ગેડીદડાની રમતનો રસપ્રદ ઈતિહાસ

માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. ‘ભગવદ્‌ ગોમંડલ’ અનુસાર સંસ્કૃત શબ્દ કંદુક એટલે વનસ્પતિ, સોપારી, વર્ણમેળ છંદ, ઓશીકું ઈત્યાદિ પણ અહીં કંદુકનો અર્થ રમવાનો દડો (લાકડી-ગેડી) એવો થાય છે. આમ કંદુક કહેતાં દડો અને કંદુકક્રીડા-કંદુકલીલા કહેતાં દડો ફેંકવાની પ્રાચીન રમત. એને માટે બીજો એક શબ્દ વૈષ્ણવોમાં પ્રચિલત છે ‘કંદુકતીર્થ’. વ્રજનું એક તીર્થ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ ગેડીદડો રમ્યા હોવાનું મનાય છે. આ કંદુકક્રીડાની પ્રાચીન પરંપરાનું પગેરું ક્યાં સુધી પહોંચે છે તે જાણવું રસપ્રદ થઈ પડે તેવું છે.

સંસ્કૃતિની વિકાસકેડીએ ચડેલો માનવી જીવનમાં સતત ‘ગતિ’ ઝંખે છે, આ ગતિ-દોડ એ જીવનવિકાસનું એક મહત્તવનું પગથિયું છે. આથી માનવી ગતિશીલ પદાર્થો પ્રતિ વધુ આકર્ષાય છે. ઈતિહાસ પણ એ વાતની ગવાહી આપે છે કે ખસેડી શકાય તેવા પદાર્થને ફટકો મારવો એ માનવીનો જન્મજાત સ્વભાવ છે. એ પ્રકૃતિગત સ્વભાવમાંથી જ દડો અને ગેડીદડાની રમતનો આવિષ્કાર થયો હોવાનું માનવામાં આવે છે. ગતિ પ્રત્યેના અનેરા આકર્ષણમાંથી ઉદ્‌ભવેલી લોકપ્રિય રમતોમાં કંદક દડાએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દડાની સાથે રમાતી જાતજાતની અને ભાતભાતની લોકરમતો સમાજમાં પ્રચલિત બની. ગામના પાદરે ખળાના ચોગાનમાં રમાતી આ રમત ‘ચૌગણ’ના નામે ઓળખાતી. આપણે આ રમત વીસરી ગયા છીએ પણ દુનિયામાં હોકીના નામથી જે રમત રમાય છે તે આ જ રમત છે. એક સમયે રામ અને શ્રીકૃષ્ણ આ રમત રમેલા છે. ગેડીમાંથી ‘પોલો’ની રમત રમવાની લાકડી ઉપજાવી અને ઘોડેસ્વારી કરી રમત રમ્યા. મુગલ જમાનામાં આ રમત વધારે રમાતી, પછી અંગ્રેજોએ પણ એને અપનાવી. હોકી અને પોલોની જેમ ગોલ્ફની રમત પણ એમાંથી જ નીપજી છે, આ ત્રણે એકજ માની દીકરીઓ છે. આ રમત રાજસ્થાન તથા પંજાબમાં સ્ત્રીઓ પણ રમતી અને રાતે ચાંદનીમાં રમી શકાતી તે માટે દડાને ચમકતો બનાવતા તથા ઘોડાના પગને અને ગેડીના છેડાને પણ ચમકતો રાખતા. આ ગેડીદડાની રમતે યુવાનો અને પ્રૌઢોને આકર્ષ્યા તો દડાની રમતોએ કન્યાઓ અને નારીઓને આકર્ષી.

છોકરીઓની પ્રાચીનકાળની રમતોમાં દડા કોઈવાર ફૂલથી ગુંથવામાં આવતા તો કોઈવાર ઊનમાંથી બનાવવામાં આવતા. કોઈવાર એની સાથે દોરી બંધાતી. મહાકવિ કાલિદાસની કૃતિઓમાં રાણીવાસના બગીચાઓમાં સ્ત્રીઓ દ્રારા રમાતી છડી અને દડાની રમતના મનોહર વર્ણનો મળે છે. એકલા દડાની કંદુકલીલાનાં રસિક વર્ણનો અને ચિત્રો ભારતીય ચિત્રકળામાંથી ભરપેટ સાંપડે છે.

