[પ્રસ્તુત લોકવાર્તા કરંઝડા ગામ ના ધણી હિપા ખુમાણ અને તેમના પત્ની આઇ પુનબાઇબા ની ખુમારીગાથા છે, આંગણે દિકરી ની જાન આવિ છે, શુભદિન પર જ થવાકાળ અકસ્માતે પુત્ર નુ એરુ કરડવાથી મૃત્યુ થયુ છે, કાઠી દંપતી દુઃખ ને કલેજા ના ઉંડા ખુણે ધરબી દિકરીબા ને રંગેચંગે પરણાવે છે અને ઓરડા ની પછીત થી કોઇ ને સહેજ પણ અણસાર ના આવે એ રીતે ચાર માણસો શબ ને કાઢી જઇ દેન આપે છે, કરુણા ની પરાકાષ્ટા, આંગણે જાન લઇ ને આવેલ વેવાઇ અને અવસર મહાલ્વા આવેલ મેમાનો ને પોતાના પરિવાર મા આવેલી માઠી કફર થી અલ્પીત રાખી સહનશીલ બની કુદરત નો વજ્રધાત જીરવતા ક્ષત્રિય દંપતી ની ગરવાઇ નુ વર્ણન.
આ વાર્તા ધો.૧૨ ના ગુજરાતી પાઠ્ય પુસ્તક માં આલેખીત પણ થઇ છે તથા શ્રી નાનાભાઇ જેબલિયા એ પોતાની ‘તોરણ’ કોલમ મા આ કથાબીજ આધારે વાર્તા રજુ કરેલ.]
લેખકઃ દરબાર શ્રી પુંજાવાળા (સાણંથલી)
પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન 🌞
કોઈ જાલંધરવારીનો જોગંધર તપ કરી કરી મનને મેરુ જેવું અડગ કરવા આસન જમાવી બેઠો હોય એવું ગામ કરંઝડા.
કરંઝડા ગામનો હીપો ખુમાણ ગામધણી છે. આજ ગામના પાદરમાં સોનારણ્ય અઠંગા અને લાંબી ઝંઝાળ્યુંની નાળ્યુંમાં આઠ આઠ આંગળ દારૂ ધરબાણા, હુચાકા બોલ્યા, શરણાયુંએ સૂર બેહલાવ્યા, ઢોલ ધડુક્યા, લાંબે સાદે ગીતડાં ગુંજયા.ગામ હલકી ઊઠયું.
હીપા ખુમાણની દીકરીબાની જાન આવી હતી. વરરાજા તેનાં માબાપને એકનો એક દીકરો હતો, તો દીકરીના બાપને એક પુત્ર તથા પરણતી હતી એ એક જ પુત્રી હતી. કાઠીના રિવાજ પ્રમાણે વાળુ ટાણે પાદરમાં જાન આવી. જલીસા પથરાણા, લેરખડા માંડવિયા લાડરધેલા જાનૈયાને રીઝવવા આગતા-સ્વાગતામાં પડ્યાં. કોઈએ ટાઢાં પાણીનાં બોઘરડાં લીધાં હાથમાં તો કોઈએ માન મરતબા પ્રમાણે મોટેરાંને ગાદી-તકિયાનાં આસન આપ્યાં. બેય પક્ષના જુવાનિયા સામસામા મહરે ચડયાં છે. વાતું કરતાં કરતાં જાનૈયા ઘોડાનાં સામાન સમાનમા કરે છે, તો કોઈ પાઘડીના વળ ચડાવી છોગાં મૂકી નમણા દેખાવા કંઈક વાનાં કરે છે.
દીકરીના બાપ હીપો ખુમાણ નોકર-ચાકરને આમ કરો ને તેમ કરોની આજ્ઞા છોડી રહ્યા છે, ત્યાં દરબારગઢમાંથી તેમનાં પત્ની આઈ પુનબાઈનું ખાનગી કે’ણ આવ્યું. દરબાર અને તેમનાં પત્ની એક એકાંત ઓરડામાં પ્રવેશ્યાં. કાઠીના હૈયામાં ઉત્સાહના ઓધ ઊમટયા હતા. કાઠિયાણીની ગંભીરતાથી આનંદનાં મોજામાં ઓટ આવી. ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો. પુનબાઈ બોલ્યાં : ‘નાથ ! જુઓ આ સામે સૂતો એ.’ અને આઇ આગળ બોલી ના શક્યા. ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી, કોઈક સૂતું હતું. પચ્ચાસ વર્ષનો માટી ઢોલીએથી ઊભો થયો. ઓઢવાનું ઊંચું કરીને જુએ છે ત્યાં તો પોતાનો વહાલસોયો દીકરો હતો. સુનારની આંખો બંધ હતી, શ્વાસ ઘુંટાતો હતો.
