શ્રી ગૌરી મંદિર – થારપારકર (સિંધ પાકિસ્તાન)

રાજસ્થાન એટલે કિલ્લાઓ, મહેલો મંદિરો અને રણ. રાજસ્થાનમાં જ ભારતનું મોટું રણ એટલેકે જેને આપણે થારનું રણ કહીએ છીએ એ સ્થિત છે. જેણે આપણે ગ્રેટ ઇન્ડીયન ડેસર્ટનાં નામે પણ ઓળખીએ છીએ. આ રણ એ ૨૦૦ કિલોમિટર જેટલાં વિસ્તારમાં પ્રસરેલું છે. જેનો ૮૫ ટકા ભાગ ભારતમાં છે અને ૧૫ ટકા ભાગ પાકિસ્તાનમાં છે. આ રણ ભારતમાં ૧૭૦ કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને પાકિસ્તાનમાં માત્ર ૩૦ જ કિલોમીટર. ભારતમાં રાજસ્થાનમાં રણમાં જેવાં મકાનો હોય છે એવાં જ મકાનો, અહી જેવાં ઝુંપડા હોય છે એવાંજ ઝુંપડા અને મકાનો તમને ત્યાં પણ જોવાં મળે છે. તમે એ ના કહી શકો કે આ ભારતનું રાજસ્થાન છે કે પાકિસ્તાનનું થારપારકર..

બંનેમાં ઘણી જ સામ્યતા જોવાં મળે છે. બસ ખાલી એ પાકિસ્તાનમાં છે એટલું જ. બાકી બધી રીતે ઘણું જ સામ્ય જોવાં મળે છે. ત્યાંના બાંધકામો અને આજુબાજુનો વિસ્તાર એ આપણા જોધપુર- પોખરણ -બાડમેર – જેસલમેર -ખુરી- બિકાનેર -ઓસીયા અને અન્ય રણપ્રદેશો સાથે મેળ ખાતો નજરે પડે છે. એ નક્કી જ ના કરી શકાય કે આ ભારતનો ભાગ છે કે પાકિસ્તાનનો ભાગ, વળી આપણા દેશમાં રાજસ્થાનનાં રણ પ્રદેશમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં જે પહેરવેશ છે એવોજ પહેરવેશ આ ૩૦ કીલોમીટરમાં વસતાં લોકોનો પણ પહેરવેશ છે. એક ખૂબીની વાત તો એ છે કે અહી રાજસ્થાનના રણ અને પાકિસ્તાનના રણને માત્ર કુદરતી સરહદો જ જુદી પાડે છે એટલે કે રણ પ્રદેશ અને થોડો પહાડી પ્રદેશ. કહેવાનો મતલબ એ છે કે અહી કોઈ સરહદી વાડ બાંધવામાં તો આવી છે પણ બધી જ જગ્યાએ એ વાડ નથી. અહીંથી ત્યાં પાકિસ્તાન જવાં માટે એક બે ચેકપોસ્ટો વટાવવી પડતી હોય છે. એક રસ્તો જ આ બંનેને જુદો પાડે છે જે જેસલમેરથી ૧૦-૧૫ કિલોમીટર દુર છે ત્યાંથી પાકિસ્તાનમાં જઈ શકાય છે. અમુક જગ્યાએથી એ ૨૫થી ૪૦ કિલોમીટર દુર છે

આ રણ પ્રદેશ છે એટલે ગરમ વધુ હોય એટલે અહી જવાનો તૈનાત હોતાં નથી પણ તેની નજીકનો વિસ્તારમાં એટલેકે શહેરોમાં જવાનો જરૂર તૈનાત હોય છે !!! ચેક પોસ્ટો પર જરૂર તૈનાત હોય છે જવાનો. બાકી બધી રીતે એ ખાલી રણ પ્રદેશ જ છે, પણ આ રણ એ બહુજ અલ્પમાત્રામાં ગુજરાત અને થોડું પંજાબ અને હરિયાણામાં પણ પ્રસરેલું છે !!! રાજસ્થાનમાં આ રણ જેટલું ભારતમાં છે નાં ૬૦ ટકા ભાગ એ રાજસ્થાનમાં છે અને એ પ્રવાસસ્થળો બની ચૂક્યાં છે ખાસ કરીને ગુજરાતીઓ જ ત્યાં વધુ જતાં હોય છે !!! કહેવાનો મતલબ એ કે આપણે જે રણને માણ્યું છે કે ભવિષ્યમાં માણશો તમે બધાં એ રાજસ્થાનનું જ રણ છે

કચ્છનું જે મોટું રણ છે એ આ થારનાં રણનો જ એક ભાગ છે. ગુજરાતમાં આ રણ કચ્છનું નાનું રણ થઇ જાય છે તેની વાત આખી અલગ જ છે. આ બંને એ જુદા પડે છે કોકને કોક ભૂસ્તરીય રીતે !!! આ જે પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં જે રણ છે અને જે માત્ર ૩૦ કિલોમીટરનાં વિસ્તારમાં પ્રસરેલું છે એમાં ને ભારતનાં રણમાં કોઈ જ ફેર નથી, પણ એનું નામ ત્યાં થારની જગ્યાએ થારપારકર થઇ ગયું છે અને એ નામનો ત્યાં જીલ્લો પણ છે જે પાકિસ્તાનના સિંધ રાજ્યમાં આવેલું છે. આવાગમન તો થાય છે બંને સરહદોએથી ક્યારેક કોઈ વ્યાપારના સંબંધે તો ક્યારેક કોઈ સામાજિક કારણોને લીધે. એ બહાને આ બંને સંસ્કૃતિઓનો મેળાપ અવારનવાર થતો જ રહેતો હોય છે. જોકે પાકિસ્તાન આનો ગેરલાભ વધુ ઉઠાવે છે !!! ઘુસણખોરી કરીને અને નિર્દોષોની હત્યા કરીને !!! પણ તોય ત્યાં પણ રણ છે અને આપણા મંદિરો પણ છે.

Gori Temple 31

પાકિસ્તાનમાં આવેલ હિંદુઓનું સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન “શ્રી ગૌરી મંદિર – થારપારકર (સિંધ)”

રાજસ્થાનમાં જેવાં મંદિરો છે ખાસ કરીને આ રણપ્રદેશમાં એવાં જ હિન્દુ મંદિરો આ પાકિસ્તાનમાં પણ સ્થિત છે જ. એમાં શિવ મંદિરો અને જૈન મંદિરો વધારે છે પણ એક ગૌરી મંદિર છે જે દુનિયાનું ત્રીજું સાથી મોટું મંદિર છે. પાકિસ્તાન સ્થિત ત્રીજી શક્તિપીઠ કે ઉપશક્તિપીઠ છે. આ શક્તિપીઠોનું મહત્વ અને મહાત્મ્ય આમેય વધારે જ હોય અને એ વિશાળ જ હોય પણ જેટલું મહત્વ હિંગળાજ શક્તિપીઠ અને શારદા શક્તિપીઠનું છે એટલું તો આનું નથી જ પણ છે એ તો સ્વીકારવું જ રહ્યું !!! કારણકે આ માં ગૌરી મંદિર છે. પાકિસ્તાનના જે વિશાળ મંદિરો છે એમાં પણ આ ત્રીજું જ છે, વળી આ મંદિર જૈનોનું તીર્થ સ્થાન પણ છે જ. આવાં ગૌરી મંદિર અહી ભારતમાં પણ ઘણાં છે અને એમાંનું એક તો ભારતની ૫૧ શક્તિપીઠોમાંની એક ઉપશક્તિપીઠ પણ છે

ગૌરી એટલે માતા પાર્વતી જ ગણાય જે ભગવાન શંકરની અર્ધાંગીની છે એટલે જ આ નામના મંદિરો ભારતમાં ઘણાં બન્યાં છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ જૈનોનું તીર્થ સ્થળ કહી શકાય એવું એક વિશાળ મંદિર સ્થિત છે જે જેસલમેરના પ્રખ્યાત દુર્ગમાં આવેલું છે. ઘણા જૈનો આની યાત્રાએ જાય છે. તદુઉપરાંત જેસલમેરની જૂની રાજધાની લોદ્રવામાં પણ જૈન મંદિર છે જે હવે રણની રેતમાં દટાઈ જવાની તૈયારીમાં જ છે. જેસલમેરની આજુબાજુમાં પણ ઘણાં જૈન મંદિરો છે. જેસલમેરથી સામ સેન્ડ ડયુન્સ તરફ જતાં પણ ઘણાં જૈન મંદિરો આવે છે. આજ સ્થળેથી પાકિસ્તાન જવાય છે અને ત્યાં જ આ થારપારકર જીલ્લો સ્થિત છે. કહેવાનો મતલબ એ છે કે આ રસ્તે જ જૈન મંદિરો વધુ જોવાં મળે છે જે તે સમયે તો પાકિસ્તાન તો નહોતું અસ્તિત્વમાં આવ્યું. પણ ૧પમી -૧૬મી શતાબ્દીમાં આ વિસ્તાર એ જૈનોને માફક આવી ગયો લાગે છે. ઓસીયામાં પણ જૈન મંદિરો છે જ્યાંથી આ રણ શરૂ થાય છે. એટલે રણ પ્રદેશ એટલે જૈનોનાં મંદિરોનો પ્રદેશ એમ જરૂર કહી શકાય. પણ આ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં થારપારકર જિલામાં આ એક મંદિર એવું છે જે ગૌરી મંદિર છે અને શાથેસાથે એ જૈન મંદિર પણ છે !!! આ મંદિર એ હિંદુ અને જૈન સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે. આ બે ધર્મો અહીં ભેગાંથઈને એકબીજામાં ભળી જતાં લાગે છે.

Gori_004

ગૌરી મંદિર

પાકિસ્તાનનું આ ત્રીજું વિશાળ મંદિર છે. આ મંદિર એ દુનિયાનું ત્રીજું સૌથી મોટું ગૌરી મંદિર છે. આ મંદિરમાં એક અત્યંત વિશાળ અને એક અતિસુંદર માં ગૌરીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે એ ચારભુજાવાળી માં ગૌરી છે. જેમનાં ઉપરી જમણા હાથમાં ત્રિશુલ છે અને નીચલા ડાબા હાથમાં ડમરું છે. આ મૂર્તિ બિલકુલ નટરાજની નર્તન મુદ્રામાં છે તથા એમને શંકર ભગવાનનાં વાહન નંદી પર બિરાજિત કરાયાં છે. આ મૂર્તિનાં દર્શન કરવાં પણ એ પણ એક પોતાનામાં લ્હાવો જ છે પણ આજે અહીં કોઈ પૂજા નથી !!! પણ અહી જૈનોનાં ૨૩માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની કાળા આરસની એક સુંદર મૂર્તિ પણ અહી પ્રસ્થાપિત કરવામાં આવી છે એટલે આ માં ગૌરીની સાથે જૈનોનું પણ મહાતીર્થ રહ્યું હશે એક જમાનામાં અને ગૌરી-ગૌડી તીર્થ એ જૈનોમાં અતિપ્રખ્યાત છે આનાં બીજાં મંદિરો સમગ્ર ભારતમાં પણ ઠેરઠેર ઠેકાણે જોવાં મળે છે પણ આ સૌથી પ્રાચીન છે એમાં !!!એટલેજ એનું મહત્વ વધારે છે ધાર્મિક દ્રષ્ટિએ અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ !!!અહી ઇસ્લામિક ,હિંદુ અને જૈન શિલ્પસ્થાપત્યકળાનો સુમેળ સધાતો નજરે પડે છે !!!

મંદિર અત્યરે ખંડેર હાલતમાં પણ છે પણ એક જમાનામાં મંદિરની જરૂર બોલબાલા રહી હશે. થારપારકર અને રાજસ્થાનનાં રણ પ્રદેશોમાં સામાન્યતઃ સફેદ પથ્થરો વપરાતાં નથી એટલે આ મંદિર વિશિષ્ટ ભાત પાડનારું છે એમ જરૂર કહી શકાય એમ જ છે. આ મંદિરનું નિર્માણ ૧૬મી શતાબ્દીમાં થયેલું હોય એવું લાગે છે. જોકે અલગ અલગ સાલમાં અલગ અલગ મંદિરો વધુ બન્યાં હોય એવું લાગે છે પણ એની કોઈ ચોક્કસ સાલવારી ખબર નથી પડતી. ગૌરી મંદિર મુખ્ય રૂપે તો જૈન મંદિર છે પંરતું આમાં અસંખ્ય દેવીદેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવેલી છે.

ગોરી મંદિર વિરવાહ મંદિરથી લગભગ ૧૪ માઇલ ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. કોઈકે તેની ચોક્કસ સાલવારી પણ આખરે કહી જ દીધી છે, પણ તે આજ મંદિરની છે એવું હાલમાં તો લાગી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં એટલે કે નગરપારકરમાં આમેય જૈન મંદિરો ઘણાં છે. થારપારકર જિલ્લાની જોડે અડીને જ આ નગરપારકર જિલ્લો આવે છે જે એક જ રસ્તામાં આવે છે આ બધું અને માત્ર થોડાં થોડા કિલોમીટર આ જૈન મંદિરોનાં અવશેષો જોઈ શકાય છે. જૈનોની પણ સ્થાપત્યકળા વિશેષ જ છે પણ આ મંદિર માં ગૌરીની મૂર્તિ હોવાથી અને એ વિશ્વમાં ત્રીજું મોટું ગૌરી મંદિર હોવાથી એનું મહત્વ વિશેષ છે વળી આ વધુ પ્રાચીન છે અને આનું શિલ્પસ્થાપત્ય વધુ આકર્ષક છે !!!

લોકો ભલે એમ કહેતા હોય કે આ સોળમી શતાબ્દીમાં બન્યું હોય પણ પુરાતાત્વિક તથ્ય તો એમ કહે છે કે આ ઇસવીસનની ૧૪મી સદીમાં બન્યું હોય !!! આની ચોક્કસ સાલવારી એ જૈન સાહિત્યમાં અને જૈન ઈતિહાસકારોએ આખરે શોધી જ કાઢી છે. આ મંદિર ઇસવીસન ૧૩૭૫ -૧૩૭૬માં ગુજરાતી સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું અને તેના ૫૨ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના ગુંબજ સાથે ૩ મંડપ છે. મંદિર ૧૨૫ ફૂટ લાબું અને ૬૦ ફુટ પહોળું અને તે આરસપહાણથી બનેલું છે. આખું મંદિર એક ઉચ્ચ જગતિ પર બાંધવામાં આવ્યું છે. જેમાં પથ્થરમાં કોતરવામાં આવેલાં પગથિયાં દ્વારા પહોંચી શકાય છે. મંદિરના અંદરના ભાગમાં સુંદર રીતે કોતરવામાં આવેલા આરસના સ્તંભો છે. મંદિરની પ્રવેશદ્વારની છત એ ભિંતચિત્રોથી શણગારેલી છે જે જૈન પૌરાણિક કથાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

Gori_temple,_ceiling

ગોરી મંદિરના ભીંતચિત્રો ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગમાં અસ્તિત્વમાં આવેલા સૌથી જૂના જૈન ભિંતચિત્રો છે. ૨૪ નાનાં ખંડો (ખૂણામાંની મૂર્તિઓ) સમગ્ર મંદિરમાં જોવા મળે છે જેનો ઉપયોગ જૈન ધર્મના ૨૪ તીર્થંકરોની જાણકારી લોકોને ઉપલબ્ધ કરાવે છે. ઘણી સદીઓથી આ ગોરીપુરનું મંદિર એક મોટું જૈન તીર્થ હતું. સ્થાનિક હિન્દુઓ માટે પણ આ એક મહાતીર્થ હતું. તેમજ ભગવાન પારસનાથ(પાર્શ્વનાથ)ની મૂર્તિ માટે પણ આ મંદિર નોંધપાત્ર છે જે જૈનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. અહીની સ્થાપત્યકળા એ માઉન્ટ આબુનાં અતિપ્ર્ખ્યાત દેલવાડાના જૈન મંદિરો સાથે વધારે મળતીઝૂલતી આવે છે. ધર્મ અંતરનો મોહતાજ નથી એટલે જ તો ક્યાં માઉન્ટ આબુ અને ક્યાં આ થારપારકર આ બંને વચ્ચે ઓછમાં ઓછું ૮૦૦ થી ૯૦૦ કિલોમીટરનું અંતર હશે પણ એ જમાનામાં આટલું અંતર લોકો કાપતાં હતાં અને એ પણ વગર વાહને અને ઝડપથી !!! તો જ આવાં મંદિરો બાંધી શકાય એક જ શૈલીમાં પણ સ્થળ જુદાં છે

એની મંદિર સંરચના અને એની મુર્તિકળા અને સમગ્ર માળખું બીજાં મંદિરોથી અલગ જ તરી આવે છે !!! જે આ મંદિરને નોખું-અનોખું બનાવે છે. આ મંદિરમાં હિંદુ દેવી દેવતાઓના ઘણાં શિલ્પો છે. જેમાં ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન શિવજી અને ભગવાન હનુમાનજીના શિલ્પો વધુ જોવાં મળે છે. આ સિવાય પણ અનેક દેવી-દેવતાઓનાં શિલ્પો સ્થિત છે. આ મંદિરનો દરવાજો એ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે જે તમને ગુજરાતનાં અનેક જૈન મંદિરો અને અન્ય હિંદુ મંદિરોમાં વિપુલ પ્રમાણમાં જોવાં મળે છે તથા માઉન્ટ આબુ અને રાણકપુરના પ્રખ્યાત જૈન મંદિર સાથે મેળખાતો નજરે પડે છે !!! હિંદુ દેવી દેવતાઓની ઉપસ્થિતિ જ એ વાતને સાબિત કરે છે કે આ હિંદુ મંદિર પણ છે જેમાં માં ગૌરીની પણ પૂજા થાય છે !!!

આપણે આપણી પુરણકથાઓને જ વધારે મહત્વ આપીએ છીએ કે આપણા બે મહાન કાવ્યો રામાયણ અને મહાભારતને જ કે વેદો અને ઉપનિષદોને જ જો કે એ આપવું જ જોઈએ એમાં જરાય ખોટું નથી પણ બીજાં ધર્મોનાં ગ્રંથો વિષે આપણે હજી અજ્ઞાત જ છીએ. જયારે એ જોવાં જઈએ કે એને વિષે લખતાં હોઈએ ત્યારે આ ધર્મના પણ પુસ્તકો વાંચવા જોઈએ કે એને વિષે પણ પુરતી જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. જો ના ખબર પડતી હોય તો જે તે ધર્મનાં વિશેષજ્ઞોનાં સલાહ-સૂચનો અવશ્ય લેવાં જોઈએ અને એમની પાસેથી વિશેષ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મંદિર વિષે મેં જાણકારી પ્રાપ્ત કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે.

Gori Temple 2

આ મંદિર પાકિસ્તાનમાં સ્થિત હોવાથી આપણે તે જોઈ તો શકવાનાં જ નથી તો એ વિષે જયારે લખીએ ત્યારે બીજે ક્યાં કશું એને વિષે લખાયું છે એ જાણવાનો અને એ વાંચવાનો પ્રયાસ તો અવશ્ય જ કરવો જોઈએ !!! આ વાંચતાં- વાંચતાં મને જે જે જાણકારી પ્રાપ્ત થઇ એ આપની સમક્ષ મુકું છું. આ વિષે જ્યાં પણ લખાયું છે તે ઓછું જ છે અને જો એ વિષે આટલી જાણકારી પ્રાપ્ત થઇ જ શકતી હોય તો એ જાણકારી મુજબ જ લખવું જોઈએ કોઈએ પણ !!! આવું ઘણાં બધાં લેખોમાં થતું મેં જોયું છે જ !!! જો લખવું જ હોય તો પૂરું લખવું નહીં તો આને વિષે ના જ લખવું !!! જેમ જેમ આ વિષે વાંચતો ગયો તેમ તેમ હું આ મંદિર અને આ સ્થળ વિષે જ્ઞાત થતો ગયો. એ મારી માહિતી અને જાણકારી હું તમારી સમક્ષ મુકવાની રજા લઉં છું !!!

ઘણી બધી જગ્યાએ અને વિકિપીડીયામાં પણ ઘણું ખોટું લખાયેલું છે એ લોકો વિદેશી સાહિત્યકારો પર નિર્ભર વધુ હોય છે એમ મને લાગે છે. એક ઉદાહરણ આપું તો રાજપુતાના વિષે લખતાં હોઈએ તો રાજપૂત ઈતિહાસ પર જ નીરભરહેવું જોઈએ નહીં કે કર્નલ ટોડ પર. આ કર્નલ ટોડે ઇતિહાસને તોડમરોડીને જ રજૂ કર્યો છે અને એમાય બધે એમની સાલવારી ખોટી જ છે. આવું તો ઘણાબધાં લોકોએ કર્યું જ છે જે સરાસર ખોટું છે સત્યથી વેગળું છે !!! આપણા ઈતિહાસ અને અને આપણી સંકૃતિ અને સભ્યતા જો આટલી પુરાણી અને સમૃદ્ધ હોય તો આપણે શા માટે અલ બરુની કે ચીની મુસાફરો કે પાશ્ચાત્ય ઈતિહાસકારોનો સહારો લેવો જોઈએ !!! આ “ગૌરી મંદિર: એ ૧૬મી સદીમાં બંધાયું એ વાત સદંતર ખોટી જ છે. આ હકીકતમાં ૧૪મી સદીમાં બાંધવામાં આવ્યું હતું જેમાં પાછળથી અન્યોએ એનો વિસ્તાર કર્યો હતો એમ કહી શકાય. મારાં એ વાંચન અને એની જાણકારી મુજબ —–

સંવત ૧૬૫૦માં પ્રિતિવિમલા દ્વારા લખાયેલી”ગૌડી પાર્શ્વનાથ સ્તવન’ અને “શ્રી ગૌડી પાર્શ્વનાથ સ્તવન”માં કે જે નામવિજય દ્વારા સંવત ૧૮૦૭ માં રચાયેલું હતું. તેમાં આ મંદિરનાં માળખાંનો ઉલ્લેખ થએલ જોવાં મળે છે. મુનિ દર્શનવિજયનાં લખ્યાં અનુસાર આ મંદિરની આધારશીલા ઝીંઝુવાડનાં એક શેઠ ગોડીદાસે નાંખી હતી અને એને પવિત્ર સ્થાન બનાવવું એવું પાટણનાં પ્રખ્યાત વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્યે સંવત ૧૨૨૮માં કહયું હતું ત્યારે પણ આ મંદિર કોકે તો ત્યાં બનાવેલું હતું જ પણ ભૂકંપ કે કોઈ અન્ય કારણોસર એ જમીનમાં દટાઈ ગયું હતું એને ત્યાંથી શોધી કાઢવાનો શ્રેય એ કોક આ થારપારકરની આજુબાજુનાં સ્થાનિક રાજાઓને જાય છે. તેમને આ શોધી કાઢયું અને એ જીર્ણશીર્ણ હાલતમાં હતું એને ફરીથી બંધાવ્યું હતું એટલે આ મંદિર તો મૂળ તો કોક ગુજરાતી રાજાની જ દેન જ ગણાય. કદાચ સોલંકીયુગનાં રાજા કુમારપાળના સમયમાં તે બન્યું હોય કારણકે રાજા કુમારપાળે જ જૈન ધર્મને વ્યાપક બનાવ્યો હતો અને એને પ્રસરાવ્યો હતો !!! કદાચ ત્યાર પછીનાં સોલંકી યુગના રજાઓ કે અન્ય માલેતુજારો પણ હોઈ જ શકે છે પણ એનું ચોક્કસ નામ આ પહેલાનાં અન્ય લખાણોમાં પ્રાપ્ત નહોતું થયું તે હવે પ્રાપ્ત થઇ ગયું છે કે ખરેખર આ કોણે બંધાવ્યું છે તે !!!

Gori_Temple

ઉપર જણાવેલ સાહિત્ય અને અમુક પ્રશસ્તિઓ પ્રમાણે એક વેપારી આશરે ૫૦૦ વર્ષ પહેલાં જેનું નામ મંગા ઓસ્વાલ હતું જે નગરપારકરથી પાટણ કોઈક ચીજ વસ્તુઓ ખરીદવા ગયો હતો એને સપનામાં આવીને કોઈકે એવી માહિતી આપી હતી કે એક મૂર્તિ એ ત્યાંનાં એટલેકે પાટણના કોઈ સ્થાનિક મુસ્લિમને ત્યાં દટાયેલી છે તે મૂર્તિ તું ખરીદી લે એવી એણે સ્પષ્ટપણે સુચના આપી એને એ ખરીદી લેવાં જણાવવામાં આવ્યું. આ મૂર્તિ એ ઓસ્વાલે ૧૨૫ દિરહામ અને ૫૦૦ ટકા (પૈસા)માં ખરીદી લીધી અને એ મૂર્તિ તરફ પાછું વાળીને કે પાટણમાં રોકાયા વગર ગાડામાં બેસીને ત્યાંથી તરત જ નીકળી જવાની પણ સુચના પણ એને સપનામાં અપાઈ જ હતી !!! તારું આ ગાડું નગરપારકર આગળ ભાંગી જશે અને તું એમાંથી ગબડી પડીશ. એવી પણ ભવિષ્યવાણી એનાં સપનામાં બીજી વાર કોઈકે કરી જ હતી અને અહી નીચે આરસપહાણ અને ખજાનો છે એટલે તું અહીં કોઈ શિલ્પકારો દ્વારા મંદિર એક અતિભવ્ય અને અતિસુંદર મંદિર બનાવ

જેથી કરીને લોકો આ મૂર્તિની પૂજા-અર્ચના સારી રીતે કરી શકે અને આ મન્દીરને જે નામ આપેલ છે તે છે ગૌરી. આ મંદિર બાંધ્યું અને દેખરેખ પણ રાખી સીરોહીના શિલ્પકારોએ. આજે પણ એ સીરોહીની આજુબાજુનાં ઓસ્વાલ જૈનો જ આની દેખભાળ રાખી શકે એમ છે એમનો જ ઈજારો છે !!! આમેય આબુ એ સિરોહી જીલ્લામાં જ આવ્યું છે અને સીરીહીની આજુબાજુ આ ઓસ્વાલ જૈનોનાં ઘણાં તીર્થો છે. ઓસીયામાં પણ આ ઓસ્વાલ જૈનોનાં ઘણાં મંદિરો છે અને જેસલમેરની આજુબાજુનાં વિસ્તારોમાં પણ આનું શિખર એ મંગાના દિકરા મહીઓએ બનાવ્યું છે. આ મૂર્તિને ફરી પાછી પ્રસ્થાપિત કરી આચાર્ય મેરુતુંગ સૂરી જે આંચલ ગચ્છાનાં હતાં. પાછળથી તેમને મળેલી સૂચનાઓ અનુસાર

તેમણે ગોડીપુર ખાતે એક નવું નગર સ્થાપ્યું અને સંવત ૧૪૪૪ માં એક મંદિરનું નિર્માણ કર્યું આમ ગોડી પાર્શ્વનાથ તીર્થની સ્થાપના કરી. અને આમ આ રીતે આ ગૌરી -ગોરી – ગૌડી પાર્શ્વનાથ તીર્થ બન્યું જેના મંદિરો કાળક્રમે પાછળથી ઘણી બધી જગ્યાએ થયેલાં જોવાં મળે છે પણ એનું મૂળ તીર્થ તો આ જ છે. હવે ……. અહી માં ગૌરીની સ્થાપના કોણે કરી ? એ શક્તિપીઠ ક્યારે બન્યું ? એની પૂજા ક્યારે થતી હતી ? જો માં ગૌરીની પૂજા થતી હતી તો એ જૈન તીર્થમાં કેવી રીતે ફેરવાઈ ગયું? કે પછી જૈનો પણ માં ગૌરીનાં ઉપાસકો હતાં. તો પછી આ ગૌરી મંદિર ક્યારે બન્યું ? કેવી રીતે બન્યું ? અને કોણે બનાવ્યું ? એ બધાં જ પ્રશ્નો અધ્યાહાર જ રહે છે

સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગૌરી મંદિર પહેલાં બન્યું હશે તોએ જૈનતીર્થમાં કેવી રીતે રૂપાંતરિત થઇ ગયું અને આ મંદિરના ગુંબજો અને અમુક સ્થાપત્યો એ ઇસ્લામિક સ્થાપત્યકલાનાં પણ નમુના છે તો એ કોણે બંધાવ્યા ? અતિ મહત્વનો પ્રશ્ન એ કે આ મંદિર સૌ પહેલાં ક્યારે બંધાવ્યું હતું એ તો રામ જાણે. એક વાત તો નિશ્ચિત જ છે કે મંગા ઓસ્વાલનાં આ મંદિર બનાવ્યાં પછી જ જૈનોનું એ તીર્થસ્થળ બની ગયું હતું !!!

Gori Temple 5

ગૌરી મંદિર શિલ્પસ્થાપત્ય —–

ગૌરી મંદિર શાસ્ત્રીય મધ્યયુગીન શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. શિખર સાથેનું મુખ્ય માળખું (મુલા પ્રાસાદ) ૫૨ નાનાં નાનાં મંદિરો (દેવકુલીકાસ ) દ્વારા ઘેરાયેલું છે. એ બિલકુલ વિમલશાહના માઉન્ટ આબુનાં દેલવાડાના મંદિરો જેવું જ છે. આનો ઉલ્લેખ એ દેવી-સપ્તશતિ અને બાવન જીનાલય જે નંદલાલ ચુનીલાલ સોમપુરાનું સંસ્કૃત પુસ્તક છે જિન પ્રસાદ માર્તંડ એમાં થયેલો જોવાં મળે છે. વિમળશાહનાં આ દેરાં (મંદિરો)ની જેમ 52 મંદિરો એ નાનાં ગુંબજોથી બનેલાં છે. આની અંદર એક અલાયદા ઓરડામાં નાનાં મંદિરો છે જે સમગ્ર ઉતર ભારતમાં પ્રચલિત છે તેવાં જ !!!

મંદિર હવે વિરાન થઇ ગયું છે એ ખંડેર થઇ ગયું છે કહેવાનું તાત્પર્ય એ કે હવે એ તીર્થસ્થળ રહ્યું નથી. આગળનો દરવાજો અને એની અતિસુંદર કમાન અને એ દરવાજા પર ૧૨ સ્તમ્ભોને ખૂણાઓમાં તથા આજુબાજુની દિવાલો પર શિલ્પસ્થાપત્ય અને આજુબાજુની કોતરણી પ્રમાણમાં કૈંક સારી રીતે જળવાયેલા દ્રષ્ટિગોચર થાય છે. એક ઉપલા માળે લોકો તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતાં હતાં મુર્તીતો આજે હયાત છે પણ હવે ત્યાં કોઈ દર્શન કરવાં પણ જતું નથી. ઘોડાઓ , હાથીઓ, પાલખીઓ, રથ, આંતરિક અને બાહ્ય દ્રશ્યો વગેરે જેવાં ભિંતચિત્રો દોરાયેલાં છે અને એક ભાગમાં તીર્થંકરોનાં ચિત્રો દોરાયેલાં છે.. આ પ્રકારની ચિત્રકળા અને આવા ભિંતચિત્રો હવે ખૂબ જ દુર્લભ છે કારણ કે ભારતમાં આ સમયગાળાનાં ચિત્રો સામાન્ય રીતે દોરવામાં આવ્યા છે તેવાં હવે જોવાં મળતાં જ નથી !!!

ગૌરી મંદિરમાં ભીંતચિત્રો વિશ્વમાં સૌથી જૂના જૈન ભીંતચિત્રો છે. ગૌરી મંદિરમાં ઘણા ગુંબજો અને છત છે જેને લગભગ ૧૨ સ્તંભો પર ઉભી કરવામાં આવી છે. આ મંદિરમાં ૩ મંડપ અને 52 ગુંબજ છે જે ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનેલાં છે. આ મંદિર એ જગ્યાઓનાં અન્ય બાંકામોથી તદ્દન વિપરીત એ આરસપહાણમાંથી બનેલાં છે. આ આખું મંદિર એક ઉંચી પ્લીન્થ પર બનેલું છે અને એનાં પગથિયાં પથ્થરનાં બનેલાં છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ એ માં ગૌરીની એક અતિસુંદર અને વિશાળ પ્રતિમાઓ અને એનાં ભિંતચિત્રો છે જે ચોરાયા નથી કે બહુ બુરી રીતે ખરાબ નથી થયાં મધ્યકાળમાં બનેલાં આ મંદિરમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મની અનેક મૂર્તિઓ રાખવામાં આવી છે પણ પાકિસ્તાનનાં કટ્ટરપંથીઓનાં વધતાં જતાં અને દિનપ્રતિદિન પાકિસ્તાનની કથળતી જતી પરિસ્થિતિ ને કારણે આ મંદિર જીર્ણશીર્ણ અવસ્થામાં છે અને એનાં ભવ્ય ભૂતકાળની યાદ અપાવતું ઊભું છે. આનાં રખર્ખાવની કમી જરૂર વર્તાય છે જેના પર કોઈજ ધ્યાન આપતું નથી આજસુધી તો !!!

પાકિસ્તનમાં જે અલ્પસંખ્યક હિંદુઓ વસે છે એમાં અધિકતમ આદિવાસી લોકો છે. પાકિસ્તાનમાં આ આદિવાસીઓને થારી હિંદુઓ કહેવામાં આવે છે. અહીંયા નજીકમાં જ એક ગામ છે જેનું નામ પણ ગૌરી જ છે. અહીંથી નજીકમાં થોડેક જ આગળ મારવી જો કુંહ (મારવીનો કૂવા) એ એક વધુ વારંવાર લોકોને આકર્ષિત કરતુ અને આજે પણ એક હયાત સ્થાન છે. જે ઘણી વિરોધાભાસી વાર્તાઓ અને દંતકથાઓનું ઘર છે.

Gori Temple 3

એક દંતકથા અનુસાર ——-
એક મારવી – એક સ્થાનિક થારી મહિલાનું રાજા ઉમર દ્વારા હજારો વર્ષો પહેલા કૂવાના સ્થળે અપહરણ કરાયું હતું. તેનનું મૃત્યુ કે અપમૃત્યુ અહીં જ થયું હતું કહેવાય છે કે તે આજે પણ આત્મારૂપે હાજર છે અને આ કુવાની દેખભાળ કરે છે અને એ બહાને એ ત્યાંના લોકોને મદદ કરે છે !!!

આકુવાની વિશેષતા એ છે એ રણપ્રદેશમાં હોવાં છતાં એનું પાણી સુકાઈ જતું નથી. આ કુવામાં પાણી સતત ભરેલુંને ભરેલું જ રહે છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ કુવાનું અત્યારના સમયમાં સમારકામ થયેલું છે એટલે તે હાલમાં બનેલો હોય એવું જ પ્રતીત થાય છે. આ ગામની મહિલા શાહીકુટુંબમાં ગયેલી હોવાથી અહીના લોકો આ સ્ત્રીને બહુ જ માન આપે છે એટલે જ આ કુવાની મહત્તા વધી છે !!! અહી એક આદિવાસી સાંસ્કૃતિક કેન્દ્ર છે જે અહીની લોક્સંકૃતિને ઉજાગર કરે છે !!! આસ્ત્રીનું એક તૈલચિત્ર પણ અહી મુકવામાં આવ્યું છે. આ કુવો એ આદિવાસીઓનું વિશેષ આકર્ષણ છે એમ સહેજે કહી જ શકાય એમ છે !!!

આજુબાજુમાં થોડેક થોડેક અંતરે ઘણાં જૈન તીર્થો અને મુસ્લિમ સ્થાપત્યના નમુના છે. જે પણ જોવાંલાયક છે. આ મંદિર એ હિંદુ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને ઇસ્લામિક સંસ્કૃતિનો સુમેળ સાધતો ઉત્તમ નમુનો છે.. ટૂંકમાં —– સિંધના આ થારપારકર જીલ્લામાં મૌજુદ માતા ગૌરીનું આ મંદિર સનાતન ધર્મમાં ઘણું જ મહત્વનું ગણાય છે ત્યાં જવાય તો જજો નહીં તો એને વિષે આ વાંચી લેજો

!!જય ગૌરી માતા!!
!!જય જિનેન્દ્ર!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!