ગુજરાતની વાવો નો ઈતિહાસ

વાવ એ આપણી અતિપ્રાચીન અને અતિલોકપ્રિય સંસ્કૃતિ છે. એ આપણે ત્યાં એટલો બધો વિકાસ પામી છે એ આપણી થઈને જ રહી છે. બાકી સમગ્ર ભારતવર્ષમાં આ વાવ જાણીતી જ છે. જ્યાં એને “બાવડી “કહેવામાં આવે છે. આ વાવ જે જે સમયમાં બંધાઈ છે તે તે સમયની સંસ્કૃતિની ઝલક એમાં અવશ્ય જોવાં મળે છે. શિલ્પ અને સ્થાપત્યકલાનો ઉત્તમ નમુનો છે. શુભ આશય એટલે કે લોકકલ્યાણ જરૂર એમાં સમાવિષ્ટ છે. લોકોને પાણી પીવડાવવું અને એમને આરામનું એક સ્થળ પૂરું પાડવું એજ હેતુસર આજે લગભગ ૧૨૦ જેટલી વાવો સમગ્ર ગુજરતમાં દ્રષ્ટિગોચર થાય છે.

જોકે એને લોકસંસ્કૃતિ કહેવું એ વ્યાજબી નથી જ. આ શબ્દ સૌરાષ્ટ્રમાં વધુ લોકપ્રિય છે અને એને જ નામે જાણીતું પણ છે, પણ આ વાવો તો સમગ્ર ગુજરાતમાં અને અનેક સમયાન્તરે બંધાઈ છે એટલે એને લોકસંસ્કૃતિ કહેવું મારે મન વ્યાજબી નથી જ !!! ગુજરાત એની આગવી શિલ્પકળા અને અને સ્થાપત્યકળા માટે વિશ્વભરમાં જાણીતું છે !!! રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવી વાવો છે ખરી જેનું સ્થાપત્ય પણ બેનમુન જ છે અને ખ્યાલ રહે એ બંને આપણા પાડોશી રાજ્યો છે. ત્યાંના લોકો ગુજરાત આવતા હતાં અને ક્યારેક ક્યારેક એ રાજાઓ ગુજરાત પર ચડાઈ પણ કરતાં હતાં તો ક્યારેક કયારેક ગુજરાતને મદદ પણ કરતાં હતાં તો ક્યારેક એ પ્રજા ગુજરાત સાથે સામાજિક સંબંધ પણ બાંધતા હતાં. તો ક્યારેક ત્યાંના લોકો અહીં સપૂર્ણ ગુજરાતી તરીકે થઈને રહેતાં હતાં.

આમ આદાન-પ્રાદન અને જાણકારીમાંથી જ જન્મી છે ગુજરાતીની શિલ્પ-સ્થાપત્યકળા પણ સોલંકીયુગની આગવી સ્થાપત્યકલાએ ગુજરાતને એક નવો જ ઓપ આપ્યો છે પણ વાવની જાણકારી અને બાંધકામનું જ્ઞાન તેમને અન્ય પાસેથી તો મળ્યું જ હશેને !!! આજે ગુજરાતતે તો ગર્વ લેવાં જેવી બાબત તો એ છે કે કુલ ૧૨૦ જેટલી વાવો છે. જે ગુજરાતના વિધવિધ પ્રદેશોમાં ફેલાયેલી છે અને જે તે સમયની સંસ્કૃતિ અને સભ્યતાની ચાડી ખાય છે. જોવાની ખૂબી એ છે કે સૌરાષ્ટ્ર કરતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવો વધારે સ્થિત છે. મધ્ય ગુજરાતમાં તો એટલી બધી વાવો છેને કે તમે જોતાં પણ થાકી જાવ !!!! પણ જાણીતી વાવોને બાદ કરતાં આવી વાવો અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં છે. જેને વિષે આપણે પછી વાત કરીશું ? પણ એક વાત તો છે કે — આ વાવ ગુજરાતની પોતીકી છે. જેનું આજે આપણે ગૌરવ લઈએ છીએ અને લેવું જ જોઈએ કેમ ના લેવું જોઈએ વળી ? એના વિષે વધુને વધુ જાણકારી અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ !!!

