ગુજરાતી લોકનાટ્ય— ભવાઈ

ગુજરાતના ગરબાની જેમ જ ભવાઈ પણ ગુજરાતની ઓળખ ગણાય છે. ગુજરાતની ભાતીગળ નાટ્ય કલા એટલે ભવાઇ, ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર થી હવે સોસીયલ મીડીયા પર દેખાતો જાય છે.

ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકી છાંયડીઓની કથા. ભવાઇ એટલે ભવની વહી, માનવ જીવનની કથા. માણસ એ વહી જુએ ને પોતાની જાતને ઓળખતાં શીખે, એવો ભવવહી કે ભવાઈનો મૂળ અર્થ છે. આ સંસારમાં આપણું મૂળસ્વરૂપ તો એક જ છે, પણ સૌ જુદા જુદા પાઠ ભજવીએ છીએ, એવું જ્ઞાન કરાવીને માણસને ધર્મના માર્ગે વાળવાના ઉદ્દેશથી ભવવહીની યોજના થયેલ છે.

ભવાઈનો મૂળ સંબંધ શક્તિપુજા સાથેનો માટે ભવ એટલે વિશ્વ, જગત. આઇ એટલે કે માતા જગદંબા, ઘણા કહે છે ભવાઈ માતાજીનો મહા પ્રસાદ છે. કલાકારને માતાજીએ આ કલા પ્રસાદ રૂપે આપી હતી અને વચન આપેલું કે જે કલાકાર આ કલાને સમર્પિત થશે તેનું ગુજરાન હું ચલાવીશ. (ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા છે )

આ અસાઈત ઠાકર કોણ છે ? ભવાઈ શરૂઆત કોણે કરી ? એક પ્રચલિત વાત પ્રમાણે ભવાઈ ની શરૂઆત ૧૪મી સદીમાં અસાઇત ઠાકર કે જે ઉમિયા માતાના મંદિરનાં પૂજારી અને કથાકાર હતાં તેમણે કરી હતી એમ કહેવાય છે.

ઊંઝાના પટેલને ત્યાં ગોરપદુ કરતા. વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય, અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર ચઢાઈ કરી. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેર તેણે તાબે કર્યું. સિદ્ધપુરનો એક મોવડી હેમાળા પટેલ અને તેને એક સૌંદર્યવતી યુવાન દીકરી ગંગા. ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું.

ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો. આભડછેટનો તે જમાનો? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે. નાતજાતના ભેદની પરવા કર્યા વિના અસાઈત ઠાકરે પટેલની દીકરીની લાજ રાખવા, એક થાળીમાં ભોજન લીધું એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવ્યું.

ગંગા તો બચી ગઈ, પરંતુ ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો. અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું. અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા. તેમના માટે જીવનનિર્વાહનો પ્રશ્ન ઉભો થયો, એક દિવસ તેમણે માતાજીનાં મંદિરનાં દ્વાર ખોલ્યાં, તો સામે ચૂંદડી, ચોખા, કંકુ અને ઘૂઘરા પડ્યા હતા. તેમણે માતાજીનો પ્રસાદ ગણી માથે ચઢાવ્યો અને આનંદથી મુખમાંથી શબ્દો સરી પડ્યા ..
“તા .. થૈયા, થૈયા ..તા .. થૈ .. !” અને ભવાઇનો જન્મ થયો!!!

હેમાળા પટેલ અને સમસ્ત પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી. અસાઈત ઠાકર સાહિત્ય અને સંગીતનો છંદ જાણકાર, સુંદર સંગીતકથા કરી જાણે. તેમણે લોકભોગ્ય ભાષામાં લાંબા–ટૂંકા `વેશ` લખવા શરૂ કર્યા.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પોતાના જ લખેલા અને લોકરુચિને અનુરૂપ સંગીતબદ્ધ કરેલા વેશને અસાઈત ઠાકર અને તેમના પુત્રોએ સમાજને અર્પણ કર્યા. લોકજીવનને વણી લેતા અને લોકમાનસને સ્પર્શી જતા અસાઈત ઠાકરના આ સંગીતપ્રધાન વેશ “ભવાઈ“ના નામે જાણીતા થયા.

