ધન વાડી, ધન વંગધ્રો, ધન ધન મોડ મૂછાર,
ધન કૂબો કોટેસરી, ધન કચ્છડે જો આધાર.
જામશ્રી હાલાજી ૧૩૦૧ માં ગાદીપતિ બન્યાં. બારાતેરાના તે પ્રજાપ્રિય અને નિતિવાના રાજા હતાં. હાલાજી જામના બે રાણી ઓ હતાં. જેમાં પ્રથમ રાણી પારીનગરના સોઢા જગતસિંહજીના પુત્રી મામબા જોડે થયેલાં તેમના પાટવી કુંવર શ્રી રાયધણજી અને બીજા રાણી સાજડીયાળીના ઝાલા. ચતુરસિહજીના પુત્રી સુરજકુંવરબા જોડે બીજા લગ્ન થયેલા. તેના પુત્ર દેશક હતા. જામશ્રી હાલાજીજ્યારે ગાદી ઉપર હતા ત્યારે સૌરાષ્ટ્રમાં ગોહિલવંશ સ્થાપક સેજકજી સેજકપુર વસાવ્યું તે સમારંભમાં હાલાજી પધારેલ.જામશ્રી હાલાજી ખુબ જ સમજુ અને દીર્ઘદૃષ્ટિવાળા રાજા હતાં. તેમના મનમાં એક નવી ઈચ્છા ઉપજેલી કે ભાવિ પ્રજા માટે કોઈ નવો પ્રદેશ કમાવો જોઈએ અને એટલે પોતાના રાજ્યના મંત્રીઓ પાસે રજુ કરી અને કહ્યું કે મારા મનમાં કોઈ નવો પ્રદેશ કમાવાની ઈચ્છા છે જો મા આશાપુરા સહાય કરે તો ઉપરોક્ત ઈચ્છા પુર્ણ થાય.
જામ હાલાજીના નાનાભાઈ જેહાજીને જખૌનું પરગણું ગરાશમાં આપેલું. તે જેહાજીના કુંવર અબડાજી મહાન પ્રભાવશાળી અને પ્રતાપી પૂરૂષ હતાં. પોતાને મળેલા ગરાશમાં પોતાની સતા જમાવી અને રહેતા હતા.
તે જેહાજીના કુંવર અબડાજી મહાન પ્રભાવશાળી અને પ્રતાપી પૂરૂષ હતાં.પોતાને મળેલા ગરાશમાં પોતાની સતા જમાવી અને રહેતા હતા ત્યારે કચ્છમાં દુષ્કાળ પડેલો એટલે પોતાની પ્રજાને નિભાવવા માટે સિંધ આવ્યા પછી હિંગળાજ માતાની યાત્રાની ઈચ્છા થઈ એટલે સંઘ કાઢી યાત્રાએ નીકળ્યા જે સંઘમાં દશોદી ખીરોજી ચારણ પણ સાથે હતો. સિંધથી હિંગળાજની યાત્રાએ જતા રસ્તામાં બારગાઉનું રણ આવે છે. તે રણની મુસાફરી કરવા માટે પાણીનો બંદોબસ્ત કરવો જરૂરી ગણાય એટલે પાણીનો પુરતો બંદોબસ્ત કરેલો તે યાત્રાની શરૂઆત કરી અને જ્યારે રણ પ્રદેશની મુસાફરી કરી તે વખતે રામનવમીનો દિવસ હતો અને એટલે સર્વે ભજન ગાતાં ગાતાં રણમાં મુસાફરી આગળ વધતા હતા તે સમયે રણમાં અર્ધક પહોંચ્યા હશે ત્યારે રાત પડી અને સાથોસાથ પાણી પણ ખુટી ગયેલું. એટલે રણમાં રાત્રી વિતાવવા જે જગ્યાએ વિશ્રાતિ કરી .
સંઘમાં યાત્રાળુઓએ કહ્યું બાપુ પાણી ખલાશ થઈ ગયું તો હવે શું કરશું? ત્યારે જવાબમાં કહ્યું કે આ રણ પ્રદેશ છે પાણીનો બંદોબસ્ત કરીને નીકળવું જોઈએ ને. ત્યારે સંઘના માણસોએ કહ્યું કે પાણીનો પુરતો બંદોબસ્ત કરેલો હતો પરંતુ કેમ ખલાશ થઈ ગયું તે સમજાતું નથી. ત્યારે અબડાજીએ કહ્યું કે ઈશ્વરનું સ્મરણ કરો અને પાણીનો બંદોબસ્ત થાય તો ભલે. ત્યારે એવો એક ચમત્કાર થયો કે એક ફકીર જેણે માથા ઉપર લીલી કફની બાંધેલી હાથમાં ઝેરી નાળિયેરનું ખપ્પર અને તેમાં પાણી ભરેલું એ રણમાં નીકળ્યા અને જ્યાં સંઘ અને જામ અબડાજી સત્સંગ કરતા હતા ત્યાં આવી પહોચ્યા ત્યારે જામાં અબડાજીએ આ સાંઈની ખુબ જ આગતા સ્વાગતા કરી ગાંજાની ચલમ બનાવી પીવડાવી આમ જામશ્રી અબડાજીના આદર સ્વાગતથી સાંઈ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માંગો ત્યારે અબડાજીએ કહ્યું કે અમારા સંઘમાં પાણીની ખુબ જ ખેંચ છે અને આપ જો કઈ પ્રબંધ કરો તો સારૂ .ત્યારે સાંઈએ કહ્યું કે અહી ખાડો ખોદો ત્યાં ખાડો ખોદવામાં આવ્યો એટલે તે ખાડામાં સાંઈએ પોતાના ખપ્પરમાંથી પાણી તેમાં રેડ્યું ખાડો ભરાઈ ગયો અને પાણી તેમાંથી ચાલવા લાગ્યું. આમ રણમાં વ્હેલ ચાલી નીકળ્યું અને સાંઈએ કહ્યું કે હવે આમાથી તમો પાણી ભરી લો ત્યારે સંઘના સર્વએ જે તે સાધનોથી પાણી ભરવા અને જોઈતુ સઘળું પાણી બધાએ પોતાના સાધનો ભરી લીધું અને ખુબ જ સંતુષ્ઠ રીતે પાણી પી લીધું છતાં પણ પાણી ખુટ્યું નહી. આવો ચમત્કાર સર્વે જોયો ત્યારે ખીરાજી ચારણે અબડાજીને કહ્યું કે આ સાંઈ કોઈ મહાન પુરૂષ છે અને ઈશ્વર ઈચ્છા હશે અને તે પ્રસન્ન થશે તો તમારે જે સંતતિની ખોટ ન રહે અને તમોને સંતતિ થાય ત્યારે અબડાજીએ કહ્યું કે આપ જેવા મહાન પુરૂષના ભેટા થાય અને મારૂ દુ:ખ દૂર ન થાય તો મારા કર્મનો દોષ. પારસ મણિનો સંગ થાય છતા દરીદ્રતા રહે તો ભાગ્યનો દોષ સાંઈએ અબડાજીને કહ્યું તમારી શી ઈચ્છા છે તે જણાવો ત્યારે અબડાજીએ કહ્યું કે, મારેત્યાં સંતતિની ખોટ છે તમારા જેવા સાધુ મહાત્માની કૃપાથી અન્નધન ખુબ જ છે પરંતુ તેને ભોગવવાવાળો મારા પાછળ કોઈ નથી ત્યારે સાંઈએ કહ્યું કે હે અબડાજી તમારા ભાગ્યમાં અઢી પુત્રો લખેલ છે, ત્યારે અબડાજીએ કહ્યું મહાત્મા એક, બે, ત્રણ, ચાર એમ હોય પરંતુ અઢી પુત્ર એનો અર્થ શો? ત્યારે પ્રત્યુતરમાં સાંઈએ જણાવ્યું કે, બે પુત્રોની કીર્તિ તો જયાં સુધી આ પૃથ્વી ઉપર સુર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તેની કીર્તિ અમર રહેશે અને એક પુત્ર સાધારણ થશે એટલે કે યુધ્ધમાં કામ આવશે મેં અઢી પુત્રો કહ્યાં તે પ્રમાણે ઈશ્વર ઈચ્છાથી અબડાજીને ત્યાં ચાવડી રાણી સોહાગદેને સારા દિવસો દેખાવા લાગ્યાં.