સમગ્ર વાવોના ઇતિહાસની વાત કરતાં પહેલાં એ જાણી લેવું અત્યંત આવશ્યક છે કે આ વાવ એટલે શું ? કેટલાંક લોકો આ વાવને તળાવ કે જે જમીનથી એક-બે માળ ઊંડાઈમાં હોય છે અને એ પાણી સુધી પહોંચવા માટે એમાં પગથીયાં બનાવવામાં આવેલાં હોય છે. એને તળાવ કહેવું વ્યાજબી નથી પણ કુંડ કે પગથીયાંવાળો કુવો કહેવો વધારે ઉચિત ગણાશે. તળાવ ખુલ્લું હોવાને કારણે સૂર્યપ્રકાશને કારણે એ સુકાઈ પણ જઈ શકે છે. જ્યારે આ કુવો કે વાવ બંધિયાર હોવાને કારણે એ સુકાઈ જતો નથી અને એમાં પાણી લાંબા સમય સુધી સંગ્રહિત થયેલું રહે છે અને ચોખ્ખું અને ઠંડુ પણ !!! તળાવ કિનારે જો ઝાડ ના હો કે પાળો ના હોય તો ત્યાં વિશ્રામ કરી શકાય નહિ જયારે અહી વિશ્રામની સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને એજ એનો હેતુ છે. જે કારગત અને કામિયાબ નીવડયો છે !!! અને એક રીતે આ લોકકલ્યાણનું જ કાર્ય ગણાય !!!

આ વાવોનાં બાંધકામ અને પ્રવેશદ્વાર અનુસાર કુલ ચાર પ્રકાર છે

  1.  નંદા વાવ = એક પ્રવેશદ્વાર
  2.  ભદ્રાવાવ = બે પ્રવેશદ્વાર
  3.  જયા વાવ = ત્રણ પ્રવેશદ્વાર
  4.  વિજયા વાવ = ચાર પ્રવેશદ્વાર

આ એક વર્ગીકરણ છે બાંધકામના દ્રષ્ટિકોણથી પણ આમ જોવાં જઈએ તો આ બધી વાવો સુંદર છે અને જે હેતુસર એ બાંધવામાં આવી હતી તેમાં તે સફળ રહી હતી. જો કે એ સમયમાં આપણે તો હતાં નહીં પણ લોકો એનો ભરપુર લાભ લેતાં તે તો સુનિશ્ચિત જ છે નહીં તો આટલી બધી વાવો ગુજરાતમાં હોત જ નહીને !!!

આ વાવોનાં ઈતિહાસ વિષે પણ જાણી લેવું અત્યંત આવશ્યક છે !!!

અગાઉ કહ્યું તેમ આ વાવોમાં પગથીયાં ઉતરીને જ જઈ શકાય છે. આ વાવો પશ્ચિમી ભારતમાં વધુ પ્રખ્યાત છે એમાય ખાસ કરીને આપણા ગુજરાતમાં. કુલ ૧૨૦ જેટલી વાવો પથરાયેલી છે સમગ્ર ગુજરાતમાં. જો કે આનું મૂળ તમને લઇ જાય છે છેક સિંધુ સંસ્કૃતિ અને હરપ્પન યુગમાં !!!જેમાં ધોળાવીરા, લોથલ અને મોહેંજોદરોમાં આવાં પાણી સંગ્રહિત કરી રાખવાં માટેના કુંડો હતાં. તે વખતમાં તો તળાવો પણ હતાં જેમાં પગથીયાં મારફતે નીચે ઉતરાતું પણ હતું !!! અને પાણી પી પણ શકાતું હતું !!!