‘દશકુમારચરિત’ નામના પ્રાચીન ગ્રંથમાં કંદુકક્રીડાની વાત નોંધાઈ છે. એમાંથી કંદુકક્રીડાનું વિશદ વર્ણન પણ સાંપડે છે. એ મુજબ સુહમ દેશના રાજા તુંગધન્વાને કશું સંતાન નહોતું, એથી ઉદાસ બનીને એણે આનંદ ઉત્સવ, રંગરાગ સઘળું છોડી દીધું. વિંધ્યાચલ પર્વતની તળેટીમાં જઈને આનંદ ઓચ્છળ ઉજવતો તે પણ બંધ કરી દીધો. તે આખો વખત વિંધ્યવાસિની દેવીના મંદિરમાં રહીને સંતાન માટે ભક્તિ કરવા લાગ્યો.

એ વખતે આ દેવીએ એને સ્વપ્નમાં આવીને કહ્યું કે ‘હે રાજા ! તને એક પુત્ર અને એક પુત્રી થશે. તારી એ કન્યા જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી દર મહિને કૃતિકા નક્ષત્રમાં મારા મંદિરે આવવાનું અને મારી સન્મુખ કંદુકનૃત્ય કરવાનું. આમ આ નૃત્ય દ્વારા મારી પૂજા નિયમિત કરતી રહેશે તો એ કન્યાને યોગ્ય વર મળશે. આ પ્રસંગે વર્ષમાં એકવાર સમગ્ર રાજ્યભરમાં ઉત્સવ મનાવવો અને તેને ‘કંદુકોત્સવ’ નામ આપવું.’

વિંધ્યવાસિની દેવીના વરદાન પછી રાજાની પટરાણી મેદિનીની કુખે એક કુંવર અને એક કુંવરી અવતર્યા. એ કુંવરીનું નામ ‘કંદુકાવતી’ પાડવામાં આવ્યું. એ કંદુકાવતી દર મહિને આ દેવીના મંદિરમાં કંદુક દડાની રમત રમીને પછી કંદુકનૃત્ય કરતી. આ પ્રસંગે હીરા માણેક અને કિમતી રત્નો ડેલાં ઝાંઝર રૂમઝૂમ ઝમકાવતી કંદુકાવતી કિમતી પથ્થરો અને નંગ જડેલા ચબૂતરા કે વેદી ઉપર ઉભી રહેતી. ખૂલ્લા મેદાનમાં થતું રાજકુમારીનું આ નૃત્ય પ્રજાજનો ઉઘાડેછોગ નિહાળી શકતા.

દશકુમારચરિતના વર્ણન મુજબ કંદુકાવતીએ ભક્તિભાવતી ઝૂકીને દેવીને પ્રણામ કર્યા. એ પછી રાજકુમારીએ એક કંદૂક દડો પોતાના હાથમાં લીધો. આ દડો પણ કેટલો સુંદર ! ઉડીને આંખે વળગે તેવા રંગોની નયનરમ્ય ભાતોથી ચીતરેલો હતો. આ દડા સાથે કુમારીએ પોતાની રમત શરૂ કરી. દડો વારેવારે જમીન પર પછડાઈને પાછો કુંવરીના હાથમાં આવી જતો. આ દ્રશ્ય મનોહર હતું. અદ્‌ભૂત હતું. દડાને ઉછાળવાની અને પોતાના હાથમાં ધારણ કરવાની ક્રિયામાં કુંવરીની ચંચળ આંખો અને હાથ ખૂબજ ચપળતાથી કાર્ય કરતા. જાણે હવામાં ઉડતો દડો રંગબેરંગી ફૂલોનો એક ગુચ્છ છે. તેની પાછળ બરાબર ફરતી કુંવરીની ચંચળ આંખો તેની પાછળ પડેલા ભમરાઓ છે. કેટલીકવાર તો રાજકુમારી અદ્ધર ને અદ્ધર દડાને ઝીલી લેતી. આ દડાને જુદીજુદી રીતે કળામયરીતે ઉછાળતી ને ઝીલી લેતી. કોઈવાર જમણા હાથે ઉછાળી ડાબા હાથે ઝીલતી તો કોઈવાર ડાબા હાથે ઉછાળી જમણા હાથમાં ઝીલતી. વચ્ચે વચ્ચે કંદૂકને ગોળાકાર ફેરવી હવામાં અદ્ધર ઉડાડીને પુનઃ ઝીલી લેતી.

