દેશ્નનો કબજો થઇ ગયો હતો. પણ પછી હર્યકવંશના સ્થાપક બિંબિસારે અંગદેશના રાજા બ્રહ્મદત્તની હત્યા કરી પછી તે મગધનું જ એક ભાગ બની ગયું હતું !
કાશી મહાજનપદ એ વરુણા અને અસ્સી નદીના સંગમ પર સ્થિત હતું. જે હાલમાં ઉત્તર પ્રદેશની દક્ષિણ પૂર્વમાં છે, જેની રાજધાની વારાણસી હતી. આ વારાણસીની ફરતે માટીની દીવાલો બનવવામાં આવી હતી. આનો ઉલ્લેખ ગુત્તિલજાતકમાં થયો છે. એના પણ શાસકનું નામ બ્રહ્મદત્ત હતું. આમનાં સમયમાં કાશી “અગ્રરાજ”ને નામે પ્રસિદ્ધ હતું. પણ આનાં શાસક પાછળથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ નાં પિતા અશ્વસેન હતાં જેઓ નાગવંશી હતાં. હર્યકવંશના રાજા અજાતશત્રુએ યુદ્ધ દ્વારા કાશી પર અધિકાર પ્રાપ્ત કરીને તેને મગધમાં ભેળવી દીધું.
કોશલ મહાજનપદ પૂર્વી ઉત્તર પ્રદેશના અવધ ક્ષેત્રમાં. એની સીમાઓ પૂર્વમાં ગંડક નડી સુધી પશ્ચિમમાં પાંચાલ (મધ્ય દોં-આબ સુધી.સાગર જેવી સરયુ નદીણે કારણે બે વિભાગ —- (૧) ઉત્તરી કોશલ અને (૨) દક્ષિણી કોશલ. ઉત્તરી કોશલની રાજધાની શ્રાવસ્તી જે આરંભિક રાજધાની હતી જે વર્તમાનમાં સહેતમહેત – ઉત્તર પ્રદેશ છે. ઉત્તરી કોશ્લની નવી રાજધાની સાકેત (અયોધ્યા) હતી. દક્ષિણી કોશલની રાજધાની કુશાવતી હતી! કોશલની કાશી સાથે વ્યાપારિક સંઘર્ષમાં ઉતરવું પડયું હતું. એનો શાસક બુદ્ધકાલમાં પ્રસેનજીત હતો. એણે કાશીપર આક્રમણ કરીને એને કોશલ મહાજનપદમાં ભેળવી દીધું હતું, તો અજાતશત્રુ એ કોશલ પર આક્રમણ કરી તેણે મગધમાં ભેળવી દીધું હતું. આનો ઉલ્લેખ પાલી ભાષામાં ગ્રંથમાં તેમ જ રામાયણમાં પણ થયો છે.
વજ્જિ મહાજનપદ એ મગધના ઉત્તરી ભાગમાં સ્થિત હતું. આ ગણતંત્રિક મહાજન પદ હતું. અને એમાં પણ એ સર્વોત્કૃષ્ટ હતું. એનાં ગણતંત્રોની સંખ્યા ૮ હતી. જેમાં પ્રમુખ વિદેહ, લિચ્છવિ અને ઝાંતુક હતાં. આ મહાજનપદ એ પ્રાચીન વિદેહ એવં વૈશાલીના નષ્ટ થઇ જવાના કારણે વજ્જિ મહાજનપદ રાજતંત્રમાંથી ગણતંત્ર બન્યું હતું. બૌદ્ધધર્મનું પ્રમુખ કેન્દ્ર હતું. પાલી અને પ્રાકૃત ભાષામાં એના વર્ણનો મળી આવે છે. પણ આને પણ મગધના રાજા અજાત શત્રુએ પોતાનામાં ભેળવી દીધું હતું.
મલ્લ મહાજનપદ એ પણ ગણતંત્રિક મહાજન પદ હતું. એ વજ્જિ મહાજનપદનાં પશ્ચિમોત્તર એવં કોશલ મહાજનપદનીપૂર્વમાં હિમાલયની ખીણમાં સ્થિત કોશ્લનો પૂર્વી ભાગ હતું. મલ્લ મહાજનપદ બે વિભાગમાં વહેંચાયેલું હતું. (૧) કુશીનારા (વર્તમાનમાં દેવરિયા, ઉત્તર પ્રદેશનું કુસિયા ગામ) ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળના રૂપમાં મલ્લ મહાજનપદની રાજધાની કુશીનારા હતી. એનાં ગણતંત્રોની સંખ્યા ૯ હતી. વજ્જિ અને મલ્લના રાજનૈતિક સંઘર્ષમાં મલ્લનો વિજય થયો હતો. આ મલ્લ મહાજનપદ પછીથી મગધમાં વિલીન થઇ ગયું.