સિંધ નગરસમેની રાજસત્તા હજુ સમાવંશના હાથમાંથી છૂટી ન હતી. નગરસમૈની ગાદી પર આ વખતે જામ ઘાહો લાખાણી હતો.
જામ જેહાજીનો પુત્ર અબડો પોતાના ભાઈઓ સાથે લાખિયાર વીયરામાં રહેતો હતો. કુટુંબ-કલેશથી કંટાળીને લાખિયાર વીયરાનો ત્યાગ કરી તે નગર આવ્યો. નગરસમેના ધણી જામ ધાણા લાખાણી પાસેથી તેણે પોતાનો ભાગ માગ્યો ઘાહા લાખાણીના બાપે નગરસમૈની ગાદી ઘાહા જાડાણી પાસેથી પચાવી પાડી હતી. પરંતુ હવે કોઈને કંઈ પણ હિસ્સો આપવાને તૈયાર ન હતો. આ ખેચતાણે ઝઘડાનું સ્વરૂપ પકડ્યું. આખરે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ વાતનો નિકાલ લાવવા બંને હક્કદારોએ દિલ્હીના પાદશાહ પાસે જવું અને તે જે ચુકાદો આપે તે બહાલ રાખવો.છેવટે આ બંને જણ દિલ્હી પહોંચ્યા. આ વખતે ઇસ્લામનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો. પાદશાહે ફેંસલો આપ્યો કે બેમાંથી જે કોઈ ઇસ્લામી મઝહબનો અંગીકાર કરવા તૈયાર હોય તે નગરસમૈની ગાદી ભોગવે. પાદશાહના આ નિર્ણયથી અબડો નિરાશ થયો. તે પોતાના ધર્મને તિલાંજલિ આપવા તૈયાર ન હતો. ઘાહાએ પાદશાહની શરતનો સ્વીકાર કર્યો. અને નગરસમૈનો માલિક બની બેઠો.
અબડો જામપોતાના વિશાળ પશુ સમુદાય સાથે નગરસમેની હદમાં નિવાસ કરી રહ્યો હતો. તેના બદલામાં નગરસમેના ધણી લાખા ઘાહાણીને રોજ એક વચ્છ (પાડી) આપવાનો કરાર કરવામાં આવ્યો હતો.
અબડાની રાણી સોહાગદે ચાવડી આ વખતે ગર્ભવતી હતી. એક દિવસ એક વાણિયો બોરનો ખડિયો લઈને બોર વેચવા નીકળેલો. સોહાગદે ચાવડીને બોર ખાવાની ઇચ્છા થઈ. તેણે વાણિયાને વાંઢમાં આવવા હાકલ કરી.
હલી વાણિયું આવે, બેરેં ફાંટ ભરે,
ચાવડી સોહાગદે, તેં કે સડ કરે.
ભાવાર્થ : વાણિયો બોરની ફાંટ ભરીને આવ્યો તેને સોહાગદે ચાવડી સાદ કરી બોલાવવા લાગી.
વાણિયાના ખડિયામાંથી ચાવડી રાણીએ બેચાર બોર ચાખી જોયાં. એટલામાં કોઈ ભેદી અવાજ તેના કાન પર પડ્યો :
બાઈ બેર મ ખા, ફરે ફકીરે જીં,
અબડાણી અંદ વિઠે, કુંવર કઈ ના.
ભાવાર્થ : બાઈ, તું ભિખારીઓની માફક મફતનાં બોર ઉપાડીને ખા નહિ. અબડાના કુંવરે અંદર બેઠાં માતાને મનાઈ કરી.
બાઈ ખાજે બેર, ત બેરેં ડીજે મટ્ટ,
માણક મેલો ન થીએ, સોન ન ચડે કિટ્ટ.
ભાવાર્થ : બાઈ, જો બોર ખાવાં હોય તો બોરની કિંમત આપવી જોઈએ કારણ કે માણેક મેલું હોઈ શકે નહિ, સુવર્ણ પર કાટ સંભવી શકે નહિ.
ત્યારબાદ અબડાજીનો યાત્રાનો સંઘ પાછા આવ્યા બાદ સિંધમાં રોકાયા હતાં અને ત્યાં ત્રણ વર્ષ રોકાયા હતા અને ત્યાંજ મોડજીનો જન્મ થયો. જામ અબડાજીને ત્યાં મોડજીનો જન્મ સંવત ૧૩૦૩ શ્રાવણ વદ ૮ (જન્માષ્ટમી) ના રોજ થયો.આ મુજબ માતાના ઉદરમાં જ ઉપરોક્ત શબ્દ બોલ્યા એટલે જનમ્યા પછી મોડજી એવું નામ જગતમાં પ્રસિધ્ધ થયું જો કે રાશી પ્રમાણે તો તેનું નામ કુળધરજી છે પરંતુ જન્મ પહેલા માતાના ગર્ભમાંથી બોલેલા એટલે જગતમાં મોડજી તરીકે ખ્યાતિ પામ્યાં.
અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર મોડજીએ સોઢી માતાના ઉદરમાં જે ભાઈ હતો તેને ઉદેશીને કહ્યું કે, “ હે ભાઈ તારા મનમાં મોટાઈ છે એટલે શું તુ જન્મ લેતો નથી પરંતુ હું તને મારી મોટાઈ આપું છું અને બદલામાં તમો મને વચન આપો કે ક્ષત્રિય ધર્મનું શરણાગત વત્સલ એટલે કે શરણે આવેલાને આશરો આપવો અને પિતાનું નામ છે તે જ તમારૂ નામ રાખવું માટે ભાઈ હવે માંને દુ:ખ ન આપો અને જન્મ લો. આવા શબ્દો મોડજીના સાંભળી માતાના ગર્ભમાં રહેલા બાળકો જન્મ થયો જેનું નામ અબડાજી ઉર્ફે જખરાજી રાખવામાં આવ્યું. અબડાજી ઉર્ફે જખરાજી પાછળથી અબડા અબડાણી તરીકે વર્તાણા તેનો જન્મ સવંત ૧૩૧૭ માં ફાગણ વદ ૧ (ધુળેટી)ના દિવસે થયેલો હતો.
અબડાજીના ત્રીજા કુંવર સોઢી રાણી રૂપાદેના ઉદરેથી થયેલો જેનું નામ સપડજી હતુ.
