શ્રી ગોબર ગણેશજી – માઉન્ટ આબુ

શ્રી ગણેશાય નમ:

ગજાનનં ભૂતગણાદિ સેવિતં કપિત્થ જંબૂફલ ભક્ષણમ્ |
ઉમાસુતં શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ્ ||

આનો અર્થ એમ થાય છે કે ——-

હે ગજરાજનાં માથાંવાળાં, બધાં ગણો દ્વારા પૂજિત અને કૈથ (એક પ્રકારનું ફળ અને જાંબુ ખાનારાં, શોકનો વિનાશ કરવાંવાળા પાર્વતીપુત્ર વિઘ્નેશ્વર ગણપતિ. હું આપનાં ચરણકમળોમાં નમન કરું છું !!!

વક્રતુંડ મહાકાય સુર્યકોટિ સમપ્રભ: ।
નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

ભગવાન શ્રી ગણેશ વિષે તો લગભગ બધાને જ ખબર છે પણ એનો ઉલ્લેખ ક્યાં અને કેવી રીતે થયો છે એની જ કદાચ કોઈનેય ખબર નથી હોતી. જો કે હજી મુશકરાજની વાત અને ભગવાન શ્રી ગણેશજીએ અમુક રાક્ષસોનો વધ કેવી રીતે કર્યો એની વાત બીજાં કોઈક ગણેશ મંદિર વખતે વાત.. ભગવાન શ્રી ગણેશ એ ભગવાન શિવજી અને માતા પાર્વતીનાં સૌથી નાનાં પુત્ર હતાં . મોટા પુત્રનું નામ ભગવાન કાર્તિકેય છે જેમને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન કહેવાય છે જેમનું વાહન મયુર (મોર) છે !!!

ભગવાન ગણેશજી પર ઘણી ફિલ્મો અને ઘણી સિરિયલો આવી ગઈ. એમાં એમના જન્મથી લઈને એમના કર્યો અને એમનું સમગ્ર જીવન આવરી લેવાયું છે.. પણ ……. એ બધામાં એક વાતનું સામ્ય છે કે એમનો જન્મ કૈલાસ પર્વત જ્યાં ભગવાન શંકર પોતાનું ગૃહસ્થ જીવન વિતાવતાં હતાં ત્યાં થયો હતો.

જ્યારે પૌરાણિક કથાઓના ઉલ્લેખ અનુસાર એમનો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો. જન્મસ્થળ આજેય પૂજનીય જ છે દરેક ભગવાનનાં પણ એ ક્યાં સ્થિત છે એની જ કોઈને ખબર હોતી નથી. જે છે એ જ સાચું છે એવું આપણે માની લઈએ છીએ. પણ જ્યારે કેટલાંક સત્યો-તથ્યો સામે આવે છે ત્યારે આપણે પણ માનવાં મજબુર થઇ જઈએ છીએ કે ખરેખર ભગવાન અહીં જ જન્મ્યા હશે !!! અને ના જન્મ્યા હોય તો પણ એ સ્થાન કે જન્મસ્થાન એ અદભૂત અને માન્યતાઓવાળું તો જરૂર હૉય છે. જો આપણે એમ સ્વીકારી લેતાં હોઈએ કે ભગવાન હનુમાનજીનો જન્મ ગુજરાતમાં થયો હતો !!! તો પછી આપણે એ પણ સ્વીકારી જ લેવું જ જોઈએ કે ભગવાન શ્રી ગણેશજી નો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો

માનવું કે ન માનવું એ જુદી બાબત છે પણ આ સ્થળ છે અને તે અદભુત છે તે વાત આપણે સ્વીકારતાં કેમ અચકાઈએ છીએ ? અચકાટ કે ખચવાટથી કઈ ધાર્મિક કથાઓ બદલાઈ નથી જતી. બદલાતું હોય તો એ છે માત્ર એનું અર્થઘટન અને માણસની એક ખાસિયત એ પણ છે કે એ પોતાને મનગમતું જ અર્થઘટન કરે. એમાં કેટલીકવાર નવાં અર્થો અને નવું સત્ય પણ બહાર આવતું હોય છે. જે કદાચ આસ્થા અને શ્રદ્ધા વધારનારું પણ બને જે એક સારી બાબત ગણાય !!! આમાં પૌરાણિક કથાઓની સાથે લોકવાયકાઓ અને કિવદંતિઓ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે

ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓ પથ્થરની ,માટીની કે ઈંટોની કે માટી પર સિંદૂર લગાવેલી હોય છે પણ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે આપણને જેની સૂગ હોય હોય એ ગોબરમાંથી પણ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ બનેલી હોય !!! આ સત્ય છે અને એ માયાઉન્ટ આબુમાં છે જોકે આવું જ એક બીજું મંદિર મધ્ય પ્રદેશમાં સ્થિત છે ખરું. એની પણ માન્યતા છે ખરી પણ આપણે વાત કરવાની છે માઉન્ટ આબુનાં ગોબર ગણેશની !!!

