જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ

‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ હવે આપણાં બાહુબળની, તીર, તલવાર, ભાલાં, બરછી અને કટારીની તાકાત કોને બતાવશું ? એવા વિચારે રોઈ પડ્યા હતા. જૂનાકાળે લોકજીવનમાં બંદૂકો પ્રવેશ પામી તે પહેલાં યુદ્ધ-ધીંગાણાંમાં આ બધાં શસ્ત્રો ભરપેટે વપરાતાં. આ શસ્ત્રો વાપરવાની કળા અને આવડતની સાથોસાથ એમાં ભૂજાબળ અને કાંડાનું કૌવત મહત્વનું પરિબળ બની રહેતું. પણ જે દિ’ કાળાડાચાળી કાળમુખી, બંદૂકો આવી એણે આપણા બહાદૂરોનું પાણી ઉતારી નાખ્યું. ધરતી માથે પાટું મારીને પાણી કાઢનારા નરબંકાઓ આ વસવસાને લઈને રાતા આંહૂડે રોઈ પડ્યા હતા. બંદૂકો આવતાં બહાદુરીનો જાણે કે આખો યુગ આથમી ગયો.

હથિયારોના બે પ્રકારો આપણે ત્યાં જાણીતા છે. શસ્ત્ર અને અસ્ત્ર. શસ્ત્ર એટલે તલવાર, ભાલો, સાંગ, કટાર, જમઘર, વગેરે, જેને હાથમાં લઈને લડી શકાય છે. અસ્ત્ર એટલે સુદર્શનચક્ર, બરછી, તીર, બંદૂક જેને દૂર સુધી ફેંકીને શત્રુને મારી હણી શકાય છે. બંદૂક-બંઘૂક એ એક અગ્ન્યસ્ત્ર છે. દારૂ ભરીને ગોળી ઉડાડવાનું નલિકાયંત્ર છે. આ શબ્દ તુર્ક અથવા ઇરાનીઓને જાણવામાં ન હતો. આફ્રિકન અરબી શબ્દ બંદુકિય્યાનો અર્થ વેનિસનું એવો થાય છે. અગાઉ આ શબ્દ એક પ્રકારના બાણને માટે વપરાતો, પણ આજે એનો અર્થ બંદૂક એવો થાય છે. કારણ કે ઇજિપ્ત, મોરોક્કો અને બાર્બરીના આરબો પોતાને માટેનાં હથિયારો વેનિસથી મંગાવે છે.

ઇતિહાસ એવું ભણે છે કે ભારતમાં બંદૂક અને તોપનો ઉપયોગ મોગલોના આગમન સાથે શરૂ થયો; પણ પ્રાચીન ભારતના લોકો દારૂના ઉપયોગથી પરિચિત હતા જ. અગ્નિપુરાણ, રામાયણ અને મહાભારતમાં વર્ણવેલાં આગ્નેયાસ્ત્ર અને દિવ્યાસ્ત્રોની કથાઓને બે ઘડી કલ્પનાનો ફાલ માની લઈએ તો પણ શુક્રાચાર્ય રચિત ‘શુક્રનીતિસાર’ ગ્રંથની ઉપેક્ષા કરી શકાય એમ નથી. એ પ્રાચીન ગ્રંથમાં બંદૂકના પ્રકાર, એને વાપરવાની પદ્ધતિ તથા દારૂ બનાવવાની રીત વર્ણવાઈ છે. બંદૂક-લધુનલિકાના લક્ષણમાં એમ જણાવાયું છે કે ‘જેની નાળમાં સળંગ છિદ્ર હોય, જેના મૂળ અગ્ર ભાગમાં નિશાન લેવા માટેની માખી હોય, ઘોડો પડતાં અગ્નિ પ્રગટાવનાર દારૂ જેના કાનમાં ભર્યો હોય અને જેનો મૂળ ભાગ-કંદો સારી જાતના લાકડામાંથી બનાવેલો હોય અને જેની સાથે દારૂ ભરવાનું સાધન હોય તેને બંદૂક કહે છે. લશ્કરમાં પાયદળ, ઘોડેસ્વાર અને ઊંટસ્વાર સૈનિકો આવી બંદૂકો રાખે છે. સ્વરક્ષણ માટે, ગામના કે ખેતીના રક્ષણ માટે લોકો બંદૂકો રાખે છે, જ્યારે કેટલાક શોખને કારણે કે વટ મારવા ય બંદૂક રાખે છે. જાનમાં બંદૂક લઈને ફરનાર ‘બંદૂકધારી’ કહેવાય છે. બંદૂક ફોડનાર અને બંદૂક વડે નિશાન પાડનાર ‘બંદૂકબાજ’ કે ‘બંદૂકચી’ તરીકે ઓળખાય છે.

