કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ.
કાશ્મીર ખીણનાં બે ભાગ છે
- [૧] નોર્થ કાશ્મીર અને
- [૨] સાઉથ કાશ્મીર
આ જે આતંકવાદી હુમલાઓ અને જે સંવેદનશીલ વિસ્તાર ગણાય છે એ સાઉથ કાશ્મીરમાં થાય છે. જેમ કે પુલવામા, કુંપવાડા, પુંચ ,શોપિયા . બારામુલ્લા, ઉરી વગેરે. અનંતનાગથી તો LOC ઘણી દુર છે. શ્રીનગર તો કાશ્મીરમાં બિલકુલ મધ્યમાં છે. જમ્મુ તો એક અલગ જ છે જેણે બોર્ડર સાથે કોઈ જ લેવાદેવા નથી.
આપણા કાશ્મીરની ભૂગોળ એવી છે કે પહેલાં જમ્મુ આવે પછી જ ઊંચા ઊંચા પીર પંજાર રેન્જનાં હિમાલયના બર્ફિલા શિખરો આવે અને એનાં ઘણાં ઊંચા શિખરો આવે. આજ ઊંચા પર્વતો પર કાશ્મીરની પૂર્વમાં લગભગ ૧૬૦૦૦ ફૂટથી વધુ ઉંચાઈએ લેહ સ્થિત છે. જે લડાખ વિસ્તાર ગણાય છે એની બીજી ભૌગોલિક માહિતી જયારે પણ લેહ- લડાખ વિષે લખીશ ત્યારે કહીશ !!! એ પર્વતો પછી જ આવે છે આ કાશ્મીર ખીણ. આ આખું કાશ્મીર એ ચારેબાજુએથી હિમાલયથી ઘેરાયેલું છે વચ્ચે છે આ કાશ્મીર ખીણ !!!
આમ તો જમ્મુ એ પંજાબથી ઉપર જ છે એ બહુવિધ હિંદુ વિસ્તાર છે પણ તોય ત્યાં મુસ્લિમોનો પગપેસારો ત્યાં વર્ષો પૂર્વેથી થયેલો જ છે. એ લોકોની જાતિમાં પણ મુસ્લિમો છે પણ મુસ્લિમ ઓછાં અને હિંદુ વધારે એવાં. આમ તો આખાં કાશ્મીરમાં મુસ્લિમો માત્ર ૩૩ ટકા જ છે અને કહેવાય છે શું કે હિંદુઓ ત્યાં અલ્પ સંખ્યક છે. તાર્કિક રીતે આ વાત સાચી છે સાચી એટલાં માટે છે કે એમાં એ હિંદુ જાતિ પાછળ મુસ્લિમ લખાય છે પણ તેઓ હિન્દુત્વવાદી છે અને ભારતીય પણ. આ લોકો ત્યાં બહુ પહેલથી જ વસે છે ચલો છોડો જમ્મુની વાત.
કાશ્મીરમાં જમ્મુથી શ્રીનગરનું અંતર છે ૩૦૦ કિલોમીટર. રસ્તામાં જ ઉધમપુર આવે એ પસાર કરો પછી ત્યાં કોઈજ હિન્દુ વસ્તી નથી. જયારે હકીકત એ છે કે માત્ર ગણ્યા ગાંઠયા વિસ્તારમાં હિંદુ વસ્તી છે.
જયારે કાશ્મીરમાં
- * શિયાઓ
- * ડોગરા
- * કાશ્મીરી પંડિત
- * શીખો
- * બૌદ્ધો
- * ગુજ્જર્સ
- * બક્વાલ્સ
- * પહારીઓ
- * બાલટીસ
- * ક્રિશ્ચિયનો
અને એવાં ઘણાં લોકો આજે પણ રહે છે.. જમ્મુમાં વસતાં હિન્દૂઓની સંખ્યા ૪૫ ટકા છે અને બીજાં બધાં મળીને ૨૨ ટકા થાય છે. તેમ છતાં આખો વિસ્તાર કેમ મુસ્લિમ બન્યો ? કે પછી એને બનાવવામાં આવ્યો આ જ એક મોટો પ્રશ્ન છે ? દેખીતી રીતે તો મેં જોયું છે એ સ્થળો પર મુસ્લિમોનું જ વર્ચસ્વ છે પ્રશ્ન વર્ચસ્વનો નથી પણ સંપનો છે. પ્રશ્ન એમના માનસિક વલણનો છે. આજુબાજુના બહારી દેશોના લોકોનો પણ આ પ્રશ્ન છે. મુસ્લિમ લોકો ત્યાં વસે અને ત્યાં ધંધો કરે એમાં કશું જ ખોટું નથી. પણ ત્યાના હિન્દુઓને પરેશાન ના કરે એમને પણ ધંધો કરવાં દે એ બહુ જ જરૂરી છે. તેઓ આવું કરી જ ના શકે અને તેઓ પોતાની મનમાની કરી શકે એમાંથી જન્મ્યા છે આ ધારાઓ અને અનેકો આંતરરાષ્ટ્રીય પ્રશ્નો જેવાં કે આતંકવાદ !!! માત્ર આ આતંકવાદનો પણ પ્રશ્ન નથી એની સાથે સરહદી અને એનાં પણ મૂળમાં આ ભાગલાંનાં પ્રશ્નો સંકળાયેલા છે
➡ કાશ્મીરનો ઈતિહાસ
આ કાશ્મીરના નિકટવર્તી ક્ષેત્ર જેવાં કે ગિલગીટ, જમ્મુ અને લડાખ એ બધાં જુદાં જુદાં સમયમાં અલગ – અલગ સામ્રાજ્યોના હિસ્સા હતાં. ઘણાં વર્ષોથી આ બધાં વિસ્તારો- પ્રદેશોમાં હિંદુ શાસકો, મુસ્લિમ શાસકો અફઘાનો અને ત્યાર પછી એ અંગ્રેજોના નિયંત્રણમાં હતાં !!! ઇસવીસન ૧૦૦૦ પહેલાં કાશ્મીર બૌદ્ધ અને હિંદુ ધર્મનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. ગોનંદિત્ય ક્રકોટા, લોહારા જેવાં ઘણાં રાજવંશોએ કાશ્મીર અને ઉત્તર પશ્ચિમી ભારતની આસપાસનાં ક્ષેત્રો પર શાસન કર્યું હતું
હિંદુ રાજવંશ શાસન જે ઇસવીસન ૧૩૩૯ સુધી લંબાયુ હતું પણ એમાં વચ્ચે આક્રમણકારો જેવાં કે બુટશીકાન આવ્યાં અને તોડી અને હિન્દુઓને મુસ્લિમ બનાવી પોતાની સાથે લઇ ગયાં પણ કાશ્મીર પર પહેલો મુસ્લિમ શાસક બનવાનું માન મેળવ્યું શાહ મીરે. એણે જ કાશ્મીરમાં હિંદુ શાસનનો અંત આણ્યો. એજ હતો કાશ્મીરનો પહેલો મુસ્લિમ શાસક અને એણે જ ત્યાં મીર વંશની શરૂઆત કરી
કેટલીક શતાબ્દીઓ પછી એ વંશના અંતિમ સ્વતંત્ર શાસક યુસુફ શાહ ચકને મુગલ બાદશાહ અકબર દ્વારા અપદ્રસ્થ કરવામાં આવ્યો. ઈસવીસન ૧૫૮૭માં અકબરે કાશ્મીર પર વિજય પ્રાપ્ત કર્યો અને એને મુગલ સામ્રાજ્યનો એક હિસ્સો બનાવી દીધો. ત્યારબાદ ઔરંગઝેબે જ મુગલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો જેમાં પાકિસ્તાન સ્થિત સિંધ અને પંજાબ પ્રાંત પણ આવી ગયાં હતાં. આ રીતે જોવાં જઈએ તો મૂળ શાસન હેઠળ જેણે લગભગ બધાં જ ભારતીય ઊપમહાદ્વીપનો વિસ્તાર કર્યો હતો ત્યારે કાશ્મીર ભારતનું જ એક અભિન્ન અંગ હતું. જો કે તે એક સ્વતંત્ર રાષ્ટ્ર નહોતું !!!