જામ ઘાહા લાખાણીને શરત મુજબ અબડા જામની વાંઢમાંથી રોજ એક એક વચ્છ આપવામાં આવતી હતી. એક દિવસ ગુમાઓ નામના સંઘારનો વચ્છ આપવાનો વારો આવ્યો. આ ગુનાઓ સંઘાર સૌ સંઘારોનો મુખી હતો. તે સાડને વાઈમાંગે* હતો. આ ગુમાઆ સંઘારની એક વચ્છ હતી. તેના પર તેની સાત ભેંસો દૂઝતી હતી. એ વચ્છ સાત ભેંસોને ધાવી ધાવીને અત્યંત પુષ્ટ બનેલી હતી, ધાહા જામના માણસોને આ વચ્છ પસંદ પડવાથી તેઓ તેને લઈ જવા લાગ્યા. ગુમાઓ સંઘારે તેમને બીજી વચ્છ લઈ જવા કેટલુંયે સમજાવ્યું, પરંતુ ઘાહાના માણસોએ તેની એક પણ વાત સાંભળી નહિ. તેઓ વચ્છને ઉપાડીને ચાલતા થયા. આ એક વચ્છ જતાં ગુમાઆ સંઘારની સાતે ભેંસો વસૂકી જવાનો સંભવ હતો. તે ઘાહી જામ પાસે ગયો. અને એ વચ્છને બદલે બીજી લેવા તે તેને નમ્રતાપૂર્વક વીનવવા લાગ્યો. ઘાહા જામે ગુમાઆ સંઘારની વાત પર લેશ પણ લક્ષ આપ્યું નહિ. ઊલટું તેણે એ પુષ્ટ થયેલી વરછને તુંરતજ કતલ કરી નાખવા પોતાના માણસોને ફરમાન કરી દીધું. જામ ઘાહાની આટલી તુંડમિજાજી જોઈને ગુમાઆ સંઘારનું હૃદય ઊકળી ઊઠયું, તે તરત જ પાછો વાંઢમાં આવ્યો, અને આ વાત અબડાના ભાઈ સાડ પાસે રજૂ કરી, ઘાહા જામનું આટલું ગુમાની જોઈને સાડને ગુસ્સો ચડ્યો.( એ વખતે જામ અને તેના ભાઈઓના તાબામાં જુદા જુદા લોકો રહેતા, અને તેઓ પોતપોતાના સરદારને વાઈયાંગો અર્થાતુ પોતાની પેદાશનો અમુક ભાગ આપતા) તેણે ઘાહા જામનો કાંટો કાઢી નાખવાનો પોતાના મન સાથે નિશ્ચય કરી લીધો. – ઘાહો જામ રોજ સાંજના સમયે નગરસમૈની બહાર આવેલા પોતાના બાગમાં કરવા જતો. સાડ તથા ગુમાઓ સંઘાર બંને તક સાધીને ત્યાં પહોંચી ગયા. ઘાડો જામ પોતાના બગીચામાં આનંદથી ફરી રહ્યો હતો. સાડ અને ગુમાંઓ સંઘાર ઓચિંતા તેના પર ધસી આવ્યો. સાડે તેને તે જ વખતે પોતાની તલવારના એક જ ઝાટકાથી પૂરો કરી નાખ્યો.
ઘાહેવચ્છ સે મારઈ, જેં તેં મૈયું મિડે સત,
તેં કે સાડ મારેઓ, સિસી ડઈ લત.
ભાવાર્થ : જેના પર સાત ભેંસો દૂઝતી હતી, તે પાડીને જામ ઘાહાએ મારી નાખી. તેથી સાડે જામ ઘાહાની ગરદન પર લાત દઈને તેને ઠાર કર્યો.
ઘાહા જામના પુત્રનું નામ સંજર હતું. જયારે તેને પિતાના ખૂનની ખબર પડી, ત્યારે તે તરત પોતાની ફોજ તૈયાર કરીને અબડા જામની વાંઢ પર ચડી ગયો.
આ તરફ જ્યારે જામ અબડાને તેના ભાઈ સાડના કૃત્યની જાણ થઈ, ત્યારે તેને પણ બહુ ખોટું લાગ્યું. પરંતુ હવે તો સંજરના લશ્કરનો સામનો કર્યા વગર ચાલે તેમ ન હતું. આ કારણથી તેણે પોતાની વાંઢના મુખ્ય પુરુષોને બોલાવીને હવે શું કરવું, તેની મસલત ચલવવા માંડી.
બ જેહા ઑઠો ચો, મૉડ ગાલાણી ચાર,
અબડો જામ સલા પુછે, કોઠે અલણ સોનાર.
ભાવાર્થ : બે જેહા, ત્રીજો ઓઠો નોતિયાર, ચોથો મોડ ગાલાણી સંઘાર અને પાંચમા અલણ સોનીને બોલાવીને જામ અબડાએ સલાહ કરવા માંડી.
સૌએ મળીને મરવું કે મારવું એવો નિશ્ચય કરી લીધો. ઊભય પક્ષના માણસો રણમેદાનમાં કૂદી પડ્યા. બહાદુર સંઘારો અને સમાવીરો મરણિયા ધી સંજરની ફોજ પર તૂટી પડ્યા. સંઘારો અને સમાઓએ ખૂબ પરાક્રમ બતાયા ભલડ નામના એક સંઘારે સંજર જામનાં નેજાંનિશાન અને નગારાં ઝૂંટવી લઇ જામ અબડા પાસે રજૂ કર્યા.
વચ્છ સંધે વૈર, સાડ ઘાહો મારે
ભલડ ખટી ભેર, ડિંને અબડે જામકે.
ભાવાર્થ : વચ્છના વેર પરથી સાડે જામ ઘાહાને માર્યો. અને તેથી લડાઈ થતાં ભલડ સંઘારે સંજરનાં નગારાં ઝૂંટવીને જામ અબડાને આપ્યાં,
સમા અને સંધાર વીરોએ સંજરના લશ્કરને જબરી છક્કડ આપેલી હોવાથી તે પોતાના બાકીના માણસોને લઈને પાછો ફરવા લાગ્યો. સંજરને પાછો ફરતો જોઈ સાડે તેને પડકાર કરીને સામે આવવા આહવાન કર્યું. ત્યારે તે બોલ્યો
ભગો મ ભાંઈજ, વિગતો સે વરણ કે,
સુમી મ કજ નિંધરૂં, વૅર મ વિસારીજ.
ભાવાર્થ : મને ભાગી જતો સમજતો નહિ. હું જાઉં છું તે પાછો વળવા માટે જ, માટે ગફલતમાં રહેતો નહિ, તેમ જ વેરને વિસારતો પણ નહિ. ‘ ‘સંજર ત્યાંથી સીધો પાદશાહ પાસે દિલ્હી પહોંચી ગયો, અને તેની પાસે ધાં દેતાં બોલ્યો :
ભગો મ ભાંઈજ, વિંઝતો સેં વરણ કે,
સુમી મ કજ નિંધરૂં, વૅર મ વિસારીજ.
ભાવાર્થ : મને ભાગી જતો સમજતો નહિ. હું જાઉં છું તે પાછો વળવા માટે જ, માટે ગફલતમાં રહેતો નહિ, તેમ જ વેરને વિસારતો પણ નહિ. ‘ ‘સંજર ત્યાંથી સીધો પાદશાહ પાસે દિલ્હી પહોંચી ગયો, અને તેની પાસે ધાં દેતાં બોલ્યો :
સુણ ફરિયાદી પાતશા, સાડ સમેજો કૅર,
વચ્છ સંધે વેર, ભડ લાખાણી મારે.
