કંસારા જ્ઞાતિનો ગૌરવવંતો ઇતિહાસ અને ઉત્પતિ

સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ પ્રમાણે ચાર જ વર્ણ હતા. સમાજ વિસ્તાર થતા અવાન્તર જાતિઓ અસ્તિત્વમાં આવી, જેની ઉત્પતિ વિષે મનુસ્મૃતિ કે ઇતર સ્મૃતિઓમાં માહિતી ઉપલબ્ધ છે. ભિન્ન ભિન્ન જાતિઓની ચર્ચા છે જે સંસ્કૃત ગ્રંથોમાં છે આ મુજબ છે. (૧) જાતિવિવેક, (૨) બૃહજ્જાતિ વિવેક, (૩) માધવ કલ્પલત્તા, તથા (૪) પરશુરામ પ્રતાપ. ગ્રંથકારો ૧૩૪ જાતિઓ વર્ણવે છે.

(૧) પરમાત્મામાંથી ઉત્પન્ન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર…- ૪
(૨) અનુલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ…- ૬
(૩) પ્રતિલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ….- ૬
(૪) વ્રાત્ય તથા સંકર જાતિઓ…- ૩૬
(૫) ક્ષત્રિયોએ બીજા ધંધા સ્વીકારવાથી (પરશુરામ પ્રતાપમાં ગણાવેલી) જાતિઓ…- ૮૨
કુલ…- ૧૩૪

આ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિઓની વિગત કેટલાક જ્ઞાતિ પુરાણોમાં પ્રાપ્ત થાય છે જેમ કેઃ-

(૧) શ્રીમાળી પુરાણ ઃ શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વણિક, શ્રીમાળી સોની, ઓસવાલ અને પોરવાળ વણિકોની કથા.

(૨) નાન્દી પુરાણ ઃ નંદવાણા બ્રાહ્મણોની ઉત્પતિ

(૩) ભાર્ગવ પુરાણ ઃ ભાર્ગવ બ્રાહ્મણોની ઉત્પતિ

(૪) ઉદીચ્ય પ્રકાશ ઃ ઔદીચ્ય બ્રાહ્મણોની ઉત્પતિ

(૫) નાગર ખંડ ઃ નાગરોની ઉત્પતિ

(૬) મોઢ પુરાણ ઃ મોઢ બ્રાહ્મણ તથા મોઢ વણિકની ઉત્પતિ

(૭) સરસ્વતી પુરાણ ઃ સારસ્વતોની ઉત્પતિ

(૮) અનાવિલ પુરાણ ઃ અનાવિલ બ્રાહ્મણોની ઉત્પતિ

(૯) શ્રીગૌડ પ્રકાશ ઃ શ્રીગૌડ બ્રાહ્મણોની ઉત્પતિ

(૧૦) મલ્લ પુરાણ ઃ જેઠીમલ બ્રાહ્મણોની ઉત્પતિ

(૧૧) પુરાતન બ્રહ્મક્ષેત્ર ઃ ખેડાવાણ બ્રાહ્મણોની ઉત્પતિ

(૧૨) રૈકવ માહાત્મ્ય ઃ રાયકવાળ બ્રાહ્મણોની ઉત્પતિ

(૧૩) વાયુવાટ્ પુરાણ ઃ વાયડા બ્રાહ્મણ – વાયડા વણિકની ઉત્પતિ

(૧૪) વાલખિલ્ય પુરાણ ઃ ઝારોળાઓની ઉત્પતિ

(૧૫) સાચીહરોપાખ્યાન ઃ સાચોરાઓની ઉત્પતિ

(૧૬) સિદ્ધવાટિકા માહાત્મ્ય ઃ દીશાવાળ લોકોની ઉત્પતિ

(૧૭) કોટયર્ક માહાત્મ્ય ઃ ખડાયતાઓની ઉત્પતિ

(૧૮) કંડુલ પુરાણ ઃ કડોલિયા લોકોની ઉત્પતિ

(૧૯) એકલિંગ માહાત્મ્ય ઃ મેવાડાઓની ઉત્પતિ.

આ ઉપરાંત પણ હિંગુલા પુરાણ (હિંગળાજના વંશજો), વિશ્વકર્મા પુરાણ (કારીગર વર્ગ- વિશ્વકર્માના વંશજો), કાલિકાપુરાણ (કંસારા જ્ઞાતિની ઉત્પતિ) વગેરે પુરાણો દ્વારા પણ માહિતી ઉપલબ્ધ થાય છે.

ધાતુકલાનો વ્યવસાય કરતી મુખ્ય ત્રણ જ્ઞાતિઓ છે ઃ
(૧) સુવર્ણકાર સોની ઃ સોના તથા રૃપા કામ.
(૨) કંસારા કે કાંસ્યકાર ઃ કાંસુ, તાંબા, પિત્તળ, જરમન વિ. કામ.
(૩) લુહાર કે લોહાર ઃ લોઢા કામ

આ પૈકી કંસારા સમાજની ઉત્પતિ કથા કાલિકા પુરાણમાં જોવા મળે છે.

