અમદાવાદનો ઇતિહાસ 

અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થવાથી દેશભરમાં અમદાવાદને લીધે ગુજરાતનું ગૌરવ વધ્યું છે એમાં કોઇ શંકાને સ્થાન નથી પણ એ વાત પણ એટલી જ મહત્વની છે કે,અમદાવાદને આ દરજ્જો મળ્યો તેની પાછળ સદીઓ જુનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે અને તે વિના આ દરજ્જો મળવો શક્ય નથી. એ ઇતિહાસ ભણી એક ડોકિયું કરતા માલુમ પડે કે છેક હજારેક વર્ષથી આ શહેરનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે.

અમદાવાદની સ્થાપના ઇ.સ.૧૪૧૧માં મુઝફ્ફર વંશના બીજા રાજા અહમદશાહે કરી હતી. જો કે,એ પહેલાં પણ આ શહેરની આસપાસ રાજકીય ઘટનાઓ બની ચુકી હતી. સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતા આશા નામના ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાળ સેનાને હાર આપી હતી. ભીલો જ્યાં રહેતા એ વિસ્તાર આશાવલ [કે આશાપલ્લી] નામે ઓળખાતો.

આજે લગભગ બધાં લોકો માને છે કે,આશા ભીલના એ આશાવલનું જ કર્ણદેવે નવી નગરી કર્ણાવતીમાં રૂપાંતરણ કર્યું હતું. પણ સાચી વાત એ છે કે, કર્ણદેવે આશાવલને જરાયે કનડગત નહોતી કરી ! તેને બદલે તેણે થોડે દુર નવી નગરી “કર્ણાવતી” નું સર્જન કર્યું હતું ! માટે “આશાવલ” અને “કર્ણાવતી“ને કોઇ જ સબંધ નથી એ જાણી લેવાની જરૂર છે.

સોલંકીવંશ પછી ગુજરાત પર વાઘેલાવંશનું શાસન આવ્યું. ગુજરાતના છેલ્લા વાઘેલાવંશી રાજપુત રાજા કર્ણદેવ વાઘેલાને અલાઉદ્દીનના લશ્કરે પરાસ્ત કર્યો. અણહિલપુર પાટણને રોળી નાખ્યું અને ગુજરાત પર દિલ્હી દ્વારા ખીલજીવંશનું શાસન આવ્યું. આમ,દિલ્હી સલ્તન્ત દ્વારા ગુજરાત પર સુબા નીમાતા અને શાસન થતું.પણ દિલ્હી પર જ્યારે તઘલક વંશ ચાલતો હતો ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર રીતે ગુજરાતનો બાદશાહ જાહેર કર્યો અને પરીણામે ગુજરાત પર સત્તાવાર રીતે મુસ્લીમ શાસનનો આરંભ થયો.

Ahmedabad history

આ મુઝફ્ફરશાહનો પુત્ર એટલે અહેમદશાહ. અત્યાર સુધીના બધાં રાજાઓ કમ સુબાઓ અણહિલપુરમાં જ રહી શાસન કરતાં. પણ અહેમદશાહે ગુજરાત માટે નવા પાટનગરની શોધ આદરી અને એક દિવસ સાબરમતીને કાંઠે તે આ શોધ માટે રખડતો હતો.

લોકવાયકા એમ કહે છે કે,તેણે એક સસલાંને કુતરાનો પીછો કરતાં જોયું. ઊભી પૂંછડીએ કુતરો નાસતો હતો અને સસલું તેની પાછળ “માટી થાજે !”નો લલકાર ફેંકીને દોડતું હતું ! અહમદશાહને થયું કે,જે ભુમિમાં આવું શૌર્ય હોય,આવી તાકાત હોય એ ભુમિ જ મારા પાટનગર માટે યોગ્ય છે ! આથી કહેવાયું કે – “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા”. જો કે,આવી દંતકથા માનવાનો કોઇ અર્થ નથી. પહેલી નજરે જોતા કહી શકાય કે આ ખોટું છે.

પણ અમદાવાદનો પાયો અહેમદશાહે નાખ્યો એ સાચું. ૨૬ ફેબ્રુઆરી,૧૪૧૧ના રોજ માણેકબુર્જ પાસે અહેમદશાહે આ શહેરનો પાયો નાખ્યો અને નામ પોતાના નામ પરથી “અહેમદાબાદ” રાખ્યું જે પાછળ જતાં “અમદાવાદ” તરીકે ઓળખાયું. અહેમદશાહે કરેલા ઘણાં ઐતિહાસિક બાંધકામો આજે પણ શહેરની રોનક જેવા લાગે છે. વળી,”જીજીયાવેરો” નાખન પણ આ જ બાદશાહ હતો જેણે હિંદુઓને પુર્ણરીતે રહેંસી નાખ્યા હતા. વેરો ના ભરી શકનાર હિંદુ કુટુંબોની સ્વરૂપવાન સ્ત્રીઓને તે ઉઠાવી લેતો અને એનો ઉપયોગ કરતો. ખીલજીઓથી ચાલ્યાં આવતા ધર્મપરીવર્તનમાં પણ અહેમદશાહે વધારો કર્યો હતો. બળજબરીથી હિંદુઓને મુસ્લીમ બનાવતો.

