સૌરાષ્ટ્રના રાજવીઓના સમયની શાહી બગીઓ

લોકજીવનમાં આવેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં લઇને કોઇ લોકકવિએ નિઃસાસો નાખતાં કહ્યું છે કે ઃ

ગયા ઘોડા ગઇ હાવળ્યો
ગયાં સોનેરી રાજ,
મોટર-ખટારા માંડવે
કરતાં ભોં ભોં અવાજ.

આજે તો કાઠિયાવાડી અશ્વો અને રજવાડી બગીઓનો યુગ સાવ જ આથમી ગયો છે. લોકજીવનમાંથી અશ્વો ગયા. એના શણગારો ગયા. બગીઓ ગઈ. લગ્નના માંડવે મોટર-ખટારાના પીં પીં પીં અવાજ સંભળાય છે. મોંઘા મૂલની મોટરો, મોટર સાયકલો અને એરોપ્લેનનો યુગ આવી ગયો છે. આ બધાં વાહનો જૂનાકાળે ભારતમાં નહોતાં ત્યારે આપણે ત્યાં જળ અને સ્થળ માર્ગના વાહનોમાં શક્ટ અર્થાત્ ગાડાં, રથ, વેલડાં, સગરામ, એકા, પાલખી અને ડોળી જેવાં વાહનો પ્રવાસમાં વપરાતાં. જળ વાહનોમાં નૌકાઓ, હોડીઓ, હોડકાં, તરાપા અને વહાણો વપરાતાં. આજે મારે વાત કરવી છે કાઠિયાવાડના રજવાડાઓમાં જૂનાકાળે પ્રવેશ પામેલી અને એ કાળે જાહોજલાલી ભોગવતી બહુમૂલી બગીઓની જાહોજલીની.

‘બગી’ અનેકાર્થી શબ્દ છે. બગીનો અર્થ થાય છે ઉચ્ચારનું સ્થાન. મોં, જીભ, નજર, બગલાની માદા અને સુંદર ઘોડાગાડી. વર્ષો પૂર્વે અમેરિકામાં એ હોર્સ-કાર્ટ તરીકે વપરાતી. તેને ચાર પૈડાં હતાં. તેને સામાન્ય રીતે એક કે બે ઘોડા જોડવામાં આવતા. બીજી બગી-ઘોડાગાડીને માત્ર બે પૈડાં રહેતાં. બગીનો ઇતિહાસ ૨૦૦ વર્ષ જેટલો પુરાણો છે.

સને ૧૮૨૦માં કલકત્તા અને ગોવિંદપુરા વચ્ચે પાકો રસ્તો બન્યો ત્યાં સુધી ઘોડાને વાહનમાં જોડવાનો કોઇ ખ્યાલ આવ્યો નહોતો. એ કાળે ઝડપી વાહનમાં પાલખીઓ હતી. મુસાફરી માટે પાલખીની માગ વધુ રહેવાથી તેને ઉચકનારા કહારો-ભોઇ મોંમાગ્યા દામ પડાવતા. લોકોની ફરિયાદ ધ્યાનમાં લઇને સરકારે પાલખીના ભાવ નક્કી કરી આપ્યા. કહારો નારાજ થઇને હડતાલ ઉપર ઊતરી ગયા. પ્રવાસનું સાધન મળવું મુશ્કેલ થઇ ગયું. કહારોની ધાકધમકીઓથી બ્રિટિશ રાજના અધિકારીઓ દબાઈ જાય તેવા ન હતા. એ વખતે એક અધિકારી મી. બ્રાઉન લો એ પોતાની પાલખીના પાયા કાઢી નાખી તેની જગાએ ચાર પૈડાં બેસાડી દીધા. પૈડાંવાળી ગાડી બની જતાં એને ખેંચવા માટે ઘોડાને જોડી દીધો. આમ ઘોડાગાડીનો જન્મ થયો. આ ગાડી એના શોધકની યાદમાં ‘બ્રાઉન બેરી કેરેજ’ના નામે ઓળખાવા લાગી.