વત્સ મહાજનપદ એ કાશી મહાજનપદની દક્ષિણ – પશ્ચિમમાં સ્થિત હતું. એની રાજધાની યમુના નદીના કિનારે સ્થિત કૌશામ્બી (વર્તમાન અલ્હાબાદ) હતી. પૌરાણિક કથા અનુસાર “હસ્તિનાપુર”ને નષ્ટ કર્યા પછી પૌરવ રાજા નિચક્ષુએ યમુના કિનારે વસાવ્યું. મહાભારત અનુસાર ચેદિઓ દ્વારા સ્થાપિત! બુધ્દના સમકાલીન રાજા ઉદયન એનો શાસક હતો. ભાસના પ્રખ્યાત નાટક “સ્વપ્નવાસવદત્તમ”નો મુખ્ય નાયક ઉદયન જ આનો મુખ્ય શાસક હતો. રાજનીતિક પ્રભુત્વ માટે અવંતિ સાથે તેને સંઘર્ષ થયો હતો.
ચેદિ મહાજનપદ એ વત્સદેશના દક્ષિણ ભાગમાં યમુના નદીના કિનારે સ્થિત. એની રાજધાની શુક્તિમતી અથવા સોત્થીમતી (પાલિગ્રંથો અનુસાર) એની સીમા કુરુ મહાજનપદ (આધુનિક બુંદેલખંડ) સાથે મળેલી હતી. કલિંગના ચેદિ આની સાથે સંબંધિત હતાં. પ્રતાપી શાસક શિશુપાલ આ રાજ્યનો શાસક હતો (મહાભારત અનુસાર)
કુરુ મહાજનપદ એ પણ યમુના નદી કિનારે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરની આસપાસ સ્થિત. રાજધાની ઇન્દ્રપ્રસ્થ (વર્તમાનમાંપુરાણા કિલ્લા -દિલ્હી) કુરુઓનો આ પ્રસિદ્ધ રાજવંશ હતો. શાસક ધનંજય રાજા કૌરવ (બૌદ્ધકાલમાં) અને ઈશ્વાકુ સુતસોમ રાજા. હસ્તિનાપુર નષ્ટ થઇ ગયાં પછી કુરુઓનું એક જૂથ કૌશામ્બી જતો રહ્યો હતો. જાતક ગ્રંથો અનુસાર શ્રેષ્ઠ એવં ધર્માચારી મહાજનપદ.એનું રાજતંત્રાત્મકમાંથી ગણતંત્રાત્મક શાસનમાં પરિવર્તન. કુરુ મહાજનપદમાં કુલ ૩૦૦ સંઘ હતાં એવું જાતકકથામાં જણાવાયું છે. આનો ઉલ્લેખ મહાભારત, જાતકકથાઅને બૌદ્ધ ગ્રંથોમાં પણ થયેલો જ છે.
પાંચાલ મહાજનપદ રુહેલખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય દો-આબમાં સ્થિત એનાં બે વિભાગો છે — ઉત્તરી પાંચાલ અને દક્ષિણી પાંચાલ. આબે વિભાગોનો ઉલ્લેખ દિવ્યાવદાન અને જાતક કથાઓમાં થયો છે. ઉત્તરી પાંચાલની રાજધાની અહિછત્ર (વર્તમાન બરેલી) અને દક્ષિણી પાંચાલની રાજધાની કાંપિલ્ય (વર્તમાન ફરુખાબાદ) હતી દ્રૌપદી પાંચાલ નરેશ દ્રુપદની સુપુત્રી હતી. એટલું જ નહીં મહાભારતના કર્ણ પર્વ અનુસાર કુરુ એવં પાંચાલનાં લોકો અડધા શબ્દ પરથી જ આખો અર્થ શોધી કાઢતાં હતાં. આનો ઉલ્લેખ મહાભારત સિવાય જાતક કથાઓ અને દિવ્યાવદાનમાં પણ થયો છે. મહાભારતમાં આ મહાજનપદને શ્રેષ્ઠ મહાજનપદ કહ્યું છે.
મત્સ્ય મહાજનપદ એ ચંબલ નદીથી સરસ્વતી નદી સુધી પ્રસરેલું હતું. વીરમત્સ્ય અને અપરમત્સ્ય એ આ મહાજનપદની શાખાઓ હતી. ભરતપુર , જયપુર અને અલવર એ આજના તેનાં આધુનિક સ્થળો – શહેરો છે. એની રાજધાની જોકે વિરાટનગર હતી જે એનાં રાજા વિરાટનાં નામ પરથી જ બની હતી. કોઈ શહાજ નામના શાસકે આના પર અને મગધ પર એક સાથે શાસન કર્યું હતું એવો ઉલ્લેખ મહાભારતમાં આવે છે.