ભાવાર્થ : હે પાદશાહ, સાડ સમાએ કરેલા જુલ્મની ફરિયાદ સાંભળ. એણે વચ્છના વેરને કારણે ભડ જામ ઘાહા લાખાણીને ઠાર કર્યો છે.
જામ અબડા અને સાડનો જુલ્મ જોઈને પાદશાહને ક્રોધ ચડ્યો. તેણે તેમનો મદ ઉતારવા માટે સંજર સાથે એક મોટી ફોજ રવાના કરી. જ્યારે જામ અબડાએ જાણ્યું, કે સંજર વિશાળ પાદશાહી ફોજ સાથે ચડા આવે છે, ત્યારે તેણે પણ પોતાની તૈયારી કરી લીધી. એક કાયરની માફક નાસી જવા કરતાં તેમણે સામી છાતીએ લડી લેવાનો જ નિશ્ચય કરી લીધો.
પાદશાહી સૈન્ય આવી પહોંચતાં ઉભય પક્ષના સૈનિકો રણક્ષેત્રમાં ઊતરી પડ્યા. લડાઈ જોસભેર ચાલવા લાગી. સમા અને સંઘારો મરવું કે મારવું એવો દૃઢ નિશ્ચય કરીને જ રણમયદાનમાં કૂદી પડ્યા હતા. તેઓ અત્યંત બહાદુરીથી લડતા હોવા છતાં પાદશાહી વિશાળ સૈન્ય પર જીત મેળવવાનું કાર્ય તેમને માટે અશક્ય હતું. આ લડાઈમાં જામ અબડો, તેનો ભાઈ સાડ તથા અનેક બહાદુર સમા અને સંઘાર વીરો કામ આવી ગયા. આ વખતે અબડાના સૌથી નાના ભાઈ રાયધણને તેના કુટુંબનાં બાળબચ્ચાંઓની સલામતી જાળવવાની આવશ્યક્તા જણાતાં તેણે સિંધનો ત્યાગ કરી જવાનો વિચાર કરી લીધો. તે પોતાના બાકી રહેલા માણસો તથા તમામ કુટુંબ-કબીલા તેમ જ આથો સહિત ત્યાંથી પાછો ફરવા લાગ્યો. આ વખતે કચ્છમાં વહેણ જામ તથા રાયધણ જામ વચ્ચે તકરાર ચાલુ હોવાથી તેમ જ ત્યાં દુષ્કાળ પણ હોવાથી તેમણે કચ્છમાં જવાને બદલે સીધા ગીર પ્રદેશ તરફ ચાલવા માંડ્યું .
ગીરનાં જંગલોમાં દુષ્કાળના વરસાદમાં પણ ઘાસચારો પુષ્કળ હોય છે. આથો માટે એક સગવડવાળી જગ્યા પસંદ કરીને સૌ ત્યાં નિવાસ કરવા લાગ્યા.મોડપીર બાલ્યાવસ્થાથી જ એક દૈવી અને નિસ્પૃહી જીવન ગાળતા હતા. તેમની નિસ્વાર્થ વૃત્તિ, અને એક ઉચ્ચ આત્માને છાજે તેવી નીતિરીતિ જોઈને સૌ તેમને માનની દૃષ્ટિએ નિહાળતા.
જામ અબડાના સ્વર્ગવાસ વખતે તેની રાણી રૂપાદે સોઢી ગર્ભવતી હતી. તેને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ અબડો અબડાણી રાખવામાં આવ્યું. જામની પાઘડી પણ એને જ આપવાનું સૌએ નક્કી કર્યું હતું.મોડપીરની ઉંમર નાની હોવા છતાં એમનું ડહાપણ અગાધ હતું. આથી સૌને તેમની વાતનો સ્વીકાર કર્યા વિના ચાલતું નહિ. તે પોતાની રાવટી પણ આખી છાવણીથી જુદી રાખતા અને ત્યાં બેસી એકાંતમાં પ્રભુસ્મરણ કરતા.
સમા લોકો સાથે અલણ નામનો એક સોની હતો. આ અલણ સોનીને ત્યાં સંતતિની ખોટ હતી. તેણે દેવ-દેવસ્થાન, તથા પીર-ફકીરોને પૂજવામાં મણા રાખી ન હતી, પરંતુ તેને કોઈ ઉપાયે સંતતિની પ્રાપ્તિ થઈ નહિ, એક વખત આ અલણ સોનીની સ્ત્રી અન્ય સ્ત્રીઓ સાથે બેઠી હતી. ત્યાં તેના નિઃસંતાનપણાની વાત નીકળતાં રાયધણની સ્ત્રી તેને મશ્કરીમાં કહેવા લાગી, કે “એક મોટા પીર તો આપણા ઘરમાં જ છે, છતાં તું બહાર શા માટે ભટક્યા કરે છે ? આપણા મોડમાં ક્યાં પીરાઈ ઓછી છે ? માટે જો તેની પાસે જઈશ તો તને અવશ્ય પુત્ર-પ્રાપ્તિ થશે.”
આ વાત અલણ સોનીની સ્ત્રીએખરી માની લીધી. એક વખતે તે મોડપીરની રાવટીમાં જઈને પોતાને સંતાન-પ્રાપ્તિ થાય તે માટે આશીર્વાદ આપવા વીનવવા લાગી. બાઈની અત્યંત દુઃખદ સ્થિતિ જોઈને મોડપીરને તેના પર દયા આવી અને તેને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે એવા આશીર્વાદ આપ્યા.
મોડપીરના આશીર્વાદથી આનંદિત થતી અલણ સોનીની સ્ત્રી તરત ત્યાંથી વિદાય થઈ. કેટલાક સમય પછી તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આ પતિપત્નીના આનંદનો હવે પાર રહ્યો નહિ. તેઓ મોડપીરને એક દૈવી વિભૂતિ માનવા લાગ્યા.
અલણ સોનીને ત્યાં જે પુત્રનો જન્મ થયો હતો, તેના ચહેરાનો અણસાર મોડપીરને મળતો આવતો હોવાથી કેટલાક લોકો મોડપીરના ચારિત્ર્ય સંબંધી શંકા ઉઠાવવા લાગ્યા. મોડપીર આ વખતે ભર યુવાનીમાં હતા. આથી તેમના કાકા રાયધણને પણ તેમના વર્તન વિષે કંઈક વહેમ પડ્યો. મોડપીરના ચારિત્ર્ય વિશેની વાત કર્ણોપકર્ણ આગળ વધવા લાગી, અને કોઈ કોઈ સ્થળે મશ્કરીઓ પણ થવા લાગી.
એક વખત રાયધણ અને એક ખિરોજી નામના ચારણ વચ્ચે આ વાત નીકળી. રાયધણે ખીયરા ચારણને મોડપીરના વર્તન વિષે દુહા કહેવા તૈયાર કર્યો. એ દુહા મોડપીરને પોતાને સંભળાવવા તેણે ખિયરા ચારણને તેમની પાસે મોક્લાવ્યો.
ખીયરો ચારણ મોડપીરના દુહા કહેવા માટે એમની રાવટીએ પહોંચી ગયો. મોડપીર આ વખતે દાતણ કરી રહ્યા હતા. ચારણ પ્રથમ તેમની સાથે કસોટી માટે વાતે વળગ્યો. થોડા જ સમય દરમિયાન ચારણના બધા વિચારોમાં પરિવર્તન થઈ ગયું. મોડપીરની સાદાઈ, નમ્રતા અને એમના આત્માની ઉચ્ચતા નિહાળીને એમના ભૂંડા દુહા કહેવા આવેલો ચારણ ગળી ગયો. તરત જ તે પોતાના વિચારો ફેરવીને બોલી ઊઠ્યો :
સૉડો કર સાગર સમું, મંધરો મૅર પ્રમાણ,
સુરજ જી ઝાંખો ડિકો, કાયર કૃશ્ન સમાન.
ભાવાર્થ : સાંકડો સાગર જેવો, ન્હાનામાં મેરુપર્વત સમાન, ઝાંખપમાં સૂરજ જેવો અને કાયરપણામાં કૃષ્ણ જેવો મોડપીર આજે જોયો.
સમંધર જીં છિકલે વિઠો, સોંઘો કર શ્રોવન,
બલ-ખંડત હનુમંત જી, કુદાતાર કરન.
ભાવાર્થ : સમુદ્ર સમાન ગાંભીર્યહીન, સુવર્ણ સમાન મૂલ્યહીન, હનુમાન જેવો બળ-ખંડિત અને કરણ જેવો કુદાતાર મોડપીર આજે જોયો.
ચારણના દુહાઓની આવી વિચિત્ર પ્રકારની રચના જોઈને, મોડપીરને નવાઈ લાગી. મોડપીરે તેને તેમ કરવાનું કારણ પૂછતાં ચારણે સઘળી સત્ય હકીકત તેમની સમક્ષ રજૂ કરી દીધી. ચારણની કળા જોઈને મોડપીર આનંદિત થયા. તેમણે પોતાની ભેંસોમાંથી એક સારામાં સારી ભેંસ ચારણને ભેટ આપીને વિદાય કર્યો.
નાકરકે નિવાજેઓ, ડિન મૉડ મુરાદ,
અચે જે ઑલાદ, તવેલો અચજ વંગધ્રો.
ભાવાર્થ : મોડપીર નાકર મિસ્ત્રી પર મહેરબાન થયા, અને તેની મુરાદ પૂર્ણ થશે એમ જણાવ્યું. અને તેને ત્યાં પુત્ર આવે, તો કચ્છમાં વંગધ્રો ગામે આવવા કહ્યું.
ગીર પ્રદેશમાંથી આ આખી મંડળી બારાડી તરફ ઊપડી. સૌથી પ્રથમ તેમણે ઓખા પર મીટ માંડી. તેમણે ઓખાના વાઢેરોને બહાર મેદાનમાં પડવા આહવાન કર્યું. મોડપીરની શક્તિ વાઢેરોના લક્ષ બહાર ન હોવાથી તેમણે સુલેહનું કહેણ મોકલાવ્યું અને પોતાની શુભ નિષ્ઠાની નિશાની દાખવી તેમણે પોતાની કુંવરી કુંતાદે મોડપીરને પરણાવી.
સોરઠજે સિર ચડી, જામ ઉખતી જાર,
ઝલે રાણા રાજીયા, મલે મૉડ મુછાર.
ભાદર નદીને કાંઠે એક જોગણી પોતાની નાનકડી મઢુલીમાં રહેતી હતી. મોડપીરની દિવ્ય શક્તિની વાત સાંભળી તે પણ પીરનાં દર્શન માટે. તેમની પાસે આવી. મોડપીરનું પવિત્ર હૃદય જોઈને તે પણ તેમની સાથી જ ચાલવા તૈયાર થઈ.
હવે કચ્છમાં દુષ્કાળનો સમય વ્યતીત થઈ ગયેલો હોવાથી મોડપીર પોતાના સઘળા લશ્કર સાથે કચ્છ તરફ કૂચ કરવા માંડી. જયારે તેઓ રણના કાંઠે આવ્યા ત્યારે મામૈદેવ જે સિંધથી ગિરનાર જતા હતા તેમનો ભેટો થયો. મોડપીરે મામૈદેવને પણ પોતાની સાથે જ ચાલવા વિનંતી કરી. મોડપીર એક દિવ્ય વિભૂતિ છે એમ મામૈદેવ પ્રથમથી જ જાણતા હતા. આથી મોડપીરની ઇચ્છાને માન આપીને મામૈદેવ પણ તેમની સાથે જ ચાલવા તૈયાર થયા. મામૈદેવ, મોડપીર અને જોગણીદેવી, આ સંત ત્રિપુટી સત્સંગનો પરમ આનંદ અનુભવતી કચ્છ પ્રત્યે પ્રયાણ કરવા લાગી. રણ ઓળંગીને સૌ કચ્છમાં દાખલ થયાં, અને ત્યાર પછી દરિયાને કાંઠે કાંઠે ચાલવા લાગ્યાં. આ સઘળો કાફલો જ્યારે હાલની જોગણીનાળ પાસે આવી પહોંચ્યો ત્યારે તે સ્થળ જોગણીદેવીને અત્યંત ચમત્કારી અને રમણીય જણાતાં તેણે પોતાનું નિવાસસ્થાન ત્યાં જ રાખ્યું.” અંજાર તાલુકામાં વીરા ગામથી દૂર દરિયાકિનારા પર આ જોગણીદેવીનું સ્થાનક આવેલું છે. ભાદરવા વદ ૦)) બીજના દિવસે તેનો મોટો મેળો ભરાય છે.
જોગણીદેવીને વિદાય આપીને બાકીનું મંડળ આગળ ચાલવા લાગ્યું. ચાલતાં ચાલતાં જ્યારે તેઓ હાલના ગુંદિયાળી ગામ અને માંડવીની વચ્ચે આવ્યા, ત્યારે તાપ સખ્ત હોવાથી સૌને અત્યંત તૃષા લાગી. આજુબાજુ ક્યાંયે પાણી હોવાનાં ચિહનો જણાતાં ન હોવાથી, સઘળાં અકળાવા લાગ્યાં. નાનાં મોટાં સૌના કંઠ સૂકાવા લાગ્યા. ચોતરફ પાણીની બૂમો પડવા લાગી. આ વખતે મોડેર જામે પોતાના માણસોને એક ખુઅર (વીરડો) ખોદવાની આજ્ઞા કરી. મોડપીરદાદાની આવી કવખતની આજ્ઞા સાંભળીને તૃષાતુર બનેલા લોકો તરત જ પોતાની સિંધી ભાષામાં બોલી ઊઠ્યા, કે ‘પાણી નિકરંધો માસ કો’ (પાણી નીકળશે માંડ કાં !) આ કારણથી અહીં જ ગામ વસાવવામાં આવ્યું, તેનું નામ મસ્કો રાખવામાં આવ્યું
આ વખતે મસ્કાની બાજુમાં આવેલ ગુંદિયાળી ગામમાં વાઘેર લોકોની મોટી વસતિ હતી. વાધેરો બધા દરિયાકિનારે રહેતા હતા. એટલામાં ક્યાંયે મીઠું પાણી ન હોવાથી વાઘેરોને પાણીનું મોટું સંકટ હતું. આ સંકટ દૂર કરવા બધા વાઘેરો એકઠા થઈને મોડપીરને દરિયાકિનારે તેડી આવ્યા. મોડપીરે જમીનની પરીક્ષા કરીને એમને એક સ્થળે કુવો ખોદવા જણાવ્યું. અહીથી મીઠું સાકર જેવું પાણી નીકળ્યું. વાઘેરો પ્રેમપૂર્વક પીરનું પૂજન કરવા લાગ્યા.”