અમદાવાદના કંસારા જ્ઞાતિના પ્રાચીન કાલિકા મંદિરમાં મૂર્તિ ખંડિત માલુમ પડતાં નવી ઘડાવેલ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૫ના વૈશાખ સુદ- ૫ બુધવારના તા. ૧૩-૫-૫૯ના દિને થઈ તેથી દર વર્ષે આ તિથિએ પાટોત્સવ નિમિત્તે ત્યાં કાલિકા પુરાણનું વાંચન થાય છે.

ડો. અરૃણોદય એન. જાની (એમ.એ., પીએચડી, ડિ. લિટ, કાવ્યતીર્થ)એ કાલિકા પુરાણનો સંશોધાત્મક ગ્રંથ ૧૯૭૩માં બહાર પાડેલો છે. તેમણે આ પુસ્તક આલેખવા નાસિકના ગોર શ્રી મુરલીધર ડી. મહેતાનું માર્ગદર્શન મેળવેલ છે.

સંશોધન દરમ્યાન તેમનો કાલિકા પુરાણના બે જુદા જુદા પ્રકારના પુસ્તકોની પ્રત પ્રાપ્ત થઈ.
(૧) વિસનગરની પ્રત જે વિસનગરના શ્રી ચીમનલાલ કંસારાએ પૂરી પાડી.
(૨) નાસિકની પ્રત જે કંસારા ગોર શ્રી મુરલીધર દામોદર મહેતાએ પૂરી પાડી

આ બંને પોથીની કથાનો સમન્વય કરી શ્રી જાનીએ કાલિકાપુરાણ (અનુવાદ) પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથના આધારે આ લેખાંક પોરબંદરના શ્રી હરકાન્તભાઈ રાજપરાએ સંશોધાત્મક માહિતી તૈયાર કરેલી છે.

કંસારા જ્ઞાતિની ઉત્પતિ વિષેની એક કિવદંતી મુજબ પાંચ ક્ષત્રિય ભાઈઓ પાવાગઢ રહેતા હતા અને કાલિકાના ઝાંઝ વગાડી સેવા કરતા. તેમની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા અને તેમને ધાતુ ઘડીને આજીવિકા શરૂ કરવા કહ્યું તથા તેઓ તેમના કુળદેવી થશે એવું વચન આપ્યું.

ગુજરાતમાં કંસારાના મુખ્ય પાંચ જથ્થા છે. (૧) ચાંપાનેરી, (૨) મારુ, (૩) સિહોરા, (૪) અમદાવાદી, (૫) વિસનગરા. આ ઉપરાંત સુરતી કંસારા, કચ્છી કંસારા, કચ્છી કંસારાઓની જેવી વિવિધ પેટાજ્ઞાતિઓ જોવા મળે છે.

કાલિકા પુરાણ ઉપરાંત વિશ્વકર્મા પુરાણ મુજબ કંસારા જ્ઞાતિની ઉત્પતિ તપાસીએ તો વિશ્વકર્માના ત્રીજા પશ્ચિમ દિશાના અઘોર નામના મુખથી મુખ્ય અહભૂત ગોત્રમાં મૂળ પુરુષ ત્વષ્ટા નામે પ્રગટ કર્યો. આ ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષ તથા તેની સઘળી પ્રજાને 25 ઉપગોત્રો કે ગણગોત્રો ફાળવ્યા. આ શાખામાં ત્રણ પ્રવર હોય છે. આ ગોત્રનો વેદ સામવેદ, ઉપવેદ ગાંધર્વવેદ નિયત કર્યો તથા હાક્ષાયણ સૂત્રનું અધ્યયન કરી તામ્ર સંહિતાને ગ્રહણ કરવા આજ્ઞા કરી આરાધ્ય દેવ બ્રહ્માનું યજન કરવા આજ્ઞા કરી. તેમજ વર્તુળાકાર કુંડમાં યજ્ઞ કરવા કહ્યું અને તામ્ર સંહિતાને આધારે તાંબા, પીત્તળ, કાંસુ જેવી ધાતુઓમાંથી બનતું શિલ્પકામ કરવા પ્રયોજ્યા.

