લોકવાદ્ય ઢોલ નો ઇતિહાસ

સોનાનું ઝાંઝર સાયબે ઘડાવ્યું.
ઝાંઝરમાં ઝણ્ય વાગે હો રાજ.
મેલો તો રમવા જાયેં મારા વાલમા
મારવાડી ઢોલ મારું ઝાંઝર રમે.

ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં ૩૬ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ મળે છે એમાંનું મહત્ત્વનું વાદ્ય ઢોલ છે. ઢોલ આદિકાળથી મેદાની વાદ્ય રહ્યું છે. સમૂહગાન, સંઘનૃત્ય, સવારી અને યુધ્ધમાં ઉપયોગમાં લેવાતા ઢોલથી વધુ સારું વાદ્ય વિશ્વભરમાં આજેય શોધાયું નથી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઢોલ પર વાગતા વિવિધ તાલ ભારતથી માંડીને રશિયા અને હંગેરી સુધી એકસરખા વાગતા જોવા મળે છે. ભારતીય લોકસંગીતમાં જેટલું સ્વર વૈવિધ્ય છે, લોકનૃત્યમાં જેટલું પદચલનનું નર્તન વૈવિધ્ય છે એટલું જ નાદ વૈવિધ્ય લોકવાદ્ય ઢોલ ધરાવે છે. રણવાદ્ય ઢોલ-નગારાં લડાઇમાં વપરાતાં હોવાના પુરાવા ખજુરાહોના શિલ્પોમાં મળે છે. ગ્વાલિયર પાસે પવાઇના ઉત્ખનનમાંથી મળી આવેલ પાષાણખંડ ઉપર ઢોલ વગાડતી સ્ત્રી કંડારાયેલી જોવા મળે છે.

પ્રાચીન ગ્રંથોમાં ભારતીય વાદ્યોને તંતુ, અવનદ્ય, સુષિર અને ઘન એમ ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યાં છે. એમાં ઉત્સવોની છડી પોકારતો ઢોલ અવનદ્ય અર્થાત્ ચામડાથી મઢેલા અને દાંડીથી વગાડાતા વાદ્યના પ્રકારમાં આવે છે. લોકસંગીતમાં તાલનું મહત્ત્વ હોવાથી મેદાની રણવાદ્ય તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. ઉત્સવ, સવારી, યુધ્ધ-ધીંગાણાં કે સંકટ સમયે સંદેશો આપવા વગાડવામાં આવતો ઢોલ લગ્ન પ્રસંગનું મંગલવાદ્ય પણ મનાય છે. આ વાદ્ય દુનિયાભરના દેશોમાં પ્રકારભેદે અસ્તિત્વ ધરાવે છે. આનક, કમલ, ક્ષુણ્ણક વગેરે એનાં પ્રાચીન નામો છે. વાદન ઉપરથી એને પટહ, કાષ્ઠપટહ, ડિંડિમ ઈત્યાદિ નામોથી પણ  ઓળખવામાં આવે છે.

ભરત નાટયશાસ્ત્રમાં ઢોલ-વાદ્યયંત્રના શોધક તરીકે ‘સ્વાતિ’ નામના ઋષિનું નામ જૂના કાળથી જોડાયેલું જોવા મળે છે. એમાંય વળી પુષ્કર (ઢોલની પડી જેના પર થપાટ મારવામાં આવે છે) વાદ્યની ઉત્પત્તિ અંગે આ ગ્રંથના ૩૩માં અધ્યાયમાં આ મુજબની કથા મળે છે ઃ એકવાર સ્વાતિ નામના તપસ્વી મુનિ વર્ષાઋતુની વહેલી સવારે સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. સૂરજ મહારાજ ઉગમણા આભમાં કોર કાઢે તે પહેલાં તો સરોવરમાં કમળો ખીલ્યાં હતાં. એવામાં વરસાદનું સરવડું વરસ્યું. પાણી પર તરતાં કમળપત્રો પર સરવડાના છાંટા પડવાના શરૂ થતાં એમાંથી ટપટપાટપ, ટપટપાટપ ટપ ટપ ટપાક એવા તાલબધ્ધ અવાજ આવવા શરૂ થયા. ઋષિવર્ય તો સંગીતના સાધક અને જ્ઞાતા હતા. કમળપત્રો પર પડતાં વરસાદના ધ્વનિ પરથી એમને ચામડાથી મઢાતા વાદ્ય (પુષ્કર ઢોલ)ના નિર્માણનો શુભ વિચાર આવ્યો. એમાંથી નિર્માણ પામેલો ઢોલ આજે તો લોકસમાજમાં સર્વત્ર છવાઇ ગયો છે, એટલું જ નહીં પણ ભારતીય લોકનૃત્ય અને નવરાત્રીના રાસ-ગરબાનું અનિવાર્ય અંગ બની રહ્યો છે. કાળક્રમે જેમ જેમ ભારતીય વાદ્યો શોધાતાં ગયાં તેમ તેમ મહર્ષિઓ અને જ્ઞાતાઓ દ્વારા આ વિષય પર અભ્યાસી ગ્રંથો પણ રચાતા ગયા.