મંદિર અને મૂર્તિ વિષે વાત કરતાં પહેલાં આપણે આ સ્થળની મહત્તા અને એની પૌરાણિક કથા જાણી લઈએ

gobar-ganeshji

ભગવાન શ્રી ગણેશના જન્મની કથા —-

ભગવાન શ્રી ગણેશજીનાં જન્મની કથા આપને સૌને ખબર હશે પણ જે નથી જાણતાં તે તમને હું જણાવવાં માંગુ છું. સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીનો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો અને માતા પાર્વતીએ અર્બુદપર્વત નાં ઇશાન ખૂણાના શિખર પર બેસીને પુત્રની કામના અર્થે પુન્યંક નામનું વ્રત રાખ્યું હતું. એક પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણના અર્બુદ ખંડ પ્રમાણે ગૌરી શિખર પર્વત પર ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. ગૌરી શિખર એટલેકે અર્બુદ પર્વત અને ભગવાન શ્રી ગણેશના જન્મસ્થાન પર બનેલું મંદિર અને એમની નિશાનીઓ આજે પણ મૌજુદ છે જ !!!

માઉન્ટ આબુના અર્બુદ પર્વત સહિત અરવલ્લી પહાડોનાં બધાં જ ધર્મ ગ્રંથોમાં દેવી દેવતાઓનાં નિવાસ હોવાનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણનાં અર્બુદ ખંડમાં શ્રી ગણેશજીના પ્રાદુર્ભાવની કથા આ પ્રકારે છે —– માતા પાર્વતીએ ભગવાન શંકર પાસે પુત્ર પ્રાપ્તિનું વર માંગ્યું. ભગવાન શંકરે માતા પાર્વતીને પુન્યંક નામનું વ્રત કરવાનું કહ્યું. એના પછીથી એમને પુત્રપ્રાપ્તિનું વરદાન ભગવાન શંકર દ્વારા મળ્યું એના પછીથી જ ભગવાન ગણેશજીનો જન્મ ગોબરથી થયો !!! લગભગ ૨૦૦ વર્ષ પહેલાં એક બહુજ જાણીતાં સંત રામદાસે પણ આબુ કલ્પમાં લખ્યું છે કે મહાવિનાયકનો જન્મ ગૌરી શિખર પર પશ્ચિમ દિશામાં થયો હતો !!!

ભગવાન ગણપતિ સમગ્ર અર્બુદાંચલમાં વિરાજે છે અને જે પણ એમની પાસે જે પણ કંઇ માંગે છે એ એમની ઈચ્છા એ પુરી કરે છે જ. માઉન્ટ આબુમાં ગણપતિ ગૌરી શિખર પુરાણોમાં માં પાર્વતીના નિવાસસ્થાનના રૂપમાં વર્ણિત છે. એ અનુસાર જ પ્રારંભમાં આ સ્થાનનું નામ અર્બુદાંચલ હતું. માઉન્ટ આબુમાં મહાવિનાયક તીર્થ હોવાનું વર્ણન પણ અર્બુદ ખંડમાં આવે છે. એમાં જણાવ્યાં અનુસાર 32 તીર્થોમાં આ પહેલું મુખ્ય તીર્થ છે. સ્કંધ પુરાણમાં એક વર્ણન એવું પણ છે કે આ પર્વત પર ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હોવાંને કારણે એમનાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે અને દરેક વ્યક્તિને વૈકુંઠલોક પ્રાપ્ત થાય છે !!! આ એક અને અતિ મહત્વનું કારણ છે કે ભક્તોમાં આ સ્થાન માટે બહુ જ શ્રદ્ધા છે —– આસ્થા છે !!! પુરાણોમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે —– 33 કરોડ દેવી-દેવતાઓની સાથે ભગવાન શંકરે અર્બુદારણ્યની પરિક્રમા કરી હતી !!! ઋષિ મુનિઓએ અહીં દેવી-દેવતાઓનાં સહયોગ-સહકારથી ગોબર ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી જે આજે સિદ્ધિગણેશનાં નામથી જાણીતું છે !!!

gobar ganesh 3

આ ગોબર ગણેશ મંદિર આજે ઘણા બધાં નામોથી ઓળખાય છે. જેમ કે લંબોદર મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, ગોબર ગણેશ મંદિર અથવા સિદ્ધિ ગણેશ મંદિર. અહીંયા આજે પણ ગોબર ગણેશ ભગવાનની આ પ્રતિમા ભવ્યરૂપમાં વિરાજમાન છે !!!