➡ કાશ્મીર ક્ષેત્ર – મોગલો પછી
ઔરંગઝેબના ઉત્તરાધિકારીઓ નબળાં શાસકો હતાં પછીથી મુગલ કાશ્મીરને બચાવી રાખવામાં અસફળ રહ્યા. મુગલ શાસન પછી કાશ્મીર અફઘાન, શિખ અને ડોગરા શાસનમાં પરિવર્તિત થયું. ઇસવીસન ૧૭૫૨માં કાશ્મીર પર અફઘાન શાસક અહમદશાહ અબ્દાલીએ પોતાનો કબજો જમાવી દીધો. આ અફઘાન દુર્રાની સામ્રાજ્યનો અંત આણ્યો શિખ સમ્રાટ મહારાજા રણજીતસિંહે. એમણે ઈસવીસન ૧૭૯૯ થી ૧૮૧૯ સુધી કાશ્મીર પર રાજ્ય કર્યું હતું. તે વખતે એમણે અફઘાનિસ્તાન પણ જીત્યું હતું. આ સાલવારી મને તો ખોટી લાગે છે હું એ બાબતમાં સ્યોર નથી જ નથી !!!
એમણે અન્ય શિખો સાથે મળીને કાશ્મીર પર કબજો કરી લીધો અને રહ્યું સહ્યું મુસ્લિમ સામ્રાજ્ય ખતમ કરી દીધું. આ જ મહારાજા રણજીતસિંહે પાકિસ્તાનનો સિંધ અને પંજાબ પ્રાંત પણ જીત્યો હતો. એમણે જ સૌપ્રથમ વાર જમ્મુમાં પ્રવેશ કર્યો હતો ત્યાં સુધી જમ્મુ એ ભારતનો જ એક ભાગ હતું. તે સ્વતંત્ર હતું અને તેના શાસકો હતાં એવી જે અફવાઓ અને ખોટી અટકળો મહાન પૃથ્વીરાજ ચૌહાણ વિષે આદરણીય બક્ષી સાહેબના નામે ખોટી પોસ્ટો મુકે છે એ વાતનો અંત આવે છે
જમ્મુ પર સ્વતંત્ર રાજ કરનાર પ્રથમ રાજવી મહારાજા રણજીતસિહ જ હતાં તેમણે જ જમ્મુને શિખ સામ્રાજ્યનો એક ભાગ બનાવ્યું હતું. ૧૯મી શતાબ્દીની શરૂઆતમાં મહારાજા રણજીતસિંહનાં નેતૃત્વમાં શીખોએ કાશ્મીર પર પોતાનો અધિકાર જમાવી દીધો હતો. એમણે જ પહેલાં જમ્મુમાં પ્રવેશ કર્યો હતો. ઇસવીસન ૧૮૪૬માં અંગ્રેજો (પ્રથમ આંગ્લ – શીખ યુદ્ધ)માં પરાજિત થવાથી શીખોએ કાશ્મીર પર શાસન કર્યું !!! એનાં પછીથી કાશ્મીર બ્રિટીશ સામ્રાજ્યની એક રિયાસત બની ગયું ——- ડોગરા વંશના નેજા હેઠળ
ડોગરા રાજવંશના મહારાજા ગુલાબસિંહે ઇસવીસન ૧૮૪૬માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે “અમૃતસર સંધિ” પર હસ્તાક્ષર કર્યા. આ સંધિ અંતર્ગત એમણે કેટલાંક અન્ય ક્ષેત્રોને બદલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ૭૫ લાખ રૂપિયા જમ્મુ અને કાશ્મીર એક એકલ ઇકાઈના રૂપમાં એકીકૃત અને સ્થાપિત હતું. ડોગરા વંશે પછીથી ઇન્ડીયન આર્મીમાં જોરાવર સિંહે પછીથી લદાખ, બાલ્ટીસ્તાન, ગિલગિત. હૂંજા અને યાગિસ્તાન જેવાં ઉત્તરી ક્ષેત્રોમાં કઈ કેટલાંય અભિયાનોમાં નેતૃત્વ કર્યું હતું. જે નાની નાની ઘણી રિયાસતોને મજબુત કરનારાં સાબિત થયા. અંગ્રેજોએ પછીથી મહારાજા ગુલાબસિંહનું પ્રભુત્વ સ્વીકાર્યું જેમણે ત્યાર બાદ કાશ્મીરનો વિસ્તાર કર્યો. જો કે જમ્મુ અને કાશ્મીર ઇસવીસન ૧૮૪૬થી ઇસવીસન ૧૯૪૭ સુધી જમવાલ રાજપૂત ડોગરા રાજવંશ દ્વારા શાસિત એક રિયાસત રહ્યું હતું !!! ભારતની અન્ય બધી રિયાસતોની જેમ કાશ્મીરમાં માત્ર આંશિક સ્વાયત્તાનો જ આંનદ લુંટતા હતાં જયારે વાસ્તવિક નિયંત્રણ તો અંગ્રેજોની પાસે હતું !!!
➡ શાસકોનો પક્ષ (વિભાજન સમયે ) ———–
બ્રિટીશ ભારત (૧૯૪૭)નાં વિભાજનના સમયે જમ્મુ અને કાશ્મીર (J & K)એક રિયાસત હતી. બ્રિટિશરોએ બધી રિયાસતોને એક વિકલ્પ આપ્યો હતો. કાં તો ભારતમાં શામિલ થઇ જાઓ અથવા તો પાકિસ્તનમાં શામિલ થવાં હોય તો એમાં થઇ જાઓ અથવા તો સ્વતંત્ર રહો !!! એ સમયે (૧૯૪૭)માં કાશ્મીરના શાસક મહારાજા હરિસિંહ જે મહારાજા ગુલાબસિંહના પૌત્ર હતાં. એ એક ચુસ્ત હિંદુ હતાં જેમણે બહુસંખ્યક મુસ્લિમ રિયાસત પર શાસન કર્યું. એ ભારત કે પાકિસ્તાનમાં વિલય નહોતાં કરવાં માંગતા કાશ્મીરને !!! મહારાજા હરિસિંહે ભારત અને પાકિસ્તાન સાથે પોતાનાં રાજ્ય કાશ્મીરને એક સ્વતંત્ર દરજ્જો અપાવવા માટે વાતચીત કરવાની કોશિશ કરી. એમણે બંને ડોમિનિયન માટે સ્ટેન્ડસ્ટિલ સમજૌતા માટે પ્રસ્તાવ મુક્યો. જે રાજ્યના પરિગ્રહણ પર એક અંતિમ નિર્ણય લંબિત હતો. ૧૨ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ જમ્મુ અને કાશ્મીરનાં પ્રધાનમંત્રીએ ભારત અને પાકિસ્તાન સરકારને એક સમાન સંચાર મોકલ્યો હતો. પાકિસ્તાને આ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો અને ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રીને એક સંદેશ મોકલ્યો જે સમુહમાં વાંચવામાં આવ્યો —– “પાકિસ્તાનની સરકાર મૌજુદા વ્યવસ્થાની નિરંતરતા માટે જમ્મુ અને કાશ્મીરની સાથે સ્ટેન્ડસ્ટિલ સમજૌતા કરવાં માટે સહમત છે …..”
