રણછોડરાયની નગરી ડાકોર

હાં રે ચાલો ડાકોર

હાં રે ચાલો ડાકોર જઈ વસિયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે … ચાલો.

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈએ રે … ચાલો.

હાં રે અટપટી પાઘ કેસરિયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈયે રે … ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળાથી મોહિયે રે … ચાલો.

હાં રે ચંદ્રબદન અણિયાલી આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે … ચાલો.

હાં રે રુમઝૂમ રુમઝૂમ નેપૂર બાજે,
હાં રે મન મોહ્યું મારું મોરલીએ રે … ચાલો.

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધર નાગર,
હાં રે અંગોઅંગ જઈ મળિયે રે … ચાલો.

———-  મીરાંબાઈ

ડાકોર એટલે મારું વતન !!!!
ડાકોર એટલે તહેવારોનું મહત્વ અને મહાત્મ્ય સમજાવતું નગર
ડાકોર એટલે સહવાસ અને આપણો લેવાતો શ્વાસ
ડાકોર એટલે સતત જીવંતતા
ડાકોર એટલે ભેદભાવ વગરનું યાત્રાધામ
ડાકોર એટલે સાચી મિત્રતાનું પ્રતિક
ડાકોર એટલે યાદગાર પળો
ડાકોર એટલે સાહિત્ય સાથે સંગીતની મજા માણવાની જગ્યા
ડાકોર એટલે ફળિયાની રમતોનું ઉદગમ સ્થાન
ડાકોર એટલે નિતાંત આનંદ
ડાકોર એ મારો એહસાસ છે
ડાકોરે જ મારું ઘડતર કર્યું છે
ટૂંકમાં …….
ડાકોર એટલે દ્વૈતથી અદ્વૈત સુધીની સફર !!!

ડાકોર માત્ર રણછોડરાયજીને લીધે જ જાણીતું નથી બન્યું, એવાં ઘણા સ્થાનકો અને જગ્યાઓ છે કે જેના વિષે હજી પણ લોકો અજ્ઞાત જ છે !!!

ડાકોર એટલે ભક્ત બોડાણાના પ્રતાપે રણછોડરાયજીનું પવિત્ર સ્થાનક(મંદિર) બન્યું છે. જે લાખો શ્રદ્ધાળુઓને દરવર્ષે આકર્ષે છે !!!! આ રણછોડરાયજીના મંદિરની વિશેષતા એ છે કે એનું બાંધકામ મસ્જીદ જેવું છે. આનું કારણ એ છે કે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેને હાની ના પહોંચે એ છે

કુદરતી વાતાવરણમાં આવેલું ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્‍ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે, તેનું કારણ એમ છે કે જ્યારે કલ્‍યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્‍યારે કૃષ્‍ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં. ડાકોરની કૃષ્‍ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.

ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન) માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું.
યાત્રાળુંઓ જન્‍માષ્‍ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.

દરેક ધર્મનાં જુદાં જુદાં ભગવાનો છે પરંતુ કૃષ્ણ કાનુડો આ એવું નામ છે કે કોઈપણ ધર્મનો વ્યક્તિ હોય પરંતુ કૃષ્ણથી આકર્ષાયો ન હોય. કારણ કે કૃષ્ણ તો કૃષ્ણ જ છે અને એટલા માટે તે તેની ત્રણે અવસ્થામાં તેની કોઈને કોઈ વિશેષતા રહેલી છે અને સંસારને કોઈને કોઈ શિખામણ તેણે આપી છે, તેમાં પણ ખાસ કરીને તેમની બાળલીલાઓને કારણે લોકોમાં ખૂબજ જાણીતાં બનેલાં છે, માટે તો ભારતભરમાં અને ખાસ કરીને હરિદ્વાર બાદ ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે કાનુડો.

કિવદંતી………….