પ્રાચીનકાળથી યુદ્ધ, ધીંગાણે અને શિકારમાં વપરાતી બંદૂકો પ્રકારભેદે જામગરી, ઘૂફંગ, એકલ, જોટો, એકનાળી, રાયફલ, તમંચો, રિવોલ્વર તરીકે ઓળખાય છે. જામગરી દારૂવાળી બંદૂક છે. જૂનાકાળે બહારવટિયા એનો ઉપયોગ કરતા. એને ફોડવા માટે રૂની સળગાવેલી કળી-વાટ્ય વપરાતી. એકલ એ દારૂવાળી એક નાળીની બંદૂક છે. તમંચો દારૂવાળું નાનું હથિયાર છે. જોટો બંદૂકમાં દારૂ, ગોલી અને છરાવાળા કાર્ટીસ વપરાય છે. (બંદૂકના આવા જોટા જૂના કાળે ઇનામમાં પણ અપાતાં. મારા સ્વ. પિતાશ્રી દાનુભાઈ જાદવને લીંમડી સ્ટેટ તરફથી ઇંગ્લેન્ડની બનાવટનો આવો જોટો ઇનામમાં મળેલો.) લધુસંગ્રહ ગ્રંથમાં બંદૂકને માટે ‘બંઘુજીવ’, બંદૂક, જપા જેવા નામો મળે છે. એક સમયે ગુજરાતના પેથાપુર ગામમાં બનતી દેશી બંદૂક ‘પેથાપુરી ટંકારા’ના નામે ઓળખાતી.
ફાર્બસ રચિત રાસમાળાના જિર્ણશિર્ણ પાનાં ઉથલાવતાં જણાય છે કે મહંમદ બેગડાએ ઇ.સ. ૧૪૮૨માં કરેલા યુદ્ધમાં તોપ અને બંદૂકોનો ઉપયોગ કર્યો હતો. એમ કહેવાય છે કે ગુજરાત-સૌરાષ્ટ્રમાં લડાઈ પ્રસંગે બંદૂકોનો આ સૌ પ્રથમ ઉપયોગ હશે ! એ પછી બાબરે યુદ્ધમાં તોપ અને બંદૂકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો; બસ ત્યારથી બંદૂકો, તોપો અને દારૂગોળો યુદ્ધનું નિર્ણાયક પરિબળ બની રહ્યા અને શૂરવીરોના બાહુબળ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

કચ્છ-કાઠિયાવાડમાં જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ પણ આગવો અભ્યાસ માગી લે એવો રસપ્રદ છે. શરૂ શરૂમાં જે દેશી બંદૂકો બનવા માંડી એ ‘તોડેદાર બંદૂકો’ તરીકે ઓળખાતી. આવી બંદૂકોને ફોડવા માટે વડની વડવાઈ (તોડ)નો ઉપયોગ થતો. આ બંદૂકોમાં નાળ્યના ઉપરના ભાગમાંથી દારૂ ભરવામાં આવતો. એક ભડાકો કરવા માટે એની નાળ્યમાં ૧૫ ગ્રામ જેટલો દેશી દારૂ લોઢાના ગજથી ખાંડવામાં આવતો. પછી એના ઉપર કાગળ, ચામડું કે કપડાનો ડૂચો ભરાવી દેવામાં આવતો. બંદૂકમાં દારૂની સાથે કાંકરા, સીસાની કે લોખંડની ગોળીઓ ભરવામાં આવતી. આવી છ ફૂટ લાંબી બંદૂકો ઘોડી ઉપર મૂકાતી. લડાઈમાં ઘોડી ન હોય તો સિપાઈના ખભા ઉપર મૂકીને સળગતો તોડ દારૂમાં મૂકવાથી ભડાકો થતો. એના ઉપરથી તો કહેવત પ્રચલિત બની. રાજકારણીઓ અને સ્વાર્થી લોકો માટે કહેવાય છે કે ‘એ બીજાના ખભા ઉપર બંદૂક મૂકીને ફોડે છે. (બીજાના ભોગે પોતાનું કામ પાર પાડવું એના માટે વપરાય છે.)’ બાબર, હુમાયુ અને અકબર જે લડાઈઓ લડ્યા તેમાં મોગલો, રાજપૂતો અને દક્ષિણ ભારતના સુલતાનોએ તોડેદાર બંદૂકોનો બહોળો ઉપયોગ કર્યો હતો.