➡ સન ૧૯૪૭માં કાશ્મીરી લોકોની આકાંક્ષા શું હતી ? ———
કાશ્મીરી લોકોએ બહુ મોટાં પાયે ભારતીય રાષ્ટ્રવાદી આંદોલનમાં ભાગ લીધો હતો. એ લોકો ના માત્ર બ્રિટિશ શાસનથી છુટકારો મેળવવા માંગતા હતાં પણ રાષ્ટ્રવાદી આંદોલનમાં પોતાના મિશનને હાંસલ કરવાં માટે ડોગરા રાજવંશના શાસનમાં પણ કયારેય રહેવાં નહોતાં માંગતા. કાશ્મીરીઓએ રાજાશાહીને બદલે લોકતંત્ર પસંદ કર્યું. આમેય જમ્મુ અને કાશ્મીર એ હંમેશા એક ધર્મનિરપેક્ષ રાજ્ય હતું. હિંદુ મુસ્લિમ અને શીખ શાસનના ઇતિહાસની સાથેને સાથે જ !!! ભલે કાશ્મીરની આબાદી બહુસંખ્યક હતી પરંતુ એનાં પછી એક મહત્વપૂર્ણ જનસંખ્યા હિંદુઓની પણ હતી. ભારતે ઇસવીસન ૧૯૪૭માં કાશ્મીરી લોકોની અપેક્ષાઓ અને એમની આકાંક્ષાઓ જાણવા માટે જનમત ઉઘરાવવાનો સુઝાવ પણ આપ્યો હતો. શેખ અબ્દુલ્લા જેવા જમ્મુ અને કાશ્મીરનાં મોટાં નેતાઓની સાથે સામાન્ય મુલ્યો – ધર્મનિરપેક્ષતા, લોકતંત્ર, અને અખિલ ને અખંડ ભારતીય રાષ્ટ્રવાદને પોષિત કરવાની સાથે ભારત સન ૧૯૪૭માં આયોજિત થવાથી પ્લીબસાઈટ જીતવાં માટે આશ્વસ્થ હતું
બીજી રિયાસત જુનાગઢની સાથે પણ ભારતનું રુખ તો જનમત ઉઘરાવવાનું જ હતું. સન ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા અને વિભાજન સમયે જુનાગઢ રાજ્યના અંતિમ મુસ્લિમ શાસક મુહંમદ મહોબત ખાનજી તૃતીયે જૂનાગઢને નવગઠિત પાકિસ્તાનમાં વિલય કરવાનો નિર્ણય લીધો હતો. બહુસંખ્યક આબાદી હિંદુ હતી એટલે ઘણાં સંઘર્ષો પછી અને ઘણા વિદ્રોહો અને વિરોધોની વચ્ચે એક જનમત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેનાં પરિણામસ્વરૂપ ભારતમાં જૂનાગઢનું એકીકરણ થયું !!! જો કે ઓક્ટોબર ૧૯૪૭માં કાશ્મીર પર પાકિસ્તાની હુમલાએ બધી જ વિચારસણીઓ અને ગતિશીલતા બદલી નાંખી. એ સમયે કાશ્મીરી લોકોની સટીક આકાંક્ષાઓ અને અપેક્ષાઓથી આપણે બધાં હજી સુધી અજ્ઞાત જ છીએ કારણકે ક્યારેય જનમત સંગ્રહ લેવામાં આવ્યો જ નથી !!!
➡ સન ૧૯૪૭માં કાશ્મીર પર ભારતનું આક્રમણ
જો કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર સાથે સ્ટેન્ડસ્ટિલ સમજૌતામાં પ્રવેશ કર્યો હતો પણ એમની નજર તો એના પર જ હતી !!! એણે ઓક્ટોબર ૧૯૪૭માં કાશ્મીરમાં એક કબાયલી આતંકવાદી હુમલાનું આયોજન કરીને સ્ટેન્ડસ્ટિલ સમજૌતાને તોડી નાંખ્યો. પાકિસ્તાનના પશ્તૂન હુમલાખોરોએ ઓક્ટોબર ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું હતું અને એમણે કાશ્મીરના એક મોટાં વિસ્તાર પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કરી લીધું. મહારાજા હરિસિંહે સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન પાસે સહાયતાની અપીલ કરી !!! ભારતને એક શરત પર મદદનું આશ્વાસન આપ્યું કે મહારાજા હરિસિંહે એક્સેસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પર હસ્તાક્ષર કરવાં જોઈએ. મહારાજા હરિસિંહે ભારત (૧૯૪૭)સાથે પ્રવેશના સાધન પર હસ્તાક્ષર કર્યા. એ વાત પર સમજુતી થઇ કે એક વાર સ્થિતિ સામાન્ય થઇ જશે પછી જમ્મુ અને કાશ્મીરના લોકોનો વિચાર જાણવા માટે ભવિષ્યમાં ખબર પડશે !!!
➡ જમ્મુ અને કાશ્મીર ભારતની સાથે સાધનનાં સાધન પર હસ્તાક્ષર કરે છે
મહારાજા હરિસિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ શ્રીનગરમાં ભારતમાં પ્રવેશના સાધન પર પોતાનાં હસ્તાક્ષર કર્યા. જેવાં પરિગ્રહણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન સમર્થિત કબાયલી હુમલાને ડામવા માટે પોતાનો મોરચો સંભાળ્યો. આમ ભારતીય સેના અને પાકિસ્તાની સેનાએ ઇસવીસન ૧૯૪૭-૪૮માં પોતાનું પહેલું યુદ્ધ લડયાં. ભારતે કાશ્મીરમાં કબ્જાવાળા અધિકાંશ પાક સમર્થિત કબાયલી આતંકવાદીઓને સફળતા પૂર્વક બહાર હાંકી કાઢ્યા. આમ આતંકવાદ અને એની સામેની લડાઈના બીજ ત્યારથી જ રોપાયાં હતાં પણ એમાં કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાની નિયંત્રણમાં આવી ગયો. ભારતને આજ ખટક્યું અને ભારત પાકિસ્તાનની વિરુદ્ધ થઇ ગયું. ભારત કઈ શાંત બેસી રહે એમ તો નહોતું જ !!! ભારતે દાવો કર્યો કે આ વિસ્તાર અમારી જાણ બહાર પાકિસ્તાને પચાવી પાડયો છે અને એના પર પોતાનો અવૈધ કબજો કર્યો છે !!!