હિન્દુ ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, અને કળિયુગ એમ ચાર યુગ પ્રવાહો પૈકી ૮૬૪૦૦૦ વર્ષ લાંબા દ્વાપરયુગના ૮૬૩૮૭૫માં વર્ષમાં શ્રાવણ વદ આઠમને બુધવારે રોહિણી નક્ષત્રમાં અવતાર ધારણ કરનાર ભગવાન શ્રીકૃષ્ણે ૧૨૫ વર્ષ ૧ માસ અને ૫ દિવસનું આયુષ્ય ભોગવ્યા બાદ કળિયુગનો આરંભ થાય છે. કળિયુગમાં બુધ્ધાવતાર ધારણ કરીને ચતુર્ભુજ પ્રતિમારૂપે ભગવાન શ્રીકૃષ્ણ ૪૨૨૫ વર્ષ સુધી દ્વારકામાં રહ્યા હતા, એવું પૌરાણિક ગ્રંથોના આધારે માનવામાં આવે છે.

દ્વારકામાં વસતા ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત બોડાણાની તુલસીપત્ર અર્પણ કરવાની ભક્તિથી પ્રસન્ન થઇને કારતક સુદ-૧૫ ને (દેવ દિવાળી) વિક્રમ સંવત ૧૨૧૨ (ઇ.સ. ૧૧૫૬)ના દિવસે દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હોવાથી કથા પ્રચલિત છે. દ્વારકાથી ભગવાન રણછોડરાયના ડાકોર આગમન વખતે ડાકોર પહોંચતા પૂર્વે સીમલજ ગામ પાસે વહેલી સવારે કડવા લીમડાની ડાળ તોડી દાતણ કર્યુ હતુ તે લીમડાની એક ડાળી મીઠી બની ગઇ હતી. અને તે લીમડો આજે ડાકોરથી ઉમરેઠ જતા માર્ગ ઉપર બિલેશ્વર મહાદેવની નજીક હયાત છે. દ્વારકા ગુગળી-અંબાડી બ્રાહ્મણોએ આ મૂર્તિ સ્વરૂપને ડાકોરથી પરત લઇ જવા ઘણા પ્રયત્નો કર્યાની દંતકથાઓ પણ છે. દ્વારકાના આ બ્રાહ્મણોએ મૂર્તિ સ્વરૂપના ભારોભાર સોનું આપી મનાવ્યા હતા, જે અનુસાર બોડાણાના પત્ની ગંગાબાઇના નાકની સવાવાલની સોનાની વાળી જેટલું નાનું સ્વરૂપ ધારણ કરીને તુલસીપત્રે રણછોડરાયજી તોળાયા હતા. આ તુલાવાળી જગ્યા ગોમતીઘાટે હજી આજે પણ અસ્તિત્વમાં છે.

દંતકથા પ્રમાણે દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે વિજયનંદ નામનો વૃદ્ઘ ગોવાળ તેની અવગણના કરતો હતો,
પણ તેની પત્નિ શ્રી કૃષ્ણની પરમ ભકત હતી. એક વખત હોળીના પર્વમાં વિજયનંદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેને શ્રી કૃષ્ણ સાથે ઝઘડો થયો. આ બાબતે શ્રી કૃષ્ણ અને વિજયનંદની ટુકડીઓ વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘર્ષણમાં શ્રી કૃષ્ણની ટુકડી હારી ગઇ. શ્રી કૃષ્ણ યમુનાજીમાં પડીને સંતાઇ ગયા ત્યારે વિજયનંદ પણ તેની પાછળ યમુનાજીમાં પડયા. વિજયનંદને યમુનાજીમાં શ્રી કૃષ્ણના સાચા સ્વરૂપના દર્શન થયા, ત્યારે એણે શ્રી કૃષ્ણની માફી માગી. શ્રી કૃષ્ણએ તેને આશિષ આપતાં કહ્યું- કળિયુગમાં તમે વિજયસિંહ તરીકે જન્મ લેશો અને તમારી હાલની પત્નિ સુધા ગંગાબાઇ તરીકે તમારી પત્નિ હશે એ વખતે હું તમને દર્શન આપી મોક્ષ આપીશ.-