આ શાખાના મુખ્ય ૨૫ ગોત્રોના નામ (૧) સંવર્ત, (૨) યજ્ઞપાલ, (૩) પ્રતિવક્ષ, (૪) કુશધર્મ, (૫) અતિધ્રાત, (૬) લોકેશ, (૭) પદ્મયજ્ઞા, (૮) વિનક્ષ, (૯) મોહમતી, (૧૦) વિશ્વરૂપ, (૧૧) ઉપાહભૂત, (૧૨) ભદ્રહક્ષ, (૧૩) કાંડવ, (૧૪) વિશ્વેશ, (૧૫) ત્રિમુખ, (૧૬) બૌધાયન, (૧૭) જાતરૂપ, (૧૮) ચિત્રસેન, (૧૯) જયસેન, (૨૦) વિદ્યનસ, (૨૧) પ્રમોન્નત, (૨૨) દેવલ, (૨૩) વિનવ, (૨૪) બ્રહ્મદિક્ષિત અને (૨૫) હરીધર્મા ગોત્રના મૂળપુરુષ ત્વષ્ટાના લગ્ન કૌશિક મુનિની પુત્રી જયંતિ સાથે થયા હતા.

કંસારાઓની મુખ્ય અટકો તપાસીએ તો ગોરખીયા, ગોરસીયા, બુદ્ધ, શેઠ, દંગી, ગોરડિયા, ખાખી, ખોખરા, કાંગડા, દુધેલા, ફાજલીયા, ચીત્રલીયા, કડવાણી, કલથીયા, લાલાણી, માવાણી, મેવચા, પચ્ચીગર, બગાયા, બારમેડા તેમજ રાજપૂતી અટકો ભટ્ટી, ગોહિલ, પરમાર વગેરે જોવા મળે છે.

કાલિકા પુરાણ મુજબ કંસારાઓ શ્રી વિષ્ણુ તથા લક્ષ્મીજી દ્વારા આવિર્ભાવ પામેલા હરિવંશી, હૈહય વંશી કહેવાય છે. આ વંશમાં સહસ્રાર્જુન થયા.

વિસનગરની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૩૯૮ શ્લોક છે જ્યારે નાસિકની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૪૦૮ શ્લોક છે.

શ્રીમાળ પુરાણ મુજબ શ્રીમાળ નગરમાં કંસારાઓના ૨૦૦૦ ઘર હતા.

વિસનગરની પોથી અનુસાર વંશાવલી તપાસીએ તો રમણીક રાજાની બે પુત્રી (૧) વિદ્યુલ્લેખા યદુ ઉર્ફે હરિવર્મા વેરે પરણી જ્યારે (૨) હેમમંજરી તે હેમતુંગને પરણી, હરિવર્માનો એકવીર થયો જે હેમતુંગની પૌત્રી એકાવલિનેને પરણ્યો એકવીરનો કૃતવીર્ય (ભાનુમતીની પત્ની) અને તેનો કાર્તવીર્ય તથા કાર્તવીર્યનો પુત્ર સહસ્રાર્જુન થયો. નાસિકની પોથી મુજબ એકવીરને જયન્તીથી કૃતવીર્યે, કૃતવીર્યને હીરાવતીથી કાર્તવીર્ય અને કાર્તવીર્યને રાકાવતીથી સહસ્રાર્જુન થયો.
કંસારા સમાજના જ્ઞાતિદેવી કાલિકા માતા છે. જેના મુખ્ય મંદિરો અમદાવાદ, નાસિક, સુરત, ઓજર, વડોદરા, નડિયાદ, ઉમરેઠ, ઉજ્જૈન, આમોદ, ખંભાત, ડભોઈ, ભરૂચ, વગેરે સ્થળોએ આવેલા છે. ધર્મની દ્રષ્ટિએ કંસારાઓ રામાનંદી, શૈવ કે વૈષ્ણવ (જમનાજીની ભક્તિનું પ્રાધાન્ય ધરાવતો જે ગોપાલ સંપ્રદાય) હોવા છતાં કાલિકાને ખૂબ માને છે.

કંસારાના હુન્નરમાં ઉપયોગી ઓજારોના નામ તપાસીએએ તો આંકણી, સાણસી, કાંત, મઠાણું, રેખામણી, હાલકણી, હથોડો, હથોડી, ખોલવણું (પોયણી), સ્ટવ, ઘણ, કાંટો, કાટલાં, કાટખૂણો, પરકાર, મૂસ, ધમણ, એરણ, ખરબંડ, ખીલી, મેખ વિ. નામો જાણવા મળે છે. કાઠીયાવાડમાં શિહોરમાં અને ઉ. ગુજરાતમાં કડી અને વિસનગરમાં તાબા પિત્તળનું કલાત્મક કામ કરનારા કંસારાઓ છે. વાસણો ઉપરાંત બારીક કોતરણીવાળા ખડીયા, કલમ, પાનદાનીઓ, મૂર્તિઓ, દીવીઓ, ઘંટડીઓ વિ. બનાવે છે. સ્થળાંતર કરતા કંસારાઓ કલાઈ કરવાનું કે વાસણો સાંધવાનું કામ કરે છે. કચ્છી કંસારા સોનીઓ મીણકામ તથા જાસ્તી રૂપાના ઘડતરકામમાં માહેર હોય છે. (જસતના મેળવણવાળું જાસ્તી રૂપુ, કાળું ન પડે પણ ગલનબિંદુ નીચું થતા તેનું ઘાટકામ અઘરું પડે કામ કરતા તરત ઓગળે) કંસારાના ગોર તરીકે ઔદિચ્ય, મેવાડા, શ્રીગૌડ અને શ્રીમાળી બ્રાહ્મણો કામ કરે છે. મારુ તથા મારવાડી કંસારા જનોઈ પહેરે છે.

