ભારત ના ઈતિહાસ માં સૌરાષ્ટ્ર નો ઈતિહાસ શિરમોર છે, કારણકે….. સૌરાષ્ટ્ર સંત, કવિ, દાતારો અને સુરાનોની ધરા તરીકે અંકિત થયેલ છે. અહીના પથ્થરો પણ ઘડવૈયાને એવું કહે છે કે …… “પાળિયા થઈ ને પુજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’’ કારણ અહીના ગામે ગામ ધર્મ કાજે પોતાની આહુતી આપી શહીદી વહોરતા શૂરાઓ ના પાળિયા છે . તેવા જ ખાટસુરા ના શુરવીર લુણાદાદા અને ઉકાદાદા ની ગાથા અમર છે…..
જ્યારે જ્યારે ધરાપર ધર્મ નોં નાશ થાય છે, પાપીઓ પુંજાય છે, નિર્દોષ અબોલ રાંક ના રતન સમી ગૌમાતા ઓ હણાય છે. ત્યારે ત્યારે અધર્મી ઓ ના નાશ અર્થે અવતાર રૂપે આવા વીર પુરુષ નું અવની પર અવતરણ થાય છે.
પાંચમાં બળવાન તેજસ્વી કુળ તારણરૂપ ગુણભર્યા લુણાભાઈ જન્મ સવંત ૧૫૫૦ ના શૈકા માં અષાઢી બીજ ને સોમવાર પુષ્પ નક્ષત્ર માં અમૃત ચોઘડિયે અવતરેલ. દશે દિશા રળતી હતી. પવન માં શીતળ સુગંધ વાય છે વૃક્ષ ના ફૂલ ની ફોરમ વાતી હતી આ સમય હતો. કાજા બાપા ની પટલાઈ શોભી રહી હતી. આવી પટલાઈ ખાટસુરા મા હતી અને ઈ ખાટસુરા ની પટલાઈ ગોહિલવાડ ના ધણી વિસાજી એ ભેટ આપેલ પટલાઈ માં ૨૦૦ વીઘા ની વાડી વસોસનમા આપી હતી અને હજારો માણસો ખમ્મા ખમ્મા કરે છે. પવિત્ર પટલાઇ સત્ય ના પંથે ચાલતી હતી.
ઈ સમય મા કાજાબાપા સરવૈયા ને માનવ નમી ને સલામ ભરતા હતા. રૂડા ગોહિલવાડ નો ધણી ગોહિલ વિસાજી ના ઉતારા કાજા સરવૈયા ને ત્યાં થાતા એટલું જ નહિ પણ મહુવા પંથક માં કાઈ કામ કાજ હોય તો કાજાબાપા સરવૈયા ને સાથે લેતા ને કામપૂરું કરતા અને ભાવનગર રાજ્ય ના માનવંત પટેલ હતા , આ સમયે કાજાબાપા ને ત્યાં પાંચેય પુત્ર આગણા મા રમી રહ્યા છે. તેમાં નાના ભાઈ લુણાબાપા નું અનોખું તેજ હતું. સંતો,ભક્તો, કવિ ઓ , પંડિતો કાજાબાપા ને મળવા આવે, જ્ઞાનભક્તિ ગીતા ભાગવત ના સત્સંગ થતો હોય છે ઈ સંભાળવા લુણાબાપા ચારેય ભાઈ ને બોલાવી લાવી મુગ્ધ થઈ એક ધ્યાન થી સત્સંગ સાભળે.
જેમ હંસ અરો સરે તેમ સુરવીરો ની વાતો દિલ માં સમાવી લે છે અને મોટા ભાયું ને સમજાવે છે કે ભાઈઓ આપણે દેશ નો ધર્મ છે ભારત ભૂમિ તો સંત,શુરવીર ની ભૂમિ છે સંત , કવિ , ભક્ત , શુરવીરો ની અહી રતન ની ખાણ છે. કુળ ધર્મ આપણા દેશ નું ગૌરવ છે.કુળ ધર્મ –દેશ-ધર્મ એ આપણું ગૌરવ છે. લુણા બાપા સમ્જાવે છે કે જોજો ભાયું ધર્મ ને છોડવા નહિ.ધર્મ જ મહાન છે. ગાય સેવા મહાન છે તેને યાદ રાખજો. ધર્મ ખાતર દેહ ના બલિદાન આપી દેવા. કોઈનો દેહ અમર નથી પણ કીર્તિ અમર છે. આવા ધાર્મિક શબ્દો ભાયું ને લુણાબાપા સમજાવે છે.
