ગામમા રામજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા છે. યજ્ઞયજ્ઞાદિ પુરા થઇ ગયા છે. આખુ ગામ ધુમાડાબંધ જમવાનુ છે. પહેલાના સમયની વાત છે. ત્યારે અત્યાર જેવા મંડપ ડેકોરેશનના ધંધા વિકસેલા નહોતા એમાય મોટો જમણવાર હોય ત્યારે દરેક જણે થાળી, વાટકીને પાણીનો ગ્લાસ સાથે લઇ જમણ વારમા આવવાનો રિવાજ હતો. અહીયા જમણવારની તૈયારી થઈ ગઇ છે. ગામના નાના મોટા છોકરા હાથમા થાળી વાટકીને પ્યાલા લઇ આટાફેરા મારે છે. ક્યાય સાથે લાવેલા તેમના નાના ભાઈ બહેનથી થાળી કે વાટકી પડી જાય છે ને માટીવાળી થાય છે.
કેટલાક તોફાનીઓ થાળીઓ વગાડી જમવા આપો તેવી માગણી કરતા હશે તો ય ના નહી.
મુળ વાત એવી હતી કે ગામના મંદિરમા રામ, લક્ષમણને જાનકીની મૂર્તિઓ હતી. એક વખત પુજારી જટા ગોર સીતાજીને વાધા પહેરાવતા હતા ત્યારે મૂર્તિ હાથથી ખંડિત થઈ ગઇ.
ખંડીત મૂર્તિ રાખવી અશુભ ગણાતુ. ગામે નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી તેમ નક્કી કરેલ. તે મુજબ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તમામ વિધી પૂર્ણ થાય પછી જમણવાર હોય અને તેમાય બ્રાહ્મણો પ્રથમ જમી લે પછી બીજા લોકોનો જમણ વાર શરૂ થાય તેવો શિરસ્તો…
બધુ જ તૈયાર છે પણ પુજારી એવા જટા ગોરનો પતો નથી. યજ્ઞના બ્રાહ્મણો હઠ લઇ બેઠા છે કે જટા ગોર આવે પછી જ જમવા આવીએ. અમારા આ ગોર ચાર ચાડા ચાર ફૂટ ઉચા ને પેટ ફુલેલુ દેખાવે જાણે ગોળ પીપ, ધોતિયુ એક લાવે આડા નહી ઉભા બે ટુકડા કરી પહેરે, ત્યારે તેમનો મેળ પડે, પંડે બ્રહ્મચારી, વજન હશે પાચ મણ, એમની જનોઈ નીચે અડી ન જાય તેથી ખાસ ટુકી રાખે તેવા અમારા જટાગોર.
તેમને મુકીને અમે જમીશુ નહી. ગોર જડતા નથી, બ્રાહ્મણો જમતા નથી, ગામના છોકરા ઝપતા નથી, થાળીઓનો શોર બકોર બંધ થતો નથી, નાના મોટા સહુ એકબીજાને પુછે છે?? કેમ જમણવાર ચાલુ નથી કરતા..
ગામના મુખીએ જવાનિયાઓને બોલાવી હુકમ કાઢ્યો કે જટાગોરને શોધી આવો. અગડે વગડે તપાસ કરો.. ભારે શરીરે છે હમણા જ હતા. બહુ દુર પહોચ્યા નહી હોય. તે જમાનામા ખાસ કોઈ વાહનો હતા નહી. શોધખોળનો દોર ચાલુ થયો.
વાત જાણે એમ બની હતી કે ગામમા એક ટીખળી રમુજીલાલ હતા. તેમણે વાત વાતમા જટા ગોરને કહ્યુ કે તમે હળવેકથી સીતાજીના વાઘા બદલ્યા હોત તો ગામને આટલો મોટો ખર્ચ કરવો ન પડ્યો હોત.. આમે ય રમુજીને જટા ગોરને કાયમ નાની મોટી વાતે ચકમક ઝર્યા કરતી. જટા ગોર આજીવન બ્રહમચારી હતા. સાઈઠેક વરસની ઉમર.. કહે છે કે બ્રહમચારી મગજના ગરમ હોય … તેમને રમુજીલાલની વાતે ખોટુ લાગ્યુને કહ્યુ કે લે તારે પડી રહ્યા તારા સીતાજીને તારૂ ગામ.. હુ તો આ ચાલ્યો.. સારો પુજારી લાવીને પુજા કરાવજે… આમ કહીને તે ચાલી નીકળ્યા. ચાલી જ નીકળેને પાછળ કોઇને કહેવા જવુ પડે તેવુ તો હતુ નહી.