શુરસેન મહાજન પદ એ ચેદિ મહાજનપદના પશ્ચિમોત્તરમાં એવં કુરુની દક્ષિણમાં સ્થિત (વર્તમાન વ્રજમંડલ).. રાજધાની મથુરા અને શાસક અવંતિપુત્ર (બુદ્ધ સમકાલીન) આ મહાજનપદમાં સૌથી પહેલાં યદુવંશી અંધક વ્રુણિયોનું ગણરાજ્ય હતું. મહાભારત અને પુરાણો અનુસાર મથુરા પ્રસિદ્ધ વ્યાપારિક એવં ધાર્મિક સ્થળ હતું. પૌરાણિક કથાઓ અનુસાર અહીંયા વિતિહોત્ર એવં સાત્વત યાદવોનું રાજ્ય હતું. મહિષ્મતિ એવં વિદર્ભ જેવાં રાજ્યોને પણ યાદવોએ જ સ્થાપ્યાં હતાં. વૃષણી યાદવોના સંઘના પ્રમુખ શ્રીકૃષ્ણ હતાં. પાણિની અને પાલી સાહિત્ય અનુસાર પહેલાં અહીં ગણતંત્રાત્મક શાસન પ્રણાલીહતી જે કાલાન્તરમાં રાજતંત્રાત્મક થઇ ગઈ હતી. શુરસેન અને અવંતિ વચ્ચે પારંપરિક વૈવાહિક સંબંધો હતાં. તત્કાલીન પૌરાણિક ગ્રંથો અનુસાર મથુરાની પ્રશાસનિક વ્યવસ્થા અત્યંત સુદ્રઢ અને ઉત્કૃષ્ટ હતી.
અવંતિ મહાજનપદ પશ્ચિમી ભારતમાં મધ્ય પ્રદેશના માળવા પ્રદેશમાં સ્થિત હતું. એનાં બે વિભાગો હતાં — (૧) ઉત્તરી અવંતિ અને (૨) દક્ષિણી અવંતિ . એમાં ઉત્તરી અવન્તીની રાજધાની ઉજ્જૈન હતી અને દક્ષિણી અવન્તીની રાજધાની માહિષ્મતિ હતી. જેને વર્તમાનમાં માન્ધાતા કહેવાય છે. જેનો શાસક ચંડ પ્રદ્યોત (બુદ્ધકાલીન) હતો. અવંતિએ વત્સ, કોશલ અને મગધ પર પણ વિજય મેળવ્યાં હતાં. તે સમયનું પ્રમુખ બૌદ્ધધર્મના પ્રચારનું કેન્દ્ર હતું. કારણકે ઉત્તરથી દક્ષિણ તરફ જે વ્યાપારિક માર્ગ જતો હતો તે ઉજ્જૈન થઈને જ જતો હતો. શિશુનાગવંશના શિશુનાગે અવંતિ પર આક્રમણ કરીને તેનાં પર માગ્ધનો કબજો કરી દીધો હતો.
ગાંધાર મહાજનપદ એ ભારતના ઉત્તર પશ્ચિમ સીમાવર્તી ક્ષેત્રમાં સ્થિત(વર્તમાનમાં પેશાવર, રાવલપિંડી [પાકિસ્તાન}નાં વિસ્તારો]. અત્યંત શક્તિશાળી રાજ્ય. તેની રજધાની તક્ષશિલા. પ્રસિદ્ધ શાસક પુષ્કર સરીન. આ રાજ્યનો પ્રસિદ્ધ શાસક પુષ્કરસારિન હતો. આ રાજ્યને અવંતિ સાથે સંઘર્ષમાં પણ ઉતરવું પડયું હતું. આ રાજ્યનો રાજા એ મગધના રાજા બિંબિસરનો મિત્ર હતો. ઇસવીસનની છઠ્ઠી શતાબ્દી પૂર્વે ગાંધાર પર ફારસ ઈરાન)નો કબજો થઇ ગયો હતો.
કમ્બોજ મહાજનપદ ભારતનાં ઉત્તર પશ્ચિમી સીમાવર્તી ક્ષેત્રનો બીજો ભાગ. એની રાજધાની ખટક કે રાજપુર હતી અને સાહિત્યિક સ્રોતો અનુસાર એનો રાજા ચંદ્રવર્મન, સુદક્ષિણ હતો. પ્રારંભમાં રાજતંત્રીય વ્યવસ્થા હતી જે ગણતંત્રીય શાસન પ્રણાલીમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી અને આ મહાજનપદ એ ગાંધાર મહાજનપદનું પાડોશી જનપદ હતું.
