નગારા નો ઇતિહાસ

ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, દમંગળ લશ્કર સાબદા થઈ જાવ.’ આમ લડાઈ પ્રસંગે વાગતું રણવાધ યુદ્ધ નગારું માત્ર બે જ જગાએ વાગે છે. એક દેવદ્વારે અને બીજું રાજદ્વારે. સંસ્કૃતમાં ‘દન્દુભિ’ના નામે ઓળખાતું નગારું દેવદંદુહિ, દમામા, ડમકો, પાણવ, બંધ અને ઘોષ તરીકે પણ જાણીતું છે. મોટા નગારાને નક્કારા અને નાનાને નગારી કહે છે. નક્કારા એટલે તાંબાકુંડી પર ચામડું મઢેલ હોય એવું વાધ. દંડો મારતા અવાજ કરે એવી અંદરથી પોલી અને ઉપરથી ચામડે મઢેલી બનાવટ. પીટવાથી વાગે એવું વાધ ને એમ ભગવદ્‌ગોમંડલ નોંધે છે. નગારું વગાડનાર ‘નગારચી’ તરીકે ઓળખાય છે. ઢોલ, નગારા રાખવા અને વગાડવાની જગા ‘નગારખાનું’ કહેવાય છે. રાજરજવાડાઓના સમયમાં દરેક રાજ્યોમાં નગારખાનાં અને લડાઈ માટે નગારાની ‘નર-માદા’ની ખાસ જોડીઓ રાખવામાં આવતી. ‘આઈને અકબરી’ની નોંધ મુજબ અકબરની સેનામાં યુદ્ધનગારાની ૨૦ જોડીઓ રહેતી.

રજવાડાંઓની સાથે નગારાં ને યુદ્ધનગારાં ગયાં. એના સુવર્ણ અવશેષોરૂપે ક્યાંક ક્યાંક નીકળતી દશેરાની સવારીમાં નગારાં એના સુવર્ણ કાળની સ્મૃતિને તાજી કરાવે છે. દેવમંદિરોમાં નગારાં અને લોકજીભે નગારાની રસપ્રદ કહેવતો આજેય યથાવત્‌ જળવાયેલી જોવા મળે છે.

(૧) રૂપિયો કેવો ? તો કહે ઃ ગાડાના પૈડા જેવો, ગાયકવાડી નગારા જેવો

(૨) નગારાં વાગે, નોબત વાગે,પણ રાંડ સૂતી ન જાગે.

(૩) કરિયાણાનો કોઠો, બાબરાની બજાર,નવા ગામનું નગારું ને દેવળિયાના દરબાર

(૪) નગારા પીટવા અર્થાત્‌ પોતાના કામનો ઢંઢેરો પીટવો. મોટા અવાજે છડેચોક બોલવું. પોકારી પોકારીને કહેવું.

(૫) નગારું ઉંધું વાળવું ઃ બધું બેસી જવું. પડતી થવી. નુક્શાની આવવી.

(૬) ઉંધુ નગારું ઃ મોટી ફાંદવાળા જાડિયા માણસ માટે થતો શબ્દપ્રયોગ.

(૭) નગારખાનામાં તતુડીનો અવાજ કોણ સાંભળે ? અર્થાત્‌ મોટો સમારંભ ચાલી રહ્યો હોય એમાં નાની વસ્તુનો શો હિસાબ ? બહુ શોરબકોરમાં કોઈની વાત સંભળાતી નથી. મોટા માણસોમાં નાના માણસને કોણ ગણે ? એનો કોણ ભાવ પૂછે ?

(૮) દેવ દંદુહી આકાશે વાગી,ધરમ નરેશ આવિયો ગાજી

(૯) વગર નગારે લડાઈ કેવી ?

(૧૦) તુલસી નીચો આદમી કરે ન ઊંચો કામ,કયા ચૂહકે ચામસે, સૂને નગારા ગામ !