જહાંગીર (ઇ.સ. ૧૬૧૦-૧૬૨૭)ના સમયમાં ‘ચકમકી’ અર્થાત્‌ ‘પથ્થર કલા બંદૂકો’ આવી. આ બંદૂકો પ્રમાણમાં નાની હતી. તેને વાપરતી વખતે કપડાની વણેલી વાટનો ઉપયોગ થતો. મહારાજા રણજીતસિંહે પંજાબની સેનામાં ‘ટોપીદાર’ અર્થાત્‌ કેપવાળી, વઘુ માર કરનારી બંદૂકોનો સેનામાં ઉપયોગ કર્યો. તોડેદાર, ચમકીલી અને ટોપીદાર આ ત્રણેય બંદૂકો ‘ભરૂવા’, ‘દેશી’ કે ‘ઠોકણી’ના નામે ઓળખાતી, કારણ કે એની નાળ્યમાં દેશી પદ્ધતિએ ગજ વડે ખાંડી ખાંડીને દારૂ ભરવામાં આવતો. એ પછી ‘તમંચો’ અને ‘સિંહબચ્ચા’ (બ્લન્ડરબસ) નામની બંદૂક અસ્તિત્વમાં આવી. બ્લન્ડરબસનું મોઢું ખુલ્લું અને પહોળું હોવાથી ભડાકો-અવાજ મોટો કરતી પણ એનો માર ઓછો કરતી હોવાથી એ ઝાઝી લોકપ્રિય બની નહીં.

પંદરમી સદી પછી બંદૂકો વિદેશથી આવતી. આપણે ત્યાં દેશમાં બનતી આવી બંદૂકો ‘દેશી બંદૂકો’ તરીકે ઓળખાતી. સૌરાષ્ટ્ર, કચ્છના ગામડાગામના કોઠાસૂઝવાળા લુહારો આવી બંદૂકો બનાવતા. આવી સંધણ, આરબણ, ધમાસો, લાટો વગેરે નામે ઓળખાતી. એ ગામડાંઓમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા ત્યારે એમની પાસે ‘લાટો’ જાતની બંદૂક હતી એમ કહેવાય છે. બહારવટિયા વાલા નામોરી પાસેપણ આવી ઉત્તમ દેશી બનાવટની બંદૂક હતી. એ રોજ સાંજે બંદૂકને લોબાનનો ઘૂપ કરી એની પૂજા કરતો. દેશી બંદૂકો બનાવનાર લુહારોની કળાકારીગરી વિશે શ્રી મોટાભાઈ ગઢડાવાળાએ રસપ્રદ નોંધ આપી છે.