આ કોમ સ્થળાંતર કરતી કોમ છે, તેમજ શહેરોમાં સ્થાયી થયેલ મહાજનો પણ કહેવાય છે. સ્વામી અખંડાનંદ કે જેનું સંન્યાસપૂર્વેનું નામ માણેકલાલ હતું તેઓનો જન્મ કંસારા જ્ઞાતિમાં થયો હતો તેમને સંન્યાસ લેવો હતો પરંતુ ‘તમે શુદ્ર છો, માટે તમને સંન્યાસનો અધિકાર નથી’ એમ કહી કોઈએ સંન્યાસ દીક્ષા આપી નહીં. પરંતુ તેમણે કાલિકાપુરાણનો આધાર તેઓ ક્ષત્રિય સહસ્રાર્જુનના વંશજ છે, શુદ્ર નથી એમ સાબિત કર્યું તેથી સંન્યાસ આપવામાં આવેલો.
કાલિકા પુરાણને પદ્મપુરાણના ઉત્તરખંડનો ભાગ વર્ણવ્યો છે. શૌનકની વિનંતી ધ્યાને લઈ સુતપુરાણી કાલિકાખ્યાન કરે છે.

વિસનગરની પોથી અને નાસિકવારી બંને પોથીમાં ૧ થી ૧૫ અધ્યાયમાં લગભગ સરખી વાત આવે છે. જ્યારે ૧૫થી ૨૦ અધ્યાયમાં ફેર રહે છે. ૧ થી ૧૫ અધ્યાયમાં શરૂઆતમાં શુભ- નિશુંભની કથા આવે છે. જેના દૂતો ચંડ અને મુંડ કાલિકાને જોઈ શુંભ- નિશુંભને તેની સાથે પરણવા લલચાવે છે છેવટે દૈત્યોનો નાશ થાય છે, અને શાંતિ થાય છે. ચાર ગુહ્યકો આવી માતાજીને પગે પડે છે. માતાજીએ પૂછતાં તેઓ ઓળખાણ આપે છે કે, ”અમે ગંધમાદન પર્વત પર રહેનારા ગુહ્યકો છીએ. મતંગ મુનિના કાન આગળ અમે ઘંટડી વગાડી તેથી ગુસ્સે થઈ મુનિએ અમને શાપ આપ્યો. જાવ, મૃત્યુ લોકમાં જન્મ લ્યો અને ધાતુના વાસણો બનાવી આજીવિકા મેળવો.” આમ આ ગુહ્યકો કંસારા થતા કુળદેવી કાલિકા બન્યા. આગળ ઉપર આ પુરાણમાં તારકાસુર વધની કથા આવે છે. શંકર વિવાહની કથા આવે છે. અહીં ૬૦,૦૦૦ વાલખિલ્યોની ઉત્પતિ કથા આવે છે, સમુદ્ર મંથન, શંકરે વિષ પીધુ તે કથા, રાહુ-કેતુની કથા આવે છે.

હૈહય શબ્દની વ્યુત્પતિ ઃ વિસનગરની પોથી પ્રમાણે હયી (ઘોડી) અને હય (ઘોડો) બંને શબ્દ મળી ”હૈહય” થયું. જ્યારે નાસિકની પોથી પ્રમાણે અહિ (સર્પ) અને હય (ઘોડી) બંને શબ્દ મળી ‘હૈહય’ થયું.

વિસનગરની પોથી મુજબ (અ. ૧૫થી ૨૦) એક વખતે સૂર્યનો પુત્ર રેવંત વૈકુંઠમાં આવ્યો. લક્ષ્મી રેવંતના સુંદર ઘોડાને જોવામાં મશગુલ થયા તેથી વિષ્ણુની હાક સાંભળી શક્યા નહી તેથી વિષ્ણુએ લક્ષ્મીને ઘોડી જેવું મોઢું ધારણ કરી પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો તથા કહ્યું કે, લક્ષ્મીને પુત્ર થશે ત્યારબાદ તે વૈકુંઠમાં પાછી ફરશે. લક્ષ્મીને શંકરના વરદાનથી વિષ્ણુનો ઘોડા સ્વરૂપે સંગ થતા પુત્ર અવતરે છે વિષ્ણુ તથા લક્ષ્મી આ પુત્રને યયાતિના પુત્ર હરિવર્માને સોંપવાનું નક્કી કરે છે.

