પ્રાચીન ભારતવર્ષમાં સંસ્કૃતિ, કલા, વિદ્યા અને સાહિત્યનો સુવર્ણકાળ હતો. કેટકેટલાં જીવનઉપયોગી વ્યવહારજ્ઞાન આપનારા, સામાજિક સુરક્ષા માટેના હેતુલક્ષી ગ્રંથો આપણા ઋષિમુનિઓએ સંપડાવ્યા છે ! અંગ્રેજોના સમયમાં દાખલ કરાયેલી વર્તમાન શિક્ષણ પધ્ધતિએ આપણા ભારતીય ગ્રંથોનો જાણે કે ભૂંહડિયો વાળી દીધો છે. આજે એવા કેટલાક ગ્રંથો અને એના રચયિતાઓનું સ્મરણ કરી એમને વંદન કરવા છે અને ૧૨૦ વર્ષ પૂર્વે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કરેલ નારાયણ હેમચંદ્ર લિખિત ‘પ્રાચીન ભારત ખંડનો મહિમા’માં વાસ્તુ અને શિલ્પશાસ્ત્રમાં આપેલા પ્રાચીન ભારત ખંડના ગઢ-કિલ્લાઓ અને શાસ્ત્રોની વાત કરવી છે. આવા ગઢ-કિલ્લાઓ આપણે સર્જી તો નથી શકતા પણ વિકાસના નામે કેટલા ગઢ-કિલ્લાઓના નામોનિશાન રહેવા દીધા નથી. પ્રાચીન વિરાસતને જાળવવાની અને એના માટે જાગૃતિ લાવવાની જરૂર છે. આજે રાજસ્થાન તરફ નજર કરો. ચિત્તોડ, જેસલમેર, જોધપુર વગેરે નગરોના કિલ્લાઓ સુપેરે જળવાય છે. એને જોઈને પ્રવાસીઓ અને વિદેશીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. જૂના કાળે આવા કિલ્લાઓ બાંધવા માટેનાં શાસ્ત્રો અને સ્થપતિઓ આપણે ત્યાં હતાં. આજે એની વાત માંડવી છે.
આઝાદી આવ્યા પહેલાં ભારતમાં ૫૫૦ ઉપરાંત રજવાડાઓ હતાં. એ કાળે યુધ્ધો થતાં લશ્કરી ચડાઈઓ થતી. એનાથી બચવા માટે રજવાડાંઓ પોતાના નગરમાં મજબૂત ગઢ-કિલ્લા ઊભા કરતા. આ કિલ્લાઓ રાજાઓની મોટી સંપત્તિ ગણાતી. શાસ્ત્રકારોએ રાજાની છ સંપત્તિમાં કિલ્લાને એક સંપત્તિ અર્થાત્ ધન ગણ્યું છે. મનુ, યાજ્ઞવલ્કય, કામંધક, ભોજ વગેરે રાજનીતિના ઉપદેશ આપનારાઓએ કિલ્લાની સંપત્તિઓનું વર્ણન કરી તેને બનાવવાની રીતિ અને પ્રકારભેદનું વર્ણન કરેલું છે. ‘વિશ્વકર્મા સંહિતા’, અને ‘રાજવલ્લભ’ વેદાર્થ ચિંતામણિ વગેરે વાસ્તુશાસ્ત્ર એટલે શિલ્પશાસ્ત્રમાં એની રચના તથા જગ્યાની પરીક્ષા લખેલી છે. રાજ્ય, રાજધાની અને કિલ્લા બનાવવા માટે ‘કામન્ધ નીતિશાસ્ત્ર’ના આધારે જગ્યાની પરીક્ષા કરવામાં આવતી. તેના મૂળ શ્લોકો સંસ્કૃત ભાષામાં છે. અહીં એનો સારાંશ રજૂ કરું છું.