જો કે વિધિવત આ વાવો ગુજરાતમાં ઈસ્વીસન ૬૦૦માં બંધાઈ હતી અને એ સમયે એ રાજસ્થાન અને ઉત્તરી ભારત અને એમાય ખાસ કરીને પશ્ચિમી ભારતની છાંટ હતી —-ખાસિયત હતી. આ બાંધાકામની કળા અને પ્રસિદ્ધિ ૧૦મી સદી થી ૧૩મી સદી દરમિયાન ચાલુક્ય અને વાઘેલાકાળમાં ગુજરાતમાં ફૂલીફાલી અને એનો સુવર્ણકાળ હતો ૧૧મી થી ૧૬મી સદી દરમિયાન. મુસ્લિમ શાસકોએ આ વાવ સંકૃતિને એક નવો ઓપ આપ્યો ૧૩મીથી ૧૬મી સદી દરમિયાન. એમણે આનું મૂળ સ્થાપત્ય અકબંધ રાખીને એમાં ઇસ્લામિક સ્થાપ્ત્ય્કાલાનો સુભગ સમન્વય સાધીને એનું સુંદર સમારકામ કરાવ્યું. ખાસ કરીને મહેમુદ બેગડાએ !!! મહેમુદ બેગડાએ વાવ અને કુવાને એક નવું નામ આપી નવા પણ બંધાવ્યા જેનું નામ છે ભમ્મરિયો કુવો !!! પણ આ વાવો આગળ જતાં ૧૯મી સદીમાં પાણીના પંપો અને પાઇપલાઈન્સનાં બહોળા વપરાશ અને સુવિધાને કારણે એ આધુનિકયુગમાં ખંડેર બની ગઈ અને જોણું બનીને રહી ગઈ માત્ર !!!

પ્રાગ ઐતિહાસિક કાળ ———

પાણી સંગ્રહિત કરવાનું સ્થાન —- ધોળાવીરા

આમાં સંગ્રહિત કરાયેલું પાણી એ દુકાળ અને ગરમીના સમયમાં લોકોને કામ આવતું હતું. આ પાણી એ સમયે એમ કહેવાતું હતું કે એ વેદકાલીન હતું એટલેકે પવિત્ર હતું અને એજ વેદકાલીન પાણી આ સંગ્રહિત સ્થાનમાં આવતું હતું -સચવાતું હતું !!! આના અવશેષો આજે પણ ધોળાવીરા અને મોન્હેન્જોદરોમાં જોવાં મળે છે. લોથલ તો એ સમયે ધીકતું બંદર હતું. એક સમયે ત્યાં ત્યાં મોટાં મોટાં જહાજો લંગરાતાં હતાં આજે એ એક મોટું પાણી સંગ્રહ કરવાની જગ્યા બની ગયું છે ખાસ કરીને વરસાદી પાણીનું !!! પણ એનો ઉપયોગ નથી થતો. આ ચુના, માટી અને ઇંટોનું બનેલું એ એક નાનકડું તળાવ એ સમયની જાહોજલાલીની સાક્ષી પુરવાં માટે હયાત છે !!! આ એજ વાત સાબિત કરે છે કે એ સમયે સિંધુ સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ હતી તે !!!

2જી થી દસમી સદી ———-

નવઘણ કુવો
અડી કડીની વાવ

ગુજરાતમાં જે વાવો બની એનો ઉલ્લેખ સૌ પ્રથમ અને એનું બાંધકામ અને એ જગ્યા એટલે નવઘણ કુવો અને અડીકડીની વાવ. આ એ નહાવા માટેનો સૌપ્રથમ બનેલો ગુજરાતનો કુંડ છે. જેમાં પગથીયાં મારફતે જ નીચે ઉતરાય છે. આ એ જુનાગઢના ઉપરકોટ વિસ્તારમાં કે જે ગિરનારનો એક ભાગ જ છે એમાં આવેલી ગુફામાં જ છે. આ કુંડ એ ઇસવીસનની ચોથી સદીમાં બનેલો છે અને એના ગોળાકાર પગથીયા માટે જાણીતો છે આ નવઘણ કુવો. બીજું એક ઉદાહરણ જોઈએ આ કુવો એ પશ્ચિમી ક્ષત્રપ (ઇસવીસન ૨૦૦-૪૦૦ ) અથવા મૈત્રક (ઇસવીસન ૬૦૦-૭૦૦) દરમિયાન એ બન્યો હતો. અને એ ફરી પાછો ૧૧મી સદીમાં પણ બન્યો હતો અને અડી કડીની વાવ એ ૧૦મી સદી અને ૧૫મી સદીની વચ્ચે બની હતી.

Adi-Kadi-Vav1

અડી કડી વાવ

જ્યારે ગુજરાતમાં ઔ પ્રથમ વાવ એ રાજકોટ જીલ્લમાં આવેલાં ઢાંકમાં બનેલી છે અને ચાલુક્ય સમયકાળ પહેલાંની છે. બોચાવડી નજીક નેસ અને એલેચ હિલમાં બે બીજી વાવો પણ આની પહેલાંની બનેલી છે જે પણ ઢાંકમાં જ છે. એક જહીલાની વાવ એ ઈસ્વીસન ૬૦૦માં અને એક મંજુશ્રીની વાવ એ ઈસ્વીસનની સાતમી સદીમાં બનેલી છે જે સૌરાષ્ટ્રીય પ્રકારની ખાસ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે !!!