મેદાની લોકવાધ તરીકે ભારતના પ્રત્યેક પ્રાંતમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવાતાં નગારાંની ઉત્પત્તિ સાથે નૃત્યદેવતા શિવજીના ડમરુથી લઈને અનેક કથાઓ, દંતકથાઓ અને મતમતાતરોનાં ઝાળાં બાઝેલા જોવા મળે છે. એ બધાને અંતે એટલું તો નિઃશંકપણે કહી શકાય કે મૃદંગ, ઢોલ, દોકડ-તબલાં , ડાક, ડમરું જેટલાં પણ ચામડાથી મઢેલા વાદ્યો મળે છે તે બધી ઢોલની પ્રશાખાઓ છે. ઢોલની ‘નાતભાઈ’ માં ગણાતાં વાદ્યો છે. ઉદાહરણ લઈએ તો ઢોલમાંથી ઢોલક અને મૃદંગ બન્યા. એને વચ્ચેથી કાપીને અમીર ખુશરોએ ઊભા રાખ્યા એમાંથી તબલાં-દોકડ બન્યા. એને બે બાજુથી કાપી ચામડે મઢીને વગાડો એ ખંજરી બની જાય.

મધ્યકાળમાં યુદ્ધધીંગાણાં ખૂબ થતાં. યુદ્ધમાં સૈનિકોને પોરસ ચડાવવા, લડાઈનો આરંભ કરવા અને શૂરવીરોને સંકેતો પહોંચાડવા માટે મેદાની રણવાદ્ય તરીકે ઢોલનો ઉપયોગ શરું થયો. વજનદાર ઢોલ ગળે લટકાવીને યુદ્ધમેદાનમાં ફરવાનું મુશ્કેલ બનતું. ઘોડા પર બેસીને ઢોલ ને વગાડવાનું અને ઘોડાને સાચવવાનું પણ શક્ય નહોતું એથી કોઠાસૂઝ ધરાવનાર કોઈ નગારચીએ ઢોલને કાપી, તેના બે ભાગ કર્યા જેને આજે નગારા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય વાધો ‘લોક’માટે હોય છે. જ્યારે નગારું રાજા અને દેવ માટેનું વાદ્ય ગણાય છે. તેથી પ્રજામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ લગ્ન પ્રસંગે જ શુકનરૂપે નગારું વગાડી શકતી. કારણકે લગ્ન પ્રસંગે વરરાજાની ગણના બીંદરાજા તરીકે થતી. લગ્ન સિવાય રિયાસતોમાં જો કોઈ નગારું વગાડે તો એનો દંડ કરવામાં આવતો. ‘રાજપરિજન પરિચય’ ગ્રંથમાં રમેશચંદ્ર ગુણાર્થી આ વાતને સરસ રીતે સમજાવ છે.

રાજા અને પ્રજાની વચ્ચે ‘આમ’ અને ‘ખાસ’ નો ભેદ વરસોથી રહ્યો છે. એ વાતની પ્રતીતિ મોગલ સમયના ‘દિવાને આમ’ અને ‘દિવાને ખાસ’ પરથી મળે છે. લોક-પ્રજાના ઈષ્ટદેવ ઠાકોરજીથી રજવાડાંના ઠાકોરજી રજવાડી ઠાઠમાઠવાળા અને જુદા જ હોય છે. એમ પ્રજાની ધર્મનીતિ અને શાસકોની રાજનીતિમાં ઘણું મોટું અંતર જોવા મળે છે. આ નીતિના આધારે જોવા જઈએ તો જ્યારે ઢોલ આમ જનતાનું મુખ્ય વાદ્ય બની ગયું ત્યારે રાજવીઓ અને સત્તાધારીઓએ પોતાના દરબારોમાં દમામા અર્થાત્‌ નગારું રાખીને એનું વિશિષ્ટ મહત્વ દર્શાવ્યું. એને કારણે નગારું મોટે ભાગે રાજદ્વારે અને દેવદ્વારે વિશિષ્ટ બની રહ્યું. આજેય નગારું મોટે ભાગે રાજદ્વારે અને દેવદ્વારે આરતી સ્વરુપે વાગે છે. અને એક આગવા વાતાવરણનું સર્જન કરે છે. નગારાં નિશાન – ડંકાના કામમાં અને ઘડિયાળના સમય પ્રમાણે ડંકા દેવામાં વપરાય છે. મોટી રિયાસતોમાં પ્રાતઃકાળે, મધ્યાને, સાંજે ને મધ્યરાત્રીના નોબત ડંકા વગાડવામાં આવતા. આ પરંપરા અકબરના વખતથી ચાલતી આવે છે. આઈને અકબરીમાં એનો ઉલ્લેખ મળે છે.

કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં નગારાં ના ચાર પ્રકારો જોવા મળે છે. (૧) સ્થાયી અર્થાત્‌ અચલ. મોટું નગારું જેને જ્યાં ત્યાં ફેરવી શકાતું નથી. બાકીના ત્રણ અસ્થાયી – જંગમ જે ગમે ત્યાં હેરવી ફેરવી શકાય એવા હોય છે. પ્રથમવાર રાજ્યની સ્થાપના થાય, કોઈ રાજવી બને, નગર ફરતો કિલ્લો બનાવવામાં આવે ત્યારે શુભમુહુર્ત જોઈ રાજનો ધ્વજ ફરકાવીને મોટું નગારું શુભશુકન રૂપે વગાડવામાં આવતું. એ પછી રાજ્યધ્વજનું કપડું ઉખેળવામાં આવતું જેને ‘ધૌંસા’ કહેવાતું. એના પર રાજ્યની સ્થાપનાની સાલ-સંવત, વાર, તિથિ મંડાયેલા રહેતા. (૨) અસ્પિ નગારું, આ નગારું ઘોડા ઉપર બાંધીને વગાડવામાં આવતું. (૩) સુતરી નગારું ઃ આ નગારું ઊંટ ઉપર બાંધીને સેનામાં અને સવારીમાં વગાડવામાં આવતું. (૪) રણજીત નગારું.આ નગારું ધર્મ અને સંગીતના શાસ્ત્રમાં બતાવેલી વિધિ મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિએ બનાવવામાં આવતું. એને ખાસ પ્રકારના ચામડાથી મઢવામાં આવતું. આવું નગારું નવું બનીને રાજ્યમાં આવે ત્યારે ગઢકિલ્લાની દોઢી દરવાજામાં કે રાજમહેલના ચોકમાં વિધિપુરઃસર પધરાવવામાં આવતું. એ વખતે રાણીવાસ – અંતઃપુરમાંથી રાજાની પટરાણી હાથમાં સોના-રૂપાનો થાળ, કંકુ, ચોખા લઈ નગારા પર કુમકુમ તિલક કરી સાચાં મોતી વડે નર-માદા નગારાને વધાવીને પોતાના અખંડ સૌભાગ્ય માટે યાચના કરતી. રણમાં જીત અપાવનાર આ રાજ નગારાને વધાવવાનો મોટો ઉત્સવ થતો. પછી એ નગારું રાજના નગારખાનામાં પધરાવાતું. યુધ્ધના પ્રસંગે રણજીત નગારાને હાથી પર બાધવામાં આવતું, અને રાજાના હાથીની હારોહાર રહેતું. યુદ્ધમાં વિજય મળે ત્યારે જ રણજીત નગારું વગાડવામાં આવતું. લડાઈમાં લશ્કરના આગળના ભાગે ઘોડાનગારું ચાલતું. અને સેનામાં સૌથી છેલ્લું સુતરી-ઊંટ નગારું ચાલતું. અસ્પિ અને સુતરી નગારાં નિશ્ચિત સંકેતો દ્વારા સમગ્ર લશ્કરને આગળ પાછળના હુમલાથી સાવચેત રાખતાં.

મુસ્લિમ રાજ્યોમાં પણ નગારું સન્માનીય લોકવાદ્ય બની રહ્યું હતું. બાદશાહના શાહી દરબારમાં નગારાં, નેજા, ઢાલ, તરવાર, અને હાથીઘોડા જોવા મળતા. મહોરમના તાજિયા જુલુસમાં મોટાં નગારાં વાગતાં. સંવત ૧૬૮૪ની અષાઢ વદી ચોથે ખુર્રમ શાહજહાંએ જોધપુરના મહારાજા ગજસિંહને રાજ્યમાં રહેતી ઉપરોક્ત વસ્તુઓ ભેટરૂપે આપી હતી. એમ કર્નલ ટોડે રાજસ્થાનના ઈતિહાસમાં નોધ્યું છે. શાહજહાંએ એ પછી કેટલાય સરદારોને નગારાના નિશાન આપ્યાં હતાં.એના ઠેકાણા નગારબંધ કહેવાતા. અજમેર રાજ્યમાં એ સમયે અસ્તિત્વમાં આવેલા નગારબંધ ઠેકાણાં ૧૨ હતા. આજે ૧૪ હોવાનું કહેવાય છે. નગારાં-નિશાન રાજા-બાદશાહો તરફથી માનપૂર્વક યોગ્ય ઠેકાણે રખાતા. નગારબંધવાળા સરદારો ્પ્રથમ શ્રેણીના ‘ઈસ્તમુરારદાર’કહેવાતા. બીજી શ્રેણીના ઈસ્તમુરારદારો પાટવી કુંવર કે બીજા કોઈ મોટા ઠેકાણેથી નગારાનિશાન મેળવીને લડાઈનું કાર્ય કરતા.