દરબારે પૂછ્યું : “શું થયું ?”
પુનબાઈએ કહ્યું : “એરુ આભડી ગયો. મેં તમને બોલાવ્યા, કોઈનેય ખબર નથી.”
દરબાર નસકોરાં પાસે અવળો પોંચો ધરે છે, ત્યાં તો ખેલ ખલાસ હતો. પુરૂષનું હૈયું હીબકર્યું. તેણે પોતાની પત્ની સામે જોયું, એ વિષાદમય દષ્ટિમાં સ્ત્રીએ અમંગળ વાંચ્યું, મર્દ માથું ધુણાવ્યું. બેયની આંખમાં આંસુ આવ્યાં.
જેમ ભાંગતી રાતનો આત્માની વાણીને ઓળખી જનાર સાચો ભજનિક ઘેરા સુરે ગાતો ગાતો ગળગળો બની, સંસારની મોહમાયા સમજાવવા તંબુરાનો છેલ્લો ટંકાર કરી વાત માંડે, તેમ દરબારે પત્નીને ગંભીર, શાંત ને ઘેરા અવાજે કહ્યું :
‘કાઠિયાણી ! ભાઈને કાળ ભરખી ગયો. રોઈરોઈને મરી જાણું તોય એનો જીવ પાછો નહિ આવે, પણ આપણી દીકરીને પરણવા આવેલ વરરાજાના માબાપને એકનો એક દીકરો છે, સૌને વિવાહનો સ્વાદ ઊડી જાશે. કોડભરી ગભરૂડી બહેનડીનો તો તું વિચાર કરી લે ! આપણી તો જીવનભરની મજા બગડી, પણ કોઈની આશા આડે શું કામ આવવું !
‘થનાર હતું તે થઈ ગયું છે, તું કાઠિયાણી બની જા. એક આંસુ પાડય તો તને મારા સમ છે. આપણા સાત પેઢીના જૂના ચાર જીવાઇદારને હમણાં બોલાવું છું. દીકરાની આડીવાડી એમના હાથે પતાવી દેવી છે.”
“પુનબાઈના કાળજાના કટકા થતા હતા. એ પૂરું ન બોલી શક્યા. ત્યાં તો જવાંમર્દ હીપાનો જવાબ મળ્યો :
“રોવું-કકળવું જિંદગી આખી છે, પણ પ્રસંગ સુધારવો છે.”
‘કાઠીયાણી કાળજુ કઠણ રાખજો, દીકરીને અને પરણવા આવનાર ભાણાને અપશુકન નથી કરવા. જાનૈયા હસવા આવ્યા છે, તેને રોવરાવવાની મારો પ્રભુ ના પાડે છે.”
હીપા ખુમાણે આમ જેમ એક દોરડા ઉપરથી ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગ જ જમીનને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી. કોઈ કરાકાત્યની માટીની ઘડેલી પતિની આજ્ઞામાં માનનાર બાઈએ હીબ કું હૈયામાં સંઘર્યું. માતાએ પંદર વર્ષના કિશોરના કપાળ ઉપર હાથ ફેરવ્યો, સુંવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી, છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું.
કાઠીએ આજ્ઞા છોડી : “રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો.”
“મને…મને…ફરી બોલાવશો ?”
હૈયાના ભાવને હોઠે લાવતાં પુત્રની માતા પૂછી વળી.
‘ના” કાઠીએ જવાબ આપ્યો.
રાજા હરિશ્રદ્રની અદાથી હેઠું જોઈ ગયો.
“ભલે” કહી કાઠિયાણી પુત્રના મૃતદેહ સામે અંતિમ દષ્ટિ ફેંકી ઓરડા બહાર નીકળી ગયાં.
દરબાર હળવેકથી ઊભા થયા. છાતી પર કાળમંઢ પાણો મૂકતાં પહેલાં પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકલ્યો. ખોંખારો ખાઈ ખુમાણ ઓસરીમાં આવ્યા. દીકરાના મૃતદેહ સામે જોયું. જોઈ રહ્યા; અને ઓરડાનું કમાડ વાસી દીધું.
થોડીવારે એ જ ઓરડામાં ચાર વૃદ્ધ માણસો આવ્યા. ઓરડાની પછીત ગામની પછવાડે પડતી હતી. ધબ ધબ ધબ કંઈક નહિ જેવો ખોદવાનો અવાજ આવ્યો. ડેલીએ બેસી હીપા ખુમાણ સામૈયાની એક પછી એક આજ્ઞા છોડયે જતા હતા.