કિવંદતી પ્રમાણે વિજયનંદ ડાકોરમાં વિજયસિંહ રૂપે જન્મ પામ્યા. બોડાણા તેમની અટક. ૧૬ વર્ષથી લઇને ૭૨મા વર્ષ સુધી પ્રતિ વર્ષ હાથમાં તુલસી ઉગાડીને ચાલતાં તેઓ દ્વારકાની યાત્રાએ જતાં હતા. તેમની આ ભકિતથી પ્રસન્ન થઇને શ્રી કૃષ્ણએ વિક્રમ સંવત ૧૨૧૨(ઇ.સ. ૧૧૫૬),
કારતક સુદ, ૧૫(દેવ દિવાળી)ના દિવસે દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા. ડાકોર આવતાં સમયે સીમલજ ગામ પાસે વહેલી સવારે કડવા લીમડાની ડાળ તોડી દાતણ કર્યુ તે લીમડાની એ ડાળ મીઠી બની ગઇ હતી. આ લીમડો આજે પણ ડાકોરથી ઉમરેઠ જતાં માર્ગે બિલેશ્વર મહાદેવ મંદિરની પાસે હયાત છે. દ્વારકાથી ડાકોરમાં શ્રી કૃષ્ણ વસ્યા ત્યારે તે રણછોડરાયજી તરીકે પ્રખ્યાત થયા હતા.. ડાકોરમાં ગોમતી તળાવના કિનારે રણછોડરાયનું મંદિર છે.

ડાકોરમાં આવેલું મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ

ગોમતી તળાવમાં ગોમતી નદીનું પાણી આવે છે. ગોમતી તળાવની ઉત્પતિ મહાભારતકાળની હોવાનું માનવામાં આવે છે. મહાભારતકાળમાં ચરોતર અને તેમાં પણ ડાકોરની આસપાસનો વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો.
આ વિસ્તારમાં ઘણા જળાશયો હતા.(એમના અવશેષો રૂપે વાંઘરોલી, સૈયાત, રાણી પોરડા વગેરે જળાશયો કપડવંજ તાલુકા પ્રદેશમાં આજે પણ હયાત છે.) આ જળાશયોના કાંઠે ઋષીમુનિઓના આશ્રમો હતા. એવા ઋષીઓ પૈકી એક ડંક મુનિનો આશ્રમ હતો આ ડંક મુનિ કંડુ ઋષિના ગુરૂભાઇ હતા અને મહાદેવના પરમ ભકત હતા. ડંક મુનિએ એક વડ નીચે બેસીને ઉગ્ર તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે ડંક મુનિએ તેમને આશ્રમમાં વસવા વિનંતી કરી. તેમની વિનંતીને માન્ય રાખીને મહાદેવ આશ્રમમાં લિંગ સ્વરૂપે રહ્યા. (હાલમાં ડાકોરમાં ગોમતીના કિનારે રણછોડરાયજીના મંદિરની સામે ડંકનાથ/ડંકેશ્વર મહાદેવનું મંદિર છે.)

ડંક મુનિના આશ્રમમાં એક વખત મુસાફરી દરમિયાન શ્રી કૃષ્ણ અને ભીમ આવ્યા હતા. ડંક મુનિએ પોતાના આશ્રમની પાસે પાણીનો એક નાનો કુંડ બનાવેલો હતો. એ કુંડનું શીતળ જળ પીને શ્રી કૃષ્ણ અને ભીમ તૃપ્ત થયા હતા. એ સમયે ભીમને એ કુંડ મોટો બનાવવાનો વિચાર આવ્યો અને એ વિચારને અમલમાં મુકવા ભીમે એ કુંડના સ્થળે ગદા પ્રહાર કર્યો. ભીમના ગદા પ્રહારથી એ કુંડ ૯૯૯ વીઘા જમીનમાં તળાવ સ્વરૂપે ફેલાઇ ગયું.(એ તળાવ એટલે આજનું ગોમતી તળાવ.)
ભીમના ગદા પ્રહારથી ડંક મુનિની તપસ્યા ભંગ થઇ અને તેમણે શ્રી કૃષ્ણ અને ભીમને જોયા. શ્રી કૃષ્ણએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે ડંક મુનિએ મહાદેવની જેમ શ્રી કૃષ્ણને પણ આશ્રમમાં વસવા વિનંતી કરી. શ્રી કૃષ્ણએ વિનંતી માન્ય રાખી. પૌરાણિક માન્યતા પ્રમાણે એ પછી ૪૨૨૫ વર્ષ મુર્તિ સ્વરૂપે દ્વારકામાં રહ્યા અને પછી ભકતરાજ વિજયસિંહ બોડાણાની ભકિતવશ ડાકોર પધાર્યા અને ડંક મુનિના આશ્રમમાં રહ્યા. સમયના પ્રવાહની સાથે લોકો ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવના મંદિર પાસે વસવાટ કરવા લાગ્યા. પહેલા એ ડંકપુર અને એ પછી આજનું ડાકોર બન્યું. શ્રી કૃષ્ણ અનેક નામથી ઓળખાય છે.

