ગામડાંઓની ભજનમંડળી ઓનો રસપ્રદ ઇતિહાસ

આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર કરાવેલ ‘ભગવદ્ગોમંડલ’ના નવ ગ્રંથો પર નજર કરવી પડે. ઉ.ત. એક શબ્દ લઈએ ‘ભજન’. ભજન સંદર્ભે કેટકેટલા શબ્દો સાંપડે છે ? ભજન એટલે ઈશ્વર સ્મરણ, સ્તૃતિ, પ્રાર્થના, ભક્તિ, નામસ્મરણ. બીજો અર્થ છે પદ, ગરબી, લાવણી વગેરે ઈશ્વર સંબંધી કવિતા ભક્તિનું કાવ્ય કે ગાન.

ભજનિયાં અર્થાત્ ભજનનાં ગીત, કીર્તન, ભજનમાં વગાડવાના કાંસીજોડાં, કરતાલ વગેરે. ભજનિયા સંભળાવવા-ગાળો ભાંડવી, ભજન સાથે જોડાયેલા શબ્દો – ભજનિક – ભજન કરનાર, ભજન કીર્તન, ભજનાનંદ, ભજનાવલિ, ભજનમંડળ, ભજનભવન, ભજનિયો, ભજની (ભજન કરતાં હાથમાં ફેરવવાની માળા), ભજનીય, ભજનોપદેશક (ભજન દ્વારા ઉપદેશ દેનાર) ઈત્યાદિ, પણ મારે આજે વાત ઉઘાડવી છે ગુજરાત સૌરાષ્ટ્રના ગામડાંઓની ભજન મંડળીઓની.

જૂના જમાનામાં આજના જેવા રેડિયો, ટી.વી., ફિલ્મો, સીડીઓ અને પ્રચાર માધ્યમોની ભરમાર નહોતી ત્યારે કુદરતના ખોળે વસેલાં ગામડાંઓની ગ્રામપ્રજાના નિજાનંદ માટે સ્વયંભૂ રચાયેલી ભજન-મંડળીઓ ઠાકર મંદિરે, ચોરે કે હનુમાનજીના ઓટે બેસીને રાતવરતના ભજનવાણીની ઝૂક બોલાવતી. રાત ઝમઝમઝમ વહેતી જાય. ગળતી રાતે ભજનિકોના તંબૂરના તાર પરથી ટપકતાં નરવા-સરવા સુરિલા સાદે ગવાતાં ભજનો ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના માટે તો હતાં જ પણ એમાં મોંઘો મનખાદેહ મળ્યો છે તો પ્રભુભજન કરીને, આત્મચિંતન કરીને પુણ્યનું ભાથું બાંધવાની વાત આવે. એમાં પરોપકારનું, સમાજ સુધારણાનું અને સદ્વિચારો માટેના ઉપદેશનું ઝીણુંઝીણું જંતર સાંભળવા મળે. આપણે જેમને અભણ ગામડિયાઓની વાણી કહીને અવગણીએ છીએ એમની પાસે ભજનોનો કેવો ભરપૂર ભંડાર ભર્યો છે! લોકકંઠે ગવાતાં ભજનોના પ્રકારો પણ કેટકેટલાં !