સૌરાષ્ટ્રમાં ઢસા પાસે પીપરલા ગામમાં વર્ષો પૂર્વે ૯૭ વર્ષની ઉંમરનો એક લુહાર ડોસો રહેતો. એ બંદૂક બનાવવાનો બાજંદો કારીગર હતો. તેઓ લોઢાની એક પખવાસી (જાડી પાટી) લઈ તેને તા દઈ બેવડી કરી, ફરી તા દઈ બેવડી કરી ત્રીજીવાર તા દઈ બેવડી કરી લોઢાના સળિયા ઉપર તે પાટી ગરમ કરીને વીંટી દેતા. તેને ફરી તા દઈ એક કરી નાખી ભૂંગળી બનાવી તેમાંથી દેશી જામગરીવાળી બંદૂક બનાવતા. આ બંદૂકની નળી સાત વેંત લાંબી રહેતી. બંદૂકનું મોઢું શરણાઈના ફોરણા જેવું રહેતું.પછી બંદૂકની કોઠી બનાવી તેના ઉપર સોનાના થાળ ભરતા. અર્થાત્‌ કેવડાવાળી ડિઝાઈન બનાવતા. સોનાના તાર તે નાળીમાં બેસાડી દઈ ભાત આપતા. આ દેશી બંદૂકનું નામ ‘સિસકન’ હતું. કંદો લાકડાની પીંજણ જેવો રહેતો. તેનો ઘોડો ચીપિયા જેવો રહેતો. બંદૂકના કાનમાં દારૂની ડગલી મૂકેલી હોય. તે કાન ફરતી ગાડાની મળીનો લોંદો ચોંટાડી ફરતી લાલ ચણોઠી મૂકેલી હોય. તેના માથે ઢાંકવા મીણનો સરખો બનાવાતો. આવી બંદૂકો બહારવટિયા ખાસ વાપરતા. દેશી પટારાને લાગેલાં પાંચ શેર વજનવાળા ખંભાતી કે અલીગઢના તાળાં આ બંદૂકથી તોડવામાં આવતા.

બીજી નાની બંદૂક ‘ધમાસા’ના નામે ઓળખાતી. તેની લંબાઈ દોઢેક હાથ જેટલી રહેતી. એનું મોઢું શરણાઈના ફોરણા જેવું પહોળું રહેતું. તેમાં દારૂ અને વાળા-ચૂંકું ભરી હિલોળા ખવરાવીને પછી ભડાકો કરવામાં આવતો. આવી બંદૂકો સૌરાષ્ટ્રમાં રડીખડી ક્યાંક ક્યાંક જોવા મળે છે.

અમારા ભાલપ્રદેશમાં લગ્ન પ્રસંગે વરરાજાની જાનમાં બે ચાર બંદૂકબાજો હોય જ. માંડવા પક્ષના જુવાનિયા તળાવની પાળે ઊંચા વૃક્ષ ઉપર ઉપરાઉપરી બે વાંસ બાંધી વાંસની ટોચે તીરકામઠી બાંધે છે. આ તીરકામઠીને દોરીને બદલે લોખંડનો વાળો બાંધી એની સાથે કાણું પાડેલી સોપારી લટકાવે છે. વાંસ, કામઠી અને સોપારી પવનમાં ઝોલા લેવા માંડે છે. એ વખતે માંડવિયા બંદૂકધારીઓને કહે છે ઃ ‘પહેલાં નિશાન પાડો પછી જાનને જમવા દઈશું.’ બંદૂકબાજો નિશાન પાડવા સાબદા થાય છે. ગામનો રખેહર બૂંગિયો ઢોલ વગાડેે છે. તળાવની પાળે ગામેળું ભેગું થાય છે. રીડિયામણ ને હોકારા પડકારાથી પાદર ગાજી ઊઠે છે. ધાણી ફૂટે એમ બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા માંડે છે. હવામાં ઝૂલતી સોપારીનું નિશાન ન પડે એટલે ગામના છોકરાંઓ બંદૂક લઈને વટ મારી ખાવા આવેલા બંદૂકબાજોની મશ્કરી કરવા માંડે છે ઃ ‘નિશાન પાડતા નો આવડતું હોય તો ખભે ભૂંભરા ભરાવીને હાલી શું નીકળ્યા છો ?’

બધા નિશાન માથે ભડાકા કરી કારતુસના હારડા ખાલી કરી નાખે પછી આકરુ ગામના મારા પિતાશ્રી ઘોડા ઉપર બેસીને બંદૂક હાથમાં લેતા. ઝાડ ફરતો આંટો મારીને એક જ ભડાકે વાંસને તોડીને કામઠી નીચે પાડતા. ૮૯ વર્ષે ગુજરી ગયા ત્યાં સુધીમાં નિશાન પાડવા કોઈ દિવસ બીજો ભડાકો નહોતો કર્યો.