લોકવાદ્ય માટે આવો જ એક મૂલ્યવાન પ્રાચીન ગ્રંથ ‘ઢોલ સાગર’ નામે જાણીતો છે. એમાં ઢોલની ઉત્પત્તિ, એનાં વિવિધ અંગોના દેવતાઓ, સંગીતમાં અને નૃત્યમાં ઢોલનું સ્થાન, તેની મહત્તા, ઢોલ બનાવવા માટેનું લાકડું, ઢોલવાદનમાં જુદી જુદી આંગળીઓથી નીકળતા જુદા જુદા સ્વરો બાબત ઝીણવટભરી માહિતી આપી છે. સંગીતના અભ્યાસીઓ માટે આ ગ્રંથ ઘરેણાંસમો છે.

‘ઢોલ સાગર’ ગ્રંથની વિશેષતા વર્ણવતા શ્રી મહિપત કવિ કહે છે ‘કસીણકા’ અર્થાત્ પડીને સૂરમાં મેળવવા માટે ખેંચવામાં આવતી કડીને ‘ગણીપુત્ર’ કહીને એનું બહુમાન કરવામાં આવ્યું છે. ચામડાની ખડીઓમાં સૂતરની દોરી પરોવવા માટે જે બાર છિદ્રો આપવામાં આવે છે તેને ‘ઘર’ કહે છે. આ પ્રત્યેક ઘરને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ૧. શ્રીવેદ ૨. સન ૩. પાસમતી ૪. ગણેશ ૫. રણકા ૬. છણકાના ૭. બૈચી ૮. ગોપી ૯. ગોપાલ ૧૦. દુર્ગા ૧૧. સરસ્વતી અને ૧૨. દુર્ગા. આ દુર્ગા ઢોલના માતાપિતા, પત્ની અને ગોત્ર વિશે પાર્વતીજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન શિવ કહે છે ઃ

શંકરસૂતશ્વેવ ગિરિજા ચ જનની ।
ભવશક્તિ પત્ની, અગ્નિ ગોત્રસ્ય ઢોલ ।।

ઢોલના પિતા શંકર, માતા પાર્વતી, પત્ની ભવશક્તિ અને ગોત્ર અગ્નિ છે.
ઢોલની પ્રાચીનતા માટે કહેવાય છે કે સત્યયુગમાં સર્વપ્રથમ ઈન્દ્રનો ઉમદાદાસ નામનો ઢોલી હતો. એનો ઢોલ અમૃતનો હતો. દ્વાપરયુગમાં માંધાતા રાજાનો વામનદાસ નામે ઢોલી હતો, જેનો ગગન જેવો ઢોલ ‘યમ શૂન્યમ્ શબ્દમ્’ હતો. ત્રેતાયુગમાં મહેન્દ્ર નામના રાજાનો વિદિપાલદાસ નામનો ઢોલી હતો. જેનો ઢોલ ‘અવિકાર તમ્શૂન્યમ્શબ્દમ્’ હતો. કળિયુગમાં રાજા વિક્રમાદિત્યનો ભગવાનદાસ નામે ઢોલી હતો.

વોકવાદ્ય ઢોલના વિવિધ અંગોની એના વગાડનારાઓને પણ આજે ભાગ્યે જ જાણકારી હોય છે. આશ્ચર્ય પમાડે તેવાં આ રહ્યાં ઢોલના વિવિધ અંગોના નામ.

૧. કંધરોટી કે દોરી. ઢોલને ખભે ભરવવા માટે વપરાતી સૂતરની પાટી.