પાકિસ્તાન આ વિસ્તારને “આઝાદ કાશ્મીર” કહે છે ભારત જો કે એને એની માન્યતા નથી આપતું. ભારત પાકિસ્તાનના નિયંત્રણવાળા કાશ્મીર ક્ષેત્ર માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પી ઓ કે )એ શબ્દનો પ્રયોગ કરે છે. આ જ વિસ્તાર છે જયારે પાકિસ્તાનમાં ચૂંટણી થઇ ત્યારે એને ” આઝાદ જમ્મુ અને કાશ્મીર “એવું ડીસ્ટ્રીકટ નામ આપ્યું. અત્રે તમને એ જણાવી દઉં કે પાકિસ્તાનમાં રાજ્યને ડીસ્ટ્રીકટ કહેવામાં આવે છે બસ ત્યારથી આ વિવાદ શરુ થયો છે !!!
➡ ભારતે આ મુદ્દા માટે સંયુક્તરાષ્ટ્રસંઘની મદદ લીધી ————
ભારતે ૧ જાન્યુઆરી ૧૯૪૮એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો. ભારત અને પાકિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્ર આયોગ (UNCIP)નાં ગઠન બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ૨૧ એપ્રિલ ૧૯૪૮ના રોજ પ્રસ્તાવ ૪૭ પારિત કર્યો. સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ ભારત અને પાકિસ્તાન પર ગૈર બાધ્યકારી હતો. જો કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે એનો !!!
➡ જમ્મુ અને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ ———
સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવોમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે – રાજ્યમાં પાકિસ્તાન આક્રમક છે. પાકિસ્તાને રાજ્યના બધાં કબ્જાવાળા ક્ષેત્રને ખાલી કરવાનો રહેશે અને એ બધાં વિસ્તારો ખાલી કરીને ભારતને સોંપવાના રહેશે. ભારતે કાનુન અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોતાની સેનાને ત્યાંથી હટાવવી પડશે. જોકે એનો હેતુ એ હતો કે —– ભારત રાજ્યમાં જનમત સંગ્રહ કરાવી શકે !!!
પાકિસ્તાને આનું અર્થઘટન ઊંધું કર્યું અને આ સમજૌતા ના માન્યો એ એમનો વાંક છે —— આપણો નહીં !!!! જેની ભૂલ અત્યાર સુધી આપણે ભોગવતા હતાં પણ ભારતના સિંહની તાકાત ઓછી ના આંકશો કોઈ. જો ટ્રમ્પ મુરખો આડો ફાટશે તો એને પણ નહીં છોડે ભારત અને ચાંપલું બ્રિટન પણ ભારતના આ શેરથી નહીં જ બચે. આમેય ૨૦૦ વરસનો બદલો આપણે બ્રિટન પાસેથી લેવાનો છે જ ને. સવાલ કેટલાંક મૂર્ખાઓના મનમાં થાય છે કે હજી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપણી બહુમતી હોવી જોઈએ. જો પ્રજાસતાક દેશમાં બહુમતી ઉઘરાવ્યા વગર આ કલમો નાબુદ થઇ શકતી હોય તો આ સંયુક્ત રાષ્ટ્રસંઘ શું ચીજ છે !!!! જે લોકો સંયુક્ત રાષ્ટ્રની વાતું કરે છે એમણે એકવાર આ પ્રસ્તાવ વાંચી જવાની જરૂર છે !!! ચાણક્ય એ ચાણક્ય જ છે એ કઈ ગંગુ તેલી તો નથી જ !!!! સોરી ……. માહિતીસભર લેખમાં મેં આવું કહ્યું તે બદલ પણ એ અત્યંત જરૂરી હતું એટલે કહ્યું છે !!!!
➡ કાશ્મીરમાં અત્યાર સુધી કોઈ જનમત સંગ્રહ કેમ લેવામાં નથી આવ્યો ?
૨૨ ઓક્ટોબર ૧૯૪૭નાં પાકિસ્તાનનાં આક્રમણ પહેલાં કે એનાથી પણ પહેલાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને પરિભાષિત કરવામાં આવ્યું હતું. એની પહેલાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( પી ઓ કે ), ગિલગિત. બાલ્ટીસ્તાન, જમ્મુ, લદાખ અને કાશ્મીર ખીણનાં વર્તમાન ક્ષેત્રી શામિલ છે. પાકિસ્તાને પોતાનાં કબ્જાવાળા વિસ્તારો ખાલી કરવાં માટે સમય માંગ્યો પરંતુ એણે ક્યારેય એનું અનુપાલન નથી કર્યું. જેમ કે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો એક તૃતીયાંશ હિસ્સો આજે પણ પાકિસ્તાનના કબજામાં જ છે. આ જનમત માટે અગ્રણી પરિસ્થિતિઓ માટે એક ગૈર પક્ષપાત છે !!!
➡ શેખ અબ્દુલ્લાનું અંદોલન – ભારતીય સંઘમાં કાશ્મીરનો ઔપચારિક સમાવેશ
કાશ્મીરનું પહેલું રાજનૈતિક દલ, મુસ્લિમ સંમેલન ઇસવીસન ૧૯૨૫માં શેખ અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગઠિત કરવામાં આવ્યું હતું, પછીથી ઇસવીસન ૧૯૩૮માં એમણે રાષ્ટ્રીય સંમેલન એવું નામ આપી દીધું જેનું અંગ્રેજી નામ થાય નેશનલ કોન્ફોરન્સ —- આ એક ધર્મનિરપેક્ષ સંગઠન હતું અને કોંગ્રેસ સાથે એનો બહુ ઘેરો રિશ્તો હતો. શેખ અબ્દુલ્લા નહેરુ સહીત કેટલાંક પ્રમુખ રાષ્ટ્રવાદી નેતાઓના નિકટતમ મિત્રો હતાં. આ નેશનલ કોન્ફોરંસે મહારાજ હરિસિંહ પાસેથી છુટકારો મેળવવા માટે એક લોકપ્રિય આંદોલન શરુ કર્યું જેનાં નેતા શેખ અબ્દુલ્લા હતાં. આમ તો શેખ અબ્દુલ્લા અને નહેરુ એ ભાઈ – ભાઈ જ થાય !!!
