રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા ખરલે ચડે છે. કસુંબા થાય છે. અંજલિયો ભરી ભરીને પવાય છે…આવા ચડતા બપોરના સમયે દરબારની ડેલીએ એક આઠેક મણની અદોદળી કાયાનો ખૂંખાર આ માણસ ખભા ઉપરથી બે એક મણ રોકડા રૂપિયાની ગાંસડી ખૂણામાં નાખીને દાયરામાં બેસી ગયો…?કસુંબો લેવડાવીને ભાણ કોટીલાએ આવતલ આદમીની ઓળખાણ માંગી!
‘ક્યાંથી આવો છો, ભાઇ?’
ગરેડી જેવા કાંધ ઉપરથી હાંડા જેવું માથું ઊચું કરી આગંતુકે જવાબ દીધો: ‘જૂનાગઢથી…’‘
શું આવ્યા છો?’
જવાબમાં આવતલ આદમીએ એના થેલામાંથી તાંબાનું પતરું કાઢીને દરબારને વાંચવા આપ્યું. દરબારે પોતાના કામદારને આ તામ્રલેખ આપીને કહ્યું: ‘સૌ દાયરો સાંભળે એમ વાંચી સંભળાવો.’
ડાયરામાં પળભર સન્નાટો પથરાઇ વળ્યો. અનુમાન થઇ શકતું હતું કે આવતલ મૂળે આ આદમી છે ધીંગાણાનો, તલવારની પટ્ટાબાજી ખેલનારો હોય, કાં તો આખલા કે પાડાનો પછાડનારો હોય, કાં તો પછે નવાબનો ‘એકો’ હોય… ગમે તે હોય.
પણ હીરના ફુમતા જેવા આપણા રૂપાળા આ ગામના દરબાર ભાણ કોટીલા સાથે એને ક્યા ભવનું વેર છે કે દૂધમાં કહુ ઓરવા આંયા ગુડાણો?‘ જૂનાગઢ રાજના ગિરાસદાર દાયરાને જણાવવાનું કે..’ કામદાર તાંબાના પતરાનું લખાણ વાંચી રહ્યા! ‘અમારો પહેલવાન તમારે ગામ આવે છે. આ પહેલવાન યુદ્ધનો ખેલાડી છે. એટલે એની સાથે હાથોહાથની લડાઇ આપી શકે એવો સમોવડિયો આપશો. જો તમે આ માટે નિરુપાય હો તો રોકડા રૂપિયા સો એને આપી દેજયો અગર તમારી પાસેનો પહેલવાન જો અમારા પહેલવાનને હરાવી દેશે, તો એની પાસેના તમામ રોકડા રૂપિયા તમને આપી દઇશું.’
લખાણ સાંભળીને ભાણ કોટીલાએ દાયરામાં નજર નાખી પણ દાયરો આખો પલળેલા કાગડા જેવો ભાસ્યો!
‘સો રૂપિયા ગણી આપો દરબાર, એટલે બીજું ગામ ચેતાવું!’
પહેલવાન વરવું હસ્યો! દરબારના મોં પર ઝાંખપની છાયા ઢળી કે ડેલીના ખાનામાં બેઠેલ ગામનો મેઘવાળ હથિયો મહિડો બોલ્યો:
‘ભણે બાપુ! આ જાડિયો દાકુડો કાંઉ બોલતોસ?’ (આ જાડો શું કહે છે?)
‘હાથિયા મહેતર!’ દરબાર બોલ્યા: ‘આ જૂનાગઢના નવાબનો મલ્લ છે. એની સાથે હાથોહાથ ધીંગાણું કરે એવો સમવડિયો માંગે છે. ન મળે તો સો રૂપિયા રોકડા આપવાના છે.’
‘શું કરશો? બાપુ!’ હાથિયો મૂછમાં હસ્યો.
‘સો રૂપિયા આપી દઇશું. બીજું શું?’
‘ન અપાય બાપુ!’ હાથિયા મેઘવાળે બાંયો ચડાવી.‘ તમારા ડાયરામાં હાથિયો મહિડો બેઠો છે અને વાંકિયાનું પાણી જાય! એને હું ધીંગાણું આપીશ હાથોહાથનું.’ હાથિયા હરજિનની વાત સાંભળીને જૂનાગઢના પહેલવાને થૂંકતો હોય એવું મમીલું હાસ્ય કર્યું: ઉહુહુહુ.
‘ભાઇ પહેલવાન!’ દરબાર બોલ્યા: ‘અમારો હાથિયો મેઘવાળ તને હાથોહાથનું ધીંગાણું આપે છે…’
‘બાપુ! તમારા હાથિયાનાં હાડકાં ગણ્યાં છે!’ પહેલવાન હસ્યો.
‘ભાઇબંધ ઊભો થા, તો આ ઘડી જ ગણી દેખાડું…?’ ખોંખારો મારીને હાથિયો ઊભો થયો…!
‘ભાઇ હાથિયા! આ પહેલવાન જૂનાગઢથી હાલીને આવે છે. થાકયો હશે… બે દી’ ભલે તાજો માજો થાય… આજથી ત્રીજા દિવસે આપણે દ્વંદ્વયુદ્ધ આપશું…’ દરબારે નિર્ણય સંભળાવ્યો.