૨. ચાક- સૂતરની પાટીને લાંબી-ટૂંકી કરવા માટે વપરાતું ગામઠી બકલ

૩. બિચસાર- ઢોલના લાકડાના મધ્યભાગમાં સુશોભન માટે જડવામાં આવતી પટ્ટી

૪. ત્રિદેવ- બિચસારની પિત્તળની પટ્ટીના બે છેડા એક ઈંચ જેટલા દોઢવીને તેના પર મારવામાં આવતી તાંબાની ત્રણ ખીલીઓ જેને ત્રિદેવ તરીકે ઓળખવામાં આવે છે

૫. કાઠી કે ગજરો – ચામડાની પડીને ગોળાકાર પકડી રાખવા માટે વાંસની ચીપમાંથી ઢોલના મુખના માપનું વર્તુળ

૬. પડી અને ઘર- ઢોલના જમણી બાજુના સ્હેજ પહોળા મુખને નર કહે છે. આ નર તરફની બાજુએ ભેંસના ચામડાની પડી અને ડાબી બાજુ માદા પડી માટે બકરાનું સ્હેજ પાતળુ ચામડું વાપરવામાં આવે છે. આ બંને પડીઓ ઢોલના લાકડાના મુખ પર દોરીથી ખેંચાઇને બરાબર બંધબેસતી રહે એ માટે પડીઓમાં બાર કાણાં પાડવામાં આવે છે જેને ‘ઘર’ કહે છે

૭. દોરી- ઘરમાં પરોવવામાં આવતી સૂતરની જાડી દોરી

૮. કડી કે કસણી- માદા પડીના ઘરમાંથી નીકળતા દોરીના બે છેડાને નર પડી તરફ ખેંચવા માટે લોખંડની કડી અથવા સૂતરની દોરીનો ગાળિયો કે ચામડાની વાધરી બાંધવામાં આવે છે તેને કસણી કહે છે

૯. જેડી- સવા ફૂટની લંબાઇ અને હાથાના ભાગે અર્ધાથી પોણા ઈંચ જાડાઇની આગળથી પાતળી અને સ્હેજ ગોળ વળેલી બાવળ કે રાયણની લાકડી. આ જેડી ઢોલની નર પડી માથે આઘાત કરવામાં વપરાય છે

૧૦. તાડી- ઢોલની માદા પડી પર આઘાત કરવા માટે હાથના પંજાને બદલે વપરાતી સવા ફૂટની વાંસની ચીપ- ક્યાંક પંજાથી તો ક્યાંક વાંસની ચીપથી કે દાંડીથી ઢોલને વગાડવામાં આવે છે.

અસલ દેશી ઢોલ માટે બિયાનું લાકડું વપરાતું. ઢોલના કોઠાની લંબાઇ અને ઘેરાવાનું કોઇ નિશ્ચિત માપ કે પ્રમાણ હોતું નથી. સાધારણ રીતે ઢોલ દોઢફૂટથી માંડીને સાડાત્રણ ફૂટની લંબાઇના અને એટલા જ પહોળા વ્યાસના જોવા મળે છે. નાસિક તરફના, મારવાડના અને આદિવાસી ઢોલ મોટા હોય છે. આમ ઢોલની લંબાઇ, પહોળાઇ અને દેખાવ અલગ અલગ પ્રકારના રહે છે. નાના ઢોલક કે ઢોલકીથી માંડીને મોટા ‘હવનઢોલ’ સુધીના આકારોમાં અવનદ્ય વાદ્યોના ઈતિહાસની ઉત્ક્રાંતિ સમાઇ જાય છે. ઢોલનો કોઠો આજે તો લાકડા ઉપરાંત લોખંડ, પતરાં કે કોસ્ટીક સોડાના પીપમાંથી અને હવે સ્ટેનલેસ સ્ટીલના પતરામાંથી પણ બનતા થયા છે. આવા ઢોલને ચામડાને બદલે પ્લાસ્ટીકની પડીથી મઢવામાં આવે છે. આ ઢોલનો અવાજ તિવ્ર હોય છે. ચામડાના ઢોલ જેવી મિઠાશ કે કર્ણપ્રિયતા હોતી નથી. આવા ઢોલ ઢોલીના છોકરાંઓને વગાડતા શીખવા માટે વપરાય છે.