અશ્મક મહાજનપદ એ ગોદાવરી નદીના તટ પર સ્થિત હતું. એની રાજધાની પોતન અથવા પોતના અથવા પોટલી હતી. એનાં રાજા એ ઈશ્વાકુવંશીય ક્ષત્રિય હતાં. આને પણ અવંતિ સાથે સંઘર્ષમાં ઉતરવું પડયું હતું. આ મહાજનપદ એ ભારતના ઉત્તર ભાગમાં નહોતું. યુનાની ઇતિહાસકારોના મત મુજબ આ વર્તમાન સિંધુ નદીના કિનારા પર એસ્સેકેનાથ રાજ્ય અશ્મક મહાજનપદ જ હતું. છેલ્લે અવંતિએ એનાં પર આક્રમણ કરી પોતાનમાં ભેળવી દીધું ! આ ૧૬ મહાજનપદ પુરાણ એમને એમ નથી ખોલ્યું હો કે ! એનો એક ચોક્કસ હેતુ છે જેની ચર્ચા હું પછી કરીશ. બાકી હવે વખત આવી ગયો છે નંદવંશના સ્થાપક મહાપદ્મનંદની વાત કરવાનો !
મહાપદ્મ નંદ ———
ઈતિહાસ આમ તો એને નામથી ઓળખવાને બદલે પ્રથમ નંદરાજા કહે છે. પણ ઇતિહાસમાં પર્થમાં નંદવંશીય રાજાનાં બે નામ મહાપદ્મનંદ અને ઉગ્રસેન પણ નોંધાયેલા જોવાં મળે છે. ઉગ્રસેન એ સાહિત્યએ આપેલું નામ છે. મહાપદ્મ નંદ એ કેવી રીતે રાજગાદીએ આવ્યો એની વાત પ્રથમ મેં શિશુનાગ વંશમાં અને આ નંદવંશના પહેલાં ભાગમાં કરેલી જ છે. એટલે એ અહીં દોહરાવતા નથી.
વિષ્ણુપુરાણ, આર્યમંજુશ્રી મૂલ કલ્પ. તથા પરિશિષ્ઠ પર્વણમાં પ્રથમ નંદ રાજાને “નંદ” તરીકે ઓળખાવ્યો છે. તો બૌદ્ધ ગ્રંથ મહાબોધિવંસ તથા વંસત્થપ્પકાસિનીમાં તેણે ઉગ્રસેન નંદ કહ્યો છે. ભાગવત પુરાણમાં તેનું નામ મહાપદ્મ હોવાનો ઉલ્લેખ છે. મહાપદ્મનો અર્થ “એક ખર્વ” થાય છે. આથી ભાગવત ટીકાકાર “મહાપદ્મ” એ પ્રથમ નંદની ઉપાધિ હોવાનું અને તે અસંખ્ય સૈનિકો અથવા અતુલધનનો સ્વામી હોવાનું જણાવે છે. પરંતુ મહાબોધિ વંસમાં ઉલ્લેખિત ઉગ્રસેન નંદ નામ ઇતિહાસકારોને વધુ સ્વીકાર્ય છે. બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખિત શિશુનાગવંશનો રાજા કાલાશોક આ કાકવર્ણી હોવાનું જણાય છે. અલબત આ એક પૂર્વગ્રહયુક્ત મંતવ્ય જ છે માત્ર. જે સાબિત તો નથી જ થતું કોઈપણ હિસાબે ! વાયુ પુરાણમાં ઉગ્રસેને ૨૮ વરસ રાજ્ય કર્યું હોવાનું જણાવ્યું છે. જયારે સમગ્રતયા ઈતિહાસ એમ દર્શાવે છે કે નંદવંશે ઇસવીસન પુર્વે ૩૪૫-૩૪૪થી ઇસવીસન પૂર્વે ૩૨૨ સુધી જ રાજ્ય કર્યું હતું. એટલે કે કુલ ૨૨ જ વરસ. એમાં આ મહાપદ્મ નંદે માત્ર ૧૦ વરસ અને બાકીના ૮ પુત્રોએ ભેગાં મળીને કુલ ૧૨ વરસ રાજ્ય કર્યું હતું એટલે કુલ ૨૨ વરસ થયાં છે.
