”અષ્ટ સિદ્ધિ, નવ નિધિ કે દાતા” શ્રી હનુમાન દાદા

કમળ સરોવરથી શોભે છે, ચંદ્ર આકાશથી શોભે છે, મૂર્તિથી મંદિર શોભે છે, સંસ્કારથી સ્ત્રી શોભે છે, પરાક્રમથી પુરુષ શોભે છે, સાદગીથી સાધુ શોભે છે, એક વિભિષણથી આખી લંકા શોભી ઉઠે છે, બસ- કંઈક આ જ રીતે એક હનુમાનજીથી આખી રામાયણ આખા વિશ્વમાં શોભી ઊઠે છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

હનુમાનજી અંજની માતાના પરમપુત્ર છે, કેસરીજી પિતાના લાડકવાયા છે, પવનદેવના ઔરસ પુત્ર છે, માતૃભક્ત અને પિતૃભક્ત છે, એ સુગ્રીવના માનીતા બુદ્ધિશાળી મંત્રી છે, વિભિષણના પરમ મિત્ર છે, એ જાંબવનના આજ્ઞાકારી છે, સહુના સંકટમોચક છે, બાલ બ્રહ્મચારી છે, વજ્રધારી છે, વિઘ્નહર્તા છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા છે, મકરધ્વજના પિતા છે, જ્યોતિષના જ્ઞાતા છે, સીતાજીના ચહિતા છે અને શ્રી રામચંદ્ર ભગવાનના તો એ ખાસ છે અને દાસ પણ છે.
એક દંતકથા મુજબ અપ્સરાઓમાં શ્રેષ્ઠ એક પુંજિકસ્થલી નામની અપ્સરા સ્વર્ગની ઇન્દ્રની સભામાં નૃત્ય કરી રહી હતી ત્યારે જ દુર્વાસાનું આગમન થયું છતાં અપ્સરાએ અભિવાદન કર્યા વગર નૃત્ય ચાલુ જ રાખ્યું આથી અપ્સરાને ઋષિએ શાપ આપ્યો. આ શાપના કારણે પુંજિકસ્થલી અપ્સરા વાનરીરૃપે મહાત્મા કુંજરકપિને ત્યાં જન્મી જેનું નામ અંજના પડયું. અંજના યુવાન થતા તેના લગ્ન કેસરી વાનર સાથે થયા આ બંનેથી જે પુત્રનો જન્મ થયો તે જ આપણા હનુમાનજી.

‘પુત્રના લક્ષણ પાંરણામાંથી…’ બન્યું પણ એવું જ. એક વહેલી સવારે પૂર્વ દિશામાં ઊગતા લાલચટ્ટક સૂરજને સફરજન માની ઊડયા. ઇન્દ્રને ચિંતા થઈ કે આ મારું ઇન્દ્રાસન લેવા આવે છે. કોપથી ઇન્દ્રે વજ્ર ફેંક્યું. વજ્રનો ઘા થવાથી મારૂતિનંદનનું ડાબુ જડબું (હનુ) તે પ્રહારથી છુંદાઈ ગયું, ત્યારથી તે હનુમાન કહેવાયા. મૂર્છા આવવાથી હનુમાનજી નીચે પડયા. આથી પવનદેવ ક્રોધે ભરાયા. વાવાનું બંધ કર્યું ધરતી ઉપર હાહાકાર મચી ગયો. બધા દેવો ઋષિ મુનિને ત્યાં દોડી આવ્યા. તમામ દેવોએ ઋષિઓએ અનેક વરદાન આપી પવન દેવતાને ખુશ કર્યા પછી જ પવન શરુ થયો અને હનુમાનજીનો જયજયકાર થયો.