જાનનાં સામૈયાં થયાં. પરસ્પર સૌ મળ્યા-હળ્યા. દરબાર વેવાઈને બાથ ભરી ભેટ્યા. ઉત્સાહના દરિયામાં આનંદ લહેર ઊમટી. વેવાઈવેલા સુખી-સંપન્ન હતા, સગાં-વ્હાલાં લગ્ન માણવા ઊમટયાં હતાં, ગામનો ઉત્સાહ અનેરો હતો.
ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીનાં લગ્ન લાડકોડ કરવાં, ભાઈનાં લગ્ન તો હજુ પાંચ વર્ષ અન્નજળે જોશું.
કાઠીના રિવાજ પ્રમાણે રાતે જાનને ઉતારો દેવાણો. માંડવાનાં બાઈયું જાનને ઉતારે ખાંડ ખાવા ગયાં. સામસામા ફટાણાની બઘડાટી બોલી. દીકરીની માતાના મુખની એકે રેખા વાંકી થાય તો એ કાઠિયાણી શાની ? તો-તો એ હીપા ખુમાણની પત્ની કેમ ? તો તો એ રાઠોડ ધાધલની દીકરી કહેવાય કાંઈ ? દેન હતી કોઈની કે કાંઈ કળી જાય !
ફક્ત દરબાર, કાઠિયાણી અને પેઢીજૂના ચાર જીવાઈદાર આમ છ જણ જ વાત જાણતા હતા. બહેનના માંડવા નીચેથી ભાઈના મૃતદેહને નહિ કાઢવા નક્કી કર્યું હતું. જે ઓરડામાં એ સૂતો હતો ત્યાંથી જ ગારાની પછીતે બારણું પાડી રાતમાં ને રાતમાં ચાર જીવાઈદારો તેના શબને સ્મશાને લઈ ગયા અને દેન દઈ દીધું. રાતના અઢી-ત્રણના સુમારે સૌ જંખ્યાં ત્યારે ચારેય વૃદ્ધ માણસોએ આવીને દરબારને ઇશારો કર્યો કે કામ પતી ગયું છે. દરબારે પાણી માગ્યું, મોટું ધોયું, બાજુમાં સૂતેલા અતિથિવિશેષે પૂછયું :
“કેમ હીપાભાઈ, કંઈ અસુખ થાય છે ? વારા ઘડીએ પથારીમાં ઊઠબેસ કરો છો !”
“ના ભાઈ ! માળા ભૂલી ગયો છું, તે પારે આંગળિયું અડશે તંઈ નિરાંત વળશે.” દરબારની માળા હાજર થઈ, મણકા ફર્યા. સૌ સૂઈ ગયા. હીપા ખુમાણે નદીનો રસ્તો લીધો. ચેહ ધીમી ધીમી બળતી હતી. અંગારા ઊડી ઊડી દીકરાના બાપના હૈયાને વધાવતા હતા. વાહ વાહ પોકારતા હતા. હીપા ખુમાણે રૂંગાને રોકવા નાહી-ઘોઈ ‘હે સૂરજ ! હે સૂરજ !”ના જાપ શરૂ કર્યા. તે દી રાતનું કાઠિયાણીની સ્થિતિનું વર્ણન શબ્દમાં ઉતારવા માટે મારી પાસે સંવેદનની વાણીની સરવાણી સૂકાઈ ગઈ છે. પણ હા ! એ બાઈના મુખમંડળ ઉપરથી કોઈ કાંઈ પામી જઈ શકે તેમ હતું નહિ.
આમ ને આમ સવાર થયું. સૂરજની સાખે વરઘોડિયાં પરણી ઊતર્યા. જવતલ હોમતી વખતે હીપા ખુમાણે પોતાના ભાઈના દીકરાને સમજાવી ઊભો રાખી દીધો. કોઈને ગમ પડે તો કાઠીની કળા લાજે. ઊલટાની મોટા મનની ઝાંખી થઈ.
રોંઢ ઢળ્યો. દુનિયાના દિલેર માનવીઓનાં મનનાં માપ કાઢતો ઘડીક મલપતો, ઘડીક ઉદાસ થતો ખોખડધજ સૂરજદાદો અસ્તાચળ ઉપર જાણે કે ઠેસ વાગતાં બુઝર્ગ ભાભો લથડિયું ખાય તેમ લેટી ગયો.
