હમીર વરૂની ખાંભી- હેમાળ

જાફરાબાદ તાલુકાના ગામ હેમાળની મધ્યમાં રાણીંગભાઈ વરૂની મેડીને ઉત્તરાદે કરે બજારમાં ત્રણ ખાંભી ને એક ચગો છે. પ્રથમ ખાંભી સં. ૧૮૭૨ની જે વરૂ દાના હમીરની છે. જેમને હેમાળમાં જાગીર મળી ને માણસા મુકામે કામ આવેલ. એમણે પોતાના બાપુ હમીર હાદાની ખાંભી વિધિપૂર્વક ઉપરોક્ત ઠેકાણે ખોડાવેલી. ત્યારબાદ દાના હમીરનું અવસાન થતાં એમની ખાંભી પણ ત્યાં જ ઊભી કરવામાં આવી.

હમીર વરૂ એ જમાનામાં વરૂ ડાયરા અડીખમ ગલઢેરા અને ટીંબી અને બાબરિયાવાડ વિસ્તારના નામદાર દરબાર ગણાતા. એમની ખાંભી ઉપર સં. ૧૮૬૫ કારતક વદ ૨ એવું આછું પાતળું વંચાય છે. ત્રીજી, ખાંભી જમીનમાં ઊતરી ગઈ છે, જે કાઢવી મુશ્કેલ છે. એની કોઈ પાસેથી માહિતી મળતી નથી. થોડેક છેટે છગો છે. જે એક હરિજનનો છે. એમ કહેવાય છે કે એ હરિજન હમીર વરૂનો સેવક હતો. એથી હમીર વરૂના મૃત્યુના આઘાતથી પ્રાણ કાઢી નાખેલા.

#દુહો#

ઓઘડને ઓળ્યે રાખીએ, વાળા ને બાવન વીર;
એની હોય ન રાવ હમીર, જૂના લગી જેઠવા.

કહેવાય છે કે ધારીના કરાફાત અને કરપીણ ગણાઈ ગયેલા ઓઘડ અને માત્રો જયારે કડીથી મલ્હાર રાવને બચાવતા બચાવતા ધારી લઈ આવેલા ત્યારે હમીર વરૂએ આ કાકા-ભત્રીજા ઓઘડ માત્રાની ભેર કરેલી.

માણસાનાં એક બાઈએ પોતાના ભાઈઓ બંદા શાખાના લુણો અને માણસીઆ નામના કાઠી જુવાનો સામે ટીંબી જઈ હમીર વરૂ પાસે રાવ કરી કે ભાયું માનતા નથી ને ગરાસ ખાવા દેતા નથી. એ વખતે હમીર વરૂ સો દોઢસો પસાયતા તો ટીંબીમાં જ રાખતા. છતા કોઈને લીધા વિના એકલા ગયા.

ગામ ટીંબીની બજારમાં અમરશી મેઘજી શેઠ મળ્યા. ‘એમણે’ ટકોર કરી કે બાપુ ! મારી માથે ધોળું ભાંળુ છું. ત્યારે હમીર વરૂ કહે : હોય કાંઈ ? શેઠીઆ બેન દિકરી તેડવા આવે ને એનું દુઃખ ભાંગવા જતા આવા ઓહાન ન હોય.

ગયા માણસે. લૂણાની ખડકીમાં ગરતાં બે ભાઈ સંતાઈને ઊભેલ. તરવાર્યુની તડી પડી ગઈ. હમીર વરૂનું માથું પડી ગયું ને શરીર જનોઈવઢ વેતરાઈ ગયું. આમ હમીર વરૂને દગાથી મારીને બન્ને ભાઈ ધાક ન જીરવી શક્યા તે ભાગ્યા, ગયા નાગેશ્રી ત્યાં દેગણ બોરીચે બાવડું ઝાલીને બહાર કાઢ્યા ત્યાંથી ભાગવા માંડ્યા તે કોઈ ન સંઘરે છેવટ તુલસીશ્યામ ભેગા થયા. તો મહારાજે કીધું કે જ્યાં જાવું હોય ત્યાં જાઓ તમને કોઈ નહી સંઘરે છેવટે તુલસીશ્યામ નજીક અફીણ ઘોળી ને સોડયું તાણી લીધી. એમના છગા છે.

એક ચારણને ખબર પડતાં એણે ડેડાણ ખબર આપી. ડેડાણથી ફોજ આવી. વરૂ, કોટીલા ને ધાખડા સૌ સામટા થઈ બંદાઓને સાફ કર્યા ને હેમાળ દાના વરૂને, માણસા મામૈયા વરૂને અને કાતર હાદા વરૂને ગરાસમાં મળ્યા. આજે એમની સાતમી પેઢી ચાલે છે

ડેડાણના પ્રસિદ્ધ દંતા કોટીલાને સાત દીકરીઓ. એમાંની એક દિકરી હાદા વરૂ વેરે પરણાવેલી. અને એના પુત્ર તે હમીર વરૂ. ડેડાણના ભાણેજ થાય. સરસઈના બળવાન અને તોફાની નાગ ધાધલને એમણે રણમાં રોળેલો ને સરસઈનો ગઢ સોથેસોથા એવાં ગીત એની માથે રચાયેલ.

દુર્યોધનનો અવતાર ગણાતો ભોજ કોટીલો હમીર વરૂનો સમકાલીન, બેયના સીમાડા એક પણ ભોજ કોટીલા જેવો કાળઝાળ માણસ પણ એની તસુ જમીન દબાવી શકેલ નહીં. હમીર વરૂની હાજરી હોય ત્યારે ભોજ કોટીલો ડેડાણ ઉપર ચડે ત્યારે ભુંડે મોઢે પાછા ફરવું પડે. ડેડાણવાળા ખરે વખતે પોતાના ભાણેજ હમીર વરૂને બોલાવી જ લેતા.

હમીર વરૂ ઘણાં ધીંગાણા ખેલેલા,એ જમાનામાં કહેવાતું કે…

ઘેટા વળ ઘાલે ઘણાં, શીંગડાએ ય સધીર,
હોય ન વડય હમીર, હાથી સામે હાદીઆ.

✍🏻લેખક– ‘દાન અલગારી’

🌿કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન🌅
જય બાબરિયાવાડ 🚩
જય કાઠીયાવાડ 🚩

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!