‘જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત,
એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ..’
શિહોરી શમશેર હર્દયપૂર્વક , નિષ્ઠાપૂર્વક , સુખદાયક રીતે ખાટસુરા ગામ નું પાલન કરે છે. લુણાદાદા નો પ્રચંડ દેહ, ગુલાબી ચેહરો છે , ૫૬ ઇંચ ની છાતી છે. મુખ ઉપર મૂછ ના આકડા શોભી રહ્યા છે. લુણાદાદા ઘરેણા અને કપડા ના બહુ જ શોખીન હતા. શેર – શેર રૂપા ના તોડા પગ મા પહેર્યા છે.બાપા ને કેડે કંદોરો, બેય હાથ ના કાંડા મા ૭૦ ભાર ના હેમ ના કડા પહેરતા. શિહોરી ભેટ માં રાખતા, હાથ મા ભાલો , માથા ઉપર ભરવાડી પાઘડી બાંધતા.
શરીરે રાદવી જામીને ચુરવાળ પહેર્યા હોય અને પગ મા મારવાડી મોજડિયું પેરતા આવા લુણાદાદા આવતા હોય તો ધરણી ધ્રુજારી લેતી હોય એવું લાગે છે.
આવા પહેરવેશ દાદા ઘોડા પર બેસતા ને આમ ચાલ્યા આવતા હોય તો શેરિયું સાંકડી પડતી.ચારેય ભાયું ખેતી નો ધંધો કરતા અને લુણાબાપા વારસાઈ પટલાઈ કરતા અને આગણે આવે તેની સેવા કરતા , સાથે કાજાબાપા નાં આશીર્વાદ લેતા. સૌરાષ્ટ્ર મહુવા પંથક મા લુણાબાપા ની વાહ વાહ બોલાતી.
લુણાબાપા નું મોસાળ ઘાસકટા (આંણદભાઈ ઘાસકટા ના ભાણેજ ). લુણાબાપા નાં માતા નું નામ બેનાબેન હતું. લુણાબાપા ના હર્દય મા મોસાળ નો ગર્વ હતો.લુણાબાપા ગામ હરીપરા વેજાભાઈ ઘોઘારી ને ત્યાં પરણ્યા હતા.તેમના ધર્મપત્ની નું નામ વાલીબાઈ હતું.
ખમ્મા ખમ્મા તુજે લુણાબાપા”, લુણાબાપા ના અંગ માં શૂરવીરતા રમી રહી છે. ગોપ્રતિપાળ – ધર્મ પ્રતિપાળ , જેનામાં ગોરક્ષક ની માળા ઘટ મા ફરી રહી છે. અને જેની કીર્તિ ના વાજા વાગતા ગોહિલવાડ ના ગોહીલરાજા વિસાજી સાથે જેના બેસણા છે તે જોઈ લુણાદાદા ના દ્દુશ્માનો ને અદેખાય થઈ. બાપા ની શૂરવીરતા માપવા માટે મોટુંપાળ ચડ્યું ને ખાટસુરા ગામ મા આવ્યું અને ગાયો ને ગોંદરે થી જ ધણ વાળી ને લુટારુ જાહો (પડકારો) આપતા ગયા કે “મર્દ હો તો લુણા ગયું ને છોડાવવા આવજે, અમે તારું પાણી માપવા આવ્યા છીએ. ઈ જાહો જાણતા લુણાબાપા ની આંખો ફરકવા લાગી લાલ… આંખો મા અંગારા વરસવા લાગ્યા. બાપા લાલ ઘૂમ થઈ ગયા ,લુણાબાપા ના તેત્રીસ કરોડ રૂવાડા ઉભા થઈ ગયા અને અંગ મા ક્રોધ ની જ્વાlaળા પ્રગટવા લાગી. “ હે એલા જાજે તારી જાત ના” કહી ..જય ભોળાનાથ નો નાદ બોલી ઉઠ્યા …..બાપા નું પહાડી શરીર છે, વાકડ્યો મૂછો શોભે છે, માથાએ મોળિયાં જેવી પાઘડી બાંધી, ઘેરદાર ચોરણો પેહર્યો છે, બાપા એ પગ મા મોજડિયું પહેરી ત્યાં તો ધણ ની વારે ચડવા માટે શરીર ઉતાવળું થવા માંડ્યું.
