શ્રી કુબેર ભંડારી તથા શ્રી ક્ષેત્ર કરનાળી

કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા કમા, બેઠા બેઠા ખાધેતો કુબેરના ભંડારેય ખૂટી જાય. આવું સાંભળીએ ત્યારે મનમાં સહજ પ્રશ્ન ઉદ્‌ભવે કે આ કુબેર કોણ છે? શેના ભંડાર હશે એની પાસે? એ કુબેર ભંડારી કે ધનકુબેર તરીકે ઓળખાય છે કેમ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આપણે બે યુગો પાછળ ફલેશબેકમાં જવું પડશે.

શાસ્ત્રો અને પુરાણો મુજબ હાલ કળિયુગ ચાલી રહ્યો છે. પહેલાના સતયુગ, ત્રેત્રાયુગ, દ્વાપરયુગ પૈકી ત્રેતાયુગની આ વાત છે. એ વખતે પૌલતસ્યના વંશમાં વિશ્વેશ્વર, વિશ્વશ્વરના વંશમાં વૈશ્વારાય અને વૈશ્વારાયનાં વંશમાં કુબેર, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા હતા. એમાનો કુબેર તેના બાકીના ત્રણ ઓરમાન ભાઈઓ કરતાં મોટો હોઈ તે વખતના રીવાજ મુજબ લંકાની ગાદીએ બેઠો. રાવણને આ ખૂંચ્યું તેથી તેણે આકરા તપ દ્વારા મહાદેવને પ્રશ્ન કરી વરદાનરૂપે અમોધ શક્તિઓ તથા બળ મેળવ્યું. જેના જોરે તેણે કુબેરને લંકામાંથી નસાડ્યો અને લંકાનું રાજ તથા પુષ્પક વિમાન પચાવી પાડ્યું. પોતાનું ગયેલું રાજ પાછું મેળવવા કુબેરે નર્મદા કાંઠે ચાર અલગ અલગ જગ્યાએ મહાદેવની તપશ્ચર્યા આદરી પરંતુ દરેક જગ્યાએથી રાવણે તેને નસાડ્યો. એ સમયે નારદમુનિના કહેવાથી કુબેરે કણ્વૠષિએ નર્મદા કાંઠે વસાવેલી નગરી (હાલનું કરનાળી)માં આવી પોતાની તપશ્ચર્યામાં ખલેલ ન પહોંચાડે તે માટે મહાકાળીમાં એટલે કે મહાશક્તિના શરણે ગયો. તેના તપથી પ્રસન્ન થઈ માં અંબા રેવ (નર્મદા)ના કાંઠે રાવણથી કુબેરની રક્ષા કરવા માટે લંકા બાજુ એટલે કે દક્ષિણ દિશામાં દ્રષ્ટિ રાખી બિરાજમાન થયાં. આ વાત સોળમાં સંવતની છે તેથી આપણે નવરાત્રિ દરમિયાન માતાજીની આરતીમાં ગાઈએ છીએ કે ત્રયંબાવટી નગરીમાં, માં મંછાવટી નગરી, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે.