અમુક સાહિત્યિક ગ્રંથોમાં તો એમ પણ જણાવાયું છે કે — મહાપદ્મ એટલો શાણો હતો કે એને સત્તાની બાગડોર પોતાનાં હાથમાં જ રાખી હતી અને એણે જ અનુશાસનથી પોતાનાં પુત્રોને વારાફરતી ૨-૨ વરસ રાજા બનાવ્યાં હતાં. ઈતિહાસ ધીમે ધીમે આ વાત સ્વીકારતો થયો છે ખરો ! કારણકે આજ વંશ એવો છે કે જેની કોઈ સાલવારી પ્રાપ્ત થતી નથી. એટલે જેને જે કહેવું હોય તે કહી જ શકે છે મારીમચડીને ! બીજું કે મહાપદ્મ નંદ પછી સીધું નંદવંશના છેલ્લા રાજા ધનનંદનું જ નામ આવે છે તો બાકીના તેના ભાઈઓ જો તેનાં જ ભાઈઓ હોય તો એમને ક્યારે અને કેવી રીતે રાજા બનાવ્યા તે તો અધ્યાહાર જ છે. કારણકે મહાપદ્મનંદના ઉત્તરાધિકારીઓનો ઈતિહાસ ધૂંધળો છે એટલે કશી સપષ્ટતા થતી જ નથી એમાં તો !
ઇતિહાસના ગપ્પાં જુઓ આ બધાં ભાઈઓએ સાથે મળીને ૧૬ વરસ રાજ કર્યું હશે. જેનું કોઈ જ સાક્ષ્ય પ્રમાણ નથી અને પાછાં એમ પણ કહે છે કે નંદવંશનો રાજકાલ ૪૪ વરસનો હતો એવું મનાય છે. અલ્યા ભાઈ હોવું અને માનવું એ બેમાં ઘણો મોટો ફેર છે એની ઈતિહાસકારો અને સાહિત્યકારોને ખબર જ નથી લાગતી. આ એ જ ઈતિહાસ છે કે જેણે એમ કહ્યું છે કે નંદવંશે માત્ર ૨૨ જ વરસ રાજ કર્યું છે. આ ૨૨ વરસ તેઓ સ્પષ્ટ નથી કહેતાં પણ ઇસવીસન પૂર્વે ૩૪૫થી ઇસવીસન પૂર્વે ૩૨૨ વરસ કહ્યું એમાં આપણે બધું સમજી લેવાનું ! જો કે ઈતિહાસ આ કોઈની પણ સાલવારીમાં સ્પષ્ટ નથી એ તો દેખાઈ જ આવે છે પણ નંદવંશે માત્ર ૨૨ જ વરસ રાજ કર્યું હતું એ પણ વાત એટલી જ સાચી છે. સિંહાલી અનુશ્રુતિમાં પણ નંદવંશના કુલ ૪૪ વરસ જ કહ્યાં છે. પણ અનુશ્રુતિઓને ક્યારેય ધ્યાન પર લેવાય જ નહીં ને !
એક વાત ધ્યાનમાં આવે એવી છે કે કોઈ બજારમાં ફરનાર માણસ એકએક રાજાની હત્યા કરી શકે ? કરી તો શકે જ ને ભાઈ એની કોણ ના પાડે છે જ તે ! પણ હત્યા પછી એ માણસ જેને રાજપાટનો બિલકુલ અનુભવ ના હોય એ રાજા બની શકે ખરો ? રાજા બન્યો તો બન્યો પણ મહેલમાં રહેતાં કુટુંબીજનોએ એને કઈરીતે સ્વીકાર્યો ? ચલો બળજબરીથી સ્વીકાયો પણ મંત્રી મંડળે એને કઈ રીતે વધાવી લીધો? રાજીખુશીથી તો નહીં જ વધાવ્યો હોય ને ?એમણે કેમ કોઈ અણગમો વ્યક્ત નાં કર્યો કે વિદ્રોહ ના કર્યો કોઈ વાર ? વિદ્રોહ તરત જ થવો જોઈતો હતો અને ફાટફૂટ તરત જ પડવી જોઈતી હતી આમ ૨૨ વરસ પછી તો નહીં જ ! પ્રજા સુખી નહોતી એ વાતની પુષ્ટિ તો ખુદ ઈતિહાસે પણ કરી જ છે. પ્રજા કોઈ દિવસ આવા તદ્દન બીનઅનુભ્વી રાજાને સ્વીકારે ખરી કે ! પ્રજા ખુશ નહોતી અને કરવેરાના બોજ તળે દબાયેલી હતી એ વાતની પુષ્ટિ પણ સાહિત્ય અને ઈતિહાસ બંને કરે છે.
શુદ્ર રાજા ન જ બની શકે એવું તો ક્યાંય પણ લખાયેલું તો નથી જ પણ સવાલ એ છે કે શું એ શુદ્ર રાજા મહાપદ્મનાંદે પ્રજાની નાડ પારખી લોકપ્રિય થવાની જરૂર હતી ! જેમાં મહાપદ્મનંદ નિષ્ફળ નીવડયો . બીજી વાત કે એને તો જે કરવાનું કરી લીધું આ અલ્પસમયમાં પણ પછી જે ખરાબ કર્યું તે એ જાતિના લોકોએ અને વામપંથી ઈતિહાસકારો અને દલિત સાહિત્યે !