ઇસવીસનની ૧૦મી બારમી સદી ——–

રાણીની વાવ (પાટણ )
માતા ભવાનીની વાવ (અમદાવાદ)– ૧૦૬૬

આ જ વાવ છે કે જેને લીધે આજે ગુજરાત જગ મશહુર છે. આ રાણીની વાવ જ એના સમૃદ્ધ સ્થાપત્ય અને કોતરણીની કળા કારીગરીને કારણે એનો સમાવેશ “વર્લ્ડ હેરીટેજ સાઈટ”માં કરવામાં આવ્યો છે. જોતાં જ અભિભૂત થઇ જવાય એવી છે આ વાવ. આ પાટણ જ એટલેકે અણહિલવાડ પાટણ જ એ સોલંકીયુગનાં શાસકોની રાજધાની હતી. એટલે જ આ “રાણકી વાવ” ત્યાં સ્થિત છે !!! એની શરૂઆત જ ગુજરાતના ચાલુક્ય સમયમાં થઇ હતી !!! જયારે એક કુંડ કે વાવ કહો તો વાવ એ ગુજરાતના પ્રખ્યાત સૂર્યમંદિર મોઢેરાની પશ્ચિમે બની હતી એ ૧૧મી સદીની છે. જયારે એનો મંડપ જે જમીનથી ઉંચો છે એ દસમી સદીમાં બનેલો છે. આ જગવિખ્યાત રાણીની વાવ એ ઈસ્વીસન ૧૦૫૦માં બનેલી છે. અંકોલ માતા વાવ જે દાવડમાં સ્થિત છે અને માતા ભવાનીની વાવ જે અમદાવાદની સ્થાપના પૂર્વેની છે અને જે અસારવામાંજ આવેલી છે એ પણ ૧૧મી સદીના ઉતરાર્ધમાં બનેલી છે !!!

rani-ki-vav_017f49d6-ea6c-11e8-9b97-bd22f81a225c

રાણીની વાવ

ગુજરાતની ઘણી બધી વાવો મીનળદેવી કે જે ગુજરાતના અતિપ્રખ્યાત રાજા સિદ્ધરાજ જયસિંહનાં માતુશ્રી હતાં તેમણે બંધાવેલી હતી. આજ સિદ્ધરાજ જયસિંહના સમયગાળાને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. વિરમગામ મીનળસર (હજાર દેરીઓ વાળું તળાવ) અને એક વાવ જે નડીઆદમાં છે તે પણ રાજમાતા મીનળદેવીએ જ બંધાવ્યા હતાં. મીનળ વાવ જે બાલેજ ગામ જીલ્લો સાબરકાંઠામાં છે તે પણ ઇસવીસન ૧૦૯૫માં બની હતી !!! બીજી એક મીનળદેવીની વાવ જે સૌરાષ્ટ્રના વીરપુરમાં છે તે પણ તેમણે જ બંધાવી હતી અને એ સમયનાં ચાલુક્ય સમયની સ્થાપત્યકલાનો ઉત્તમ નમુનો છે !!!

આશાપુરી વાવ કે જે અમદાવાદમાં છે અને એક વાવ છે જે ઝીંઝૂવાડીયામાં આવેલી છે તે ૧૨મી સદીમાં બનેલી છે !!! ચૌમુખી વાવ જે ચોબારી સુરેન્દ્રનગર જીલ્લામાં છે એ વાવની સાથોસાથ એ ધાર્મિક દેવી-દેવતાઓ અને એની નજીકમાં બનેલાં મંદિરો માટે જાણીતી છે