ભાલપંથકમાં તાંબાના કોઠાવાળો ત્રંબાળુ ઢોલ વપરાય છે. વિસનગર, વઢવાણ, શિહોર વગેરે જગ્યાએ કંસારા કારીગરો ઢોલના આવા કોઠા તૈયાર કરી આપે છે. સૌરાષ્ટ્રમાં રાજપૂત-દરબારો અને શોખીન લોકો પહેલા ખોળાના દીકરાના લગ્ન વખતે આજુબાજુ વિસ્તારના પ્રખ્યાત ઢોલીઓને ઢોલે રમવા બોલાવે છે. લગ્નની ખુશાલીમાં ત્રંબાળુ ઢોલ તેમને મઢાવી આપી એની દાંડીને ચાંદીનું ‘મોરું’ અને ઘૂઘરિયુંથી મઢાવીને રાજી કરવાનો રિવાજ હજુ ગઇકાલ સુધી હતો. ઢોલના તાલે તાલે આજેય ઘોડિયું નચાવવામાં આવે છે. લગ્ન ઉકલી જાય એટલે હેતુમિત્રો પૂછેય ખરા, કાં બળવંતસંગ, લગ્નમાં કેટલા રૂપિયાના ઢોલ વગાડાવ્યા? (ઢોલ ઉપર રૂપિયા ઉડાડયા)

ઢોલના માહેર ઢોલીઓ જૂનાકાળે બિયા કે તંબાળુ ઢોલમાં ભેંસ કે બકરાના ચામડાને બદલે હરણ કે કાળિયારના ચામડાની પડી બનાવીને વાપરતા. નર પડીમાં કાળિયારનું અને માદા પડીમાં હરણનું ચામડું વપરાતું. હવે તો જંગલના કાયદાઓને કારણે તેના પર પ્રતિબંધ આવી ગયો છે એટલે એવા ઢોલ ભૂતકાળની યાદો બનીને રહી ગયા છે. અમદાવાદમાં ડબગરવાડના, ગોધરાના, હળવદ અને ભાવનગરના ઢોલ આજેય વખણાય છે. ડબગર કારીગર ઢોલ તૈયાર કરે ત્યારે નર પડીને ચડાવતા પહેલાં પડીની અંદરની બાજુએ કાજળી, દિવેલ અને લાઇના મિશ્રણવાળો મસાલો લગાડે છે. એને લઇને નર પડીમાંથી ઘેરો અને ગુંજનવાળો અવાજ નીકળે છે. આજે હજાર રૂપિયાથી લઇને પાંચ હજાર સુધીની કિંમતના ઢોલ બજારમાં મળે છે.

હોળી કે ગોકળ આઠમના વારપરબે અને મેળાના મેદાનમાં ઢોલમાથે હીંચ વાગવા માંડે ત્યારે હરખુડી નારીઓના હૈયાં અને પગના ઝાંઝર બેય હારોહાર રમવા માંડે છે. એમાંય નોરતાનું પરબ હોય, મધરો મધરો મેવલો વરસાદનું ઝાપટું નાખીને આળસી ગ્યો હોય, તાલનો તરવૈયો ઢોલી ચાર શેરીના ચોક વચ્ચે ઢોલ માથે દાંડી રમાડતો હોય ઇ ટાંણે કાઠિયાવાડની કણબણો, કચ્છની આયરાણીઓ, ઝાલાવાડ, ગોહિલવાડ અને ભાલપંથકની ભરવાડણો, સાગરકાંઠાની કોળણો અને હરિજન બાઇઓને મટકી પર હીંચ લેતી અને રાસડાની રંગત જમાવતી જોવી એ જીવનનો એક લ્હાવો ગણાય છે. ગાનારિયું  ઢોલીને શું કહે છે?

ઢોલીડા ઢોલ રે વગાડય મારે હીંચ લેવી છે
મનુભાઇના છોગલિયે મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડય મારે હીંચ લેવી છે
ઓલી વીજુ વહુના ઘૂંઘટડે મારે હીંચ લેવી છે.
ઢોલીડા ઢોલ રે વગાડય મારે હીંચ લેવી છે.