એક ઘટસ્ફોટ કરી જ લઉં કે મનુસ્મૃતિમાં જે કહેવાયું છે કે તે એમ છે કે શુદ્રોનું કાર્ય એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાનું છે. સમાજમાં વૈદિકકાળમાં છૂતઅછૂતની પ્રથા જ નહોતી. છૂતઅછૂતની પ્રથાની જડ તો ગુપ્તકાળથી મજબુત બની છે. ઉપદેશ આપવાથી કંઈ માણસની પ્રથા, પ્રણાલી કે પરંપરા બદલાઈ જતી નથી. એની ત્વરિત પ્રતિક્રિયા પણ નથી આવી શકતી એનો અમલ કરવાં અને એને કાર્યાન્વિત કરવાં તો સૈકાઓ લાગે છે. જે લોકો નંદ વંશપર કુદાકુદ કરી રહ્યાં છે એ જમાનામાં નહોતી. એ તો એનાં પછી ૭૦૦ – ૮૦૦ વરસ પછી અમલમાં આવી છે. ઈતિહાસ સાક્ષી છે કે ગુપ્તકાલ એ ભારતનો સુવર્ણકાલ છે. આવી ગુસ્તાખી કોણે કરી કે જે ૭૦૦ – ૮૦૦ વરસ પછી અમલમાં અમલમાં આવી અને એણે કાલાંતરે વેગે પડ્યો જેને આગળ કરીને આજે બધાં લાભોજીલાભ ખાતી રહ્યાં છે. વાંક ક્યાં અને કોનો છે તે દર્શાવવા જ આટલું પિષ્ટપેષણ કર્યું છે.
બ્રાહ્મણો અને ક્ષત્રિયોની ટીકાકરનારે આ શ્લોક સમજવા જેવો છે
विप्राणं ज्ञानतो ज्येष्ठतम क्षत्रियाणं तु वीर्यतः ।
અર્થાત -બ્રાહ્મણની પ્રતિષ્ઠા જ્ઞાનથી છે તથા ક્ષત્રિયોની પ્રતિષ્ઠા વીરતાથી છે.
પહેલી વાત એ કે જે પ્રાપ્ય માહિતી છે તેનાં નકશાઓ જોતાં મગધ પહેલાં રાજ્ય હતું પછી મહાજનપદ બન્યું અને પછી સામ્રાજ્ય બન્યું . મગધ તો બિંબિસાર -અજાતશત્રુના સમયથી જ સામ્રાજ્ય બનવાં અગ્રેસર હતું. અગ્રેસર જ નહીં પણ બની પણ ચુક્યું હતું.. જોવાનું એ છે કે કાલક્રમે તેમાં વધારો થયો છે કે નહીં. એ ક્યારે સમ્રાજ્ય બન્યું અને ક્યારે મહાસામ્રાજ્ય બન્યું તે જ જોવાનું છે આપણે ! આ જ વાત આપણે થોડી વિગતવાર અને પદ્ધતિસર ચર્ચીએ !
હવે મેં જે ઉપર ૧૬ મહાજનપદનું પુરાણ ઉખેળ્યું છે તેની વાત કરીએ. પહેલું મહાજનપદ અંગ કે જેણે શરૂઆતમાં તો મગધ પર પોતાનો અધિકાર જમાવી દીધો હતો પણ પછીથી હર્યકવંશના પ્રથમ રાજા બિંબિસારે તેને હરાવી મગધમાં ભેળવી દીધું હતું. પછી તે મગધના જ આધિપત્યમાં હતું. તે એમાંથી છુટું નહોતું પડયું તો પછી નંદવંશના પ્રથમ રાજા મહાપદ્મનંદે તેના પર વિજય મેળવ્યો કઈ રીતે ! એ મગધનું એક ભાગ હતું તે વાત તો સાચી પણ મહાપદ્મનંદે એનાં પર વિજય મેળવ્યો હતો એ વાત ખોટી ! હવે કાશી મહાજનપદની વાત તો રાજા બિંબિસાર પછી આવેલા રાજા અજાતશત્રુએ કાશી પર વિજય મેળવી તેને મગધમાં ભેળવી દીધું હતું.અજાત શત્રુએ કોશલ દેશ પર આક્રમણ કરી મગધમાં ભેળવી દીધું હતું. વજ્જિને પણ અજાતશત્રુએ પોતાનામાં ભેળવી દીધું હતું.