વેદ વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, પરશુરામ, બલિરાજા, વિભિષણ અને હનુમાનજી – આ સાતને આપણે ત્યાં સદાકાળ ચિરંજીવી ગણવામાં આવ્યા છે. એમાં યે હનુમાનજી તો આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી જ છે. સતયુગમાં એ રૂદ્રાવતાર હતા, ત્રેતાયુગમાં તો શ્રી રામચંદ્ર ભગવાન સાથે જ રહ્યા, સુગ્રીવ સાથે રહ્યા, સીતાશોધ માટે અશોકવાટિકા ગયા, શ્રી રામના દૂત બન્યા, સીતાજીને શોધી કાઢયા, લંકાદહન કરી રાવણને બુદ્ધિ- શક્તિનો પરચો આપ્યો, રામસેતુ બાંધવામાં મદદ કરી, લક્ષ્મણ મૂર્ચ્છા વખતે આખેઆખો ઔષધિપ્રસ્થ પર્વત ઉંચકી લાવ્યા, સમગ્ર યુદ્ધ દરમિયાન સાથે જ રહી મદદ કરી અને શ્રી રામે જળસમાધિ લીધી ત્યાં સુધી સાથે રહ્યા. દ્વાપરયુગમાં નક્કી કર્યું કે હવે યુદ્ધ કરવું જ નથી તો પણ મહાભારત યુદ્ધ વખતે શ્રી કૃષ્ણના રથ ઉપર કપિધ્વજ બની આખી ભગવદ્ ગીતા સાંભળી, કળિયુગમાં નક્કી કરી લીધું કે, હવે જ્યાં જ્યાં શ્રીરામ કથા થાય ત્યાં કથા જ સાંભળવી. આમ, સતયુગથી કળિયુગ ચારેય યુગમાં હનુમાનજીની યશોગાથા અમર બની ગઈ.

”ચારો યુગ પરતાપ તુમ્હારા
હે પ્રસિદ્ધ જગત ઉજિયારા.”

– એવું ખુદ સંત તુલસીદાસે હનુમાન ચાલીસામાં જાહેર કર્યું છે. હનુમાન ચાલીસા એ એક એવી અદ્ભુત રચના છે કે બસ ગાયા જ કરો. જીવનની જડીબુટ્ટી છે ૪૦ ચોપાઈઓ છે, હનુમાન ચાલીસાના કુલ ૪૧૮ શબ્દો છે, ૧૦૪૧ અક્ષરો છે, ચાલીસામાં હનુમાનજીના ૧૦૮ નામ છે, રામ શબ્દ કુલ ૧૦ વખત આવે છે. શ્રી રામ, અંજની માતા, પવનદેવ, કેસરી, લક્ષ્મણ, સીતાજી, ભીમ, ભરતજી, શ્રીપતિ, પાર્વતીજી, બ્રહ્માજી, સનકજી, નાદ સાથે નારદજી અને ખુદ મા સરસ્વતીનો ઉલ્લેખ હનુમાન ચાલીસામાં છે. એક એક ચોપાઈ એક એક મંત્ર છે, જેમ જેમ વાંચતા જાવ, ગાતા જાવ તેમ તેમ બ્રહ્માંડના રહસ્યો ખુલતા જાય, ”જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા”- ખુદ શંકર ભગવાન વચન આપે છે. એકવાર જરૂરથી વાંચજો. બોલો બધા, બજરંગબલિ કી જય.

જગતમાં એવું કોઈ હિંદુ મંદિર નહિ હોય કે જેમાં ડાબી તરફ શ્રી ગણેશજી અને જમણી બાજુ શ્રી હનુમાનજીની સ્થાપના ન થઈ હોય અને હિંદુસ્તાનનું એક પણ ગામ એવું જોવા નહિ મળે કે જેમાં હનુમાનજીની એકાદી દેરી જોવા ન મળે ! શાસ્ત્રોમાં નવધા ભક્તિનો મહિમા છે ઃ શ્રવણ, સ્મરણ, અર્ચન, કીર્તન, સખ્ય, દાસ્ય, વંદન, આત્મ નિવેદન અને પાદ-સેવન. એકમાત્ર હનુમાનજી જ એવા શ્રી રામચંદ્રજી ભગવાનના પરમભક્ત છે જેમણે નવેનવ પ્રકારની ભક્તિ કરી બતાવી છે માટે જનજનના હૈયામાં તેઓ આદરપૂર્વક બિરાજે છે. કોઈ હનુમાનજી કહે છે, કોઈ બજરંગબલિ કહે છે, કોઈ કેસરીનંદન કહે છે તો વળી કોઈ મારૂતિનંદન કહે છે. અંજનીસુત, પવનસુત, મહાવીર, સંકટમોચન, કપિશ્વર, રામદૂત, વિઘ્નહર્તા જેવા અનેક નામોથી પ્રચલિત તો છે જ પણ તેમનું સૌથી વધુ હુલામણું નામ છે ‘દાદા’.