આપણે ત્યાં ઢોલ ઉપર જુદા જુદા તાલ વગાડવામાં આવે છે. લગ્નવાળા ઘરે મંગળ ચોઘડિયાનો, ગણેશસ્થાપન વખતે ગણેશ વધાવવાનો, મંડપારોપણ, ફુલેકુ કે ‘પહ’ ભરાવતી વખતે ઘૂઘારી ઢોલ વાગે છે. ફૂલેકું ફરીને આવે એટલે ચલતીનો, લાકડીઓ કે તરવારો સમણે ત્યારે બૂંગિયો અને કન્યાવિદાય પછી ઢોલી શીખ-દાપું માગવા જાય ત્યારે ખુશાલી કે હરખનો જાંગી ઢોલ વગાડે છે. કોઇ હોનારત થાય, ચોર લૂંટારુ ગામ ભાંગવા આવે કે તળાવની પાળ તૂટી જાય ત્યારે શૌર્યપ્રેરક બૂંગિયો ઢોલ વગાડીને ગામલોકોને સંદેશો પહોંચાડવામાં આવે છે.

વારપરબે વગાડવામાં આવતો ઢોલ લગ્ન, જન્મ, જનોઇ, સીમંત, વાસ્તુ કે રાંદલ તેડે ત્યારે વગાડવાનો રિવાજ છે. સૌરાષ્ટ્રમાં મેઘવાળ, લંઘા અને તૂૂરી ઢોલ વગાડે છે. ઉત્તર ગુજરાતમાં રાવળ અને કોઇ જગ્યાએ દેવીપૂજકો પણ ઢોલ વગાડે છે. કચ્છના લંઘા અબુ મીર, આકરુના અમરાભાઇ ઢોલી, રાધનપુરના અણદાભાઇ ઢોલી, સાણંદ પાસેના દેવતી ગામના પુનમભાઇ, રાજારામ, લાલજી વગેરે બજાણિયાપરાના નાયકો અને ગાંધીનગર પાસેના પોર ગામના જીવાભાઇ રાવળ જાણીતા ઢોલવાદક છે. જૂનાકાળે ઢોલીના ગામો બાંધેલાં રહેતાં. આ ગામોમાં ઢોલ વગાડવાનો ગરાસ એમનો ગણાતો. આ ગામોમાં બીજા કોઇ ઢોલી ઢોલ વગાડવા ન જઇ શકે. કોઇવાર ઢોલી નાણાંભીડમાં આવી જાય ને કોઇ કૌટુંબિક પ્રસંગ ઉકેલવો હોય તો બે પાંચ હજાર રૂપિયામાં બીજા ઢોલી પાસે ગામ ગીરો મૂકી આવે. આખું ગામ ઢોલીને ત્યાં ગીરો મૂકાઇ જાય એની ગામલોકોનેય ખબર ન પડતી. ઢોલની આવી વાતું છે ભાઇ.

ઢોલની કહેવતો અને રૂઢિપ્રયોગોય કેટકેટલા! જુઓ !

જાંગીનો ઢોલ અર્થાત્ આનંદનો હરખનો ઢોલ

૨. ઢોલ પીટવો – પ્રસિધ્ધ કરવું

૩. ઢોલ વાગવો – ખરાબ કર્યાની પ્રસિદ્ધિ થવી

૪. ઢોલના ઢમકે પાણી આવવું – ઘણી મુશ્કેલીથી પાણી આવવું

૫. ઢોલે ડંકો દેવો – સવારીએ ચડવું – કોઇ કામ કરવા ઉત્સાહભેર તૈયાર થવું

૬. વાગતે ઢોલે જવું – છડેચોક જવું

૭. ઢોલ ધડૂકવો – કન્યાને સાસરે વળાવે ત્યારે વાગતો ઢોલ, કન્યા પક્ષવાળાને શોક કરાવે છે

૮. ઢોલ વાગવો – ભેળા થવાની નિશાની આપવી, ગામ મેળાવાની – ભેગુ કરવાનો સંદેશો આપવો.

આદિવાસી વિસ્તારમાં આવો ઢોલ ગામના પટેલને ત્યાં રાખવામાં આવે છે અને જરૂરપડયે ઊંચી ટેકરી પર ચડીને વગાડવામાં આવે છે. એક ગામવાળા ઢોલનો સંદેશો સાંભળી પોતાને ત્યાંથી વગાડી બીજા ગામે સંદેશો ઢોલ દ્વારા પહોંચાડે છે. આમ પાંચ પંદર ગાઉના આખા પંથકમાં ઢોલ સંદેશો મોકલી આપે છે. તે દિ’ આદિવાસીઓ પાસે ક્યાં મોબાઇલ હતા? આજની વાત જુદી છે હો.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!