રાજકુંવરીની આ કંદુકક્રીડા જોનાર સૌના મનને હરી લેતી. એની આ રમતને સૌ એકીટસે જોઈ રહેતા. આશ્ચર્યમુગ્ધ બનીને વાહવાહના પોકારો કરતા. રાજકુંવરી ખૂબજ વિનમ્રભાવે એનો સ્વીકાર કરતી. ખરેખર તો રાજકુમારી કંદુકાવતીની આ કંદુકક્રીડા માત્ર દડાની રમત જ નહીં પણ અંગકસરતની કળાનું એક મનોહર પ્રદર્શન પણ હતું. આ કલાને બતાવનારી અત્યંત સપ્રમાણ અંગ ઉપાંગો વાળી રૂપવંતી રાજકુમારી કળાને અનુરૂપ વસ્ત્રાલંકારો ધારણ કરીને દડાના ખેલને અનેરી સુંદરતા અર્પતી હતી.

‘પ્રાચીન ભારતીય મનોરંજન’માં શ્રી મન્મથરાય નોંધે છે કે એ દિવસોમાં છોકરાઓ અને છોકરીઓ સૌ કોઈ દડે રમતા. ‘સૂત્રકૃતાંગ’માં કપડાનો બનેલ ગોલક અર્થાત્‌ દડાનો ઉલ્લેખ મળે છે. એક જગ્યાએ નોંધાયું છે કે દ્વારકાવાસી સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા એક દિવસ પ્રાતઃકાળમાં સોનેરી દડો લઈને રમતી હતી. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને એમના ભાઈ ગજસુકોમલ હાથી પર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણએ રૂપવતી સોમાને જોઈને તત્કાળ ભાઈનો વિવાહ એની સાથે કરવાનો સંકલ્પ કર્યો પણ ગજસુકોમલની પ્રવજ્યાને કારણે એ લગ્ન ન થઈ શક્યા.

‘વિપાકસૂત્ર’ની નોંધ મુજબ એક ધનિક સ્વાર્થવાહની પુત્રી દેવદત્તા પોતાના ઘેર અગાશી ઉપર દડા વડે રમતી હતી. ‘નાયાધમ્મ કહાઓ’ અનુસાર તેતલીપુરના રાજા કનકરથના અમાત્ય તેતલીપુત્રે જ્યારે પહેલવહેલા કાલાદ નામના સોનીની પુત્રી પોટ્ટિલાને જોઈ ત્યારે તે ઘરની છત અગાશી પર દાસીઓ સાથે દડે રમી રહી હતી. તેતલીપુત્ર એનું અંગસૌષ્ઠવ અને સૌંદર્ય જોઈને એના પર વારી ગયો અને છેવટે આ દડે રમનારી દીકરી સાથે એણે લગ્ન કરી લીધું.

આજથી પચાસ સો વર્ષ પૂર્વે ગામડાગામના લોકજીવનમાં બાળકો અને જુવાનડાઓ ગામના પાદરે જઈને ગેડીદડે રમતા. દડાનો ઉપયોગ સર્વત્ર થતો. સરખેસરખા ગોઠિયા કે ભેરુબંધ દડા વડે ભાતભાતની રમતો રમતા. બાળકોને રમવા માટે નગરમાં ખાસ મેદાનો રાખવામાં આવતા. જુદી જુદી બે ટુકડીમાં વહેંચાઈને બાળકો રસપૂર્વક આ રમત રમતા. ક્યારેક નગર બહાર જંગલોમાં જઈને પણ આ રમત રમવામાં આવતી.

મહાભારતના યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ગેડીદડે રમતા એનું સરસ વર્ણન આપણાં લોકગીતો આપે છે.

કાન સોના દડૂલિયો રૂપલાની ગેડી

કાન અમારી શેરીએ રમવા આવજો મા.

મારો પરણ્યો ધૂતારોરે મેણલા બોલે છે.

અમે નાના વવારુ રે લાજી મરીએ રે.

ગેડીદડે રમતા શ્રીકૃષ્ણએ કાળીનાગ નાથ્યાની વાત પણ લોકગીત કહે છે.