રમુજીલાલે વાત હળવેકથી લીધી હતી પણ હવે તેમને પરિણામ દેખાયુ. તેમને પોતાની ભૂલથી બાજી બગડ્યાનુ ભાન થયુ તેમણે મુખીને વાત કરી.. મુખીએ જટાગોરને શોધી કાઢવા ચારે બાજુ જેટલા રસ્તા હતા તેટલી ટીમો દોડાવી.
આ બાજુ છોકરા સુધી ઠીક હતુ તે જમાના ઈલેકટ્રીસીટી હતી નહી. આમે ય ગામડામા વહેલા જમવાની પ્રથા હોય છે. હવે છોકરાની માવડીઓએ મોરચો સંભાળ્યો. છોકરા ભુખ્યા થયા છે. ક્યા સુધી આટાફેરા કરે?
કલાક દોઢ કલાક પછી જટાગોર એક ઠેકાણે ઝાડ નીચે થાકીને બેસી ગયા હતા. થાકી જ જાયને તેમનુ ચાર ફુટનુ ઉચુને મોટા પીપ જેવડુ પેટ, આટલી કાયાનુ વજન પણ સો કિલો જેટલુને સાઠ સાલના થાકીને બેસી જ જાયને…
જટાબાપા મંદિરે ચાલો , છોકરાઓ એ સમજાવ્યા ગોર કહે જાઓ મારે નથી આવવુ. ગોરભા છેવટે તૈયાર થયા પણ કહે હુ થાકી ગયો છુ. હાલ મારાથી ચલાશે નહી થોડીવાર થાક ખાઈને આવીશ. માંડ માંડ રમલો દોડતો ગામમા જઈ સાયકલ લઇ આવ્યો. માંડ માંડ ગોરને સમજાવી બેસાડ્યા. દિવસ આથમવાની તૈયારી હતી ત્યા આ ગોરનો વરઘોડો ગામમા પહોચ્યા. બધાને હાશકારો થયો.
ગામમા વિજળી નહોતી. અંધારૂ થવામા હતુ. બ્રાહ્મણો પ્રસાદ લેવા બેઠા.. ઓછામા પુરૂ એ જમાનામા પંગતે પીરસવાનો ધારો હતો. છોકરાની રાડારોળ તો હતી હવે તો તેમની માતાઓ પણ તેમા જોડાઈ… અંધારૂ થઇ ગયુ.
પેટ્રોમેક્સ ગામમા એક જ હતી. તે રસોડે મુકવી કે પંગતે? છેવટે રસોડે મુકવા નક્કી થયુ. પંગત માટે કેટલીક ફાનસો ભેગી કરીને મૂકી. ફાનસો અહી આવી તો ગામમા અંધારૂ થયુ.
આ વાતથી જટા ગોરને કંઈ ફરક નહોતો પડતો. મુખીએ ગોરને કોઈએ કંઈ ન કહેવા તાકીદ કરી દીધી.જટા ગોરની બીજી કેટલીક વાતો પણ કરીએ.