ત્યારબાદ આ બાળક ચંપક વિદ્યાધરની પત્નીના હાથમાં આવતા ઇન્દ્રને આ બાળક વિષે પૂછે છે. ઇન્દ્ર જણાવે છે કે આ બાળક હાલ તપ કરતા હરિવર્મા માટે છે. તપ કરતા હરિવર્મા સમક્ષ વિષ્ણુ પ્રગટ થાય છે અને હરિવર્માને તે બાળક સ્વીકારવા સૂચવે છે. હરિવર્મા તે બાળકને લઈ પોતાની રાજધાની માયાપુરીમાં પરત થાય છે. બાળકનું નામ એકવીર એવું પાડે છે. આમ હૈહય વંશની કથા આગળ ચાલે છે. એકવીર દ્વારા ધૈનુક અને કાલકેતુ રાક્ષસોનો સંહાર, એકાવલી સાથે લગ્ન અને કૃતવીર્યનો જન્મ તથા ભાનુમતી સાથે લગ્ન અને કાર્તવીર્યનો જન્મ કાર્તવીર્યને ત્યાં ઠૂંઠા બાળકનો જન્મ, આ ઠૂંઠાએ દત્તાત્રેયનું તપ કર્યું તેથી વરદાનમાં ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયા. આમ તે સહસ્રાર્જુન કહેવાયો તેણે નર્મદાતટે મહિષ્મતી નગરની સ્થાપના કરી.

સોનકંસારી ઃ ભાણવડ નજીકના સુપ્રસિદ્ધ ધુમલી ડુંગર પર ચડતાં વચ્ચેથી ફંટાતી એક કેડી જાણે પ્રાચીન સમય તરફ લઇ જતી હોય તેવું લાગે છે. અહીં બરડામાં આવેલા સોનકંસારીના પૌરાણીક સ્થાપત્યો એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતાં. આ સમયગાળો મૈત્રકકાલીન અને સેંધવકાલીન ગણાય છે તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટિલ રહ્યું હશે જે ખરેખર કાબિલેદાદ છે. સમય વીતતા આ કલાત્મક મંદિરો ભગ્ન થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહ્યા છે.

કંસારા જ્ઞાતિના ઈતિહાસમાં એમના વંશજ સહસ્ત્રાર્જુન રાજવી હોવાનું એમના વિષેનો જે ગ્રંથ કાલિકાપુરાણ છે એમાં મળે છે. એ રાજવીની કથા આવી છે.
વિશ્વામિત્રથી અપ્સરાઓ ઉર્વશી, મેનકા, રમ્ભા અને જાલપંચીને અનુક્રમે શ્વતાક્ષી, શ્વેતમાલા, ચંદ્રાસ્યા અને ચંદ્રિકા એમ ચાર કન્યાઓ જન્મે છે જે જમદગ્નિના આશ્રમમાં મોટી થતી હોય છે. રાજા સહસ્ત્રાર્જુન જમદગ્નિ પાસે આ કન્યાઓના હાથની માગણી કરે છે, જે જમદગ્નિ માન્ય રાખી ચારે કન્યાઓને તેની સાથે પરણાવે છે. એક વાર કાફલા સાથે શિકારે નીકળેલ રાજાને રેણુકાની સલાહથી લાવલશ્કર સાથે જમવાનું નિમંત્રણ આપે છે. રાજા ત્યાં કામધેનુ ગાય જૂએ છે, તેની માંગણી કરે છે પણ જમદગ્ની તે ગાય ઈન્દ્રની થાપણ હોવાથી રાજાને આપવાની ના પાડે છે. રાજા બળજબરીથી ગાયનું હરણ કરે છે. જમદગ્ની- રેણુકા હણાય છે જે પુત્ર પરશુરામને જાણ થતાં તે શૈવી અને ગાણેશ્વરી વિદ્યાઓ પ્રાપ્ત કરી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરે છે. સહસ્ત્રાર્જુનના ૧૦૦૦ હાથ કાપવા છતાં ફરી ઊગે છે. ગણપતિની સલાહ મુજબ પરશુરામ રાજાના હૃદયમાં રહેલ અમૃત કૂપીનો નાશ કરી સહસ્ત્રાર્જુનને હણે છે.