જયારે એક વાવ છે જે ધાંધલપુરમાં સ્થિત છે જે ખુદ રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી !!! ૧૨મી સદીમાં કુમારપાળના સમયમાં ઘણી બધી વાવો બની હતી જેનાં અવશેષો આજે પણ આપણને ઠેર ઠેર ઠેકાણે જોવાં મળે છે. જે તે સમયના ઇતિહાસની સાક્ષી પૂરવાં માટે પૂરતાં છે. એક વાવ તો પાટણ પાસે વાયડમાં છે. એ પણ આજ સમયમાં બનેલી છે. ગંગા વાવ જે વઢવાણમાં સ્થિત છે તે ઇસવીસન ૧૧૬૯માં બની હતી !!! ચાલુક્ય સમયનાં પાછલા સમયમાં રાજકીય નીરસતાનાં કારણે આ વાવો બંધાવવી ઓછી થઇ ગઈ. આમેય કુમારપાળે પછી જૈન ધર્મ અંગીકાર કરી દીધો હતો ત્યાર પછીના બધાંજ રાજાઓ નબળાં હતાં અને આ ૨-૩ સદીઓમાં જ મુસ્લિમ આક્રમણકારોએ ગુજરાતને ઘમરોળી નાંખ્યું જેમાં ઘોરી અને ખીલજી મુખ્ય હતાં !!! એટલે આ વાવ અભિયાન આશરે ૨ સદી સુધી બંધ જ રહ્યું !!!

૧૨મી ૧૩મી સદી —–

રા ખેંગાર વાવ જે વંથલી અને જુનાગઢ જવાનાં રસ્તા પર આવે છે એ તેજપાળ એટલેકે વસ્તુપાળ -તેજપાળ જોડીમાંનાં એ બંન્ને જોડિયામંત્રીઓએ વાઘેલા યુગનું નામ રોશન કરવાં બંધાવી હતી !!! એ પૂર્વ વાઘેલા સમયની ચાડી ખાય છે. આ જ વાઘેલા વંશના વિશાલદેવે તો ડભોઈમાં દાર્વાજા, મંદિરો અને વાવ પણ બંધાવી હતી જે પૂર્ણ થઇ ઇસવીસન ૧૨૫૫માં. ડભોઈની સપ્તમુખી વાવ એ એના કિનારે બનેલાં મંદિર અને એક નાનકડા તળાવને કારણે એની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે અને વિશાલદેવની સુઝબુઝને સલામ કરે છે !!!

વઢવાણની માધાવાવ જે ઈસવીસન ૧૨૯૪માં બની હતી તે ત્યાનાં નાગર બ્રાહ્મણ માધા અને કેશવે બનાવી હતી તેઓ પણ વાઘેલા શાસનકાળના રાજા કર્ણદેવનાં મંત્રીઓ હતાં. બત્રીસ કોઠા વાવ જે કપડવંજમાં આવેલી છે એ ૧૩મી સદીની બનેલી છે એની સરખામણી માધાવાવ અને વિકિઆ વાવ સાથે અવશ્ય જ કરી શકાય

૧૪ મી ૧૫મી સદી ——-

અડાલજ વાવ
અને દાદા હરિની વાવ

૧૪મી સદીમાં સમયગાળામાં ગુજરાતમાં અતિ પ્રખ્યાત અને કલાકૃતિઓ અને કોતરણી વાળી અતિસમૃદ્ધ વાવો બની હતી. સોઢાલી વાવ કે જે માંગરોળમાં સ્થિત છે તે ઇસવીસન ૧૩૧૯માં બની છે. જે વલી સોઢાલા જે મોઢા જ્ઞાતિનો હતો એણે બંધાવી હતી. એક વાવ છે જે બ્રહ્મા મંદિર ખેડબ્રહ્મા પાસે આવેલી છે તે ૧૪મી સદીમાં બનેલી છે !!! જે એની આગવી શૈલી માટે અતિપ્રખ્યાત છે !!!

સુદા વાવ જે મહુવામાં સ્થિત છે તે ઇસવીસન ૧૩૮૧માં બનેલી છે. હની વાવ જે ધંધુસારમાં બનેલી છે તે ઇસવી સન ૧૩૮૯માં બનેલી છે અને સિદ્ધાર્થ મહાદેવ વાવ જે ધોળકામાં સ્થિત છે તે ગુજરાતના તુઘલખકાળમાં બનેલી છે. એક અન્ય વાવ છે સાંપા જે અમદાવાદ પાસે છે એ ઇસવીસન ૧૩૨૮માં બનેલી છે. રાજબા વાવ જે રામપુરા જે વઢવાણની નજીક જ છે એ ઇસવીસન ૧૩૨૮માં બનેલી છે અને વઢવાણી વાવ જે ખંભાતમાં સ્થિત છે એ ઇસવીસન ૧૪૮૨-૮૩માં બનેલી છે. જે માધાવાવ વઢવાણનો પૂર્વાર્ધ જ છે. દાદા હરિરની વાવ એ ઇસવીસન ૧૪૯૯માં મહેમૂદ બેગડાને ત્યાં કામ કરતી એક બાઈ ધાઈ હરીએ બંધાવી હતી અને બે બીજી બે વાવો છે કાલેહ્વારી સંકુલ લુણાવ પંચમહાલ જીલ્લામાં જે લુણાવાડા નજીક છે તે ઇસવીસનની ૧૪મી ૧૫મી સદીમાં બનેલી છે પણ એનું બાંધકામ અને પુરાવાઓ એવી ચાડી ખાય છે કે એ ૧૦મી સદીમાં બન્યું હોય !!!