હવે મલ્લ મહાજનપદની વાત એવી છે કે એને વજ્જિ સાથે સંઘર્ષ થયો હતો. સંભવ છે કે વજ્જિએ તેણે હરાવ્યું હોય અને મગધનાં વજ્જિ વિજય સાથે મલ્લ મહાજનપદ પણ એની સાથે મગધને ભેટમાં મળી ગયું હોય. જો કે મલ્લને મગધે જીત્યું હતું તેવાં ગ્રંથિક પુરાવા મળ્યાં છે ખરાં પણ એ કોણે વિજય મેળવ મેળવ્યો હતો તેની બાબતમાં જ કોઈ સ્પષ્ટ નથી કહી શકતું. અજાતશત્રુએ કે નંદવંશના મહાપદ્મનંદે. સ્પષ્ટતા નથી થતી એટલે હું મહાપદ્મનંદનું નામ લેતો નથી.
વત્સ મહાજનપદ ને અવંતિ મહાજનપદ સાથે સંઘર્ષમાં ઉતરવું પડયું હતું. પણ તેમાં કોણ વિજયી થયું તેની કોઈ જ સ્પષ્ટતા નથી. એમ માનીને જ ચાલવું પડે કે અવંતિ જ જીત્યું હશે તેની પ્રતિષ્ઠા જોતાં તો ! પણ એવું માનવું પણ ખોટું નથી કદાચ મહાપદ્મનંદ વિજયી બન્યાં હોય જે રીતે એમને બધે વિજયી બનવવા પર બધાં તુલ્યાં છે તે જોતાં તો એવું જ લાગે છે ! ચેદિ મહાજનપદ કદાચ મહાપદ્મનાંદે વિજય મેળવ્યો હોય અને કુરુ મહાજનપદ પર વિજય મેળવ્યો હોય એ ભૂલભરેલું તો નથી જ ! પાંચાલ મહાજનપદનું પણ એમ જ થયું હોય એમ લાગે છે કારણકે એની કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી. મત્સ્ય પર પણ નંદવંશે કબજો કર્યો હોય એમ પ્રતિત થાય છે.આવી જ રીતે શુરસેન મહાજનપદ પણ પાછળથી મગધમાં ભળી ગયું હતું એ પણ કદાચ નંદવંશમાં જ !
અવંતિ મહાજનપદ મહાશક્તિશાળી હતું તેનાં આધિપત્યમાં આ ૧૬ મહાજનપદમાંથી ઘણાં બધાં મહાજનપદે સ્વીકાર્યું હતું . એટલે જો અવંતિ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે તો મગધ સામ્રાજ્ય બની જાય આવી ગણતરીથી શિશુનાગ વંશના શિશુનાગે અવંતિ પર આક્રમણ કરી એને હરાવ્યું હતું. બસ ત્યાર પછી મગધ મોટું એટલે કે મહાસામ્રાજ્ય બની ગયું. આનો યશ તો નંદવંશને તો ન જ અપાયને વળી ! ગાંધાર મહાજનપદ પર પહેલાં ઈરાની શાસકનો અધિકાર હતો જે પચ્ચ્લથી મગધનો થયો એવું કહેવાય છે તે પણ નંદવંશમાં જ ! ગાંધાર પણ મગધનો ભાગ બની ગયું પણ ક્યારે તે પ્રશ્ન છે ખરો ! નંદવંશના સમયમાં કે તે પહેલાં ! અશ્મક તો પહેલેથી જ અવંતિમાં ભળેલું જ હતું એટલે એ તો આપોઆપ મગધમાં આવી જાય જ !
૧૬ મહાજનપદ પુરાણ ખોલવાનો આ હેતુ હતો મારો ! જરા ધ્યાનપૂર્વક નંદવંશના સમયના ભારતનો નકશો જોજો તો તમને બધો જ ખ્યાલ આપોઆપ આવી જશે. તેમાં જો તમે જોશો તો ખ્યાલ આવશે કે ગાંધાર તેમાં નહોતું . આ ગાંધાર એટલે કે તક્ષશિલા અલગ રાજ્ય હતું. જેનો રાજા આમ્ભી હતો જે સિકંદર સામે હાર્યો હતો. આ વાત થોડી વિગતે ધન નંદ અને ચાણક્યની મુલાકાતમાં કરવાની હોવાથી અત્યારે હું એ અહીં કહેતો નથી. કંબોજ પણ નંદવંશના સમયમાં મગધમાં સામેલ નહોતું બાકીના અમુક નહોતાં અને અમુક હતાં.