પરશુરામ જ્યારે ગર્ભવતી રાણીઓના ગર્ભને હણનારું બાણ છોડવાની તૈયારી કરે છે ત્યારે રાજાની શ્વેતાક્ષી વગેરે ચાર ગર્ભવતી રાણીઓ ગર્ભને બચાવવા કરગરે છે. આ જન્મ થશે તે બાળકો ક્ષત્રિયની વૃત્તિ ન કરતાં વૈશ્યોની જ વૃત્તિ કરશે એવું કન્યાઓ પાસે વચન માગી ગર્ભોને જીવાડે છે. આ ચાર રાણીઓને જયન્ત, વિજય, વનમાળી અને જયદ્રથ એવા ચાર પુત્રો જન્મે છે. ઉમરલાયક થતાં તેઓ માતાની પાસેથી પોતાના પિતાના વધની વાત જાણી પરશુરામ પર વેર લેવાનો નિશ્ચય કરે છે. પરંતુ માતાઓ તેમને તેમ ન કરવા સમજાવે છે. છતાં પરશુરામને મારવાના આશયથી શિવનું તપ કરી પ્રસન્ન કરે છે. પરશુરામે સરસ્વતીને અવળી વાણી થવા વિનંતી કરી તેથી વરદાન માંગવા ચારે યુવાનો ”બાણે જયં દેહિ”ને બદલે ”વાણિજ્યં દે હિ” એવું ઉચ્ચારે છે.

શંકર ‘તથાસ્તુ’ કહે છે. રાજ પુત્રો ભૂલ સમજાતાં દુઃખી થાય છે. શિવની આજ્ઞાથી વિશ્વકર્માનું આવાહન કરે છે. અને વિશ્વકર્મા પાસેથી કાંસાના વાસણો બનાવવાની કળા શીખે છે. વિશ્વકર્મા તેમને કાલિકાનો મંત્ર તથા ઓજારો આપે છે.

રાજપુત્રો ધાતુના વાસણો બનાવી ઊંટ પર લાદી વેપાર કરવા દક્ષિણમાં જાય છે. રસ્તામાં ”શંકર” બ્રાહ્મણ મળે છે જે તેમને કાંચીપુર લઇ જાય છે. ત્યાં આ ચારેના નામ બદલી અનુક્રમે ઈન્દ્રસેન, રુદ્રસેન, ભદ્રસેન અને વીરસેન એવા બીજા નામ પાડે છે. આ ચારે જણા દુકાન ટખોલી વાસણો તથા દર્પણ ગોઠવે છે. કાંચીપુરના રાજાની કુંવરી ચંદ્રાસ્યાને દર્પણ ગમી જતાં લઇને ચાલવા માંડે છે. રાજપુત્રો તેના હાથમાંથી દર્પણ ઝૂંટવે છે. રાજાએ લશ્કર મોકલ્યું તેને રાજપુત્રોએ નાશ કર્યો. રાજાનો પુત્ર પણ કેદ થયો. છેવટે રાજા સમાધાન કરી ચારેને રહેવા મહેલ આપે છે. આ ચારે રાજપુત્રોની સેવામાં રાખેલા નાપિત (વાણંદ) પાસેથી તેમના મૃત્યુનું કારણ જાણી લઇ રાજા ચારેને મહેલમાં બોલાવી હજામત કરી, માલિશ કરાવે છે અને સ્નાન કરે તે પહેલાં પકડી લ્યે છે. અપવિત્ર સ્થિતિમાં ચારે કાલિકાનો મંત્ર ભણી શકે તેમ ન હોવાથી માતાજીની મદદ મળતી નથી. રાજા ચારેને હાથીના પગ તળે ચગદી નાખવાનો હુકમ આપે છે. તેમાં ત્રણને મારી નંખાય છે. ચોથા વીરસેનને મારવાના સમયે શંકર બ્રાહ્મણ ત્યાં ઉપસ્થિત થઇ વીરસેનને ઈશારાથી પાણી માગવા કહે છે. વીરસેને પાણી માંગતા શંકર બ્રાહ્મણ કમંડળમાં ગંગાનું આવાહન કરી વીરસેનને પ્રથમ નવડાવી પછી પાણી પીવડાવે છે. આમ પવિત્ર થયા બાદ વીરસેન કાલિકા મંત્ર જપે છે. માતાજી પ્રગટ થઇ લશ્કરનો નાશ કરે છે. માતાજી રાજાને બાંધે છે અને વીરસેનને ખોળામાં બેસાડી તેના પગ પાસે રાજાને બેસાડે છે. શંકર બ્રાહ્મણ માતાજી પાસે ત્રણ વરદાન માગે છે. (૧) વીરસેનનો વંશ વિસ્તારો (૨) વીરસેનની કુળદેવી બનો (૩) રાજાનું રક્ષણ કરો. માતાજી તથાસ્તુ કહે છે. વીરસેનનું નામ બદલી ધર્મપાલ રખાય છે. રાજાની પુત્રીના લગ્ન ધર્મપાલ સાથે થાય છે. ત્યાંથી ધર્મપાલ હરદ્વાર માતાઓ પાસે આવે છે અને માતાના મૃત્યુબાદ તે ત્ર્યંબાવતી (સ્તંભાવતી-ખંભાત) આવે છે. ત્યાંનો રાજા બને છે. ૩૫ દેશોની રાજકન્યાઓને પરણે છે. તેના સંતાનો કંસારાઓ કહેવાય છે. આ કંસારાઓના ૧૮ જૂથ બને છે. આ પોથીમાં કુલ ૩૦ અધ્યાયમાં ૨૪૦૮ શ્લોકમાં આ કથા વર્ણવેલ છે.