આમ જીવનનિર્વાહ માટે ભવાઈના વેશ ભજવવાનું શરૂ કર્યું. તેમણે ૩૬૫ વેશ લખ્યાં. સમય વીતતાં ભવાઈ લોકપ્રિય થતી ગઈ અને ભવાઈએ ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા.

ભવાઇમાં બધા પાત્રો પુરુષ દ્વારા જ ભજવવામાં આવતા હતા. મુખ્યત્વે ભૂંગળ, તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા, સારંગી જેવાં વાજીંત્રો વપરાતા. સૌ પ્રથમ ગણેશજી અને માતાજીની સ્તુતિ થાય ત્યાર બાદ મંચ પર સુત્રધાર આવે અને તેના પાત્રોને બોલાવે ભવાઈના પાત્રોને ખેલીયોઓને તેઓ નાટક કરતા તેને વેશ ભજવ્યો કહેવાય.

અથવા ભવાઈયો અથવા તરગાળો પણ કહેવાય. જુદા જુદા પ્રસંગો ભજવાય, રંગલા-રંગલીનું પાત્ર ભવાઇના મુખ્ય પાત્ર ગણાય, ત્યારે રેડીયો, સીનેમા, ટી. વી. જેવા સાધનો ન હતા. મંચ પણ ન્હોતો મોટા ભાગે ખૂલ્લાં મેદાનમાં કે ગામને પાદર પડદા માટે એ લોકો મોટાં લૂગડાં બાંધી દે અને વેશ ભજવાતો, ભૂંગળવાદન થાય, ભવાઇના ભૂંગળ વાગે અને લોકો ભેગા થાય એટલે ભવાઈ ભજવાતી. શરૂઆતમાં માતાજી અને ગણપતિને આવવાહન કરે. ત્યાર બાદ સુત્રધાર આવણું કરે અને પાત્રો પ્રવેશે નૃત્ય, સંગીત અને અભિનય ભવાઇનાં મુખ્ય તત્વો ગણાય. ત્યારે ભવાઇનું એક સ્થાન હતું. તેના કલાકારો ગામમાં પ્રવેશે ત્યારે તેમનુ ઢોલ, નગારા સાથે સામૈયુ કરવામાં આવતું.

ભાણ અને ભાણિકા જેવા ખેલો કરનારા ભાંડ કહેવાયા. ભવાઈનો સંબંધ સંસ્કૃત રૂપક ભાણ અને ઉપરૂપક ભાણિકા સાથે હોઈ શકે. ભવાઈમાં ઉદ્દેશ ધર્મ તથા નીતિના ઉપદેશનો હોય છે. અસંસ્કૃત લોકોના મન ઉપર સચોટ અસર પહોંચાડનારૂં એ સાધન હતું. ભારતના નાટ્યસૂત્રોમાં લોકનાટ્ય આવે છે જેને પાંચમો વેદ કહ્યો છે.

ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ત્યારે આપણાં સંસ્કૃતિ વારસાને જાળવી રાખવા માટે દરેક કલાકારોનો આ પ્રયત્ન સરાહનીય છે.

ભવાઈ માં એક સંદેશ હોય છે જે જીવનમાં ઉતારવો જોઈએ

ટૂંકમાં લોકોમાં તે લોકોને જાગૃત કરવા રચાયેલો આ સમ્પૂર્ણ ગુજરાતી લોકનાટય પ્રકાર એટલે  —— ભવાઈ !!!
આપણા સારા સાહિત્ય સર્જકો જેઓ નાટકો લખે છે તેઓને નમ્ર વિંનતી કે ગુજરાતમાંથી આ નાટ્ય પ્રકારને વિલુપ્ત થવાં ના દે આમ જો થશે તો કલાકરોને પણ રોજી રોટી મળશે અને આપણું લોકસાહિત્ય જીવંત બનશે !!!!

——— જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!