આ પ્રયોગની સફળતાથી પ્રેરાઇને બીજા લોકોએ પણ ઘોડાગાડીની નવી ડિઝાઇનનો બનાવવા માંડી. ઘોડાગાડીઓ બજારમાં આવતાં પાલખીયુગ પૂરો થયો. એ કાળે સૌથી લોકપ્રિય મોડલ હતું ફીટન ગાડીનું, જે ખુલ્લી રહેતી. ઉપર છાપરાવાળી ગાડી વિકટોરિયાના નામે ઓળખાઇ. આ ગાડીઓ સાંજે ફરવા માટે વપરાતી. દેશપુકારી ગાડીની સાથે દસ સાઇસ દોડતા. ચૌધરી ગાડીમાં ચાર ઓસ્ટ્રેલિયન ઘોડા જોડવામાં આવતા. રાતવરતના તમામ ઘોડાગાડીઓ સાથે માણસો હાથમાં મશાલ લઇને નીકળતા. એ કાળે હોર્ન તો હતા નહીં એટલે આ માણસો અંદર બેઠેલા સાહેબનું નામ પોકારતા અને જાતજાતના અવાજ કરતાં જેથી પદયાત્રીઓ ચેતીને રસ્તામાંથી ખસી જતા.

‘જુરી’ ઘોડાગાડી ફકત ઉત્સવ કે લગ્ન પ્રસંગે જ વપરાતી. સંપત્તિનું પ્રદર્શન કરવાનું એ માધ્યમ બની રહી. સને ૧૮૫૦ની સાલમાં કલકત્તાથી કાનપુરની ટપાલો સૌ પ્રથમવાર ઘોડાગાડીમાં મોકલવામાં આવી હતી. ૨૦મી સદીની શરૂઆતમાં લોઢાના પૈડાં પર રબરનાં ટાયર ચડાવવામાં આવતાં એની ઝડપ બારથી ૧૫ માઇલ જેટલી થઇ અને પૈડાંનો અવાજ ઓછો થઇ ગયો. એ વખતે રજવાડાઓ પોતાના માટે સલૂન જેવી ઘોડાગાડીઓ બનાવતાં, જેમાં સૂઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી. આવી ઘોડાગાડીઓમાં મોંઘી સીટો બનાવવામાં આવતી. એના બારણાં પર ચાંદીના આકર્ષક પતરાં જડવામાં આવતાં. આવી ઘોડાગાડીને અંગ્રેજીમાં ટીક્કાગાડી કહેતા. આપણા લોકોએ એનું નામ ઠેરાવી દીધું ઠેકાગાડી. આમ બગીનો ઉદ્ભવ કહાર લોકોની પાલખીમાંથી તેમની આડોડાઇને કારણે થયો છે. એ પછી રજવાડાઓમાં પરદેશથી બગીઓ આવવાનો પ્રારંભ થયો. ગોંડલના ભૂતપૂર્વ રાજવી સર ભગવતસિંહજી રાતના જમી પરવારીને દસેક વાગ્યાના અરસામાં ઘોડાગાડીમાં બેસીને રાણીસાહેબા સાથે મંદિરે દર્શન કરવા નિયમિત રીતે જતા. આજે ગોંડલના નવલખા પેલેસમાં સર ભગવતસિંહજીના સમયમાં વપરાતી ૨૨ થી ૨૪ કલાત્મક ઘોડાગાડીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

જૂનાગઢના બાબી નવાબોના સમયમાં જૂનાગઢમાં એંશીથી સો જેટલી બગીઓ, ઘોડાગાડી અને ટપ્પા ભાડે ફરતા. ઇતિહાસની અનેક વાતો પોતાના કોઠામાં સંઘરીને બેઠેલા જૈફ વયના શ્રી કાનાભાઇ ડાંગર પાસેથી એક ઘટના સાંભળવા મળી. જૂનાગઢના નવાબ મહોબતખાનજીની નવાબીમાં અબ્દુલ કરીમ કરીને એક વેહિકલ ઇન્સ્પેકટર. એને ઓછો ફાંકો હોય ! એક દિ’ના સમે એણે જૂનાગઢના બધા ઘોડાગાડીવાળાને બોલાવીને હુકમ કર્યો ઃ ‘તમારી ઘોડાગાડીઓનાં પૈડાંની ધરીના બહારના છેડે હબ-કેપ ઉપર જર્મન-સિલ્વરની ડિશ જડાવી દ્યો, પૈડાં ઉપર પિત્તળનાં પતરાંના પંખા મુકાવો. રોજ એને ઘસીને પૉલિશ કરી ચકચકિત રાખો. ઘોડાના સામાનમાં મોવડ ઉપર પિત્તળના કૂબા જડાવો. એને રોજ પોલિશ કરતાં જાઓ. ઘોડાગાડીઓને રંગી નાખી અપટુડેટ બનાવો, તો જ તમારી ગાડી પાસ થશે. ગાડી પાસ નહીં થાય તો લાયસન્સ જપ્ત કરવામાં આવશે.’