જૂના વખતે રાજરજવાડાઓમાં શિકારનો શોખ ઘણો હતો. સૂરસિંહજી ઝાલાની જોરાળી બંદૂકનું વર્ણન મૂળીના કવિરાજ રવિરાજસિંહ ઢાયએ કાવ્યરૂપે કર્યું છે ઃ

ત્રૂટી જંગ બિચયાતે અરિઅનકી આયુ-ત્રૂટી
ફૂટી નાહીં જોર ત્યાં ભવાની જંગ જૂટી હૈ
લૂંટી લેત અરિયન પરક્રમ પલક હી મેં
ફૂટી જ્યૂં મંત્ર કી ગંભીર ગૂઢ ગૂટી હે
કહે રવિરાજ સાજ પ્રબળ સૂરજમલ
પેટી ત્યાં હી દેમ કરામત હૂંફી ફૂટી હે

કવિએ સૂરસિંહજીની બંદૂકને સંગ્રામમાં જૂટેલી કાલિકા, મૃત્યુમંત્રની ગુટિકા કરામતવાળી, સુવર્ણપેટી અને ઇન્દ્રના વજ્રની સૂંકરૂપે શત્રુના પરાક્રમને હરી લેનારી કહી છે. આવા રાજવીઓના શિકારના રાસડા પણ રચાયા છે તેમાં રાયફલની વાત આવે છે ઃ

રાયફલું લીધી બાપુએ હાથમાં
ખેલે કંઈ સાવઝના શિકાર રે
નટવરસિંહબાપુ, સૂતા સાવઝને
નહોતો મારવો

આપણું લોકસાહિત્ય બહારવટિયા, બહાદૂરી અને બંદૂક વગરનું નથી. સમસ્યાપ્રધાન દૂહામાં ય બંદૂકના હૂસાડા સંભળાય છે. ગુરૂ પ્રશ્ન કરે છે ઃ

અંબાડી અળખામણી, બંદૂક બગડી જાય;
દરજી કામ કરે નહીં, કહો ચેલા કેમ થાય.

બાજંદો-હુંશિયાર ચેલો બે શબ્દમાં એનો ઉત્તર આપે છે ઃ ‘ગુરૂજી ! ‘ગજ’ વિના. અર્થાત્‌ ગજ-હાથી વગર એકલી અંબાડી શોભતી નથી. અળખામણી લાગે છે. ગજ અર્થાત્‌ ઃ દારૂ ખાંડવાના સળિયા વગર બંદૂક ભડાકો કરવાના કામમાં આવતી નથી. કાપડ માપવાના ગજ વગર મેરઈ કાપડ માપી શકતો નથી.

બહાદૂર માણસના બાવડામાં બળ પૂરનારી બંદૂકની કહેવતો પણ કેટકેટલી મળે છે ? જુઓ (૧) ગાજરનું ગાડું ને બાર બંદૂકવાળા (૨) બંદૂક ખાવી – આપઘાત કરવો (૩) બંદૂક ચલાવવી – કોઈના પર ગોળીબાર કરવો, ભડાકે કરવો (૪) બંદૂક તાકવી – બંદૂક વડે નિશાન પાડવું (૫) બંદૂક બતાવવી – બંદૂક બતાવીને ધમકી આપવી (૬) બંદૂક ભરવી – ખૂબ ઉશ્કેરવું, લડવા માટે તૈયાર કરવી (૭) ભરી બંદૂકે આવવું-(ચડ્યા ઘોડે આવવું) કોઈને ડરાવવા માટે આવવું. ઉતાવળે આવવું (૮) બંદૂક ચલાવવી – બંદૂક વછોડવી

લોકજીવનમાં યુદ્ધ-ધીંગાણે, શિકાર-સહેલગાહે, પંડ, પશુઓ અને ખેતીવાડીના રક્ષણ માટે વપરાતી બંદૂક બહારવટિયા, જાનના વળાવિયા અને શોખના શાહજાદાઓનું માનીતું હથિયાર બની રહી છે. આજે એનો ઉપયોગ ઓસરવા માંડ્યો છે. જૂના કાળની અસલી બંદૂકો જોવી હોય તો જામનગર, રાજકોટ, જૂનાગઢ કે ભૂજ-કચ્છના સંગ્રહસ્થાનો-મ્યૂઝિયમોમાં જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!