ત્રયંબાવટી અને મંછાવટી નગરીનો ઈતિહાસ પણ રોચક છે. એક વખત પૃથ્વી પર સતત બાર વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ ન વરસ્યું. એવા કારમાં દુષ્કાળમાં ગૌતમ ૠષિનો આશ્રમ અને તેની આજુ બાજુનો ભાગ ઈચ્છિત ફલ આપનારી કામધેનું ગાય ગૌતમૠષિના આશ્રમમાં રહેવા લાગ્યા. એ વખતે આકાશવાણી થઈ તે મુજબ લોકોએ બ્રહ્માજીનું આકરૂં તપ કરી તેમને પ્રસન્ન કર્યા અને તેમના હાથે જમીન પર હળ ચલાવડાવ્યું જેથી ખૂબ વરસાદ પડ્યો. બ્રહ્માજીએ જે જગ્યા ખેડ કરી તે ભૂમિ દુષ્કાળ દરમિયાન તપીને તાંબા જેવા રંગની થઈ ગઈ હોવાથી ત્રંબાવટી તરીકે જાણીતી થઈ જેને આપણે આજની તારીખમાં બ્રહ્મા એ ખેડેલી એટલે કે ખેડબ્રહ્મા તરીકે ઓળખીયે છીએ, કે જ્યાં બાજખેડાવાળ જ્ઞાતિનાં કુળદેવી શ્રી ક્ષીરઅમ્બામાતા બિરાજમાન છે. કુંબેરે જે જગ્યા તપ કર્યું હતું તે કણ્વનગરી (આજનું કરનાળી) રવેરી સંગમ પાસે આવેલું છે. મહાભારતના રચયિતા અને પરાશર મુનિના પુત્ર મહર્ષિ વેદવ્યાસ મત્સ્યગંધાના પેટે જન્મ્યા ત્યારે માયાનું પડ તેમને ન લાગે તે માટે શરીર પરની ઓર સહીત દોડ્યા. તે વખતે તેમની પાછળ જે પ્રવાહી રેલો નીકળ્યો કે જે ઓરસંગ નદી, રેવા (નર્મદા) અને ઔરસંગ જ્યાં ભેગા થાય છે તે રેવોરી સંગમ. કુબેરની મહેચ્છા અહીં પૂરી થઈ તેથી આ જગ્યા મહેચ્છાવટી (મંછાવટી) તરીકે જાણીતી થઈ. જે આજે કરનાળી તરીકે ઓળખાય છે.

હવે આપણે ફરી પાછાં મૂળવાત પર આવીએ. અંબાજી માતાના રક્ષમ નીચે કુબેરે મહાદેવની આકરી તપશ્ચર્યા કરી જેથી મહાદેવ પ્રસન્ન થયા. તેમનું રૂપ જોઈ કુબેર અવાક્‌ થઈ ગયો અને કશું માંગી શક્યો નહીં. ભોળાનાથે તેના મનની વાત જાણી લીધી અને તેને કહ્યું કે તુ પણ મારો ભક્ત છે તેમ રાવણ પણ મારો ભક્ત છે. તેથી તેની પાસેથી લંકાનું રાજ્ય લઈ તને નહીં આપું, પરંતુ લંકાના રાજ્યથી પણ અધિક માન મરબતો તને આપું છું. આટલું કહી મહાદેવે તમામ દેવતાઓને બોલાવ્યા અને આજ્ઞા કરી કે સહુ પોત પોતાની પાસેનું ધન – દ્રવ્ય કુબેરને જમા કરાવે. બસ તેજ ઘડીથી અલ્કાપુરી (સ્વર્ગ)ના તમામ ધનનો વહીવટ કુબેરના હાથમાં આવ્યો ત્યારથી તે કુબેર ભંડારી તરીકે જામીતા થયા. સાથે સાથે મહાદેવે તેને વરદાન આપ્યું કે આ જગ્યાએ તુ મારા નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે પુજાઈશ અને તારે ત્યાં આવનાર માણસ ગમે તે દેવી દેવતાની આરાધના કરશે તે તું જે તે દેવી – દેવતાના ખાતામાં જમાં કરાવી તેને ઈચ્છિત વરદાન આપજે. આમ મહાદેવની દયાથી અઢળક લક્ષ્મી કુબેરને પ્રાપ્ત થઈ તેથી જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ તે મુજબ સ્વયં વિષ્ણુ આ જગ્યા એ કુબેરેશ્વરની બાજુમાં શાલિગ્રામરૂપે ભંડારેશ્વર તરીકે બીરાજ્યા.

આવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-

10997799_1568002876750533_7865581939590030624_n

મહાદેવે કુબેરને દેવતાઓની વચ્ચે સ્થાન આપ્યું પરંતુ આ બાબતે વિષ્ણુની સ્વિકૃતિની મહોર બાકી હતી, જે તેને છેક ત્રેતાયુગ (રામાવતાર)ની સમાપ્તિ બાદ દ્વાપરયુગ (કૃષ્ણાવતાર)માં મળી, કુરૂક્ષેત્રના મેદાન પર ખેલાઈ ગયેલ મહાભારતનું યુધ્ધ શરૂં થયું તે પહેલા અર્જુનને કૃષ્ણરૂપે સ્વયં વિષ્ણુ એ ભગવદ્‌ ગીતામાં જે બોધ આપ્યો હતો તેમાં દસમા અધ્યાયમાં ત્રેવીસમો શ્લોક આ મુજબ છે.