આજ પણ ગુંદિયાળની દક્ષિણે વાઘેરોના મોઢવા નામના સ્થળે મોડપીરનું સ્થાનક છે. અને વાઘેરો તેમને પીર માનીને પૂજે છે. હાલનું મોઢવા એ મોડ ઢુવાનું અપભ્રંશ જણાય છે.
ખારો સમધર પીર, મોડ મિઠો મેરાણ કે,
નિત ભરીન્યું નીર, પસૉ પાણી વારિયું.
વીંઝાણમાં આ વખતે મનાઈના વંશવાળો હોથી બાંહેરો અમલ ચલાવી રહ્યો હતો. આ હોથી આજાનબાહુ ( જેના હાથ ઢીંચણ સમાન લાંબા હોય તે )હોવાથી તેને સૌ હોથી બાંહેરાના નામથી ઓળખતા. હોથી બાંહેરો ઘણો પરાક્રમી હતો. તેણે પોતાની બહાદુરીથી વીંઝાણ તરફના મોટા ભાગ પર પોતાની સત્તા બેસાડી હતી.
બાંહેરો વીંઝાણમે, હોથી રાજ કરે,
મનાઈયાણી મલ્લકે, કાછો ઢલ ભરે.
ભાવાર્થ : વીંઝાણમાં હોથી બાંહેરો રાજય કરે છે. મનાઈના વંશના આ મલ્લ જેવા હોથીને કચ્છનો ઘણો ભાગ વાઈયાગો આપે છે.
વીંઝાણ અને કરોડિયા વચ્ચે આવેલા એક તળાવ પર આ બંને ગામોની આથો પાણી પીવા આવતી હતી. આ વખતે હાથી બાંહેરાના માણસો તેમના માલિકની સત્તાના અભિમાનથી જોડેજાઓની અવારનવાર કંઈ ને કંઈ છેડતી કર્યા વગર રહેતા નહિ. જાડેજાઓની આથો સીમમાં બેધડક ચરતી જોઈને હોથી બાંહેરો તેમનું કાસળ કાઢી નાખવા માગતો હતો. તે પોતાના માણસોને એમની વિરુદ્ધ ઉશ્કેરતો હતો. આથી તેઓ જાડેજાઓની આથોને અવારનવાર વિના કારણે સતાવી. રહ્યા હતા. દરરોજની આ નિરર્થક કોચવણ સહન કરવી આ લોકોને ભારે પડવા લાગી. આગળ જતાં આ કાંકરીચાળાએ મોટું સ્વરૂપ પકડ્યું. હોથી બાંહેરાએ જાડેજાઓને પોતાની સીમમાંથી હાંકી કાઢવાને કમરકસી. વંગા વલાસામાં સંજરી અને કારો નામે નોતિયાર હોથી બાંહેરાના મસિયાઈ ભાઈ હતા. હોથીએ આ લોકોને પોતાની મદદ માટે બોલાવવા માણસ મોકલ્યો. અને પોતે પોતાના મોટા સૈન્ય સાથે જાડેજાઓની છાવણી પર ધસી આવ્યો. મામૈદેવે તરત જ આત્મધ્યાન ધરીને કહ્યું :
નીરોણું નિંગાર-તડ ગુંત્રી ચિત્રાણું,
મિડે મૅડ મુછારજો, ડિસજે જામાણું.
ભાવાર્થ : નીરોણો, નિંગાર-તડ, ગંત્રી, ચિત્રાણું એમ સૌ સ્થળે મોડની જ જામ પદવી મને જોવામાં આવે છે.
મામદૈવના આ ભવિષ્ય-કથનથી રાયધણ જામ રાજી થયો. તેણે પોતાના માણસોને તરત તૈયારી કરી લેવાની આજ્ઞા આપી દીધી. બીજે દિવસે સવારથી જ લડાઈ ચાલુ કરવાનો ઉભય પક્ષે નિશ્ચય કરી દીધો. રણવીરોનાં હૃદય રણસંગ્રામના ઉલ્લાસથી નાચી ઊઠ્યાં.
એ જ રાત્રે હોથી બાંહોરાના માસિયાઈ ભાઈ નોતિયાર કારો અને સંજર જે હોથીની મદદ માટે વંગા વલાસેથી આવતા હતા, તેઓ આ જાડેજા સૈન્યને હોથીની ફોજ સમજીને અહીં ઊતરી પડ્યા. જામ રાયધણે જ્યારે તેમને રામરામ કરીને કસુંબો પાયો ત્યાર પછી જ તેમને ખબર પડી, કે આ લશ્કર તો હોથીના દુશ્મનોનું છે. હવે તેઓ વિચારમાં પડ્યા. જેમની સાથે કસૂંબો લીધેલો હોય, તેમની જ સામે લડવા કોણ તૈયાર થાય ? આથી તેમણે જાડેજાઓ સાથે રણસંગ્રામમાં ન ઊતરવાનો નિશ્ચય કરી લીધો. બંને ભાઈઓ ત્યાંથી હોથી બાંહેરા પાસે ગયા, અને રાયધણ જામ સાથે સમજૂતી કરવા તેને સમજાવવા લાગ્યા. હોથીને આ લોકોની આવી વર્તણૂકથી વહેમ પડ્યો. તેણે ક્રોધાવેશથી તેમને પણ જામ રાયધણ સાથે થઈ જવા ખુલ્લું આહ્વાન કર્યું. આ અપમાનથી એ બે ભાઈઓ તરત જ ત્યાંથી પાછા ફર્યા અને રાયધણ જામ પાસે આવી તેના સૈન્યમાં દાખલ થઈ ગયા.
બીજા દિવસે સવાર પડતાં જ ખૂનખાર લડાઈ ચાલુ થઈ તે છેક સાજ સુધી ચાલી.
સત સૉ કેવરે મરેં. નો સૉ જાડેજન,
જામ મામૈ પુઓ, કેવર કચ્છ ખટન.
ભાવાર્થ : સાતસો કહેર રાજપૂત અને નવસો જાડેજાઓના સૈનિકો માર્યા ગયા. જામ રાયધણે મામૈદેવને પૂછ્યું, કે કચ્છ કહેર લોકો જીતી જશે કે શું ?
મામૈદેવે જરા વિચાર કરીને જામ રાયધણને તરત ત્યાંથી કૂચ કરવાની સલાહ આપી. આવા કટોકટીના સમયે મામૈદેવની આ વિચિત્ર આજ્ઞાનું કારણ જામ રાયધણના સમજવામાં આવ્યું નહિ. છતાં તેણે મામૈદેવની આજ્ઞાનો અમલ કરવા કૂચનું નગારું કરવાનો હુકમ આપી દીધો.