નાસિકવાળી પોથીના અધ્યાય ૧૫-૨૦નો સાર ઃ- રાહુને હણ્યા પછી વિષ્ણુ આરામ કરતા પહેલાં પોતાની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે લક્ષ્મીને સૂચના આપે છે કે કોઇ રાક્ષસ ઊંઘમાં ખલેલ પહોંચાડવા આવે તો તેને મારી નાખવો. વિષ્ણુ ઊંઘી જાય છે, ત્યારે સૂર્યનો પુત્ર ઘોડાનું રૂપ લઇ ત્યાં આવે છે, લક્ષ્મી તેને રાક્ષસ માની મારે છે પણ મરતા મરતા ”હરિ” એમ ઉચ્ચારે છે તેથી વિષ્ણુ જાગે છે અને ઘોડાના વધથી ગુસ્સે થઇ લક્ષ્મીને શાપ આપે છે, ”તું પૃથ્વી પર ઘોડી તરીકે જન્મ પામી દક્ષિણમાં પંપા પાસે રહે.” લક્ષ્મી વિષ્ણુને સામે શાપ આપે છે, ”તમે પણ કિષ્કિંધામાં સાપ બનશો. બાર વર્ષ મારી સાથે રહી ક્ષત્રિયોનું એક કુળ ઉત્પન્ન કરશો.” લક્ષ્મી ઘોડી બની ક્રિષ્કિંધાના રાજા કુંભકર્ણ પાસે અને સંકર્ષણ બ્રાહ્મણ પાસે રહેતી હોય છે. ઘોડી ૧૧ વર્ષની થાય છે, વિષ્ણુ સાપ બની રાફડામાં રહે છે. આકસ્મિક રીતે ઘોડી સાપથી ગર્ભ વાળી થઇ તેથી એક પુત્ર અવતર્યો તે ”એકવીર” જેણે ”અહિ” અને ”હય” એ બે નામવાળુ ”અહિહય” (હૈહય) ગોત્ર સ્થાપ્યું. બાળકનો ઉછેર કલિંગ દેશમાં ગૌતમ મુનિ પાસે થાય છે. ગૌતમ આ બાળકને દત્તક વિધિથી વારાણસીના રાજા પુરૃરવાને સોંપે છે. એકવીર મહેન્દ્ર નામના રાક્ષસનો સંહાર કરે છે. અને ઈન્દ્રની જયન્તી વગેરે આઠ કન્યાઓને પરણે છે. જયન્તીનો પુત્ર તે કૃતવીર્ય. આ કૃતવીર્ય વરુણની પુત્રી હીરાવલીને પરણે છે. તેનો પુત્ર કાર્તવીર્ય થાય છે. તેના લગ્ન ઈન્દ્રદમન રાજાની કન્યા રાકાવતી સાથે થાય છે. કોઇ કારણસર ઉદ્દાલક ઋષિ રાકાવતીને શાપ આપે છે કે તેનો પુત્ર જન્મશે તે ઠુંઠો હશે. આ પુત્ર પૂર્વ જન્મમાં મધુ નામનો રાક્ષસ હતો. જેના હાથ વિષ્ણુએ કાપ્યા હતા અને પછીના ભવમાં ૧૦૦૦ હાથ થશે તેવું વરદાન આપેલું. આ પુત્ર વાને ગોરો હોઇ તેનું ”અર્જુન” નામ પાડેલું જેને દત્તાત્રેયના આશિષથી ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયેલા. કુલ ૩૦ અધ્યાયમાં ૨૩૯૮ શ્લોક છે.

ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંસારાઓ માટે જુદા જુદા નામો પ્રચલિત થયા છે ઃ-
(૧) ગુજરાત… કંસારા
(૨) મારવાડ, ઉ.પ્રદેશ… કસેરા, ઠઠેરા (ઘડવાના ઠકઠક અવાજથી)
(૩) બંગાળ… કંસારી
(૪) મધ્યપ્રદેશ- વિદર્ભ… કાંસાર
(૫) મહારાષ્ટ્ર… તાંબટ
(૬) મૈસુર… કંચુગર, ગજ્જેગર, બોગાર, ભરાવા
(૭) તામીલનાડુ… કમ્માલર
(૮) આંધ્ર… કંસાલ, પાંચાલ

બનારસી કંસારાઓમાં પુરબિયા, પછવાન, ગોરખપુરી, ટાંક, તાંચરા (ઠઠેરા), ભરિઆ, અને ગોલર એમ સાત પેટા વિભાગ છે.