૧. સંધ્યા ૨. આરતી ૩. રામગરી ૪. કીર્તન ૫. પદ ૬. ધોળ ૭. કાફી ૮. ચાબખા ૯. સોળા ૧૦. સલોકા ૧૧. સરજુ ૧૨. આરાધ ૧૩. આગમ ૧૪. કટારી ૧૫. પ્યાલો ૧૬. આંબો ૧૭. ઝાલરી ૧૮. બારમાસી ૧૯. બંગલો ૨૦. ચૂંદડી ૨૧. ચાદર ૨૨. ચરખો ૨૩. માળા ૨૪. મોરલો ૨૫. હેલો ૨૬. સાવળ ૨૭. આરણ્યું ૨૮. છીપા ૨૯. પ્રાર્થના ૩૦. ભમરો, ૩૧. અવળવાણી ૩૨. પ્રભાતી ૩૩. પ્રભાતિયાં વગેરે. સૌરાષ્ટ્રમાં ગવાતાં ભજનો સંધ્યાથી શરૂ થાય અને વહેલી સવારના મોં સૂઝણા વેળાએ પ્રભાતિયાથી પૂરાં થાય. વરસોથી ચાલી આવતી આ પરંપરા છે. ડાયરાના કામોમાં સૌ પ્રથમ વિઘ્નહર્તા દુંદાળાદેવ ગણેશના ભજનથી એનો આરંભ થાય. સરજુ આરણ્યું રબારીઓમાં ગવાય છે. એના સૂરો સંભળાય પણ શબ્દો આપણને ન સમજાય તેવાં. વિદ્વાનો માને છે કે આ સરજુગાન સામવેદનું સંગીત છે. હજારો વર્ષથી આ પરંપરા રબારીઓએ જીવની જેમ જતન કરીને જાળવી રાખી છે. ગામડાઓમાં માતાનો માંડવો નંખાય ત્યારે માચી માથે બેસીને રાવળદેવ ડાકલા માથે આરણ્યું ગાઈને મેલડી, શિકોતર વગેરે માતાઓને આહ્વાન કરે છે. સાવળો ગાય છે. આ પરંપરા પરિવર્તનોની વચ્ચે પણ જળવાયેલી જોવા મળે છે. અહીં મારે વાત કરવી છે ગુજરાતની વિવિધ જ્ઞાતિઓની કેટલીક ભજનમંડળીઓની. સુરેન્દ્રનગરના માલધારી ભરવાડોની ભજન મંડળી શક્તિપરા હનુમાજીના ઓટે ભજન માટે દર શનિવારે ભેગી થાય છે.

સૌરાષ્ટ્રમાં તો ભાગ્યે જ કોઈ ગામ બાકી હશે જ્યાં ભજન મંડળી ન હોય, જૂનાગઢના ભવનાથના મેળામાં તો સાધુ સંતો અને ગામોગામથી ભજન મંડળીઓની રાવટિયું પડે, સવારોસવાર સુધી સંતવાણીના મધુર સ્વરો, દોડક (તબલાં)ની થાપ અને મંજિરાના રવ સંભળાય. ઉગતા ભજન ગાયકો અહીં આવીને ભજન ગાવા બેસી જાય. સાંભળનાર ભાવવિભોર બની જાય. ભજનાનંદનો કેફ એવો છે. જાણીતા ભજનગાયકો આ મેળામાં આવવાનું ભાગ્યે જ ચૂકે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અડાલજ, કુડાસણ, ઉવારસદ, શાપુર, કોલવડા, વાવોલ, પુંધરાસણ વગેરે ગામોમાં ઠાકોર ભાઈઓની ભજનમંડળીઓ જોવા મળે છે. આ બધી મંડળીઓમાં સૌથી જાુદી તરી આવતી પોર (જિ. ગાંધીનગર) ગામના ઠાકોરોની ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે જોડાયેલી ભૂંગળ ભજન મંડળી, સામાન્ય રીતે ભજન મંડળીના વાદ્યોમાં સૂર માટે એકતારો, ક્યારેક સિતારી, હાર્મોનિયમ, દોકડ અને મંજિરા હોય. ‘પોર’ની ભજન મંડળીમાં જૂના કાળે ભવાઇમાં વપરાતાં પખાવજ, અને ભૂંગળ તથા મંજિરા ઉપયોગમાં લેવાય છે. આ મંડળી મંદિરોના ઉત્સવોમાં, જૈનોના અને લગ્નના વરઘોડામાં કાર્યક્રમો આપવા જાય છે.

સો વરસ જેટલાં જૂના પોર ભજન મંડળમાં પખવાજી છે. ભૂંગળિયા-ભૂંગળવાદકો છે. (ભૂંગળ વગાડતા શીખવાની કળા ઘણી અઘરી છે. બધા ભૂંગળ નથી વગાડી શકતા.) આઠેક જણ મંજિરાવાદકો છે. તેમનો પહેરવેશ પરંપરાગત છે. માથે સાફો સફેદ અગરખું અને ધોતી પહેરે છે. અંગરખા માથે રંગીન બંડી પહેરે છે. ભજન ગાવા બેસે ત્યારે ગોળ મીંડલું વળીને બેસે. વચ્ચે પખવાજી અને કોરેમોરે બે ભૂંગળિયા બેસે. ફરતા ફરતા મંજિરાવાદકો બેસે. ગણપતિની સાખીથી ભજન શરૂ થાય.