સ્થાનના ગુણથી રાજનું ધન વધે છે. રાજની સંપત્તિ વધવાથી રાજાની ચડતી થાય છે, માટે રાજાએ ગઢ- કિલ્લા બનાવવા માટે ગુણવાળી જમીન પસંદ કરવી જોઈએ. ગુણવાળી જમીન કોને કહેવાય ? જે જગા ફળદ્રુપ હોય, સારો પાક થતો હોય. જે જગામાં ખાણો હોય, જે જગા અત્યંત પવિત્ર હોય, પુણ્યભૂમિ હોય, જ્યાં વાપરવાની વસ્તુ સહેલાઈથી મળતી હોય, જ્યાં ગાય, અશ્વો વગેરે પશુઓને માટે રાખવા લાયક જગા હોય, જ્યાં પાણીનો વિપુલ સ્ત્રોત હોય, જેની ચારે બાજુ સારાં સારાં નગરો આવેલાં હોય, જે જગા સુંદર અને રમણીય હોય, આજુબાજુમાં વનસમૃધ્ધિ હોય, જ્યાં હાથી વિહરતા હોય, જ્યાં જળમાર્ગ અને ખુશકીનો માર્ગ હોય. જ્યાં ખેતીવાડીના પાક માટે માત્ર વરસાદ ઉપર આધાર રાખવો પડતો ન હોય એવી જગા રાજા માટે ઉત્તમ ગણવી.
જે જગ્યા કાંકરાવાળી અને પથરાળ હોય, આજુબાજુમાં ચોતરફ જંગલથી ઘેરાયેલી હોય, જ્યાં ધરતી રસાળ ન હોય. જેમાં પાણી સિંચવા છતાં સારો પાક ન થાય. જ્યાં કાંટાનું જંગલ હોય. જયાં ઝેરી નાગ જન્મતા હોય તે જગા રહેવા તથા કિલ્લા બાંધવાને લાયક નથી. કામન્ધકે એક ઠેકાણે લખ્યું છે કે ઃ
જે દેશમાં સુરણ, બટાકા, સક્કરિયા જેવા કંદમૂળ અને ફળફળાદિ ઘણાં થતાં હોય, જે દેશમાં અનૂપ અર્થાત્ પુષ્કળ પાણી હોય, જે દેશમાં પહાડી પ્રદેશ હોય, જ્યાં દાસદાસીઓ, કારીગરો અને વેપારીઓ વધુ પ્રમાણમાં રહેતા હોય. જે દેશના ખેડૂતો સખ્ત મહેનત કરનારા અને ઉદ્યમી હોય. જે દેશના માણસો પ્રભુની ભક્તિ કરવાવાળા, માયાળું, શત્રુના દ્વેષી હોય. જે દેશની પ્રજા રાજ્યનો કર ભરવામાં કષ્ટ ન સમજે, જે દેશની પ્રજા બળવાન હોય, જે દેશમાં જુદાં જુદાં દેશના માણસો અવરજવર કરતા હોય, જે દેશની પ્રજા ધર્મમાં માનનારી, પશુઓનું પાલનપોષણ કરનારી અને ધનવાન હોય એવી જગા પર રાજાએ મજબૂત કિલ્લો ઊભો કરી દેશની રક્ષા કરવી, એવા દેશમાં રાજાની સર્વ અભિલાષા પૂર્ણ થાય છે.
રાજનગર અને કિલ્લાના રહેઠાણ વિશે કામન્ધક આ પ્રમાણે કહે છે ઃ કિલ્લા ફરતી ચોતરફ ઊંચા કોટથી ઘેરાયેલી ખાઈ અને પહોળા દરવાજાવાળા શહેરમાં રાજાએ રહેવું. કિલ્લાની પાસે કોઈ પર્વત, નદી, વન કે મરૂભૂમિ હોય તો ઘણું જ સારું. સુંદર, પશુ પાળવા લાયક, ખાવાની વિવિધ વસ્તુ ઉત્પન્ન થાય એવી જમીન અને પહાડવાળા દેશમાં રાજાએ રહેવું અને તેવી જગા પર સ્વજનો, ધનનો ભંડાર અને પોતાની રક્ષા માટે કિલ્લો બાંધવો.