રૂદ્રોમાં શંકર હું છું. યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું. વસુઓમાં પાવક (નામનો વસુ) હું છું અને પર્વતોમાં મેરું હું છું.

બસ તે ઘડીથી કુબેર કે જેની રાક્ષમ કોટી હતી તે યક્ષ કોટીમાં સ્થાન પામ્યો. આ સિવાય કોઈ પણ મહાકાર્યનાં અંતે અપાતી મંત્રપુષ્પાંજલિમાં કુબેરનો ઉલ્લેખ છે, તે ન કરાય તો જે તે યજ્ઞકાર્ય સફળ થયેલું ગણાય નહીં તેવુ પણ તેને વરદાન પ્રાપ્ત થયું. આજની તારીખમાં હિન્દુ રીતરીવાજો મુજબ લગ્ન પ્રસંગે રસોડું ચાલું કરતાં પહેલાં ત્યાં કુબેરનો દિવો પ્રગટાંવવામાં આવે છે. કારણ એવી માન્યતા છે કે પ્રસંગે ભંડારો ખૂટતો નથી. આમ શિવજીની કૃપાથી કુબેરે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું.

ઉપરોક્ત જણાવેલ તેમ મંછાવટી નગરી એજ હાલનું કરનાળી ગામ છે તેની બીજી સાબિતી પોંડીચેરી આશ્રમવાળા મહર્ષિ આરવિંદના લખાણ પરથી મળે છે. શ્રી અરવિંદ ગાયકવાડ સરકારમાં પ્રધાન હતાં ત્યારે તેઓને જે સ્થાને માતાજીનો સાક્ષાત્કાર થયેલો તે બાબત જણાવતાં તેઓએ લખ્યું છે કે, મંછાવટી નગરી – અષ્ટભુજા નગરીમાં તપશ્ચર્યા દરમિયાન મને મહાકાળી માતાજીનો સાક્ષાત્કાર થયેલો.

કુબેરભંડારીનું મંદિર આખી દુનિયામાં એક જ સ્થળે એક જ જગ્યાએ કરનાળી મુકામે છે. વડોદરાથી આગળ આવેલ ડભોઈથી તીલકવાડા રોડ પર ડભોઈથી ૧૭ કિ.મી. દૂર જમણા હાથે લીમપુરાના બોર્ડથી ૬ કિ.મી. આગળ જવાથી કુબેર ભંડારીના મંદિરે પહોંચાય છે. આ મંદિરનો વહીવટ શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટને હસ્તક છે. નર્મદા કાંઠે અલૌકિક શાંતિમય વાતાવરણમાં આવેલા મંદિરમાં રહેવાની વ્યવસ્થા પણ છે. અહીંયા એટેચ્ડ બાથરૂમવાળા પચ્ચીસ રૂમ છે જે સામાન્ય ભાડું ભરવાથી મળે છે.

આ મંદિરની ખૂબી ગણો કે દૈવી પ્રભાવ ગણો પણ અહિં જે માનસિક શાંતિનો અનુભવ થાય છે એ ખરેખર અવર્ણનીય છે. સભાખંડમાં શાંતિથી બેસી આ અનુભવ માણવા જેવો છે., હિંદુધર્મનાં સોળ સંસ્કારો પૈકી ચાર સંસ્કાર નામકરણ, ચૌલકર્મ, સીમંત સંસ્કાર અને ઉપનયન (જનોઈ) સંસ્કાર અહિં થાય છે. નિઃસંતાન દંપત્તિને અહીં સંતાન પ્રાપ્તિની સોપારી પણ અપાય છે. તો પછી શણગાર પુજાનો ઠાઠ તો અનેરો જ હોય ને! કુબેર ભંડારીનું ખજાનચી તરીકેનું ખરૂં સ્વરૂપ જોવું હોય તો દિવાળીના ચાર દિવસ વાઘબારસસ, તેરસ, ચૌદસ અને દિવાળીએ જોવા મળે. આ ચાર દિવસો દરમિયાન કુબેરજીને રાજાની જેમ શણગારવામાં આવે છે, છડી પોકારવામાં આવે છે. તથા સોના, ચાંદી, હિરા, મોતી, માણેક, પન્નાથી તેમને શણગાર સજવામાં આવે છે, આ ઉપરાંત થાળ ગાતી વખતે જે જે વસ્તુઓના નામ બોલવામાં આવે તે લગભગ ત્રણસો જેટલી બધી જ વસ્તુઓનો ભોગ કુબેરજીને ધરવામાં આવે છે. આ ચારેય દિવસો દરમિયાન શણગાર, થાળ થતાં આરતી અલગ અલગ પ્રકારના થાય છે.