એ કાળે રૂપિયો ગાડાના પૈડા જેવો મોટો હતો. ગરીબ ટપ્પાવાળા આટલો બધો ખરચ શી રીતે કરે ? વગવસીલાવાળાએ તો ઉછીના ઉધાર કરી પરાણે હુકમનું પાલન કર્યું. બાકીના નમૂડિયા શું કરે ? પોતે ખાય, ઘોડાને ખવરાવે કે ઘોડાગાડીયું ને રંગરોગાન કરાવે ? આવા પચાસ સાઇઠ ઘોડાગાડીવાળા હતા. એવામાં સોરઠના ચોકી નામના ગામે નવાબનો કેમ્પ પડેલો. એમના બંગલા બહાર બધા ઘોડાગાડીવાળા ટોળે વળીને આંટાફેરા મારે. નવાબસા’બના બંગલામાં ટપ્પાવાળાને જાવા કોણ દ્યે ? દરમિયાનમાં કોટડા ગામના તાજમી સરદાર અબુ પેંચ અબા ઉમરબીન સાલમ ત્યાંથી નીકળ્યા. એમને ખબર પડતાં નવાબ સા’બના કાને આ વાત નાખતાં કહ્યું ઃ

‘જૂનાગઢથી ટપ્પાવાળા હજૂરની સલામે આવ્યા છે. સવારના બહાર આંટાફેરા મારે છે. દરવાનો અંદર દાખલ થવા દેતા નથી.’

‘ટપ્પાવાલે યહાં કયૂં આયે ? અચ્છા અંદર બુલાવ.’

ટપ્પાવાળાનું ટોળું અંદર આવ્યું. એમના મોવડી બસીર મિયાંએ કુરનિસ બજાવી ફરિયાદ કરી….. પણ નવાબે સાંભળ્યું ન હોય એમ હૂકમ કર્યો ઃ ‘અબુ સબકો લડ્ડુ ખિલાવ.’

લાડવા ખવરાવીને પાછા બધાને બોલાવ્યા. એમની અરજ સાંભળીને નવાબે કહ્યું ઃ ‘જૂનાગઢ કે સબ ટપ્પેવાલે પાસ. મૈં બોલતા હૂં કી સબ ટપ્પેવાલે પાસ. અબ અબ્દુલ નાપાસ. વેહિકલ ઇન્સ્પેકટર અબ્દુલ કરીમ કો રખ્ખા કિસને ? ઇસકું બોલો જૂનાગઢ છોડ કર કહીં ઔર ચલા જાય.’ આમ સીધો ઓર્ડર જ ઠપકારી દીધો. આજની ઘડી ને કાલ્ય નો દિ’.

જૂનાગઢ રાજ્યમાં જૂનાકાળે રોલ્સ રોયસ કે મર્સીડીઝ કારની ભવ્યતાને ઝાંખી પાડે કે આકાશમાં ઉડતાં એરોપ્લેન કરતાં વધુ રોમાંચિત કરે એ એવી કલાત્મક અને આકર્ષક શાહી બગીઓ જોવા મળતી. ભારતની ગણીગાંઠી બગીઓમાંની એક એવી જૂનાગઢની બગીને સાત આઠ દાયકાથી જીવની પેઠે જતન કરીને જાળવી રાખી છે એવા અચુભાઈ બગીવાળા તરીકે જાણીતા ગુલામ મયુદ્દીન ખાન લોદી નવાબની બગી ચલાવતા. એમના માસા સાથે જતા ત્યારથી પંદરેક વર્ષની ઉંમરે બગીની માયા લાગી ગઇ. તેઓ આઠ દસ સભ્યોના પરિવાર સાથે એક ઓરડીમાં રહે છે. બાજુમાં એમણે બગી અને ઘોડાને રાખવા ‘બગીખાનું’ બનાવ્યું છે. એમની બગીની ખૂબીઓ વર્ણવતા શ્રી કે. એ. કરમદા કહે છે ઃ

આ શાહી બગીનાં ચાર પૈડાં સ્ટીલની ફ્રેમના બનાવેલાં છે, જેથી તૂટવાનો ભય ન રહે. પૈડાંની અંદરના બેરિંગ્સ પિત્તળના અને જાપાની બનાવટના છે. બગીમાં જસતની ધાતુનું કોતરકામવાળું બ્રિટિશ બનાવટનું બેનમૂન ફાનસ મૂકયું છે. તેમાં બેલ્ઝિીયમનાં રંગીન અનબ્રેકેબલ કાચ લગાડયા છે. કયાંય વેલ્ડીંગનો ટાંકો જોવા મળતો નથી. આ ફાનસનો સપ્તરંગી પ્રકાશ રાતવરતનો ભારે મોહક લાગે છે.