મહર્ષિ મનુ આવા ગઢ-કિલ્લામાં રહેવાના લાભનું વર્ણન નીચે મુજબ આપે છે ઃ એક યોધ્ધો કિલ્લામાં રહીને સો યોધ્ધાની સાથે લડાઈ કરવામાં સમર્થ થાય છે. અહીં રહેલા સો યોધ્ધા દસ હજાર યોધ્ધાને હરાવી શકે છે એટલા માટે રાજાએ રાજ્યના રક્ષણ માટે કિલ્લો બાંધવો. કિલ્લાની સંખ્યા, ભેદ અને જાતો માટે મનુ લખે છે કે કિલ્લાની સાત જાતો છે. કામન્ધકના મત મુજબ નવ જાતના કિલ્લા સર્વથી ચડિયાતા છે. કિલ્લાઓના નામ ઉપર નજર કરીએ તો ખ્યાત, કાંટા અને પથ્થરોથી કરેલા કિલ્લાને ‘ઐહિણ’ કિલ્લો કહે છે. જેની ચારે બાજુએ મોટી ખાઈ હોય એ કિલ્લાને ‘પારિખ’ કિલ્લો કહે છે. તે ઈંટ, પથ્થર અને માટીથી ચણેલો હોય છે. જેની ચારેબાજુ કાંટાદાર વૃક્ષો અને જંગલ હોય તેને ‘વનકિલ્લો’ કહે છે. કિલ્લાની ચારે બાજુ છેટે સુધી પાણી સિવાય જે જગા હોય તેને ‘ધન્યકી કિલ્લો’ કહે છે. જેની ચોતરફ મોટી નદી, સમુદ્ર કે ઘણું પાણી હોય તેને ‘પાણીનો કિલ્લો’ કહે છે. આ સર્વ કિલ્લામાં પહાડી કિલ્લો સર્વશ્રેષ્ઠ ગણાય છે. (જોધપુર અને જેસલમેરમાં આવા કિલ્લાઓ આજે જોવા મળે છે.) જે કિલ્લાની આસપાસ મરૂભૂમિ- પાણી વગરની બંજર ભૂમિ હોય તેવા કિલ્લાને ‘ધાવકિલ્લો’ કહે છે. ઝાડથી ઘેરાયેલા કિલ્લાને ‘વાક્ષર્કી’ કે ‘નૃ’કિલ્લો કહે છે.
કામન્ધકે ‘ઐરિણ’ નામના એક જાતના કિલ્લાનું વર્ણન કર્યું છે. ઐરિણ એટલે મરૂભૂમિનો કિલ્લો. મહાભારતમાં છ પ્રકારના કિલ્લાઓનું વર્ણન મળે છે. તેમાં ‘મહીંકિલ્લો’ અને ‘મૃ’ કિલ્લા એ બે જુદાપણું દર્શાવે છે ઃ
ધન્વદૂર્ગમ્ ગિરિદૂર્ગમ્ તથૈવ ચ ।
મનુષ્ય દુર્ગમ્, બંધુ દુર્ગમ્ ચતાનિષટ્ ।।
આ શ્લોકમાં ‘મહી’ કિલ્લો અને ‘મૃ’ કિલ્લો બે જુદા શબ્દોથી વર્ણન આપ્યું છે. કુદરતી માટીની બનાવેલી જગા તેને ‘મહી’ કિલ્લો કહે છે. જ્યારે ઇંટ, માટી અને પથ્થરથી બનાવેલા કિલ્લાને ‘પારિખ’ કિલ્લો કહે છે. આમ નવ જાતના કિલ્લા કહેવાય છે. આ નવ જાતના કિલ્લામાં માટીના કિલ્લા ત્રણ જાતના-ઢગલાબંધ માટીથી ઘેરાયેલા, પથ્થરની ભીંતના અને ઈંટની ભીંતના. ‘નૃ’ કિલ્લો એટલે માણસના કિલ્લા બે જાતના છે. ‘બંધુ કિલ્લો’ અને ‘બીજા માણસોનો કિલ્લો.’ ‘નીતિ મયૂખ’માં મનુષ્ય કિલ્લાનાં આવા લક્ષણો વર્ણવ્યાં છે.