લડાઈ પ્રસંગે ‘રણજીત નગારું’ પડાવી લેવું એ શૌર્ય અને ગૌરવપૂર્ણ ઘટના ગણાતી. વિ.સં. ૧૫૧૭માં કિશનગઢ નરેશ રૂપસિંહજી શાહજહાંના કહેવાથી એના પુત્ર દારા શિકોહના પક્ષમાં લડ્યા. એ વખતે ૩ પેઢી પહેલાં ધૌલાખાયના નગારચીઓ લડાઈમાં મરી જતાં રણજીત નગારું ગુમાવેલું તે કિશનગઢના ઠાકોર કુંભકર્ણજી પાછું મેળવી લાવ્યા. એથી ખુશ થયેલા રૂપસિંહજીએ ઠાકોરને કહ્યું ઃ ‘તમે મારી ઈજ્જત બચાવી છે. આજથી તમારી ગેરહાજરીમાં ક્યારેય રાજનો દરબાર નહીં યોજાય.’

દલેલખાં નામના મોગલ સુબાએ વિ.સં. ૧૬૪૮માં મેવાડ પર ચડાઈ કરી ત્યારે મહારાણા પ્રતાપે બિજનોરના ઠાકોર મનમનદાસજી રાઠોડને સેનાપતિ બનાવીને યુદ્ધમાં મોકલ્યા. રાજનગર પાસે બંને સેનાઓ વચ્ચે ખુનખાર જંગ ખેલાયો. મેવાડી સેનાપતિ રાઠોડે પોતાના અશ્વને ઉંચે કૂદાવી હાથીના હોદ્દા પર બેઠેલા દલેલખાંને બરછીના એકજ ઘાથી માર્યો ઃ

‘અસ ચડિયો કમધજ અનડ મુગલ કઠેરા માંહિ,
માર દિયો મુકેનસરા બલવત બર્છી બાંહિ’

એની બહાદુરીથી ખુશ થયેલા મહારાણા પ્રતાપે સનદ આપી કે ‘આજથી તમારું રાઠોડનું નગારું મેવાડી સેનામાં સૌથી મોર્યના ભાગે વાગશે.’(નલવંશ પ્રકાશ ભા. ૧)

નગારા અંગેની એવી જ બીજી રસપ્રદ નોંધ પાલનપુર સ્ટેટના ઈતિહાસમાંથી મળે છે. પાલનપુરના મલેકખાને ઝાલોર પર ચડાઈ કરવા માટે સિદ્ધપુર પાટણના હાકેમ મુસાખાન પોલાદીની મદદ માગી. મુસાખાને પોતાના નગારચીને ઘોડાનગારું લઈ લશ્કરમાં સાથે જવા હૂકમ કર્યો. આ નગારચીએ ભૂલમાં અસ્પી ઘોડાનગારાને બદલે રણજીત નગારું સાથે લીધું. એના માટે કહેવાય છે કે ધર્મશાસ્ત્રની અનેક વિધિઓ પ્રમાણે એ બનાવેલ હોઈ તે જે પક્ષમાં હોય તેનો વિજય થાય એવી માન્યતા ને કારણે પોલાદીને આની ખબર પડતાં તેણે પાછું મેળવવા પ્રયત્ન કર્યો પણ તે મેળવી શક્યો નહીં. આજે આ રણજીત નગારું પાલનપુર રાજ્યમાં છે. એને વગાડવા માટે આવેલ નગારચીઓને ‘મુસ્સલ’ અટકથી ઓળખવામાં આવે છે. ‘મુસ્સલ’નો અર્થ મોકલવામાં આવેલ એવો થાય છે. નગારા સાથે નગારચી બનીને આવેલ મુસ્સલ કુટુંબો આઝાદી આવી ત્યાં સુધી પાલનપુર નવાબને ત્યાં રાજની નોકરી કરતા. આજે ક્યાંક ક્યાંક તેઓ શુભપ્રસંગે નોબત શરણાઈ વગાડે છે. બાકીના બીજા કામધંધે લાગી ગયા છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!