માર્ચ ૧૯૪૮માં મહારાજા હરિસિંહે ભારત સરકાર સાથે એક ” ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ” પર હસ્તાક્ષર કર્યા પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર રાજ્યના પ્રધાનમંત્રીનાં રૂપમાં કાર્યભાર સંભાળ્યો. શેખ અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં શામિલ કરવાનાં મતની વિરુદ્ધ હતાં. એમણે એ માટે એક જનમત સંગ્રહનું રુખ અપનાવ્યું અને ભારતમાં ઔપચારિક રીતે પ્રવેશમાં ઢીલ કરી. ભારતીય સમર્થક અધિકારીઓએ રાજ્ય સરકારને બરખાસ્ત કરી દીધી અને પ્રધાનમંત્રી શેખ અબ્દુલ્લને ગિરફ્તાર કાર્ય અને એમણે એક અલાયદી જગ્યાએ કેદ કરી દીધા. આ જગ્યા કઈ છે તે ખબર છે તમને ? આ જગ્યા છે —– ગુલમર્ગનું ખિલનમર્ગ જે જે બર્ફીલી વાદીઓ માટે જાણીતું છે. જે લોકો ૭૦ના દાયકા કે તે પછી કાશ્મીર ફરવાં જતાં હતાં તેમને ખીલનમર્ગમાં દુરથી એક ઘર બતાવવામાં આવતું હતું કે આ જગ્યા એ શેખ અબ્દુલ્લાને કેદ રાખવામાં આવ્યાં હતાં
૧૯૯૦માં કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી પછી આ સ્થળ બંધ કરી દેવામાં આવ્યું એ અત્યારે ભારતીય સેના હસ્તગત છે અને ત્યાં કોઈ જતું જ નથી અને એટલે સુધી કે કાશ્મીરની અત્યારની પ્રજાએ પણ આ ખિલનમર્ગ કોઈએ જોયું જ નથી. પણ એની જગ્યાએ અફારવત જે બર્ફીલી પહાડી છે અને આ ગોન્ડોલા પોઈન્ટ જે વધારે ઉંચાઈએ છે તે પ્રવાસીઓ માટે વિકસાવ્યો. હવે એવું સાંભળવા મળ્યું છે કે કાશ્મીર ટુરિઝમ આ ખિલનમર્ગ પર એક અલગ કેબલ કાર શરુ કરવાની છે ત્યારે તો આ ધારાઓ નાબુદ નહોતી થઇ પણ હવે કાશ્મીરના વિકાસ અંતર્ગત આ બહુ જલ્દીથી શરુ થશે જો કે મારા મતે અફારવત શિખર વધુ સુંદર છે. આ શિખરની જમણી બાજુએ જ ખીલનમાર્ગના પહાડો છે જે પ્રમાણમાં ઘણી ઓછી ઉંચાઈએ છે. તાત્પર્ય એ કે જવું હોય તો દુનિયાની સૌથી ઉંચી કેબલકારની અફારવટ શિખર (૧૬૦૦૦ ફૂટ) પર જ જજો આ ખીલનમર્ગ એ તો ભૂતકાળ છે !!!
***** આ વિષે વિગતે વાત ગુલમર્ગ વિશેના લેખમાં *******
શેખ અબ્દુલ્લની ગિરફ્તારી અને એમના કેદ થયાં પછી નવી જમ્મુ અને કાશ્મીર સરકારે ભારતમાં પ્રવેશની પુષ્ટિ કરી ઇસવીસન ૧૯૫૭માં કાશ્મીરને ઔપચારિક રીતે ભારતીય સંઘમાં શામિલ કરી દીધું અને કાશ્મીર એ ભારતનું એક અંગ અને રાજ્ય બન્યું !!!
➡ કાશ્મીર મુદ્દો – બાહ્ય વિવાદ
બાહ્ય રૂપે સન ૧૯૪૭ પછી કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે (અને ભારત અને ચીન વચ્ચે એક મામુલી સીમા સુધી ) સંઘર્ષનો એક મોટો મુદ્દો બની રહ્યો છે જે પાછળથી એક વિખવાદનાં રૂપમાં પરિણમ્યો છે. પાકિસ્તાને હંમેશા એ જ દાવો કર્યો છે કે કાશ્મીર ખીણ એ પાકિસ્તાનનો જ એક ભાગ હોવો જોઈએ. આ બુદ્ધિવિહિન પગલાંએ જ ભારતને ૩ ૩ વાર યુધ્ધમાં જોતર્યું છે. આનાં પરિણામ સવરૂપ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩ યુધ્ધો થયાં સન ૧૯૪૭, સન ૧૯૬૫, સન ૧૯૭૧, અને સન ૧૯૯૮ (કારગીલ યુદ્ધ ) આ કારગીલ યુદ્ધ એ મહાયુદ્ધ નહોતું એક નાનકડી લડાઈ જ હતી !!! પરિણામ તમને ખબર જ છે કે આ બધાં યુદ્ધો ભારત જીત્યું હતું !!! પાકિસ્તાન એ માત્ર આ ક્ષેત્ર પર પોતાનો અવૈધ કબજો કરવાનું હતું પણ એમાં ચીને પણ પોતાનો દાવો કર્યો કે કાશ્મીર આમારું પણ છે સન ૧૯૬૨માં ભારતે ચીન સાથે પણ યુદ્ધ કર્યું જોકે એમાં તો ભારતની હાર થઇ. આ જોઇને પાકિસ્તાન બહુ ખુશ થયું કારણકે ભારત સામે એને ૧૯૪૭ની હારનો બદલો લેવો હતો. આ મામલો વધુ ગંભીર બને એ માટે પાકિસ્તાને કાશ્મીરની ટ્રાંસ- કરાકોરમ ટ્રેકટ (સકામ ખીણ ) એ ચીનને ભેટ ધરી દીધી
➡ કાશ્મીર મુદ્દો – આંતરિક વિવાદ
આંતરિકરૂપે ભારતીય સંઘની અંદર કાશ્મીરની સ્થિતિનાં વિષયમાં ભારે વિવાદમાં છે. આ વિવાદ ધારા ૩૭૦ અને ધારા ૩૫ Aને લીધે થયો હતો પણ એ હવે રહી જ નથી એટલે એની ચર્ચા હવે કરવી વ્યાજબી નથી જ એટલે અહી હું એની ચર્ચા નથી કરતો, પણ એ એક આંતરિક અને રાજકીય વિવાદનું મૂળ હતું જેને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવ્યું છે.
➡કાશ્મીરીઓની પ્રમુખ શિકાયતો
કાશ્મીરીઓએ ઓછામાં ઓછી ત્રણ શિકાયતો કરી છે. પહેલી એ કે એક વાદો છે કે આદિવાસી આક્રમણથી ઉત્પન્ન થયેલી સ્થિતિ પછી રાજ્યના લોકો માટે પરિગ્રહણને સંદર્ભિત કરવામાં આવશે. જે હજી સુધી પૂરો નથી થયો પણ હવે થશે !!! એ લોકો બહુ જલ્દીથી થઇ જાય એવી “પ્લીબસાઈટ”ની માંગ કરે છે જે પણ હવે પૂરી થઇ જશે એવું મને લાગે છે !!! બીજી એક ભાવના છે કે અનુચ્છેદ ૩૭૦ દ્વારા ગેરંટીકૃત વિશેષ સંધીય સ્થિતિ વ્યવહારમાંથી જતી રહી છે એને કારણે સ્વાયત્તા કે “ગ્રેટર સ્ટેટ ઓફ ઓટોનોમી “ની બહાલીની માંગ કરી છે આ વિષે તો આવનારો સમય જ બતાવશે !!! ત્રીજી શિકાયત એમની એ છે કે —- એવું મહેસુસ કરવામાં આવે છે શેષ ભારતમાં પ્રચલિત લોકતંત્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સમાનરૂપે સંસ્થાગત નથી જે હવે થઇ ગયું હોં !!!!