સાડા ચાર ફૂટ ઊંચી આ શાહી બગીમાં બેસવા માટે કોઇ વ્યકિત દરવાજો ખોલે કે તરત જ ચાર પગથિયાં આપોઆપ નીચે આવી જાય છે. બગીમાં ચાર વ્યક્તિ આરામથી બેસી શકે છે. સાગના લાકડા પરના અદ્ભુત જોડાણ ઉપર પિત્તળનાં પતરાંનું નયનમનોહર કંડારકામ કરેલું છે. આજે આ બગીમાં લેમ્પસ, ટયુબલાઇટસ અને ૪ પંખા ફીટ કરવામાં આવ્યા છે. તેમાં ૨૨૦ વો.નું જનરેટર પણ બેસાડયું છે. બગીની છત્રીને અદ્ભુત રીતે ગોળ આકાર આપી રોશનીથી મઢી લેવાઇ છે. જૂનાગઢની આ શાહી બગીની બાંધણી માડાગાસ્કરની સીમકોમ કંપનીએ કરી છે. ચાર ફૂટની ઊંચાઈવાળાં પૈડાં પર ૧૩ ફૂટ ઊંચી બગી બનાવવાનું શ્રેય વડોદરાના કોઠાસૂઝવાળા અબ્દુલભાઇ મિસ્ત્રીના ફાળે જાય છે. સતત એક વર્ષની જહેમત બાદ આ બગી તૈયાર કરવામાં આવી હતી. બગીને બે આગળ અને બે પાછળ એમ ચાર ઘોડા જોડી શકાય છે. બગીનું કુલ વજન ૮૮૫ કિલોગ્રામ છે.

કહે છે કે એન્ટીક પીસ સમાન શાહી બગી પોરબંદર રાજ્ય પાસેથી અચુભાઇએ ખરીદી હતી. પોરબંદરના મહારાજાને આ બગી બ્રિટનના મહારાણી તરફથી ભેટ મળી હતી. અનેક વિશેષતાઓથી મઢેલી જૂનાગઢની આ શાહી બગીમાં ૭૦૦ થી વધુ વરરાજાઓ સવારી કરી ચૂકયા છે. એટલું જ નહીં પણ ગુજરાતી, હિંદી ફિલ્મોમાં ચમકેલી આ બગીની સવારી ઐશ્વર્યા રાય પણ કરી ચૂકયાં છે. આવી બગી નેપાળના મહારાજા પાસે હોવાનું શ્રી અચુભાઈ જણાવે છે. બગીમાં જોડાતા કાઠિયાવાડી અને સંધી જાતના જાતવાન અશ્વોની દેખભાળ લોદી પરિવાર એમના ઘરના સભ્યોની જેમ કરે છે.

સને ૧૯૭૦ સુધી માંગરોળના માર્ગો ઉપર પાંત્રીસથી ચાલીસ ‘ટમટમ’ ઘોડાગાડીઓ દોડતી રહી હતી. માંગરોળમાં જન્મેલા અને વર્ષોથી મુંબઇ- કલકત્તા જેવા શહેરોમાં સ્થાયી થયેલા શ્રીમંતો શેઠિયાઓ જ્યારે અહીં ફરવા આવે ત્યારે પોતાની સવારી માટે વિકટોરિયા શોધતા. જેમની પાસે જૂની બગીઓ રહી ગઇ છે તેઓ લગ્ન પ્રસંગે ભાડે આપીને રોટલો રળે છે.

રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજી જાડેજાના પરિવારમાં આવી એન્ટીક બગીઓ જળવાઇ રહી છે.

લેફ્ટ હેન્ડ ડ્રાઇવ
ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ભારતમાં લેફટ હેન્ડ ડ્રાઇવની પ્રથા કઇ રીતે શરૂ થઇ તે જાણીને તમોને આશ્ચર્ય થશે. આ પ્રથા ઘોડાની બગીના સમયથી શરૂ થઇ છે જયારે બગીનો ચાલક ડાબી બાજુ ગાડી ચલાવતો, જેથી પ્રવાસ દરમિયાન કોઇ હુમલો કરે તો તેનો જમણો હાથ હુમલો ખાળવા છૂટો હોય.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!