ગોમતી તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજય પથરાયેલું છે. તળાવના પાણીમાં કચરા સહિત ગટરનું પાણી અને અન્ય સામગ્રી નાખવાથી પાણી દૂષિત થઇ ગયું છે. આવા દૂષિત થઇ ગયેલા પાણીનું આચમન કે માથે ચડાવવા શ્રદ્ઘાળુઓ સુગ અનુભવે છે. આજના યુગમાં ગોમતી તળાવ કાળજી અને જાળવણીના અભાવે પ્રદૂષિત બની ગયું છે.

ડાકોર વિષે થોડુંક વધારે  ——

ભક્ત બોડાણો——–

ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.

ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ. પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાન છે..

ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક. પૂનમે દ્વારિકા આવતો, નહી કરતો મીનમેખ
દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા, નહી તોડેલી ટેક. પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
પહોંચી જરાની હવે પીડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ. સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે…

કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય. દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
દોરી તમારે હાથ છે..

દોડી દામોદર આવ્યાં રે, ઝાલ્યો બોડાણા નો હાથ. રહું સદા તારા સંગ માં, કદી છોડું નહી સાથ
ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ. ગૂગળી ગામમાં ગોતતા, ક્યાં છે દ્વારિકા નો નાથ
નક્કી બોડાણા નો હાથ છે…

વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણા ને વાત. મૂકીદે મુજને વાવમાં, પછી આવે છે રાત
તારો ને મારો સંગ છે..

ગોતી ગોતી ને ગયા ગૂગળી રે, નહી મળ્યા મહારાજ. ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર. આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
બોડાણો દ્વારિકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ. કહ્યું કાનુડા નું મેં કર્યું, ગુનો મારો નહી લેશ
ખોટું તમારું આળ છે..

જાણી બોડાણા ને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર. હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ. તુલસી નું પાન પધરાવજે, નહી નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલા ની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય. ગૂગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહી તોય
એક તમારો આધાર છે..

એક પૂજામાં આવું દ્વારિકા, એક ડાકોર મોઝાર. આપ્યું વચન વનમાળી એ, ગુણ ગાતો “કેદાર”
ધન્ય બોડાણા તારી ટેક છે..

સાર-ડાકોરમાં બોડાણા નામે એક ભક્ત થઈ ગયા, કહેવાયછે કે આગલાં જન્મની અંદર તેઓ વિજયાનંદ નામે બાળ કૃષ્ણના સખા હતા, કોઈ કારણસર તેઓ ભગવાનથી રિસાઈ ગયેલા, ભગવાને પોતાના સાચા રૂપનું દર્શન કરાવ્યું ત્યારે વિજયાનંદે હાથ જોડીને કૃષ્ણની ભક્તિ આપવાની માંગ કરી ત્યારે ભગવાને આગલાં જન્મની અંદર મહાન ભક્ત બનીને જન્મ લેશે અને મોક્ષ પામશે એવું વચન આપ્યું.

ભગવાને આપેલ વચન મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર મા વિજયસિંહ [કે વજેસંગ] બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્ની નું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા/ કે તુલસી વાવેલું કુંડું લે, અને પગ પાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું,

સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬,ની આ વાત, વહે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવાદે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદ ગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહા મહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી.

જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે “ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવીદે, મારે તારી સાથે ડાકોર આવવુંછે, અને જલદીથી રવાના થઈજા”
પણ અહીં તો મંદિરમાં પહેરો હોય?
મૂર્તિ કેમ લેવી?
પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે?
મંદિરના દ્વાર ખુલ્લાં પડેલા,
બોડાણા દ્વારકેશના ભરોંસો મૂર્તિ ગાડામાં પધરાવી ને રવાના થઈ ગયો.

સવાર થતાં મંગળા આરતી વખતે ભગવાન ની મૂર્તિ ન જોતાં પૂજારી ગૂગળી બ્રાહ્મણો શોધ ખોળ કરવા લાગ્યા,
તપાસ કરતાં દરેક વખતે હાજર રહેતા બોડાણાની ગેરહાજરી જોતાં તેના પર શક ગયો.
મંદિરમાં રહેતાં રખેવાળો સાથે બોડાણાની ભાળ લેવા તેની પાછળ દોડ્યા, અશક્ત બળદો કેટલું ભાગે?
ઉમરેઠ ગામ નજીક જતાં એક વાવ આવેછે,
ભગવાને બોડાણાને કહ્યું કે ભક્ત મને આ વાવ માં મૂકીદે,
[ભગવાને બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું તેતો ઘણા ભક્તો સાથે બન્યું છે,
પણ અહિં જાગ્રત બોડાણાને કેમ કહ્યું હશે?
એની લીલા એ જાણે!!!
આમ ભગવાનને —-વાવમાં પધરાવી દીધા.
ગૂગળી તપાસ કરીને નિરાસ વદને પાછાં ફર્યા.
આજ પણ એ વાવની પાળે ઊભેલા લીંબડાની એક ડાળ મીઠી છે એમ કહેછે.

બોડાણાને જવાતો દીધા, પણ ગૂગળી લોકોને શંકાતો હતીજ તેથી અમુક ગુપ્તચરને તેની પાછળ મોકલ્યા.
બોડાણાએ ઘરે આવીને પોતાના સામર્થ્ય મુજબ ભગવાનની સેવા પૂજા કરીની પધરામણી કરી.
ગુપ્તચરોએ આવીને આ સમાચાર ગૂગળીઓને આપ્યા ત્યારે બધા મંદિરના રખેવાળોના કાફલા સાથે ડાકોર આવી પહોંચ્યા,
અને તે વખતે જે કોઈ આગેવાનો કે ગામના સત્તાધીશો હશે તેને ફરિયાદ કરી કે આ તમારો બોડાણો અમારા ભગવાનને ચોરી લાવ્યોછે.

સર્વે સત્તાધીશોએ કહ્યું કે અમો બોડાણાને બચપણથી જાણીએ છીએ, તે ચોરી ન કરે,
બોડાણાએ પણ બનેલી ઘટના કહી સંભળાવી, પણ ગૂગળી માનવા તૈયાર ન થયા,
પછી બોડાણાની આર્થિક સ્થિતિ જોતાં ગૂગલી લોકોએ એક શર્ત રાખી કે
જો બોડાણા પર ભગવાન આટલા ખુશ હોય તો બોડાણો અમને આ મૂર્તિની ભારો ભાર સોનું આપીદે તો
અમો સાચું માની લઈએ અને જતા રહીએ.

બોડાણા પાંસેતો ફૂટી કોડી પણ ન હતી,
પણ આતો દ્વારિકાધીશ, ગંગાબાઈ પાસે એક સોનાની વાળી કેમે કરીને રહી ગયેલી,
ભગવાને પ્રેરણા કરીને ગૂગળી લોકોની શર્ત બોડાણાએ માન્ય રાખી,