➡ ઇસવીસન ૧૯૪૮ની રાજનીતિ – કાશ્મીર રાજ્ય સરકાર અને ભારતની કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ
પ્રધાનમંત્રીનાં રૂપમાં કાર્યભાર સંભાળ્યા પછી શેખ અબ્દુલ્લાએ ભૂમિ સુધાર અને અન્ય નીતિઓની શરૂઆત કરી જેનાથી ત્યાની આમ જનતાને ઘણો જ લાભ થયો અને આમ શેખ અબ્દુલ્લા એ ત્યાનો લોકપ્રિય નેતા બની ગયો. એની મહત્વાકાંક્ષા આ રીતે પરિપૂર્ણ થઇ. પરંતુ કાશ્મીરની સ્થિતિ અને એનાં માટે એની સ્થિતિ કેટલી જવાબદાર એ માટે કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદ વધી રહ્યાં હતાં. સન ૧૯૫૩માં એને પદ પરથી ઉતારી દેવામાં આવ્યો અને એણે ગિરફ્તાર કરીને ખિલનમાર્ગમાં ઘણા વર્ષો સુધી કેદ રાખવામાં આવ્યો. એનાં નેતૃત્વ કરવાંવાળું એનું નેતૃત્વ એટલું લોકપ્રિય સમર્થન ના પ્રાપ્ત કરી શક્યું અને મુખ્યરૂપે કેન્દ્રનાં સમર્થનને કારણે રાજ્ય પર શાસન કરવાં સક્ષમ હતો. વિભિન્ન ચુનાવોમાં કદાચાર અને ધાંધલ ધમાલ કરવવાના એનાં પર ગંભીર આરોપ હતાં
સન ૧૯૫૩થી તે સન ૧૯૭૪ સુધી લાંબા શાસનકાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની રાજનીતિ પર બહુ જ પ્રભાવ પાડયો હતો. થોડા સમય માટે કોંગ્રેસના એક નાના રાષ્ટ્રીય સંમેલન (માઈનસ શેખ અબ્દુલ્લા ) એ સત્તામાં રહ્યો હતો પરંતુ પછીથી એનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઇ ગયું !!! આ રીતે કોંગ્રેસે રાજ્યમાં સરકાર પર પ્રત્યક્ષ નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું. આની વચ્ચે શેખ અબ્દુલ્લા અને ભારત સરકાર વચ્ચે એક સમજૌતા પર પહોંચવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. અંતમાં સન ૧૯૭૪માં શ્રીમતી ઇન્દિરા ગાંધી શેખ અબ્દુલ્લા સાથે એક સમજૌતા પર પહોંચી ગઈ અને એ ત્યાનાં મુખ્યમંત્રી બની બેઠાં
➡ રાષ્ટ્રીય સંમેલનનો પુનરુદ્ધાર (૧૯૭૭)
ઈન્દિરાજીએ નેશનલ કોન્ફોરન્સને પુનઃ જીવિત કર્યું જે સન ૧૯૭૭માં થયેલાં વિધાનસભા ચુનાવોમાં બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. શેખ અબ્દુલ્લાનું સન ૧૯૮૨માં નિધન થઇ ગયું અને નેશનલ કોન્ફોરંસનું નેતૃત્વ એમનાં દિકરા ફારુખ અબ્દુલ્લા પાસે આવતું રહ્યું અને એ ત્યાંનાં મુખ્યમંત્રી બન્યાં પરંતુ તરત જ રાજ્યપાલ દ્વારા ખારીજ કરી દેવામાં આવ્યા અને થોડાં સમય માટે આ નેશનલ કોન્ફોરંસનું એક ગોલમાલીયુ – ભેળસેળીયું જૂથ સત્તા પર આવ્યું હતું. કેન્દ્રના હસ્તક્ષેપનાં કારણે ફારુખ અબ્દુલ્લાની સરકારની બરખાસ્તગીથી કાશ્મીરમાં આક્રોશની એક ભાવના ઉત્પન્ન થઇ. ઇન્દિરા ગાંધી અને શેખ અબ્દુલ્લા વચ્ચે જે સમજૌતા થયો હતો એ પછી જે લોકતાન્ત્રિક પ્રક્રિયામાં કાશ્મીરીઓઓએ જે વિશ્વાસ મુક્યો હતો એન એક જબરજસ્ત ઝટકો લાગ્યો !!! કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસની સાથે ૧૯૮૬માં રાષ્ટ્રીય સંમેલનમાં સહમતી સધાવાથી કેન્દ્રની રાજ્યની રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાવાળી ભાવનાને મજબુત કરવામાં આવી
➡ ૧૯૮૭ વિધાનસભા ચુનાવ, રાજનીતિક સંકટ અને ઉગ્રવાદ
આ ચૂંટણીનો એક એવો માહોલ હતો જેની અસર સ્પષ્ટપણે આ વિધાનસભાની ચૂંટણી પર જોવાં મળી અધિકારિક પરિણામોએ નેશનલ કોન્ફોરંસ -કોંગ્રેસ ગઠબંધનને બહુ મોટી જીત અપાવી અને ફારુખ અબ્દુલ્લા ફરી પાછાં મુખ્યમંત્રીનાં રૂપમાં પાછા ફર્યા પરંતુ એવું વ્યાપક રીતે માનવામાં આવતું હતું કે પરિણામ લોકપ્રિય વિકલ્પને પ્રતિબિંબિત નથી કરતાં અને આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલ ધમાલ મચી ગઈ. ૧૯૮૦ના દશકની શરૂઆતમાં જ અક્ષમ પ્રશાસનની વિરુદ્ધ રાજ્યમાં એક બહુ મોટો આક્રોશ ઉભો થયો હતો. આ સમય આમ તૌર પર પ્રચલિત ભાવનાથી સંવર્ધિત હતો કે કેન્દ્રના ઇશારા પર લોકતાંત્રિક પ્રક્રિયાઓને કમજોર બનવવામાં આવી રહી છે. એનાથી કાશ્મીરમાં એક રાજનીતિક સંકટ ઉત્પન્ન થઇ ગયું. આને આણે જ જન્મ્ય આપ્યો ઉગ્રવાદને !!! જે ત્યારની અને ત્યારબાદની એક બહુ મોટી ગંભીર સમસ્યા બનીને રહી ગયો !!!
કાશ્મીરીઓ પણ આતંકવાદી બન્યાં અને પાકિસ્તાને પણ આતંકવાદીઓ મોકલવા માંડયા. ધારત તો કેન્દ્ર સરકાર આ ઉગ્રવાદને ઉગતો ડામી શકત પણ તેણે તેમ કર્યું નહિ આણે એ વધતો અને વકરતો જ ચાલ્યો. આ આતંકવાદ પછીથી માત્ર કાશ્મીર પુરતો જ માર્યાદિત ના રહ્યો પણ એ આખાં ભારતમાં પ્રસરવા માંડયો !!! આ શેખ અબ્દુલ્લા જેવી જ ભૂલ ઇન્દિરાજીએ આગાઉ પંજાબના ભીંડરાનવાલે સાથે પણ કરી હતી. એણે પકડયો -પછી છોડયો અને પરિણામે એ બધાંનો બાપ બની ગયો. છેવટે ઇન્દિરાજીએ ઓપરેશન બ્લ્યુસ્ટાર કરી એનો અંત આણ્યો, પણ આ જ કારણે ઇન્દિરાજીની હત્યા પણ થઇ !!! જો કે આ ૧૯૮૭ પહેલાની ઘટના છે પણ એનાં બીજ તો ત્યારથી જ રોપાયા હતાં પછીથી ૧૯૮૯ સુધી રાજ્ય એક અલગ કાશ્મીરી રાષ્ટ્રને કારણે આસપાસ વણાઈ ગયું અને એ ઉગ્રવાદી આંદોલનની લપેટમાં આવી ગયું !!!