“બાપો બાપો આજ ગાયુની વહારે વાલો,
ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
ચડી ફૌજુ આજ વતનને કાજે,
ગગડે નોબતુંને નગારા વાગે,
ચીખતી શરણાયું સિંધુડા રાગે ,
બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે,
સુતેલા વિરલા હાક દેતા જાગે
બુમરાણ મચાવે ચાનક ચડાવે
રણભેરી રણશિંગા તાન ચડાવે
ઢાલ તલવારું હાથ ભાલા ફેરાવે
દુશ્મન કેરા ધડ થી માથા ખેરાવે
ઝમ્મ ઝમ્મ ઝબકે તીખી તલવારે ,
વીર નહાતા ધધકતી લોહીની ધારે
ધડ પડતા, વીર લડતા રણ સંગ્રામે
કદીના ડરતા બાથ ભરતા મૌત સામે,
ધમધમ ધરણી ધ્રુજાવે હૈયે ફાળ પડાવે,
લુણાભાભા દુશ્મન ડરાવે પગલા પાછા ભરાવે,
થરથર કાંપતા,ક્રૂર કાળજા હિબકતા હાંફતા,
કાં મરતા કાં મારતાં,મલક મૌતથી બચાવતા.
હાથ મા હથિયાર ભાલો, તલવાર, કટાર છે ને કરે છે હાકલો’’ એઈવ ભાયું ઉઠો હાલો , જે હથિયાર હાથ મા આવે તે લય લ્યો, હાલો ગોમાતા ના વ્હારે , બાપા આટલું બોલ્યા,
ત્યાં તો બધા ભાયું ભેગા દુશ્મન ના દળ મા ત્રાટક્યા , દુશ્મનો ને હણવા લાગ્યા…..
શમશેર ને મારો શમશેર ને મારો…..
લુણાને મારો …લુણા ને મારો … દુશ્મનો ના અવાજ વચ્ચે , લુણાબાપા એ હાકલ કરી “ભાઈ ….. ભાઈ ….’’
ત્યાં તો બાપા નો સાથીબંધ /ભાઈબંધ ઉકાભરવાડ હાથ મા કડિયાળી લાકડી લય ને ધીગાણા મા આવ્યા, ઉકાબાપા એ આવતા વેત કડિયાળી લાકડી ના એક એક ઘા એ એક એકને હણવા લાગ્યા.
આ બાજુ ધીગાણા મા ચારેય ભાયું એ શહીદી વહોરી. હવે રણબંકા શુરવીર લુણાદાદા અને ભાઈબંધ ઉકાદાદા બેય લડે છે. ધીગાણા મા લડતા લડતા ઉકાદાદા એ પણ શહીદી વહોરી. લુણા દાદા એકલા લડે છે. વેરી ના મસ્તક કપાઈને ધડનો પથારો પડ્યો છે. બાપા હર હર મહાદેવ ના પડકારા થી દુશ્મનો ધ્રુજવા લાગ્યા છે, એવા મા એક કાયરે પાછળ થી વાર કરતા લુણાદાદા ની ગરદન (ડોક ) કપાઈ . હવે ખાલી ધડ લડવા લાગ્યું. કાંઇક નો દાટો વળી નાખ્યો, ૫૦૦ માથી પાંચ પાંચ વધ્યાને કઈક કાયરો ભાગવા લાગ્યા, ધરતી લોહી થી રંગાણી છે લડતું ધડ પોતાની વાડી મા આવ્યું, ત્યાં આકાશ માંથી પુષ્પ વર્ષા થઈ, અપ્સરાઓએ હાર પહેરાવ્યા,
દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાન અને પવનપુત્ર કેસરીનંદન હનુમાન દાદા ના આશીર્વાદથી લુણાભાભા આજે પ્રજાપતિ સમાજના સરવૈયા પરિવાર ના સુરાપુરા તરીકે પુંજાય છે. ભાભા ની ખાંભી એ સિંદોર ચઢાવાય છે. ભાભા ધારેલા કામ પાર પાડે છે. આજે લુણાભાભા નો પરિવાર ઘણો સુખી છે અને દાદાએ અનેક પરચા ઓ પૂર્યા જેની કોઈ કલ્પના જ નથી. જય હો સરવૈયા પરિવાર ના સુરાપુરા દાદા ની…… જય હો ઉકાભાભા ની …………..
આજે પણ ખાટસુરા ગામે લુણાદાદા , ઉકાદાદા , પંચમુખી હનુમાન દાદા , શંકરદાદા પ્રગટ સ્વરૂપે બિરાજે છે.
લેખક : પ્રતાપ દુલાભાઇ સરવૈયા. સુરત