ગવરી તારા પુત્રને
સમરે મધુરા મોર,
દિએ સમરે વાણિયા
ને રાતે સમરે ચોર

* * *

ગુરૂ ગુરૂ સબ કહે
ગુરૂ કૈસા જગ ભરમાયા,
ગુરૂ હૈ સબસે ન્યારા
તાકા ભેદ કોઈ સંતને પાયા

* * *

ત્રણ રે પાંદાનો ગુરૂ મારો વડલો રે ઊગ્યો
ચોથા રે પાંદાની ગુરૂ મને ખબર્યું નથી
પે’લા રે પાંદામાં ગુરૂ આકાશ સમાણા
આકાશ સમાણા નવ લાખ તારા સમાણા
બીજા રે પાંદામાં ગુરૂ પાતાળ સમાણા
પાતાળ સમાણા, વસિયે નાગ સમાણા
ત્રીજા રે પાંદામાં ગુરૂ નવખંડ ધરતી સમાણી
ધરતી સમાણી આખું જગ સમાણું
ઓતર દિશાથી એક જોગીડો આ’યો
જોગીડો આયો સાથે તુંબડી લા’યો
એ રે તુંબડીમેં આખો વડલો સમાણો.

એક પૂરું થાય ન થાય ત્યાં તો સમૂહમાં બીજું ભજન શરૂ થાય

આવો આવો ને મારા રઢિયાળા
રણછોડ રે
વા’લા તમારી જોઊં છું વાટલડી રે
કાચી માટીની ઇંટલડી પડાવો રે
વાલા તમારા મંદિરિયા ચણાવો રે
લીલાપીળા વાંસડિયા વઢાવો રે
વાલા તમારા મંદિરિયા શણગારો રે
કંકુ કેસરની ગાર્યો નંખાવો રે
વાલા એમાં ઓકળિયું પડાવો રે
આસોપાલવની પાનસેરો મંગાવો રે
વાલા તમારા ઘરે તોરણિયા બંધાવો રે
વાલા તમારી જુગતી જોયા જેવી રે
વાલા તમારા નવખંડ રહી ગ્યા નામ રે.

* * *
ભજનની માલીપા અવળવાણીની સાખી આવે, કબીરના દૂહા આવે, ભોજા ભગતના ચાબખા અને અખાના છપ્પાય આ અભણ ઠાકોરોના હૈયે અને હોઠે રમતા સાંભળવા મળે.

દાતણ કર્યે દરિદ્ર વસે,
નાહ્યે નખોદ જાય
નાહી ધોઈને તિલક કરે એનું જડામૂળથી જાય.

નવાઈ પમાડે એવી વાત છે. દાતણ કરવાથી દરિદ્રતા-ગરીબાઈ આવે. નહાવાથી નખ્ખોદ જાય. નાહી ધોઈને તિલક કરે એનું બધું જડમૂળથી જાય. સાખીનો રચયિતા આવી અવળી સલાહ થોડો જ આપે ? દાતણ કરવા માટે લીલા ઝાડની ડાળી કાપવાથી કર્મ બંધાય છે. શરીરને રોજ સ્નાન કરાવો ને દિવસમાં દસવાર ટીલાંટપકાં કરો તોય એક દિવસ મરી તો જવાનું છે. નશ્વર દેહ નાશવંત છે. માટે હરિભજન કરો, ભજનની જ્ઞાનગંગામાં સ્નાન કરો. સદ્ગુરૃને ઓળખો. એના શરણે જાવ. એ ગુરૂ જ તમને ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરાવશે. આ ગુરૂ ગામની વાત છે ભાઈ.