બંગાળી કંસારાઓમાં સપ્તગ્રામી અને મોમદાબાદી એવા બે મુખ્ય વિભાગો છે. જેમાં દાસ, પ્રામાણિક અને  પાલ એવી અટકો છે.

દક્ષિણ ભારતમાં પાંચાલ એટલે પાંચ વર્ગ જેમ કે અગસાલ (સોની), બોગાર કે કંચુગાર, કમ્માર કે લોહાર, બદગી (સુથાર) અને કલ્લુકુતક (સલાટ) એવા પાંચ વિભાગો છે જેના કુલ ૧૬ પેટા વિભાગોની વિગતો જાણવા મળે છે. ગજ્જેગર  કંસારાઓ નૃત્યાંગનાઓના ઝાંઝરની ઘુઘરી ઘડે છે.

નાસિકના કંસારાઓ મૂળ ચાંપાનેર- ગુજરાતમાંથી ત્યાં ગયા છે. તેઓ તાંબટ કહેવાય છે. મહમદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં પાવાગઢ- ચાંપાનેર પર જય મેળવતા તેનું પતન થયું અને લગભગ ઈ.સ. ૧૫૧૦ આસપાસ કંસારાઓ ત્યાંથી નીકળી ખાનદેશના નિઝર ગામે વસ્યા તેથી નિઝરીઆ કહેવાયા. ત્યાંથી એક સમુદાય ઓઝર ગામે ગયું તે ઓઝરીયા  કહેવાયા.

આ ઉપરાંત પુસ્તકમાં ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત વિ. વિભાગના જુદા જુદા ગોળ, જ્ઞાતિ, રીવાજો વગેરેની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ કરાવાઇ છે.

સાંપ્રત સમયમાં કંસારા સમાજની વ્યવસાયિક તેમજ આર્થિક પરિસ્થિતિ.

કંસારા સમાજનો પરંપરાગત વ્યવસાય તો તાંબા- પિત્તળના વાસણોને ઘડવા, રીપેર કરવા તથા વેંચાણ કરવાનો છે, પરંતુ સાંપ્રત કાળમાં આ વ્યવસાયને જાળવી રાખવો કઠીન બન્યો છે. અને તેને કારણે સમગ્ર સમાજના લોકોનું અર્થતંત્ર ડામાડોળ બન્યું છે જેનું મુખ્ય કારણ છે સ્ટીલના વાસણો. જ્યારથી સ્ટીલના વાણસોનો વપરાશ વધ્યો છે ત્યારથી તાંબા પિત્તળના વાસણો નામશેષ બન્યા છે. સ્ટીલના વાસણોના ભંગારની ઉપજ નહિવત હોય છે. તાંબા પિત્તળના જુના વાસણોનો ભંગાર ખરીદી તેમજ સામે નવા માલ વેંચાણ બન્નેમાંથી વેપારીઓને મળતર રહેતું. અગાઉ જે દિપાવલી જેવા તહેવારોએ કે પુષ્યનક્ષત્ર જેવા શુભ ચોઘડિયામાં વાસણોની ખરીદી થતી તેને સ્થાને ઈલેકટ્રોનીક આઈટમો જેવી અન્ય વસ્તુ ખરીદાય છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં રીપેરના કારીગરની દુકાને રોજના ૧૫-૨૦ તપેલા બેડા જેવા વાસણો રીપેરમાં આવતા- આવા સીનીયર સીટીઝન કારીગરોને વ્યવસાય બદલી કરી ન્યુઝ પેપર ડીલીવરી જેવા સાધારણ કામથી આજીવિકા ચલાવવી પડે છે. બીજી તરફ લગ્ન જેવા પ્રસંગોએ વાસણો ભેટ દેવાની પ્રથા હતી તેને સ્થાને લગ્નપત્રિકામાં ”વાસણ પ્રથા બંધ છે” આવા વાક્યો વાંચવા મળે છે.

કારખાનાઓમાં સ્ટીલના વાસણો બને છે તે ઉદ્યમમાં કંસારા સિવાયની ઈત્તર જ્ઞાતિઓ ઉદ્યોગ કરતી થઇ છે. આમ કંસારા ઉદ્યોગ ભાંગતો જતો હોવાથી આ સમાજના યુવાનો અભ્યાસેત્તર- ઉચ્ચ શિક્ષણ મેળવી ઈજનેરો, ડોકટરો, સરકારી કે બેંકમાં સર્વિસ જેવા ઈત્તર વ્યવસાયમાં પ્રવૃત્ત થવાથી કાંસ્યકલા ભુલાતી જાય છે.

– ગુણવંત છો. શાહ

error: Content is protected !!