મોગલ સમ્રાટ અકબરને ગેડીદડે રમવાનો ખૂબ શોખ હતો. અબૂલ ફજલ લખે છે કે બાદશાહ પાસા નાખીને જોડી નક્કી કરતો. આ રમતમાં એકી સાથે દસેક જણ જોડાતા. રમનાર એક જોડી આરામ લેવા જાય ત્યારે મેદાનમાં ઉભેલી બીજી જોડી રમવા માટે આવી જતી. આખો દિવસ આ રમત ચાલતી. ઘણીવાર મોડી રાત સુધી આ રમત ચાલુ રહેતી. એ વખતે અંધારાને લીધે દડો દેખાતો નહીં. પરિણામે રમત બંધ કરવી પડતી. રમતશોખીન અકબર બાદશાહે હીજરી સંવત ૯૭૩માં, ‘ગોયેઆતશી’ અર્થાત્‌ આગનો દડો શોધી કાઢ્‌યો હતો. લાકડામાંથી બનાવાયેલા આ દડા પર કેટલાક રસાયણો કે ફોસ્ફરસ લગાડવામાં આવતા. એ પછી પલાસના લાકડાના આ દડાને સળગાવીને રમત રમાતી. ગમે તેટલી લાકડીઓ વાગે તોયે દડાની આગ ઓલવાતી નહીં. પાછળથી ઘોડા ઉપર રમાતી આ રમત ‘પોલો’ને નામે પ્રખ્યાત થઈ. અંધારી રાતે સળગાવેલા દડાથી રમત રમવાનું ભારત સિવાય કોઈ દેશમાં જોવા મળતું નથી.

હોળી પ્રસંગે ગામડાઓમાં હજુયે ક્યાંક ક્યાંક ગેડીદડે રમાય છે. એ વખતે ગામના છોકરાઓ કપડામાંથી ફૂટબોલ જેવો ‘ધમણ’ દડો બનાવીને ધમણદાવ રમે છે. દડાની આવી રમત સાબરકાંઠા આદિવાસીઓમાં પણ જાણીતી છે. પોષ મહિનાનો નવો ચાંદ દેખાય ને પહેલો શુક્રવાર આવે ત્યારે તેઓ ઉતરાયણની ઉજવણીરૂપે દેવચકલી પકડીને વરસાદના વરતારા જુએ છે. પછી બપોરની વેળાએ ચામડાના ‘દોઠ’ની રમત રમે છે. ચમારને ત્યાંથી ચામડાનો દોઠ લાવી તેમાં ગાભા ને ઘાસ ભરવામાં આવે છે. તેને ચોતરફથી સીવી લઈને ગોળ દડો બનાવવામાં આવે છે. પછી નાના મોટા ને ઘરડા બુઢ્ઢા સૌ હાથમાં લાકડીઓ લઈને મેદાનમાં આવે છે. ધોતિયાનો કાછડો મારીને રીડિયારમણ કરતા દડે રમે છે. સાંજના સમૂહજમણ પછી દડો પૂર્વ દિશામાં ફેંકીને સૌ બોલે છે.

હોળી હોળી માતા પાદરી

બીજે વરહ પાછી આવજે

આપણી લોકવાણીમાં પણ ‘ગેડીદડા’ની વાત આવે છે. ઉતરતો ઉનાળો ને બેહતું ચોમાહું હોય. આકાશમાં ઘટાટોપ વાદળ વેરાઈ આવેને મે હરુડવા માંડે ત્યારે મુગ્ધ બાળક માતાને પૂછે છે ઃ ‘આ શું થાય છે ?’ ત્યારે માતા એના કૂતુહલને સંતોષવા માટે કહે છે કે ‘તમે રમો છો એમ ભગવાન વાદળમાં ગેડીદડે રમે છે’ આવી અદ્‌ભૂત કલ્પના તમને ગુજરાતની લોકવાણી સિવાય ભાગ્યે જ બીજે ક્યાંયથી મળશે ઃ લોકજીભે રમતા ઉખાણામાં કોયડો નંખાય છે ઃ

એક દિન કોઈનાર ક્રોધથી નરને મારે,

દેખે સઘળા લોકો થોક પણ કોઈ ન વારે.

અર્થાત્‌ ગેડીદડાની રમત

આવો રસપ્રદ અને રંગીન ઈતિહાસ છે આપણી ગેડીદડાની રમતનો.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!