ગોરનુ ઘર ગામના મુખ્ય રસ્તા પર, પતરાવાળી ઓરડી કહીએ તો ય ચાલે, શ્રાવણ મહિનામા શિવાલયે સવારના બીલીપત્ર ચઢાવવા ગોર જાય બપોરે એક દોઢ વાગે આવે, ખૂબભુખ્યા થયા હોય, પંડે બ્રહ્મચારી એટલે રસોઈ પણ જાતે કરવાની, ગેસ તો હતા નહી કેરોસીનથી રસોઈથી ગોરને તેની વાસ આવે… લાકડાથી જ રસોઈ કરે, વરસાદ ન આવ્યો હોય એટલે બફારો ય ઘણો હોય, માંડ ચુલો પેટાવે ત્યા ગામના ટીખળી સંતાઈને જ બેઠા હોય જે ભલોભોળો છોકરો તેમના ઘરેથી પસાર થાય કે તરત જ પેલા ટીખળીઓ ગોરના છાપરે પત્થર ફેકે ભુખ્યા ગોર, તુડમિજાજી બ્રહ્મચારી, કંટાળેલ આત્મા, ગુસ્સામા બહાર નીકળેને દે બેચાર ઝાપટ પેલા નિર્દોષને ઉપર બે ચાર સંસ્કૃત ગાળ તો ખરી જ…
આવુ વારંવાર થાય.. રોજ સાજે ગોર મંદિરની આરતી કરી મંદિરની રસ્તા પર પડતી બારી પાસે બેસે… છોકરા ય ગોરના સ્વભાવના જાણકાર થઇ ગયા હતા… ગરમીના દિવસો હોયને છોકરા ટીમ બનાવી સીતારામ કહેતા ગોરની બારી પાસેથી વારા ફરતી નીકળે એકાદ બે ને સીતારામનો વળતો સીતારામનો જવાબ મળે પછી ગોરને સીતારામ બોલવાનો કંટાળો ય આવેને પછી તો જે સીતારામ ભક્ત ઝાપટે ચઢે તેને તો હનુમાન પણ ન બચાવી શકે.. પ્રસાદમા ગોરભા બોચી પર બે દે ને માને એક ભદ્ર ગાળ ચરણામૃતમા આપે… આમ દિવસ પુરો થાય…
ગોરભાનો મિજાજ ક્યારે કેવો હોય તેનુ નક્કી નહી. કોકવાર રાત્રે ઘસઘસાટ ઉઘતા ગોરના છાપરે પત્થર પડે.. ગોર રાતે રાડારાડ કરી ગામને. ઉઠાડે.. છોકરા તો છુમંતર થઇ જાય….
એકવાર જળઝીલણી અગિયારસ, ચિભડાની પ્રસાદ, ગામના આગેવાન વસરામ પટેલ જળયાત્રાએ નહોતા આવ્યા. ગોરને આખો દિવસ ધમાલ રહેલી, ટીખળીયાથી કંટાળીને બેઠેલા ત્યા વસરામ પટેલ આવીને મંદિરને ઓટલે બેઠા… જટાગોર માંડ પગ વાળીને બેઠા ને વસરામ પટેલે કહ્યુ: જટા ગોર પ્રસાદ તો આપો. જટા ગોર છટક્યા. વસરામ પટેલ કંઈ સમજે તે પહેલા પ્રસાદની આખી તાસક તેમની સામે પછાડી… લો ખાઈ જાવ બધી તમે જ ખાઈ જાવ.. આખા દિવસથી બધા લોહી પી ગયા…અડધો પ્રસાદ ભોય ઢોળાયો…માંડ માંડ મામલો ઠાળે પડ્યો.
આવા તો અનેક કિસ્સા છે. ઉનાળાના દિવસોમા ગોર તેમના રસ્તા પરના ઘર પાસે બહાર ખુલ્લામા ખાટલો નાખીને સુએ. ગોરના નસકોરા એટલા જોરથી બોલે કે આજુબાજુ વાળા રાત્રે સુઈ ન શકે. આ વાત ટીખળીયા ગેંગને ધ્યાને આવી. ગોર ઘસઘસાટ ઉંઘમા હોયને. ટોળકી ગોરનો ખાટલો નનામી ઉઠાવે તેમ હળવેકથી ઉઠાવી ગામ બહાર આવેલા તળાવની પાર પર મુકી આવે. સવારની વાત સવારે. ગોરભા ખાટલો આડો ઉચકી ખભે કરે તો ય ભોય ખસડાય કેમ કે ગોરની ભૂગોળ અલગ જ હતી.