વિદ્રોહીઓને પાકિસ્તાન પાસેથી નૈતિક, ભૌતિક અને સૈન્ય સમર્થન મળ્યું. પ્રભાવનું સંતુલન ૧૯૮૦નાં દશકનાં અંત સુધી પાકિસ્તાનનાં પક્ષમાં નિર્ણાયક રૂપે ઝુકેલું હતું. લોકોની સહાનુભુતિ હવે ભારતીય સંઘ સાથે નહોતી કારણકે આવું ૧૯૪૭-૪૮ ૧૯૬૫ અને ૧૯૭૧માં પણ થયું હતું. આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં વસતાં લગભગ બધાં હિન્દુઓને બહાર તગેડી મૂક્યા. એ સુનિશ્ચિત કરવાં માટે કે ભવિષ્યમાં જો જનમત સંગ્રહ ( જો એ લેવામાં આવે તો ) એ વ્યર્થ જશે !!! આજે હિંદુઓ એને બહાર કાઢયા એમાં કાશ્મીરી પંડિતો વિપુલ સંખ્યામાં હતાં. તેમને પાકિસ્તાની આતંકવાદીઓ અને અકાશ્મીર્રી આતંકવાદીઓએ એટલાં બધાં હેરાન પરેશાન કર્યા કે વાત જ ના પૂછો !!! એમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું પણ કહેવામાં આવ્યું. તેમની સ્ત્રીઓને ત્યાં છોડી જવાનું કહ્યું જેથી આતંકવાદીઓ એમને મનોરંજન નું સાધન અને પોતાની હવસનો શિકાર બનાવી શકે. આનો બદલો મોડેથી તો મોડેથી પણ ભારતીય સૈન્યે લીધો રાજૌરીમાં એવું કહેવાય છે પણ એની કોઈ સાબિતી નથી કે ભારતીય સૈન્યે આવું કર્યું હતું !!!
આ ડરેલા પંડિત ત્યાં સ્ત્રીઓને છોડીને નહિ પણ એમાંના ઘણા બધાં સહકુટુંબ ત્યાંથી નીકળી જવામાં સફળ રહ્યાં !!! આનાથી હિન્દુનો આક્રોશ અને વિરોધ વધ્યો હતો. એટલે જ પછીથી કાશ્મીર સૈન્યે હવાલે કરવામાં આવ્યું !!! ભારતે ૧૯૯૦ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં સશસ્ત્ર બલ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA)લાગુ કર્યો ઘણાં વર્ષો સુધી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન અધીન હતું અને પ્રભાવીરૂપથી સશસ્ત્ર બળોનાં નિયંત્રણ માં હતું. ૧૯૯૦ની અવધિદ રમિયાન જમ્મુ અને કાશ્મીરે વિદ્રોહીના હાથે અને ભારતીય સેનાની કાર્યવાહીનાં માધ્યમના કારણે હિંસાનો અનુભવ કર્યો !!!
➡ ૧૯૯૦ અને એનાં પછી – વિશ્વાસની કમી
૧૯૮૭ પછી કાશ્મીરી લોકોની ભારત સમર્થક ભાવનાઓને કાશ્મીરી અલગાવવાદ પ્રતિ ભારે પડી ગયું. પાકિસ્તાને બેશક આતંકવાદીઓ અને વિદ્રોહીઓને નૈતિક અને વિત્તીય સહાયતા આપીને બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું. પરિણામ સ્વરૂપ કાશ્મીર અક્સર નિયંત્રણ રેખા ( LOC)પર ભારત અને પાકિસ્તાનનાં સૈનિકો વચ્ચે હિંસા, કર્ફ્યું, પથરાવ અને ગોળીબારીની ગવાહ બન્યું !!! સન ૧૯૮૯નાં વિદ્રોહ અને ભારતિય તનાતનીમાં હજારો સૈનિકો, નાગરિકો અને આતંકવાદીઓ માર્યા ગયાં હતાં. જો કે રાજ્યમાં ચુનાવ તો કરાવ્યાં હતાં તો પણ કાશ્મીર ૧૯૮૭ન પહેલાં જેવી સ્થિતિમાં ના જ લોટયું. રાજ્યમાં વિધાનસભા ચુનાવ માત્ર ૧૯૯૬માં જ થયાં હતાં જેમાં ફારુખ અબ્દુલ્લાની નેતાગીરીમાં રાષ્ટ્રીય સંમેલન જમ્મુ અને કાશ્મીર માટે ક્ષેત્રીય સ્વાયત્તાની માંગ સાથે સત્તા પર આવ્યાં હતાં
જમ્મુ અને કાશ્મીરે ૨૦૦૨માં એક બહુ જ નિષ્પક્ષ ચુનાવનો અનુભવ કર્યો. નેશનલ કોન્ફરન્સ બહુમત હાંસલ કરવામાં વિફળ રહી અને એની જગ્યાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પી ડી પી )અને કોંગ્રેસના ગઠબંધને સરકાર બનાવી !!! હવે વારો હતો ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાનો. તેમને ૨૦૦૮માં ભારે જીત હાંસલ કરી અને ૫ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં પણ તેઓ લાંબુ ના ટકી શક્યા. તેમના પર શોપિયામાં બે બાળાઓ પર બળાત્કારનો ગંભીર આરોપ હતો તેમાંથી તેઓ ના બચી શક્યા અને એમની સરકાર ગઈ, પછી ૨૦૧૫માં ભારતની સત્તારૂઢ ભાજપ સરકારે પહેલીવાર સ્થાનીય પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી સાથે ગઠબંધનમાં સરકાર બનાવી. જેમાં પાછળથી મુફતી મહોંમદ સઈદ મુખ્યમંત્રી બન્યાં. એમના મૃત્યુ પછી એમની દીકરી મહેબુબા મુફતી મુખ્યમંત્રી બની. પણ આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલ્યું નહીં !!!
➡ કાશ્મીરના અલગાવવાદીઓ – આતંકવાદીઓ કોણ છે ?
આ કાશ્મીરમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે અને આતંકવાદીઓ પણ બધાં કાશ્મીરીઓ જ છે. એ મેં જયારે ત્યાં જાણ્યું ત્યારે મને થયું કે કાશ્મીરમાં કુલ કેટલાં આતંકવાદી સંગઠનો કાર્યરત છે એ વિષે વધુ જાણકારી પ્રાપ્ત મને થઇ આ ધારા હટી ત્યારે જ કહેવાય છે અલગાવવાદીઓ પણ તેઓ બધાં છે તો આતંકવાદીઓ જ !!!