ગામના ચોકમાં બધા જોવા ભેગા થઈ ગયા કે હવે શું થાશે?
ત્રાજવા મંગાવવામાં આવ્યા, તેમાં એક બાજુ ભગવાનની મૂર્તિ પધરાવી અને બીજી બાજુ ગંગાબાઈની વાળી,
પણ તલભાર મૂર્તિ વાળું ત્રાજવું નમતું રહ્યું,
ગૂગલી લોકો સમજી તો ગયા કે આ ઈશ્વરનો ચમત્કારજ છે,
પણ ભગવાનને છોડવા ન માંગતા ગૂગળીઓ માટે આ એક બહાનું હતું કે મૂર્તિ હજુ નમતી છે,
ત્યારે ભગવાને ફરી બોડાણાને પ્રેરણા કરી અને બોડાણાએ કહ્યું કે
” ભૂદેવો, બ્રાહ્મણોને દક્ષિણા આપતી વખતે સાથે તુલસી પત્ર પણ પધરાવવું પડે,
જ્યાં સોનાની વાળી સાથે તુલસીનું પત્ર પધરાવ્યું ત્યાંતો જાણે ચમત્કાર થયો,
બન્ને છાબડા સમાંતર થઈ ગયા,
સર્વે સભાજનોએ બોડાણા અને દ્રારિકાનાથનો જય જય કાર બોલાવ્યો.

ગૂગળી બ્રાહ્મણો પ્રભુના ચરણમાં આળોટી પડ્યા કે નાથ અમારો શો ગુનો?
બોડાણાને તો આપે ધન્ય કર્યો પણ અમો આપ વિના કેમ રહી શકીએ?
ત્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વચન આપ્યું કે ગોમતી નદીમાં તપાસ કરજો ત્યાં તમને મારી મૂર્તિ મળી આવશે, તેને મંદિરમાં પધરાવીને તમો પૂજા કરજો.

પણ બ્રાહ્મણો માન્યા નહીં, કે પ્રભુ આપ અહિં બિરાજો તો ખાલી મૂર્તિની પૂજા કરવાથી શો ફાયદો?
ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વચન આપ્યું કે હું એક પૂજામાં દ્વારિકા રહીશ અને એક પૂજામાં બોડાણા પાસે ડાકોરમાં.
આજે પણ કહેવાય છે કે દ્વારિકા અને ડાકોરમાં એક પૂજામાં મૂર્તિમાં તેજ લાગે અને એક પૂજામાં થોડું ઓછું તેજ લાગે,
જોકે આતો કોઈ વિરલા ભક્તોને જ ખબર પડતી હશે.

ડાકોર ગુજરાત રાજ્યના ખેડા જીલ્લામાં આવેલું પવિત્ર યાત્રા ધામ છે.
અહીં શ્રી કૃષ્ણનું એક નવું સ્વરૂપ એટલે કે રણછોડરાયના દર્શન માટે ભાવિ ભક્તો દૂર દૂરથી આવે છે.

મંદિર ——-

ડાકોર મંદિર ઇ.સ. ૧૭૭૨માં બનાવવમાં આવ્યું હતું. આ મંદિરમાં દર્શનનો સમય સવારે લગભગ ૬:૪૫ થી બપોરે ૧૨ વાગ્યા સુધીનો છે. જેમાં વચ્ચે પાંચ દર્શન એટલે મંગળા, બાલ ભધ,શ્રીનગર ભોગ, ગવન ભોગ અને રાજભોગનો ભક્તોને લાભ મળે છે. બપોરે લગભગ ૪:૧૫ થી ૭:૩૦ સુધીના સમયમાં ઉસ્તાપન, શ્યાન અને સખડી ભોગના દર્શનનો ભક્તોને લાભ મળે છે. મંદિરની બાંધણીની વાત કરીએ તો અંદરથી જૂનો પુરાણો ગોખ છે, અને બહારથી વિશાળ મંદિરના દર્શન થાય છે, ઘણી વખત ભાવિક ભક્તોની વધારે ભીડ હોવાથી તેઓ જે અંદર ભગવાનના દર્શન નથી કરી શક્તા તેઓ માટે અરિસા તથા એલઇડી સ્ક્નિની વ્યવસ્થા પણ કરી છે.

ઉત્સવો ———–

ડાકોરમાં જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે.
“હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!”
અને “મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે!”
જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઊઠે છે.
જાણે દરેક ભક્તનાં હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુનઃપ્રાગટય થયું હોય તેવો માહોલ સર્જાય છે.

આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.