આ બધાં જ મહાજનપદો હતાં તે છેક મહાભારતકાળથી અસ્તિત્વ ધરાવતાં હતાં એટલે એનો ઉલ્લેખ મહાભારતમાં થાય એ સવાભાવિક જ છે. મહાભારતમાં થાય એટલે પુરાણોમાં થાય. પુરાણોમાં તો કોણે ક્યારે શું લખ્યું છે તે જ ખબર નથી પડતી. જે બાબત પર નંદવંશના સ્થાપક મહાપદ્મનંદને ભારતનો પ્રથમ ચક્રવર્તિ સમ્રાટ અને અને એની સરખામણી ક્ષત્રિયનો નાશ કરનાર ભગવાન પરશુરામ સાથે કરવામાં આવી છે તેમાં વાંક પુરાણોનો જ છે !
વિષ્ણુ પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે એક એવો રાજા નંદાવંશનો મહાપદ્મનંદ નામે જે ક્ષત્રિયોનો નાશ (સંહાર) કરી ભગવાન પરશુરામ જેવો બનશે અને એ જ ભારતનો પ્રથમ ચક્રવર્તિ સમ્રાટ બનશે. કથાસરિતસાગર જે પ્રાચીન વાર્તાઓનો સંગ્રહ છે તે પણ આજ વાતની પુષ્ટિ કરે છે. પણ તે વાર્તાઓના સંગ્રહ છે એને ઈતિહાસ તો ન જ માની લેવાય ! વિષ્ણુપુરાણમાં એમ કહ્યું છેકે મૈથીલાઓ, કશેયાઓ, ઈશ્વાકુઓ, પાંચાલો, શુરસેનો, કુરુઓ, હૈહેયો, વિઠીહોરસ,કલિંગીઓ અને અશ્મ્કોનો નાશ કરશે. આ બધાં મહાજનપદો અને ગણરાજ્યોની પુરાણોને કેવી રીતે ખબર ? કે પછી કથાસરિતસાગરવાળાઓના ફળદ્રુપ ભેજાની જ નીપજ છે માત્ર ! બીજી વાત અને અને ઈતિહાસ સાથે શું લેવાદેવા ? આ ઉદાહરણો- દ્રસ્તાંતો દ્વારા જ મહાપદ્મનંદનાં મો ફાટ વખાણ થાય છે એ વાત આપણે સ્વીકારવી જ રહી ! જે હકીકત તો છે જ નહિ !
ખારવેલની હાથીગુફાના આભિલેખમાં નંદનો ઉલ્લેખ જરૂર થયો છે ! એ મહાપદ્મનંદ જ છે અને એણે કલિંગ જીત્યું હશે એવું માનવામાં આવે છે. પહેલી વાત તો એ કે ખારવેલનો હાથીગુફાલેખ એ માત્ર મહાપદ્મનંદ ઉપરનો અભિલેખ નથી એમાં વચ્ચે ખાલી ઉલ્લેખ થયેલો છે. કલિંગની વાત કરું તો ઇસવીસન પૂર્વે ૩૨૨માં નંદવંશનું પતન થયુંઅને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ગાદીએ બેઠાં. તેમણે ભારતને એક કર્યું ત્યારે કલિંગ બાકી હતું. તાત્પર્ય એ કે કલિંગ જીત્યું હતું ચક્રવતી સમ્રાટ અશોકે. ચંદ્રગુપ્તના સમયમાં એ બાકી હતું એટલે કે સ્વતંત્ર હતું એટલે એ મહાપદ્મનંદે તો નહોતું જ જીત્યું ! દખ્ખણ એમણે નહોતું જીત્યું જ ! આવું ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી બબતમાં બન્યું જ છે. પાણિની એમની પહેલાં થયાં હતાં તો એ એમનાં મિત્ર કેવી રીતે હોઈ શકે ? વરરૂચી અને કાત્યાયન પણ એમનાં સમયમાં નહોતા જ થયાં એ બંને એમના પછી વર્ષો પછી થયાં છે. જૂઠની પણ એક હદ હોય છે. હવે તો લાગે છે કે એમને મળેલી બધી ઉપાધિઓ એ અમુક જાતિના લોકો ની જ દેન છે .
પ્રજા સુખી નહોતી અને એ કરવેરાના બોજ તળે દબાયેલી હતી. આમ તો એ થયાં છે કે નહીં એની પણ ખબર નથી. જો થયાં હોય તો ૧૨ વરસ ખાલી ખાલી ટાઈમપાસ કરી ગયાં એમ જ કહેવું ઉચિત ગણાય !
તેમ છતાં નંદવંશની સ્થાપના કરી કથિત યુધ્ધો કરી ૧૨ વરસ મગધ પર રાજ કરી ગયાં ઈતિહાસ આ કલંક ભૂંસવાને અસમર્થ છે !
મિત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે ચાણક્ય – ધનનંદ મુલાકાત આવતાં લેખમાં. મારો હવે પછીનો લેખ ધનનંદ ઉપર !
***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..