હનુમાનજી વિદેશ જનારા પ્રથમ ભારતીય નાગરિક હતા. પરાક્રમ અને સાહસ રગરગમાં હતા, તેથી જ એ સો યોજન લગભગ ૮૦૦ માઇલ લાંબા સમુદ્રને ઓળંગી લંકામાં ગયા હતા. તેઓ યોગશક્તિથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકતા હતા. ‘સૂક્ષ્મ રૂપ ધરી સિયંહી દિખાવા’ તેનું ઉદાહરણ છે જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે પણ અતિ સૂક્ષ્મરૂપ ધારણ કર્યું હતું. સૌ પ્રથમ શ્રીરામ- લક્ષ્મણ સીતા શોધ માટે કિષ્કિન્ધાનગરીમાં આવે છે ત્યારે સુગ્રીવ પરીક્ષા કરવા હનુમાનજીને જ મોકલે છે ત્યારે બ્રાહ્મણરૂપ ઘરી કુશળતાપૂર્વક દિલ જીતી લે છે જે દર્શાવે છે કે તે ખૂબ જ બુદ્ધિશાળી પણ હતા. પરાક્રમ, બુદ્ધિશાળી, સેવાભાવી, પરમ રામભક્ત, જ્યોતિષના જાણકાર, કુશળ મંત્રી, વિશ્વાસુ મિત્ર, બાલ બ્રહ્મચારી, કુશળ રાજનીતિજ્ઞ, સંકટ મોચક, જ્ઞાનગુણ સાગર, કપિઓમાં શ્રેષ્ઠ, મહાવીર, વિદ્યાવાન, ભૂતપ્રેત પિશાચ નિવારક, સાધુસંત કે રખવારે, અસુરોનું નિકંદન કરનાર એવા અગણિત ગુણોના ભંડારી શ્રી હનુમાનજીને પ્રણામ કરી ધન્યતાનો અનુભવ કરીએ.

રામની ભક્તિ એમનો પ્રાણ હતી. એ જાતે શ્રી રામને જણાવે છે.

”કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ,
જબ તવ સુમિરન ભજન ન હોઈ.”

જ્યારે જીવનમાં ભગવાન શ્રી રામનું સ્મરણ ન થાય  ત્યારે જ વિપત્તિની શરુઆત થાય છે. સુંદરકાન્ડ એ રામાયણની સુંદરતા છે. દર શનિવારે સુંદરકાન્ડના ગાનનો મહિમા એટલે જ પ્રચલિત બન્યો છે. સુંદરકાન્ડમાં બધું જ સુંદર છે. સુંદરકાન્ડમાં સંસ્કૃતના ૩ શ્લોક છે જેની ૧૨ પંક્તિ છે, ૬ છંદ છે જેની ૨૪ પંક્તિ છે, ૬૦ દોહા છે જેની ૨૪ પંક્તિ છે, કુલ ૫૨૬ ચોપાઈઓ છે જેની ૫૨૬ પંક્તિ છે. આમ કુલ મળીને સુંદરકાન્ડની કુલ ૬૮૮ પંક્તિ છે. સુંદરકાન્ડ ગુણોનું સુંદરવન છે, ભરપુર ભક્તિનું ભવ્યશાળી જીવન છે. માનવતાના ગુણોથી મહેંકતુ જીવન છે. બધા જ ગુણોનું શમન છે, હવસને ભસ્મીભૂત કરતો હવન છે, જ્ઞાનીઓના જ્ઞાનનું નયન છે, દુષ્ટોનું દમન છે, દર શનિવારે પાઠ કરવાનું જબરજસ્ત વ્યસન છે, તુલસીદાસનું કમનીય કવન છે એવા સુંદરકાન્ડને સૌના નમન છે.

રામાયણમાંથી જો સુંદરકાન્ડને કાઢી લો તો શું થાય ? ટી.વી.માંથી ટયુબ કાઢી લો, ફ્રીજમાંથી કોમ્પ્રેસર કાઢી લો અને સ્કુટરમાંથી પ્લગ કાઢી લો તો જે સ્થિતિ થાય તેવું થાય. સુંદરકાન્ડમાં રામ શબ્દ ૫૧ વખત, હનુમાન શબ્દ ૨૧ વખત અને સુંદર શબ્દ ૯ વખત આવે છે. જે પૂર્ણાંક છે, સુંદરકાન્ડની સફળતાના કારણે જ સીતા સહિત રામ- લક્ષ્મણ અયોધ્યા પરત આવે છે જેનો બધો યશ હનુમાનજીને જાય છે.