માઉન્ટ આબુમાં સ્થિત આ ભગવાન શ્રી ગણેશજીની ગોબર ગણેશ પ્રતિમા આજે દુનિયાભરમાં મશહૂર છે. જોકે એમ કહેવું ઉચીત નથી જ કે આ મૂર્તિ દુનિયામાં એક અને માત્ર એક એવીમૂર્તિ છે જે ગોબરમાંથી બનેલી હોય. આ અતિપ્રાચીન છે અને એ સૌપ્રથમ છે એમ અવશ્ય કહી શકાય.

એમ પણ કહી શકાય કે આ સૌથી પુરાણી છે કારણકે —– મધ્યપ્રદેશનાં નલખેડામાં લગભગ ૫૦૦ વર્ષ પુરાણી એક ૧૦ ફૂટ ઊંચી ગોબર ગણેશજીની મૂર્તિ સ્થિત છે જ. જ્યારે અતિપ્રખ્યાત એવાં મધ્યપ્રદેશનાં મહેશ્વરમાં પણ એક બહુ ઉંચી ગોબર ગણેશજીની મૂર્તિ છે જે આશરે ૯૦૦ વર્ષ પુરાણી છે આનું મહત્વ અને માનતા વધારે છે !!! તો એ વાતનો તો છેદ જ ઉડી જાય છે કે આ એક અને માત્ર એક એવી મૂર્તિ છે જે ગોબરમાંથી બનેલી હોય !!! કદાચ બીજે પણ હશે જેની આપણને ખબર પણ નહીં હોય પણ લાગતું નથી કે એવી કોઈ મૂર્તિ બીજે પણ હોય !!!

અહીંની અતિપ્રાચીન મૂર્તિ માટે લોકોમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે જે પણ કઈં માંગવામાં આવે છે ભગવાન ગણપતિજી એમની બધી ઈચ્છાઓ પુરી કરે છે. જો કે આવું તો ઘણે બધે સ્થળે અને ઘણા બધા ભગવાનનાં મંદિરોમાં થતું જ હોય છે પણ એ ઈચ્છાઓ પુરી કરે છે જરૂર !!! ભગવાન શ્રી ગણેશનાં જન્મસ્થળને લઈને ઘણાં બધાં લોકોમાં જુદાં જુદાં મતો પ્રવર્તે છે. પણ કોઈ પણ દેવી-દેવતાના જન્મ સ્થળને લઈને સૌથી વધારે આધારભૂત અને પ્રામાણિક ગ્રંથ જો કોઈ હોય તો તે છે —— સ્કંદ પુરાણ !!! સ્કંદપુરાણમાં એ વાતનો ઉલ્લેખ સાત- સાત વખત થયો છે કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ અર્બુદાંચલમાં થયો હતો.

gobar ganesh

ગોબર ગણેશ મંદિર ——-

આ મંદિર આમ તો નાનકડું જ છે પણ થોડું ઉંચે છે. માઉન્ટ આબુમાં આ ભગવાન ગોબર ગણેશની પ્રતિમા દુનિયાભરમાં મશહૂર છે. આ પ્રતિમા લગભગ ૪૫૦૦ વર્ષ પુરાણી છે. એક નાનકડું જ મંદિર છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ નાનકડી પણ અતિસુંદર છે. આજુબાજુ કોઈજ પરિસર નથી સીધું એક જ મંદિર છે જેમાં પૂજારીજી બેઠાં હોય છે. આ મંદિર પથ્થરોનું બનેલું છે. ગર્ભ ગૃહ સંગેમરમરનું બનેલું છે. શિલ્પસ્થાપત્ય તો અહી કોઈ છે જ નહીં માત્ર સીધેસાદું મંદિર છે આ !!! આ મંદિર આજે આપણે જેને માઉન્ટ આબુનું ઊંચામાં ઊંચું શિખર ગુરુ શિખર કહીએ છીએ તે જ આ ગૌરી શિખર હતું અને આ મંદિર ત્યાં જ સ્થિત છે !!!