માયા તજે મુરખો, ધન ભેગું કરે ભૂત,
બેની વચ્ચે રહીને રમે ઈ મોટો અવધૂત

મળનારી માયાને તજી દે ઈ માણસ મુરખામાં ખપે છે. અપાર સંપત્તિ-ધન ગાંડાની જેમ ભેગું કરે છે તે ભૂતમાં ખપે છે. આ બેની વચ્ચે રહી જે મધ્યમમાર્ગી બને છે તે સાચો અવધૂત ગણાય છે. સાખીઓ વ્યવહાર જ્ઞાન આપી શાંતિથી જીવવાનો સંદેશ પણ આપે છે.

એક પછી એક ભજનની ઝૂક બોલવા માંડે મંજિરા-વાદકોમાંથી બબ્બે જણ ઊભા થઈને મંજિરા વગાડતાં વગાડતાં ભાવાવેશમાં આવીને નાચવા માંડે. ચલતીની રમઝટ પછી વળી વચ્ચે વચ્ચે હાસ્યરસની સાખીઓ બોલાય ને ભજનની સરવાણી આગળ વહેવા
માંડે ઃ

ઝીણી ઝીણી મોરલિયું વાગે છે
મોરલિયો વાળા કાન
મોરલિયું વાગે છે.
* * *
ભૂખે મરતો ભગત થયો
કાનમાં ઘાલી કડી,
અખો ભગત કહે છે જુઓ
ભાઈ ચકલી ફૂલેકે ચડી….
ઝીણી ઝીણી મોરલિયું વાગે છે
મોરલિયો વાળા કાન
મોરલિયું વાગે છે
* * *

કાળોજી કટારી રાખે, કુકડવેલા કાપે,
ઉગમણી બૂમ પડે તો આથમણો ભાગે. ઝીણી ઝીણી….
* * *
પાનસે રૂપિયાની બૈરી લાવ્યા તા’ણે
એનામાં અક્કલ નઇં,
સિમાડે બાંધ્યું છાપરું
તાંણે જંતર વગાડતી જઈ….ઝીણી ઝીણી….
* * *

આજથી સવાબસો વર્ષ પૂર્વે છપૈયાથી નીકળીને સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી પર આવ્યા ને અજ્ઞાનતામાં સબડતી પ્રજાને લૂંટફાટ, ચોરી, જુગાર, દારૂ જેવા વ્યસનો છોડાવીને સત્સંગી ભણી વાળ્યા. એ સમાજ સુધારણાનું કામ આ ભજનમંડળીઓ આજેય ભજનો દ્વારા સ્વયંભૂ રીતે કરે છે.

સાખી ઃ
બે રૂપિયાનો દારૂ પીધો, લૂગડાંનું ઠેકાણું નઇં,
સવારે ઊઠીને જોયું તો એનું માથું ગટરની મઇં….
* * *

છોડી દે દારૂવાળી પ્યાલી દારૂડિયા છોડી દે દારૂની પ્યાલી
તારું ઘર થાશે ધૂળધાણી દારૂડિયા….

પોતાના છોકરાં ભૂખે મરે ને બીજાનાં છોકરાં જીવાડે
પરનારીની સંગે ફરતો પોતાની નારીને નથી ગણતો દારૂડિયા….

પંડના છોકરાં ઘેરઘેર ભટકે કોઈ ઊછીનું ન આલે
પોતાની નારી ભૂખામણ દે તો ખાય લાકડીનો માર દારૂડિયો….

હાટ બજારે તું વ્યવહાર ગુમાવે, ઈજ્જત આબરૂ ગુમાવે
હાથે કરીને તું જેલ ભોગવે, વેવાઈને જામીન કરાવે …દારૂડિયા

પોતાના કુટુંબમાં કલેશ કરીને ભાઈઓમાં કુસંપ કરાવે
રવજીરામ ચરણે દાસ જીવો કહે છેલ્લી શિખામણ સાચી. દારૂડિયા

છેલ્લે ભજન મંડળીના આગેવાન સાખીમાં પોતાની ઓળખ પણ
આપી દે.

ગાંધીનગર જિલ્લાનું માનવી, મોર મારું ગામ.
આનંદને માટે આવિયો મફાજી ઝાલા મારું નામ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!