હીપો ખુમાણ દીકરીને વેલમાં બેસાડવાની ઉતાવળ કરાવવા ગઢભણી હરઘડીએ કહેવરાવી રહ્યા હતા. સોળ વર્ષની લાડકોડભરી કન્યા ડમણીમાં બેસવા કંકુની ઢગલી પાડતી ફળીમાં ઊતરી. સાહેલિયુંનું ટોળું સાથે હતું.
દીકરીએ “બા” સામે ફરીને પૂછ્યું,
“બા ! ભાઈ ક્યાં ?” અને કાઠિયાણીનું કાળજું હાથમાં રહ્યું નહિ. વળાપના થઈ ગઈ. જાણે કે આભ હેઠો ઊતર્યો. સૌને લાગ્યું “આ દીકરીને સાસરે વળાવતી વખતનું રોણું ? આવું રૂંગું ?’ ગામનાં ઝાડવાંને જીવ નહોતા, નહિ તો કકળાટ કરી મૂકે. વાતાવરણ થંભી ગયું. વાયરામાં હીબકાં હાલકલોલ થયાં. ચારણ-કાઠીનાં રૂંગાંએ તો ધરતીમાં ધરબી ધરબીને કરૂણાનાં કણ ભર્યા છે.
બહેનનાં પગ વેલમાં બેસવા જતાં ધરતી સાથે જડાઈ ગયાં.
એ ફરી બોલી ઊઠી; પૂછી વળી :
“બા, ભાઈ ક્યાં છે ? મારે તેને મળવું છે !’
દીકરીની જાજવલ્યમાન માતાએ ઊભરાતા આંસુથર વચ્ચે પાસે ઊભેલા ચાકરને કહ્યું :
“દરબારને મળવા બોલાવો !”
“અમે જાઈ, બેટા ! ભાઈ ક્યાંક બહાર ગયો છે, તારે મોડું થાય છે, બેસી જા ડમણીમાં.” કહીને માએ વાંસો વાળ્યો.
દીકરીની મા, ના દીકરાની ‘બા” ઓરડામાં સંતાઈ ગઈ.
બાપુ આવ્યા. બહેન હવે હીબકે ચડી હતી. માથા ઉપર હાથ ફેરવી, આંખોમાં બે ટીપાં આંસુ લાવી બાપુએ બહેનને ધીરજ રાખવા કહ્યું.
બાપ પાસે પણ બેટીની એક જ માગણી હતી :
‘બાપુ ! ભાઈ ક્યાં છે ? મારે મળવું છે.”
વીર પિતાનો જવાબ હતો : ‘બેટા ! બાળક છે, કયાંય જડતો નથી. તારી વાટ લાંબી છે, ઉપાડો વેલડું ! મોડું થશે. દસ દિવસ પછી તને તેડવા જરૂર ભાઈને જ મોકલીશ.”
“જે નારાણ્ય બહેન !” કહી દરબારે પણ પીઠ ફેરવી.
વેલડાના પાણીદાર બળદે ઝોંટ મારી. ઘરરર ડમણી ઊપડી. ગભરું બાળકીની આંસુભીની આંખ્ય વેલના પડદાની તડમાંથી ભાઈને મળવા મેદની ઉપર ફરી વળી. પણ ક્યાંય માડીજાયો ન જોયો.
બહેનને વળાવતી વખતે વરના બાપ ડેલીની બહાર ઊભા હતા. હીપા ખુમાણનાં પત્નીનું રોણું એ કાંકરી કળી જનાર કાઠીને ઘણું કહી ગયું હતું.
તુરત જ તેમણે વેવાઈનું કાંડું પકડી એક બાજુ બોલાવ્યા અને પૂછ્યું :
“હીપાભાઈ ! તમારા દીકરા કેમ કાલના ક્યાંય દેખાતા જ નથી ? વાત શું છે ? કહો ?”
હીપો ખુમાણ ગળચવાં ગળવાં માડ્યાં :
“બા ! સાચું ન ભણો તો સૂરજના સમ.”
અને એ વ્હાલા વેવાઈ પાસે પહાડ જેવા મનડાનો માટી પલળી ગયો.
હીબકતાં હૈયાંએ માંડીને વાત કરી. છેવટે ધીરજથી અડગ રણકારથી ઊમેર્યું : ‘બા ! તમને સૂરજની સાખધરાઈ છે, જો અટાણે આ વાત કોઈને યે કરો તો !’
જાન રંગેચંગે ઊઘલી. સીમાડેથી સૌ હીપા ખુમાણના દીકરાના ખરખરે પાછા વળ્યા. કાઠી ડાયરાના મુખેથી શબ્દો સર્યા કે, “બા ! કોને રંગ દેવા ? કાઠીને કે કાઠિયાણીને ?”
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..