ગૌ-પૂજનનું મહત્વ

ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે. જડ-ચેતન, ચરાચર સકલસૃષ્ટિમાં તે પરમાત્મ તત્ત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી, ‘સર્વભૂતહિતે રતાઃ’ એ તેનો આદર્શ છે. પ્રાણીમાત્ર પર પ્રેમ અને નહીં કે દયા, એ તેનો દૃષ્ટિકોણ છે. પ્રાણીમાત્રમાં જો ભગવાન વસતો હોય તો તેના પર દયા કેમ થાય? ભગવાન પર તો પ્રેમ કરાય અને કાં તો તેની પૂજા થાય. આ રીતે ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ માનવના દિલમાં પ્રાણીમાત્રને માટે આદર હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિ માનવને સમગ્ર દૃષ્ટિ પર આત્મૌપમ્ય દૃષ્ટિથી પ્રેમ કરવાનું શીખવે છે.

સમગ્ર પ્રાણી સૃષ્ટિ પર પ્રેમ કરવાની માનવની અશક્તિ, મર્યાદા અને અશક્યતાને ધ્યાનમાં લઈને આપણા ઋષિઓએ પ્રાણીસૃષ્ટિના પ્રતીક તરીકે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો. પૃથ્વીની ધારણામાં ગાયનો, બહુ મોટો ફાળો છે.

ગોભિર્વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભિઃ સત્યવાદિભિઃ ।
અલુબ્ધૈર્દાનશૂરૈશ્ચ સપ્તભિર્ધાર્યતે મહી ।।

‘ગાય, બ્રાહ્મણ, વેદ, સતીઓ, સત્યવાદીઓ, નિર્લોભી અને દાનવીરો આ સાત લોકોથી પૃથ્વીનું ધારણ થાય છે.

ઋષિઓએ જ્યારે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો ત્યારે કદાચ હિંદુ શબ્દ પ્રચલિત પણ ન હતો. તેથી ગાય એ હિંદુ ધર્મનું પ્રતીક છે એમ માનવું એ ભૂલભરેલું છે. માનવની માનવેતર સૃષ્ટિ સાથે પ્રેમ કરવાની હિંમતનો જ ગો-પૂજામાં પરિચય મળે છે. મહમદે પણ કુરાનમાં ગાયની નિર્દોષતા અને પ્રસન્નતાનું વર્ણન કરી તેની પૂજાનો આદેશ આપ્યો છે.

ગાય માનવીને પોતાનું સર્વસ્વ આપે છે, તેનું દૂધ પીને માનવ પુષ્ટ બને છે. તેના સંતાનને હળમાં જોડી તે પોતાની ખેતીને લીલીછમ બનાવે છે. તેનું છાણ ઉપયુક્ત ખાતર બને છે. ગોમૂત્ર અનેક રોગો પર અકસીર ઔષધ પુરવાર થયું છે. આવા અનંત ઉપકારો જેણે માનવજાત પર કર્યા છે તે ગાય માટે માનવ જો કૃતજ્ઞા ન રહે તો તેની માણસાઈ જ ક્યાં રહી?

ભારતીય સંસ્કૃતિ તો આનાથી પણ આગળ જાય છે. તેને ગાય તરફ જોવાની કેવળ ઉપયુક્તતાની દૃષ્ટિ માન્ય નથી. ગાયને જો માત્ર તેની ઉપયુક્તતા જોઈને જ સાચવવાની હોય તો જ્યારે તે નિરુપયોગી બને ત્યારે કસાઈવાડે મોકલતા માણસ અચકાય નહીં. માનું દૂધ પીને બાળક ઉછરે છે એ રીતે જોતા જેનું દૂધ પીને માણસ ઊછરે તે માતૃસ્થાને ગણાય, આ રીતે ગાય એ મનુષ્યની માતા છે અને મા એ ઉપયોગી હોય કે અનુપયોગી – હંમેશાં પૂજ્ય છે. વાઘ-સિંહો પોતાના પોષણને માટે ગાયને મારે છે. જ્યારે માનવ પોતાના પોષણ માટે ગાયને પાળે છે, પોષે છે, પૂજે છે, એમાં જ માનવની વિશેષતા છે. બીજા પ્રાણીની માદાનું દૂધ પીને ઊછરનાર કેવળ માનવ સંતાન જ છે એમાં માનવબુદ્ધિનું કૌતુક છે. તેમજ જેનું દૂધ પીને પોતે ઊછરે છે તેને માના પૂજ્ય સ્થાને મૂકવામાં તેના હૃદયના વિકાસનો પરિચય થાય છે.

ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. આ સંસ્કૃતિની છાયામાં ઊછરેલા માનવને જમવા બેસતા પહેલાં બાંધેલી ગાય યાદ આવતી. તેને ઘાસ નીરી પછી પોતે જમવા બેસતો. આજે પણ હજી ઘણા કુટુંબોમાં ગો-ગ્રાસ કાઢવાની પ્રથા છે. મને ભૂખ લાગે તેમ ગાયને પણ ભૂખ લાગે છે, તેને પણ તરસ લાગે છે.  ગાયની આંખોમાં પણ મૂક પ્રેમનાં દર્શન થતાં. આપણા પૂર્વજો ગાયની ભાવભરી માવજત કરતા. તે મૂક છે તેથી તેનું પહેલું સ્મરણ અને તેના દ્વારા સમગ્ર પ્રાણીસૃષ્ટિનું સ્મરણ.

રાજર્ષિ દિલીપ અને મહારાણી સુદક્ષિણા મહર્ષિ વસિષ્ઠની ગાય નંદિનીની ઉત્કૃષ્ટ સેવા કરે છે, તેનું અતિ મનોહારી અને રમ્ય ચિત્રણ મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય રઘુવંશમાં કર્યું છે.