ભાઈ વગેરે વીર અને પાસેના સગાવહાલાઓથી ઘેરાયેલા રાજપુરુષોના કિલ્લાને ‘બંધુ કિલ્લો’ કહે છે. બંધુ-બાંધવ ન હોય તો વીર પુરુષોથી ઘેરાયેલી રાજધાનીનું નામ ‘બંધુકિલ્લો’ છે. રાજપુરુષોથી ઘેરાયેલી રાજપુરીને સામાન્ય રીતે ‘મનુષ્ય કિલ્લો’ પણ કહે છે. જે ઠેકાણે બંધુ કિલ્લાની વ્યવસ્થા થઈ શકે ત્યાં બીજા માણસોનો કિલ્લો ન કરવો જોઈએ એમ કહેવાયું છે. શુક્રાચાર્ય રચિત ‘નીતિસાર’ ગ્રંથમાં તો વળી ઉપર જણાવ્યા કરતાં કિલ્લાનાં જુદા જ નામ અને લક્ષણો જણાવ્યાં છે. તેઓ કહે છે ખાઈના કિલ્લા કરતાં ‘ઐહિણ’ કિલ્લો સારો છે. તેના કરતાં ‘પારિઘ’ કિલ્લો ઉત્તમ છે. ‘પારિઘ’ના કરતાં વન એટલે વૃક્ષાદિત કિલ્લો સારો છે. ઝાડના કિલ્લાથી ‘ધન્વકિલ્લો’ અને ધન્વ કિલ્લા કરતાં પાણીનો કિલ્લો ઉત્કૃષ્ટ છે. પાણીના કિલ્લા કરતાં પહાડી કિલ્લો સારો જાણવામાં આવે છે. એ કિલ્લાથી સૈન્યનો કિલ્લો શ્રેષ્ઠ છે. બીજા સર્વ કિલ્લાઓ સૈન્ય કિલ્લાથી સાધવામાં આવે છે. એ કારણથી રાજાએ પ્રયત્નપૂર્વક સૈન્ય કિલ્લાનું સદૈવ રક્ષણ કરવું જોઈએ. જો રાજાનો સૈન્ય કિલ્લો સારો હોય તો સમગ્ર પૃથ્વી વશીભૂત થાય છે. સૈન્ય કિલ્લા ન હોય તો બીજા તમામ કિલ્લાઓ બંધનરૂપ બને છે. બીજા સર્વ કિલ્લા માત્ર આપતની વેળાએ જ કામમાં આવે છે. એને પણ સારા કહેવામાં આવ્યા છે.
કિલ્લામાં રાખવાની સામગ્રીની વાત કરતાં ‘મનુ’ લખે છે ઃ રાજાએ કિલ્લાને હથિયારોથી સુસજ્જ રાખવા જોઈએ. ધન-ધાન્ય જેવી ખાવાપીવાની ચીજ-જણસો અને હાથી, ઘોડા, ઊંટ, રથ ઈત્યાદિ વાહન અને પશુઓને પણ રાખવા જોઈએ. બ્રાહ્મણો, નજૂમીઓ, શાસ્ત્રવેત્તાઓ, કારીગરો, વિવિધ યંત્રો, યવલ અર્થાત્ જાનવરોને ખાવાની વસ્તુઓ, પાણી, જળભંડારો, લાકડાં વગેરે વર્ષો લગી ચાલે એટલા ભરી રાખવા જોઈએ. મહાભારત પણ આવો જ કંઇક ઉપદેશ આપે છે ઃ શૂર અર્થાત્ વીર પુરુષ, નિષ્ણાત વૈદ્યપુરુષો, આજ્ઞાકારી-વશીભૂત અધિકારીઓ અને લશ્કરથી પરિપૂર્ણ ગઢકિલ્લા રાખવા જેથી રાજ્યનું સુપેરે રક્ષણ થઇ શકે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