એકવાર સાંજના ગોરભા રામજીની આરતી કરતા હતા. ગામના હરખામાં ભારે શ્રધ્ધાળુને ભોળા ય ખરા.. પ્રથમ આરતી ગર્ભગૃહે ભગવાન રામજી, સીતાજીને લક્ષ્મણની ઉતરે પછી ગોરભા હનુમાનજીની આરતી ઉતારે… આમ ગર્ભગૃહની આરતી પતાવી પાછા પાછા પગલે ગોરનુ આવવુ બરાબર તે જ વેળાએ હરખામાંનુ પ્રભુને દંડવત નમસ્કાર કરવુ. ગોરભા ગોળ પીપની જેમ આરતી સહીત હરખામાં પર પટકાયા. થોડાક ગરમ આરતીથી દાઝ્યા ય ખરા.. ક્રોધની તો અહી વખાર.. ગોર ઉભા થઈ ગયા, હરખામાને હજી કળ વળી નહોતી ત્યા તો ગોરભાએ આરતી બાજુએ મુકી પડતીને હરખામાને ગભારા બાજુ ખેચ્યાને જોર જોરથી બુમો પાડી કહેવા લાગ્યા… મોટી ભક્તાણી થઈ ગઈ છે તે ઘડીમા આમ પડેને ઘડીમા આમ લે આ તારો ભગવાન કાઈ દઈ દેતો હોય તો જા લઈ લે… હરખાબા તો હતપ્રત થઈ.. તે ચુપચાપ ઘેર જતા… ત્યારથી તેમણે મંદિર આવવાનુ બંધ કર્યુ.
એકવાર ચોમાસાનો દિવસ. બેચાર દિવસની હેલી થયેલી, ગોરભા મંદિર સાફ કરીને બેઠા ત્યા રમુજીલાલ મંદિરમા આવ્યા. પગ સહેજ લુછવાના રહી ગયા. ગોરભાએ તે જોયુ. રમુજીને અને ગોરને બારમો ચંન્દ્ર ,સાવરણી હજી સામે જ પડી હતી. રમુજીલાલ કંઈ સમજે કે જાણે તે પહેલા જ સાવરણી ઉઠાવીને બરડા પર બે ચાર મારી દીધી.
એકવાત સારી હતી કે ગોરને ગામ વેઠતુ હતુને ગોર ગામને વેઠતા હતા. એકવાર ઉનાળાનો દીવસ હતો. બપોરનો પોર હતો. ગામનો કુંભાર ભારે સેવાભાવી દર ઉનાળે નવી માટલી આપી જાયને તેમના ઘરવાળા મંદિરનુ પાણી ભરી જાય.. જતા સહુ મંદિરે બેસે ઠંડુ પાણી પીએ. તે દિવસે ખુબ જ ગરમી, ગામમા કોઇ સાધન આવતુ નહી ગામથી એકાદ કી.મી.રેલ્વે સ્ટેશન… રેલ્વે ગામનુ એકમાત્ર આવન જાવનનું માધ્યમ, મુખી બપોરની ગાડીએથી ઉતરીને આવતા હતા તરસ લાગી હતી મંદિરના ઓટલે ઉભા રહી બુમ મારી જટાગોર એક લોટો પાણી લાવોને… જટા ગોરની છટકલી… આખી માટલી ઉઠાવીને મુખીના પગમા પછાડીને કહે લો પી લો પાણી આખો દિવસ પાણી પાણી કરો છો… માટલી ફુટી ગઈ.. મુખી ગોરના ગુસ્સા પર હસતા હસતા ઘેર જતા રહ્યા..
એમ સાંભળેલ છે કે નાનપણમા ગોરને જોવા કન્યાના બાપ આવ્યાને જોઈને ગયા. થોડા દિવસ પછી તે તેમની પત્નીને લઈ ફરી આવ્યા. ઘરે ગોર એકલા હતા. સરભરા કરવી પડી એટલે ગોરને ગુસ્સો આવ્યો.. શુ રોજ રોજ આવી જાવ છો? મારામાં શુ જોવાનુ છે? શું હું સરકસનુ માંકડુ છું?ખબરદાર જો હવે આય આવ્યા છો તો? કહે છે કે તે પછી ગોરને જોવા હજી સુધી કોઈ આવ્યુ નથી. આ અમારા ગોરની ઘણી બધી વાતો છે….
લેખક:-પોપટભાઈ પટેલ,ઘેલડા
નોંધ:- કોઈ મિત્રે કોપી પેસ્ટ કે ફેરફાર ન કરવા.. મિત્રો માત્ર શેર કરી શકશે. છબીઓ સાંકેતિક છે..
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..