‘રાજા દિલીપ દિલની લગનથી નંદિનીની સેવા કરવા લાગ્યા. ક્યારેક તેઓ એને સ્વાદિષ્ટ ઘાસનો ગ્રાસ બનાવીને પોતાના હાથે ખવડાવતા, ક્યારેક તેના દેહને ખંજવાળતા, ક્યારેક મચ્છર, માખી વગેરેને ઉડાડતા, અને જ્યાં જવા માગતી ત્યાં તેને જવા દેતા. જેવી તે ઊભી થતી રાજા પણ ઊભા થઈ જતા અને જેવી તે ચાલવા લાગતી કે રાજા પણ તેની જોડે ચાલવા લાગતા. તે બેસતી ત્યારે રાજા પણ બેસી જતા અને તે પાણી પીવાની ઇચ્છા કરતી ત્યારે તેને પાણી પાતા અને પોતે પણ પીતા. આ રીતે પડછાયાની માફક તેઓ તેને અનુસરતા.’

ગાયનું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણે પણ ઘણું વધાર્યું. ગાયના ગુણોને લક્ષમાં રાખી પોતાના જીવનમાં તેને વણી લીધા. ગાયને જીવનનું અંગ બનાવી પોતે ફક્ત કૃષ્ણ ન રહેતાં ગોપાલ-કૃષ્ણ થયા. તેમણે ગાયોને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે તેમની મુરલીની ધૂન સાંભળતાં જ ઘેનુઓ ગાંડી બનીને દોડી આવતી. ગોવર્ધન પૂજાનો મહિમા સમજાવી તેમણે ગોકુળમાં ઘી દૂધની રેલમછેલ કરી મૂકી હતી.

ગાય પરોપકારી તો છે જ પરંતુ તેના પરોપકારની સાથે સાથે તેનો વાગોળવાનો ગુણ પણ ધ્યાન ખેંચે એવો છે. ઘાસને વાગોળી વાગોળીને તેનું દૂધમાં રૃપાંતર કરી નાખનાર ગાયને સુપાત્ર ગણવામાં આવી છે. જ્યારે દૂધ પીને પણ વિષ ઓકનાર સાપને અપાત્ર ગણવામાં આવ્યો છે.

પાત્રાપાત્રાવિવેકોડસ્તિ ઘેનુપન્નગયોરિવ ।
તૃણાત્સંજાયતે ક્ષીરં ક્ષીરાત્સંજાયતે વિષમ્ ।।

આપણે પણ આપણી પાસે આવતા વિચારો કે મંતવ્યોને તરત સ્વીકારી ન લેતાં, ગાયની માફક વાગોળીએ તેના પર ચિંતન, મનન કરીએ તો સમાજમાં થતા ઘણા અનર્થો અટકશે. તેમજ વાગોળીને બહાર પડેલા વિચારો આપણા માટે તેમજ સમાજ માટે શુભદાયી અને પુષ્ટિદાયી બનશે.

ગાયની સાથેના ઐકયને આપણા પૂર્વજોએ કેટલું પ્રાધાન્ય આપ્યું હતું તે નીચેના શ્લોક પરથી સ્પષ્ટ થાય છે ઃ

ગાવો મે અગ્રતઃ સન્તુ ગાવો મે સન્તુ પૃષ્ઠતઃ ।
ગાવો મે હૃદયે સન્તુ ગવાં મધ્યે વસામ્યહમ્ ।।

‘મારી આગળ ગાયો રહો, મારી પાછળ ગાયો રહો, મારા હૃદયમાં ગાયો રહો અને ગાયોની વચ્ચે હું વસું છું.’ ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિથી ગાય એ વિભૂતિ છે. તેથી આ સંસ્કૃતિ ગોહત્યા કરવાની વિરુદ્ધ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે.

સર્વોપનિષદો ગાવો – આ દૃષ્ટિથી ઉપનિષદ એ ગાય છે. તેથી મારી આગળ ઉપનિષદના વિચારો રહો અને મારો જીવનપંથ ઉજ્જવળ કરો, મારા જીવન માર્ગમાં પ્રકાશ પાથરો, મારી પાછળ ઉપનિષદના વિચારો રહો અને મારાં જીવનવ્રતોનું રક્ષણ કરો અને મારું હૃદય ઉપનિષદના વિચારોથી રંગાયેલું રહો. ઉપનિષદોના વિચારોનું જ ભગવાને દોહન કરીને ગીતારૃપી દૂધ જગત સામે પીવા માટે મૂક્યું છે.

સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ ।
પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતાડમૃતં મહત્ ।।

ગીતા એ મારા જીવનનો પથપ્રદશક ગ્રંથ રહો.
વળી ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા અર્થ છે.

વિના ગોરસં કો રસો ભોજનેષુ? (ગાય)
વિના ગોરસં કો રસો ભૂપતિષુ? (બાહુ)

વિના ગોરસં કો રસો કામિનીષુ? (દૃષ્ટિ)
વિના ગોરસં કો રસો હિ દ્વિજેષુ? (વાણી)

અર્થાત્ ગોરસ (દૂધ, દહીં, ઘી) વગરના ભોજનમાં શો રસ ? ગોરસ (બાહુબળ) વગરના ભૂપતિનું શું મહત્વ ? ગોરસ (સુદૃષ્ટિ-સારી આંખો) વગરની સ્ત્રીનું શું સૌંદર્ય ? અને ગોરસ (વાણી) વગર દ્વિજનો શો અર્થ ?

ઉપર વર્ણવેલા બધાં જ અર્થમાં ગો-પૂજા આપણા જીવનમાં સાકારિત થાય એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણે પ્રાર્થના!
– (સંસ્કૃતિપૂજન)

error: Content is protected !!