આ વખતે જામ મૂળવોજી જે મામૈદેવનો પરમ ભક્ત હતો, તે પણ મામૈદેવનું નામ સાંભળીને પોતાના લશ્કર સહિત જામ રાયધણની મદદે આવી પહોંચ્યો. આમ અણધારી મદદ મળી જવાથી જાડેજા સૈન્ય એકદમ બળમાં આવી ગયું. આ સઘળા એક સામટા હોથી બાંહેરાની ફોજ પર તૂટી પડ્યા. જામ રાયધણનું સૈન્ય હવે ઉત્સાહમાં આવી ગયું હતું. તેઓ કહેર રાજપૂતોને ભાજી મૂળાની માફક કાપવા માંડી પડ્યા. આ વખતે હોથી બાંહેરો પોતાના માસિયાઈ ભાઈ સંજર અને કારાને તેમની બેવફાઈના બદલો આપવાને શોધી રહ્યો હતો. એટલામાં સંજર પર તેની દૃષ્ટિ પડી. હોથીએ તેને દ્રંદયુદ્ધ માટે પડકાર કર્યો. સજરે હોથીના પડકારને તરત ઝીલી લીધો બંને રણવીરો વચ્ચે તુમુલ યુદ્ધ ચાલું થયું. હોથીએ સંજર પર સઘળા બળથી સાંઘનો ઘા કર્યો. ચાલાક સંજર ચપળતાથી હોથીનો ઘા ચુકાવી ગયો. તરત જ તેણે તક જોઈને હોથીના બંને પગ પર તલવારનો એવો ઝાટકો માર્યો, કે તેના એક જ ઘાથી હોથીના બંને પગ ઢીંચણમાંથી કપાઈ પડ્યા. હોથી બાંહેરો હેઠો પડતાં, તેના તમામ લશ્કરના પગ છૂટી ગયા. કહેર રાજપૂતો પોતાના પ્રાણ બચાવવા મુઠ્ઠીઓ વાળીને નાસવા લાગ્યા. હોથીના અંગરક્ષકો તેને ઝોળીમાં લઈને પાછા ફર્યા.
જામ રાયધણના સૈન્ય સાથે એક આહીર હતો. તેના બાપને હોથી બાંહેરાએ મારી નાખેલ હોવાથી તે હોથી પાસેથી બાપનું વેર લેવાની તક શોધી રહ્યો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે હોથીને તેના માણસો ઝોળીમાં નાખીને લઈ જાય છે, ત્યારે તે પણ તરત તેની પાછળ પડ્યો. બાપનું વૈર વાળવાની આવી સુંદર તક એળે જવા ન દેવી, એવો તેણે પોતાના મનથી નિશ્ચય કરી લીધો. પાંચટિયા ગામ પાસે તે હોથી બાંહેરાને પહોંચી આવ્યો. બંને હાથે પોતાનું માથું કુટતો તથા રુદન કરતો, હોથીનુ મ્હોં દેખાડવાની તે તેના માણસોને વિનંતિ કરવા લાગ્યો. આહીરને લાગણીવશ થયેલો જાણીને હોથીએ તેને પોતાની પાસે આવવા દેવાની પરવાનગી આપી. આહીર હોથી પાસે આવ્યો, કે તરત જ તેણે હોથી બાંહેરાના પ્રાણ લઈને આ આહીરે પોતાના બાપના વેરનો બદલો લીધો.
પાંચટીયે વટ સટ્ટ સૌ, આએર આપડે,
મારે હોથી બાંયરો કચ્છ માંડ ખટઓ.
ભાવાર્થ : એક જ ચોટમાં આહીર પાંચટિયા પાસે પહોંચી આવ્યો. તેણે હોથી બાંહેરાને મારી લીધો, અને કચ્છનો એ પ્રદેશ મોડપીરના હાથમાં આવ્યો.
આ તરફ જામ રાયધણે પણ ભાગતા કહેરોની પૂંઠ પકડી અને રાબડી નદી પાસે તેણે તેમને પકડી પાડ્યા. જામને આવી પહોંચેલો જોઈને કહેર રાજપૂતો પોતાનો જીવ બચાવવા તેને પગે પડ્યા, તેમ જ પોતાની સઘળી સત્તા છોડી દેવાને પણ તૈયાર થયા. શરણાગત પર ઘા ન કરવાના રાજપૂત ધર્મને અનુસરીને જામ રાયધણે તેમને વીંઝાણનો ત્યાગ કરી જવાની શરતે છોડી દીધા.
મોડપીરે પોતાના નાનાભાઈ અબડા અબડાણીનો પુત્ર વીંઝાણની રાજગાદી પર અભિષેક કર્યો. પરંતુ વીંઝાણ કરતાં વડસરની ભૂમિ તેમને વધારે યોગ્ય જણાવાથી પાછળથી તેમણે અબડા જામને વડસરમાં બીજી વાર ટીલે બેસાડ્યો. જામ અબડાના માર્ગમાંથી હવે સર્વ કંટકો ખસી જવાથી તે સર્વસત્તાધીશ થયો. તેમના તરફનો સઘળો પ્રદેશ તેના નામ પરથી ‘અબડાસા’ને નામે ઓળખાયો.
અબડા જામને વીંઝાણની રાજગાદી પર નિયુક્ત કરીને મોડ પીર ત્યાં ચાલતા થયા. વંગધ્રો પાસે મોડ કુઆ પર આવીને ત્યાં તેમણે પોતાનું સ્થાન. લીધું. એ તરફનો પ્રદેશ તેમણે પોતાને કબજે કર્યો. આથી તે વિભાગ મોડાસા નામથી પ્રખ્યાત થયો. મોડપીરનું રાજયતંત્ર સુખ અને શાંતિપૂર્વક ચાલવા લાગ્યું
વિઠો વસંધીઉં કરે, મોડ ઢુંએ તેં મૉડ,
અબડાણી અભંગ ભડ, કરે ગજાઉં ધોડ.
ભાવાર્થ : અબડાણી અભંગ વીર મોડપીર મોડ ટુઆ પર રાજય ચલાવતા ગર્જવા લાગ્યા.
મોડપીરની કળા અને કુનેહથી ચોતરફ શાન્તિનું સામ્રાજ્ય છવાઈ ગયું. સૌ નિશ્ચિતપણે રહેવા લાગ્યા. સંઘારોની સ્ત્રીઓ આનંદમંગળ ગાવા લાગી.
મિઠા પેરૂ માકજા, સુંગધી જારીં,
ઘેર ઘુમંધે તે કેઓ, સરલો સંગારી.
ભાવાર્થ : માકપટ્ટનાં મીઠાં પીલુનાં સુગંધી ઝાડો વચ્ચે સંઘારોની સ્ત્રીઓ રાસ રમવા લાગી.
ઝારો ને મૉડાસો વિઠે મઈયું ચાર,
ખીર ત વટકા હથમેં, પીયે નિઢડા બાર.
ભાવાર્થ : ઝારા અને મોડાસામાં લોકો નિશ્ચિતપણે ઢોર ચારવા લાગ્યા. અને નાનાં બાળકો દૂધના કટોરા આનંદે પીવા લાગ્યાં.
મોડપીરને કુબેર, હીંગોરો, અને ભોજદે,અલીયાજી નામના ચાર કુંવર થયા. તે પણ તેના જેવા જ પરાક્રમી હતા.
કુંબેર હીંગોરો ભોજડે, અલીયા ચાર સુગાર,
પુતર ત્રોય પીરજા, મલે મોડ મુછાર.