- ✔ સભી દળ હુર્રિયત કોન્ફોરંસ
- ✔ જમ્મુ કાશ્મીર લીબરેશન ફ્રન્ટ
- ✔ હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી
- ✔ લશ્કર-એ-તૈયબા
- ✔ જૈશ- એ – મોહંમદ
- ✔ હિઝબુલ મુજાહિ દ્દીન
- ✔ હરકત-ઉલ – મુજાહિદ્દીન
- ✔ અલ-બદ્ર
- ✔ અંસાર ગજાવત – ઉલ હિંદ ઝંડા / અંસાર ગજાવત – ઉલ હિંદ (૨૦૧૭થી)
➡ આ અલગાવવાદીઓની માંગ શું છે ?
અલગાવવાદી રાજનીતિ કે જે સન ૧૯૮૯થી કાશ્મીરમાં સામે આવી હતી. એણે સમય જતાં આલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું છે અને એ વિભિન્ન પ્રકારના કિસ્સાઓમાંથી બનેલી છે. આ બધાં જ સંગઠનો ભારત અને પાકિસ્તાનથી અલગ એક અલગ કાશ્મીરી રાષ્ટ્ર ઇચ્છતાં અલગાવવાદીઓ છે. જેને કાશ્મીરી મુસ્લિમ જનસમુદાયનો બહોળો સાથ અને સહકાર છે કાશ્મીરી પ્રજા પણ આજ ઇચ્છતી હતી અત્યાર સુધી પણ હવે એવું નહિ થઇ શકે. કાશ્મીરના ભાગલા પાડીને મોદીજી અને અમિત શાહની જોડીએ આ બધાંની માંગ પર પૂર્ણવિરામ લાવી દીધું. તો પ આમાં પણ કેટલાંક એવા પણ છે જેઓ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માંગતા હતાં. પાકિસ્તાનના એમનાં પર ચાર હાથ હતાં. પાકિસ્તાનની આ ઈચ્છા પર પાણી ફરી વળ્યું એટલે જ તો એ બોખલાયું છે. એ ત્રીજો એક સમુદાય એવો પણ છે કે જે ભારતીય સંઘની અંતર્ગત રાજ્યના લોકો માટે અધિક સ્વાયત્તા માંગે છે આ પણ શક્ય ના બનવાં દીધું !!! કાશ્મીરમાં હોલ્ડ તો કેન્દ્ર સરકારનો જ રહ્યો એટલે સ્વાયત્તાણો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો !!!
➡ આંતરરાજ્ય સ્વાયત્તાની માંગ
ભલે રાજ્યનું નામ જમ્મુ અને કાશ્મીર (જમ્મુ-કાશ્મીર )છે પરંતુ એમાં ત્રણ સામાજિક અને રાજનીતિક ક્ષેત્ર શામિલ છે. જમ્મુ, કાશ્મીર અને લદાખ.
જમ્મુ – જમ્મુ ક્ષેત્ર હિંદુઓ , મુસલમાનો અને શીખો અને વિભિન્ન ભાષાઓનાં વક્તાઓની તલહટી અને મેદાનોનું મિશ્રણ છે.
કાશ્મીર – કાશ્મીર ખીણ એ સમગ્ર કાશ્મીરનું હાર્દ છે . અહીના લોકો કાશ્મીરી બોલી બોલે છે અને વધારે મુસ્લિમ છે …… હિંદુ અલ્પસંખ્યક બોલવાં વાળા એક નાનકડો કાશ્મીરી સમુદાય પણ અહી છે
લદાખ – લદાખ ક્ષેત્ર પહાડી છે … એની વસ્તી બહુ ઓછી છે અને વિસ્તાર વધારે !!! અહીં બૌદ્ધો અને મુસલમાનો વચ્ચે સામાન રૂપે આ ક્ષેત્ર વિભાજીત છે ….. લદાખ બે મુખ્ય ક્ષેત્રોમાં વિભાજીત છે – લેહ અને કારગીલ
➡ નિષ્કર્ષ
કાશ્મીર મુદ્દો એ માનીએ એટલો સામાન્ય નથી જ નથી આ એક જટિલ સમસ્યા છે આંતરિક પ્રશ્ન તો જાણે ઉકલી ગયો એમ માની લઈએ પણ એ પહેલાં કાશ્મીરીઓનું માનસબદલવું અત્યંત આવશ્યક છે એ લોકો બહુ જલ્દીથી સુધરી જાય એવું હું જરાય માનતો જ નથી. બીજું એ કે એમની જે આવડત છે એમના પર કુહાડી ના મારવી જોઈએ એમની ભાવનાઓની કદર કરવી જોઈએ એ લોકોને એ એહસાસ આપવો જોઈએ કે તેઓ આપણા પોતીકા જ છે. એમણે થોડીક સુવિધાઓ જો આપવામાં આવશે તો તેઓ બદલાશે એવું મારું ચોક્કસપણે માનવું છે બાકી આતંકવાદીઓ ત્યાજ ઠરીઠામ થયા છે એમનો પહેલાં વીણી વીણીને ખાત્મો કરો. બાકી અત્યારે ભારતીય આર્મીથી તેઓ ડરેલા જ છે તો એનો ફાયદો ઉઠાવો. બીજા ત્યાં વસવાનું શરુ કરશે એટલે એમની મોનોપલી અને મનોબળ આપો તૂટશે એ બદલાશે. એ લોકો પ્રેમાળ છે એમની ભાવના બહુજ ઉચ્ચ છે એમણે વાળી લેજો આપના તરફ બાકી ત્યાંથી કાઢી મુકતાં નહીં !!! એમાં પણ ભારત તરફી વલણવાળાં વધારે છે આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે બાકી એક વાત મને નથી સમજાતી કે આપને જો ચુસ્ત હિંદુઓ છીએ તો આ કાશ્મીરી કન્યાઓને પરણવા કોણ માંગે છે ? એ બધી છે તો મુસ્લિમ જ ને !!! આ કેવું છે આપણું હિન્દુત્વ ? આ ન જ ચલાવી લેવાય જો એ કન્યાઓ આપણામાં ભળવા માંગતી હોય તો જ આ શક્ય બને !!! જે મારી દ્રષ્ટીએ તો અશક્ય જ છે !!!
રહી વાત પ્લોટની તો શ્રીનગરમાં પણ ક્યાય પણ રહેવાની જગ્યા જ નથી આવું કાશ્મીરમાં ઘણે બધે ઠેકાણે છે ત્યાં બધું વહેંચાઈને સેટલમેન્ટ થઇ જ ગયું છે પણ તોય સરકારી અને ખાનગી જગ્યાઓ છે જે બધી હાઈવે પર છે ત્યાં શક્ય બનશે બાકી તમે એવું માનો કે એ સુંદર પહાડીઓ પર આવાસ કે ખાણીપીણી શરુ થાય એ તો અશક્ય જ છે તોય જગ્યાઓ તો છે એ બધી જગ્યાઓનો ઉપયોગ રહેઠાણ અને હોટેલો અને ફેક્ટરીઓ માટે કરો !!!!
કાશ્મીર હજી પણ પોતાને સ્વતંત્ર જ માને છે તેઓ તમને કે આ નિર્ણયને સ્વીકારશે ખરાં !!!સ્વીકારવો તો પડશે પણ એ માટે ૬-૧૨ મહિનાની રાહ જુઓ !!! વિકાસ તો થશે જ પણ એ સમય માંગી લેશે !!!
!! જય હિંદ !!
!! વંદે માતરમ !!
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..