આ મંદિરના કુબેર ને તીર્થ પ્રધાન કહે છે. અને તેમની પુજા દિવસે થાય છે. જ્યારે ગામમાં આવેલ સોમનાથના મંદિરના કુબેરને તીર્થના રાજા કહેવામાં આવે છે. તેમની પૂજા રાત્રે થાય છે. કરનાળી ગામમાં આવેલા સોમનાથ મહાદેવની ચારેય બાજુ અસંખ્ય બેનમૂન પૌરાણીક, શિવલિંગો સ્થાપીત થયેલા છે, જેનાં દર્શન માત્રથી ધન્યતા અનુભવાય છે. કુબેરભંડારીની મુર્તિનું મુખ દક્ષિણદિશા તરફ છે. કુબેરજી યક્ષકોટીના હોઈ તેમને સુગંધિત પદાર્થ ગમે છે તેથી તેમને શેરડીનો રસ, મધ, અત્તર, જેવી વસ્તુઓ ચઢાવાય છે. શ્રાવણ માસમાં અહિં રોજ ઘીના કમળના દર્શન હોય છે. વહેલી સવારથી બપોર સુધીમાં લગભગ પચાસ લાખ જેટલા બીલીપત્રો કુબેરજીને અર્પણ કરાય છે. ચૈત્રી પૂનમ તથા કાર્તિક પૂનમે અહિં મેળો ભરાય છે. તથા કુબેરજીની નગરયાત્રા નીકળે છે. મહાશિવરાત્રિએ અહીં ચાર પ્રહરની પુજા થાય છે. જેમાં ભાગ લેવા ખૂણે ખૂણે થી દંપત્તિઓ આવે છે. આ દિવસે જમવાનું, ચા, પુજાપાની, થાળી બધી જ વસ્તુઓ મંદિર તરફથી ભાવિકોને કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર અપાય છે. શૈવપંથીઓ કુબેરજીની પુજા વદ તેરસથી ત્રીજ સુધી કરે છે. એવું કહેવાય છે કે ચામુંડા માતાજીએ ચંડનો વધ કર્યો તે પરથી તે જગ્યા ચાણોદ તથા મુંડનો વધ કર્યો તે જગ્યા માલસર તરીકે જાણીતી થઈ. ચાણોદ કરનાળી ની બાજુમાં જ આવેલું છે તથા અહિં અસ્થિ વિસર્જન થાય છે. ચાણોદ તીર્થ છે, જ્યારે કરનાળી શ્રી ક્ષેત્ર છે. મહાભારતમાંના પરાક્રમી, મહા દાનવીર, સુર્ય પુત્ર કર્ણના અગ્નિ સંસ્કાર પણ તેની પૂર્વેચ્છાથી આ કુંવારી (અતિ પવિત્ર) જગ્યા એટલે કે કણ્વૠષિની વસાવેલી કણ્વનગરીમાં નર્મદા કાંઠે થયા હતા, ત્યારથી આ જગ્યા કરનાળી તરીકે ઓળખાય છે. મહર્ષિ વેદવ્યાસ રચિત સ્કંદ મહાપુરાણનાં અધ્યાય ૧૩૩ (રેવાખંડ)માં આ કરનાળી તીર્થ સ્થાનનો ઉલ્લેખ તથા મહાત્મય છે.

જય શ્રી કુબેર ભંડારી.

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle