ગીગાજી મહીયા – ભાગ 2

રમજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસ પાટણથી ઈશાન ખુણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગપાળો વોળાવીઓ ચાલ્યો આવે છે. પગના અંગૂઠા યે ન દેખાઈ જાય એવડો લાંબો અંગરખો પહેરેલો અને તે ઉપર કમરથી છાતી સુધી અરધાક તાકાની ભેટ બાંધેલી : એ ભેટમાં કટાર અને જમૈયો ધબેલાં : ખંભે ઢાલ, કેડે તલવાર અને હાથમાં જામગરીવાળી અમદાવાદી બંદૂક હતી : સીત્તેર વરસ વટાવી ગએલ બુઢ્ઢો વોળાવીઓ પૂરી પરજથી વેલડાને પડખે વહ્યો આવે છે.

એની પછવાડે પછવાડે એક વૃદ્ધ બાઈ પોતાના બે વરસના દીકરાના દીકરાને તેડીને ચાલ્યાં આવે છે. દીકરાના શરીર ઉપર શીતળાનાં તાજા ચાઠાં છે, દાદી મા અને દીકરો, બેયનાં શરીર ગૌરવર્ણાં છે. કરચલીઆળી મુખમુદ્રામાંથી જૂના કાળની નાગરી ન્યાતની નમણાઈ અને જવાંમર્દી નીતરે છે.

“માજી ! હવે કેટલા દિવસ બાકી રહ્યા ?” બુઢ્ઢા વોળાવીઆએ ડોસીમાને રસ્તે પૂછ્યું.

“આજ છેલ્લો જ દિ’ છે મિયાં ! આજ માતાજીની પાસે શિવપ્રસાદને છેલ્લી વાર પગે લગાડી આવીએ, એટલે મારી બાધા છૂટી જાશે. તમને બરાબર રોજા મહિનામાં જ રોજ રોજ પંથ કરાવવો પડ્યો છે ના, તે મારો તો જીવ બળે છે, મિયાં !”

“અરે, શું બોલો છો દાદી મા ? એમાં કયો મોટો પંથ પડી ગયો ? અને મારૂં ક્યાં એક પણ રોજું પડ્યું છે ? આપણે તો રોજ ભળકડે નીકળીએ છીએ ને દિ ઉગ્યે તો પાછાં પાટણ ભેળાં થઈ જઈએ છીએ. એટલે મારે તો સરગી કરવામાં અને રોજું ખોલવામાં કાંઈ યે નડતર થાતી નથી. બાકી ધરમ પાળવામાં તકલીફ તો પહેલી જ હોય ને ? તમે જુઓને, આટલી અવસ્થાએ : સુંવાળાં માણસ : ઓઝલ પડદો પાળનારાં : તોય બેટાની સાટું બાધા રાખી રોજ પગપાળાં બે ત્રણ ગાઉની ગીર વીંધી શીતળાજીને જુવારવા આવો છો ! આસ્થા કાંઈ રસ્તામાં પડી છે દાદી મા ?”

“આસ્થા તો શું ભાઈ ? એ તો ઓલાદના એવા મોહ કુદરતે કરી મેલ્યા છે ને મિયાં !”

આવી વાતો થાય છે. હેરણ્ય નદી ગાજતી ગાજતી નજીક ને નજીક આવતી જાય છે, શીતળા માતાની દેરીની ધજા દેખાવા લાગી છે. અંદર દીપડા પડ્યા હોય એવી વંકી જગ્યા વીંટળાઈ વળી છે. એમાં એક ઘોડેસવાર આડો ફરીને ઉભો રહ્યો. હાથમાં બંદૂક હતી તે વોળાવીઆ તરફ તાકીને બુઢ્ઢાં બાઈને કહ્યું “પગનાં કડલાં કાઢી નાખો.”

બુઢ્ઢો વોળાવીઓ મિયાં ધસીને વચ્ચે આવ્યો. બંદૂક ખભે ચડાવી. ઝીણી આંખે તાકીને પૂછ્યું “કોણ જહાંગીરો કે ?”

“હા, ફરજલ્લા મિયાં ! હું જહાંગીરો. તમે કોરે ખસી જાવ. તમે સૈયદ છો.”

“હું ખસી જાઉં ? હું સૈયદબચ્ચો ખસી જાઉં, ને તું મારા ધણી દેસાઇની માનાં કડલાં ઉપર હાથ નાખ ?”

“મિયાં ? તમે સૈયદ છે. માગો, તો જાવા દઉં.” બહારવટીઓ બોલ્યો.

“ના ના, બચ્ચા ! હું માગવા નથી નીકળ્યો: ઢાલ તલવાર બાંધીને આવ્યો છું. હું ઉદેશંકર દેશાઈનો ચાકર. વાસ્તે જહાંગીરા, માટી થા !” બુઢ્ઢાએ બંદૂક છાતીએ ચડાવી.

બેટા સોતાં માજીએ આડા ફરીને પોતાના નેકીદાર નોકરને કહ્યું “મિયાં ! તમે રેવા દ્યો. આજ ઈદ જેવા મોટા દિવસે મારાં બે કોડીનાં કડલાં સાટુ સૈયદના દીકરા મરે, તો મારે દુનિયામાં જીવવું ભારી થઈ પડે.”

“અરે શું બોલો છો માજી !” મિયાંના મ્હોં ઉપર બોંતેર વરસની નમકહલાલી તરવરી આવી: “બે દોકડાનો જહાંગીરો માજીનાં કડલાં કાઢી જાય તો મેં ત્રીસ વરસનું ખાધેલું નીમક આજ ઈદને દાડે ધૂળ મળી જાય ને ?”

માજીની આંખોમાં જળજળિયાં આવી ગયાં. લૂંટારાની સામે જોઈને માજીએ પોતાના બોખલા મ્હેાંમાંથી મોતીના દાણા જેવાં વેણ પડતાં મૂક્યાં : “જહાંગીરા ! તું યે મુસલમાનનો દીકરો છો. આજને દિવસ મિયાંનું વચન રાખ. નીકર મારાં ધોળાં લાજશે.”

જહાંગીરો પીગળતો લાગ્યો. એટલે ચતુર નાગરાણીએ આગળ ચલાવ્યું: “જો દીકરા, ચાલતો થા ! કડલાં હું તને કાલે દઈ મેલીશ. તું મારા પાટણનો રહીશ. તારે માથે વસમા દિ’ આવ્યા છે એ અમે જાણીએ છીએ, બેમાંથી હું કોઈને નહિ મરવા દઉં. જા, હું દેશાઈ કુળમાં પાકી છું. બોલ્યું નહિ ફરૂં.”

જહાંગીરાને પૂરી ઓળખાણ પડી ગઈ. બહારવટીયો બહુ ભોંઠો પડ્યો. મુંગો મુંગો ઘોડી વાળીને ચાલ્યો ગયો. આ જહાંગીરો મૂળ તો પાટણનો ખેડુતઃ પછી ભાયાતોમાં જ જમીનનો વાંધો પડ્યો તેમાં બહારવટે નીકળેલો; અને તે પછી તો કેટલાંક ડાહ્યા માણસોએ વચ્ચે પડી રાજ સાથે એનું સમાધાન કરાવેલું. પોતે પાછો પાટણમાં ખેડ કરવા માંડેલો.

એ જહાંગીરાએ એક વાર ખાનદાની ખોઈ બેસીને ગીગલાને લાખ રૂપીઆની ખોટ ખવરાવી હતી. ગીગાનો દિ’ વાંકો બેઠેલ, એટલે વણસમજ્યાં એ ય મુરખા જહાંગીરાનો દોર્યો દોરાણો. નાઘેર પંથકમાં ગોરખનાથજીની ગોરખમઢીની જગ્યાને બાર ગામનો ગરાસ : એ ગરાસે મહંતના બે ચેલકાઓ વચ્ચે ઝગડો સળગાવ્યો. એક ચેલકાએ બીજાને ઉકેલી નાખવાનો તાલ રચ્યો. જહાંગીરાને કામ સોંપાણું. જહાંગીરાએ ગીગલાને બારવટાની ઓથે એ કાળું કામ કરી નાખવાનું માથે લીધું. મહંતના અનેક ગામને ભાંગવા જહાંગીરો ગીગલાને તેડી લાવ્યો. વાળુ ટાણે અજોઠામાં મહીયાની હાકલ પડી. પણ સારે ભાગ્યે બજારમાં જ ગીગા એકને બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે ગીગાને કહ્યું કે “ફટ છે તને ગીગા ! ધરમનો થાંભલો ગીગો ઉઠીને ભેખ મારવા આવ્યો છો ?”

ગીગો ચમલ્યો, ગરદન ફેરવીને જહાંગીરાને પૂછ્યું, “કાં ભેરૂ ! આ શી રમત છે ?”

ગીગલાની કરડી આંખ જહાંગીરાના કલેજામાં પેસી ગઈ. સાચી વાત આપોઆપ બહાર આવી ગઈ.

“ગોર !” ગીગો બ્રાહ્મણ તરફ વળ્યો; “તમે મારું સતમાતમ રખાવ્યું. તમને રંગ છે, ને જહાંગીરા ! તને ફટકાર છે.”

એટલું કહીને ગીગો બહાર નીકળ્યો. એણે સીમાડે જઈને કાંઈક વિચાર કરી લીધો. પોતાના ભાઇ પુનીયાને કહ્યું કે “નાઘેરમાં આવ્યા છીએ તો ઠાલે હાથે નથી જવું. હાલો બીજ માથે પડીએ.”

નાઘેરમાં સરસ્વતી નદીને કાંઠે બીજ નામનું ગામડું છે. જેવું એનું નામ એવી જ એની રૂડપ. લોકો પહેલા પોરની મીઠી નીંદરમાં પડેલાં તે વખતે લૂંટારા છાનામાના ગામમાં પેસી ગયા. સડેડાટ સરકારી ઉતારા પર પહોંચ્યા. ભેળો જાણભેદુ હતો તેને પૂછ્યું કે “ઓસરીએ ઈ ઉંચા ઢોલીઆ ઉપર કોણ સુતું છે ?”

“પાટણવાળા દેસાઈ ઉદેશંકર.”

“ઉદેશંકર કાકા ? તયીં તો સાવધાન રેવા જેવું. જો જાગી ગયો તો ઈ નાગરબચ્ચો આપણા પાંચને ઠામ રાખશે.”

હળવે પેંતરે ઢોલીએ પહોંચી જઈને ગીગલો એ સુતેલા પડછંદ આદમીની છાતી ઉપર ઉઘાડો જમૈયો લઈ ચડી બેઠો. ઉંઘતો આદમી જાગ્યો. અંધારે તારાનાં તેજમાં છાતી ઉપરનો માણસ ઓળખાય નહિ. પૂછ્યું “કોણ તું ?”

“ઉદેશંકર કાકા ! ન ઓળખ્યો મને ?”

“ગીગલો કે ? હે કમતીઆ ! મારે ને તારે શું વેર હતું કે આમ ચોરટાની જેમ છાતીએ ચડી બેઠો ? હે બાયલા ! પડકારીને ન આવી શક્યો ? મરદનાં પારખાં તો થાત !”

“કાકા, મારે ક્યાં તમારી હારે વેર છે ? તમે તો સોમનાથજીના ગણ છો. પણ તમે એકવચની અને ધરમવાળા કહેવાઓ છો એટલે તમને મારા અંતરની બે વાતું કહેવા આવ્યો છું.”

“તો કહે.”

“ના, આંહી નહિ, ગામ બહાર હાલો.”

“ભલે હાલો.”

અંધારે અંધારે, ઉદયશંકર દેશાઈએ પોતાની ડોકમાંથી હેમનો સાતસરો હાર સેરવીને ઢોલીઆ નીચે પાડી નાખ્યો. પોતે ઉભા થયા. લૂગડાં પહેરવા લાગ્યા.  એટલો બોલાસ થાતાં તો આઘેરે ખાટલેથી એક આદમીએ જાગીને પડકારો દીધો કે “કોણ છે ઇ ઉતારામાં ?”

“આદમ મકરાણી !” ઉદયશંકર દેશાઇએ ઉત્તર દીધો ! “કોઈ નથી. સૂઈ જાવ તમે તમારે.”

દેશાઈનો વફાદાર અને શૂરો વિલાયતી આદમ જમાદાર સમજી ગયો. બંદૂક લઈને દોડ્યો. કોઠા માથે ચડી ગયો. ઉપરા ઉપરી બંદૂક નીરવા લાગ્યો. મહીયા જોઈ રહ્યા. વખાણ કરવા લાગ્યા કે “વાહ લોંઠકાઈ ! ખરો માટી !” પણ એક મહીયા જુવાને પાછળથી ચડી, પગ ઝાલી આદમને નીચે ઝીંક્યો. ઝીંકીને દાબી દીધો. દબાએલો આદમ મહીયાઓને મ્હોં ફાટતી ગાળો કાઢવા મંડ્યો.

ગાળો સાંભળીને પૂને મહીયે કહ્યું “એ જમાદાર ! મરદ થા, ગાળ્યું મ કાઢ.”

પણ આદમની જીભ ન અટકી, ત્યારે ગીગાએ કહ્યું કે “પૂના ! એ પોતે તો બહાદરિયો છે, પણ એની છભ જ અવળચંડી છે. માટે એ રાંડ જીભને જરા જામગરી ચાંપજે !”

આદમની જીભને ટેરવે પૂને જામગરીનો ડામ દીધો. આમદ ચૂપ થયો. એટલામાં પૂનાને કંઈક વહેમ આવતાં એણે દેસાઈના પલંગ હેઠળ બરછી ફેરવી. ફેરવતાંની વાર જ અંધારે ચીસ પડી કે “એ બાપા ! મને મારો મા, આ લ્યો આ દેસાઈનો અછેડો.”

પલંગ નીચે છુપાનાર એક માળી હતો. એને પૂનાએ બહાર ખેંચ્યો. એના હાથમાંથી ઉદયશંકર દેશાઈએ સેરવી નાખેલો હેમનો હાર ઝુંટવીને પૂને મહીયે થપ્પડ મારી કહ્યું કે “હે નીમકહરામ ! તારા ધણીના હાર સાટુ જરીક બરછી પણ ન ખમી શક્યો ?”

આખો દાયરો દેસાઈને લઈને ગીર તરફ ગયો. સારી પેઠે આઘા આવ્યા પછી ગીગાએ દેસાઈને કહ્યું કે “કાકા ! મારે પેટની આટલી જ વાત કહેવી હતી : કે મારૂં અકાળે મોત થાશે. પણ મારે દીકરા નથી. એટલે મારી અવગતિ થાશે. મને કોઇનો ભરોસો નથી, કે આગળથી મારી ઉત્તરક્રિયાનો બંદોબસ્ત કરૂં. તમે ધરમવાળા છો તે પાણી મેલો કે મારી વાંસે બ્રામણ જમાડશો. આટલું કરો તો મારા પેટમાં ટાઢક થાય.”

દાંત કાઢીને દેસાઈએ કહ્યું “ગીગા, આટલા સારૂ આવડી ખટપટ કરી ? હાલતે રસ્તે કહેવરાવ્યું હોત તો ય હું કરી નાખત !”

“બસ કાકા, હવે પધારો. કોઈ તમારૂં નામ ન લ્યે.”

“રામ રામ ગીગા !”

દેસાઈ ચાલ્યા ગયા. સવાર પડ્યું ત્યારે ગીગાએ પૂનાને ખંભે લટકતી રૂપીઆ જડેલ પટાવાળી એક નવી તલવાર દીઠી. પૂછ્યું: “પૂના, આ તલવાર ક્યાંથી ?”

“દેસાઇની. ઉતારામાંથી સેરવી લીધી. હાર ને તરવાર બે ચીજ આપણે બીજ ગામમાંથી કમાણા.”

“ઠીક ! ઈ હાર ને ઇ તરવાર મારી પાસે લાવો.”

૧૦

બારવટું ખેડતાં પાંચ વરસ પૂરાં થવા આવ્યાં, અને ગીગાના મોતની સજાઈ પથરાવા માંડી. માણસનાં પાપ માણસને માયલી કોરથી ખાઈ રહ્યાં હોય છે એની ખબર એને નથી હોતી. ગીગાને પણ મરવું તો હતું જ, એટલે માઝા મેલીને ગામડાં ભાંગતો હતો. એમાં એને એક સંધી મળ્યો. સંધી ગીરમાં ઘાસચારાનું એક સારું ઠેકાણું જોઈને પોતાનો માલ ચારવા જાય, પણ એક ચારણનું મવાડું યે ત્યાં આવીને હમેશાં પડે. આમ ઘાસ ચારામાં ભાગ પડે એ સંધીને ગમે નહિ. ચારણોનું કાસળ કાઢવા માટે સંધી ગીગા ભેગો ભળ્યો અને થોડાક ગામતરાં કર્યાં પછી એણે ગીગાને કહ્યું કે “ગીગા મૈયા, હવે એક મારૂં ગામતરૂં તો કરવું જોવે ને ભાઈ ?”

ગીગો કહે “ભલે, હાલો !”

ગીગાને ગંધ પણ નહિ કે સંધી કોના ઉપર તેડી જાય છે. આખી ટોળી ગીરના એક નેસડા ઉપર આવી પહોંચી. ગીગાએ માન્યું કે નેસ આયરનો કાં રબારીનો હશે, કાળી રાતે લૂંટ માંડી. અને કાળો કળેળાટ બોલ્યો. પોતે લુંટે છે ત્યાં કાને અવાજ પડ્યા કે “એ આપા ગીગા ! અમારે માથે ! ગાયું ને માથે ? તું ને આંહી કોણ તારો કાળ તેડી લાવ્યો ?”

ગીગાએ મીટ માંડી લોબડીઆળી ચારણ્યો દીઠી. પૂછ્યું,

“તમે કોણ છો ?”

“અમે તારાં કળોયાં, બાપ ! અમે ચારણ્યું.”

ગીગાને ભાન આવ્યું. હાકલ પાડી કે “આપણને છેતરનાર ઓલ્યા સંધીને ઝાલજો ભાઈ.”

પણ સંધી તો ગીગાને પાપમાં ધકેલીને ભાગી નીકળ્યો હતો.

“તુને તારો કાળ તેડી આવ્યો !” એ વચન ગીગાના માથામાં ગાજતું હતું. કાળી રાતને અંધારે પણ પોતાનું કાળું પાપ જાણે એને નજરોનજર તરવરતું દેખાણું. લુંટનો ઢગલો ગીગાએ પાછો મૂકાવ્યો. હાથ જોડીને બોલ્યો “આઈયું ! તમે મને શરાપ્યો. હવે મને માફી આપો.”

“બાપ ! વિસામા !” ચારણ્યો બોલી, “અમે મૂઠ્ય થોડી નાખી છે તે વાળી લઈએ ? અમારી તો આંતરડી બોલી છે. અમે બીજુ કાંઈ નથી જાણતાં.”

“ઠીક આઈયું ! તો પછી આ મારાં હથીઆર તમારે પગે ધરૂં છું. હવે તો તમે તમારે હાથે બંધાવો તો જ બાંધવાં છે.”

“ના ના ના, અમે કોઈનાં હથીઆર ન છોડાવીએ મારા વીર ! મહા પાપમાં પડીએ. લઈ જા તારાં પાછાં.”

એમ કહીને ચારણીએ પોતાને હાથે ગીગાને હથીઆર બંધાવ્યાં અને કહ્યું “ગીગા, આટલું એક નીમ રાખજે. એક મહિના સુધી ગામતરે ચડીશ મા. મહિના પછી તેર ચારણ્ય કુંવારકાને જમાડજે. જોગમાયા તારાં રખવાળાં કરશે.”

ગીગો ચાલી નીકળ્યો. એનું હૈયું એને ડંખવા લાગ્યું હતું. બારવટાનાં પાપ એની આંખ સામે ઓળારૂપ ઉભાં થતાં હતાં. મનના સંતાપ શમવવા માટે ગીર છોડીને પોતે કોઈ એક ગામમાં પોતાના એક ફકીર જાતના ગામેતી ભાઈબંધ મોરલીશાને ઘેર આવ્યો. ને ત્યાં જ છુપાઈને રહેવા લાગ્યો.

૧૧

થોડે દિવસે મોરલીશાનાં લગન થતાં હતાં. જાન માંગરોળ ગામે જવાની હતી. મોરલીશાએ ગીગાને કહ્યું “ગીગા મૈયા, તમારે જાનમાં આવવું જોશે.”

“ભાઈ ! મને લઇ જવો રેવા દે ચારણ્યુંએ મને એક મહિના સુધી ગામતરે ન ચડવાનું નીમ દીધું છે.”

“અરે યાર ! એ તો ગામ ભાંગવા જવાનું નીમ. અને આ તો જાનમાં આવવાનું છે. એમાં નીમ આડે ન આવે.”

“પણ ભાઈ ! વખત છે ને હું ઓળખાઈ જઈશ તો બીજું તો કાંઈ નહિ, પણ તારો વીવા વણસી જશે.”

“કોઈ નહિ ઓળખે. હાલો. બાકી ગીગો જાનમાં ન હોય તો મારે પરણવા જવું હરામ છે.”

ગીગો મિત્રની જાનમાં ચાલ્યો. બારવટીયો વતું તો કરાવે નહિ, અને લૂગડાં પણ લીલી અટલસનાં પહેરે, એટલે લાગે ફકીર જેવો. કોઈ ઓળખે તેમ નહોતું. પણ જાન તરફથી માંગરોળમાં એક દાયરો કરવામાં આવ્યો. ગામનાં કસુંબો લેનારાં તમામ માણસોને દાયરે કસુંબો પીવા આવવાનું નોતરૂં દેવાણું. એમાં શેરગઢ ગામનો દયારામ નામે એક બ્રાહ્મણ પણ બંધાણી હોવાથી જઈ ચડ્યો. મહીયાના મુલકમાં રહેનાર એ બ્રાહ્મણે ગીગા મહીયાનું મ્હોં ઓળખ્યું. બોલી ઉઠ્યો, “ઓહો ગીગા મકા ! તમે આંહી”

“ચુપ !” ગીગાએ નાક પર આંગળી મૂકી.

પણ દાયરામાં એ વાત અછતી ન રહી. રાજદરબારમાં ખબર પહોંચી ગયા, અને રાજખાતામાં મસલત ચાલી : “શી રીતે ઝાલવો એને ? જીવતો તો ઝલાશે નહિ. ઉઘાડે ધીંગાણે તો આપણા કૈંક જણ ઉડી જશે. માટે પહેલાં તો એને બેભાન બનાવો.”

આંહીં દાયરો ચાલે છે, ત્યાં તો મોરલીશા જમીનદારના માનમાં રાજ તરફથી દારૂ, માજમ, મફર વગેરે કેફી પદાર્થોની બનાવેલી મીઠાઈઓના ખૂમચા આવવા લાગ્યા. આગ્રહ કરી કરીને સહુને ખવરાવવા લાગ્યા. ગીગો દારૂ નહોતો પીતો, પણ તે દિવસના ગુલતાનમાં એણે હદ બહારનો કેફ કર્યો. બહારવટીયા અને એનાં માણસો કેફમાં બૂડબૂડાં થઈ ગયા. હવે એ લોકો હથીઆર ચલાવી શકે તેમ નથી એવી બાતમી પહોંચતા તો દરબારી ગીસ્ત ભરી બંદૂકે છૂટી.

“ગીગા મહીયા ! દગો ! ગીસ્ત આવી !” એવી બૂમ પડી. ઘેનમાં ચકચૂર બહારવટીયા ચમક્યા. લથડીયાં લેતા ઉઠ્યા. ઉગમણે દરવાજે ભાગ્યા. બ્હીકને લીધે કેફ થોડો કમી થયો. પણ ગીસ્ત એનાં પગલાં દબાવતી દોડી. બરાબર મકતૂજાનીયા પીરની દરગાહ પાસે બેહોશ થઈને ગીગો ઉભો રહ્યો. [સૈયદ મખદૂમે જ્હાનીયાં, સૈયદ સિકંદર જહાંનીયાં વગેરે પીરો માંગરોળમાં પહેલા મુસલમાન સંતો હતા અને શાહ આલમ સાહેબના શિષ્યો હતા. તેમને મળેલું ગામ મક્તમપોર પહેલાં દેવલપુર કહેવાતું. રા’ મંડળિક ૫ર મહમૂદ બેગડાને ચડાવી લાવનારા એ લોકો જ હતા એમ કહેવાય છે.] બીજા બધા આંબલી પર ચડી ગયા. અને પોતે ગીસ્ત આવી પહોંચે તે પહેલાં પોતાને જ હાથે પેટ તરવાર ખાઈ ઢળી પડ્યો. ગીસ્તનાં માણસો આવી પહોંચ્યાં ત્યારે ગીગો છેલ્લા શ્વાસ લેતો હતો. ઓચીંતું એને કંઈક યાદ આવી ગયું. એણે પડકારીને કહ્યું કે

“ભાઈઓ, તમે સિપાહીના દીકરા છો; હું કરજમાં ન મરૂં એટલા સારૂ વિનવું છું કે આ હાર અને આ તલવાર પાટણવાળા દેસાઈ ઉદેશંકર કાકાને પાછાં પોગાડજો ! કહેજો કે તે દિ’ રાતે બીજ ગામેથી ગીગલો ચોરી ગએલો.”

[આ હાર ને તલવાર દેસાઈ ઉદયશંકરને કોઈએ નહોતાં પહોંચાડ્યાં. એટલે દેસાઈએ અરજ હેવાલ કરતાં અજાબ મુકામે પો. એ. કેપ્ટન લેન્ગ મારફત તલવાર પાછી મળી, પણ હાર તો સિપાહીઓએ લુંટમાં વહેંચી ખાધેલો તેથી તેની કિંમતનાં રોકડ નાણાં મળ્યાં. એ નાણાં આ એકવચની નાગરે ગીગા મહીયાની પાછળ ધર્માદામા ખરચી નાખ્યાં હતાં. આ દેસાઈ કુટુંબની જવાંમર્દી આ વૃતાંતોમાં ઠેર ઠેર ઝલકે છે. આગલા આલેખેલાં નાગરાણી તે આ ઉદયશંકરનાં જ માતુશ્રી, અને કાદુની કથામાં “હરભાઈ” નામનું પાત્ર તે આ ઉદયશંકરના જ પુત્ર.]

પોતાના ગળામાંથી નવસરો હેમનો હાર અને કમ્મરમાંથી રૂપીઆ જડિત પટાવાળી તલવાર ઉતારીને ગીગાએ ધરતી પર ઢગલો કર્યો. તે પછી તૂર્ત એના શ્વાસ છૂટી ગયા. બીજાઓને પણ ગીસ્તે આંબલી પરથી બંદૂક મારી મારીને પછાડ્યા.

આ દેકારાની અંદર ગીસ્તની પછવાડે જ મોરલીશા ચાલ્યો આવતો હતો. આવીને એ ગીગાની લાશ પર ઉભા રહ્યો. આંખો બીડીને થોડી વાર એણે ધ્યાન ધર્યું. ને પછી એણે ગીગાની જ તરવાર એ લાશ પરથી ઉપાડી.

“હાં ! હાં ! હાં ! બાપુ !” કહીને માણસોએ એના હાથ ઝાલ્યા.

“તમે ખસી જાઓ ભાઈ ! જીદ કરો મા. આજ મારે બાંધ્યે મીંઢોળે જ ગીગાની ભેળા થઈ જવું જોવે.”

હાથ છોડાવી, મોરલીશાએ પેટ તરવાર નાખી. ગીગાની લાશ ઉપર જ પોતે પ્રાણ છોડ્યા. સંવત ૧૯૧૩ની આ વાત.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

Image Art- Divyarasinh Dayatar

ગીગાજી મહીયા – ભાગ 1

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!