પ્રસાદી —————

મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

ડાકોરના અન્ય જોવાલાયક સ્થળ ——

[૧] ડંકનાથ મહાદેવ મંદિર
[૨] લક્ષ્મીજી મંદિર
[૩] બોડાણા-ગંગાબાઈ મંદિર
[૪] શ્રીજી બેઠક
[૫] શ્રીજી ચરણ
[૬]શંકરાચાર્ય મઠ
[૭] શ્રી મંગલસેવા ધામ
[૮] સત્યનારાયણ મંદિર
[૯] બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલો લીમડો
[૯] બિલેશ્વર જૈન મંદિર
[૧૦]દત્તાત્રેય મંદિર
[૧૧]મોટા હનુમાન
[૧૨]નરસિંહ મંદિર
[૧૩] ગોમતી ઘાટ
[૧૪] ગૌશાળા
[૧૫] ગોમતી નૌકાવિહાર
[૧૬] ગાયત્રી મંદિર
[૧૭] કમળ મંદિર
[૧૮] શેઢી નદી

ડાકોરના ગોટા પ્રખ્યાત છે. યાત્રાળુઓ ગોટાના પડીકાઓ લઇને ગોમતી તળાવના કિનારે મોજથી ગોટાનો આસ્વાદ માણે છે અને કચરો ગોમતી તળાવમાં નાખે છે. અહીં નાસ્તામાં ડાકોરનાં ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરનાં પ્રસિદ્ધ ગોટાનો ટેસ્ટ જરૂર કરે છે. હવે તો ડાકોરમાં લોકોને આર્કિષત કરવા માટે અન્ય નાનાં-મોટાં મંદિર પણ બનાવવામાં આવ્યાં છે.

ડાકોર જાણીતું છે એના પ્રખ્યાત મગનવલ્લભના ગોટા માટે આ ગોટા દહીં સાથે ખાવાની મજા કંઈ ઓર છે અને મંદિરનો પ્રસાદ મગસ એ પણ બહુજ સરસ હોય છે અભાર મીઠાઈ તરીકે પણ મળે છે. ડાકોરમાં મોટા હનુમાનનું મંદિર , ગોમતીઘાટ , ગાયત્રી મંદિર ,  કમળ મંદિર બોડાણા મંદિર અને અનેક મહાદેવનાં મંદિર જોવાલાયક છે. ડાકોરના ગોમતી તળાવમાં મોટાંમસ કાચબો અને માછલીઓ વચ્ચે રમાતી સંતાકુકડી પણ જોવાની મજા આવે તેવી છે. હવે ડાકોરમાં સસ્તા દરે ગોમતી તળાવમાં બોટિંગની પણ વ્યવસ્થા છે
આજુ બાજુ સરસ બેસવાની જગ્યા સાથેના ઘાટ પણ છે, પણ ગંદકીનો પાર નથી !!!!! ડાકોરમાં રહેવા માટે પુનિતઆશ્રમ ઉત્તમ જગ્યા છે હવે તો પદયાત્રીઓને લીધે રસ્તા પર સરસ રહેવાં જમવાની વ્યવસ્થા છે
એક સમયે ડાકોરનું રેલ્વે પ્લેટફોર્મ ભારતનું ત્રીજા નંબરનું લાંબામાં લાંબુ પ્લેટફોર્મ હતુ અને હા ડાકોર શેઢી નદીને કિનારે આવેલું છે. ત્યાં દર્શનાર્થે જાઓ તો ત્યાંથી ૧૨ કિલોમીટર દુર ગળતેશ્વર જવાનું ભૂલતાં નહીં !!!!

ડાકોર એ માત્ર દર્શન કરીને નીકળી જવાનું યાત્રાધામ નથી એને માણવા માટે ડાકોરની ગલીઓમાં ફરવું પડે અનેક મંદિરો જોવા પડે અને એનું પવિત્ર વાતાવરણ અનુભવવું પડે એને આત્મસાત કરવું પડે તો જ ખબર પડે કે ડાકોર ખરેખર કેવું છે તે !!! ડાકોર એકવાર નહીં અનેકોવાર જવાય જ !!!
જાઓ અને માણો !!!

——– જનમેજય અધ્વર્યુ

??????????

error: Content is protected !!