ભાવાર્થ : મોડપીરને કુબેર, હીંગોરો, ભોજદે ,અલીયા નામના ચાર કુંવર થયા. અને મૂછાળા મોડપીરનાં યશોગાન ગવાવા લાગ્યાં,
જ્યારે મોડપીરને પોતાનું મૃત્યુ પાસે આવેલું જણાયું, ત્યારે તેમણે પોતાની રાજ્યસત્તા કુંવરોને સોંપી દીધી. તેમના અંતરની અભિલાષા ભાદર નદીને કાંઠે પ્રાણત્યાગ કરવાની હતી, તેમણે તે તરફ પ્રયાણ કરવા માંડ્યું. આ વખતે મામૈદેવ પણ તેમની સાથે ચાલવા લાગ્યા. ભાદર નદીને કિનારે આવેલા વાડાસાડા નામે ગામની પાસે એક રમણીય સ્થાન પીરે પસંદ કરી લીધું અને ત્યાં જ તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો.
દંતકથા એવી ચાલે છે કે પીરની નનામી વાડાસાડાથી ઊડીને બાડાબાએઠ થઈ આખરે વંગધ્રો આવી. અને ત્યાં તેની છેલ્લી ક્રિયા કરવામાં આવી. ઉપરોક્ત દરેક સ્થળે પીરનાં સ્થાનક છે. અને આજે પણ તેઓ પીર તરીકે પૂજાય છે. વંગધ્રોનો મોડપીરનો કૂબો અમદાવાદવાળા મિસ્ત્રી નાકરનો બંધાવેલ કહેવાય છે. મોડપીરજીની ઘોડેશ્વારી તરીકે ઘોડેશ્વારવાળુ પ્રતિક મોડપીરજીના વંશજોના દરેક ગામમાં છે અને તેને તે પૂજે છે. મોડકુંબામાં જે મંદીર બંધાવવામાં નાકર સલાટ નામના વંશજોએ જહેમત કરી અને તેને આર્થિક સહાય મોડપીરજીના પૌત્ર ગંગાજળજીએ આપેલ હતો.
મોડપીરજીના ચાર પુત્રો હતા. જે પૈકી મોટા પુત્ર કુબેરજી હતા કુબેરજીના પુત્ર ગંગાજળજી હતા. ગંગાજળજીના વેરયાજી મોટા પુત્ર હતા જેને કચ્છમાં લઠેડીગામ ના મુળપુરુષ હતા અને તેમને સવંત ૧૫૧૨માં વસંત પંચમી ગામ લઠેડીનું તોરણ બાંધ્યુ.તેઓ ૨૪ ગામના ટીલાટ હતા. ત્યાર પછી બીજા પુત્ર હરધોળજી થયા. હરધોળજીના હરળાજજી. હરળાજજીના જાલુજી. જાલુજીના ભીમજી. ભીમજીના દેપાળજી. દેપાળજીના વંશના નામો મોટા મોડા, માછેડા, ખાટલી, ટીંબડી, ખાટલો પરવડુ, ચાવંડી, ભગેડી કોઠાવાળી, બેખીજડીયા, ખરેડીથી, ઉગમણા, આંબરડી, કાલાવડ તાલુકાની ઉપરના ગામ દેપાળજી ભીમજીના વંશજોના છે.
ગંગાજળજીના ભીમજીના વંશજોના ગામ ચરેલ, ગંગાજળા, માછેડામાં, પાટી હતા.
ભીમજી જાલુજીના પતાજી જાલુજીના જેના ગામ કચ્છમાં કોકલીયા તથા સાભરાઈ છે. સુમરાજી જાલુજીના સાયણગામ (કચ્છમાં) જાલુજી હરળાજીના જશાજી હરળાજજીના જેના ગામો કચ્છમાં કાઠડા, હરળાજજી હરધોળજીના હરળાજજી હરધોળજીના કચ્છમાં બાભડાઈ અને હાલારમાં જગા. વિરભદ્રજી હરધોળજી જેના નિર્વશ ગયો છે.
હરધોળજી ગંગાજળજીના વકીયાજી ગંગાજળજીના જેના કચ્છમાં ગામ લઠેડી સાડજી . ગંગાજળજીના કચ્છમાં ગામ વીંઢ સુમરાજી. ગંગાજળજીના કચ્છમાં દેઢિયા, ચાગડાઈ, બભડાઈ, અજાપર, ગજણસર અને હાલારમાં બેરાજા.
ગંગાજળજી કુબેરજીના બારાજી કુબેરજી જેના ગામ હાલારમાં બાડા અને ચાવડા અને કચ્છમાં બાયઠ.
મોડપીરજીના બીજા પુત્ર ભોજરાજજી. જેમના ત્રણ પુત્રો હતા. તેમાં મોટા પુનરાજી જેના ગામ મોડકુબા, સાઈરા, ભોજાય અને મોડકુળામાં મુંજાવરવારો વાસ. ભોજરાજજીના બીજા પુત્ર રાણાજી તેનું હામ હાલારમાં પસાયા અને ત્રીજા પુત્ર લખિયારજી તેનો નિર્વશ છે.
મોડપીરજીના ત્રીજા પુત્ર હિંગોળજી જેનું ગામ બુઆ અને ભખરીયા. મોડપીરજીના ચોથા પુત્ર અલીયાજી, અલીયાજીએ અલીયા વસાવેલું છે પરંતુ પાછળથી તેમનો નિર્વશ ગયો છે.
હાલારમાં આવેલ મોડ જાડેજાના ગરાસના ગામો
બાડા,અલૈયા,મોડા,ગંગાજળા,ચાવડા,જગા,પસાયા,બેરાજા,માછેડા,ચરેલ,ખાટલી,ઉજડ માટલી (ખાલસા થયેલ છે).
કચ્છમાં આવેલ મોડ જાડેજાના ગરાસમા ગામો
મોડકુબા,બાંભડાઇ,કોકલીયા,વિઢ,લઠેડી,સાંયરા (કોઠારા વારા),દેઢિયા,બાયઠ,ભાખરીયા(બોઆ),સાભરાઇ,ભોજાય,ચાંગડાઇ (અજાપર).
મોડપીરની પ્રશસ્તિના અનેક દુહાઓ આજ પણ કચ્છના લોકસાહિત્યમાં મોજૂદ છે.
ધન વાડી ધન વંગધ્રો, ધનધન મૉડ મુછાર,
ધન કુબો કોટેસરી, ધન કચ્છડે આધાર.
ધન ધામ ને ધન ધરા, ધન કચ્છડેજા નૂર,
પાણીડેજા પૂર, વૉવટ તેં વોંધા કેઆ.
ઝંડા ફરકે જિંત, મેવાસી મૉરડેજા,
દાડધર ઓડી ન થીએ, પાપ ન પૂણે તિત.
વડા પરતા પીરજા, જંજા અંત ન પાર,
અબડાણી આધાર, કરમી જાગ્યો કચ્છમે.
📌 માહિતી-સાભારઃ
મનુભાઇ બૈચરભાઇ રાજબારટ-જામનગર
જાલુભા સોઢા- મોડ કુબા કચ્છ
📌 સંદર્ભ-પુસ્તકઃ
કચ્છ કલાધર
જાડેજા વંશ અને વસુંધરા
📌 પ્રેષિત-સંકલનઃ
મયુર .સિધ્ધપુરા-જામનગર
M- 97256 30698