adalaj-stepwell1

અડાલજની પ્રખ્યાત વાવ

આ જ સમયગાળા દરમિયાન ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને આ વાવો એનું મહત્વ ગુમાવી બેઠી હતી પણ તોય વાવ બંધાવવાનું ઘટ્યું હતું પણ સદંતર બંધ નહોતું થયું. એક વાવ જે સોડાઈ ગામ જે મહેમદાવાદની નજીક છે અને બીજી એક જે મહેમદાવાદમાં જ સ્થિત છે તે ૧૫મી સદીમાં ખુદ મહેમુદ બેગડાએ બંધાવી હતી !!! બીજી બે વાવો જે વડોદરા અને વડોદરાની આજુબાજુ છે તે પણ પંદરમી સદીમાં જ બનેલી છે. જેમાંની એક સેવાસી ગામમાં ઈસ્વીસન ૧૫૩૭માં અને બીજી એક નવલખી વાવ જે ઈસ્વીસન ૧૪૦૫માં બની હતી કે જે લક્ષ્મી વિલાસ પેલેસમાં આવેલી છે તે ઇસવીસન ૧૪૦૫માં બનેલી છે !!!

અડાલજની પ્રખ્યાત વાવ જે રૂડાબાઈએ બંધાવી હતી તે પણ ઈસવીસન ૧૪૯૯માં બની હતી. છત્રાલ સ્થિત એક વાવ પણ આજ સમયગાળામાં બનેલી છે !!!

૧૬મી થી ૧૮મી સદી ———

અમૃતવર્ષીની વાવ

નાગાબાવા વાવ જે ધાંગધ્રામાં સ્થિત છે તે ઇસવીસન ૧૫૨૫માં બનેલી છે. મોરબીની જીવા મહેતા વાવ એ પણ આ સમયની ચાડી ખાય છે !! રાહોની વાવ ચંપામાં ઇસવીસન ૧૫૬૦માં બની હતી. રાજા શ્રી નાનાજી નાં પત્ની અને એમની પુત્રીનાં નામની વાવો પાલનપુર અને ઝીંઝુવાડીયામાં પણ આ જ સમયગાળા દરમિયાન બનેલી છે !!!

આ સમયમાં ઘણી બધી વાવો એ સાદી અને આકૃતિ રહિત કહો કે કલાકૃતિ વગરની છે જેનો સમયગાળો નિશ્ચિત કરવો અઘરો છે એટલે એ ચોક્કસ પણે કહી શકાતું નથી કે એ કઈ સાલમાં બની હશે તે !!! અને જ્યાં સાલ જ ના મળતી હોય ત્યાં વળી એ કોણે બંધાવી છે એ ક્યાંથી ખબર પડવાની હતી !!! પણ એટલું ખબર પડે છે કે એ ૧૬મી કે ૧૭મી સદીમાં બની હશે કદાચ ?

આવી વાવમાં ઉવારસદની વાવનું નામ પહેલાં આવે છે. હામપુર ઇડરની વાવ આવે છે માત્રી વાવ કનકાવતી અને જ્ઞાનેશ્વરી વાવ મોઢેરા આવે છે. મંડવા એ ઉત્તર ગુજરાતની એક વાવ છે એનું નામ પણ આવે છે. મહેમદાવાદની પણ કેટલીક વાવોનું નામ આવે છે. પાટણની સિંધવી માતાની વાવ એ પણ ઇસવીસન ૧૬૩૩માં બનેલી છે. રાવલી વાવ કે જે માંગરોળમાં છે તે પણ ૧૭મી સદીમાં બનેલી વાવ છે. એક વાવ લીંબોઈ જે ઇડર પાસે છે જે ચાલુક્ય શિલ્પોથી લદાયેલી છે તે ઇસવીસન ૧૬૨૯માં બની હતી !!!

amrit-varshi-ni-vav

અમૃતવર્ષીની વાવ

અમૃતવર્ષીની વાવ જે અમદાવાદમાં છે જે એલ શેપમાં છે તે ઇસવીસન ૧૭૨૩માં બની હતી !!!