ત્યારપછી અહેમદશાહનો દીકરો મહેમુદ બેગડો ગાદી પર આવ્યો. [બેગડો – એણે બે ગઢ જીતેલા એટલે આ નામ પડેલું. બીજો અર્થ : તેની લાંબી ને ભરાવદાર મુછો બળદના શિંગડા જેવી હતી માટે આ નામ પડ્યું.બેગડો = બળદ !] આ મહેમુદ બેગડાએ ઇ.સ.૧૪૮૭માં શહેરને આક્રમણો સામે સુસજ્જ બનાવવાનો નિશ્વય કર્યો. તેમણે શહેરની ફરતે કોટ બાંધ્યો.

આ કોટ ૧૦ કિલોમીટરની પરિમીતી ધરાવતો હતો. તેમાં બાર દરવાજા હતાં [આ બાબતે હજી મતભેદ છે. અમુક ૧૬ દરવાજા સુધીનો ખ્યાલ આપે છે.] અને પાંચ ખુણાના આકાર ૧૮૯ પંચકોણીય બુરજોનો સમાવેશ થતો હતો. સંરક્ષણની બાબતમાં મહેમુદ બેગડાએ કિલ્લાને યોગ્ય બનાવ્યો હતો.

ત્યારબાદ,૧૫૫૩માં ગૂજરાત પર બહાદુરશાહનું શાસન હતું ત્યારે હુમાયુએ ગુજરાત પર હલ્લો કર્યો. બહાદુરશાહ નાસીને દિવ ભાગી ગયો. હુમાયુએ થોડા વર્ષ માટે અમદાવાદ કબજે લીધું ત્યાં ફરી મુઝફ્ફરવંશના હાથમાં તે આવ્યું.

પણ ઇ.સ.૧૫૭૨માં અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું અને અમદાવાદ તેના હાથમાં આવ્યું. અને એ સાથે જ મુઝફ્ફરવંશની સત્તા કાયમ માટે ગુજરાત પરથી ખત્મ થઇ ગઇ ! મુઘલકાળમાં અમદાવાદ વેપાર ઉદ્યોગ વડે ધમધમ્યું.યુરોપ સુધી તેના માલની આયાત થવા લાગી.

શાહજહાંએ પણ પોતાની જીંદગીનો ઘણો સમય અહિં વીતાવ્યો હતો.તેમણે શાહીબાગનું નિર્માણ કરેલ જેમાં મોતીમહેલ આવાસમાં તે રહેતો.

૧૭૫૮માં મરાઠા લશ્કરે અમદાવાદને મુગલોના હાથમાંથી ઝૂંટવી લીધું ! આમ,મુસ્લીમ સત્તા અમદાવાદ અને ગુજરાત પરથી સમાપ્ત થઇ.વર્ષોથી શરૂ થયેલા અત્યાચારોમાંથી હવે આઝાદી મળી હતી ! પુણાના પેશ્વા અને બરોડાના ગાયકવાડ વચ્ચે આંશિક સંઘર્ષ થતાં રહેતા.એ પછી છેવટે અંગ્રેજોના હાથમાં અમદાવાદ આવ્યું તે છેક આઝાદી મળી ત્યાં સુધી.

૧૯૬૦માં પરમપૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે મહાગુજરાતની રચના થઇ ત્યારે અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું.૧૯૭૧માં ગાંધીનગર ગુજરાતના પાટનગરના રૂપમાં પસંદ થયું હોવા છતાં અમદાવાદની રોનક હજીપણ લેશમાત્ર ઓછી થઇ નથી.અત્યારે તો આધુનિકતાના રંગે અમદાવાદની કાયાપલટ થઇ ચુકી છે !

ગુજરાતની રાજકીય રાજધાની ગાંધીનગર હોવા છતાં વાણિજ્ય રાજધાની અમદાવાદ જ છે.આમેય તે “પૂર્વનુ માનચેસ્ટર” કહેવાય છે.ગુજરાતની લગભગ મોટી રાજકીય અને અન્ય ઉથલપાથલો કે ઘટનાઓનું સાક્ષી અમદાવાદ રહ્યું છે.

સલ્તનત અને મુસ્લીમ યુગ ઉપરાંત હિંદુ અને અન્ય ધર્મના પુરાણા સ્થાપત્યોના કારણે અમદાવાદ આજે ભારત અને વિશ્વભરમાં ધ્યાનાકર્ષક બન્યું છે. વળી,અમદાવાદની એ વીતેલા જમાનાની સુંદર યાદોને તાજી કરતી પોળોને તો કેમ ભુલાય ! ખરેખર,એ પોળોની રચનાઓ જોતા જ અમદાવાદને મનભરીને માણ્યાંનો આનંદ થાય છે. આમેય અમદાવાદ હવે “હેરિટેજ સાઇટ” છે !

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!