સર્વને પ્રિય, સર્વમાન્ય, આ લોકપ્રિય લોકદેવતા સાવ સાદી પૂજાથી પાછા રીઝી જાય છે. આકડાના ફૂલોનો એક નાનો હાર, ૫૦ ગ્રામ તેલ, એક ચપટી સિંદુરથી ૩ મિનિટની હનુમાન ચાલીસા ગાવ એટલે દાદા રાજી-રાજી. શનિની પનોતીની અકસીર દવા હનુમાનજી છે.

શનિદેવને પણ યુદ્ધમાં હનુમાનજીએ હરાવ્યા હતા જેથી વચન મુજબ હનુમાનજીના ભક્તને કદી શનિ નડતા નથી. હનુમાનજીના ગુરુ સૂર્યદેવ હતા સૂર્યદેવે જ ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું.

હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરોમાં અમદાવાદના કેમ્પના હનુમાન અતિ પ્રસિદ્ધ છે. અંગ્રેજોની અહીં છાવણી (કેમ્પ) હતી જેથી મંદિર તોડવાનો હુકમ થયો પણ મંદિર તોડવાની શરુઆત કરતા જ કાળા, પીળા ભમર અસંખ્ય નીકળતા મજૂરો ભાગ્યા પરચો મળતા મંદિર અકબંધ રહ્યું જે આજે પણ છે. આ મંદિરની સ્થાપના સ્વ. ગજાનંદજી મહારાજે કરેલી. આ મૂર્તિની સ્થાપના ૫૦૦ વર્ષ  પહેલાની મનાય છે. એક અંગ્રેજને પુત્ર ન હતો ત્યારે તેના હિન્દુ નોકરે અહીં બાધા રાખતા પુત્ર થતા દર શનિવારે અંગ્રેજ દ્વારા મિલેટરી બેન્ડ સહિત ભક્તિ થતી તે ઇ.સ. ૧૯૪૦થી ચાલુ છે.

ગુજરાતની આસ્થાળુ જનતાને સાળંગપુરના હનુમાનજી મંદિરનો પરિચય આપવાનો ન હોય. આજથી બરાબર ૧૬૬ વર્ષ પહેલાં સંવત ૧૯૦૫માં આસો વદ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી સદ્ગુરુ સ્વામી શ્રી ગોપાળાનંદજીએ શ્રી વાઘા ખાચરની વિનંતી ધ્યાને લઈ કાનજી મિસ્ત્રી દ્વારા અદ્ભુત મૂર્તિ ઘડાવી સ્થાપના કરી આરતી ઉતારી ત્યારથી આ મંદિર પ્રખ્યાત છે અહીંની એક તાંત્રિક લાકડીથી મેલામાં મેલું ભૂત ભાગી જાય છે. ‘ભૂત પિશાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે.’

ખેડા જિલ્લાના ભૂમાપુરામાં પણ ૧૯૯૧થી પ્રખ્યાત બનેલું હનુમાનજી મંદિર ચમત્કારિક મનાય છે તો વડતાલથી નજીક આવેલું લાંભવેલનું મંદિર પણ હનુમાનજીના દર્શન માટે વર્ષોથી પ્રસિદ્ધ છે. ગાંધીનગર પાસે આવેલ વાસણિયા મહાદેવ સામેની એકાવન ફૂટ ઊંચી દાદાની મૂર્તિ અને ડભોડાના હનુમાનજી ભક્તિના પ્રસિદ્ધ સ્થાનકો બની ગયા છે. આવા તો ભારતમાં અગણિત હનુમાનજીના મંદિરો છે પણ સ્થળ સંકોચના કારણે આટલેથી અટકીએ.

આવો, એક પ્રસિદ્ધ શ્લોકથી પૂર્ણાહુતિ ઔકરીએ ઃ

”મનોજવં મારુતતુલ્ય વેગં,
જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયુથ મુખ્યં,
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ।।

રામ, લક્ષ્મણ, જાનકી- જય બોલો હનુમાન કી, જય હનુમાન.
– પી. એમ. પરમાર

error: Content is protected !!