ભગવાન ગણેશજીની પ્રતિમા અહીંયા બાલરૂપમાં વિરાજમાન છે. મૂર્તિ નાની અને જમણી સુંઢવાળી છે. પણ ….. મૂર્તિ છે ખરેખર સુંદર !!! જોતાં જ રહીએ અને દર્શન કરતાં જ રહીએ એવી છે !!! ભગવાન શ્રી ગણેશજીનાં દર્શન કરવાં માટે લગભગ ૨૦૦ પગથિયાં ચઢવાં પડે છે. કારણકે આ મંદિર પહાડ પર સ્થિત છે. આ મંદિર ૧૧ સ્તંભોવાળી છતથી સુશોભિત થયેલું છે. દેખાવમાં આ મંદિર અન્ય મંદિરો જેવું જ લાગે છે. એ પહેલી નજરે તો થોડું પુરાણું હોઈ શકે એનો સહેજે અંદાજ લગાવી શકાય છે. ૨૦૦ પગથીયા ચડો એટલે આજુબાજુનું લોકેશન સારું જ હોય !!!

આ મંદીરમાં જમણી બાજુ એક મોટું ઝાડ છે અને ડાબી બાજુએ એક મોટો ખડક છે જે મંદિરની શોભા વધારનારો છે. આ સ્થાનેથી માઉન્ટ આબુ નગરનું સુંદર વિહંગાવલોકન થઇ શકે છે. મંદિરમાં લોકોની ખુબ જ અવરજવર હોય છે કારણકે આ મંદિર એ પ્રાચીન અને વિશિષ્ટ ભાત પાડનારું છે. અહીં ભક્તોનું એવું માનવું છે કે ભગવાનની આ મૂર્તિનાં દર્શન કરવાથી એક અલૌકિક એહસાસ થાય છે. આ મંદિર વિષે ઘણી માન્યતાઓ પ્રવર્તમાન છે. એવી માન્યતા છે કે ભગવાનનાં દરબારમાં આવીને જે કંઇ પણ માંગવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશજી ભક્તની મુરાદ જરૂર પૂરી કરે છે એટલાં જ માટે ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આ વે છે. જો કે એવું તો લગભગ બધે જ બનતું હોય છે !!! પણ અહી એની વાત જ ન્યારી છે કારણકે આ મૂર્તિના દર્શન માત્રથી જ શ્રધ્દાળુઓનાં બધાં જ કષ્ટો દૂર થઇ જાય છે અને એ વ્યક્તિ ભયના બંધનોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે !!!

gobar ganesh 2

ભક્તોએ ભગવાન ગણપતિજીનાં મંદિરની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. ભક્ત જ્યારે સાચાં મનથી ભગવાનને પુજતો હોય તો ભગવાન એની સારી મનોકામના પૂર્ણ કરી દે છે. એની બધી જ ચિતાઓ હરી લેતાં હોય છે !! ભગવાન શ્રી ગણેશને દુર્વા અને મોદક બહુજ પ્રિય છે. ભગવાન શ્રી ગણેશજીને તુલસીપત્રો નથી ચડાવાતાં પણ દુર્વા વગર ભગવાન શ્રી ગણેશજીની પૂજા અધુરી જ ગણાય.

ભગવાન ગણેશજીનું આ મંદિર ભલે સીધે સાદું હોય કે એમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ભલે નાનકડી હોય પણ આ મૂર્તિ પૌરાણિકકાલની છે જે ભારતની સૌ પ્રથમ છે !!! માઉન્ટ આબુ આમેય પૂરું ગુજરાતી જ છે એટલે એને પ્રથમ લીધું છે. બીજું એ કે આનો સીધો સંબંધ પૌરાણિક કાળ અને ભગવાન શ્રી ગણેશજીનું જન્મસ્થાન છે એટલે જ એણે અહી પ્રાધાન્ય આપ્યું છે. આપ સૌ આબુ તો જતાં જ હશો. શેને માટે એ નથી પૂછતો જાવ !!! પણ જ્યારે પણ જાવ અને જેટલીવાર જાઓ તો આ મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીનાં દર્શન અવશ્ય કરશો !!! ભગવાન શ્રી ગણેશજી આપ સર્વે પર પોતાની અસીમ કૃપા બનાવી રાખે

।। જય ગણેશ ।।

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!