૧૯મી -૨૦મી સદી ——-

૧૯મી -૨૦મી સદીમાં અંગ્રેજ અધિકૃત અધિકારીઓને લાગ્યું કે આ વાવો માણસના સ્વાસ્થ્યને નુકશાન કરે છે અને એ પાણીના પંપો અને પાઈપ લાઈન્સ કરતાં ઉણી ઉતરતી છે અને એનું બાંધકામ એટલું જુનું -પુરાણું છે કે ક્યારે એ પડી જાય એ કહેવાય નહીં અને આમાં પાણી ચોખ્ખું રહેતું નથી અને એનો નિકાલ અને સફાઈ કરવી પણ અઘરી બને છે અને ક્યારેક ક્યારેક આત્મહત્યા કે હત્યા જેવાં અનિચ્છનીય બનાવો પણ આવી અલાયદી જગ્યાઓએ બનતાં જ હોય છે. એવાં બહાના કાઢીને એને માત્ર જોવાંલાયક સ્થળો જ બનાવી દીધાં. જેને પ્રજા સમક્ષ લાવવાનું કાર્ય કર્યું પુરાતત્વ ખાતાંએ અને આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ અને અતુલ્ય વારસાની ટીમે !!!

તેમ છતાં ઈસ્વીસન ૧૮૬૦માં અમદાવાદમાં ઇસનપુરમાં જેઠાભાઈની વાવ અને વાંકાનેર મહેલમાં એ વખતના રાજાઓએ એક સફેદ ચુના મિશ્રીત પત્થરની વાવ જરૂર બંધાવી હતી અને આ વાવના અંતિમ સ્મારકો છે ત્યાર પછી ના કદી વાવ બની છે અને ન કદાપિ બનવાની છે. માનવજાતિ માટે ભરાયેલું આ ઉત્તમ પગલું એ માનવજાતિ માટે જોણું બનીને રહી ગયું !!!

આર્થિક રીતે પણ આ પાઈપ સીસ્ટમ સસ્તી પડતી હોવાથી આ વાવોએ એની મહત્તા ગુમાવી દીધી એટલે ત્યાર પછી કોઈએ વાવ બાંધવાની હિંમત કરી નહીં !!!

એક વાત તો નિશ્ચિત છે કે આ વાવનો હેતુ જે તે સમયગાળા દરમિયાન જરૂર પાર પડયો હતો ——— વિશ્રામસ્થાનનો!!! ગુજરાતની શિલ્પકલા અને સંસ્કૃતિક ઝાંખી કરાવતી આ વાવો સાચેજ આપણી ધરોહર છે અને આપની વિકાસગાથા છે એટલું તો અવશ્ય પણે કહી શકાય. મહત્ત્વનું એ નથી એ કેટલી છે. મહત્વનું એ છે કે લોકોને એમાં કેટલો રસ પડે છે તે છે !!! આ રસ જો આપણે એમનામાં જગાવી શકીએ કે એને સ્વચ્છ અને સુઘડ બનાવી શકીએ તોય ઘણું છે !!! સ્થાનકો આજે સ્મારકો બની ગયાં છે એનો જીવતો જાગતો જાગતો નમુનો છે આ વાવો..

એમાં આપણા આખા ગુજરાતની સંકૃતિ ગુજરાતનું જીવન અને ગુજરાતનો ઈતિહાસ અને સૌથી વધારે ગુજરાતની શિલ્પ -સ્થાપત્યકળાની આ વિકાસયાત્રા અવશ્ય માણવા જેવી છે. એક વાર નહીં…… વારંવાર !!!!

ગર્વથી કહી શકાય એમ છે કે ——–

“જ્યાં જયાં નજર મારી પડે
ત્યાં ત્યાં વાવ નજરે પડે !!!”

———- જનમેજય અધ્વર્યુ..

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… 

error: Content is protected !!