અને બે દિવસમાં તો આસપાસનાં ગામોમાં વાત સંભળાણી કે જૂનાગઢના નવાબના પહેલવાન સાથે (સાણા) વાંકિયા ગામનો હાથિયો મેઘવાળ હાથોહાથની લડાઇ આપવાનો છે.
‘હાથિયો મેઘવાળનો લોટ બંધાઇ જવાનો હોં!’ લોકચર્ચા થઇ.
‘શું લેવા લોટ બંધાઇ જાશે?’
‘ઇ તો જૂનાગઢના રાજાનો મલ્લ છે. ઘણા બધાને હરાવીને હજારો રૂપિયા જીત્યો છે… હાથિયાનો રોટલો કરી નાખશે.’
‘પણ હાથિયા મેઘવાળે વીસ વીસ મણ પથ્થરની શિલાઓ… માથા પર મૂકીને દરબારની ડેલીએ ગોઠવી છે, જાણો છો?’
‘છે તો બળવાન…! થાશે જેવા જેવી…’
ત્રીજા દિવસે વાંકિયા ગામને પાદર આસપાસનો મનખો ઊમટ્યો… હાથિયો અને નવાબનો પહેલવાન મેદાને પડ્યા.
‘ભાઇ મલ્લ!’ હાથિયો બોલ્યો: ‘તું અમારો મહેમાન છે, એટલે પહેલો દાવ તારો…!’
પહેલવાન હસ્યો! એમ નૈ ભેરુ! આપણે સૌ પહેલા હાથોહાથ રામ રામ મળીએ…
‘ભલે…’ કહીને હાથિયાએ પોતાનો જમણો હાથ પહેલવાનની હથેળીમાં મૂક્યો. એક જ મચરકી આપીને ભલભલા બિળયા માણસોની આંગળીઓને શેરડીના સાંઠાની જેમ પીલી નાખનાર એ પહેલવાને દાંત કચકચાવીને હાથિયા મેઘવાળનો પોંચો દાબ્યો પણ વળતી પળે આ ખૂંખાર મલ્લ થરથરી ગયો….! એના અહમ્ની કોથળી જાણે ઉતરડાઇ ગઇ. પહેલવાનને પ્રતીત થયું કે પોતાના હાથમાં આવેલો આ હાથ, માંસ-હાડકાંનો નથી, પણ ગજવેલના ટુકડાનો છે!! પહેલવાને તાકાત વાપરી નાખી. હાથિયાનો હાથ સલામત હતો અને મોં પરની રેખાઓ અકબંધ!
‘હવે ભણ્યું મારો વારો.’ હાથિયાએ ખોંખારો દઇને પહેલવાનનો હાથ હાથમાં લીધો:
‘તેં તો ભાઇ. નવાબની ભે’શુંનાં દૂધ-ઘી ખાધાં છે. મેં તો ભાણ કોટીલાના ગઢની છાશ જ પીધી છે. પણ આજ અમારી રૂપેણ નદીનું પાણી જોતો જા!’
‘અને હાથિયાએ મચરકી દીધી…! દિવાળીને દિવસે છોકરાંએ હવાઇ ચડાવી હોય એમ પહેલવાનના ડોળા અધ્ધર ચડ્યા! કાચો ઘડો ફસકાઇ પડે એમ એનો ચહેરો ફસકાયો. મોઇ જેવા જાડા એના હોઠ ખૂલી ગયા અને ખોબો એક લાળોની સાથે ચીસ નીકળી ગઇ: ‘છોડ દે, મૈં હારા!’ ‘અને હાથિયાએ જ્યારે પહેલવાનનો હાથ છોડ્યો ત્યારે મેદનીએ સગી આંખે જોયું: પહેલવાનની આંગળીઓ લીરો ચિરાય એમ ચિરાઇ ગઇ’તી. હાથના પોંચાનો લોંદો થઇ ગયો’તો અને ધોધબંધ લોહી વહી રહ્યું હતું…!
શરત મુજબ પહેલવાને રૂપિયાની ગાંસડી ઠાલવી દીધી! હાથિયાના આ પરાક્રમના ભાણ કોટીલો ખળાંઢળાં થઇ ગયાં… મહાદેવ ધાર નામે ઓળખાતું સો વીઘાનું ખેતર એણે હાથિયા મહિડાને લખી દીધું. દરબારના માએ ગઢમાંથી થાળ એક રૂપિયા અને દુઝણી એક ભેંસ હાથિયાને ઇનામમાં દીધાં!
સાણા ડુંગરની અવથાડ શિલાઓમાં એક વધારે પરાક્રમ ગાથા લખાણી. રૂપેણ નદીએ તે દી’ પોતાના પનોતા આ પુત્રની તાકાત ઉપર ખળ ખળ હસી દીધું!
નોંધ : આ મહાદેવ ધારનું સો વીઘાનું ખેતર હાથિયાના વંશજો, મહિડા હરજિનો આજ પણ વાવે છે.
લેખક -નાનાભાઈ જેબલિયા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..